પ્રેમ લગ્ન Kevin Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ લગ્ન

ડિસેમ્બર મહિનાની કડકડ્તી ઠંડીમાં અવની પાલનપૂરના રેલ્વે સ્ટેશન પરની ઍક બેંચ પર બેઠી હતી.હરણી જેવી માસુમ આંખો અત્યારે રડી રડીને લાલચોળ બની ગઈ હતી.ગાલની લાલી અત્યારે ઉડી ગઈ હતી અને પરવાળા જેવા અને હોઠ એકદમ શુષ્ક બની ગયા હતા.રેશમી વાળ એના હેર રીંગમાં જાણે કેદ હતા.અને તાજા જન્મેલા સસલા જેવા એના કાન અત્યારે ગરમ મફલારમાં ઢાંકેલા હતા.

એના સ્વેટરના ખિસ્સામાં બંને હાથ નાખતા એને સ્ટેશન પરની ઘડિયાળ પર નજર કરી .એ ડીજીટલ ઘડિયાળમાં ૧૧.૨૫ PM નો સમય બતાવતી હતી.સ્ટેશન પરના બધા જ ફેરિયાઓ જાણે કડકડતી ઠંડીના લીધે ગુમ થઇ ગયા હોય આવું લાગતું હતું.એકાદ બે ભિખારી ખૂણામાં પ્લાસ્ટીકની કોથળી ઓઢીને સુતેલા હતા.

પ્રકાશનો એક શેરડો રેલ્વે ટ્રેક પર દેખાયો અને ટ્રેનની વ્હીસલ સંભળાઈ.અવની ત્વરાથી ઉભી થઇ અને ટ્રેકની નજીક આવીને ટ્રેન આવતી હતી એ દિશામાં નજર કરી.ટ્રેન પ્લેટફોર્મ પર આવતી જણાઈ એટલે અવની પોતાનું બેગ લેવા માટે બેંચ તરફ ગઈ.પાછળ પ્લેટફોર્મ પર ટ્રેન હાંફતી હાંફતી આવી.એન્જીનમાંથી દબાણવાળી હવા છુટવાનો અવાજ આવ્યો.

અવની ઝડપભેર એના કોચમાં દાખલ થઇ અને પોતાની સીટ શોધીને સામાન સીટ નીચે મુકીને પોતાની સીટ પર માથું ટેકવીને બેઠી.ઝટકા સાથે ટ્રેન ઉપડી .ટ્રેન જેમ જેમ આગળની તરફ પ્રયાણ કરવા લાગી તેમ અવનીની સ્મૃતિ એની જિંદગીના પાછળના વરસો તરફ પ્રયાણ કરવા લાગી.

************

અવની,તેના દાદા-દાદી,કાકા-કાકી અને પિતરાઈ ભાઈ-બહેન ડીનર માટે ડાઈનીંગ ટેબલ પર બેઠા હતા.અવની વેકેશનમાં ઘરે આવતી ત્યારે ખાસ સૌ કોઈ સાથે ડીનર લે એવો તેના દાદા આગ્રહ રાખતા.

"અવની.." દાદાએ કહ્યું.

"હા...દાદા..." અવનીએ બાઉલમાંથી શાક લઈને પોતાની પ્લેટમાં મુકતા કહ્યું.

"તારા માટે એક સબંધની વાત આવી છે..."

"પણ દાદા...હજુ તો મારે આખું એક સેમેસ્ટર બાકી છે .."

"જો તમે એકબીજાને પસંદ કરી લો તો સગાઇ કરવામાં શું વાંધો છે?"..દાદાએ આગળ કહ્યું.

"ઘર પરિવાર સારો છે.મિલકત છે.કાપડની ચાર ફેકટરી છે.જમીન છે.આનાથી સારું માંગું પછી ન પણ આવે..."

"પણ દાદા...."..અવનીએ ફરી પ્રતિકાર પૂર્વક કહ્યું.

"મારે આગળ કશું સાંભળવું નથી...અત્યારે તું ખાલી છોકરો જોઈ લે આગળનું પછી વિચારીએ...."

"સારું દાદા....જેમ તમને યોગ્ય લાગે...."જમવાનું પૂરું કરતા અવની એ કહ્યું.ગળા સુધી એટલો ડૂમો ભરાઈ આવ્યો હતો કે હવે એક પણ કોળિયો ગળા નીચે ઉતરે એવું લાગતું ન હતું.

ડીનર લઈને અવની ઝડપભેર પોતાના રૂમમાં ચાલી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.રડીને રડીને આંખો જયારે થાકી ગઈ ત્યારે એની નજર સામેની દીવાલ પર લગાવેલી છબી પર ગઈ.લાકડાની ફ્રેમમાં ,સુખડના હારની પાછળ એના પપ્પા જાણે છેલ્લા વીસેક વર્ષથી કેદ હતા.આજ અચાનક પપ્પા ખુબ યાદ આવતા હતા.પપ્પાના મુર્ત્યુંના બે વર્ષ પછી મમ્મીના લગ્ન પણ બીજે થઇ ચુક્યા હતા.

વિખરાયેલા વાળ સહેજ સરખા કરીને એ રૂમના ખૂણા પાસેના એક નાનકડા મંદિર સામે જઈને બેઠી .મંદિરની અંદર પ્રસ્થાપિત કરેલી બાલકૃષ્ણ ની નાનકડી પ્રતિમા સામે આશા ભરેલી નજર સાથે જોયું.જયારે જયારે પણ અવની નાસીપાસ થતી અને જીવનના સંઘર્ષો સામે લડીને થાકી જતી ત્યારે એ આ કૃષ્ણમૂર્તિ સામે આવીને બેસતી.

ત્યાં જ બેઠા બેઠા ક્યારે આંખો મળી ગઈ એ ખબર જ ન પડી.

સવારે ફરી નાસ્તા માટે ઘરના સભ્યો ટેબલ પર ભેગા થયા.અવની ચુપચાપ આવીને ખુરશી પર બેઠી.

"બેટા,ઊંઘ નથી થઇ કે શું ??...આંખો આવી થાકેલી હોય એવું કેમ લાગે છે?" અવનીના દાદીએ કહ્યું.

"રાત્રે મોડા સુધી જાગતી હતી એટલે કદાચ આવું લાગતું હશે..." વાત ટાળતી હોય એ રીતે અવની એ કહ્યું.

"બેટા...કાલે છોકરા વાળા આવવાના છે..."દાદાએ કહ્યું

અવનીની અંદર જાણે લાવારસ ફૂટતો હતો.

"મારે ત્યાં લગ્ન નથી કરવા.મારે ભાર્ગવ સાથે લગ્ન કરવા છે.મારી સાથે મારી કોલેજમાં ભણતો હતો અને મારાથી એક વર્ષ મોટો છે..અમદાવાદમાં એનું ઘર છે અને સુરત જોબ કરે છે..." અવનીએ તેની અંદર જેટલી હિંમત બચેલી હતી એ ભેગી કરીને એકી શ્વાસે કહ્યું.

ટેબલ પર બેઠેલા સૌ કોઈ સ્તબ્ધ થઇ ગયા..

કોઈને તો પહેલા તો સમજાયું જ નહિ કે અવની શું બોલી ગઈ?

અવનીના દાદાની આંખો આગ વરસાવતી હોય એ રીતે અવની તરફ સ્થિર થઇ.

"આ તું શું બોલે છે ?" અવનીના કાકાએ રોષભર્યા શબ્દોથી પૂછ્યું.

"હા...મારે ભાર્ગવ સાથે લગ્ન કરવા છે.ભાર્ગવ રાજપૂત."

અવની અપરાધભાવ છોડીને ગર્વ સાથે બોલી.

"પટેલની દીકરી થઈને તું બીજી કોમનાં છોકરા સાથે લગ્ન કરીશ?..આપણા ઘરની ઈજ્જતનું શું?...આ દિવસ જોવા માટે તારો ઉછેર કર્યો હતો?" એકી શ્વાસે અવનીના કાકા બોલતા ગયા.

"આ અઠવાડિયામાં જ છોકરાવાળા આપને ત્યાં આવાના છે અને તારા લગ્ન તો હવે ત્યાં જ થશે.." દાદાએ કહ્યું.

અવની તેના દાદા સામે કશું બોલી શકી નહિ અને નાસ્તો અધુરો જ મુકીને પોતાના રૂમ તરફ ચાલવા લાગી.

"અવની બેટા..." તેના રૂમની બહાર બારણે ટકોરા પડતા દાદીએ અંદર સંભળાય એ રીતે કહ્યું.

અંદરથી કોઈ જવાબ ન મળતા એમને બારણે ટકોરા પાડવાનું બંધ કરીને કહ્યું "બેટા...તારા દાદી સાથે પણ વાત નહિ કરે?..."

અવનીએ હળવેકથી દરવાજો ઉઘાડ્યો અને દાદીમાં રૂમની અંદર આવીને અવની પાસે બેડ બેઠા.

અવનીના માથે હાથ ફેરવ્યો અને અવની દાદીમાને વળગીને રોવા લાગી.

"હું નથી જાણતી કે ભાર્ગવ કેવો છોકરો છે પણ તને જો લાગતું હોય કે એ તને જીવનભર ખુશ રાખશે તો બેફીકર તું એની સાથે જ લગ્ન કરજે."

"દાદી.." અવનીના હોઠ સહેજ વંકાયા.

"આમ પણ નાનપણથી તારે પોતાની જાતે જ ખુશ રહેતા શીખવું પડ્યું છે.સ્કુલમાં હતી ત્યારે,હોસ્ટેલમાં હતી ત્યારે અને હવે કોલેજમાં છે ત્યારે પણ.અને તારા માટે તો ઘર હોસ્ટેલ જેવું અને હોસ્ટેલ ઘર જેવા રહ્યા છે."

"પણ દાદા કેવી રીતે માનશે?

"એની ચિંતા તું મારા ઉપર છોડી દે..."

"અને કાકા કાકી.....??" અવનીએ કહ્યું.

દાદી સહેજ મુસ્કુરાયા.

"જેણે ક્યારેય તારી આજ સુધી ચિંતા નથી કરી એમના અભિપ્રાયની ચિંતા તું ન કર.અને એમને જોઈએ પણ શું.?એમની નજર તો આમ પણ તારા નામની જે જમીન છે એની ઉપર છે.જો તું કાગળ પર એક સહી કરી દે તો એ જ લોકો ભૂલી જાય કે કોની કોમ શું છે?."

આમ અવની અને દાદી ભૂતકાળના પટારામાંથી એક એક સંસ્મરણો કાઢીને વાગોળતા રહ્યા.

રાતે સૌ કોઈ પાછા ડીનર માટે ભેગા થયા.બધા ચુપચાપ બેસીને જમી રહ્યા હતા.

"તારો બાપ તો ઝેરી દવા પી ને મરી ગયો.તું પણ એ કાયરની જેમ દવા પી લે તો બધાને શાંતિ."

અવનીના કાકા અચાનક આમ અવની સામે બબડવા લાગ્યા.

"મારા પપ્પા વિષે તમે આગળ એક પણ શબ્દ બોલ્યા છો તો મારાથી ખરાબ બીજું કોઈ નહિ હોય.."દાંત ભીસીને રડમસ આંખોએ અવની બોલી.

દાદા અવનીની સામે જોઈ રહ્યા.ઈર્ષા અને રોષથી અવનીના કાકી અવની સામે જોઈ રહ્યા.અવની ઉભી થઈને પછી પોતાના રૂમમાં ચાલી ગઈ.

એના કાકાએ એની પાસેથી મોબાઈલ પણ લઇ લીધો અને તેના રૂમનું લેન્ડ લાઈન કનેક્શન પણ કપાવી નાખ્યું.

એ રાતે અવનીએ આત્મહત્યા કરવાનું વિચારી લીધું અને ફીનાઈલની બોટલ હાથમાં લીધી.પણ જાણે અંદરથી એક સળવળાટ થયો અને મનોમન વિચારવા લાગી.જે પારિવારિક ઝઘડાઓ અને દબાણ સામે પપ્પાએ ઝુકાવીને જીવ ગુમાવ્યો હતો એવું હું નહિ કરું.અને બોટલનું ખૂલેલું ઢાંકણ બંધ કરીને મૂકી દીધી.

અવની ઉભી થઈને કૃષ્ણમૂર્તિ સામે ગઈ અને મનોમન પ્રાર્થના કરી કે હવે માધવ જ કોઈક રસ્તો બતાવે.પછી વિચાર આવ્યો કે જે કૃષ્ણમૂર્તિ સામે એ બેઠી છે એને પણ પ્રેમ લગ્ન જ કર્યા છે અને એ પણ રુકમણીજીને ભગાડીને...અને એને મનોમન વિચારી લીધું કે એ દરેક સમય અને સંજોગ સામે લડશે.

"છોકરાવાળા આ અઠવાડિયે નથી આવવાના."સવારે સૌ કોઈ ડાઈનીંગ ટેબલ પર બેઠા હતા ત્યારે દાદાએ કહ્યું.a

અવનીની આંખોમાં અચાનક એક ચમક આવી.એને દાદાના ચહેરા પર જોયું.પણ ચહેરાના હાવભાવ બદલાયા નહિ.અવનીના કાકા સ્તબ્ધ થઈને ગુસ્સાથી અવની સામે જોઈ રહ્યા.

"તારી છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા પૂરી થાય પછી તારા લગ્ન વિશે વિચારશું."દાદાએ કહ્યું.અવની મનોમન ખુબ ખુશ થઇ.

છેલ્લી સેમેસ્ટરની પરીક્ષા માટે અવની આણંદ જવાની હતી પણ માત્ર એના દાદીને જ ખબર હતી કે અવની હમેશા માટે ઘર છોડીને જવાની હતી.

રાતની ટ્રેનમાં નીકળવાનું હોવાથી અવની પોતાના બેગ પેક કરી રહી હતી.બધું પેક થાય ગયા પછી એનું ધ્યાન પેલી કૃષ્ણમૂર્તિ તરફ ગયું.અને કૃષ્ણમૂર્તિ પણ એક કપડામાં વીંટાળીને પોતાના સામાનમાં ઉમેરી દીધી.

ઘરેથી નીકળતા પહેલા એ દાદાના રૂમમાં આવી અને એ જ્યાં સુતા હતા ત્યાં એમની પાસે ગઈ.એમની મુખમુદ્રા એ જોઈ રહી અને આંખો ભીની થાય ગઈ.અવની ઝડપભેર રૂમની બહાર આવીને સીધી જ મુખ્ય દરવાજા પાસે આવી.બહાર માત્ર દાદી ઉભા હતા.દાદીને ગળે મળીને ધ્રુસકે ધ્રુસકે રોઈ અને પછી ત્વરાથી ડ્રાઈવરની પાછળની સીટમાં ગોઠવાઈ ગઈ.

એક નજર દાદી તરફ કરી,કારની બારીના કાચ ઉપર કર્યા અને કાર સ્ટેશન તરફ દોડવા લાગી.

**********

અમદાવાદ સ્ટેશન પર ટ્રેન ઉભી રહી અને અવની ભૂતકાળમાંથી બહાર નીકળીને વર્તમાનમાં પહોચી ગઈ.અવની ઉભી થઈને કોચના દરવાજા સુધી આવી.અને એને પહેલેથી જ પોતાની મિત્ર મારફતે ભાર્ગવને બધી જ વાતની જાણ કરેલી હતી.

અવની બધે જ નજર ફેરવતી રહી પણ ભાર્ગવ દેખાતો ન હતો.અને સમાન લઈને હજુ તો એ ઉતારવા જતી હતી ત્યાં જ કોઈકે સમાન નીચે ઉતારવા માટે મદદનો હાથ લંબાવ્યો અને એ હાથ ભાર્ગવનો હતો.

અવની નીચે ઉતરીને ભાર્ગવને ભેટી પડી અને આંખોમાં આંસુ તરવરી ઉઠ્યા.

"ભાર્ગવ,આપણા લગ્ન તો થશે ને ?"

"કેમ નહિ ?...કાલે જ લગ્ન ...પછી તારી ફાઈનલ એક્ઝામ અને પછી હનીમૂન..."

અવનીએ ભાર્ગવની છાતી પર હળવેકથી મુક્કો માર્યો,બંને એ હાથમાં સમાન લીધો અને બંને સ્ટેશનની બહાર લઇ જતા રસ્તા પર ચાલવા લાગ્યા.