અંજામ- Chapter 17 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંજામ- Chapter 17

અંજામ-૧૭

( આગળ આપણે વાંચ્યુઃ માધોસીંહ તેના ગુનાની કબુલાત કરે છે કે તેણે અને રઘુએ મળીને સુંદરવન હવેલીમાં ડ્રગ્સ સંતાડયુ છે... પરંતુ ખુન કરવા બાબતમાં તે સાફ ના-મુકર જાય છે. ગેહલોત તેની વાત માનવા રાજી નથી... બરાબર આ જ વખતે હોસ્પિટલમાંથી ગેહલોત ઉપર ફોન આવે છે કે વીજય ત્યાંથી ભાગી છુટયો છે... હવે આગળ વાંચો...)

“ વોટ... ?” ગેહલોત ઉછળી પડયો.

“ પણ કેવી રીતે... ? સાલા તું ત્યાં શું કરતો હતો... ? તેણે કોન્સ્ટેબલને તતડાવી નાંખ્યો.

“ પણ સાહેબ...”

“ શું પણ સાહેબ... ? તને ત્યાંશું જખ મારવા બેસાડયો હતો... ? કોઇનાથી એક કામ પણ ઠીક રીતે થતુ નથી. હવે ગોત તારા બાપને...” ગેહલોતે તેને બોલવા પણ દીધો નહી. તે ભયંકર ગુસ્સે ભરાયો હતો. વીજયનું હોસ્પિટલમાંથી ભાગી જવુ મતલબ આ કેસની એક મહત્વપૂર્ણ કડી તુટી જવી... આટલા દિવસમાં તે માત્ર ત્રણ જ વ્યકિતને ભારે જહેમતથી ગીરફતાર કરી શકયો હતો. વીજય, રઘુ અને માધોસીંહ. તેમાંથી વીજય હવે તેના હાથમાં નહોતો. તે ભાગી ચુક્યો હતો. ગેહલોતને ત્યાં ચોકી માટે બેસાડેલા કોન્સ્ટેબલ ઉપર કાળઝાળ ક્રોધ ચડયો હતો.

“ તું ત્યાં જ રહેજે. હું આવુ છું...” તેણે કોન્સ્ટેબલને ફોનમાં કહયુ અને જોરથી ફોન રીસીવર ઉપર પછાડયો. તેની રગોમાં દોડતુ લોહી ગરમ થઇ ચુકયુ હતુ. ભારે ક્રોધના કારણે તેનું માથુ ધમધમવા માંડયુ હતુ. “ સાલા... એક કામ પણ ઢંગથી સંભાળી શકતા નથી...” તેણે મનોમન કોન્સ્ટેબલ વીરજીને બે-ચાર ગાળો ચોપડાવી દીધી. “પણ વીજય ભાગ્યો શું કામ... ?” અચાનક તેના જહેનમાં સવાલ ઉઠયો. એ તો તેની યાદદાસ્ત ખોઇ બેઠો હતો તો પછી હોસ્પિટલમાંથી રફુચક્કર શું કામ થયો... ? શું તેની યાદદાસ્ત પાછી આવી હશે... ? હાં, એમ જ હશે... યાદદાસ્ત પાછી આવતા જ તેને ભાન થયુ હશે કે તેણે કેવુ ભયંકર કૃત્ય કરી નાંખ્યુ છે...!!! તેને બીક લાગી હશે કે પોલીસવાળા તેને છોડશે નહી. એ કારણે જ તે ભાગ્યો હોવો જોઇએ. હાં... ચોક્કસ એવુ જ બન્યુ હોવુ જોઇએ... ગેહલોત મનોમન વાર્તાલાપ કરી રહયો હતો. તેને ખરેખર કંઇ સમજાતુ નહોતુ. ઘડીકમાં લાગતુ હતુ કે કેસ સોલ્વ થઇ ગયો છે અને ઘડીકમાં કેસ વિચિત્ર રીતે ઉલઝી જતો હતો... આખરે આ કેસ છે શું... ? સુંદરવનમાં મચેલા કત્લેઆમનો કે પછી ડ્રગ્સનો... ? સવાલો, સવાલો... સવાલો... જાણે ચો- તરફ સવાલોની દિવાલ ખડકાઇ ગઇ હોય એવુ તે મહેસુસ કરી રહયો હતો. ઓ.કે... કુલ ડાઉન... તેણે પોતાની જાતને જ કહયુ અને શાંતીથી ખુરશી પર ગોઠવાયો.

આવા સમયે તેને સીગરેટની જબરદસ્ત તલબ લાગતી. તેણે સીગરેટ કાઢીને સળગાવી, એક ઉંડો કશ માર્યો... અને ફરી તે વીચારે ચડયો. હવે શું કરવુ જોઇએ... ? રઘુ અને માધોસીંહે ડ્રગ્સના મામલાની પોતાની સંડોવણી કોઇ જ આનાકાની વગર સ્વીકારી લીધી હતી. અને તે બંનેની વાતોમાં સામ્ય પણ હતુ. પરંતુ તેઓ ખુનકેસમાં પોતાની સંડોવણી સ્વિકારવા તૈયાર ન હતા. તેમને મારી-મારીને અધમૂવા કરી નાંખ્યા છતાં તેઓ એ મામલે ટસ ના મસ થયા નહોતા... બની શકે કે કદાચ તે બંને સાચુ બોલતા હોય... જો એમ હોય તો પછી એ ખુન વીજયે જ કર્યા હોવા જોઇએ. તેને કદાચ નક્કી થઇ ગયુ હશે કે તેની કરતુતો ખુલ્લી પડી ગઇ છે અને હવે તે ખુન કેસમાંથી છટકી શકવાનો નથી. એ કારણોસર જ તે ભાગી નીકળ્યો હોવો જોઇએ... પરંતુ તો પછી તે આટલા બધા દિવસ શેની રાહ જોઇ રહયો હતો...? આ સમગ્ર ઘટનાક્રમમાં કંઇક એવુ હતુ જે હજુ સુધી તેને સમજાતુ નહોતુ. કોઇક કડી તેના ધ્યાન બહાર રહી હોય એવુ તે મહેસુસ કરી રહયો હતો.

માધોસીંહે તેને ડ્રગ્સ કયાં સંતાડયા હતા એ જણાવ્યુ હતુ. તેના કહેવા મુજબ એ અબજો રૂપીયાનો માલ હતો. સૌથી પહેલા તો એ માલ કબજે લેવો જરૂરી હતો જેથી આ ડ્રગ્સનો એક મામલો સુલઝી જાય... “ ઓ.કે... પહેલા એ કામ કરીએ પછી પેલા ખુનકેસની નવેસરથી જાંચ ચાલુ કરીશ...” ગેહલોતે મનોમન એક નિર્ણય લીધો... માધોસીંહ અને રઘુનો મામલો લગભગ સુલઝી ગયો હોય એવુ તેને લાગતુ હતુ. અને જો એ ખુનો તેમણે કર્યા હશે તો જ્યારે ફરીથી એકડે એકથી તપાસ શરૂ થશે ત્યારે તેમના નામ સામે આવ્યા વગર રહેશે નહી. એ સમયે તેઓ તેના હાથમાંથી લાખ કોશીષ કરવા છતા છુટી શકશે નહી.

આ ઉપરાંત પણ ગેહલોતને જે એક સવાલ મુંઝવી રહયો હતો તેનો જવાબ માધોસીંહના બયાનમાંથી મળી ચુકયો હતો. ગેહલોતને એક બાબતનું ભારે આશ્ચર્ય થતુ હતુ કે માધોસીંહે સુંદરવન હવેલીમાં ડ્રગ્સનો ઝઝીરો સંતાડયો હતો છતાં કેમ પેલી યુવતીની લાશ જોઇને પોલીસને ફોન કર્યો હતો... ? આ સવાલ તેને ઘણા દિવસથી પરેશાન કરી રહયો હતો. પોલીસ લોક-અપમાં થયેલી પુછપરછમાં માધોસીંહે જે બયાન આપ્યુ તેમાં આ સવાલનો જવાબ મળ્યો હતો.... માધોસીંહે જણાવ્યુ હતુ કે જે રાતે તેણે અને રઘુએ સુંદરવન હવેલીના ભોંયરામાં ડ્રગ્સના પાર્સલ છુપાવ્યા તેના બીજા દિવસે સવારે છુપાવેલો માલ સલામત છે કે નહી તેની તપાસ કરવા તે પોતાના ઘેટા-બકરા લઇને સુંદરવન હવેલીની આસ-પાસની પહાડીઓમાં ચરાવા નીકળ્યો હતો. તે જ્યારે સુંદરવન હવેલીની પાસેના જંગલમાં પહોંચ્યો ત્યારે તેણે ત્યાં એક યુવતીની અતી બીભત્સ અવસ્થામાં કપાયેલી લાશ જોઇ હતી. એ લાશ જોઇને તે થથરી ઉઠયો હતો. આટલુ ભયાનક મોત તેણે આજ સુધી કયારેય જોયુ તો શું, કલ્પ્યુ પણ નહોતુ... ગભરાયેલી અવસ્થામાં જ તેણે ફટાફટ ફોન કાઢીને પોલીસનો નંબર ડાયલ કર્યો હતો... એ સમયે તે એટલી ભયાનક માનસીક આઘાત ભરેલી સ્થિતિમાં હતો કે ઘડીભર તો તે એ પણ ભુલી ગયો હતો કે તેઓએ ગઇકાલે રાત્રે જ અહી નજીકમાં આવેલી સુંદરવન હવેલીમાં અબજો રૂપીયાનું ડ્રગ્સ સંતાડયુ છે. જો પોલીસ અહી આવશે તો સુંદરવન હવેલીમાં પણ તપાસ થશે એ બાબત તેના જહેનમાં આવી જ નહોતી. તેણે તો લાશની હાલત જોઇને આતંકીત થઇને પોલીસને ફોન લગાવી દીધો હતો... અને આમ પોલીસ બોલાવી હતી. રઘુએ જ્યારે આ વાત જાણી ત્યારે તેણે માધોસીંહને બરાબરનો તતડાવ્યો પણ હતો પરંતુ એ સમયે કંઇ થઇ શકે તેમ નહોતુ. તીર કમાનમાંથી વછૂટી ચૂકયુ હતુ જે લાખ કોશીષ કરવા છતા પાછુ વાળી શકાય તેમ નહોતુ... માધોએ ગેહલોતને આ પ્ર માણેનુ બયાન આપ્યુ હતુ જે ગેહલોતને પણ બંધ-બેસતુ લાગતુ હતુ. માધોના એ બયાન ઉપર શક કરવા જેવુ કંઇ નહોતુ એટલે ગેહલોતે તેને સ્ટેટમેન્ટમાં નોંધી લીધુ હતુ...

આમ સમગ્ર તહઃ જે વિવરણ મળ્યુ હતુ તેમાંથી એક નિષ્કર્ષ સ્પષ્ટ નીકળતો હતો કે રઘુ અને માધો ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. સુંદરવન હવેલીમાં થયેલી ખૂના-મરકીમાં તેઓનો હાથ હોવાના કોઇ પુરાવા હાલ પુરતા તો ગેહલોત પાસે નહોતા... આ ઉપરાંત વીજય, કે જે હમણા જ ભાગી છુટયો છે તે હવે મુખ્ય શકમંદની ભુમીકામાં આવી ચુકયો હતો...

*********************************

“ તો શું...? તને કંઇ સમજાતુ નથી....? ડોબરમેન પીંન્શર કુતરો હોવાનો મતલબ કે તે એક પાલતુ કુતરો હશે.....પીંન્શર એમ કંઇ રેઢો રખડતો ન હોય....અને તેનો એક મતલબ એ પણ નીકળે કે જે લોકો અહી આવ્યા છે એ આપણા માટે જ આવ્યા હશે...” મોન્ટીએ ભારે ખીજથી રીતુને કહ્યું.

બરાબર એ જ સમયે એ અવાવરુ કમરાના ઉપરના ભાગે કંઇક ખડખડાટ વ્યાપ્યો. લોખંડનો કટાઇ ગયેલો આગળીયો ખુલતો હોય એવો કીચૂડાટ સંભળાયો અને જાણે કોઇ એલ્યુમીનીયમના ડબ્બાનું ઢાંકણ ખુલતુ હોય એમ ઉપરથી ચોરસ આકારનું કમરાનુ ઢાંકણ ખુલ્યુ.....પ્રકાશનો એક તેજપૂંજ અવાવરુ કમરામાં રેળાયો જેની ચકાચૌંધ કરી દેતી રોશનીમાં રીતુ અને મોન્ટીની આંખો અંજાઇ ઉઠી....એ સમયે પણ કુતરો જોર-જોરથી ભસી રહ્યો હતો. બહાર ઉપર કમરાના મથાળે એકસાથે ઘણા-બધા માણસોના પગલાની ચહલ-પહલ મચી હતી.

“ વીરા.....જરા જો તો.....પેલા બે મરી ગયા છે કે જીવે છે.....?” એક ઘોઘરા અવાજનો માલીક બોલ્યો. તેણે કોઇ વીરા નામના શખ્શને ઉદ્દેશીને કહ્યુ હતુ. થોડીવારમાં કોઇ અંદર ડોકાયુ જેનો પડછાયો રીતુ અને મોન્ટીના ચહેરા ઉપર છવાયો. કદાચ તે વીરા નામનો શખ્શ હતો જે અંદર રૂમમાં ઝાંકી રહ્યો હતો.

“ જીવે છે વીરજી....બેય જીવે છે અને ઉપર જ જોઇ રહ્યા છે....” વીરા નામનો આદમી અચંભાથી બોલ્યો.

“ હેં.....શું વાત કરે છે.....? સાલુ કમાલ કહેવાય. બાપુએ તો બન્નેને અહી મરવા નાંખ્યા હતા. સાલાઓ ભારે લોંઠકા લાગે છે કે હજુય જીવતા છે. તુ આમ આવ.....મને જોવા દે....” ઘોઘરા અવાજ વાળો વીરજી બોલ્યો. તે બોલતો હતો ત્યારે એવુ લાગતુ હતુ કે જાણે બે-ત્રણ માણસો એકસાથે બોલી રહ્યા હોય. તેનો અવાજ એટલો જાડો અને કર્કશ હતો.

વીરા ત્યાંથી હટયો અને વીરજીએ એ ચાર બાય ચારના ઢાંકણામાં તેનુ મોઢુ ઘુસાડયુ......મોન્ટીને સમજાતુ નહોતુ કે ખરેખર અહી શું ચાલી રહયુ છે...? ઉપર આવેલા માણસો કોણ છે એનાથી તે સાવ અજાણ હતો....પરંતુ, રીતુ ચમકી હતી. તેણે આ ઘોઘરો અવાજ આ પહેલા પણ ક્યાંક સાંભળ્યો હતો. બહુ સારી રીતે તેને આ અવાજ યાદ રહી ગયો હતો કારણકે લાખો લોકોમાં ભાગ્યે જ કોઇકનો અવાજ આવો ભયંકર કર્કશ હોય....રીતુના હદયની ધડકનો તેજ થઇ ગઇ હતી. અનાયાસે જ તે મોન્ટી તરફ ચાલી અને તેની નજદીક જઇ તેણે મોન્ટીની બાંહ પકડી લીધી. રીતુને સખત ડર લાગવા માંડયો હતો. તેણે એ માણસનો ચહેરો ક્યારેય જોયો નહોતો પણ તેનો અવાજ સાંભળતા તે ગભરાઇ ઉઠી હતી.

“ હાં એલા.....આ હરામખોરો તો હજુ જીવે છે.....!!!” વીરજી એકદમ તળપદી સૌરાષ્ટ્રની ભાષામાં બોલ્યો. તેઓ બન્ને એ જ લહેકામાં વાતચીત કરી રહ્યા હતા. “ મારુ બેટું.....ભારે કરી. હવે આનું શું કરવુ...?”

“ છો ને અહીં પડી રહેતા......હજુ થોડા દિ આમનોમ રહેશે તો આપમેળે ગુજરી જાશે. ભૂખ્યા, તરસ્યા કેટલા દીવસ કાઢશે....? આમપણ અહી બચાવવા આવશે કોણ...? છો રહેતા અંદર.... હું કહુ છુ પાછુ ઢાંકણુ બંધ કરી દો...” વીરા બોલ્યો,

રીતુ અને મોન્ટીએ એ વાર્તાલાપ સ્પષ્ટ સાંભળ્યો હતો. તેનાથી એકવાત તો સમજી ગયા હતા કે આ લોકો જ તેમને અહી લઇ આવ્યા છે અને મરવા માટે મુકી ગયા છે. અત્યારે તેઓ ફક્ત ચેક કરવા જ આવ્યા છે કે તે બન્ને મરી ગયા છે કે નહી....?

“ પ્લીઝ....પ્લીઝ.....અમને અહીથી બહાર કાઢો.....” અચાનક મોન્ટી કરગરી ઉઠયો. આ દોઝખ ભરી જીંદગી તેનાથી સહન થતી નહોતી.

“ લે..આ લે.....આ તો હજુ બોલવાની હાલતમાં પણ છે....!!! તું તો કહેતો હતોને કે બે દીવસમાં જ ખેલ ખતમ થઇ જશે...? “ વીરજી એ વીરા ને ઉદ્દેશી ને કહયુ.

“ હવે છોડને એ વાત.....અને એ કહે આ બન્ને નું કરવુ છે શું...? અત્યારે જ ખતમ કરી નાંખવા હોય તો કહે....મારી પાસે બંદુક છે. એક-એક ગોળી અને મામલો ફીનીશ. અથવા તો આ રેવા ને છુટો મુકીએ એટલે ચંદ સેકંડોમાં તે આ બન્નેને ફાડી ખાશે....” વીરા ભયાનક લહેજામાં બોલ્યો. તે જે લહેકામાં બોલ્યો હતો એના ઉપરથી એક વાત સ્પષ્ટ થતી હતી કે કોઇ માણસને મારવો એ તેના માટે રમત વાત હતી. તે જાણે કીડી-મંકોડા મારવા માંગતો હોય એમ બોલતો હતો. તેણે પેલા પીન્શર કુતરો કે જેનુ નામ કદાચ રેવા હતુ તેને રીતુ અને મોન્ટીની ઉપર છુટો મુકવાની વાત ઉચ્ચારી હતી જે સાંભળીને તે બન્ને થથરી ઉઠયા હતા......પીન્શર કુતરાના જડબામાં રીબાઇ-રીબાઇને ભયાનક મોતે મરવા કરતા તેઓ બંદુકની ગોળીથી એક ઝટકે મરવુ વધુ પસંદ કરે....પરંતુ મોતની પસંદગી પણ અત્યારે તેમના હાથમાં નહોતી.

“ પણ બાપુને જવાબ શું આપીશું...? બાપુએ આ બાબતે તો કંઇ કહ્યું જ નથી.....” વીરજી બોલ્યો.

“ તો હાલ.......બાપુને પુછી આવીએ.....આ બન્ને ભલે હમણા અહી બંધ રહેતા....” વીરાએ સુજાવ આપ્યો.

“ હાં.....એ જ ઠીક રહેશે. રખે ને બાપુ ખીજવાયા તો....? આપણને બન્નેને ભડાકે દેશે...” વીરજી બોલ્યો અને ત્યાંથી ઉભો થયો. આ વખતે મોન્ટી કંઇ બોલ્યો નહી. ઉપર વીરજી અને વીરા વચ્ચે થયેલી વાતચીત તેણે સાંભળી હતી અને તેના મોતીયા મરી ગયા હતા. હાલ પુરતુ તો તેણે ખામોશ રહેવાનુ જ મુનાસીબ માન્યુ હતુ. રખેને તે કંઇ બોલે અને એ લોકો પેલા કુતરાને તેમના ઉપર છુટો મુકે તો....? મોન્ટીના શરીરમાં એ વીચારે ધ્રુજારી પ્રસરી ગઇ. તે કેવા ભયાનક માણસોના હાથમાં સપડાયો હતો એનો તેને ખ્યાલ આવ્યો હતો અને આ બધુ રીતુના કારણે થયુ હતુ.

વીરજી અને વીરાએ ફરીથી અવાવરુ ભોંયરાના કમરાનું ઢાંકણુ ઉપરથી બંધ કરી દીધુ. અને થોડીવારમાં જ તેઓના દુર જતા પગલાઓના અવાજો મોન્ટી અને રીતુના કાને અફળાયા... મોન્ટીના હ્રદયમાં ઉઠેલો ફફડાટ થોડો ઓછો થયો. રીતુ હજુ પણ તેની બાંહ પકડીને ઉભી હતી. મોન્ટીએ ગુસ્સામાં, નફરતપૂર્વક રીતુના હાથને હડસેલો માર્યો અને કમરાના એક ખુણામાં જઇ ધ્રુસકે-ધ્રુસકે રડી પડયો.

તેને ખરેખર સમજાતુ નહોતુ કે આખરે તેની સાથે આ બધુ શું થઇ રહયુ છે. તેણે એવો તે શું ગુનો કર્યો છે કે જેના કારણે આ વીરજી અને વીરા જેવા માણસો તેની પાછળ લાગ્યા છે...?

રીતુને મોન્ટીનું વર્તન સમજાતુ હતુ. મોન્ટી સાવ નાના બાળક જવો હતો. દોમ-દોમ સાહ્યબી અને સુંવાળપ વચ્ચે ઉછરેલા મોન્ટીએ કયારેય આવી પરિસ્થિતિની કલ્પના પણ કયાંથી કરી હોય... ? અત્યારે તે જે હાલતમાં હતો એ હાલત તેના માટે કલ્પનાતીત હતી. તે સમજી જ નહોતો શકતો કે આખરે તેની સાથે કેવો ખેલ થઇ રહયો છે... ? તે ધરબાઇ ગયો હતો... તે હિંમત હારી ચુકયો હતો. તેમાં પણ વીરજી અને વીરા નામના માણસોની વાત-ચીત સાંભળીને તેને ખાતરી થતી જતી હતી કે હવે તે અહીથી જીવતો બહાર નીકળી શકશે નહી... હવે તેની પાસે મૃત્યુનો ઇંન્તેજાર કરવા સીવાય કશું બચતુ નહોતુ.

રીતુને પણ મોન્ટી જેટલો જ ડર લાગતો હતો. તેના જીગરમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો. તેમ છતાં તેની સ્થિતી મોન્ટી કરતા અલગ હતી. મોન્ટી નીર્દોષ હતો જ્યારે પોતે એવુ કહી શકે તેમ નહોતી. તેણે આ મામલામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. વીજય, મોન્ટી અને તેના અનુપમ મિત્રો સાથે જે ઘટના બની હતી તેની પાછળનો દોરી સંચાર ભલે બીજાનો હોય પરંતુ મુખ્ય રોલ તો તેણે જ ભજવ્યો હતો... રીતુ આ બાબત બહુ સારી સમજતી હતી એટલે તેને અત્યારે આવી પડેલી આ ખતરનાક પરિસ્થિતીમાં બહુ ઝાઝો અફસોસ થતો નહોતો. તે સમજતી હતી કે હવે આગળ તેની સાથે શું થવાનુ છે.... પરંતુ એ આવનાર સમયનો તેને કોઇ અફસોસ નહોતો. આ તો થવાનું જ હતુ. જે કર્મો તેણે કર્યા હતા એનુ પરીણામ તેણે ભોગવવુ જ રહયુ. તે માનસીક રીતે એટલી બધી ભાંગી નહોતી પડી જેટલો મોન્ટી ભાંગી પડયો હતો... રીતુએ આ સમયને પોતાના પ્રાયશ્ચીત તરીકે સ્વીકારી લીધો હતો.

તેમ છતાં તે પેલા વીરજીનો ઘોઘરો અવાજ સાંભળીને ચોંકી ગઇ હતી. તેણે આ અવાજના માલીકને આજ પહેલા કયારેય જોયો નહોતો પરંતુ તેનો અવાજ એક વખત સાંભળ્યો જરૂર હતો... અને વીરજીનો અવાજ એવો હતો કે જે કોઇપણ વ્યકિત એકવાર એ અવાજ સાંભળી લે તો પછી જીંદગીભર કયારેય ભુલી ના શકે... રીતુને એટલેજ તે યાદ રહી ગયો હતો..... પરંતુ તે અહી કેવી રીતે આવ્યો હતો એ રીતુને સમજાતુ નહોતુ. વીરજી અને વીરા કોઇ “ બાપુ” ને પુછવાનું કહેતા હતા એ “ બાપુ” એટલે કોણ એ પણ તે સમજી શકતી નહોતી... રીતુ ખુદ અત્યારે ભારે ઉલઝન અનુભવી રહી હતી.... મોન્ટીની જેમ તે પણ એક ખુણામાં જઇને બેઠી અને થોડીવારમાં જ તે ભુતકાળમાં સરી પડી... તેને એ દિવસ , એ ઘટનાક્રમ યાદ આવ્યો જે દિવસથી આ ખેલની શરૂઆત થઇ હતી....

********************************************

વીજયે કારને દત્ત શીખર તરફ જવાના રસ્તે વાળી. તેની પાસે વોક્સ વેગન પોલોના નવા એડીશનની કાર હતી. તેના પપ્પા ચીત્તરંજનભાઇએ આ કાર ની વ્યવસ્થા કરી હતી... સૌથી પહેલા તો વીજય પોતાના કપડા બદલવા માંગતો હતો. હજુ તેણે હોસ્પિટલમાંથી અપાતા આછા આસમાની કલરના લેંઘો અને ઝભ્ભો જ પહેર્યા હતા... હજુ કલાક પહેલા જ તે હોસ્પિટલમાંથી ભાગી નીકળ્યો હતો એટલે તેની પાસે કપડા બદલવા જેટલો સમય પણ રહયો નહોતો... જો કે ચીત્તરંજનભાઇએ એ તમામ વ્યવસ્થા અગાઉથી જ ગોઠવી રાખી હતી. કારની પાછલી સીટ પર વીજયને જરૂર પડે એવી તમામ ચીજો એક બેગમાં ભરેલી હતી. દત્ત શીખરના રસ્તે જ થોડા આગળ જતા દેલવાડાના પ્રસિધ્ધ જૈન મંદિર આવેલા છે જ્યાં વીજયને પહોંચવાનુ હતુ. દેલવાડાના જૈન મંદિરની સામેની એક ગલીમાં જૈનોની ધર્મશાળા હતી. ચીત્તરંજનભાઇએ તે ધર્મશાળામાં એક કમરો વીજય માટે બુક કરાવ્યો હતો. આ વ્યવસ્થા વીજયના કહેવાથી જ થઇ હતી. વીજયે સ્પષ્ટ શબ્દોમાં તેના પપ્પાને જણાવ્યુ હતુ કે તે આબુમાં જ રહેવા માંગે છે એટલે એવી જગ્યાની વ્યવસ્થા કરવાનુ કહયુ હતુ જે નખીતળાવ અને સુંદરવન હવેલીથી બહુ દુર ન હોય... ઉપરાંત એટલી જાણીતી જગ્યા પણ ન હોય કે જયાં આસાનીથી તે કોઇની નજરમાં ચડી જાય... ચીત્તરંજનભાઇએ બહુ જ વીચારીને આ જૈન ધર્મશાળા પસંદ કરી હતી. તેમણે વીજય માટે રૂમ બુક કરાવી તેના એડવાન્સ પૈસા ચુકવી આપ્યા હતા કે જેથી વીજયને તકલીફ ન પડે.

ચાહવા છતા વીજય સ્પીડમાં કાર ચલાવી શકતો નહોતો. આબુના ઢોળાવવાળા વાંકા-ચૂકા રસ્તા પર તેની પોલો કાર માંડ વીસની રફતારે આગળ વધી રહી હતી. આ નાની એવી રૂપકડી કાર હાલનાં સંજોગોમાં તેના માટે એકદમ યોગ્ય હતી. પાવરફુલ એન્જીન અને પાર્કિંગની ઓછી જગ્યા રોકતી હોવાના કારણે તેણે આ કાર પર પસંદગી ઉતારી હતી.

અત્યારે સાંજના પાંચ વાગવા આવ્યા હતા. ઢળતી બપોરનો આછો તડકો આબુના પહાડો ઉપર આછો સોનેરી પ્રકાશ વીખેરતો હતો..... ઢળતા સુરજની આછી થતી જતી રોશનીમાં આબુ પર્વત ઉપર ઠંડી જોર પકડી રહી હતી. એકદમ શાંત, ચોખ્ખી હવા અને ચો-તરફ ફેલાયેલી લીલોતરી મઢેલી વનરાજી આબુની સુંદરતામાં વધારો કરી રહયા હતા. થોડી જ વારમાં આબુ ઉપર સાંજ ઢળવાની હતી. પર્વતીય વિસ્તારમાં આ સમય એક ગજબનાક પરીવર્તન લાવે છે જે તમે ત્યાં હાજર હોવ તો જ અનુભવી શકો... આપણે જેને સહુ ગૌ-ધુલીનો સમય કહીએ, જેને સંધ્યા ટાણુ કહીએ એ સમય...શીયાળાના આગમનની તૈયારી હોય તેમ આબુ ઉપર વહેલા સાંજ ઢળતી હતી. સૂર્યની રોશનીમાં દુર-દુર ઉડી ગયેલા ધુમ્મસના વાદળો ધીમે-ધીમે ફરી પર્વતને પોતાની આગોશમાં સમાવી લેવા નજદીક દોડી આવ્યા હતા કલાકની અંદર તો એ વાદળો સમગ્ર આબુને ટાઢુબોળ કરી નાંખવાના હતા...

પર્વત ઉપર અંધારુ ઉતરી આવે એ પહેલા વીજય પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી જવા માંગતો હતો. હળવેક રહીને તેણે કારનું એકિસલેટર દબાવ્યુ એટલે કારે સ્પીડ પકડી.......

( ક્રમશઃ )

પ્રવીણ પીઠડીયા

વોટ્સ અપઃ- ૯૦૯૯૨૭૮૨૭૮.

ફેસબુકઃ- Praveen Pithadiya