કૌતુક કથા - વેકેશન અને કાર્ટુન્સ-બચપણના સંભારણા Harsh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

કૌતુક કથા - વેકેશન અને કાર્ટુન્સ-બચપણના સંભારણા

કૌતુક કથા

હર્ષ કે. પંડ્યા

manHAR87@gmail.com

વેકેશન અને કાર્ટુન્સ-બચપણના સંભારણા

હા જી, આજે કૌતુક કથામાં બચપણના મિત્રો જેવા બની ગયેલા એ કાર્ટુન્સ અને એના પાત્રોની વાત કરીશું. સમય છે પહેલી મે, ૧૯૯૫ નો. આપણા જેવા વેકેશનપ્રેમી વિદ્યાર્થીઓ માટે કેલેન્ડર જે તારીખ દ્વારા છડી પોકારે એ દિવસ. એ દિવસે સવારે સાડા પાંચ થી લઈને સાંજના સાડા પાંચ સુધી ચાલનારી એક ચેનલ બ્રોડકાસ્ટ થઈ. એનું નામ કાર્ટૂન નેટવર્ક. કાર્ટૂન નેટવર્કની સાથે અંગ્રેજી કાર્યક્રમો એ જ ફ્રિક્વન્સી બેન્ડ પર ટર્નર ક્લાસિક મુવીઝ (પહેલાની TNT ચેનલ)નામની ચેનલ પણ શરૂ થઈ હતી. શરૂઆતમાં કાર્ટૂન નેટવર્ક પર ક્યા પ્રકારના કાર્ટૂન આવતા? ચાલો જરા ટૂંકમાં લિસ્ટ જોઈએ; અને એ પછી આપણા મિત્રો જેવા બનેલા કાર્ટૂન-પાત્રો પર નજર નાખીશું.

શરૂઆતમાં કાર્ટૂન નેટવર્ક પર MGM સ્ટુડિયોમાં કામ કરતાં બે ફળદ્રુપ ભેજાના આર્ટિસ્ટસ વિલિયમ હન્ના-જોસેફ બાર્બેરા ના બનાવેલા શો આવતા. આ શો એટલે આજ દિન સુધી પ્રસિદ્ધ રહેલા સ્કૂબી ડુ,યોગી બેર, ફ્લિન્ટસ્ટોન્સ અને ટોપ કેટ. સ્કૂબી ડુ વિષે ભાગ્યે જ કોઈને જણાવવાનું હોય. તેમ છતાંય, સ્કૂબી એ નોરવિલે ‘શેગી’ રોજર્સ નામના ડરપોક યુવકનો પાલતું શ્વાન એટલે કે ડોગી છે જે આપણી જેમ બોલી શકે છે. શેગી અને એના બીજા ત્રણ દોસ્તો અનુક્રમે વેલ્મા,ફ્રેડ અને ડેફની સાથે મળીને અવનવી રહસ્યમયી ઘટનાઓ પરથી પરદો ઉચકે છે જેમાં સ્કૂબી ય ભાલે ભરાઈ જઈને આપણને હસાવે છે.

બીજો શો હતો ધ ફ્લિન્ટસ્ટોન્સનો. પાષાણ યુગની પૃષ્ઠભૂમિમાં સેટ થયેલા આ શોમાં આજના જમાનાની વાતો પાષાણ એટલે કે સ્ટોન એજમાં સેટ કરીને બતાવવામાં આવી હતી. આ સિરીઝ બહુ જ સફળ રહી. ફ્લિન્ટસ્ટોન્સમાં બે પરિવારોની વાત હતી જે પડોશી હોય છે. ફ્રેડ ફ્લિન્ટસ્ટોન્સ અને બર્ની રબલ. ફ્રેડ જરા શોર્ટ ટેમ્પર છે. શરીરે મજબૂત અને ભોળો છે. બર્ની ય એવો જ છે, બસ એ ફ્રેડ જેટલો ગુસ્સાવાળો કે મજબૂત નથી. બેય સાથે નોકરીએ જાય છે. ફ્રેડની પત્ની વિલ્મા ફ્રેડ કરતાં ચબરાક છે. ફ્રેડ-વિલ્માને પેબલ્સ નામની ટબૂકડી છોકરી છે,ડિનો નામનો પાલતું ડોગી જેવો ડાયનોસોર છે. બર્ની રબલ ફેમિલી માં પત્ની બેટ્ટી અને દત્તક લીધેલો દીકરો બેમ-બેમ છે. જી હા, કેમકે એ એક જ શબ્દ ‘બેમ-બેમ’ બોલ્યા કરે છે. ફ્રેડ-બર્નીના જીવનમાં કેવી કેવી ઘટનાઓ ઘટે છે એના પર કુલ મળીને છ સિઝન અને ઇ.સ. ૧૯૯૪ માં ફૂલ લેન્થ ફિલ્મ પણ બની છે.

આ બે આજ દિન સુધી લોકોને યાદ રહેલા પાત્રો. એ જ અરસામાં જંગલ જંગલ મેં બાત ચલી ઔર હમે પતા ચલા કી મોગલી આપણો કાયમનો ફ્રેન્ડ બનવાનો છે. રૂડયાર્ડ કિપલિંગની પ્રખ્યાત ‘જંગલબુક’ નું જાપાનીઝ વર્ઝન હિન્દી ભાષામાં ડબ થઈને રજુ થયું. મોગલી, બઘીરા, કા, રક્ષા, અકડુ-પકડુ, શેરખાન વગેરે પાત્રો આજે ય પોતીકા લાગે છે, નહીં? અચ્છા, એ પછી અંકલ સ્ક્રુજે એમના ત્રણ ભાણિયાઓ સાથે ટીવીમાં ખજાનો શોધી પોતાની મિલકત વધારવા માટે પદાર્પણ કર્યું. અંકલ સ્ક્રુજ એટલે મિસ્ટર સ્ક્રુજ મેકડક અને એમના ભાણિયાઓ એટલે હ્યુઈ, લ્યુઈ અને ડ્યુઈ. ડક ટેલ્સ પણ એટલી જ પોપ્યુલર રહી. ત્રીજી પ્રખ્યાત સિરીઝ એટલે જંગલ બુકના પાત્રોને શહેરી બનાવીને રજુ થયેલી ટેલ સ્પીન. બલુ, કીટ અને એમના ધમાલ પરાક્રમો.

આ બાજુ કાર્ટુન નેટવર્ક પણ ચોવીસ કલાક ચાલતી ચેનલ થઇ ગઈ. જ્હોની બ્રાવો, ધ જેટસન્સ..વગેરે કાર્ટુન શો આવતા થયા જેમાં જ્હોની બ્રાવો એ સ્ત્રીને કઈ વસ્તુથી નફરત હોય છે એ શીખવાડ્યું અને લૂની ટૂન્સ થી જાણીતા થયેલા બગ્સ બની, ડેફી ડક, રોડ રનર ય ખાસ્સા જામ્યા. એમાં ય બગ્સ બનીનું પેલું તકિયા કલામ જેવું વાક્ય ‘Eh, Whatchup doc?’ ઘણાને યાદ હશે. મિકી માઉસ અને ડોનાલ્ડ ડક પણ પોતાનું સ્થાન જમાવી ચુક્યા હતા. ક્રિસમસ સમયે તો આખું કાર્ટુન નેટવર્ક ક્રિસમસ સ્પેશિયલ એપિસોડ્સથી ભરાઈ જતું. એ પછી આજ દિન સુધીના આપણા દોસ્ત એવા ટોમ એન્ડ જેરી આવ્યા અને કાયમને માટે એમણે આપણા દિલમાં સ્થાન સજ્જડ જમાવી દીધું. મિત્રો સંગ ક્રિકેટ, પકડદાવ રમવામાંથી પડીને, થાકીને સાંજે સાડા છ વાગ્યે અચૂક ઘેર પહોંચી જવાનું મન હોય કેમકે ટોમ એન્ડ જેરીનો સમય થયો હોય. આ કાર્ટુનના પાત્રો ને આપણી બચપણની સફરમાં સાથીદાર બનાવનાર એ કલાકારો, વોઈસ ઓવર આર્ટીસ્ટ એ બધાનો એકવાર આભાર માનવો જોઈએ એવું નથી લાગતું રીડર માય લોર્ડ?

પાપીની કાગવાણી:

એક આખી જનરેશન આ બધું જ જોઈ, અનુભવીને મોટી થઇ છે. છે ને કૌતુક પમાડે એવી કથા?