Pati ke ramo books and stories free download online pdf in Gujarati

પતિ કે રામો

પતિ કે રામો?

તારકની સગાઇ આરતી સાથે થઇ ત્યારે ખુશ ખુશાલ થઇ ગયો. એક તો આરતી કમનીય લાગતી હતી, તેનો અવાજ સુવર્ણની ઘંટડી જેવો હતો. આંખો અણીયાળી હતી, ચહેરા પર વાતે વાતે શરમના શેરડા પડતા હતા.

જો કે તારક પણ કંઈ કમ નહોતો, ગૌર બદન, સપ્રમાણ શરીર, યોગ્ય ઉંચાઈ ધરાવતો યુવક હતો. પણ શરમાળ હોવાને લીધે કોઈની સાથે અતુટ સ્નેહના તાંતણે બંધાયો નહોતો. થોડો ડફોળ પણ હતો એટલે યુવતીઓને વાંચી શકતો નહોતો. અને સામેની યુવતીઓ પણ એટલી બહાદુર નહોતી કે તારકને સામે ચાલીને પ્રમનો ઇજહાર કરે.

એટલે આમ જોવા જઈએ તો તેઓ એક બીજાને શોભતા હતા. બે માંથી એક પણ કોઈ બીજા જોડે સ્નેહની ગાંઠથી જોડાયેલ ન હતા. ટૂંકમાં કહીએ તો આ તેમના જીવનની પહેલી સ્નેહની ગાંઠ હતી.

સગાઇ થયા પછી જયારે બંને ફરવા જતા ત્યારે પ્રેમના નવા નવા ઘેલા કાઢતા. તારક સાહિત્ય રસિક જીવ હોઈ તેણે પ્રેમની ઘણી બધી કિતાબો વાંચેલ એટલે તે નવા પ્રયોગો કરતો. જેમ કે ગાર્ડનમાં જાય તો લોકોથી દુર બેસે, આરતીના ખોળામાં સુઈ જાય, તેના વાળની લટોને રમાડે. ગુલાબના ફૂલો આપે.

આજથી લગભગ ૨૫ વર્ષ પહેલા મોબાઈલ ફોન ની વાત જ જવા દો લેન્ડ લાઈન ફોન પણ બહુ જ મર્યાદિત સંખ્યામાં હતા. એટલે સગાઇ બાદ તેમનો સંપર્ક પ્રેમ પત્રો દ્વારા થતો. તારક કોલેજમાં જોડકણા જેવું લખતો તે અહિયાં કામ લાગ્યું. આરતીને મન તો તારક જે જોડકણા લખતો તે વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ રચના લાગતી.અને તે પણ તેવી જ ભાષામાં વળતો જવાબ આપવા પ્રયત્ન કરતી.

આરતી દ્વારા સાહિત્યની દ્રષ્ટીએ લખેલ કાલા ઘેલા શબ્દો વાળો પત્ર પણ તારકને મીઠો મધુરો લાગતો. બંનેને ટપાલી નામના પ્રાણીનો આતુરતાથી ઇન્તજાર રહેતો.

તારકને એટલી ખબર પડતી કે પોતાના પર આવેલ પ્રેમ પત્ર કોઈ દોસ્તને વાંચવા અપાય નથી. પણ આરતીમાં આ સમજણનો અભાવ હતો એટલે તે પોતાના પર આવેલ પ્રેમ પત્ર બહેનપણીઓને વાંચવા આપી દેતી તેથી અંદર ખાને તેની બહેનપણીઓ ઈર્ષ્યાથી જલતી. તેના બે કારણ હતા એક તો તારકે તેમની ઉપર પસંદગી ઉતારી નહોતી, અને ઉપરથી તારક આરતીને રસાળ પ્રેમ પત્રો લખતો.

લગ્નવિધિ પૂરી થયે કન્યા વિદાયનો પ્રસંગ આવ્યો ત્યારે આરતી તેની મમ્મી, પપ્પા સાથે તેમના ખભા પર માથું રાખી ચોધાર આંસુએ રડી પડી ત્યારે તારકને અપરાધ ભાવ પેદા થયો. તેને એ વાતનું દુઃખ થયું કે માત્ર તેના પોતાના કારણે આ લોકો રડી રહ્યા છે. અને તેણે એમ પણ વિચાર્યું કે જો તે માંડવેથી વિદાય લઈને જતો રહે તો સર્વ સમસ્યાનો હલ નીકળે. પણ પોતાના પપ્પાથી ડરતો હોઈ તેવું કદમ ઉઠાવી શક્યો નહિ.

લગ્ન વખતે તારકની ઉમર ૨૧ વર્ષ અને આરતીની ઉમર ૧૮ વરસ હતી. એટલે બંને પરિપકવ નહોતા. તારકથી આરતીના આંસુ જોઈ શકાતા નહોતા. તે વિચારતો હતો કે સગાઇ વખતે અને તે પછી તેની સાથે કેવી ખુશ ખુશાલ રહેતી. અને હવે પોતાના ઘરથી વિદાય થવા વખતે અને પોતાની સાથે આવે છે ત્યારે આટલું કેમ રડે છે? તે એકલો પાછો જતો રહે તો આરતી રડતી બંધ થઇ જશે?

જાનને વિદાય આપવામાં આવી, " TARAK weds AARATI " લખેલ કાર પુષ્પ ગુચ્છોથી સુશોભિત કરેલ હતી. તારક અને આરતીએ તેમાં પ્રવેશ કર્યો. તારક વિચારતો હતો કે હવે આરતીની મુશ્કાન પાછી આવે તેના માટે કેવા પ્રકારના જોક કહેવા. તારક અને આરતીને લઈને હજુ આરતીના ગામના સીમાડે કાર પહોંચી, તારકે જોયું તો આરતીની આંખોમાંથી આંસુઓ ગાયબ હતા. તેને નવાઈ લાગી. અને આરતી તો મંદ મંદ મુસ્કુરાઈ રહી હતી. તારકની સાથે તેની નાની બહેન બેઠી હતી એટલે તારકે આરતીને આ બાબતે કોઈ સવાલ ન કર્યો.

લગ્ન પછીના શરૂઆતના દિવસો ખુબ જ મધુર રહ્યા, તારક પોતાના વતનથી દુર એક શહેરમાં ગુજરાત સરકારના ઉપક્રમમાં સેવા આપતો હતો. બેઉને ભરપુર એકાંત મળતું હતું. તારક રોજ સાંજે આરતી માટે ફૂલનો ગજરો લાવતો, અને રાત ભર ફૂલોને સુંઘ્યા કરતો. આરતી પણ એક નાજુક ફૂલની કળી જેવી હતી. તેમની રાતો મઘમઘતી, દિવસો કલરવ કરતા.

આરતી તારક કરતા ચપળ હતી, એટલે તેણે ધીરે ધીરે તારકને પ્રેમથી શાકભાજી લાવવી, કરિયાણું લાવવું, પરચુરણ કામોમાં પલોટવા લાગી. તારકને આરતી કહેતી કે શાકભાજી સારી અને સસ્તી લેવી.

તારક સસ્તી શાકભાજી લાવતો તો તે સારી ન હોય, અમુક શાકભાજી ફેંકી દેવી પડતી. સારી શાકભાજી લેતો ત્યારે કાછીયા સાથે બરાબર ભાવ તાલ કરતા આવડતું નહિ, એટલે મોંઘી પાડતી. એટલે તારકને આરતીનો મીઠો ઠપકો સંભાળવો પડતો.

આરતી અને તારક એક બીજાને ખુબ પ્રેમ કરતા તેનું ફળ તેમને નવ મહિના પુરા થયે મળી ગયું. એક પ્રાઇવેટ હોસ્પિટલમાં આરતીએ એક સુંદર બાળકને જન્મ આપ્યો. તારક અને આરતીના ઘરનો માહોલ ખુશનુમા બન્યો. બંને જગ્યાએ અઢળક આનંદ થયો. આરતીના પપ્પાને હરખના આંસુ આવ્યા. આરતી તેમની સહુથી મોટી દીકરી હતી.

બાળકનું નામ વિકલ્પ રાખવામાં આવ્યું, વિકલ્પ એટલો સુંદર અને નમણો હતો કે આસ પાસના પડોશીઓ તેને રમાડવા લઇ જતા. દોઢ વર્ષનો વિકલ્પ પંલગ પર થઈને બારી પર ચડી જતો, તેના પપ્પાને ઘોડો બનાવી તેની પર સવારી કરતો.

ચાર વર્ષ બાદ આરતીને પુત્રી રત્નની પધરામણી થઇ, આરતી અને તારક બંને ખુશ હતા તેમને એક પુત્ર અને એક પુત્રીની ખ્વાહીશ હતી જે ઈશ્વરે પૂરી કરી. તેનું નામ પૂજા રાખવામાં આવ્યું. તે વિકલ્પથી પણ વધુ સુંદર હતી, તેના પપ્પાની તો તે વહાલનો દરિયો હતી.

ભાઈ બહેન ઘરમાં ધમાચકડી મચાવતા. વિકલ્પ તો અઢી વર્ષનો હતો ત્યારે નર્સરીમાં મુક્યો હતો. જયારે તેને લેવા સ્કુલ રિક્ષા આવતી ત્યારે તે ખુબ જ રડતો, તારક અને આરતીનું હૈયું વલોવાય જતું. પણ તેની કારકિર્દી માટે આ બધું અનિવાર્ય હતું.

કંપનીમાંથી થોડા હોનહાર કર્મચારીઓને ONGC ના ઓઈલ ફિલ્ડના કામ માટે ડેપ્યુટેશનના ધોરણે મુકવાના હતા. તેમાં તારકની પસંદગી થઇ. અને "નીલમ પ્લેટફોર્મ" પર જે અરબી સમુદ્રમાં સમંદરની વચોવચ આવેલ છે. ત્યાં તેની નિમણુક થઇ. હવે તેને ૧૪ દિવસ જ કામ પર રહેવાનું હતું. અને ૧૪ દિવસ ઘેર રજા મળતી. વિર્લે પાર્લેથી આ પ્લેટફોર્મ લગભગ ૪૫ કિમીના અંતરે સ્થિત છે. ત્યાંથી હેલીકોપટરમાં જવાનું થતું. તારકને અઠવાડિયામાં બાર- ચૌદ વાર હેલીકોપટરમાં બેસવાનું થતું. તે વિચારતો કે કોઈ મીનીસ્ટરને પણ આવી સુવિધા નહિ મળતી હોય.

દરમ્યાનમાં તારક અને આરતી વચ્ચે ફરીથી પત્ર લખવાનો સિલસિલો ફરીથી શરુ થયો. હવેના પત્રોમાં પ્રેમ તત્વ ગૌણ થયું. અને બીજી સંસારિક માયાજાળની વાતો રહેતી.

ટેકનીકલ કારણોસર તારક જે ગુજરાત સરકારના ઉપક્રમમાં સેવા આપતો હતો તે યુનિટ બંધ થયું. અને તારકે નોકરી માટે વિદેશ તરફ નજર દોડાવી અને ખાડીના એક દેશમાં તેને નોકરી મળી ગઈ.

હવે બંનેને લાંબા સમયનો વિરહ આવ્યો. તારકનો સમય તો કામના બોજમાં વીતી જતો, પણ આરતી માટે વિરહની રાતો વસમી બની. તેની રાતો આંસુઓના સરોવરથી છલકાતી રહેતી. તારક લાંબા અને પ્રેમ ભર્યા પત્રો લખતો તેના સહારે તેની રાતો ખૂટતી.

તારક વિદેશ જતા પહેલા તેના બે બાળકો માટે અને આરતી માટે ઓડીઓ સંદેશ મૂકી ગયો હતો. આરતી જયારે તારકની બહુ જ યાદ સતાવે ત્યારે તે ટેપ રેકોર્ડરમાં ઓડીઓ કેસેટ નાખી તારકનો અવાજ સાંભળ્યા કરતી. તારક અઠવાડીએ એક વાર વિદેશથી ફોન કરતો ત્યારે આરતી તારકને પાછા આવવા માટે સમજાવતી અને ક્યારેક ધ્રુસકે અને ધ્રુસકે રડી પડતી.

આરતીનું વજન ઓછું થઇ ગયું, શરીર સુકાઈ ગયું, જયારે તારકને એમ લાગ્યું કે આરતી તેના વિના રિબાય છે, તેના વિના રહી નહિ શકે તેમ નથી એટલે તે પાછો ભારત આવી ગયો.

હવે બંને આનંદથી જીવનને માણી રહ્યા. અને તારકે એક શહેરમાં નોકરી સ્વીકારી લીધી. ખુશીઓ પાછી આવી.

ભારતમાં ફેસબુક નામનો એક વિશાળ પ્રદેશ પોતાની અભિવ્યક્તિ માટે સૌથી સરળ અને પ્રભાવક માધ્યમ બન્યો, એટલે તારક ફેસબુકથી અલિપ્ત રહી ન શક્યો. અને તારકે ફેસબુકમાં ઝંપલાવ્યું એટલે આરતીએ પણ ના છુટકે ફેસબુકમાં ઝંપલાવ્યું.

હવે ટ્રેજેડી કહો તો ટ્રેજેડી કે કોમેડી કહો તો કોમેડી, પણ તારકની પરેશાની હવે શરુ થઇ. તારક દેશ વિદેશમાં ઘણું ભ્રમણ કરી ચુક્યો હતો. એટલે સાચો આનંદ, સાચું સુખ, સાચું દુઃખ નિરપેક્ષ રીતે સમજી શકતો હતો. પણ આરતી મોટેભાગે ઘરથી બહાર નીકળી ન હોઈ તે સાચો આનંદ અને આભાસી આનંદ તથા સાચું દુઃખ અને આભાસી દુઃખ વચ્ચેનું અંતર સમજી શકતી નહોતી. આભાસીને તે સાચું માનવા લાગી, અને સાંચાને આભાસી.

ફેસબુકમાં એક સ્ત્રીઓ દ્વારા નિર્મિત એક ગ્રુપ હતું, તેનો મુખ્ય ધ્યેય સ્ત્રી જાગૃતિ, કન્યા કેળવણી, વગેરે મુદ્દા આવરી લઇ સ્ત્રીઓને રક્ષણ પૂરું પડવાનું કામ હતું. આ ગ્રુપના એડમીન સમજદાર, સહૃદય અને ઊંડી સુજ ધરાવતા હતા.

પણ દરેક જગ્યાએ થાય છે તેમ અહીં પણ જે સારી અને સમજદાર મહિલાઓ હતી તેમને બળજબરીથી, ધમકી આપીને તેમને બહારનો દરવાજો બતાવી દેવામાં આવ્યો. અને જેણે પતિને તરછોડી દીધા હતા, પહેલેથી જ પુરુષો પ્રત્યે પૂર્વગ્રહ રાખતી હોય તેવી મહિલાઓ, સાસુ સસરાને પજવ્યા કરતી મહિલાઓ વગેરે મહિલાઓના ગ્રુપે એડમીન સંભાળી લીધું.

જેમ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ જેવા કે બળાત્કાર, દહેજ, ઘરેલું હિંસા વગેરે ન થાય તે માટે કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. પણ હકીકતમાં તેનો લાભ વંચિત સ્ત્રીઓ, છેવાડાની સ્ત્રીઓને મળતો નથી. અને ગુના કરનાર લોકો કાયદાની છટક બારી શોધી નીકળી જાય છે.

અને બીજી બાજુ અમુક માથાભારે સ્ત્રીઓ આ કાયદાનો દુરોપિયોગ કરી ગરીબ સાસરીઆઓને જેલમાં પણ મોકલે છે. જો કે મોટા ભાગની સ્ત્રીઓ આવું નથી કરતી, પણ અમુક વિકૃત મગજની સ્ત્રીઓ આવું કરે છે તે જગ જાહેર છે.

આવી બધી સ્ત્રીઓ આરતીની ફેસબુક ફ્રેન્ડ બની. અને આરતીના મનમાં એવું ઠસાવવામાં સફળ થઇ કે સ્ત્રીઓનો દુશ્મન પુરુષ જ છે. આરતીને લાગી આવ્યું, પુરુષોએ કેટલા જુલ્મો સ્ત્રીઓ પર કર્યા અને તે અજાણ રહી. તેને લગ્ન સંસ્થા પર ધિક્કાર થયો.

ફેસબુકમાં ઝનૂનથી પુરુષો સામે લડતી સ્ત્રીઓ પતિને તરછોડી ચૂકેલ હતી, કોઈકના બતાવવાના અને ચાવવાના દાંત જુદા હતા. ઘણી તો ઘરમાં પતિ વિરુદ્ધ એક હરફ પણ ઉચ્ચારતી નહોતી. એકાદ ટકા સમલિંગી સ્ત્રીઓ હતી. અને સમલિંગી હોવું હવે ભારતમાં પણ ગુનો નથી. પુરુષો પણ સારા એવા પ્રમાણમાં સમલિંગી હોય છે.

ફેસબુકની જે સ્ત્રીઓ પુરુષ જાત માત્રથી નફરત કરતી હતી, તે બધી સ્ત્રીઓ આરતીનું બ્રેઈન વોશ કરવામાં સફળ રહી. હવે આરતી પોતાના દીકરા વિકલ્પ અને પૂજા તરફ ભેદભાવ રાખવા લાગી. પૂજાને વધારે સારી રીતે રાખવા લાગી. જયારે વિકલ્પ પ્રત્યે કઠોર થઇ.

તારક તો હવે તેને દુશ્મન જ લાગવા લાગ્યો, કારણ કે તે એક તો પુરુષ હતો. અને તારકને લીધે તેણે દુનિયામાં એક વધુ પુરુષને (વિકલ્પને)જન્મ આપ્યો જે ભવિષ્યમાં સ્ત્રીઓના હક સાથે ચેડા કરવાનો હતો.

આરતી જોબ નહોતી કરતી એટલે આખો દિવસ ફેસબુકને ચીપકીને રહેતી. અને તેની ફેસબુક મિત્રો પુરુષ વિરુદ્ધ ઝેર ઓક્યે રાખતી. કોઈ તો કોઈ નિર્દોષ પુરુષ પર ખોટું આળ મુકતા પણ અચકાતી

નહિ.

તેની અમુક ફેસબુક મિત્રો એવી પણ હતી, જે પરણેલી તો હતી, પણ પ્રેમ બીજા પુરુષને કરતી હતી. પુરુષો પણ ઘણા એવા હોય કે જે પરણે કોઈ એકને, અને પ્રેમ કોઈ બીજીને કરતા હોય.. આ તો સંસાર છે ચાલ્યા કરે, આવું જાત જાતનું બન્યા કરે.

ફેસબુકની ચિબાવલીઓ આરતીને કહેતી કે મેં તો મારા પતિને આજે જમવાનું ન બનાવી દીધું, વળી કોઈ કહે કે હું તો કચરા, પોતું, વાસણ પણ મારા પતિ પાસે જ કરાવું છું. આમ જોઈએ તો આમાં કશું ખોટું નથી. પુરુષ અને સ્ત્રીએ દરેક કામ કરવા જોઈએ. તેમાં ભેદ ન હોવા જોઈએ. વિદેશમાં પતિ- પત્ની સાથે મળીને જ બધા કામ કરતા હોય છે.

પણ અહીં વિરોધાભાસ એવો હતો, આ ચિબાવલીઓ નહોતી જોબ કરતી, કે નહોતી ઘરમાં કોઈ વધારાની આવક થાય તેવી પ્રવૃત્તિ કરતી પણ આ લોકો કિટ્ટી પાર્ટી, ફેસબુકમાં વ્યસ્ત રહેતી , એક બીજીની નિંદા કરતી રહેતી. નિંદા કરવામાં પણ એક નિયમ રહેતો, જે બહેનપણી હાજર ન હોય તેની નિંદા કરતી. પણ તે બહેનપણી જો સામે મળે તો એવી રીતે ગળે લગાડતી કે કોઈ જુએ તો એવું જ લાગે કે આ બે બહેનપણીને એક બીજા વિના એક સેકંડ વિના પણ ચાલતું નહિ હોય.

જયારે તારક ઘેર આવ્યો ત્યારે ચૂલો સળગ્યો નહોતો, દીકરી અને દીકરો ભૂખ્યા બેઠા હતા. આરતીને આ બાબતે પૂછ્યું તો જવાબ મળ્યો મુડ બરાબર નથી. તારક બધાને રેસ્ટોરંટમાં જમવા લઇ ગયો.

બીજે દિવસે પણ પહેલા દિવસનું પુનરાવર્તન થયું, તારકે પૂછ્યું તો એ જ જવાબ મળ્યો કે મુડ ઠીક નથી. તારકે દવાખાને જવા આરતીને સમજાવી પણ દવાખાને જવા પણ આરતી તૈયાર ન થઇ.

તારક, વિકલ્પ અને પૂજાએ મળીને રસોઈ બનાવી, જયારે બધાએ જમવાનું શરુ કર્યું, ત્યારે આરતીને ખબર પડી કે શાકમાં મીઠું ઓછું છે, રોટલીનો આકાર ગુજરાતના નકશા જેવો છે. આરતી બરાડવા લાગી એક પણ કામ તમે બરાબર કરી શકતા નથી. આરતીએ આખું ઘર માથે લીધું.

હવે વિકલ્પ અને પૂજાને પરિક્ષાને બહુ વાર નહોતી, તેમને અભ્યાસમાં ધ્યાન આપવું જરૂરી હતું. પિતા- પુત્ર- પુત્રી ત્રણેય મળીને રસોઈ બનાવવાવાળી, કચરો, પોતું, કપડા ધોવા માટે કામ વાળી રાખવાનો પ્રસ્તાવ મુક્યો. પણ આરતીએ વીટો વાપરીને પ્રસ્તાવ ખારીજ કરી દીધો.

આરતીની દલીલ એવી હતી, કામવાળી પણ એક સ્ત્રી જ કહેવાય, અને રસોઈ માટે રસોઇઅણ પણ સ્ત્રી કહેવાય. પુરુષોનું કામ સ્ત્રી શા માટે કરે?

અને તે વિસ્તારમાં રામાની પ્રથા નહોતી, આજુ બાજુ કામવાળી જ આવતી, અને રસોઈ દરેક ઘરમાં ગૃહિણી જ બનાવતી. અને આરતી પોતાની વાતમાં મક્કમ હતી કે કામ, ઘરના પુરુષ કરે કે બહારના, પણ પુરુષ જ હોવા જોઈએ.

પુરુષ કામવાળો કે રસોઈઓ શોધવા માટે તારકે પોતાના ઓળખીતા, ઓફીસના કર્મચારીઓ, વગેરે બધાને કહી વળ્યો. પણ કોઈ યોગ્ય માણસ મળતું નહોતું.

તારકને ઓફિસનું કામ, ઘરની રસોઈ બનાવવી, કપડા ધોવા વગેરે બધા જ કામ એકલે હાથે કરવા પડતા.

તારક થાકી જતો, મનોમન ઈશ્વરને પ્રાર્થના કરતો કે હે ભગવાન મને આમાંથી બચાવ. પણ ભગવાન પાસે પણ ૫ વર્ષના કામ પેન્ડીંગ હતા. એટલે વધારે કશું કરી શકે તેમ નહોતા.

તારક થાકી ગયો, તે વિચારી રહ્યો કે તે પતિ છે રામો? બીજો વિચાર એવો પણ આવ્યો કે હવે પુરુષને પણ સારી પત્ની મળે તે માટે વ્રત કરવા પડે તેવો સમય આવી ગયો છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED