રોકડિયા ચૂકવે ઋણ Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોકડિયા ચૂકવે ઋણ

“રોકડિયા ચૂકવે ૠણ”

નાટક

ઃ લેખક :

યશવંત ઠક્કર

ઃ પાત્રો :

રમણ રોકડિયા : લેખક

મનોજ ઠકરાર : રોકડિયાનો મિત્ર

સ્નેહા : મનોજની પત્ની

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.

Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

કથા

રોકડિયા એક લેખક છે. જેણે એના મિત્ર મનોજ ઠકરાર પાસેથી પૈસા ઉછીના લીધા છે પણ પરત આપતો નથી. મનોજ ઠકરાર ઉઘરાણી કરે છે ત્યારે એ ૠણ ચૂકવવાનો અનોખો ઉપાય અજમાવે છે. પરિણામે એક નવી જ પરિસ્થિતિ ઊંભી થાય છે. આ પરિસ્થતિને હળવાશથી રજૂ કરતુ આ નાટક છે.

દૃશ્ય : પહેલું

પરદો ખૂલે ત્યારે રોકડિયા હાથમાં એક પુસ્તક લઈને આમતેમ ચક્કર મારતો હોય. મનોજ ઠકરાર પ્રવેશ કરે.

મનોજ : લેખક શ્રી રમણ રોકડિયાની દુનિયામાં આવી શકું કે?

રોકડિયા : આવ દોસ્ત આવ. મનોજ આડતિયા, તારા આગમનથી હું ખૂબ ખૂબ આનંદ અનુભવું છું. ખૂ...બ ખૂ...બ.

મનોજ : હું મનોજ આડતિયા નથી. હું મનોજ ઠકરાર છું.

રોકડિયા : બરાબર છે. તું મનોજ ઠકરાર છે. મનોજ આડતિયા તો મારી નવી નવલકથાનું મુખ્ય પાત્ર છે. ભૂલ થઈ જાય છે યાર. મારે કેટ કેટલાં નામ યાદ રાખવાં? આ દુનિયામાં હરતા ફરતા લોકોનાં નામ યાદ રાખું કે મારી નવલકથામાં વિહરતા લોકોનાં નામ યાદ રાખું? મનોજ આડતિયા, તને નહીં સમજાય કે મારા મગજ પર કેટલો બોજો પડે છે!

મનોજ : ફરી મનોજ આડતિયા? હું મનોજ ઠકરાર છું. ઠકરા...ર.

રોકડિયા : ફરી ભૂલ થઈ દોસ્ત. મને માફ કર. શાંત થઈ જા શાંત.

મનોજ : આવી ભૂલ થતી હશે! રમણ રોકડિયા, હું તારો જૂનો મિત્ર છું. ને તું મારૂં નામ ભૂલી જાય? આવું ન ચાલે.

રોકડિયા : મારા વહાલા મિત્ર, હું એક લેખક છું. મારે બે દુનિયા સાથે કામ પાડવું પડે છે. એક આ વાસ્તવિક દુનિયા અને બીજી મારી કલ્પનાની દુનિયા. એટલે ક્યારેક ક્યારેક આવું થઈ જાય છે. જો એક વાત યાદ રાખ મિત્ર મનોજ...

મનોજ : ઠકરાર. ઠકરાર. ઠકરાર.

રોકડિયા : હા મનોજ ઠકરાર, એક વાત યાદ રાખ કે હું જ્યારે જ્યારે નવી નવલકથા લખતો હોઉં છું ત્યારે ત્યારે જૂનું બધું જ ભૂલી જતો હોઉં છું. બધું...જ.

મનોજ : તો તો તને એ પણ યાદ નહીં હોય કે છ મહિના પહેલાં મેં તને ત્રણસો રૂપિયા ઉછીના આપ્યા છે.

રોકડિયા : એટલે તું શું કહેવા માંગે છે?

મનોજ : હું એ કહેવા માંગું છું કે તેં મારી પાસેથી ત્રણસો રૂપિયા ઉછીના લીધા છે. એ વાત તને યાદ છે કે નહીં?

રોકડિયા : મિત્ર મનોજ...

મનોજ : ઠકરાર ઠકરાર ઠકરાર.

રોકડિયા : હા મનોજ ઠકરાર, મારો એ પ્રશ્ન હજી ઊંભો જ છે કે-તું મને શું કહેવા માંગે છે?

મનોજ : એ ભાઈ રમણ રોકડીયા, હું જે કહેવા માંગતો હતો એ મેં બબ્બે વખત કહી દીધું. પછી તારો પ્રશ્ન ઊંભો કેમ રહે?

રોકડિયા : મારો પ્રશ્ન ઊંભો રહે છે કારણ કે તારો ઉત્તર મારી અપેક્ષા મુજબનો નથી.

મનોજ : જો ભાઈ મનોજ, તું રહ્યો લેખક! તું તારી નવલકથાના પાત્રો પાસેથી તારી અપેક્ષા મુજબના ઉત્તરો મેળવી શકે. પણ હું તો તારો જીવતો ને જાગતો મિત્ર છું. તારી નવલકથાનું પાત્ર નથી કે તું નચાવે એમ હું નાચું.

રોકડિયા : હું જાણું છું કે તું મારી નવલકથાનું પાત્ર નથી. તું મારો જૂનો મિત્ર મનોજ આડતિયા છે.

મનોજ : વળી મનોજ આડતિયા? અરે ભાઈ, હું મનોજ ઠકરાર છું મનોજ ઠકરા...ર.

રોકડિયા : ભાઈ ઠકરાર, તું તકરાર ન કર. આવી ભૂલ તો મારાથી જિંદગીભર થતી રહેશે. પણ મારી ભૂલ ન થાય તે માટે એક ઉપાય છે ખરો.

મનોજ : કયો ઉપાય? જલદી બોલ. આપણી ત્રણસો રૂપિયાવાળી વાત બીજા પાટે ચડી ગઈ છે.

રોકડિયા : તું ગભરાય છે શા માટે? વાત દસમાં પાટે ચડી હશે તોય પહેલા પાટે લાવી દેવાની જવાબદારી મારી છે. હું નવલકથાકાર છું સમજ્યો? વાતને આડા પાટે ચડાવવી અને સીધા પાટે લાવવી એ જ મારો ધંધો છે.

મનોજ : સારૂં. તું તારો ધંધો કર એમાં મને વાંધો નથી. પણ મારૂં નામ ભૂલી જાય એની સામે મને સખત વાંધો છે.

રોકડિયા : મેં કહ્યુંને? એ ભૂલ ન થાય એ માટે આપણી પાસે એક ઉપાય છે. ને એ એકમાત્ર ઉપાય છે.

મનોજ : કયો ઉપાય?

રોકડિયા : ઉપાય એકદમ સરળ છે. તું તારૂં નામ તું તારૂં નામ બદલાવી નાંખ. મનોજ ઠકરારના બદલે મનોજ આડતિયા કરી નાંખ.

મનોજ : વાહ રમણ રોકડિયા વાહ! તારા ભૂલકણા સ્વભાવની સજા હું ભોગવું? મનોજ ઠકરારમાંથી મનોજ આડતિયા બની જાઉં? એ કયારેય નહીં બને. હું મનોજ ઠકરાર છું ઠકરા...ર.

રોકડિયા : જેવી તારી મરજી. હવે હું તારૂં નામ ભૂલી જાઉં તો મને દોષ ન દેતો.

મનોજ : પણ બીજો કોઈ જ ઉપાય નથી?

રોકડિયા : નથી.

મનોજ : હશે હશે. એવું ન બને. તું લેખક છે. તારી કલ્પનાના ઘોડા છુટ્ટા મૂક. કોઈ ઉપાય મળી આવશે.

રોકડિયા : એવો...ઉપાય તો છે જો તને માફક આવે તો.

મનોજ : કયો ઉપા...ય?

રોકડિયા : હું મારી નવલકથાના પાત્રનું નામ બદલાવી નાખું. મનોજ આડતિયાના બદલે મનોજ ઠકરાર કરી નાંખું. પછી મારાથી તારૂં નામ નહીં ભુલાય.

મનોજ : ના ભાઈના. એવું ન કરીશ. મહેરબાની કરજે.

રોકડિયા : પણ એમાં તને વાંધો શો છે? હું તને મારી નવલકથાનો નાયક બનાવું છું. નાયક!

મનોજ : મેં તને ના પાડીને? તું મહેરબાની કરીને મને ઝંડે ન ચડાવીશ.

રોકડિયા : જેવી તી મરજી. સરસ્વતી ચાંદલો કરવા આવે છે ત્યારે તું મોઢું ધોવા જાય છે! હું તો તને ખૂબ ખૂબ ઊંંચાઈએ લઈ જવા માંગું છું. પણ તારી જ મરજી નથી તો હું શું કરૂં? પડયો રહે ઊંંડી ખાઈમાં. વર્ષો સુધી. યુગો સુધી. જન્મોજન્મ સુધી.

મનોજ : એ ભાઈ મારા, તું તારી નવલકથાની દુનિયામાંથી પાછો ફર. પાછો ફર.

રોકડિયા : મારે નથી ફરવું નથી ફરવું ને નથી ફરવું. મને મારી કલ્પનાની દુનિયામાં પડયો રહેવા દે. પણ તારે જ્યાં જવું હોય ત્યાં તું જઈ શકે છે.

મનોજ : રમણ રોકડિયા, હું તને આજે છોડવાનો નથી. સાંભળ. કાન ખોલીને સાંભળ. હું તારો મિત્ર છું મનોજ ઠકરાર. મનોજ ઠકરા...ર. અને મેં તને છ મહિના પહેલાં ત્રણસો રૂપિયા ઉછીના આપ્યા છે. આ અગત્યની વાત તું ભૂલી ગયો છે.

રોકડિયા : એટલે તું શું કહેવા માંગે છે? એ પણ આ રમણ રોકડીયા જેવા સમજદાર માણસને?

મનોજ : ફરી પાછો એ જ પ્રશ્ન? તું સમજદાર માણસ છે તો કહી દે ને કે હું શું કહેવા માંગુ છું.

રોકડિયા : મિત્ર મનોજ આડતિયા..

મનોજ : મનોજ ઠકરાર. ઠકરાર ઠકરાર ઠકરા...ર.

રોકડિયા : હા ભાઈ હા. મનોજ ઠકરાર. બસ? તું એમ કહેવા માંગે છે કે આ તારો મિત્ર રમણ રોકડિયા વિશ્વાસઘાતી છે. મિત્રદ્રોહી છે. ભ્રષ્ટ છે. નમકહરામ છે.

મનોજ : પણ મેં એવું ક્યારે કહ્યું?

રોકડિયા : ભલે તેં એવું ન કહ્યું હોય. પણ તારો કહેવાનો આશય તો એ જ ને કે હું તારૂં ૠણ ભૂલી ગયો છું.

મનોજ : એટેલે તું એ ૠણ ભૂલી ગયો નથી? તને યાદ છે?

રોકડિયા : હું ભૂલવા માંગુ તો પણ હું ભૂલી ન શકું. કારણ કે હું એક લેખક છું. સામાન્ય માણસ કરતાં મારામાં નીતિમત્તાનું પ્રમાણ વધારે છે. તેં મારા માટે જે કર્યું છે એ મારા કાળજે છપાઈ ગયું છે. દોસ્ત, મારા કાળજે છપાઈ ગયું છે.

મનોજ : એમાં પેલા ત્રણસો રૂપિયા પણ છપાઈ ગયા છેને?

રોકડિયા : તું ચિંતા ન કરીશ દોસ્ત, બધું જ છપાઈ ગયું છે. બધું...જ. તેં આજસુધીમાં મને પીવડાવેલી ચા, મારા ભૂખ્યા જઠરાગ્નિને ઠારવા કાજે ખવડાવેલાં ગાંઠિયાજલેબી, ઉનાળાની બળબળતી બપોરે મને પીવડાવેલી ઠંડી ઠંડી સોડા. એ બધું જ મારા કાળજે છપાઈ ગયું છે.

મનોજ : એ બધી વાત જવા દે. રોકડિયા, તું મારા ત્રણસો રૂપિયાની વાત કર.

રોકડિયા : મારા માથા તારૂં એટલું બધું ૠણ છે કે હું સાત ભવે પણ ચૂકવી શકું એમ નથી. મારી ખાલના જોડાં બનાવીને તને પહેરાવું તો પણ તારૂં ૠણ ચૂકવી શકાય એમ નથી.

મનોજ : જોડાં તો હું બાટાનાં પહેરૂં છું. તું મને ત્રણસો રૂપિયા રોકડા આપી દે.

રોકડિયા : મેં તને કહ્યુંને કે હું તારૂં ૠણ સાત ભાવે પણ ચૂકવી શકું એમ નથી.

મનોજ : પણ મારે મારા ત્રણસો રૂપિયા તો આ ભવમાં જ અને આજે જ જોઈએ છે.

રોકડિયા : અસંભવ. આવાં સપનાં ન જોવાય. તું લેખક નથી કે તારી કલ્પનાને છુટ્ટો દોર આપી શકે.

મનોજ : એટલે? તું મારા ત્રણસો રૂપિયા નહીં આપે? મિત્રને એનું ૠણ નહીં ચૂકવે?

રોકડિયા : મિત્રનું ૠણ ચૂકવનાર હું કોણ? હું તો એક પામર લેખક છું. છતાંય મેં તારા જેવા મિત્રનું ૠણ ચૂકવવાનો એક પ્રયાસ જરૂર કર્યો છે. એ રીતે જોઈએ તો મેં તારૂં ૠણ ચૂકવી દીધું છે.

મનોજ : કેવી વાત કરે છે? તેં મારૂં ૠણ ચૂકવી દીધું છે? તો તો મને ખબર ન પડે?

રોકડિયા : ખબર હવે પડશે. ને જેવી ખબર પડશે એવો જ તું હસમુખ હસમુખ થઈ જઈશ.

મનોજ : જલ્દી બતાવ. તેં મારૂં ૠણ કઈ રીતે ચૂકવ્યું છે?

રોકડિયા : વાત એમ છે કે મેં મારી છેલ્લી નવલકથા ‘લેણાદેવી’ તને અર્પણ કરી છે. એ રીતે તારા ૠણમાંથી મુક્ત થવાનો પ્રયાસ કર્યો છે.

મનોજ : મને કાંઈ સમજાતું નથી. તું મને ત્રણસો રૂપિયા અર્પણ કરી દે એટલે વાર્તા પૂરી.

રોકડિયા :નવલકથા બતાવીને જો આ રહી મારી ‘લેણાદેવી’ નવલકથા. ને આ રહ્યું એનું પહેલું પાનું. વાંચ. ધ્યાનથી વાંચ કે શું લખ્યું છે. ભૂલ કર્યા વગર લખ્યું છે કેઃ આજીવન જેનું ૠણ ચૂકવી શકવા હું અસમર્થ છું એવા મારા પરમ મિત્ર મનોજ ઠકરારને આ નવલકથા અર્પણ કરૂં છું.

મનોજ : આમાં મારો શો દહાડો વળ્યો?

રોકડિયા : અરે ગાંડા! મેં મારી આ નવલકથા તને અર્પણ કરી છે. લે આ એક નકલ લઈ જા. જરા મારા હસ્તાક્ષર કરી દઉં.નવલકથાના પહેલાં પાના પર પોતાના હસ્તાક્ષર કરે અને તારીખ નાંખે. તું જિંદગીભર મને યાદ કરીશ.

મનોજ : પણ મારા ત્રણસો રૂપિયાનું શું થયું?

રોકડિયા : અરે ભલા માણસ! મેં તને મારી સમગ્ર નવલકથા અર્પણ કરી દીધી છે ને તું ત્રણસો રૂપિયાને રડે છે? એક લેખકે તને એનું પુસ્તક અર્પણ કર્યું છે. તું કેટલો ભાગ્યશાળી છે! મનોજ આડતિયા, તું કેટલો ભાગ્યશાળી છે!

મનોજ : પણ હું મનોજ આડતિયા નથી. મનોજ ઠકરાર છું. ઠકરા...ર.

રોકડિયા : તું જે હોય તે. પણ તું ભાગ્યશાળી છે. ભાગ્યશાળી છે. ભાગ્યશાળી છે.

મનોજ બંને હાથ પોતાના માથા પર ફટકારતો રહે અને રોકડિયા બોલતો જ રહે કે : ‘તું ભાગ્યશાળી છે. ભાગ્યશાળી છે. ભાગ્યશાળી છે.’ એ સાથે દૃશ્ય પૂરૂં થાય.

દૃશ્ય : બીજુ

ચમનોજ ઠકરારનું ઘર. મનોજની પત્ની સ્નેહા બેઠી છે. રોકડિયા બૂમ પાડતાં પાડતાં પ્રવેશ કરે.

રોકડિયા : મનો...જ. અરે ઓ મનોજ આડતિયા. ઘરમાં છે કે નહીં?

સ્નેહા : કોણ? રમણભાઈ, આવો આવો. પધારો પધારો.

રોકડિયા : મનોજ આડતિયા ઘરમાં છે કે નહીં?

સ્નેહા : કોણ મનોજ આડતિયા? એ કોણ?

રોકડિયા : તમારા પતિ. બીજું કોણ? તમે તમારા પતિનું નામ પણ યાદ નથી રાખી શકતા?

સ્નેહા :હસીને મારા પતિનું નામ તો મનોજ ઠકરાર છે. ભૂલ તો તમારી થાય છે. રમણભાઈ, તમે તમારા મિત્રનું નામ પણ યાદ રાખી શકતા નથી. લેખક ખરાને! જીવતા માણસો અને નવલકથાનાં પાત્રોની ભેળસેળ થઈ જાય છે. બરાબરને?

રોકડિયા : હા બરાબર છે. હવે એ કહો કે તમારા પતિદેવ ઘરમાં છે કે નહીં.

સ્નેહા : હા છેને.

રોકડિયા : બોલાવો એને. હમણાં ને હમણાં બોલાવો.

સ્નેહા : પણ બેસો તો ખરા. હું એમને બોલાવું છું.

રોકડિયા : બેસવું નથી. પહેલાં મનોજ આડતિયાને બોલાવો.

સ્નેહા : મનોજ આડતિયા નહીં. મનોજ ઠકરાર. ઠકરાર.

રોકડિયા : એ જે હોય તે. બોલાવો એને. જલ્દી બતાવો.

સ્નેહા : રમણભાઈ, તમે બેસો તો ખરા. આજે આટલા બધા ગુસ્સામાં કેમ છો?

રોકડિયા : ગુસ્સામાં કેમ ન હોઉં? સ્નેહાભાભી, એણે મારૂં ભયંકર અપમાન કર્યું છે.

મનોજ પ્રવેશ કરે.

સ્નેહા : લો આ આવ્યા મારા પતિદેવ. કહો જે કહેવું હોય તે.

મનોજ : અરે રમણ રોકડિયા! આવ ભાઈ આવ. કેમ અકળાયેલો છે? તારી નવલકથાનું કોઈ પાત્ર તોફાને ચડયું છે કે?

રોકડિયા : તોફાને તું ચડયો છે તું? મનોજ આડતિયા...

મનોજ : મનોજ ઠકરાર. મારૂં નામ મનોજ ઠકરાર છે. મનોજ આડતિયા તો તારી નવલકથાનું પાત્ર છે.

રોકડિયા : મનોજ ઠકરાર. તેં મારૂં ભયંકર અપમાન કર્યું છે.

મનોજ : અપમાન? તારૂં? ક્યારે? કેવી રીતે? આવું મહાન કાર્ય મારાથી થાય જ નહીં.

રોકડિયા : મેં તને પંદર દિવસ પહેલાં મારી નવી નવલકથા ‘લેણાદેવી’ અર્પણ કરી હતી. કરી હતી કે નહીં?

મનોજ : હા કરી હતી. પણ હજી વાંચવાની બાકી છે. વંચાઈ જશે એટલે પછી આપી દઈશ.

રોકડિયા : મારે પાછી નથી જોઈતી. એ તને રાખવા માટે જ આપી હતી. પણ તું મને એ નવલકથા પાછી આપવા માંગતો હોઈશ તો પણ નહીં આપી શકે.

મનોજ : તું અવાજ કર એટલે તારી નવલકથા તારી સામે એવી ને એવી જ હાજર કરી દઉં.

રોકડિયા : તો કર હાજર.

મનોજ : સ્નેહા, એક કામ કર. આ રમણ રોકડિયાની નવલકથા મેં તને આપી હતીને? જા લઈ આવ. એના માથા પર મારૂં.

સ્નેહા : માફ કરજો. એ વાત હવે શક્ય નથી. કારણ કે...

રોકડિયા : કારણ કે એ નવલકથા તમે લોકોએ પસ્તીવાળાને પધરાવી દીધી છે.

મનોજ : એવું બને જ નહીં. તારી અર્પણ કરેલી નવલકથા ગમે એવી હોય તો પણ હું પસ્તીમાં તો ન જ આપું. એ અગ્નિદેવને અર્પણ કરી દઉં પણ પસ્તીવાળાને તો ન જ આપું.

રોકડિયા : જો દોસ્ત. આ રહી એ નવલકથા. એક પસ્તીવાળા પાસેથી એ ફરીથી મારા હાથમાં આવી છે. મેં તને આપી હતી એ જ નકલ છે આ.

મનોજ : એવું ન બને. તે આપેલી નકલ તો મારા ઘરમાં જ છે. આ બીજી નકલ હશે. તું ભુલકણો છે એટલે તારી ભૂલ થતી હશે.

રોકડિયા : આ નકલ એ જ છે. મેં તને ભેટ આપતી વખતે એના પર મારી સહી કરીને તારીખ પણ નાખી હતી. તારી સગી આંખે જોઈ લે.

મનોજ : એવું બને જ કેવી રીતે. એ અશક્ય છે.

સ્નેહા : એ શક્ય છે મનોજ. કારણ કે આ નવલકથા મેં જ પસ્તીવાળાને આપી દીધી હતી.

મનોજ : શું વાત કરે છે? કોઈ લેખકે આપણને ભેટ આપેલું પુસ્તક પસ્તીવાળાને આપી દેવાય?

રોકડિયા : ભેટમાં આપેલું જ નહીં, અર્પણ પણ કરેલું.

મનોજ : સ્નેહા, આ તારી ભૂલ કહેવાય. લેખકે આપેલું પુસ્તક સાચવીને રાખી મુકાય. અને આ તો ત્રણસો રૂપિયાના બદલામાં મળેલું પુસ્તક હતું.

સ્નેહા : આપણને કોઈ લેખક પુસ્તક આપી દે પછી એ આપણું જ થઈ જાયને? આપણે એનું જે કરવું હોય તે કરીએ. એમાં લેખકને શું નિસ્બત?

રોકડિયા : નિસ્બત કેમ નહીં? સ્નેહાભાભી, મેં તમારા લોકોનું ૠણ ચૂકવવા કાજે કેટલા પ્રેમથી આ નવલકથા તમારા પતિદેવને અર્પણ કરી હતી. તમે મારી પ્રમાણિકતાની આવી કદર કરી?

સ્નેહા : ખોટી વાત ન કરો રમણભાઈ. ત્રણસો રૂપિયા રોકડા ચૂકવવાના બદલે એક ચોપડું ભેટ આપવાની વાતમાં પ્રમાણિકતા ક્યાં આવી? એના કરતાં અમને અમારા ત્રણસો રૂપિયા અર્પણ કરી દીધા હોત તો અમને કેટલા કામ લાગત? તમારી ચોપડીની છાપેલી કિંમત જ હતી ફક્ત પચાસ રૂપિયા અને પસ્તીવાળાએ એના આપ્યા રોકડા રૂપિયા ત્રણ!

મનોજ : પણ તેં એવું શા માટે કર્યું?

સ્નેહા : શું કરૂં? આખર તારીખ હતી. ઘરમાં મીઠાની એક કોથળી લેવા જેટલા પણ પૈસા નહોતા.

રોકડિયા : મારી નવલકથાની કિંમત માત્ર ત્રણ રૂપિયા?

સ્નેહા : હા લેખકજી. તમારી નવલકથાની કિંમત મીઠાની એક કોથળી જેટલી હતી.

મનોજ :હસીને એ રીતે જોઈએ તો તેં અમારૂં ૠણ મીઠાથી ચૂકવ્યું કહેવાય. તું નમકહરામ તો નથી જ.

રોકડિયા : તમે શું કર્યું છે એનું તમને લોકોને ભાન નથી.

સ્નેહા : અમે શું કર્યું છે? કોઈ મોટો ગુનો કર્યો છે?

રોકડિયા : તમે લોકોએ એક લેખકના હદયને જબરો આઘાત પહોંચાડયો છે.

સ્નેહા : કેમ? હ્ય્દય તો માત્ર તમારે લેખકોને જ હશે ને અમારે તો હ્ય્દયની જગ્યાએ પથરા હશે?

રોકડિયા : તમારૂં હ્ય્દય પથ્થરનું ન હોત તો તમે મેં અર્પણ કરેલી નવલકથા પસ્તીમાં ન આપી હોત.

સ્નેહા : તો તમે પણ સાંભળી લો લેખક સાહેબ. તમારૂં હ્ય્દય પણ પથ્થરનું ન હોત તો તમે અમારા ત્રણસો રૂપિયા સમયસર ચૂકવી દીધા હોત.

રોકડિયા : તમે લાગણીની કિંમત રૂપિયા પૈસામાં કરો છો? મારી દૃષ્ટિએ રૂપિયાં મહત્ત્વના નથી. લાગણી મહત્ત્વની છે.

સ્નેહા : વાહ રમણભાઈ વાહ! ત્રણસો રૂપિયા લેવા આવ્યા ત્યારે પૈસાનું મહત્ત્વ હતું. હવે નથી. એ તો પૈસાની જરૂર પડે ત્યારે જ ખબર પડે કે પૈસાનું કેટલું મહત્ત્વ છે. અમારા રાકેશની સ્કૂલમાં ફી ભરવાની હતી ત્યારે અમને પૈસાની ખરી જરૂર હતી. એ વખતે પણ તમે અમારા પૈસા ન આપ્યા. આપી દીધા હોત તો અમને કેટલી રાહત થાત!

રોકડિયા : તમારી વાત સાચી પણ મેં અર્પણ કરેલી નવલકથાનું મૂલ્ય પણ તમારે ઓછું ન આંકવું જોઈએ.

મનોજ : જ્યાં જે વસ્તુ કામમાં આવતી હોય એ જ આવે. તારા તરફ અમને લાગણી અને વિશ્વાસ હતાં એટલે ત્રણસો રૂપિયા ઉછીના આપ્યા હતાં. તે વખતે અમારી એકલી લાગણી કામમાં આવત? લાગણી લાગણીની જગ્યાએ બરાબર છે પણ તું રોકડા રૂપિયા લઈ ગયા હતાં એટલે તારે રૂપિયા જ પાછા આપવા જોઈએ. સમજ્યો રમણ રોકડિયા?

મનોજ : સ્નેહાની વાત સાચી છે હો ભાઈ. તું જયારે અમારી પાસે ત્રણસો રૂપિયા ઉછીના લેવા આવ્યો ત્યારે અમે રૂપિયા વગરની માત્ર લાગણી દર્શાવી હોત તો તારૂં કામ થાત? એવી લાગણી તો વાત વગરના ટોટા જેવી! ફૂટે તો નહીં, સુરસુરિયુંય થવું હોય તો થાય!

રોકડિયા : તમે એક લેખક સાથે આવું વર્તન કરીને એને અન્યાય કરી રહ્યા છો.

સ્નેહા : તમે કયા મોઢેં ન્યાય-અન્યાયની વાત કરો છો? તમે લેખક થઈને તમારાં પાત્રોને ન્યાય આપવાની જેટલી ચિંતા કરો છો એટલી ચિંતા તમારા કામમાં આવતા જીવતા જાગતા માણસોને ન્યાય આપવા માટે નથી કરતા. પૂછો તમારા આત્માને કે અન્યાય કોણે કોણે કર્યો છે.

રોકડિયા : તમે લોકો મનેં સમજવામાં ભૂલ કરી રહ્યા છો. અમે લેખકો વ્યાવહારિક બાબતોમાં થોડા કાચા હોઈએ છીએ. તમારે મન મોટું રાખવું જોઈએ.

સ્નેહા : કેમ વળી? અમે કાંઈ લઈ ખાધું છે? તમારા જેવા લેખકો જવાબદારીમાંથી છટકવા માટે વ્યવહારમાં કાચા હોવાનો ઢોંગ કરતા હોય છે. હું તમારી આખી જમાતને જાણું છું.

રોકડિયા : જૂઓ ભાભી, તમે વધારે પડતું બોલી રહ્યા છો. હવે હદ થાય છે.

સ્નેહા : હદ તો તમે કરી નાખી છે. અમને છ છ મહિના અમારા પૈસા માટે ટટળાવ્યાં અને છેવટે પૈસાના બદલે એક ચોપડું પકડાવ્યું.

રોકડિયા : ભૂલ મારી જ આથી કે મેં તમારા જેવા રસહીન માણસોને મારી નવલકથા અર્પણ કરી.

મનોજ : ભૂલ તો અમરી થઈ કે અમે તારા જેવા કસહીન માણસને પૈસા ઉછીના આપ્યા.

રોકડિયા : મનોજ આડતિયા, યાદ રાખને આજ પછી હું ક્યારેય મારૂં પુસ્તક તને અર્પણ નહીં કરૂં.

મનોજ : પહેલાં તું મારૂં નામ યાદ રાખતા શીખ. હું મનોજ ઠકરાર છું. ઠકરા...ર.

રોકડિયા : હું તારૂં નામ પણ યાદ રાખવા માંગતો નથી. આજથી હું તારા ઘરનું પાણી હરામ કરૂં છું.

મનોજ : પાણી ભલે હરામ કરે. પણ ચા હરામ ન કરતો. કારણ કે ઘર સિવાય બીજે ક્યાંય તને સારી ચા પીવા નથી મળતી એ યાદ છે ને? ચચાળા પાડીને સ્નેહાભાભી, તમારા હાથની ચા જેવી ચા વિશ્વભરમાં ક્યાંય નથી બનતી.

રોકડિયા :ગુસ્સે થઈને મારે તમારા ઘરની ચા પણ નથી પીવી. આ નગરમાં ચાની લારીઓ ઓછી નથી. હું જાઉં છું. ચાલવા લાગે

મનોજ : આવજે રમણલાલા. ત્રણસો રૂપિયા પાછા આપવાની મરજી થાય ત્યારે પધારજે.

સ્નેહા : વિશ્વભરમાં ક્યાંય ન મળે એવી ચાથી તમારૂં સ્વાગત કરીશું.

મનોજ અને સ્નેહા એકબીજાંને તાળી દેતાં હોય ત્યાં તો રોકડિયા પાછો ફરે.

રોકડિયા :ઠાવકું મોઢું કરીને સ્નેહાભાભી, તમે ચાનું નામ લીધું અને ચા પીધા વગર જઉં એ સારૂં ન કહેવાય. મારા માટે નહીં પણ તમારા માટે સારૂં નહીં કહેવાય.

મનોજ અને સ્નેહા આઘાતથી સ્થિર થઈ જાય. રોકડિયા મલક મલક થાય અને એ સાથે નાટક પૂરૂં થાય.