Rasoima Mango Magic books and stories free download online pdf in Gujarati

રસોઇમાં મેંગો મેજિક

રસોઇમાં મેંગો મેજિક

મીતલ ઠક્કર

કેરી બધાં ફળોનો રાજા છે. તે અમૃત ફળ છે. પાકી અને મીઠી કેરી આરોગ્યવર્ધક છે. કાચી કેરીનું કચુંબર અને અથાણું થાય છે. કેરીનું શરબત પિત્ત શામક છે. પાકી કેરીની વાત કરીએ તો તે મીઠી, વીર્ય વધારનાર, સ્નિગ્ધ, બળ આપનાર, ભારે વાતહર, વર્ણ સુધારનાર અને શીતળ છે. તે પિત્ત કરતી નથી. કેરીનો પ્રવાહી રસ બળ આપનાર, ભારે વાતહર, તૃપ્તિ આપનાર, પૌષ્ટિક અને કફ વધારનાર છે. જ્યારે પાકી કેરીના ચીરિયાં ભારે, રુચિકારક, મધુર, પૌષ્ટિક, બળ આપનાર, શીતળ, વાત્તપિત્તહર, રોચક, પૌષ્ટિક, બળ વધારનાર, વીર્ય વધારનાર, વર્ણ સુધારનાર અને મધુર છે. કેરીનો રસ સૂંઠ મેળવી ખાવો હિતકર છે. આ સિવાય સંચળ અને જીરું પણ નાખવામાં આવે છે. કેરીના રસના સૂકવેલા પાપડ તરસ, ઊલટી મટાડનાર, વાતહર, પિત્તહર, સારક, રોચક અને હલકાં છે. કુદરતી રીતે પાકેલી કેરી પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. આંબામાં પ્રચૂર માત્રામાં વિટામીન તત્ત્વો હોય છે. ત્યારે મીઠી-મીઠી કેરીની વિવિધ વાનગીઓનો આસ્વાદ માણવાનું મન દરેકને થાય તે સ્વાભાવિક છે. કેરીની મોસમમાં અમે કેરીના રસિયાઓ માટે અવનવી વાનગીઓનો રસથાળ લાવ્યા છે.

કેરી મગની દાળનાં ભજિયાં

સામગ્રી: ૧ કપ પીળી મગ દાળ, ૧/૪ કપ કાચી કેરીની છીણ, ૨ નંગ લીલાં મરચાં(ઝીણાં કાપેલાં), ૭-૮ નંગ મરી પાઉડર, ૧ ચમચી આખા ધાણાં, તેલ, મીઠું (સ્વાદ પ્રમાણે).

રીત: મગની દાળને ૨ કલાક પલાળી રાખો. પાણી નીતારી કાચી કેરીની છીણ, લીલાં મરચાં, થોડું પાણી નાખી મિક્સરમાં વાટો. આ મિશ્રણમાં મરી, ધાણાં, અને મીઠું મિકસ કરો. કડાઈમાં તેલ ગરમ કરી ભજિયાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. આ ભજિયાં લીલી ચટણી અને આમલીની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

મેન્ગો જલેબી

સામગ્રી: પાકી કેરી, ૩૦૦ ગ્રામ ખાંડ, થોડું કેસર, ૨૫- મિ.લિ. પાણી, ૨૫૦ મિ.લિ. દૂધ, ૧૦૦ ગ્રામ દહીં, ૨૦૦ ગ્રામ મેંદો, અડધો કિલો ઘી.

રીત: જલેબીનું ખીરૂ બનાવવા મેંદો અને દહીંને એક દિવસ પહેલાં મિક્સ કરી રાખો. પૅનમાં ખાંડ અને પાણી મિકસ કરી ગરમ કરો. ઊભરો આવે એટલે દૂધ મિકસ કરો. કાળું ફીણ (ખાંડનો મેલ) થાય તો કાઢી લો. કેરીની સ્લાઈસ કરી અલગ રાખો. કડાઈમાં ઘી ગરમ કરો. કેરીની સ્લાઈસને જલેબીવાળા ખીરામાં બોળીને તળો. ખાંડની ચાસણીમાં બોળી રાખીને સર્વ કરો.

બૂંદી કેરી

સામગ્રી: ૧ નંગ કાચી કેરીના ઝીણા ટુકડા, ૧૦૦ ગ્રામ ખારી બૂંદી, તેલ, અડધો ચમચી લીમડો, તેલ (જરૂર પ્રમાણે), અડધી ચમચી લીલાં મરચાંની લુગદી, બે ચમચી લાલ મરચાંનો પાઉડર, ૧ ચમચી હળદર, ૧ ચમચી જીરું, ૨ ચમચી કોથમીર(ઝીણી સમારેલી), ૨ ચમચી જીરાનો પાઉડર, મીઠું

રીત: ફ્રાઈંગ પૅનમાં તેલ ગરમ કરો. બધા મસાલા નાખો. એક કપ પાણી ઉમેરી મસાલા ચડવા દો. કાચી કેરીની છીણ અથવા ઝીણી છીણ, અને ખારી બૂંદી નાખીને દસ મિનિટ ચડવા દો. કોથમીર ભભરાવી સર્વ કરો.

હાફુસ કેરીનું શરબત

સામગ્રી :બે કપ હાફુસનો રસ, સાડા ત્રણ કપ પાણી, પ્રમાણસર સાકર, બે ટીપાં મેંગો એસેન્સપા ચમચી લીંબુનો રસ, ચપટી મીઠું.

રીત : સ્ટીલના તપેલીમાં પાણી લઈ તેમાં સાકર, મીઠું અને લીંબુનો રસ નાખી ધીમા તાપે મૂકવું. સાકર પીગળી જાય બાદ ગેસ પરથી ઉતારી ઠંડુ થવા દેવું. તેમાં કેરીનો રસ, એરોન્સ ભેળવી બરાબર મિક્સ કરી એક મિનિટ મિક્સરમાં ફેરવવું. ફ્રિજમાં ઠંડુ કરવા મૂકવું.

મેંગો પુલાવ

સામગ્રી : ૩ કપ કેરીનો રસ, બે કપ બાસમતી ચોખા, ૧/૨ ચમચી કેસર, ૨૫ ગ્રામ પિસ્તા, ૪ ટુકડા તજ, ૪ લવિંગ, ૩ કપ દૂધ, ૧ કપ સાકર, ૫૦ ગ્રામ કાજુ, વરખ અને ગુલાબનાં પાન.

રીત : આફુસ કેરીનો રસ કાઢવો. દૂધને ઉકાળીને ૧ કપ કરવું. રસમાં દૂધ ભેગું કરી હલાવવું. સાકર નાંખી બરાબર હલાવવું. પિસ્તાં અને કાજુના ટુકડા કરવા. કેસર ગરમ કરી, ખાંડી એક ચમચા દૂધમાં પિગળાવવું. ચોખાને ૧ કલાક પલાળી ઉકળતા પાણીમાં કડક છૂટો ભાત બનાવવો. ચારણીમાં નિતારી, ઠંડુ પાણી નાંખી નિતારી ફ્રીજમાં એક કલાક રાખવો. આપતી વખતે ઘી ગરમ કરવું. તજ, લવિંગ, ઈલાયચી નાંખવા. ભાત નાંખી, તૈયાર કરેલો કેરીનો અડધો રસ નાંખી હલાવવું. ભાતના ત્રણ ભાગ કરવા. પ્લેટમાં એક ભાગ ભાતને પાથરવો. તેની ઉપર અડધો રસ પાથરવો. થોડાં કાજુ-પિસ્તાં નાંખવા. ફરીથી લેયર રિપીટ કરવું. છેલ્લે ભાત પાથરી, કાજુ-પિસ્તા નાંખી, વરખ પાથરવો. ગુલાબનાં પત્તાં પાથરવો.

ધ્યાન રાખો કે કેરીનો રસ ખાટો લેવો નહીં. ભાતમાં જરા મીઠું નાંખી હલાવવું. ભાત કડક જોઈએ પણ કાચો રાખવો નહીં.

મેંગો આઈસ્ક્રિમ

સામગ્રી : ૫૦૦ ગ્રામ દૂધ, ૮ ટે. સ્પૂન ખાંડ, ૧/૨ વાટકી ક્રીમ, ૧ ટે. સ્પૂન કોર્ન ફ્લોર, ૧ પાકી હાફૂસ કેરી, જરાક મેંગો એસેન્સ.

રીત : થોડા દૂધમાં કોર્નફ્લોર ઓગાળી પેસ્ટ જેવું બનાવી રાખવું. બાકીના દૂધમાં ખાંડ નાખી ઉકાળવા મુકવું. ઉકળે એટલે તેમાં કોર્નફ્લોર વાળી પેસ્ટ નાંખી બે-ત્રણ ઊભરા લાવવા. નીચે ઉતારી દૂધ કર્યા બાદ તેમાં એકરસ કરેલી મલાઈ નાંખી બધું મિક્સરમાં ચર્ન કરવું અને મિશ્રણં ફ્રિઝરમાં મૂકી સેટ કરવું. સેટ થયા બાદ બહાર કાઢી બરાબર ચર્ન કરવું. આ વખતે તેમાં હાફૂસના બારીક ટુકડા મીક્સ કરવા. મેંગો એસેન્સ મીક્સ કરવો અને આઈસ્ક્રિમ બનાવવાના એરટાઈટ ડબ્બામાં મિશ્રણ ભરી આઈસ્ક્રિમ ૪ થી ૫ કલાક ફ્રીઝરમાં સેટ કરવા મૂકવો.

મેંગો મસ્તાની

સામગ્રી: ૧ લિટર ઘટ્ટ દૂધ, ૫૦૦ ગ્રામ કેરીનો પલ્પ, કાજુ-બદામ-પિસ્તાના બારીક ટુકડાં. વેનિલા આઈસક્રીમ, જરૂર મુજબ ખાંડ.

બનાવવાની રીત : સૌપ્રથમ દૂધને ગરમ કરીને ઘટ્ટ બનાવી લેવું. ગરમ થતું હોય ત્યારે તેમાં થોડી ખાંડ ભેળવી દેવી. દૂધ બરાબર ઘટ્ટ થાય તેનું ધ્યાન રાખો. દૂધ ઠંડું થાય એટલે તેમાં કેરીનો પલ્પ ભેળવી લો. લાંબા ગ્લાસમાં સૌપ્રથમ ઠંડું કરેલું કેરીનું મિશ્રણ ભેળવો. તેમાં એક સ્કૂપ વેનિલા આઈસક્રીમ મૂકો. કેરીના ટુકડાં કાજુ, બદામ-પિસ્તાના ટુકડાથી સજાવીને સર્વ કરો.

મેંગો સોસ

૧/૨ વાટકી ખાંડ, ૧ કપ મેંગો જ્યુસ, ૧/૨ ટે. સ્પૂન કોર્નફ્લોર, ૧/૨ ટે. સ્પૂન માખણ, ૨ થી ૪ ટીપા મેંગો એસેન્સ.

રીત: એસેન્સ સિવાયની તમામ ચીજો મિક્સ કરી, જાડા વાસણમાં ધીમા તાપે ઉકાળવી, સોસ જાડો બને ત્યારે નીચે ઉતારી ઠંડો થાય એટલે તેમાં એસેન્સ ભેળવવું. આ સિવાય જ્યારે સિઝન સિવાયના ફળોનો સોસ બનાવવો હોય ત્યારે ૧ ચમચો જે તે ફળોના જામમાં ૧ ચમચો સાધારણ ગરમ પાણી ભેળવવું. સહેજવાર ધીમા તાપે ગરમ કરવાથી સરસ સોસ બની જશે. આ પ્રમાણે ઓરેન્જ સોસ, રાસબરી સોસ, સ્ટ્રોબેરી સોસ, પાઈનેપલ સોસ, મેંગો તથા મીક્સફ્રૂટ્સ સોસ વગેરે સોસ ખૂબ ઝડપથી અને સહેલાઈથી બની શકે છે.

કેરી નાળિયેર સ્પેશ્યિલ

સામગ્રી : ૧ નાળિયેર (છીણેલું) ૪ મોટી ચમચી ખાંડ, ૧/૨ કપ દૂધ, ૨ મોટી ચમચી દહીં, ૧ કપ પાણી, ૧ કપ બરફના ટુકડા તથા ૩-૪ કેરી. સજાવટ માટે : કેરી, કેરીનો સોસ તથા ફુદીનો.

