Adolf Hitler- a Brief Biography Harsh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

Adolf Hitler- a Brief Biography

Adolf Hitler – a Brief Biography

હર્ષ કે. પંડ્યા

પરિચય :

એડોલ્ફ હિટલરના અંગત જીવનને જાણવાની શરૂઆત કરીએ એ પહેલા એના પિતાનો જન્મ કેવી રીતે થયો અને એમની આજ સુધી જાણીતી રહેલી ઓળખસમો ‘હિટલર’ શબ્દ કઈ રીતે મળ્યો એ ય અચંબિત કરી દેનારી કથા છે.

એડોલ્ફ હિટલરના પિતાનું નામ અલોઇસ શીકેક્ગુબર(Spelling: Alois Schicklgruber) હતું. વાસ્તવમાં, ઉત્તર પશ્ચિમી ઓસ્ટ્રિયાના ડોલેરશેઇમ ખાતે મારિયા શીકેક્ગુબરને ત્યાં લગ્ન વગરના સંતાન તરીકે અલોઇસનો જન્મ થયો હતો. ખ્રિસ્તી ધર્મની બાપટીઝમ વિધિ વખતે બાપટીઝમ સર્ટિફિકેટમાં બાપનું નામ લખવાની જ્ગ્યા ખાલી છોડવામાં આવી હતી. એટલે પાદરીએ આ સંતાનનું સ્ટેટસ નોંધ્યું, ‘ગેરકાયદેસર’. કદાચ, નિયતિએ અહીંથી જ, સ્થાપિત હિતોથી વિરુદ્ધ જવાની એડોલ્ફ હિટલરની માનસિકતાને ઘડવા માટેનો ચાકડો ઉલ્ટી દિશામાં ફેરવવાનો શરૂ કરી દીધો હતો.

ખેર, ઇ.સ. ૧૮૪૨ માં અલોઇસની માતાના લગ્ન જ્હોન જ્યોર્જ હિડ્લર(Spelling: Hiedler) સાથે થયા અને એ રીતે અલોઇસને પિતાનું નામ મળ્યું. લગ્નના પાંચ વર્ષે ઇ.સ. ૧૮૪૭ માં અલોઇસની માતા મારિયાનું અવસાન થયું. એ પછીના પાંચ વર્ષે, ઇ.સ. ૧૮૫૨ માં અલોઇસના પિતા જ્હોન હિડ્લરનું ય અવસાન થયું. એને લીધે અલોઇસનો ઉછેર ઉત્તર ઓસ્ટ્રિયાના સ્પિટલ ખાતે પોતાનું ખેતર ધરાવતા (અને પિતા જ્હોન ના ભાઈ) જોહાન્ન નેપોમૂક હિડ્લરને ત્યાં થયો. શરૂઆતમાં અલોઈસે પ્રાથમિક શિક્ષણ લીધું અને સાથે સાથે મોચીકામ પણ શિખ્યું. ૧૩ વર્ષની ઉંમરે અલોઈસે ઘર છોડયું અને વિએના ખાતે શિખાઉ મોચી તરીકે પાંચ વર્ષ કામ કર્યું. ગ્રામ્ય પ્રજા માટે શરૂ કરવામાં આવેલી ભરતી પ્રક્રિયામાં અલોઈસે ઓસ્ટ્રિયન ફાયનાન્સ મિનિસ્ટ્રીમાં ફ્રંટિયર ગાર્ડ્સ (કસ્ટમ્સ સર્વિસ)માં નોકરી લઈ લીધી. એ વખતે એની ઉંમર ૧૮ વર્ષની હતી. પ્રમોશન લેતા લેતા અને નોકરી અર્થે ઓસ્ટ્રિયામાં ફરતા રહેતા અલોઇસને ઇ.સ. ૧૮૬૦ માં રેવેન્યુ ગાર્ડ સુપ્રિટેંડેંટ તરીકે બઢતી થઈ. ખાતાકીય પરીક્ષાઓ આપતા આપતા ઇ.સ. ૧૮૭૫ માં અલોઇસને કસ્ટમ્સ ઈન્સ્પેકટર સુધીની બઢતી મળી. ઓસ્ટ્રિયા-જર્મનીની સરહદ પર વહેતી ઇન્ન નદી પરના બાઉનાઉ(Spelling: Braunau) શહેરમાં અલોઇસે રહેવા માટે ઘર લીધું. ઇ.સ. ૧૮૭૦ ની આજુબાજુ જ અલોઇસના અફેર શરૂ થઈ ગયેલા. બે અફેર લગ્નમાં પરિણમ્યા. પરંતુ, બંને પત્નીઓ બીમાર પડીને મૃત્યુ પામી. આખરે ઘરકામ કરતી અને અલોઇસની દૂરની ભત્રીજી એવી ક્લારા પોલઝી (Spelling: Klara Pölzl) સાથેનો લવ અફેર લગ્નમાં પરિણમ્યો.

આ લગ્નને પરિણામે કુલ છ બાળકો થયા જેમાં એડોલ્ફ હિટલર ચોથું બાળક હતો. 20 એપ્રિલ, ૧૮૮૯ ના રોજ બાઉનાઉ ખાતે જન્મેલા એડોલ્ફની પહેલા જન્મેલા સંતાનો ગુસ્તાવ, ઇડા અને ઓટ્ટો શિશુ અવસ્થામાં જ ગુજરી ગયા. એડોલ્ફ ત્રણ વર્ષનો થયો ત્યારે હિટલર પરિવારે જર્મનીમાં આવેલા પસાઉ ગામમાં સ્થળાંતર કર્યું. ત્યાં રહેવાને લીધે નાનકડા એડોલ્ફની ભાષા બાવેરિયન છાંટવાળી મિશ્રિત જર્મન બની, જે એની આખી જિંદગી સુધી કાયમ રહી.

ઇ.સ.૧૮૯૪ માં લિયોંડિંગ ખાતે હિટલર પરિવાર આવીને વસ્યો. ઇ.સ. ૧૮૯૫ માં અલોઇસ હિટલરે સેવાનિવૃત્તિ લીધી અને હેફેલ્ડ ખાતેના પોતાના નાનકડા જમીનના ટુકડામાં ખેતીકામ અને મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું. ત્યાં આગળ એડોલ્ફે રાજ્ય દ્વારા ચાલતી શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું. ઇ.સ. ૧૮૯૭ માં ખેતીકામમાં મળેલી નિષ્ફળતાને લીધે હિટલર પરિવારે હેફેલ્ડની નજીકના લેમ્બાચ ખાતે સ્થળાંતર કર્યું જ્યાં આઠ વર્ષના એડોલ્ફે ગાવાની તાલીમ લીધી, ચર્ચના સમૂહગાનમાં ભાગ લીધો અને એને પાદરી બનવાની પણ ઇચ્છા થઈ હતી. જો એ વખતે જ એની એ ઇચ્છા પૂર્ણ થઈ ગઈ હોત તો જર્મનીનું ભાવિ નેચરલી જુદું ઘડાયું હોત.

એ પછીના વર્ષે એટલે કે ઇ.સ.૧૮૯૮ માં હિટલર પરિવારે લિયોંડિંગ ખાતે કાયમી વસવાટ કરવાનું નક્કી કર્યું. ઇ.સ.૧૯૦૦ નું વર્ષ એડોલ્ફની જીંદગીનો પહેલો આઘાત લઈને આવ્યું. મીઝલ્સ નામની બીમારીને લીધે એના નાના ભાઈ એડમંડનું મૃત્યુ થઈ ગયું. એક વખતનો આત્મવિશ્વાસુ, બહિર્મુખી વિદ્યાર્થી એવો એડોલ્ફ અંતર્મુખી, એકલપટો અને ઝઘડાળું બની ગયો. પિતા અલોઇસ સાથે એડોલ્ફને આમે ય ઘર્ષણ રહ્યા કરતું. અલોઇસની કસ્ટમસ વિભાગમાં સારી એવી કારકિર્દી હતી, એટલે એની એવી ઇચ્છા હતી કે એડોલ્ફ પણ એ જ નકશેકદમ પર આગળ વધે અને એમાં સારી અને ઉજ્જવળ કારકિર્દી બનાવે. એ માટે લિંઝ ખાતેની સ્કૂલમાં અલોઈસે એડોલ્ફ્નો ફરજિયાત દાખલો કરાવ્યો. પરંતુ, એડોલ્ફની ઇચ્છા તો આર્ટિસ્ટ બનવાની હતી. એટલે એડોલ્ફે આ સામે બળવો કર્યો. પોતાની લખેલી પુસ્તક ‘મારો સંઘર્ષ’ (Mein Kampf) માં એડોલ્ફ હિટલર કબુલ કરે છે કે પોતે ટેકનિકલ સ્કૂલમાં જાણી જોઈને નબળું પરિણામ લાવતો જેથી એના પિતાને ખબર પડે કે આ સ્કૂલમાં પોતે શું પ્રગતિ કરી રહ્યો છે. જેથી એના પિતા એને આર્ટ સ્કૂલમાં ભરતી કરવી ડે તો એનું સપનું પૂરું થાય. આમ, બાપ-દીકરા વચ્ચે ક્યારેય ન પૂરી ન શકાય એવી ખાઈ બનવાની શરૂઆત બહુ નાનપણથી થઈ ગઈ હતી.

બીજા ઓસ્ટ્રિયન જર્મન લોકોની જેમ એડોલ્ફના મનમાં પણ કિશોરવયથી જ જર્મન રાષ્ટ્રના ગૌરવ માટેનો ખ્યાલો વિકસવા લાગ્યા હતા. મિત્રો એકબીજાને મળતી વખતે ‘હેઇલ’ બોલીને અભિવાદન કરતાં. આ ટેવ વખત જતાં આખા જર્મન રાષ્ટ્રને પડવાની હતી. 3 જાન્યુઆરી, ૧૯૦૩ ના રોજ અલોઇસનું ઓચિંતું મૃત્યુ થયું. એડોલ્ફ્નુ પરિણામ વધુ બગડયું અને એની માતા ક્લારાએ એને એ સ્કૂલ છોડી દેવાની સંમતિ આપી દીધી. સ્ટેયર ખાતેની રિયલસ્કૂલ (Spelling: Realschule) સપ્ટેમ્બર, ૧૯૦૪ માં એડોલ્ફે પ્રવેશ લીધો જ્યાં એના પરિણામોમાં થોડો સુધારો પણ જોવા મળ્યો. ઇ.સ. ૧૯૦૫ માં ફાઇનલ એક્ઝામ ફરીવાર દેનાર એડોલ્ફે અંતે સ્કૂલ છોડી દીધી. ભવિષ્યમાં પોતે શું કરશે એના કોઈ આયોજન કે તૈયારી ત્યારે એના મનમાં નહોતી.

ઇ.સ. ૧૯૦૫ થી એડોલ્ફે વિયેના ખાતે રહેવાનું શરૂ કર્યું. રઝળપાટભરી જિંદગીના એ સમયમાં એડોલ્ફે સામાન્ય મજદૂર અને પેઇન્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ઇ.સ. ૧૯૦૭ માં વિયેનાની પ્રખ્યાત એકેડેમી ઓફ ફાઇન આર્ટ્સ તરફથી એડોલ્ફને રિજેક્ટ કરવામાં આવ્યો. બીજે વર્ષે પણ એણે એપ્લાય કર્યું, પરંતુ ફરીથી એ જ પરિણામ મળ્યું. ત્યાંના ડાયરેક્ટરને એડોલ્ફ તરફ સહાનુભૂતિ હતી. એણે એડોલ્ફને સૂચવ્યું કે એણે આર્કિટેક્ચર શીખવું જોઈએ. આર્કિટેક્ચર પણ એડોલ્ફના રસનો વિષય તો હતો જ, પરંતુ એ ભણવા માટેના જરૂરી શૈક્ષણિક ગ્રેડ્સ એણે પાસ નહોતા કર્યા એટલે પ્રવેશ નામુમકિન હતો. એ વર્ષના અંતમાં ૨૧ ડિસેમ્બરે એડોલ્ફની માતા ક્લારાનું ૪૭ વર્ષની વયે બ્રેસ્ટ કેન્સરને લીધે મૃત્યુ થયું. એડોલ્ફ માટે આ આઘાત અસહ્ય હતો. એકેડેમી તરફથી બીજીવાર રિજેક્ટ થવાને લીધે એડોલ્ફ પાસે પૈસા ખૂટી ગયા. એટલે એણે બેસહારા અને ઘરબાર વગરના લોકો રહેતા એ જગ્યાએ રહેવું પડ્યું. એ સમયે વિયેના રંગભેદ અને ધાર્મિક ઈર્ષ્યાની લાગણીઓથી ખદબદતું હતું. પૂર્વથી આવતા ઇમિગ્રંટ્સ એટલે કે દેશાંતર કરીને વસવાટ માટે આવતા લોકોની વિરુદ્ધ ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ ચાલતી હતી. કાર્લ લ્યુગર નામનો લોકપ્રિય મેયર ઉશ્કેરણીજનક પ્રવચનો આપીને એનો રાજકીય ફાયદો લેતો રહેતો હતો. જર્મન રાષ્ટ્રવાદી જ્યોર્જ રિટર વોન સ્કોનરરના વિચારોની યુવાન થતાં જતાં એડોલ્ફ પર ગહેરી અસર થઈ. પિતાની અસ્કયામતનો છેલ્લો હિસ્સો એડોલ્ફને મે, ૧૯૧૩ માં મળતાં એ મ્યુનિક ચાલ્યો ગયો.

પ્રથમ વિશ્વયુદ્ધ :

સર્બિયાના સારાજેવો ખાતે ૨૮ જૂન, ૧૯૧૪ ના રોજ યુગોસ્લાવિયાના ક્રાંતિકારી ગેવરીલો પ્રિન્સિપ દ્વારા ઓસ્ટ્રિયા-હંગેરીના સિંહાસનના ઉત્તરાધિકારી એવા આર્કડ્યુક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડની ગોળી મારીને હત્યા થઈ ગઈ. જેને પરિણામે પ્રથમ વિશ્વયુદ્ધના મંડાણ થયા. મ્યુનિક ખાતે રહેતા એડોલ્ફે સ્વયં ઓસ્ટ્રિયન નાગરિક તરીકે બાવેરિયન આર્મીમાં જોડવાનું પસંદ કર્યું. એનું પોસ્ટિંગ બાવેરિયન રિઝર્વ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટમાં થયું. એણે ત્યાં ડિસ્પેચ રનર એટલે કે પાર્સલ/સંદેશો પહોંચાડનાર તરીકે સેવા બજાવી. એડોલ્ફની કામગીરીને ચલતે એને આર્યન ક્રોસનો ચંદ્રક પણ બે વાર મળ્યો. યુદ્ધમાં જખ્મી થવાને લીધે બે મહિના એને હોસ્પિટલમાં ય પડ્યા રહેવું પડ્યું. ૧૫ ઓક્ટોબર, ૧૯૧૮ માં મસ્ટર્ડ ગેસને લીધે એને થોડો સમય માટે એક આંખે અંધાપો આવી ગયો અને પેસવોક ખાતેની હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. ત્યાં એને જર્મનીની હાર થઈ એવા સમાચાર મળ્યા. જેના આઘાતમાં એને બીજી આંખે ય અંધાપો આવ્યો.

વર્સેલ્સની એ કુખ્યાત સંધિએ એડોલ્ફ હિટલરને રૂંવે રૂંવે આગ લગાડી દીધી. જે દેશ માટે આટલું લડ્યા, એના જ નેતાઓએ ઘૂંટણિયા ટેકવી દીધા એ વાત એના દેશદાઝભર્યા હ્રદયમાં કડવાશ ભરવા લાગી. આ સંધિની કલમ ૨૩૧ માં યુદ્ધ માટે જર્મની જવાબદાર છે એવું સૂચવાયું હતું. જેની સામે અનેક રાષ્ટ્રવાદી લોકોને સ્પષ્ટ વાંધો હતો. આ સંધિએ જર્મનીને આર્થિક, સામાજિક અને રાજકીય રીતે પાયમાલ કરી મૂક્યું. આ પરિસ્થિતિનો લાભ એડોલ્ફ હિટલરને મળવાનો હતો.

રાજકારણમાં પ્રવેશ :

પ્રથમ વિશ્વયુદ્ધ પત્યા પછી હિટલર મ્યુનિક રહેવા આવી ગયો. આગળ ભણવાને બદલે એણે આર્મીમાં જ રહેવાનું પસંદ કર્યું. જુલાઇ, ૧૯૧૯ માં એણે ઇન્ટેલિજન્સ એજન્ટ તરીકે નિમણૂંક થઈ. એનું કામ જર્મન વર્કર્સ પાર્ટીની ગતિવિધિઓ પર નજર રાખવાનું અને બીજા એમાં ભળેલા સૈનિકોને એની અસરોમાંથી બહાર કાઢવાનું હતું. નજર રાખતાં રાખતાં આ પાર્ટીના જનક એવા એન્ટોન ડ્રેક્સલરના વિચારો તરફ એડોલ્ફ આકર્ષાયો. એડોલ્ફ હિટલરની વકતૃત્વ કળા જોઈને એન્ટોને એને પાર્ટીમાં જોડાવા આમંત્રણ આપ્યું. પાર્ટીમાં જોડાયા પછી હિટલર દિટ્રીક એકાર્ટને મળ્યો. દિટ્રીકે હિટલરને ગુરૂ બનીને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું. વિચારોની આપ-લે કરી અને મ્યુનિકના વિશાળ સમુદાયને એનો ભેટો કરાવ્યો. સમાજમાં અપીલ થાય એવું નામ ધારણ કરવા માટે જર્મન વર્કર્સ પાર્ટી ને બદલે ‘ નેશનલ સોશિયાલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટી ‘(નાઝી) એવું પ્રભાવશાળી નામ પસંદ કરવામાં આવ્યું, જેનું પ્રતિક ખુદ એડોલ્ફ હિટલરે બનાવ્યું. આજ દિન સુધી આપણે ઈતિહાસમાં ભણ્યા એ, સફેદ બેકગ્રાઉન્ડમાં કાળો સ્વસ્તિક અને ફરતે લાલ રંગ.

રાજકીય રીતે હિટલરે ઝડપભેર નાઝી પાર્ટીમાં પોતાનું વર્ચસ્વ જમાવી દીધું. સૈનિકોને સાથે લઈ બળવો કરી દેવાના અને એને પરિણામે અરાજકતા ફેલાવવાના આરોપસર હિટલર અને એના સાથીઓને જેલની સજા પણ થઈ. આ જેલવાસ દરમિયાન હિટલરે ‘ Mein Kampf ’ (મારો સંઘર્ષ) નામનું પુસ્તક પણ લખ્યું જેમાં જર્મનીને સર્વોત્તમ બનાવવા માટેના પોતાના માસ્ટર પ્લાન વિશેના વિચારો પ્રગટ કર્યા હતા. જેલમથી બહાર આવ્યા પછી ૩૦ જાન્યુઆરી, ૧૯૩૩ માં રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગ દ્વારા હિટલરને ચાન્સેલર તરીકેની નિમણૂંક મળી. નાઝી પાર્ટીના વિરોધીઓને સરકાર રચવાની તક મળે એ પહેલા જ રેઇશટેગ (Spelling: Reichstag) એટલે કે સંસદને બરખાસ્ત કરી દેવાનું હિટલરે હિન્ડેનબર્ગને સૂચન કર્યું. એને પરિણામે આવનારા માર્ચ મહિનામાં ચૂંટણી ગોઠવવામાં આવી. ૨૭ ફેબ્રુઆરી, ૧૯૩૩ ના રોજ રેઇશટેગ બિલ્ડીંગને આગ લગાડી દેવાઈ. એ વખતના આંતરિક સુરક્ષા મંત્રી હેરમાન ગોરિંગે આ ષડયંત્ર માટે સામ્યવાદીઓને દોષિત ઠેરવ્યા. આનું કારણ એ હતું કે ડચ સામ્યવાદી નેતા મરીનસ વાન ડેર લ્યુબ સળગતી ઇમારતની અંદર શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. આને પરિણામે હિટલરની વિનંતીથી, વેઇમર બંધારણના ૪૮ માં આર્ટીકલ હેઠળ, રેઇશટેગ ફાયર ડિક્રી નામની આપાતકાલીન વ્યવસ્થા લાગુ કરી દેવાઈ જેમાં ખટલો ચલાવ્યા વગર જ સજા આપવાની જોગવાઈ હતી.

આ સાથે જર્મન કમ્યુનિસ્ટ પાર્ટીના અંદાજે ૪૦૦૦ જેટલા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી. ૬ માર્ચ, ૧૯૩૩ એટલે કે ચૂંટણીના દિવસ સુધી નાઝી પાર્ટીએ એન્ટિ-જર્મન કમ્યુનિસ્ટ પ્રોપેગેન્ડા ચલાવ્યો. કમ્યુનિસ્ટ પાર્ટી વિરુદ્ધ ભ્રામક પ્રચાર કર્યો. પરંતુ, ૪૩% વોટ મળ્યા હોવા છતાંય નાઝી પાર્ટી સૌથી વધુ સીટ મેળવનારી પાર્ટી ન બની શકી. એનેબલિંગ એક્ટ નામની વ્યવસ્થા થકી હિટલરે સમગ્ર જર્મની પર આધિપત્ય જમાવી દીધું અને પોતાને ‘ ફ્યુહરર ’ તથા રેઇશ સંસદનો ચાન્સેલર ઘોષિત કરી દીધો. સત્તા પર આવ્યા પછી વિરોધીઓને ખતમ કરી નાંખવાનું જાણે અભિયાન ચાલ્યું. રાજકીય પાર્ટીઓ પર પ્રતિબંધ આવી ગયો અને એમની સંપત્તિ જપ્ત કરી દેવાઈ. એટલું જ નહીં, મજદૂર સંઘોને ફરજિયાત વિખેરી નાંખી એક જ ‘જર્મન લેબર ફ્રન્ટ‘ નામે સંસ્થા બનાવાઇ જેની અંદર જર્મનીના તમામ કારીગરો અને મજદૂરોનો સમાવેશ કરવામાં આવ્યો. ૨ ઓગસ્ટ, ૧૯૩૪ ના રોજ હિન્ડેનબર્ગનું મૃત્યુ થયું, એટલે સત્તાના સૂત્રો હિટલરે સંભાળી લીધા. હવે એ સંસદ અને એ રીતે રાજ્યનો ય સત્તાધીશ હતો. સૈન્યની ત્રણેય પાંખના સુપ્રીમ કમાન્ડરનું પદ પણ પોતે લઈ લીધું. સૈનિકોની પ્રતિજ્ઞામાં ય ફેરફાર કરી દેવામાં આવ્યો જેમાં લખ્યું હતું કે સૈનિકોની વફાદારી હિટલર તરફ રહેશે. જૂના આર્મી ચીફમાઠી અમુકની બદલી કરી દેવામાં આવી, અમુકને બરતરફ કરી દેવામાં આવ્યા.

વર્સેલ્સની સંધિની ઐસી કી તૈસી કરીને હિટલરે શસ્ત્ર ઉત્પાદનને છૂટો દોર આપ્યો. લૂફ્તવાફ નામથી ઓળખાતી એરફોર્સ અને ક્રેગ્ઝમરીન નામે ઓળખાતી નેવી માટે શસ્ત્રો બનાવવાની જર્મનીએ ઠાન લીધી. મુખ્ય શત્રુ બ્રિટન સામે બાંયો ચડાવવા માટે રસ્તામાં આવતા પૉલેન્ડને સિકયોર કરવું જરૂરી હતું. પરંતુ, પૉલેન્ડ ત્યારે સોવિયેત રશિયાના કબજામાં હતું એટલે રશિયાના સત્તાધીશ જોસેફ સ્ટાલીનને પડખમાં લેવો જરૂરી હતો. એક ખાનગી સંધિ મુજબ જર્મની પૉલેન્ડ જીતી લે ત્યારે એના બે ભાગ કરી બીજા ભાગમાં રશિયાનું આધિપત્ય સ્વીકારવું એવું નક્કી થયું હતું. દરમિયાનમાં, હિટલરે ઈટાલીના સરમુખત્યાર બેનિટો મુસોલિની સાથે ય મિત્રતા સંધિ કરી લીધી હતી.

૧ સપ્ટેમ્બર, ૧૯૩૯ ના રોજ જર્મન સૈનિકોએ પૉલેન્ડમાં પ્રવેશ કર્યો અને પશ્ચિમી પૉલેન્ડ પર કબજો જમાવી દીધો. એના થોડા વખત પછી પૂર્વીય પૉલેન્ડ પર સોવિયેત રશિયાએ કબજો જમાવી દીધો. આને પરિણામે ૩ સપ્ટેમ્બર, ૧૯૩૯ ના રોજ બ્રિટન અને ફ્રાન્સે જર્મની સામે યુદ્ધ જાહેર કરી દીધું. એપ્રિલ, ૧૯૪૦ માં ડેન્માર્ક અને નૉર્વે, મે, ૧૯૪૦ માં ફ્રાન્સ તથા લક્ઝેમ્બર્ગ, નેધરલેન્ડ્સ અને બેલ્જિયમ પર નાઝી ફૌજ આધિપત્ય જમાવી ચૂકી હતી. પ્રદેશો જીતવાની આ સ્પીડ જોતાં ઈટાલીએ પણ પોતાની સેના સાથે યુદ્ધમાં ઝુકાવ્યું.

સ્ટાલીન સાથેની જીતેલા પ્રદેશોની માલિકી સંબંધિત મંત્રણાઓ પડી ભાંગ્યા પછી હિટલરે એની જીંદગીની સૌથી મોટી ભૂલ તરફ પ્રયાણ કર્યું. સોવિયેત રશિયા ઉપર બહુ મોટા સ્કેલ પર આક્રમણ કરવાનો એ પ્લાન ઓપરેશન બાર્બરોસ્સા તરીકે ઓળખાવાનો હતો.

૨૨ જૂન, ૧૯૪૧ ના દિવસે ૪૦ થી ૫૦ લાખ સૈનિકોએ સોવિયેત રશિયા પર આક્રમણ કર્યું. પશ્ચિમી યુક્રેન, બેલારુસ અને બાલ્ટિક પ્રજાસત્તાક દેશો તરત જીતી લેવાયા. એ પછી ઓગસ્ટના પૂર્વાર્ધ સુધીમાં સેનાએ ૫૦૦ કિમી જેટલું અંતર કાપી નાંખ્યું હતું. ત્યાં હિટલરે થોડો સમય ત્યાં જ રોકાઈ જવાનું કહી લેનિનગ્રાદ ને ઘેરવા માટે પોતાની પાંઝર ટ્રુપને મોકલવાનો આદેશ આપ્યો, જેનાથી સેનાના જનરલ્સને વાંધો પડ્યો. આને લીધે મિલિટરીમાં ફાટફૂટ પડવા લાગી અને પરિણામે રશિયાના લાલ સૈન્યને લડવા માટેની તૈયારીનો સમય મળી ગયો. આ હોલ્ટ ઓક્ટોબર સુધી ચાલ્યો.

આ બાજુ ૭ ડિસેમ્બર, ૧૯૪૧ ના રોજ જાપાને અમેરિકના પર્લ હાર્બર પર હુમલો કર્યો, જેને પરિણામે જર્મની પણ ઔપચારિક રીતે અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. ૧૮ ડિસેમ્બર, ૧૯૪૧ ના દિવસે હિટલરના અંગત સાથીદાર હિમલરે પુછ્યું, “રશિયાના યહુદીઓનું શું કરવાનું છે?” હિટલરે ટૂંકમાં જવાબ વાળ્યો, “શસ્ત્રવિરામના રૂપમાં નાબૂદ કરી દો. ” ઇન શોર્ટ, સામૂહિક વિનાશ, જે ગનફાયર ટીમ સામે ઊભા રાખીને શૂટ કરવા થી લઈને ઝેરી ગેસ ચેમ્બર સુધી ચાલ્યો. હિટલરની કુર્સ્ક ખાતેના યુદ્ધમાં નિર્ણાયક હાર થઈ એ પછી એના એક મહાન રેઇશ પ્રજાસત્તાકના સ્વપ્નમાં તીરાડો પાડવાની શરૂ થઈ ગઈ.

૧૯૪૪ ના ઉત્તરાર્ધ સુધીમાં જર્મની બધે મોરચે હારી ગયું હતું. હવે ગિયર બદલાયા હતા. પશ્ચિમી સાથીદેશો અને પૂર્વમાંથી સોવિયેત રશિયા જર્મની તરફ ધસી રહ્યા હતા. ૧૯૪૫ સુધીમાં હિટલરે જર્મનીના તમામ ઉદ્યોગો, પૂલો, રેલમાર્ગો વગેરે ફૂંકી મારવાનો આદેશ આપ્યો હતો. જેનું પાલન કરવાની જવાબદારી આલ્બર્ટ સ્પીઅરને આપવામાં આવી હતી. પરંતુ, એણે એનું ખાનગી ધોરણે પાલન કર્યું નહીં. આમ છતાંય, હિટલરનો જુસ્સો અને રોફ એવો ને એવો જ રહ્યો હતો.

જ્યારે બધી બાજુથી ઘેરાઈ ગયા હોવાની ખબર પડી ત્યારે હિટલરે પોતાના બંકરમાં પ્રેમિકા ઈવા બ્રાઉન સાથે સાદી વિધિથી લગ્ન કર્યા. સેક્રેટરીને પોતાનું વિલ લખાવ્યું. ગ્રાન્ડ એડમિરલ કાર્લ ડોનીટ્ઝ અને જોસેફ ગોબેલ્સને પોતપોતાના પદ(અનુક્રમે રાજ્યના વડા અને ચાન્સેલર) લઈ લેવાનું કહ્યું. પોતાના કમરામાં જઈને જર્મન ફ્યુહરર એડોલ્ફ હિટલરે પોતાના માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી દીધી. પત્ની ઈવા બ્રાઉને સાયનાઈડ કેપ્સ્યુલ ખાઈને જીવ આપ્યો. બેયનાં શબ છુપા રસ્તે બંકરની બહાર લઈ જવાયા. સૈનિકોએ પેટ્રોલ છાંટીને બેય શબોના અંતિમ સંસ્કારને અંજામ આપ્યો.

એ સાથે જર્મનીના ઈતિહાસનું એક ન ભૂલાય એવું વ્યક્તિત્વ સમયની સાથે વહી ગયું. એ વ્યક્તિત્વ આજે ય યાદ રહી ગયું છે કેમકે ઇતિહાસ એને ભૂલવા તૈયાર નથી.