શેક્સપિયરની વાર્તાઓ
હર્ષ પંઽયા
manhar87@gmail.com
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
શેક્સપિયરની વાર્તાઓ
રોમિયો અને જુલિયેટ - ચાર્લ્સ અને મેરી લેમ્બ દ્વારા ક્લાસિક પ્રેમકથાનું કરાયેલું સરળ રૂપાંતર
વેરોના નામના ગામના કેપ્યુલેટ્સ અને મોન્ટેગ્યુ એ બે મોટા શ્રીમંત પરિવારો હતા. આ પરિવારો વચ્ચે બહુ જુનો ઝઘડો હતો, જે એના સંતાનો, એમની પેઢીઓ અને એમના મળતિયાઓમાં પણ એટલી ખતરનાક હદ સુધી પહોંચ્યો હતો કે કેપ્યુલેટના ઘરનો કોઈ નોકર મોન્ટેગ્યુના ઘરના કોઈ નોકરને પણ મળી શકતો નહીં. કે પછી, સંજોગોવશાત જો કોઈ કેપ્યુલેટ કોઈ મોન્ટેગ્યુને મળતો તો શાબ્દિક ઘર્ષણ અથવા રક્તપાત નિશ્ચિત બની જતો. આવી વારંવારની ઘટનાઓએ વેરોનાની શેરીઓમાં ખુશીને બદલે ભયનું સામ્રાજ્ય સ્થાપી દીધું હતું.
વૃદ્ધ શ્રીયુત કેપ્યુલેટે ભવ્ય જમણવારનું આયોજન કર્યું હતું જેમાં અનેક સુંદર સન્નારીઓ અને ઉચ્ચ કુળના મહાનુભાવોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. વેરોનાની તમામ રૂપસુંદરીઓ ત્યાં હાજર હતી. જે લોકો મોન્ટેગ્યુના ઘરમાંથી ન હોય તેમનું બરાબર સ્વાગત કરવામાં આવ્યું હતું. કેપ્યુલેટની આ દાવતમાં, વૃદ્ધ શ્રીયુત મોન્ટેગ્યુના દીકરા રોમિયોને ચાહતી રોઝલીન હાજર હતી; જો કે, આ સભામાં હાજર રહેવું એ એક મોન્ટેગ્યુ માટે ખતરાથી ખાલી નહોતું, પણ તોય, રોમિયોના મિત્ર બેનવોલીઓએ યુવાન મોન્ટેગ્યુને આ સભામાં મહોરૂં(માસ્ક) પહેરીને આવવા માટે સમજાવ્યો હતો કે જેથી, કદાચ એ પોતાની રોઝલીનને જોઈને બાકીની હાજર સુંદરીઓ સાથે એને સરખાવી શકે અને એ બહાને પોતાની પસંદ કોઈ હંસ નથી, પરંતુ કાગડો છે એવું મનમાં ઠસાવી શકે. રોમીયોને જો કે બેનવોલીઓના શબ્દોમાં પાંખી શ્રદ્ધા હતી, પરંતુ રોઝલીનના પ્રેમની ખાતર એ ત્યાં જવા તૈયાર થયો. રોમિયો ગંભીર અને સ્નેહાળ પ્રેમી હતો. રોઝ્લીન કે જેણે પોતાના પ્રેમનો જરાય એકરાર નહોતો કર્યો,કે જેને પોતે એટલું મહત્વ પણ નહોતું આપ્યું, એનો વિચાર કરીને રોમિયોને રાતે ઊંંઘ નહોતી આવી અને એ પોતાના સમાજથી દુર અહિયાં આવ્યો હતો; અને બેનવોલીઓને પોતાના મિત્રની આ બીમારીનો ઈલાજ અહિયાં આવેલી સુંદરીઓ અને બીજા મિત્રોને મળાવીને કરાવીને કરવો હતો. કેપ્યુલેટના આ જમણમાં યુવાન રોમિયો, બેનવોલીઓ અને એમના મિત્ર મર્ક્યુશિઓ સાથે મહોરૂં પહેરીને ગયા હતા. વૃદ્ધ કેપ્યુલેટે એમનું હળવી મજાકથી સ્વાગત કર્યું અને કહ્યું કે જે સુંદરીઓના પગના અંગુઠા (કોઈની સાથે નૃત્ય ન કર્યું હોવાથી) સુંદર છે એ તમારી સાથે નૃત્ય કરશે. અને એ વૃદ્ધ માણસે હળવી શૈલીમાં ખુશીથી કહ્યું કે યુવાનીના દિવસોમાં એણે આવું માસ્ક પહેર્યું હતું અને કોઈ સુંદર યુવતીના કાનમાં એ પરીઓની વાર્તા કહી શક્યો હોત. અને એ લોકો નૃત્ય કરવા લાગ્યા. ત્યાં જ રોમિયો એકદમ અચાનક ત્યાં નૃત્ય કરી રહેલી એક સુંદરતમ યુવતીને જોઈને આભો બની ગયો. એ યુવતી એને દીવા સામે સુરજના અજવાળા જેવી, એ રાતમાં એની સુંદરતા જાણે કોઈ હબસી દ્વારા પહેરાયેલ હીરાના ચકચકિત લોકેટ જેવી,જલ્દીથી પામી ન શકાય તેવી મોંઘેરી અને તોય પૃથ્વી જેટલી વ્હાલસોયી લાગી હતી, એ (મનમાં) બોલ્યો, જાણે એકલું શ્વેત કબુતર આ કાગડાઓ વચ્ચે લડી રહ્યું છે, એની સાથીમિત્રોમાં એનું નૃત્ય અને એની આભા બહુ જ પ્રભાવક રીતે પ્રકાશી રહી છે. જયારે એણે આ શબ્દો ઉચ્ચાર્યા, ત્યારે શ્રીયુત કેપ્યુલેટના ભત્રીજા ટીબાલ્ટે આ સાંભળ્યું, જે રોમીયોને એના અવાજથી ઓળખતો હતો. એક મોન્ટેગ્યુ મહોરૂં ચડાવીને, આ સમારંભમાં હાજર હોય એ વિચારથી જ એ આગબબુલા થઈ ગયો. ક્રોધી અને ધૂંઆધાર ટીબાલ્ટને એ સહન જ નહોતું થઈ રહ્યું કે એક મોન્ટેગ્યુ એમના સમારંભ અને એમની આબરૂ ને આ રીતે બટ્ટો લગાવે. એણે બદલાની ભાવનાથી એની તરફ ધસીને યુવાન રોમીયોને મારી જ નાંખ્યો હોત, પરંતુ એના કાકા, વૃદ્ધ શ્રીયુત કેપ્યુલેટે એને એ સમયે ઈજા ન કરવાનું કહ્યું. કેમકે એક તો એ મહેમાનોને અપમાન કરવા જેવું હતું અને બીજું, સમજુ યુવાન રોમિયોની વિવેકપૂર્ણ વાણી અને વર્તનની સમગ્ર વેરોનામાં ચર્ચા હતી. રોમિયોએ કોઈ જ અણછાજતો વ્યવહાર કર્યો નહોતો. ટીબાલ્ટને પોતાનો ગુસ્સો ગળી જવો પડયો, પણ એણે સોગંદ લીધા કે ફરી ક્યારેક લાગ મળશે ત્યારે આ મોન્ટેગ્યુએ જરૂરથી એની ઘુસણખોરીનો બદલો ચુકવવો પડશે.
નૃત્ય ચાલી રહ્યું હતું. રોમિયોએ જ્યાં એ યુવતી ઉભી હતી એ સ્થળને જોયા કર્યું. માસ્કની નીચે છુપાવેલી એની ભદ્રતાને સૌથી વધુ વિનયી રીતથી પેશ આવીને એણે એનો હાથ પકડયો. જાણે કોઈ મંદિરની અંદર પ્રવેશ કરતો હોય ને પોતાનાથી એને ચૂમવાની ઈચ્છા રાખવાની અણછાજતી હરકત થઈ હોય એવું રોમિયોએ અનુભવ્યું.
“બહુ સરસ ઓ ભક્ત”, “તારી અત્યાર સુધીના વર્તનને જાળવવાની નિષ્ઠા દેખાય છે. સંતોને એવા હાથ હોય છે જેને ભક્તો અડી શકે છે પરંતુ ચૂમી શકતા નથી.
“શું સંતોને હોઠ નથી હોતા? અને ભક્તોને હોય છે એવું?” રોમિયો બોલ્યો.
“એય”, યુવતીએ કહ્યું, “હોઠ એટલા માટે છે જેથી એના દ્વારા પ્રાર્થના કરી શકાય.”
“ઓહ, તો તો પછી મારા પ્રિય સંત, મારી પ્રાર્થના સાંભળો, અને મને આ મુશ્કેલીઓમાંથી મુક્તિ આપો.”
અને બેય આ પ્રકારની સ્વ-પ્રશંસાઓ અને એકબીજાની ઓળખાણો કાઢી રહ્યા હતા ત્યારે જ યુવતીને એની માં તરફથી કહેણ આવ્યું. અને રોમિયો એ તપાસ કરી રહ્યો હતો કે જેની એકમેવ સુંદરતાથી એ આટલો આભો બની ગયો હતો, એ યુવતીની માં કોણ છે, તો એને જાણવા મળ્યું કે એ યુવતી જુલિયેટ હતી, જે શ્રીયુત કેપ્યુલેટની દીકરી અને કેપ્યુલેટની વંશજ હતી; એ કેપ્યુલેટ જે મોન્ટેગ્યુઓનો સૌથી મોટો દુશ્મન હતો. એણે અજાણતા જ એના દુશ્મનોમાં પોતાનું હૃદય ગુમાવી દીધું હતું. એનાથી એને તકલીફ તો થઈ, પરંતુ એનાથી એ જુલિયેટના પ્રેમમાં પડવાને પોતાને રોકી શક્યો નહીં. બાકીનું થોડું જુલિયેટે જાણ્યું કે જે સજ્જન સાથે એ વાત કરી હતી એ રોમિયો હતો,અને એક મોન્ટેગ્યુ હતો. કેમકે એને પણ રોમિયો માટે એકદમ અજાણી ઘેલછા-ઝનુન થઈ ગયા હતા; રોમિયોએ એના પર કોઈ ભૂરકી છાંટી હતી અને કોઈ વિશિષ્ટ પ્રકારના પ્રેમની એને અનુભૂતિ થઈ રહી હતી કે એણે એના દુશ્મનને ચાહવો જ જોઈએ અને એને ત્યાં જ સ્થિર થવું જોઈએ જેથી બેય પરિવારો એને આ દુશ્મનાવટ ભૂલવા માટે સમજાવી શકે.
પોતાના સાથીમિત્રોથી છુટા પડીને મધરાતે રોમિયો એ ઘરની દીવાલ પર ચડયો જે ઘરમાં એ પોતાનું હૃદય છોડી ચુક્યો હતો. જુલિયેટના ઘરની પાછળના ભાગે રહેલા ફૂલોદ્યાનની મદદ વડે એ ઉપલા મજલાની બારી તરફ ઝૂક્યો. અહિયાં એ પોતાના પ્રેમને હજી યાદ કરી જ રહ્યો હતો કે ઉપરની બારીએથી જુલિયેટે જોયું. એ બારીમાંથી એની અપ્રતિમ સુંદરતા પૂર્વમાં ઉગેલા સૂર્યના પ્રકાશને ઝાંખો પાડી દેતી હતી અને વૃક્ષની ડાળીઓની વચ્ચેથી ઝાંખા દેખાતા ચંદ્રને જાણે બીમાર કરી દીધો હોય એવું આ નવા સૂર્યનું તેજ હતું. ગાલ પર હાથ મુકીને એ ઉભી હતી. અને રોમીયોને એ હાથને ચૂમી; હાથની સાથે રહેલા ગાલને ય ચૂમવાની દિલથી ઈચ્છા થઈ આવી. દરમિયાન, આ બધું જોઈ ન શકતી જુલિયેટે એક દીર્ઘ નિઃશ્વાસ ભરીને પૂછ્યુંઃ
"કોણ હું!"
બાગ બાગ થઈ ગયેલા રોમિયોએ સૌમ્ય અને મૃદુ, છતાં એને ન સંભળાય એમ કહ્યું, "ઓહ, ફરીથી બોલ ઓ તેજસ્વી દેવદૂત, કેમકે મારી ઉપર રહેલી તું મને સ્વર્ગમાંથી આવેલા પાંખોવાળા સંદેશવાહક દૂત જેવી લાગી રહી છો જેને જોવા માટે માનવીઓ ઉપર જુએ છે."
આ બધું એને સંભળાયું ન હોય એમ, એ રાતના સાહસને લીધે જન્મ લેનારી નવી ઘેલછાને લીધે એ પોતાના પ્રેમી(જેને એ અહિયાં હાજર નથી એમ માનતી હતી)નું નામ બોલી ઉઠી, ‘ઓ રોમિયો, રોમિયો! ક્યાં છે તું રોમિયો? તારા પિતાને અને એમના નામને મારે માટે છોડીને આવ; અને જો તું એવું ન કરી શકે, તો મારા પ્રેમનો સ્વીકાર કર અને હું પછી કેપ્યુલેટ મટી જઈશ.’
આ સાંભળીને રોમીયોને પ્રોત્સાહન મળ્યું, પણ એ વધુ સાંભળવા ઈચ્છતો હતો. અને એ યુવતીએ (એના માનવા પ્રમાણે) પોતાની સાથેનો એ ઉત્કટ સંવાદ ચાલુ રાખ્યો. એ રોમિયોને રોમિયો અને એમાં ય એક મોન્ટેગ્યુ હોવા માટે ઠપકો આપતી હતી, એ બીજા કોઈ નામની ઈચ્છા રાખતી હતી,અથવા એ નામ જેને એ ધિક્કારતી હતી-એ ઈચ્છતી હતી કે એ પોતાનું નામ ત્યજીને એની પાસે આવી જાય. આવા પ્રેમાળ શબ્દો સાંભળીને ભાવવિભોર થયેલા અને આ વાક્યો પોતાને કહેવાયા છે એમ માનીને રોમિયોએ એને ‘મારો પ્રેમ’ કે એવા કોઈપણ એને ગમતા નામથી સામો જવાબ આપ્યો.કેમકે જો એ નામ એને પસંદ નહોતું આવ્યું, તો એ હવે રોમિયો નહોતો. બગીચા માં પુરૂષ અવાજ સાંભળીને જુલિયેટ ચોંકી, પહેલા એને ખબર ન પડી કે અંધારાનો લાભ લઈને કોણ આવ્યું છે. પરંતુ, જયારે તે બીજીવાર બોલ્યો, ભલે એના કાને એ જીભ દ્વારા ઉચ્ચારાતા સો શબ્દો પણ સાંભળ્યા ન હતા,પણ બહુ જ સુંદર રીતે કહેવાયેલા એના પ્રેમીના શબ્દો એણે ઓળખી લીધા અને જાણ્યું કે એ યુવાન રોમિયો છે. તરત જ એણે આ રીતે ફૂલવાડીના વૃક્ષ પર દીવાલો ચડીને આવવાની સામે પોતાનો વિરોધ પ્રગટ કર્યો અને જણાવ્યું કે આ રીતે આવવું ખતરાથી ખાલી નથી અને ખાસ તો જો નીચે ઉભેલા સૈનિકોને ખબર પડશે કે એક મોન્ટેગ્યુ દ્વારા આ થયું છે તો એ એના માટે જાનનું જોખમ બનશે.
"અફસોસ!" રોમિયો બોલ્યો, “એ લોકોની વીસ તલવારો કરતા તારી આંખોમાં વધુ જોખમ છે. ઓ સન્નારી, મારા તરફ દયાની દ્રષ્ટિએ જો, હું એમની નફરતની સામેનો પુરાવો છું. તારા પ્રેમ વગર જીવવાની થતી નફરતભરી જિંદગી કરતા એ લોકોની નફરતથી મારી જિંદગીનો અંત આવી જાય એ વધુ બહેતર છે.”
"તું આ જગ્યાએ કઈ રીતે આવ્યો?” જુલિયેટ બોલી, “અને કોની દોરવણીથી?”
"પ્રેમે દોરવણી આપી," રોમિયોએ જવાબ આપ્યો. "હું કપ્તાન નથી, તેમ છતાંય તું મારાથી આટલી દુર હો જાણે કોઈ દુર-દેશાવરના દરિયાનો કિનારો એના દ્વારા ધોવાતો હોય, તો મારે એવો વેપાર કરવો જોઈએ."
જુલીયેટના ચહેરા પર શરમના માર્યા લાલાશ ફરી વળી જે અંધારાને લીધે રોમિયોને દેખાઈ નહીં, એ રોમિયો પ્રત્યેનો પ્રેમ, જેને એણે ઓળખ્યો હતો પણ પ્રેમ કરી શકવા માટેનો અર્થ હજી સુધી શોધી શકી નહોતી. એણે પોતાના શબ્દોને યાદ કરવાની કોશિશ કરી, પણ એ અશક્ય હતું. એ એના પ્રેમીની સામે ઉભી હતી અને રીવાજ મુજબ પ્રેમીને દુર રાખ્યો હતો. એ સમયની સ્ત્રીઓ જે રીતે એમના પ્રેમીઓના પ્રેમ-પ્રસ્તાવને પહેલા તો નકારતી, ઘસીને ક્રુરતાપૂર્વક ના પાડી દેતી, અને જાણે પોતાને કોઈ ફેર જ પડયો ન હોય એમ વર્તતી; જેથી એમના પ્રેમીઓને એમ લાગે કે તેમને જીતવી સહેલી નથી. જેથી એને મેળવવાની મથામણથી તેમની કિંમત પ્રેમીના દિલમાં વધે. પણ તેના કિસ્સામાં વાત જુદી હતી કેમકે એની આસપાસની સ્ત્રીઓ બહારથી વિનમ્ર પણ અંદરથી લુચ્ચા સ્વભાવની હતી.
રોમિયો સ્વર્ગના દેવતાઓને પોતાના વિચારોમાં પણ આવી જાજરમાન સ્ત્રી પર પોતાના દ્વારા કોઈ દાગ ન લાગી જાય એ માટે આ નિહાળવાની પ્રાર્થના કરવાનો જ હતો પણ એ સ્ત્રીએ એને અટકાવી દીધો હતો. એટલું જ નહીં, પણ પ્રતિજ્જ્ઞા ન લેવા માટે પણ સમજાવી રહી હતી કેમકે એને આ રાતના મિલનનો આનંદ નહોતો એવું નહોતું,પણ એને માટે આ થોડું ઉતાવળે, થોડું જલદી થઈ રહ્યું હતું. પણ, તે પ્રેમના કોલ આપવા-લેવા માટે અધીરો એટલે બની રહ્યો હતો કેમકે એ રાતે એણે એને સ્વગત બબડતી જોઈ હતી. પણ પછી તેને તેની સાથે કાયમ સુતી એ દાસી એ સુવા માટે બોલાવી. આમેય, સુવાનો વખત થઈ રહ્યો હતો. એને પાછા જવું તો નહોતું,પરંતુ લગભગ દોડતા દોડતા સમુદ્ર જેવો ઊંંડો અને વિશાળ પ્રેમ રોમિયોની આંખોની સામેથી દુર થાય એ પહેલા એ ત્રણ ચાર શબ્દો બોલી હતી જે રોમિયો માટે પૂરતા હતા. એણે રોમીયોને કહ્યું હતું કે રોમિયોના પ્રેમને એ ઘણું જ સન્માન આપે છે અને જ્યાં સુધી લગ્નના પ્રસ્તાવનો સવાલ છે ત્યાં સુધી બીજે દિવસે સવારે એ પોતાનો એક દૂત મોકલશે જેથી લગ્ન ક્યારે કરવા તે અંગે સમય નક્કી થઈ જાય જેથી એ પોતાનું સમગ્ર નસીબ રોમિયોના ચરણોમાં સમર્પ્િાત કરી શકે. જયારે તે બંને આ અંગે મસલત કરી રહ્યા હતા ત્યારે સતત પેલી દાસી એને બોલાવતી રહી, જુલિયેટ અંદર જઈને પાછી ઝરૂખે આવતી. આવું ઘણીવાર બન્યું. જાણે કોઈ યુવતીનું પોતાનું ગમતીલું પક્ષી હોય એને વારે વારે ઉડાડી મુકે અને પાછું રેશમી કાપડ પર બેસાડે એવું જુલિયેટ માટે હતું ; અને રોમિયો માટે? પ્રેમીઓને દુનિયામાં સૌથી મધુર સંગીત માટે એમના પ્રેમીઓની (જીભમાંથી આવતો) અવાજ હોય છે. પણ અંતે બેય એકબીજાને મધુર નિંદ્રા અને આરામ મળે એવી શુભેચ્છા પાઠવી એ રાતે છુટા પડયા.
બેય છુટા પડયા એ પછી દિવસ ધીમે ધીમે પૂરો થઈ રહ્યો હતો અને આપનો રોમિયો એની થનારી ઘરવાળીના સતત આવતા વિચારોમાં જાગતો જઈ રહ્યો હતો. ઘરે જવાને બદલે નજીકના દેવળમાં એ જઈ માથું નમાવ્યું. એ ફ્રાયર લોરેન્સને શોધી રહ્યો હતો. ફ્રાયર લોરેન્સ પોતાની પ્રાર્થનાઓને લીધે પહેલેથી જાગતા હતા પણ રોમીયોને જોઈને એમને એવું લાગ્યું કે આની અનિંદ્રા કોઈ યુવતી પ્રત્યેના આકર્ષણથી છે. એ એવું ધારી બેઠા કે રોમિયોની અનિંદ્રાનું કારણ રોઝલીન હશે, પણ રોમિયોએ જયારે પોતાના પ્રેમ જુલિયેટ અંગે કહ્યું ત્યારે ફ્રાયરે આશ્ચર્યથી આંખો ઉંચી કરીને રોમિયોની સામે જોયું. એને રોમિયોના દિલમાં ઉભા થયેલા આ જુદા આકર્ષણ અંગે નવાઈ લાગી રહી હતી કેમકે એમણે તો રોમિયોના રોઝલીન તરફના પ્રેમની અને રોઝલીનના અણગમાની ઘણી ફરિયાદો બધેથી સાંભળી હતી. એણે કહ્યું કે યુવાન પુરૂષોનો સાચો પ્રેમ દિલમાં નહીં, આંખોમાં દેખાતો હોય છે. પણ રોમિયોએ ઉત્તર વાળ્યો કે એણે પોતે પોતાને રોઝલીનને-કે જે પોતાને પ્રેમ કરવાની જ નથી-પ્રેમ દર્શાવવા તરફ રોક્યો હતો પરંતુ જુલિયેટ અને પોતે બેય એકબીજાને ચાહે છે. ફ્રાયર ને આ બેયના લગ્ન કરવા માટેના ઈરાદાને મંજુરીની મહોર મારવાનું એટલા માટે યોગ્ય લાગ્યું કેમકે ઘણા લાંબા અરસાથી એ કેપ્યુલેટ અને મોન્ટેગ્યુપરિવારનો સારો મિત્ર રહી ચુક્યો હતો અને બેય પરિવારો વચ્ચે સુલેહ થાય એનો એને હરહંમેશ વિચાર આવતો હતો. અંતે વધારે સંઘર્ષ વગર આ સુલેહ થાય અને યુવાન રોમિયો તરફની લાગણીને લીધે અને એણે ના પડી શકવાને લીધે વૃદ્ધ ફ્રાયરે બેયના લગ્ન કરાવવાની હા ભણી દીધી.
રોમીયોને જાણે આશીર્વાદ મળ્યો હતો અને જુલિયેટે પણ એના દૂત મારફત સંદેશો પહોંચાડી દીધો હતો કે એની પણ હા છે. સાથે એ પણ જણાવવામાં આવ્યું કે એ ફ્રાયર લોરેન્સને ત્યાં બને એટલી જલ્દી પહોંચી જાય જેથી તેઓ પવિત્ર આશીર્વાદ મેળવી શકે. ફ્રાયરે સ્વર્ગના દેવતાઓને પ્રાર્થના કરી હતી કે બહુ સમયથી ચાલ્યો આવતો કેપ્યુલેટ અને મોન્ટેગ્યુ પરિવારો વચ્ચેનો ઝઘડો આ બેય યુવાન સંતાનોના લગ્ન સાથે પૂરો થઈ જાય.
જેવી વિધિ પતી, કે તરત જુલિયેટ ઘરે ઉતાવળે પહોંચી. એ ત્યાં જ રહી. કેમકે એ રાત્રે રોમિયોએ એને એ જ બગીચામાં પોતે મળવા આવશે એવું કહ્યું હતું, જ્યાં એ બેય પહેલી વાર મળ્યા હતા. બેયને માટે એ સમય બહુ જ કંટાળાજનક રહ્યો, જાણે કોઈ અધીરા બાળકને નવા કપડા મળ્યા હોય પણ મેળા માટે આવનાર બીજા દિવસની સવાર સિવાય પહેરી ન શકાય એવી બેયની હાલત હતી.
એ જ દિવસે, બપોર આસપાસ, રોમિયોના મિત્રો બેનવોલીઓ અને મર્ક્યુશીઓ વેરોનાની શેરીઓમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એમને કેપ્યુલેટસના જૂથ સાથે ફરતો અધીરો ટીબાલ્ટ મળ્યો. આ એજ ગુસ્સૈલ ટીબાલ્ટ હતો જે વૃદ્ધ શ્રીયુત કેપ્યુલેટના જમણવારમાં રોમિયો સાથે ઝઘડી પડયો હોત. મર્ક્યુશીઓને આવતો જોઈને એણે એનું રોમીઓ-એક મોન્ટેગ્યું- સાથે રહેવા બદલ અપમાન કર્યું. ટીબાલ્ટની જેમ જ જવાન અને ગરમ ખૂન ધરાવતા મર્ક્યુશીઓએ એનો પ્રત્યુત્તર પણ એવી જ કૈક તીક્ષ્ણતાથી આપ્યો. અને બેનવોલીઓ હજી કંઈ આ ઝઘડાને ટાઢો પાડવા માટે કંઈ પ્રતિક્રિયા આપે એ પહેલા ત્યાંથી પસાર થઈ રહેલા રોમીયોને જોઈને ક્રોધિત ટીબાલ્ટ મર્ક્યુશીઓ પાસેથી રોમિયો તરફ ફર્યો અને એણે બહુ જ ખરાબ રીતે એણે ખલનાયક જણાવી અપશબ્દો કહ્યા. જો કે, આ યુવાન મોન્ટેગ્યુ સ્વભાવે સમજણો અને શાંત હોવાને લીધે ક્યારેય પણ પારિવારિક ઝઘડાઓમાં ભાગ ન લેતો અને ખાસ કરીને એની પ્રિયતમાના નામ-કેપ્યુલેટ-ને લીધે અહિયાં ઉભા થયેલા ગુસ્સા અને ક્રોધને આલિંગવાને બદલે એ નામથી અંજાવાનું પસંદ કરત, એટલે એણે શ્રીમાન કેપ્યુલેટથી ટીબાલ્ટને સંબોધ્યો-કેમકે એ નામ ઉચ્ચારવાનો એને અંદરથી આનંદ હતો-,પરંતુ ટીબાલ્ટ તમામ મોન્ટેગ્યુઓને નર્ક જેટલો ધિક્કારતો હતો એટલે એણે હથિયાર કાઢ્યું અને આ મર્ક્યુશીઓએ આ જોયું. ત્યારે એ ક્ષણે એને એ ખબર નહોતી કે રોમિયો ટીબાલ્ટ સાથે શાંતિ ઈચ્છે છે પરંતુ રોમિયોનું આ જાતનું વર્તન એને માનભંગ જેવું લાગ્યું કેમકે ટીબાલ્ટે એને અપમાનજનક શબ્દો કહ્યા હતા અને રોમિયોનું આ વર્તન ટીબાલ્ટ દયાને પાત્ર ગણે એવું લાગી રહ્યું હતું એટલે ટીબાલ્ટ અને મર્ક્યુશીઓના દ્વંદ્વનો પ્રારંભ થયો અને છેલ્લો મરણતોલ ઘા વાગતા મર્ક્યુશીઓ ઢળી પડયો.દરમિયાન રોમીઓ અને બેનવોલીઓ બીજાઓ સાથે લડતા રહ્યા. મર્ક્યુશીઓને મૃત્યુ પામેલ જોઈને રોમિયો,જેને ટીબાલ્ટ ખલનાયકનું બિરૂદ આપી ચુક્યો હતો, એણે એ બિરૂદ આત્મસાત કર્યું હોય એમ એ ટીબાલ્ટ સાથે લડતો રહ્યો, ત્યાં સુધી જ્યાં સુધી ટીબાલ્ટ રોમિયોના હાથે મૃત્યુ ન પામ્યો. વેરોના શહેરની મધ્યમાં ઘટેલી આ લોહીયાળ લડાઈના પડઘા આખા શહેરમાં ગુંજ્યા. જેણે જેણે આ સમાચાર સાંભળ્યા, એ બધા જ ઘટનાસ્થળે ધસી ગયા જેમાં શ્રીયુત કેપ્યુલેટ અને શ્રીયુત મોન્ટેગ્યું, એમની પત્નીઓ સાથે પહોંચ્યા. એ પછી ટીબાલ્ટ દ્વારા હત્યા કરાયેલ મર્ક્યુશીઓ સાથે સંબંધ ધરાવતા રાજકુમાર ખુદ પણ ત્યાં આવી પહોંચ્યા. આ બે પરિવારોના ઝઘડાઓને લીધે એમની સરકારને કાયદા કાનુન નિયંત્રણમાં બહુ તકલીફો પડતી હતી અને એટલે જ એ આ ઘટનામાં સંડોવાયેલ તમામ આક્રમણખોરોને ઝડપી તાત્કાલિક અસરથી કાયો લાગુ કરી દેવાના મતના હતા. બેનવોલીઓ આ ઘટનાના ચશ્મદીદ સાક્ષી હોવાને લીધે પ્રિન્સ દ્વારા આ ઘટનાના મૂળ સુધીનું વર્ણન કરવાનો આદેશ કરવામાં આવ્યો. એણે રોમિયો બચી જાય એ રીતે, એ બે જણા પણ એમાં સામેલ હતા એ હકીકત બહુ જ જાળવીને જણાવી જેથી બેય બચી જાય. શ્રીમતી કેપ્યુલેટે પોતાના સગા ટીબાલ્ટના મૃત્યુને લીધે આવી પડેલા આ દુઃખમાં બેનવોલીઓ-એક મોન્ટેગ્યુઅને રોમિયોના મિત્ર હોવાને લીધે તેની રજુઆતને એકતરફી ઠરાવી અને ખૂનીને કડક સજા આપવા માટે તટસ્થ તપાસની માંગણી કરી. આ રીતે એમણે એમના જમાઈ વિરૂદ્ધ અરજી કરી,પરંતુ એમને એ હજી સુધી ખબર ન હતી કે એ એમનો જમાઈ અને જુલિયેટનો પતિ છે. બીજી બાજુ શ્રીમતી મોન્ટેગ્યુએમના દીકરાને સજા ન થાય એ માટે એવી દલીલ કરી રહ્યા હતા કે ટીબાલ્ટના મૃત્યુનું કારણ બીજી બાજુ મૃત પડેલો મર્ક્યુશીઓ જ છે. બેય પક્ષોની સંવેદનાથી ભરપુર રજુઆતોથી નિર્લેપ રહીને રાજકુમારે કાળજીપૂર્વક બધા તથ્યોને ચકાસ્યા અને પોતાનો નિર્ણય ઉચ્ચાર્યો,એ ફેંસલા તહેત રોમીયોને વેરોનાથી દેશવટો આપવામાં આવ્યો.
થોડા કલાકો પહેલા નવી-નવેલી નવોઢા એવી યુવાન જુલિયેટને આ માઠા સમાચાર મળ્યા ત્યારે જાણે એ આ ફેંસલાથી છૂટાછેડા મળ્યા હોય એમ સ્તબ્ધ થઈ ગઈ. જયારે ટીબાલ્ટના મૃત્યુના સમાચાર એને મળ્યા, ત્યારે પહેલા તો એ રોમિયો પ્રત્યે પ્રતિશોધની આગથી સળગી ગઈ. એ એના પિતરાઈ ટીબાલ્ટને ઘેંટાના વેશમાં રહેલો વરૂ જેવો સ્વભાવવાળો, સુંદર દાનવ અને લાલચુ પારેવડા તરીકે બોલાવતી, એને એ ફૂલોના ચહેરાવાળો પણ દિલથી ક્રુર ગણતી. એના ક્રોધ અને પ્રેમ વચ્ચે એની ભીતર સંઘર્ષ શરૂ થયો જેમાં આખરે જીત તો પ્રેમની જ થઈ. અને જે આંસુ એણે દુઃખમાં સાર્યા એ આનંદમાં ફેરવાઈ ગયા કેમકે જો ટીબાલ્ટ જીવતો હોત તો નક્કી એના પતિએ એને મારી જ નાંખ્યો હોત. એટલે આ સમાચાર કરતા પછીના સમાચારની અસર વધુ હોત.
આ ઝઘડા પછી રાજકુમાર દ્વારા સજા પામેલ રોમિયોએ ફ્રાયર લોરેન્સને ત્યાં આશરો લીધો. આ સજા એને મૃત્યુ કરતાંય વધુ આકરી લાગી હતી. એના માટે વેરોનાની દીવાલોની બહાર અને જુલિયેટની નજરોથી દુર કોઈ દુનિયા જ ન હતી. જુલિયેટ રહેતી એ સ્વર્ગ હતું અને એ સિવાયનું સઘળું નર્ક અને પીડા જ હતું. ફ્રાયરે એને આશ્વાસનના સારા વચનો પણ કહ્યા પરંતુ આ યુવાન પાગલ માણસે કંઈ જ ન સાંભળ્યું અને ગાંડાની માફક એણે પોતાના વાળ ખેંચવા માંડયા અને પોતાની જાતને જમીન પર ફેંકી દીધી. આવી ગાંડપણભરી સ્થિતિમાં એની પ્રિયતમા દ્વારા આવેલા સંદેશાએ એને થોડો હોશમાં લાવવાનું કામ કર્યું. આ જોઈને ફ્રાયરે આ તક ઝડપી લઈ આ પ્રકારની દશામાં હોવા અંગેની પૂછપરછ આદરી. એણે ટીબાલ્ટને માર્યો હતો, પરંતુ એ પોતાને મારવા માંગતો હતો કેમકે આ જાતની જિંદગીમાં પોતે જ નહીં, પણ એની પ્રિયતમા પણ સામેલ થઈ હતી. જયારે માણસને સાચો નિર્ણય લેવાની હિંમત દાખવવાની હોય છે ત્યારે એનું સારાપણું મીણ જેવું કેમ બની જાય છે એવું એ પૂછ્યા કરતો હતો. રાજકુમારે મૃત્યુદંડ આપ્યો હોત તો વધુ સારૂં થાત કેમકે ટીબાલ્ટ જીવતો હોત તો પણ પોતે મૃત્યુ જ પામ્યો હોત.આ સજાનો ફેંસલો રાજકુમારે કર્યો એના કરતા તો એ મૃત્યુ વધુ સારૂં હોત એવું રોમિયો બોલ્યો. તોય એમાં થોડી ખુશીની વાત હતી. જુલિયેટ જીવતી હતી અને (બધી આશાઓની ઉપર)એની પત્ની બની ચુકી હતી એ જ એના માટે સૌથી વધુ ખુશીની વાત હતી. ફ્રાયરે આ બધું આશીર્વાદરૂપ છે એમ જણાવી રોમીયોને(દુઃખની આ પળોમાં) પોતાનું ગેરવર્તન કેવું હતું એ જણાવ્યું. આશ્વાસન આપ્યા પછી ફ્રાયરે એને ચેતવ્યો કે મૃત્યુની આ ઘટના ઘટ્યા પછી એણે સજાગ રહેવું જોઈએ. રોમિયોએ જુલિયેટને આ રાતના અંધકારનો લાભ લઈને (દેશનિકાલ થવા માટે) એની રજા લઈ લેવી જોઈએ અને પછી સીધા મંટુઆ જતા રહેવું જોઈએ જ્યાં એ છુપાઈ શકે. લાગ જોઈને ફ્રાયર બેયના લગ્નની જાહેરાત કરી દેશે જેથી બેય પરિવારો ખુશીખુશી એક બની શકશે. અને પછી રાજકુમારને કોઈ શંકા નહીં રહે અને એને એ મુક્ત કરી દેશે જેને લીધે જતી વખતના દુઃખને બદલે વીસ ગણા આનંદથી પરત ફરી શકશે, રોમિયો ફ્રાયરની આ સમજાવટથી માની ગયો.એણે ફ્રાયરની પોતાની પત્ની સાથે આખી રાત રહેવાની રજા માંગી અને એમ પણ ઠરાવ્યું કે બીજો દિવસ શરૂ થતા પહેલા એ મંટુઆ તરફ પ્રવાસ આરંભી દેશે અને ફ્રાયર એ પછી દેશના સમાચાર પત્રો દ્વારા સમયાંતરે આપતા રહેશે.
એ રાત રોમિયોએ એ જ બગીચાએથી પ્રવેશ લઈને એની વ્હાલી પત્નીના ખાનગી કક્ષમાં ગુજારી. એ જ બગીચાઓ જ્યાંથી એણે આગલી રાતે પોતાની પત્નીના પ્રેમભર્યા એકરાર સાંભળ્યા હતા. એ રાત ઉષ્માપૂર્ણ આનંદની હતી પરંતુ જે સમાજમાં એ રહેતા હતા એ સમાજ દ્વારા આગલે દિવસે જ એના આનંદને જાણે ગ્રહણ લગાડી દેવામાં આવ્યું હતું. અણગમતો દિવસ જાણે વહેલો ઉગી ગયો અને સવારે બુલબુલના અવાજથી જાગેલી જુલિયેટને આ કોઈ મજાક જેવું લાગ્યું. બુલબુલ આટલું વહેલું ઉઠીને કેમ ગાય છે? પણ એને એમ થયું કે બુલબુલ તો રાત્રે ગાતું હોય છે. પણ,વિરોધી સત્ય એ હતું કે પૂર્વમાં ઉગતો દિવસ બેય પ્રેમીઓને છુટા પડવાની ક્ષણ બનીને આવ્યો હતો. ભારે હૈયે રોમિયોએ એની વ્હાલી પત્નીની રજા લીધી અને વચન આપ્યું કે એ દર કલાકે મંટુઆથી એક પત્ર લખશે. અને જયારે એ એના કક્ષમાંથી ઉતર્યો, ત્યારે ઉપર ઉભેલી જુલિયેટ તરફ પોતે જમીન પર ઉભા રહીને એની સામે જોયું; જાણે જુલિયેટની આંખો કબરની નીચે સુતેલા શબની આંખો જેવી મૃત દેખાતી હતી. રોમિયોનું મન એક ક્ષણ માટે પાછું હટ્યું, પણ હવે એને ઝડપ કરવી જરૂરી હતી કેમકે વેરોનાની દીવાલોમાં એનું હોવું એના માટે મૃત્યુ લાવનાર હતું એટલે એને જવું પડયું,
આ એ ઉપરથી બનેલી જોડીની મુશ્કેલીઓની શરૂઆત હતી. શ્રીયુત કેપ્યુલેટે જુલિયેટ માટે સારા વરની તલાશ આદરી હતી એના દિવસો સુધી રોમિયો ગયો નહોતો. કાઉન્ટ પેરીસની આખરે પસંદગી થઈ હતી જેને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે એ પરણેલી છે. કાઉન્ટ પેરીસ એક યુવાન યોદ્ધો અને ચારિત્ર્યવાન સજ્જન હતો જે જવાન જુલિયેટ માટે શ્રેષ્ઠ હતો, જો એ રોમીયોને ન મળી હોત.
આઘાતગ્રસ્ત જુલિયેટ એના પિતાની આ માંગણીથી મૂંઝવણમાં હતી. એણે પોતાની ઉંમર લગ્ન માટે અયોગ્ય જણાવી અને કહ્યું કે ટીબાલ્ટના તાજેતરના જ મૃત્યુના આઘાતને લીધે પતિ સામે આનંદી ચહેરા સાથે મળવા માટે પોતે સક્ષમ નથી. સાથે સાથે એ પણ જણાવ્યું કે કેવું લાગશે કે કેપ્યુલેટ પરિવાર હજી ટીબાલ્ટની દફનક્રિયા હમણા જ પૂરી થઈ છે અને પોતાના લગ્નપ્રસંગે મિજબાની ઉડાવે. એણે આ સંબંધની સામે દરેક કારણ રજુ કરી જોયું પણ સાચું કારણ એ હતું કે એ પરણેલી હતી. પરંતુ, શ્રીયુત કેપ્યુલેટ આગળ એના દરેક બહાનાઓ જાણે બહેરા કાને અથડાયા. એટલું જ નહીં, એને આવતા ગુરૂવાર સુધીમાં તૈયાર થઈ જવાનો હુકમ કરી દેવામાં આવ્યો કેમકે એ દિવસે એના લગ્ન પેરીસ સાથે કરી દેવામાં આવવાના હતા. ધનાઢ્ય, યુવાન અને સજ્જન પતિ વેરોનાની કોઈ પણ યુવતી અસ્વીકાર ન જ કરે. પરંતુ, આ મૂંઝવણમાં એને પોતાના સારા ભવિષ્યની સામે આવતા દરેક અવરોધોને પાર કરવા જોઈએ.
આ બધામાં જુલિયેટ મિત્રભાવે મદદ કરી હતી એ ફ્રાયર પાસે ગઈ. કેમકે એ બેયના માટે સંકટ સમયે ફ્રાયર કાયમ હૈયાધારણ આપતી ભૂમિકામાં હતા. એમની પાસે જઈને જુલિયેટે તાત્કાલિક ઉકેલની માંગણી કરી અને જો ઉપાય ન મળે તો પોતે પોતાના વ્હાલા પતિના જીવતા જ, પેરીસ સાથે લગ્ન કરવાને બદલે જીવતા દફન થઈ જવાનું પસંદ કરશે એવો દ્રઢ નિર્ધાર પણ જાહેર કર્યો. આ સાંભળીને ફ્રાયરે ઉકેલ આપ્યો. એમણે કહ્યું કે જુલિયેટે ઘેર પાછા જઈને ખુશી ખુશી પેરીસ સાથેના પોતાના લગ્ન અંગે પિતાની મરજીને સંમતિ આપવાની રહેશે.બીજી રાત્રીએ-એટલે કે લગ્ન પહેલાની રાતે- જુલિયેટે ફ્રાયરે આપેલું દ્રવ્ય પીવાનું રહેશે. આ દ્રવ્યની અસર હેઠળ એ બેંતાલીસ કલાક માટે ઠંડી અને મૃત જેવી થઈ જશે. બીજે દિવસે સવારે જયારે એનો દુલ્હો એને મળવા આવશે ત્યારે એ એને મૃત્યુ પામેલી જોશે. જેને પરિણામે એ દેશના રીવાજ મુજબ એને પરંપરાગત રીતે એમના પારિવારિક ભંડકીયામાં સુવડાવી દફનાવવામાં આવશે. પોતાનો સ્ત્રીસહજ ડર છોડીને જો આ ભયાનક પ્રયોગ માટે એ તૈયાર થાય તો દ્રવ્ય પીવાયાના બેંતાલીસ કલાક પછી જાણે સ્વપ્નનિંદ્રા માંથી જાગતા હોય એ રીતે એ જાગી ઉઠશે.ત્યાં સુધીમાં એના પતિને જાણ થઈ જાય તો રાતમાં આવીને ત્યાર પછી એને મંટુઆ લઈ જશે.પ્રેમ અને પેરિસને પરણવાના વિચારથી જુલિયેટમાં તાકાત આવી અને એ આ પરાક્રમ કરવા તૈયાર થઈ. ફ્રાયર પાસેથી દ્રવ્ય અને ધ્યાન રાખવાનું વચન લઈને એ આ કામ કરવા તૈયાર થઈ ગઈ.
દેવળથી નીકળીને એ કાઉન્ટ પેરિસને મળી અને નમ્રતાપૂર્વક કહ્યું કે પોતે એની દુલ્હન બનવા માટે તૈયાર છે. શ્રીયુત અને શ્રીમતી કેપ્યુલેટ માટે આ આનંદના સમાચાર હતા. એ વૃદ્ધ માણસમાં જાણે યૌવન ફૂટ્યું. જે જુલિયેટ (કાઉન્ટને પરણવાનો ઈનકાર કર્યો હતો એટલે) એમને નારાજ કરતી હતી એ ફરી પાછી એમને વ્હાલસોયી લાગવા લાગી. એણે પોતે આજ્જ્ઞાંકિત બની રહેવાનું પણ વચન આપ્યું.ઘરમાં ફરી પાછી રોનક અને ધામધૂમ આવનાર લગ્નને અનુસંધાને થવા લાગી. વેરોનાએ ક્યારેય ન જોયા હોય એવા ઉત્સવની તૈયારીઓમાં કોઈ કસર બાકી ન રહી જાય એ પ્રકારે આવા આનંદોત્સવની તૈયારીઓએ જોર પકડયું.
બુધવારે રાતે જુલિયેટે પીણું પી લીધું. એણે ફ્રાયરે રોમિયો સાથે પોતાના લગ્ન કરાવી આપ્યા છે અને પોતાના પર આળ ન આવે એ માટે પછી જુલિયેટને ઝેર આપ્યું છે એવી ઘણી જાતની શંકાઓ મનમાં થઈ આવી. એને એવું પણ દેખાયું કે પોતાને જ્યાં રાખવામાં આવશે એ ભયાનક જગ્યા—જ્યાં કેપ્યુલેટના શબોના હાડકાઓનો ઢેર હશે અને ત્યાં ટીબાલ્ટનું શરીર પણ પડયું હશે. રોમિયો ત્યાં આવે એ પહેલા પોતે ભાનમાં આવી જાય તો સારૂં એવી ચિંતાઓ પણ એને થઈ.પણ, રોમિયો માટેના પ્રેમ અને પેરિસના આવવાની ઘૃણા સાથે એણે એકઝાટકે પીણું પી લીધું અને નિશ્ચેત થઈ ગઈ.
જયારે વહેલી સવારે યુવાન પેરિસે સંગીત સાથે પોતાની નવોઢાને જગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે જીવતીજાગતી જુલિયેટને બદલે નિશ્ચેત જુલિયેટ જોવા મળી. એની આશાઓનું પણ મૃત્યુ જાણે થઈ ગયું !! સમગ્ર ઘરમાં એ સમય કેવો મૂંઝવણનો હશે !! બિચારો પેરીસ પોતાની દુલ્હનને મૃત્યુએ છીનવી લીધી અને પોતાના હાથો જોડાયા એ પહેલા જ છુટા પડી ગયા એના દુઃખમાં હતો. પરંતુ, એના કરતાંય વધુ દયાજનક હાલત વૃદ્ધ શ્રીયુત અને શ્રીમતી કેપ્યુલેટના દુઃખની હતી, જેમણે પોતાના એકમાત્ર સંતાનને સારા ભવિષ્યમાં એ આનંદ કરી શકે એ માટે આશાસ્પદ સંબંધ શોધ્યો હતો—એ સંતાનને મૃત્યુએ એમ્નીપસેથી છીનવી લીધું હતું. ઉત્સવ માટેની સાધનસામગ્રી હવે શોકમય અંતિમવિધિ માટે ઉપયોગમાં લેવામાં આવનાર હતી.લગ્ન માટેનો આનંદ હવે અંતિમક્રિયા માટેનું દુઃખ બની ગયો હતો. લગ્નમંત્રો હવે ઉદાસ પ્રાર્થનાઓ બની ગયા હતા, ઉત્સાહી વાજિંત્રો હવે ઉદાસ સુરાવલીઓ છેડવાના હતા, એ ફૂલો જે દુલ્હનના માર્ગમાં પાથરવાના હતા એ હવે એના શણગારમાં ઉપયોગમાં લેવાના હતા. હવે, એના લગ્ન કરાવવા માટે નહીં, પરંતુ એને દફનાવવા માટે પાદરીની જરૂર હતી. અને એને ચર્ચ પાસે જ દફનાવી, જીવનની આશાઓ સાથે નહીં પરંતુ રોજીંદા મૃત્યુ પામતા લોકોની સંખ્યા સાથે.
સારા સમાચાર કરતા ખરાબ સમાચાર જલ્દી પ્રસરે છે. હજી ફ્રાયરે મોકલેલા સંદેશ—કે આ અંતિમક્રિયા તો માત્ર નાટક જ છે-સાથે દૂત આવે એ પહેલા જ મંટુઆમાં રહેલા રોમિયો પાસે જુલિયેટના મૃત્યુની આવી હતાશ કરી દેનારી વાત આવી ગઈ.પણ, એની વ્હાલી પ્રિયતમા કબરમાં થોડા સમય પુરતી બંધ થઈ એ અપેક્ષાએ કે રોમિયો આવીને એને આ સ્થિતિમાંથી બહાર કાઢશે. થોડા જ સમય પહેલા, રોમિયો અકારણ ખુશ હતો. એને રાત્રે સપનું આવેલું કે પોતે મૃત્યુ પામ્યો છે (એવું સપનું જેમાં માણસ પોતે મૃત્યુ પામે—વિચારતા કરી મુકે) અને એની પત્નીએ આવીને જોયું કે પોતે મૃત છે. એની પત્નીએ એને હોઠો પર ચુંબન કર્યું અને પોતે જીવતો થયો ત્યારે એ રાજા બની ગયો હતો.અને હવે, જયારે સંદેશો લઈને દૂત આવ્યો ત્યારે એને થયું કે આ સ્વપ્ન મુજબ નક્કી કોઈ સારા સમાચાર હશે. પણ એવા ચકાચોંધ દ્રશ્યને બદલે એવું જાણવા મળ્યું કે એની પત્ની ખરેખર મૃત્યુ પામી છે,જેને પોતે કોઈ ચુંબનથી જીવતી નહીં કરી શકે; એણે ઘોડાઓ તૈયાર કરવાનો આદેશ આપ્યો કેમકે એ કબરમાં સુતેલી પોતાની પત્નીને એ રાતે જ જોવા માંગતો હતો. અને જેમ ઉતાવળા માણસના મનમાં કોઈ ખરાબ વિચાર જલ્દીથી ઘર કરી જાય એમ એક વિચાર એના મનમાં પ્રવેશ્યો. એને મંટુઆના એક માણસનો વિચાર આવ્યો જેની દુકાન પાસેથી એ આગલી રાત્રે જ પસાર થયો હતો. ભિખારી જેવા લાગતો એ માણસ ભૂખ્યો પણ લાગતો હતો. એની દુકાનની છાજલીઓ પર રહેલા ખાલી પડેલા ડબ્બાઓમાંથી એની લાચારી દેખાતી હતી. એ સમયે (પોતાની જિંદગીની ખુશીની પળો જેનાથી આવી શકે એ સ્થિતિ—આપઘાત)એણે કહ્યું હતું :
“કોઈ માણસને ઝેર વેચવું એ મંટુઆના કાયદા મુજબ મૃત્યુદંડની સજાને પાત્ર ગુનો છે, પરંતુ અહિયાં એક ગરીબ માણસ રહે છે જે એ વેચશે.”
આ શબ્દો રોમિયોના મનમાં આવ્યા અને થોડી રકઝક પછી રોમિયોએ એને ઝેરના બદલામાં સોનું આપવાની વાત કરી જેને એ ગરીબ માણસ નકારી શક્યો નહીં અને એણે રોમીયોને ઝેર વેચ્યું. અને ઝેરના વિશે કહ્યું કે જો એને પીનારમાં વીસ માણસોની શક્તિ હોય, તોય એની અસર પ્રાણઘાતક અને તાત્કાલિક જ હશે.
આ ઝેરને સાથે લઈને એ પોતાની વ્હાલી પત્નીને કબરમાં જોવા માટે વેરોના તરફ નીકળ્યો.અને એનો અર્થ એવો થાય કે જયારે એ એની પત્નીને જોશે, ત્યારે પોતે પણ ઝેર પી લેશે જેથી એને પણ એની બાજુમાં જ દફનાવવામાં આવે.એ મધ્યરાત્રીએ વેરોના પહોંચ્યો અને એણે એ ચર્ચ ખોળી કાઢ્યું જ્યાં કેપ્યુલેટ ખાનદાનની પ્રાચીન કબરો હતી. એને બત્તી, કુહાડી અને લોખંડનો સળીયો આપવામાં આવેલો. એ સ્થાપત્યને તોડવા જઈ જ રહ્યો ત્યાં એક અવાજે એનું ધ્યાન ખેંચ્યું અને ‘વિલે મોન્ટેગ્યું’ શબ્દ સાંભળવાને લીધે એ આવું ગેરકાયદેસર કામ કરતો અટક્યો. એ યુવાન કાઉન્ટ પેરીસ હતો જે જુલિયેટની કબર પાસે આવા મધ્યરાત્રીના કસમયે ફૂલો મુકવા અને પોતાની દુલ્હનનો શોક પ્રગટ કરવા માટે આવેલો. એને એ ખબર ન હતી કે રોમીયોને આ મૃત્યુ પામેલાઓમાં શું રસ હતો પરંતુ એ એક મોન્ટેગ્યુ(કેપ્યુલેટનો કાયમી દુશ્મન) અને વિશેષ તો ગુનેગાર હતો અને કાયદાકીય રીતે વેરોનાની દીવાલોમાં રહેવાનો હક ધરાવતો ન હોવાને લીધે પેરીસે માન્યું કે એ કૈંક ગુનાખોરી કરવા આવ્યો હશે એટલે પેરિસે એને પડકાર્યો. રોમિયોએ પેરીસને પોતાને પોતાનું કામ કરવા દેવા અને ગુસ્સો ન આપવાની વિનંતી કરી, અને ચેતવણી પણ આપી કે જે હાલ ત્યાં દફનાવાયેલા ટીબાલ્ટના થયા એવા એના પણ થશે. આવું કરીને એ એના મનમાં પરાણે પેરિસને મારવાનું પાપ વહોરવા માંગતો ન હતો. આ સાંભળીને પેરિસે એની અવગણના કરી ગુનેગાર રોમિયોને એણે પોતાના હાથની મદદથી અટકાવ્યો. રોમિયોએ પ્રતિરોધ કર્યો અને બેય લડયા, પેરીસ પડયો. જયારે રોમિયોના હાથમાં બત્તી આવી ત્યારે એને ખબર પડી કે જેના લગ્ન જુલિયેટ સાથે થવાના હતા એ પેરીસ પોતાના હાથે મૃત્યુ પામ્યો છે, ત્યારે એણે નક્કી કર્યું કે પેરીસને એ યોદ્ધાઓની વિજય કબર (એટલે કે જુલિયેટની કબર)માં દફનાવશે, જે અત્યારે એના દ્વારા ખોલવામાં આવી હતી. અને એમ વિચાર કરીને એણે એ યુવાન માણસના શબને ઉચકી લીધું. ત્યાં એની પત્ની સુતી હતી જેની એકમેવ સુંદરતાને ખુદ મૃત્યુ પણ અડકી શક્યું ન હતું. જાણે મૃત્યુને એના માટે ભાવ હોય અને એ હજી તરોતાજા અને ચિરયુવાન દેખાતી હતી એવું લાગતું હતું. એ દ્રવ્ય પીવાને લીધે એ ગાઢ નિંદ્રામાં સુતી હતી. એની બાજુમાં ટીબાલ્ટ લોહીભીના કફન ઓઢીને સુતો હતો. ટીબાલ્ટને રોમિયોએ જુલિયેટની ખાતર ‘ભાઈ’ કહીને સંબોધ્યો અને એની માફી માંગી અને કહ્યું કે હું તારા દુશ્મનને (એટલે કે પોતાને) મૃત્યુ આપીને તારો બદલો પૂરો કરવા માંગું છું. અહીં રોમિયોએ એની પત્નીના હોઠને છેલ્લી વાર ચૂમ્યા અને વિધાતાએ બનાવેલી આ જોડીનો ભાર ઓછો કરવા એણે સાથે રાખેલું ઝેર પી લીધું જેની અસર પ્રાણઘાતક અને વાસ્તવિક હતી. આ ઝેર જુલિયેટના દ્રવ્ય જેવું નહોતું કે જેની અસર ઓછી થઈ રહી હતી અને એ જાગવાની અણી પર હતી અને ઉઠીને બહુ વહેલા આવવા પર કે વધુ પડતું મોડું કરવા બદલ રોમિયોને ફરિયાદ કરવાની હતી.
આ કલાકે ફ્રાયરે આપેલા સમય મુજબ એ જાગી જવી જોઈતી હતી અને ફ્રાયરે લખેલા પત્રો, બદનસીબે કોઈ દિવસ મંટુઆ પહોંચ્યા જ ન હતા, એ જાણીને એ પોતે કોદાળી અને દીવો લઈને એ સન્નારીને જગાડવા ત્યાં પહોંચ્યો. પણ એ આશ્ચર્યચક્તિ થઈ ગયો કેમકે કેપ્યુલેટના એ સ્થાપત્યમાંથી પહેલેથી જ પ્રકાશ આવી રહ્યો હતો, એટલું જ નહીં; ત્યાં નજીકમાં તલવાર અને લોહી પણ જોવા મળ્યું જ્યાં રોમિયો અને પેરીસ નિશ્ચેતન પડયા હતા.
હજુ તો એ જાણે કે કઈ રીતે આ કાળમુખો અકસ્માત ઘટ્યો, જુલિયેટ નિંદ્રામાંથી જાગી. ફ્રાયરને નજીક ઉભેલો જોઈને એને બધું યાદ આવી ગયું અને એણે રોમિયો વિશે ફ્રાયરને પૂછ્યું. ત્યાં ફ્રાયરે ત્યાં ધસી આવતા લોકોનો કોલાહલ સાંભળ્યો.સર્વશક્તિમાન વિધાતાના એ નિર્ણયને એમણે પડકાર્યો હતો પરંતુ આ અવાજને સાંભળીને એ ડર્યો અને એ ભાગી ગયો. પણ જ્યારે જુલિયેટે એના સાચા પ્રેમીના હાથમાં રહેલો પ્યાલો જોયો, એને એ પ્યાલો ઝેરનો હોવાનો ખ્યાલ આવ્યો અને સમજાયું કે ઝેરને લીધે એનું મૃત્યુ થયું હશે. એણે હજીય ગરમ રહેલા એના હોઠો પર ચુંબન કર્યું કે કદાચ હજી થોડું ઝેર વધ્યું હોય જેથી પોતે પણ મૃત્યુ પામી શકે. પણ કોલાહલ નજીક આવતો જોઈને એણે ઝડપથી પોતે પહેરેલા કોટમાં જ બાજુમાં પડેલા મ્યાનમાંથી કટાર કાઢીને પોતાના પેટમાં હુલાવી દીધી અને પોતાના સાચા પ્રેમીની બાજુમાં પડીને એણે પોતાનું જીવન પૂરૂં કરી નાંખ્યું.
ચોકીદાર ત્યાં સુધીમાં સ્થળ પર પહોંચી ચુક્યો હતો. એક કાગળે—કે જેના પર કાઉન્ટ પેરીસનું નામ લખ્યું હતું અને જેણે પોતાના માલિક અને રોમિયો વચ્ચેની લડાઈ જોઈ હતી એ ઝડપથી વેરોનાની ગલીઓમાં ફરી વળ્યું. જેને જેને આ સુચના મળી એ બધા શેરીઓમાં ‘ઓ પેરીસ, ઓ રોમિયો, ઓ જુલિયેટ ’ એમ આમતેમ દોડી રહ્યા હતા. આખરે આ અફવા શ્રીયુત મોન્ટેગ્યુઅને શ્રીયુત કેપ્યુલેટ પાસે પણ પહોંચી જેને લીધે એ લોકો ઊંંઘમાંથી સફાળા બેઠા થઈ ગયા. સાથે જ રાજકુમાર પણ આ કોલાહાલનું સાચું કારણ જાણવા નીકળી પડયા. કેટલાકે ફ્રાયરને ચર્ચના કબરો પાસેની જગ્યાએથી ઘસડાતો, હાંફતો અને શંકાસ્પદ રીતે રડતા જતા જોયો હતો. કેપ્યુલેટની કબર પાસે ખાસ્સો જમાવડો થઈ ગયો અને આ વિચિત્ર અને ભયાનક ઘટના અંગે પૂછપરછ કરવા માટે ફ્રાયરને હાજર કરવા રાજકુમાર દ્વારા સુચના અપાઈ.
અને વૃદ્ધ શ્રીયુત મોન્ટેગ્યુઅને કેપ્યુલેટની હાજરીમાં ફ્રાયરે બેયના સંતાનોની નિષ્ફળ ગયેલી પ્રેમકથા વર્ણવી, જેમાં બેયના લગ્નમાં પોતે ભાગ લીધો હતો એ આશાએ કે બેય પરિવારોની વર્ષો જૂના ઝઘડાઓ બંધ થશે, ત્યાં મૃત રોમિયો અને જુલિયેટ એકબીજાને વફાદાર પતિ-પત્ની હતા,બેયના લગ્નને જાહેર કરવા પોતાને કોઈ એવી તક ન મળી,પોતાની સલાહને અનુસરીને જુલિયેટે બીજા લગ્નનો અપરાધ ન કરવો પડે એટલે ઘેનવાળું પીણું પીધું અને બધાએ એને મરેલી માની લીધી. જેના વચ્ચેના સમયમાં પોતે રોમીયોને પત્ર દ્વારા આ મામલે જાણ કરી કે એ આવીને એને લઈ જાય પરંતુ બદનસીબે એ પત્રો કોઈ દિવસ રોમિયોને પહોંચ્યા જ નહીં. આનાથી વધુ ફ્રાયરને વાત ખબર ન હતી. પછી પોતે આવીને કબરમાંથી જુલીયેટને કાઢવા આવ્યો ત્યારે રોમિયો અને કાઉન્ટ પેરીસને મૃત જોયા.બાકીની વાતની પુષ્ટિ રોમિયો-પેરીસની લડાઈ અંગેના કાગળે આપી. અને રોમિયો સાથે વેરોના આવેલા સેવકે આ વફાદાર પ્રેમીએ એના મૃત્યુ પ્રસંગે આપવાનો પત્ર આપ્યો જેમાં લખ્યું હતું કે ફ્રાયર સારો વ્યક્તિ છે અને પોતે જુલિયેટ સાથે માતાપિતાને જણાવ્યા વગર લગ્ન કર્યા હતા જેની માફી માંગી હતી, પેલા ગરીબ માણસ પાસેથી ઝેરે ખરીદવા અંગેની વાત લખી હતી અને જુલિયેટની કબર પાસે જ ઝેર પી ને પોતાને પણ આપઘાત કરવાની ઈચ્છા એ પત્રમાં રોમિયોએ પ્રગટ કરી હતી. આ બધા સંજોગો સ્પષ્ટ થયા પછી ફ્રાયરને આ બધા ખુનખરાબાથી કંઈ જ લાગતું-વળગતું ન હોવાનું સાબિત કરી આપતું હતું. જે સંજોગો બન્યા એ નિયંત્રણ ને આધીન ન હતા અને જે એને સંબંધિત હતું એ સુસ્પષ્ટ હતું.
અને રાજકુમાર આ બેય શ્રીયુત—મોન્ટેગ્યુઅને કેપ્યુલેટ તરફ ફરીને આ ઘાતકી અને પૂર્વગ્રહપ્રેરિત ઘટનાક્રમ માટે એ બેયને જવાબદાર ઠેરવ્યા કે આ કેવો અભિશાપ સ્વર્ગમાંથી ઉતર્યો છે કે એમના સંતાનો કે જે એકબીજાના પ્રેમમાં હતા એમનો અંત પણ આવી નફરતભરી રીતે આવ્યો. અને આ જુના શત્રુઓએ—કે જે હવે શત્રુ રહેવાના ન હતા- પોતાની શત્રુતાને એમના સંતાનો સાથે દફન કરી નાંખી. અને શ્રીયુત કેપ્યુલેટે શ્રીયુત મોન્ટેગ્યુંને ‘ભાઈ’ શબ્દથી સંબોધ્યા અને દફનવિધિમાં મદદ માટે એમનો હાથ માંગ્યો. જાણે બેય યુવાન કેપ્યુલેટ-મોન્ટેગ્યુના સંતાનોના લગ્ન પ્રસંગે બેય પરિવારો હાથ મિલાવતા હોય અને યુવાન કેપ્યુલેટનો હાથ માંગતા હોય એવી આ વાત હતી. પરંતુ શ્રીયુત મોન્ટેગ્યુએ કહ્યું કે એ હજી વધુ આપશે; જુલિયેટની ની યાદમાં એ શુદ્ધ સોનાની મૂર્ત્િા બનાવડાવશે જેથી વેરોનામાં એની અપ્રતિમ વફાદારી અને પ્રેમ હરકોઈને યાદ રહે. જવાબમાં શ્રીયુત કેપ્યુલેટે કહ્યું કે પોતે પણ રોમિયોની મૂર્ત્િા એની બાજુમાં જ બનાવડાવશે. આ રીતે, બેય વૃદ્ધ શ્રીયુતોએ પોતાની સજ્જનતા સાથે પોતાના પરિવારોની અદાવત અને નફરતને (પોતાના સંતાનોના લોહિયાળ બલિદાનને ખ્યાલમાં રાખીને) મૂળમાંથી ઉખાડી નાંખી.