રીત : નાળિયેરને પાણી સાથે મિક્સરમાં પાંચ મિનિટ સુધી ક્રશ કરો. હવે એને ગળણીથી ગાળી લો. નાળિયેરના દૂધમાં ખાંડ અને દૂધ નાખી ઉકાળો. એ ઉકળવા લાગે એટલેએમાં દહીં નાખો. એ ફાટી જાય ત્યારે ઠંડુ થવા દો. પછી એક કપડામાં બાંધી લટકાવો, જેથી તેનું બધું પાણી નીકળી જાય. પછી એના ગોળા બનાવી ફ્રીઝરમાં મૂકો. બે કલાક પછી એને ફ્રીજમાં મૂકી દો. સોસ બનાવવા માટે કેરીનો માવો કાઢી એમાં ખાંડ નાખી ૫-૧૦ મિનિટ સુધી ગેસ પર ધીમા તાપે પકાવો. પછી આંચ પરથી ઉતારી ઠંડુ કરો. ઠંડુ થયા પછી એક કાચના ગ્લાસમાં પહેલાં કેરીનો સોસ નાખો. ત્યારબાદ ઉપરથી નાળિયેર, પનીરના ગોળાને બરફના છીણ સાથે ગોળો બનાવી એમાં નાખો. એની ઉપર ફરી કેરીનો સોસ રેડો, કેરીની લાંબી લાંબી ચીરીઓ કરી ગ્લાસમાં નાખો. એની ઉપર ફુદીનાનાં પાનથી શણગારો.

મીઠી કેરીની બ્રેડ

સામગ્રી : એક લાંબી બ્રેડ, ૧ કપ કેરીના નાના ટુકડા, ૧/૨ કપ મિક્સ સૂકો મેવો, ૧/૨ કપ મેંગો સોસ, ૧/૨ કપ માખણ, ૨ કપ ખાંડ, ૧/૨ કપ પનીર, ૨ એલચી (વાટેલી) ૨ મોટા ચમચા માખણ, ૧ મોટો ચમચો મેંદો. સજાવવા માટે : બટર આઈસિંગ

રીત : બ્રેડની કિનારીથી ૧ ઈંચ જેટલો ભાગ કાપી અંદરનો ભાગ કાઢી લો. બ્રેડની અંદર અને બહાર માખણ લગાવો અને એક બાજુ મૂકો. કેરીને છીણી લો. પનીર, કેરી, મેવો તથા એલચી બધું ભેગું કરો. એમાં અડધી બ્રેડનો ભૂકો નાખો. આ મિશ્રણમાં માખણ જરૃર નાખો. (એ રસ ચૂસી લેશે) હવે નોનસ્ટિક કે જાડા તળિયાવાળી કડાઈમાં પાણી લઈ તેમાં ખાંડ નાખી ચાસણી બનાવો. અડધી ચાસણી અલગ કાઢી લો. હવે કેરી અને બ્રેડ વગેરેના મિશ્રણને કાપેલી બ્રેડમાં ભરીને ઢાંકણથી બંધ કરો. મેંદાનું ખીરું બનાવી પછી એનાથી ઢાંકણને બંધ કરો આ બ્રેડને ચાસણીમાં નાખી ધીમા તાપે ગેસ પર મૂકો. બ્રેડને ધીરે ધીરે હલાવો તથા ઉપર થોડી થોડી ચાસણી રેડતાં રહો. ધીરે ધીરે બ્રેડ બધી ચાસણી ચૂસી લેશે. ત્યારબાદ ૧૦-૧૫-૨૦ મિનિટ સુધી એને રહેવા દો. છેલ્લે એક ટ્રેમાં કાઢી ઉપર મનપસંદ આઈસિંગ કરો. બ્રેડને ઠંડી કર્યા પછી નાના-નાના ટુકડા કરો.

કેરીની કઢી

સામગ્રી : ૧ કપ અડધી બાફેલી કેરીના ટુકડા, ૨ મોટી ચમચી ચણાનો લોટ, ૧ નાની ચમચી મીઠું, ૧/૨ નાની ચમચી લાલ મરચું, ૧/૪ નાની ચમચી હળદર, ૧/૨ નાની ચમચી મેથી, ૧/૨ ચમચી રાઈ, ચપટી હીંગ, મીઠા લીમડાનાં ૧૦ પાન, ૨ મોટા આખા લાલ મરચાં, ૧ મોટો ચમચો તેલ, ૨ મોટી ચમચી નાળિયેરના ટુકડા, કોથમીર.

રીત : ચણાના લોટને ૪ કપ પાણીમાં મેળવી બરાબર મિક્સ કરો. એમાં મીઠું, મરચું અને હળદર નાખો. કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, મેથી અને લીમડાનો વઘાર કરી તરત જ હિંગ અને લાલ મરચું નાખી તેમાં તરત કેરી અને નાળિયેરના ટુકડા નાખો. ૫ મિનિટ સુધી હલાવતા રહો. ત્યારબાદ તેમાં ચણાના લોટનું ખીરું નાખો અને આંચ ધીમી કરી દો. તેને સતત હલાવતા રહો જેથી ગઠ્ઠા ન થાય. ૧૫-૨૦ મિનિટ પછી ઉતારી લો. છેલ્લે એમાં કોથમીર અને ગરમ મસાલો નાખો.

મેંગો બહાર સેવૈયા

સામગ્રી : ૧ કપ કેરીનો પલ્પ, ૫૦૦ ગ્રામ દૂધ, ૧ કપ વર્મિસેલી સેવૈયા, ૧ ટે.સ્પૂન શુદ્ધ ઘી, ૧ ટે.સ્પૂન એલચી-જાયફળનો પાઉડર, સ્વાદ પ્રમાણે ખાંડ, ચપટી કેસર, જરૂર મુજબ ગુલાબજળ, સ્વાદ પ્રમાણે કાજુ-બદામ-પિસ્તાના ટુકડા કિસમિસ.

રીત : સૌપ્રથમ નૉન-સ્ટીક કડાઈમાં ૧ ટે.સ્પૂન ઘી લેવું. તેમાં કાજુ-બદામ-પિસ્તાના ટૂકડાં સાંતળી લઈને એક બાજુ કાઢી લેવા. તેજ કડાઈમાં ધીમી આંચ ઉપર વર્મિસેલી નાંખીને સાંતળી લેવી. રંગ બદલાય અને સુવાસ આવવા લાગે એટલે તેમાં ૫૦૦ ગ્રામ દૂધ નાંખવું. બરાબર ચઢી જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ નાખવી. ઠંડું થાય એટલે તેમાં કેરીનો રસ અને થોડા કેરીના ટુકડાં ભેળવો. એલચી-જાયફળનો પાઉડર અને કેસરને દૂધમાં બરાબર ઓગાળીને સેવૈયામાં ભેળવો. સાંતળેલા કાજુ-બદામ-પિસ્તાના ટુકડાં ભેળવીને ઠંડું કરવા મૂકો. કેરીના નાના ટુકડાંથી સજાવીને સેવૈયા સર્વ કરો.

મેંગો શ્રીખંડ

સામગ્રી : ૧ કિલો દહી, ૧ કપ ખાંડ, ૩૦૦ ગ્રામ પાકી કેરી, ચપટી કેસર, ૧ ટે.સ્પૂન એલચી પાઉડર, પાંચ નંગ બદામની કતરણ, ૫ નંગ પિસ્તાની કતરણ.

રીત : સૌપ્રથમ દહીંને મલમલના કપડાંમાં બાંધી, તેને બેથી ત્રણ કલાક લટકાવીને રાખો. દહીં ઘટ્ટ થઈ જાય તેનો ઘટ્ટ મઠ્ઠો તૈયાર થાય ત્યાર બાદ તેને એક બાઉલમાં કાઢો. તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ, કેસર, એલચી પાઉડર તથા અડધો કપ કેરીનો રસ ભેળવીને બરાબર બ્લેન્ડરથી મિક્સ કરો. ઘટ્ટ કરવા તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક પણ ભેળવી શકાય છે. બદામ-પિસ્તાથી સજાવીને તેને ઠંડું કરી પૂરી કે પરાઠા સાથે સર્વ કરો.

મેંગો બરફી

સામગ્રી : ૨૫૦ ગ્રામ કેરીનો પલ્પ, ૨૫૦ ગ્રામ દળેલી ખાંડ, ૨૫૦ ગ્રામ મોળો માવો, સજાવટ માટે એલચી પાઉડર, ચારોળી, પિસ્તાની કતરણ, ૧ ટે.સ્પૂન ટૂટી-ફ્રૂટી. ચપટી ખાવાનો ઓરેંજ રંગ.રીત : એક મોટી નૉન-સ્ટીક કડાઈમાં કેરીનો પલ્પ લો. તેમાં ખાંડ નાંખીને અડધું થાય ત્યાં સુધી મિશ્રણને પકાવો. બીજી કડાઈમાં મોળો માવો સોનેરી રંગનો થાય ત્યાં સુધી શેકી લો. ઠંડુ પડે એટલે તેમાં કેરીનો પલ્પ ભેળવીને પાંચ-સાત મિનિટ પકાવો. થોડું ઘટ્ટ થાય એટલે આંચ બંધ કરી દો. ઠંડું થાય એટલે તેમાં ચપટી ઓરેંજ રંગ ભેળવીને બરાબર હલાવી લો. એલચી પાઉડર ભેળવો. એક થાળીમાં ઠંડું કરવા મૂકો. ચારોળી, પિસ્તા અને ટૂટી-ફ્રૂટીથી સજાવીને ઠંડું થાય એટલે સર્વ કરો.

કેરીનું રાઈતું

સામગ્રી: ૧ ૧/૨ કપ પાકી કેરીના ટુકડા, ૧ ૧/૨ કપ તાજું દહીં, ૧ ૧/૨ ટેબલસ્પૂન પીસેલી સાકર, ૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર

રીત: એક ઊંડા બાઉલમાં દહીં, પીસેલી સાકર અને એલચીનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરીને જેરી લો. તે પછી તેમાં પાકી કેરી મેળવી સારી રીતે મિક્સ કરીને રેફ્રીજરેટરમાં લગભગ ૩૦ મિનિટ રાખી મૂકો. આ સ્વાદિષ્ટ ઠંડા રાઇતાને પૂરી અથવા રોટી સાથે પીરસો. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે દહીં ખાટું ન હોય અને બીજું કે કેરી પાકી અને મીઠી હોવી જરૂરી છે.

મેંગો-મીન્ટ ચટણી

સામગ્રી: 1 નંગ કાચી કેરી, 1 ઝૂડી ફૂદીનો, 4 કળી લસણ, 1/2 ટી સ્પૂન સંચળ, 3 નંગ લીલા મરચા, 2 ટી સ્પૂન શેકેલું જીરૂં, મીઠું સ્વાદાનુસાર.

રીત: સૌપ્રથમ કેરીને છોલીને તેની પાતળી કટ કરી લો. ત્યાર બાદ ફૂદીનાને ધોઈને સમારી લો. હવે કેરી, ફૂદીનો અને લસણને મિક્ષરમાં મિક્ષ કરીને ગ્રાઈન્ડ કરી લો. તેમાં થોડુંક જ પાણી ઉમેરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે આ ચટણીને એક બાઉલમાં કાઢી લો. તેમાં સંચળ, શેકેલા જીરાનો ભૂકો અને થોડું સ્વાદાનુસાર મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરો. તૈયાર છે સરસ મજાની મેંગો મીન્ટ ચટણી. જેને તમે સ્નેક્સ સાથે સર્વ કરી શકો છો.

યમ્મી મેંગો લાડુ

સામગ્રી: ૧ વાટકી રવો, ૧ વાટકી ખાંડ, ૨ વાટકી કેરીનો પલ્પ (પાણીવગર), ૨ વાટકી પાણી અથવા દૂધ, એલચી પાઉડર, બદામ, કેસર, કોપરાનું ખમણ, ૨-૩ ચમચા ઘી.

રીત: સૌ પ્રથમ એક કડાઈમાં ઘી લઇ રવો ગુલાબી શેકવો., પછી તેમાં પાણી નાખવું. પાણી બળે એટલે તેમાં ખાંડ ઉમેરવી. બધું એક રસ થાય એટલે કેરીનો પલ્પ ઉમેરી હલાવી ઢાંકી દેવું. રવો બરાબર ચડીને ફૂલી જવો જોઈએ, જરૂર પડે પાણી ઉમેરવું. હવે તેમાં એલચી પાઉડર ઉમેરી મિક્ષ કરવું. લાડુ વળે એટલું કઠણ કરવાનું ઠંડુ થશે એટલે લાડુ વળશે. નાના લાડુ વાળી બદામ, કોપરાના ખમણ અને કેસરથી ગાર્નીશ કરવું.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED