Attila - The Hun Harsh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Attila - The Hun

કૌતુક કથા

હર્ષ કે. પંડ્યા

manHAR87@gmail.com

બર્બરતાનો આજે ય યાદ રહેતો ચહેરો: અત્તિલા—ધ હૂણ

એક ચોખવટ પહેલા જ કરી લઈએ. જગતે નાના-મોટા અનેક યુદ્ધો જોયા છે. માણસ-માણસ વચ્ચેના ધર્મ-જાતિ-સંપ્રદાય-શ્રદ્ધા-આર્થિક વૈભિન્ય વગેરેને ચલતે અનેક પ્રકારના સંઘર્ષો આ મધર અર્થ પર જોવાયા છે. અનેક પ્રજાતિઓએ અન્ય પ્રદેશો પર આક્રમણ કર્યું છે. એક યા બીજી રીતે અનેક સંસ્કૃતિઓ પાંગરી, અન્ય સંસ્કૃતિઓ સાથે ભળતી ગઈ, અને અનેક સંસ્કૃતિઓ તહસનહસ પણ થઈ ગઈ. જે પ્રજાતિ વધુ બળવાન અને વધુ બુદ્ધિ ધરાવતી હતી એ ડાર્વિનદાદાના નિયમ મુજબ ટકી ગઈ. બાકીની પ્રજાએ હાર અને મૃત્યુ સ્વીકારીને ઉત્ક્રાંતિના એ મહાચક્રની અંદર પીસાઈ જવાનું મુનાસિબ માન્યું. સમજણ આવ્યા પછી માનવજાતે અનેક મોટા યુદ્ધો નિહાળ્યા છે. બે મોટા વિશ્વયુદ્ધો, ધર્મયુદ્ધો(ક્રૂઝેડ્સ) અને અન્ય લડાયક પ્રજાએ બીજી પ્રજાઓ અને એમના વસવાટના પ્રદેશો પર કરેલા હુમલાઓ બધુ ચાલતું રહ્યું છે. બીજા વિશ્વયુદ્ધમાં જાપાને આચરેલી બર્બરતા કે અમેરિકાએ વિયેતનામમાં કરેલી હિંસા, કોલંબસે મૂળ અમેરિકન સંસ્કૃતિ પર કરેલું દમન આજે ય ચર્ચાઓ જન્માવે છે.

પરંતુ, અત્તિલા એ બર્બરતાનો પર્યાય ગણાતું નામ છે. એના જેટલી હિંસા કદાચ કોઈએ આચરી નથી એવું લખાયેલ ઇતિહાસ કહી સંભળાવે છે. સાથોસાથ એ પણ નોંધવું પડે કે હિંસા આચરવાનો એનો એકલાનો શોખ નહોતો. ચંગેઝ ખાન પણ આવી મારકાપ માટે નામચીન હતો. બાર્બેરિયન તરીકે ઓળખાતા હૂણો મૂળ હંગેરીના મેદાની પ્રદેશોમાં વસવાટ કરતાં અચ્છા ઘોડેસવાર અને તીરંદાજ હતા. ઘોડા પર બેસીને જ બેફામ તીરો ચલાવવામાં એમને મહારથ હાંસલ હતી. ઘોડાઓ પર બેસવા માટેની ખાસ ગાદીને લીધે એ ફાવે તે દિશામાં તીરો ચલાવી શકતા હતા. ઇ.સ. ૪૦૬ માં ડાન્યૂબ નદીને કિનારે પેન્નોનિયા વિસ્તારમાં અત્તિલાનો જન્મ થયો. આ વિસ્તારની માલિકી માટે પણ સળંગ ત્રણ વર્ષ યુદ્ધો ભૂતકાળમાં થયા હતા. એટ્લે કદાચ અહીં રહેવાવાળા અત્તિલામાં ય આ ગુણો ફૂટવાના હતા. નાનપણથી જ હૂણ પ્રજામાં એક અજીબોગરીબ પ્રથા હતી. બાળકોના માથામાં એક પટ્ટો કસીને બાંધી દેવામાં આવતો. આને લીધે એમની ખોપરીનો આકાર વિચિત્ર થઈ જતો. આ જ આકાર ભવિષ્યમાં નજરે ચડીને ગ્રંથસ્થ થવાનો હતો. અત્તિલા અને એનો મોટો ભાઈ બ્લેડા ઠંડે કલેજે ખુનામરકી ચલાવતા. ઇ.સ. ૪૩૪. અત્તિલાને મોટા ભાઈની સાથે હૂણોના રાજા પદે નીમવામાં આવ્યો. સહિયારા રાજા બનેલા અત્તિલાએ લોહિયાળ મારકાટ વર્તાવી અને પોતાના નામનો ડંકો વગાડયો. અત્તિલાની યોજના સાવ સાદી હતી. નગરની દીવાલો તોડો. નગરમાં પ્રવેશો, લૂંટો, જેટલા લોકો સામનો કરે એને ભૂંડે હાલ મારો, પાછા ફરતા દરેક ઘરને સળગાવી નાંખો અને જેટલા માણસો ઊભા હોય એની કતલ કરી દો. અત્તિલાનું નામ જ એવું થરથરાવી દેતું કે જે સ્થળે હુમલો કરવાનો થાય ત્યાં પ્રજા આપોઆપ હટી જતી.

એવામાં એ સમયના સૌથી શક્તિશાળી સામ્રાજ્યે એમનો સાથ લેવાનો નિર્ણય કર્યો. રોમન સામ્રાજ્ય. રોમનોને અત્તિલાનો ભય હતો. એવી કહેવત છે કે દોસ્તો કરતાં દુશ્મનોને વધુ નજીક રાખવા જોઈએ. એ હિસાબે રોમનોએ પોતાના દુશ્મનો એટલે કે બ્રુગંડીયન્સ(આજનું ફ્રાંસ) સામે ઇ.સ. ૪૩૭ માં ફૂલ સ્કેલ આક્રમણ કરે તો હૂણોને અઢળક સંપત્તિની ઓફર કરી. મૌત નીપજાવવાના પૈસા મળે એ જોતાં બ્લેડા અને અત્તિલા એ રીતસરનો હાહાકાર મચાવ્યો. આ આક્રમણ સામે લડનારાઓને અત્તિલા અને એની સેનાએ બેરેહમીપૂર્વક કતલ કર્યા. એ પછી અત્તિલાએ કરીબન ૨૦,૦૦૦ જેટલા સ્ત્રી-બાળકોને મૌતને ઘાટ ઉતાર્યા. આટલા જંગી સ્કેલ પર હત્યાઓ Ethnic Cleansing તરીકે ઓળખાઈ અને એ પછીથી એને લોકો ‘ઈશ્વરીય પ્રકોપ’ (Scourge of God) તરીકે ઓળખવા લાગ્યા. આ હુમલાના બદલામાં હૂણોને વાયદા મુજબ અઢળક સંપત્તિ અને સોનું મળ્યા. પરંતુ, મહમુદ ગઝનીની જેમ અત્તિલાને થયું, જો આટલી સંપત્તિ માત્ર આટલા લોકોને મારવાથી મળી શકતી હોય, તો ઓરિજીનલ ખજાનો કેવો હશે? અને રોમન સામ્રાજ્ય, કે જેણે પોતાના દુશ્મનોને સાફ કરવા માટે હૂણોને ‘હાયર’ કર્યા હતા એમના જ તરફ હૂણોના હુમલાની શક્યતાના પાયા નંખાઈ ગયા.

ઇ.સ.૪૪૧. રોમન સામ્રાજ્ય માટે મહત્વના ગણાતા શહેર નાયસસ (આજનું સર્બિયા) પર અત્તિલાનો ડોળો મંડાયો. હાલાંકી, ત્યાં રોમન લશ્કરનું થાણું અને અભેદ્ય કિલ્લો પણ હતો એટલે સીધો હુમલો શક્ય ન હતો. અત્તિલાની જુદા આકારની ખોપરીમાં એક અફલાતૂન વિચાર આવ્યો. જાડા થડવાળા વૃક્ષને કાપી, એના થડના એક છેડે લોખંડની પટ્ટીઓ ચીપકાવી દઈ, એને કિલ્લાની દીવાલો પર વેગપૂર્વક મારવામાં આવે તો ગમે તેવી દીવાલો ય તૂટી જાય. એમ નાયસસના કિલ્લાનું પતન થયું. અને પછી તો એજ દોર ચાલ્યો. હત્યાઓ,બળાત્કાર,લૂંટ. પછીનો ટાર્ગેટ હતો લક્ષ્મીના ડુંગર પર બેઠેલું વૈભવશાળી નગર, કોન્સ્ટેન્ટીનોપલ (આજનું ઇસ્તંબુલ). અભેદ્ય બબ્બે દિવાલોથી ઘેરાયેલ આવા નગરને લૂંટવું સહેલું ન હતું. પરંતુ, અત્તિલાની પ્રસિદ્ધિ એની પહેલા જ ત્યાં પહોંચી ગઈ હતી અને અત્તિલા ત્યાં આવી પહોંચ્યો. રોમનોએ રીતસરનો સોનાનો વરસાદ કર્યો. અત્તિલા બધું ભેગું કરીને ચાલતો થયો, પણ પાછા આવવાના વચન સાથે. એક રીતે માફિયા સ્ટાઈલનું કલ્ચર ઊભું થયું જે અમુક સમયે તમારી પાસેથી પૈસા લેવા આવે છે. ૧૨ વર્ષ, બ્લેડા અને અત્તિલાએ હૂણોને એક ઓળખ આપી અને સામ્રાજ્ય બનાવ્યું. એક દિવસ બ્લેડા શિકાર કરવા જંગલમાં ગયો. અને પાછો આવ્યો જ નહીં. ઘણા ઇતિહાસકારોના મત મુજબ ખુદ અત્તિલાએ જ બ્લેડાને મૌતને ઘાટ ઉતારી દીધો હતો.

જેની ખુદની જિંદગીમાં સતત મારકાટ, રક્તપાત હોય, એનો અંત કેવી રીતે કલ્પી શકો છો?

એ જાણવા માટે અહીંયા જ જોતાં રહો.

ભાગ-2

“અત્તિલા એ રોમનો પાસેથી અઢળક સંપત્તિના બદલામાં ઠંડે કલેજે કત્લેઆમ ચલાવી. વિરોધીઓને ભૂંડે હાલ માર્યા અને એના નામની દહેશત અને ખૌફ, ભડકે બળતા શહેરો સાથે લબકારા મારવા લાગી. ”

કોન્સ્ટેન્ટિનોપલના પતન પછી રોમનોએ હૂણો સાથે શાંતિ સંધિ કરી. ત્યાંથી હંગેરીના ઘાસના મેદાનોમાં રહેતા અત્તિલાને ત્યાં રોમન પ્રતિનિધિમંડળ ગયું જેમાં એમના રિપોર્ટર તરીકે પ્રિસકસ નામનો એક ઈતિહાસકાર પણ સાથે હતો. પ્રિસકસના લખાણો અત્તિલાને સમજવા માટે મદદરૂપ થાય છે. હંગેરી પહોંચવાના રસ્તે અત્તિલાએ તબાહ કરેલા શહેરો ય ખંડેર ભાસતા હતા. અગાઉ વાત કરેલી એ નાયસસ શહેરમાં રસ્તા પર અને નદીકિનારે મૌતને ઘાટ ઉતારી દેવાયેલા લોકોની ખોપરીઓ અને હાડપિંજરો દેખાતા હતા. વાતાવરણમાં કોઈ પ્રલય આવી ગયા પછીની શાંતિ ડૂસકાં લેતી હતી. અત્તિલા સાથે પ્રથમ પહેલી વાર રૂ-બ-રૂ થનાર પ્રિસકસ નોંધે છે કે અત્તિલાને ત્યાં પથ્થરથી બનાવેલા હમામની સગવડ હતી, જે સામાન્ય રીતે રોમન શહેરોમાં વધુ જોવા મળતી. હૂણોએ રોમન સંસ્કૃતિને બહુ ઝડપથી અપનાવી લીધી હતી એવું પ્રિસકસ નોંધે છે. એક ખૂંખાર સેનાપતિના ચહેરા ઉપર જોવા મળે એવી કરડાકી મિજબાનીમાં સામેલ થયેલા પ્રિસકસને ક્યાંય જોવા મળી નહીં. ઊલટાનું એ એક પ્રેમાળ પિતા અને સજ્જન વ્યક્તિ તરીકે દેખાઈ આવતો હતો. પણ તેમ છતાંય, એ એક સાયકોપેથ(મનોરોગીની કક્ષાનો) ખૂની હતો એ નિર્વિવાદ હકીકત છે. પ્રિસકસના લખાણો અત્તિલાની માનવીય બાજુ રજૂ કરે છે. એમાં અત્તિલા એક નંબરનો દારૂડિયો હતો એવો પણ ઉલ્લેખ છે. સતત નશામાં ચૂર એવો હૂણોનો સરદાર, અપરાધીને એવી સજા દેતો કે લોકોમાં એનો ખૌફ સાંગોપાંગ ઉતરી જતો. અત્તિલાનું એ રૂપ જોઈને લોકોને થતું, સાક્ષાત મૃત્યુને જો કોઈ ચહેરો હોય, તો એ ચહેરો એનો જ હોય.

રોમન સામ્રાજ્યના પૂર્વીય ભૂ-ભાગ પર તબાહી મચાવ્યા પછી ૪૫ વર્ષીય અત્તિલાએ પશ્ચિમી રોમન સામ્રાજ્ય પર ડોળો માંડ્યો. એ પોતાની સેનાની તાકાત પર મુસ્તાક હતો. ફરીથી એ પશ્ચિમી રોમને ઘમરોળવા સજ્જ હતો. દરમિયાનમાં રોમન સામ્રાજ્ય બે ભાગમાં વહેંચાઈ ચૂક્યું હતું. નવાઈની વાત એ હતી કે અત્તિલાએ મધ્ય યુરોપ સુધી પહોંચવા માટે અવનવા આઇડિયા વાપર્યા હતા. સેનાને ખોરાક મળી રહે એ માટે ઘોડા પર જ એક ખાસ ચાદર બનાવવાં આવી હતી જેની અંદર કાચું માંસ રાખી દેવામાં આવતું. ચાદર પર ઘોડાનું જીન ગોઠવવામાં આવતું જેથી મુસાફરી દરમિયાન લાગતાં થડકારાને લીધે એ માંસ સોફ્ટ બની જતું. ચાદરની અંદરની દીવાલો પર મીઠું લગાવેલું હતું જેથી એ પ્રિઝર્વેટીવ તરીકે કામ કરતું.

યુરોપમાં રહાઇન નદી પાર કરીને મેટ્ઝ નામનું ગામ અત્તિલાએ ધ્વસ્ત કર્યું અને વધુ ઊંડે પગપેસારો કર્યો. ફરીથી ફ્રાંસ પાસે કેટેલોનિયનના મેદાનો પર થનારા જંગનો સમય આવ્યો. આ વખતે રોમન સેનાપતિ એટીયસે જંગી માત્રામાં સૈન્ય એકઠું કર્યું હતું. એટલું જ નહીં, અત્તિલાથી ત્રાસેલા લોકો પણ ત્યાં એકત્ર થયા હતા. રોમન સેનાએ પ્રથમ હુમલો કર્યો. પરંતુ, ગેરીલા હુમલાને બદલે અત્તિલાએ ખુલ્લેઆમ લડવું પડ્યું. હુમલો કરવા માટે એક પછી એક માનવ મોજાઓ આવતા ગયા અને આ સામસામે લડાઈમાં અત્તિલા અને સામેના પક્ષે ખુવારી પણ થઈ. આ એનું પહેલું એવું યુદ્ધ હતું જેમાં એણે હારનો બિહામણો ચહેરો જોયો હતો. અત્તિલા આ યુદ્ધ હારી ગયો.

એકહથ્થું સત્તામાં માનનારો અત્તિલા બદલાની ભાવનાથી રાતોપીળો થઈ ગયો. એણે નક્કી કર્યું કે રોમને આ યુદ્ધનો બદલો ચૂકવવો પડશે. કાર્થેજના સેનાપતિ હનિબાલની જેમ એણે પણ આલ્પ્સની વિષમ પહાડીઓ ઓળંગી અને ઈટાલી તરફ કૂચ કરી. કથા એવું કહે છે કે એ વખતે પોપે દરમિયાનગીરી કરીને એને પાછો વાળ્યો. પરંતુ, ચાલક અત્તિલાએ એ વખતે યુરોપમાં ફાટી નીકળેલા પ્લેગના રોગચાળાને લીધે પાછા ફરવાનો નિર્ણય લઈ લીધો. યુરોપનો આ પ્રવાસ અઢળક સંપત્તિ લાવનારો સાબિત થયો. ૪૭ વર્ષની ઉંમરમાં કુલ ૧૯ યુદ્ધોમાં એ જીવતો રહ્યો હતો.

ઇ.સ. ૪૫૩. અત્તિલાને હવે થોડો આરામ કરવો હતો. એના લગ્ન કમનીય અને મોહક યુવતી સાથે કરવામાં આવ્યા. લગ્નની રાત્રે દારૂની છોળો વચ્ચે અત્તિલા શાંતિ ચાહતો હતો. આટલી રઝળપાટ અને યુદ્ધોએ એને ઘણી હાડમારી આપી હતી. ચિક્કાર દારૂ પી ને એ એની નવવિવાહિતા પત્ની સાથે એની ઝૂંપડીમાં ગયો જેથી આટલા વર્ષોનો થાક ઉતરી જાય.

પ્રિસકસ નોંધે છે, બીજે દિવસે સવારે અત્તિલાનો મૃતદેહ નાકમાંથી લોહી નીંગળતી હાલતમાં મળી આવ્યો હતો. ચિક્કાર દારૂ, ભયાનક તાણ અને હાડમારીભર્યા જીવને અત્તિલાના લીવરને બહુ નુકસાન પહોંચાડ્યું હતું. લીવર ફાટી જતાં થયેલા આંતરિક રક્તસ્રાવને લીધે એની શ્વાસનળીના પોલાણમાં જ લોહીનો ભરાવો થયો અને ઉધરસને લીધે બહાર આવેલા લોહીને જોઈને જે આઘાત લાગ્યો; એનાથી એને વધુ તકલીફ પડી અને છેવટે એનું મૃત્યુ થયું. આ એવું જ મૌત હતું, જે એને કાયમ ગમ્યું હતું. લોહીથી છલોછલ.