Anjam Part - 8 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Anjam Part - 8

અંજામ

પ્રકરણ - 8

સસ્પેન્સ થ્રીલર નવલકથા

પ્રવિણ પીઠડીયા

માઉન્ટ આબુ ઉપર રાત ઉતરી આવી હતી. વરસાદી સીઝન હોવાથી આખો દિવસ ઝીણો-ઝીણો વરસાદ વરસ્યે રાખ્યો હતો જેના લીધે ચો-તરફ ઠંડકભર્યું આહલાદક વાતાવરણ સર્જાયુ હતું... પહાડોની આગોશમાંથી વરસાદી ઝરણા વહેતા થયા હતા. સામાન્ય તહઃ આબુમાં બારેમાસ ઠંડક પ્રસરેલી રહેતી હોય છે. તેમાં પણ ખાસ કરીને ચોમાસા અને શિયાળામાં ઠંડી જોર પકડે ત્યારે અહીં ક્યારેક તાપમાન શૂન્ય થી પણ નીચે ઉતરી આવતું હોય છે. આજે પણ તાપમાનનો પારો ઘણો નીચો આંક દર્શાવતો હતો એટલે આજે રાત્રે ઠંડીનું જોર વધાશે એવું અત્યારથી પ્રતીત થઈ રહ્યુ હતું. નખીલેક પાસે આવેલુ બજાર વહેલુ બંધ થવા લાગ્યુ હતુ. દુકાનદારો પોતાની દુકાનો જલદી વધાવીને ઘરે જવાની પેરવીમાં પડ્યા હતા. રાતના લગભગ સાડા-દસનો સમય થયો હતો. બજારમાં ઝગમગતી રોશની ધીમે-ધીમે બંધ થવા લાગી હતી. ઓફ-સીઝનનો લુફ્ત ઉઠાવવા આબુ આવતા ગણ્યા-ગાંઠ્યા પ્રવાસીઓ અહી તહી ટહેલતા હતા. પ્રવાસીઓમાં મોટે ભાગે યંગ પબ્લીક વધુ રહેતી... જો કે અત્યારે તેઓ પણ આવા ઠંડી ભર્યા માહોલમાં વધુ ટહેલવા કરતા હોટલની રૂમમાં એન્જોય કરવાનું વધુ પસંદ કરતા...

સમગ્ર નખીલેક વિસ્તારમાં અત્યારે ધમધમતો કોઈ વિસ્તાર હોય તો તે ત્યાંની પોલીસ ચોકી હતી. હજુ હમણા જ ચોકીનો ઈન્ચાર્જ વિક્રમ ગેહલોત પોલીસ જીપમાં ક્યાંક બહાર નીકળ્યો હતો. વિક્રમ ગેહલોતના જવાથી ચોકીમાં થોડી સુસ્તી છવાઈ હતી. જ્યાં સુધી ગેહલોત હાજર હોય ત્યાં સુધી ચોકીમાં કામ કરતી તમામ વ્યક્તિ ચૂસ્ત, દુરસ્ત અને મુસ્તેદ, સ્ટેન્ડ ટુ એક્શન પઝીશનમાં રહેતી. તેનું કારણ એ હતુ કે ગેહલોત પોતે ભારે કામઠો માણસ હતો. તે પોતે ક્યારેય આળસ કરતો નહી અને પોતાના હાથ નીચે કામ કરતા માણસોને આળસ કરવા દેતો નહી. તેની હાજરીથી ચોકીમાં એક કરંટ ફેલાયેલો રહેતો. જે તેના જવાથી થોડો ઓછો થતો. અત્યારે પણ એવું જ બન્યુ હતુ. એક તો બહાર ઠંડીએ જોર પકડ્યુ હતુ અને તેમાં આજે આખો દિવસ સુંદરવન હવેલીમાં થયેલી વારદાતે કોઈને એક મીનીટે જંપ વાળીને બેસવા દીધા નહોતા એટલે જોવા થોડો મોકો મળ્યો કે તમામે નીરાંતનો શ્વાસ લીધો હતો... અને આજે રાત્રે બીજુ કંઈ કરવાનું પણ બાકી રહેતું નહોતુ. કારમાંથી પકડાયેલો યુવાન હજુ હમણા ભાનમાં આવ્યો હતો અને આવતી કાલ સવારે તેની પુછપરછ કરવાનું નક્કી થયુ હતું... માધોસીંહ અને નયનના મોબાઈલ સર્વેલન્સ પર મુકાયા હતા. તેઓના મોબાઈલની તમામ ડીટેલ મોબાઈલ કંપનીઓ પાસેથી મંગાવવામાં આવી હતી. તેઓના ફોનમાં પાછલા દિવસોમાં કોના ફોન આવ્યા હતા, કોને-કોને ફોન કરવામાં આવ્યા હતા, કયા-કયા લોકેશન પર ફોન હાજર હતો એ તમામ ડીટેઈલ આવતી કાલે મળવાની હતી... ગેહલોતને પાક્કો વિશ્વાસ હતો કે એમાથી જરૂર અગત્યની કોઈ કડી હાથ લાગશે... આ ઉપરાંત પણ વધારાની એક માહિતી મંગાવાઈ હતી અને તે એ કે ફોનમાંથી થયેલા અને આવેલા કોલ કરનાર અને મેળવનારના નામ, સરનામા... ગેહલોતનું આ એક અગત્યનું મુવ હતું...

ઠંડકભરી, જામતી રાતમાં આબુ આખરે ઠુંઠવાઈને શાંત પડ્યુ હતું...

*

માધોસીંહે તેના ઘરનો આગળીયો વાસ્યો, માથે ઓઢેલા ધાબળાને સરખી રીતે ઓઢ્યો, પગમાં પગરખા પહેર્યા અને હાથમાં લઠ્ઠ લઈને તેણે ઘરનું ફળીયુ ઓળંગ્યુ. અત્યારે મધરાત થઈ હતી. ઘડીયાલ સાડા-બારનો સમય દર્શાવી રહ્યુ હતું. મોધાસીંહને હમણા થોડીવાર પહેલા એક ફોન આવ્યો હતો. એ ફોનના કારણે તે અત્યારે કોઈકને મળવા જઈ રહ્યો હતો. ઘરની બહાર નીકળતા જ ઠંડીના કારણે તે ધ્રુજી ઉઠ્યો હતો. બહાર કાતીલ ઠંડી પડવી શરૂ થઈ ચૂકી હતી. માધોસીંહે ઓઢેલો ધાબળો વધુ જોરથી પોતાના શરીરે લપેટ્યો અને આગળ વધ્યો તેના કરચલીવાળા ચહેરા પર ન કળાય એવા ભાવો રમાતા હતા. તેનું ઘર ઢોળાવમાં પડતી એક શેરીમાં સાવ છેલ્લે, ઉપર પહાડીના ટોચ પાસે હતું. અહીં આબુમાં સામાન્યતઃ આવા જ મકાનો હતા... પહાડી વિસ્તાર હોવાથી આબુમાં સમથળ જગ્યા મળવી બહુ મુશ્કેલ હતી એટલે લોકોએ રહેવા માટે પહાડીઓને થોડીઘણી સમથળ બનાવી તેમાં ઘરો બનાવ્યા હતા. આવી વ્યવસ્થા સમગ્ર આબુ શહેરમાં હતી અને લોકોને તે માફક આવી ગયુ હતું. જે આબુ ગયુ હોય અને નજરે જોયુ હોય તેને તરત સમજાય જાય... પહાડીની તળેટીઓમાં અને પહાડીઓ ઉપર બજાર, ઘર, હોટલો બન્યા હતા. કોઈપણ હિલસ્ટેશનની આ જ તાસીર હોય છે.

ખેર... માધોસીંહ શેરી વટાવીને તળેટીમાં ઉતરી આવ્યો. સાવધાની વર્તતો તે આગળ વધ્યો. ઠંડી મોધમ રાત્રે તે કોઈ કાળા પડછાયાની માફક દેખાતો હતો. ઠેક-ઠેકાણે મ્યુનીસીપાલીટીએ ખોદેલા થાંભલા ઉપર સળગતા લેમ્પમાંથી પીળો માંદલો પ્રકાશ ચો-તરફ ફેલાતો હતો. હજુ રાતની શરૂઆત થઈ હોવા છતા આછુ ધુમ્મસ ફેલાવવાની શરૂઆત થઈ ચૂકી હતી. આવા વાતાવરણમાં માધોસીંહ ભુતના માથાની જેમ એકલો આગળ વધી રહ્યો હતો... પરંતુ... ખરેખર તે એકલો નહોતો. માધોસીંહે જેવી તેની શેરીનો વળાંક વટાવ્યો કે તે શેરીના નાકે જ ટુંટ્યુ વાળીને બેસેલી એક વ્યક્તિ સતર્ક થઈ... તે વ્યક્તિ હતો કોન્સ્ટેબલ અબ્દુલ. અબ્દુલ હળવેક રહીને સાવધાનીથી માધોસીંહની પાછળ ચાલ્યો... ઈન્સ. ગેહલોતે અબ્દુલને માધોસીંહની પાછળ માણસ ગોઠવવા કહ્યુ હતુ પરંતુ અબ્દુલને માધોસીંહનો પીછો કરવા માટે અન્ય કોઈ વ્યક્તિ મોકલવા કરતા ખુદ પોતે જ જવાનું યોગ્ય લાગ્યુ હતુ. તે સાંજના સમયે જ માધોસીંહની પાછળ લાગી ગયો હતો. અત્યારે મધરાતે તેની તપસ્યા ફળતી લાગી હતી. તે માધોસીંહની પાછળ અંતર રાખી દબાતા પગલે ચાલતો હતો.

માધોસીંહ ઢોળાવ ઉતરી નખીતળાવના બસ સ્ટેન્ડ તરફ આગળ વધ્યો. અબ્દુલ બરાબર તેની પાછળ હતો. માધોસીંહ બસસ્ટેન્ડનો ગેટ વટાવી અંદર ઘુસ્યો. બસસ્ટેન્ડ અત્યારે સુમસામ હતુ. કોઈ હલચલ ત્યાં વર્તાતી નહોતી. સ્ટેન્ડમાં બળતી લાઈટોના પ્રકાશમાં ત્યાં પાર્ક થયેલી બસો દેખાતી હતી. માધોસીંહ એ લાઈનસર ઉભેલી બસો તરફ આગળ વધ્યો... તે હજુ થોડુ જ ચાલ્યો હશે કે એક વ્યક્તિ અચાનક બસની પાછળથી નિકળ્યો અને માધોસીંહની સામે આવીને ઉભો રહ્યો. માધોસીંહ અચાનક પ્રગટ થયેલા વ્યક્તિને જોઈને પહેલા ખટકાયો અને પછી તેની તરફ આગળ વધ્યો. હવે તેઓ આમને-સામને હતા... અબ્દુલે આ જોયુ હતુ એટલે તે એક બસની આડાશે લપાઈને પેલા નવા આગંતુકને ઓળખવાની કોશીષમાં લાગ્યો. તેને સમજમાં નહોતું આવતું કે આટલી મોડી રાત્રે અને આ ભયંકર ઠંડીમાં માધોસીંહ કોને મળવા આવ્યો છે...? તે દુરથી જ નજરો ખેંચીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યો હતો. માધોસીંહની સામે ઉભેલા વ્યક્તિએ પણ માથે ઓઢેલુ હતુ એટલે દુરથી તેને ઓળખવો મુશ્કેલ હતો. તેમ છતા તે વ્યક્તિ એવી રીતે ઉભો હતો કે બસસ્ટેન્ડમાં થાંભલે બળતી લાઈટનો સીધો પ્રકાશ તેના ચહેરા પર પડતો હતો. અબ્દુલને એ પ્રકાશમાં તે વ્યક્તિનો અલપ-ઝલપ ચહેરો નજરે પડતો હતો. બે-ચાર વખત જોયા બાદ અચાનક અબ્દુલ ચોંક્યો... તે એ વ્યક્તિને ઓળખતો હતો. માધોસીંહ અને તે વ્યક્તિ આપસમાં કોઈક વાતોએ વળગ્યા હતા તેમને ખબર નહોતી કે કોઈ તેમની પાછળ આવ્યુ છે... પરંતુ અબ્દુલ તે વ્યક્તિને જોઈને ખરેકર ચોંક્યો હતો. તે એ વ્યક્તિને સારી રીતે જાણતો હતો. તે રઘુ હતો... રઘુ કબાડી... આબુનો માથાભારે બદમાસ આદમી. રઘુ દેખાવ પુરતુ કબાડીનું કામ કરતો હતો પરંતુ તેનો અસલી ધંધોતો કંઈક અલગ જ હતો. કબાડીના ધંધાની આડમાં તે ડ્રગ્સ અને સ્મગલીંગનો ધંધો કરતો હતો. આબુમાં તેના દારૂના અડ્ડા પણ ધમધમતા. તે ઘણે ઉંચે સુધી પહોંચેલો માણસ હતો... માધોસીંહને અહી રઘુ સાથે ઉભેલો જોઈને અબ્દુલનું માથુ ઠનક્યુ હતુ... આ વાત તેણે વિક્રમ ગેહલોતને જણાવવી જરૂરી લાગતી હતી. તેને એ બન્ને વચ્ચે થતી વાતચીત સાંભળવાની પણ અદમ્ય ઈચ્છા થતી હતી પરંતુ આટલે આઘેથી એ શક્ય બનવાનું નહોતુ. અબ્દુલ દુરથી પણ જોઈ શકતો હતો કે તે બન્ને વચ્ચે કોઈ બાબતે ચડ-ભડ થઈ રહી હતી. તેઓ કદાચ ધીમા અવાજે ઝઘડી રહ્યા હતા... આખરે પંદર-વીસ મીનીટ બાદ રઘુ ત્યાંથી ચાલતો થયો હતો. તે બારે ગુસ્સામાં લાગતો હતો. તેના ગયા પછી માધોસીંહ પણ પાછો વળ્યો અને પોતાના ઘર તરફ ચાલ્યો હતો. અબ્દુલે માધોસીંહનો તેના ઘર સુધી પીછો કર્યો અને જેવો તે ઘરની અંદર ગયો કે અબ્દુલે ફોન કાઢ્યો અને ગેહલોતને લગાવ્યો. બે-ચાર રીંગ વાગ્યા પચી ફોન ઉપડ્યો...

‘‘સાહેબ... અહીં ભારે ગરબડ થઈ રહી છે...’’

‘‘અબ્દુલ... તું અત્યારે...?’’ ગેહલોતે ઉંઘરેટા અવાજે પુછ્યું.

‘‘સાહેબ... હું માધોસીંહના ઘરની બહારથી બોલુ છું...’’

‘‘માધોસીંહના ઘરની બહાર તું શું કરે છે...?’’ ગેહલોતે હેરાનીથી પુછ્યું.

‘‘સાહેબ... તમે મને માધોસીંહની પાછળ કોઈકને ગોઠવવા કહ્યું હતું પરંતુ બીજા કોઈને મોકલવા કરતા મેં ખુદ જ તેનો પીછો કરવાનું મુનાસીબ માન્યુ...’’

‘‘ઓ.કે. ઠીક છે... ત્યાં શું ચાલે છે એ કહે...’’

‘‘સાહેબ... તમને વિશ્વાસ નહી આવે કે માધોસીંહ અત્યારે કોને મળીને આવ્યો છે...’’

‘‘કોને મળીને...?’’

‘‘રઘુને...’’

‘‘રઘુ...???’’

‘‘રઘુ કબાડી... સાહેબ...’’

‘‘હેં...’’ ગેહલોત અચાનક ઝટકાથી ઉભો થઈ ગયો.

‘‘હાં સાહેબ... માધોસીંહ અત્યારે રઘુ કબાડીને જુના બસ સ્ટેન્ડમાં મળવા ગયો હતો...’’

‘‘તું સાચુ કહે છે...?’’

‘‘જી સાહેબ... મેં મારી સગ્ગી આંખે જોયુ. જરૂર કંઈક જબરો લોચો લાગે છે સાહેબ... નહિતર આટલી મોડી રાત્રે તેઓને રૂબરૂ મળવાની શું જરૂર હોય...?’’

‘‘તેઓ અત્યારે ક્યાં છે...?’’

‘‘રઘુ ક્યાં ગયો તે હું જાણતો નથી પણ માધોસીંહ અત્યારે તેના ઘરમાં છે. મને નથી લાગતુ કે હવે તે સવાર સુધી બહાર નીકળે...’’

‘‘હં...મ...મ...’’ ગેહલોત વિચારમાં ખોવાયો તેને માધોસીંહનું રઘુ કબાડી જેવા નામચીન માણસને આમ અડધીરાત્રે ચોરી છુપીથી મળવુ સમજાતુ નહોતુ. તેણે તો માત્ર એક ચાન્સ લીધો હતો અને અબ્દુલને માધોસીંહ પાછળ લગાવ્યો હતો. પરંતુ તેનો એ તુક્કો તીર બનીને નીશાને લાગ્યો હતો. માધોસીંહનું રઘુ સાથે કનેક્શન ઘણા સૂચીતાર્થો દર્શાવતા હતા.

‘‘હલો... સાહેબ...’’ સામા છેડેથી ગેહલોત ખામોશ થયો એટલે અબ્દુલે પુછ્યું.

‘‘તું એક કામ કર અબ્દુલ... નાઈટ ડ્યુટીમાં જે કોઈપણ હોય તેને અત્યારે જ રઘુની પાછળ લગાવી દે. અને તારે હવે ત્યાં ઉભા રહેવાની જરૂર નથી. ઘરે જા અને આરામ કર... આપણે સવારે મળીએ...’’ ગેહલોતે કહ્યુ અને ફોન મુક્યો.

ગેહલોતની નિંદ ઉડી ગઈ હતી. તેણે પગમાં સ્લિપર પહેર્યા અને રૂમમાં આંટા મારવાનું ચાલુ કર્યું. તેના દિમાગમાં કંઈ કેટલાય વિચારો ધમાસાણ મચાવતા હતા.

*

રીતુએ મહા-મહેનતે આંખો ખોલી. તેના માથામાં સણકો ઉઠ્યો અને તેના મોઢામાંથી દર્દનો એક ઉંહકારો નીકળી ગયો. અનાયાસે તેનો હાથ તેના માથાની પાછળ વળ્યો. માથાના પાછળના ભાગે ઢીમચુ ઉપસી આવ્યુ હતુ. તેની આંગળીઓ એ ઢીમચા પર ફરી... એવુ કરવામાં પણ તેના શરીરમાંથી દર્દની એક ઝણઝણાટી ફરી વળી. તેણે આંખો ખોલી આજુ-બાજુ જોયુ. તે એક અવાવરૂ બંધ કમરામાં હોય એવુ તેને લાગ્યુ. કમરાની ફર્શ પર ધુળ ફેલાયેલી હતી અને કંઈક સડી ગયુ હોય એવી દર્ગંધ ક્યાંકથી આવતી હતી. કમરામાં ઘોર અંધકાર ફેલાયેલો હતો એટલે કઈ જગ્યાએ છે તેનો કોઈ ચોક્કસ અંદાજ રીતુને આવતો નહોતો. તેણે આંખો ખેંચીને અંધકારમાં જોવાની કોશીષ કરી... તેને સમજમાં આવતુ નહોતુ કે તે અહી કેવી રીતે પહોંચી અને કોણ તેને અહી લાવ્યુ હતુ. તેના મગજમાં શૂન્યતા છવાયેલી હતી. તેને કંઈ જ યાદ આવતુ નહોતુ.

‘‘ઉંહુ... હું... હું...’’ અચાનક એક ઉંહકારો તેના કાને અફળાયો. એ ઉંહકારા કમરામાં એક ખૂણામાંથી આવતા હતા. રીતુ ઉભી થઈ અને અવાજની દિશામાં ચાલી. ત્યાં કોઈક હતુ જે ભારે દર્દથી કરારી રહ્યું હતું. ગભરાતી, સાવધાનીથી રીતુ એ તરફ આગળ વધી. અંધારામાં તેને કંઈ દેખાતુ નહોતુ પરંતુ એ દર્દ ભર્યો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો.

‘‘કોણ છે...? કોણ છે અહીં...?’’ તેણે એકદમ ધીરા અવાજે પુછ્યુ. પણ સામેથી કોઈ જવાબ મળ્યો નહી. તે ખુણામાં પહોંચી હતી. હાથ લંબાવી તેણે જગ્યા ફંફોસી... કોઈ ચીજ સાથે તેનો હાથ અથડાયો. તે એક માનવદેહ હતો. તેના હાથ-પગ બાંધેલા હતા અને મોં પર પટ્ટી મારેલી હતી. ઘોર અંધકારમાં રીતુને તે વ્યક્તિનો ચહેરો કળાતો નહોતો. રીતુ એ હાથ લંબાવીને તેના મોઢે લગાવેલી ટેપ ઉખેડી...

‘‘પ્લીઝ... પ્લીઝ... મને અહીથી છોડાવો...’’ મોઢા પરથી ટેપ નીકળતા જ તે વ્યક્તિ કરગરી ઉઠ્યો. પરંતુ... રીતુ એ અવાજ સાંભળીને ચોંકી ઉઠી હતી.

‘‘મોન્ટી... તું... ?’’ રીતુએ હેરાનીથી પુછ્યુ.

*

નખીલેક પોલીસ થાણામાં સવારના પહોરમાં જ ભારે ધમાચકડી મચી હતી. ઈન્સ. વિક્રમ ગેહલોત ઓર્ડર ઉપર ઓર્ડર આપી રહ્યો હતો. રાત્રે અબ્દુલે જે માહિતી મેલવ ીહતી તેના લીધે આ કેસમાં નવો વળાંક આવ્યો હતો. વિક્રમને ખ્યાલ આવ્યો હતો કે માધોસીંહ અને રઘુ કબાડી બન્ને આ વારદાતમાં કોઈપમ રીતે શામેલ છે અને તેમના સીવાય બીજા પણ આમા શામેલ હશે જ... તેણે ગઈકાલે જ માધોસીંહના ફોનની ડીટેલ સેલફોન કંપનીમાંથી મંગાવી હતી જે થોડીવારમાં તેને મળવાની હતી. આ ઉપરાંત તેણે રઘુ કબાડીના ફોનને પણ ટ્રેસ કરવાનો અત્યારે ઓર્ડર આપી દીધો હતો.

‘‘સાહેબ... આ માધોસીંહના કોલ રેકોર્ડની ડીટેલ...’’ પુરોહીતે કાગળ સાહેબના હાથમાં આપતા કહ્યું...

‘‘પુરોહીત... અબ્દુલ આવે તો મારી પાસે મોકલજે...’’

‘‘જી સાહેબ...’’

‘‘અને હાં... અબ્દુલે રધુ કબાડીની પાછળ જે વ્યક્તિને લગાડ્યો છે તે આવે એટલે મને ખબર કરજે...’’

‘‘હુકુમ સાહેબ...’’

‘‘પુરોહીત... તને શું લાગે છે...?’’ ગેહલોતે તેનો પસંદીદા સવાલ કોન્સ્ટેબલ ભવાની પુરોહીતને પુછ્યો.

‘‘શેનું શું લાગે સાહેબ...?’’

‘‘આ માધોસીંહ અને રઘુ કબાડી વીશે તારુ શું માનવું છે ? આ ખુનમાં તે બન્નેનો હાથ હોઈ શકે...? કે પછી કંઈ બીજો જ ઝોલ છે...?’’

‘‘સાહેબ... મને તો હજુ કંઈ સમજાતુ નથી. જો માધોસીંહે કત્લ કર્યો હોય તો પછી તેણે પોલીસને, મતલબ કે આપણને ફોન કરી ઈન્ફોર્મ શું કામ કર્યા. આવા કિસ્સામાં તો માણસ ઘટનાસ્થળેથી દુર રહેવાનું વધુ પસંદ કરે...’’

‘‘હં...મ...મ... તારી વાત તો સાચી છે. મુજરીમ ક્યારેય મોકાએ વારદાતે હાજર રહેવાનું વિચારે નહી... પરંતુ... પરંતુ... પુરોહીત, આ પરંતુ શબ્દ બહુ કામનો હોય છે. જ્યાં આ પરંતુ આવે ત્યાં ઘણી બધી શક્યતાઓ રહેલી હોય છે... અહી પણ આ શબ્દ આવ્યો છે. માની લઈએ કે માધોસીંહ આ ઘટનામાં શામેલ છે પરંતુ તે પોતે જ આ ઘટનાની ખબર પોલીસને આપે છે... શું કામ...?’’

‘‘શું કામ સાહેબ...?’’

‘‘એલીબી ઉભી કરવા... જો માધોસીંહ જાતે પોલીસને ખબર આપે તો સ્વાભાવિક છે કે આપણે તેને ક્લિનચીટ આપીએ. અને એ બહારને તે આપણી સાથે રહીને આપણી કાર્યવાહી જાણી શકે... સમજાયુ તને...?’’ ગેહલોતે પુછ્યુ.

‘‘સમજ્યો સાહેબ... હવે એ કહો કે તેને અને રઘુ કબાડીને ક્યારે ઉઠાવવાના છે...? કહો તો અત્યારે જ ઉઠાવી લઈએ...?’’

‘‘નહી... થોડી રાહ જોઈએ. સો ટકા ખાતરી પુર્વક હું કહી શકુ કે આ વારદાતમાં ભેજુ કોઈ બીજાનું છે. માધોસીંહ ફક્ત પ્યાદુ છે. આપણે એ ભેજાને ગીરફમાં લેવાનું છે...’’ ગેહલોતે કહ્યું.

પુરોહીત પ્રસંશાથી સાહેબને નીરખી રહ્યો. તેને પહેલેથી જ વિક્રમ ગેહલોત પ્રત્યે અપાર માન હતુ.

‘‘તો હવે શું કરવાનું છે...?’’ તેણે ગેહલોતને પુછ્યું.

‘‘સૌથી પહેલાતો મરનાર તમામ વ્યક્તિઓના નામ સરનામા મેળવવા જરૂરી છે. જો એ મળે એટલે અડધો કેસ તો ખતમ સમજ... અને બીજુ, સુંદરવનમાંથી જેને ગીરફ્તાર કરી લાવ્યા છીએ એ છોકરાની પુછપરછ જરૂરી છે. તે ભાનમાં આવ્યો કે નહિં...?’’

‘‘રાત્રે જ ભાનમાં આવી ગયો હતો સાહેબ...’’

‘‘તું જા... થોડીવાર પછી તેની પુછપરછ કરીએ. હું પહેલા આ ફોન રેકોર્ડ ચેક કરી લઉ...’’ ગેહલોતે કહ્યું. અને હાથમાં પકડેલા કાગળીયામાં ધ્યાન પરોવ્યુ. તેણે ધ્યાનથી માધોસીંહની કોલ ડીટેલ ચેક કરી. લગભગ કલાક સુધી તે એ કાગળમાં ખૂપેલો રહ્યો. ઘણાબધા કોલ થયા હતા અને ઘણા કોલ આવ્યા હતા. તેમાંના અમુક નંબરોને ગેહલોતે એક કાગળ પર ઉતાર્યા.

એ સમય દરમ્યાન સુંદરવન હવેલીમાં માર્યા ગયેલા નયન સુરતીના સેલફોનનો રેકોર્ડ પણ આવી ગયો હતો. એ રેકોર્ડ પરથી ગેહલોતના કહેવાથી ભવાની પુરોહીતે તેમા લખેલા નંબરો ઉપર ફોન કરવાના ચાલુ કર્યા હતા... અને અડધા કલાકની અંદરજ હવેલીમાં માર્યા ગયેલા યુવાન યુવતીઓના અને તેમના સાધીદારોના નામ, સરનામા પુરોહીતના ટેબલ પર પડ્યા હતા. પુરોહીતે તમામના સગા-સંબંધીઓને તાત્કાલીક આબુ આવી જવા જણાવ્યુ હતુ... જો કે તેણે એમને એ નહોતુ કહ્યુ કે તેમના યુવાન છોકરાઓ હવે આ દુનીયામાં રહ્યા નથી. પુરોહીતે કંઈપણ જણાવ્યા વગર તેઓને તાબડતોબ આબુ નખીલેક પોલીસ થાણેમાં બોલાવી લીધા હતા... આટલુ કરવામાં પણ તેના હ્યદયમાં એક ભાર છવાયો હતો. કોઈ મા-બાપને તેમના લાડકવાયા યુવાન પુત્ર-પુત્રીઓના મોતના સમાચાર આપવા સહેલુ હોતુ નથી. પુરોહીતે ગમગીની સાતે ફોન મુક્યો અને એ તમામ રીપોર્ટ ગેહલોતને આપ્યો.

*

સુરતથી છ-ગાડઓ એક સાથે આબુ જવા નીકળી હતી. હમણા જ તેઓ ઉપર આબુ પોલીસ મથકમાંથી ફોન આવ્યો હતો એટલે કંઈક અજુગતી ઘટના બની હોવાની આશંકા સાથે ધડકતા હ્યદયે સૌ ગાડીઓમાં ગોઠવાયા હતા અને ભારે રફતારથી તેઓની કારોએ આબુની દિશા પકડી હતી.

વીજય, નયન, મોન્ટી, તૃષા, પ્રીયા અને શીવાનીના પરિવારો સમજામાં સારો મોભો ધરાવતા હતા. તેઓ માલેતુજાર પરિવારો હતા. ઘરેથી નીકળતી વખતે જ તેઓએ ફોન ઘુમાવવા ચાલુ કર્યા હતા. વીજયના પીતા ચીત્તરંજનભાઈએ સીધો જ સુરતના પોલીસ કમીશ્નરને પોન કર્યો હતો અને તેમના પુત્ર સાથે આબુમાં શું થયુ છે એ જાણકારી મેળવવા કહ્યુ હતું. ચીત્તરંજનભાઈની જેમ જ તમામ લોકોએ પોત-પોતાના સોર્સ લગાવ્યા હતા. તેઓ જાણવા માગતા હતા કે અચાનક આબુ પોલીસે કેમ બોલાવ્યા હતા. પરંતુ આબુ પહોંચતા સુધીમાં તેઓને કોઈ જ જાણકારી મળી નહોતી.

*

વીજયે આંખો ખોલી ત્યારે તે પોલીસ લોક-અપમાં હતો. જેલની ગંદી ફર્શ પર તે ટુંટ્યુ વાળીને બેઠો હતો. લોક-અપમાં બળતા પીળા પ્રકાશના બલ્બની રોશની તેની આંખોમાં ચૂભતી હતી. તેની આંખોમાં પાણી ઉભરાયા... મગજમાં જાણે નશો છવાયેલો હોય તેમ તેને મગજમાં ભાર વર્તાતો હતો. તે સમજી નહોતો શકતો કે તે ક્યાં છે અને આ કઈ જગ્યા છે... મહા-મહેનતે આંખો ખોલીને તેણે જોવાની કોશીષ કરી. તેને તેની સામે કોઈ વ્યક્તિ ખુરશી પર બેઠી હોય એવું લાગ્યુ.

વિજયની સામે ખુરશી નાખીને વિક્રમ ગેહલોત બેઠો હતો. તે લગભગ પંદર મીનીટથી અહી આવીને ચૂપચાપ બેઠો હતો. તે ફક્ત વીજયને નીહાળી રહ્યો હતો. વીજયને ભાનમાં આવતા તે સતર્ક થયો.

‘‘શું નામ છે તારૂ...?’’ ગેહલોતે આગળ ઝુકતા પુછ્યુ.

‘‘વી...વીજય... હું... હું... ક્યાં છું....?’’

‘‘લોક-અપમાં...’’

‘‘લોક-અપ...’’

‘‘હાં... પોલીસ લોક-અપમાં...’’

‘‘ઓહ...’’

‘‘હાં... તો વિજય... સુંદરવન હવેલીમાં શું થયુ હતુ એ વિગતવાર કહે...’’

‘‘સુંદરવન હેવલી...?’’ વિજયે તેના દિમાગ પર જોર લગાવ્યું. તેને કંઈ જ યાદ આવતું નહોતુ.

‘‘અચ્છા... ચાલ, સુંદરવન હવેલીવાળી વાત છોડ... તારા મિત્રો ક્યાં છે એ કહે...?’’ ગેહલોતે બીજો પ્રશ્ન પુછ્યો.

‘‘મારા મિત્રો...?’’ વિજયે તેનો હાથ લમણે મુક્યો તે જાણે જોર કરીને કંઈક યાદ કરવા માંગતો હોય એવા ભાવ તેના ચહેરા પર ઉપસ્યા.

‘‘તારા મિત્રો યાદ નથી તને...?’’ નયન, તૃષા, શીવાની, પ્રીયા, મોન્ટી, રીતુ...?’’

‘‘રીતુ...?’’ વિજયને લાગ્યુ આ નામ તેણે ક્યાંક સાંભળ્યુ છે. પરંતુ તેના મનમાં હજુ અહંકાર જ છવાયેલો હતો.

‘‘ઓ.કે.... તને શું શું યાદ છે એ કહે... તારુ નામ તને યાદ છે તો બીજુ પણ કંઈક યાદ હસે જ ને...?’’

‘‘મને... મને... કંઈ જ યાદ આવતુ નથી. ઓહ... મારુ માથુ દુઃખે છે.’’ વિજયે બન્ને હાથે પોતાનું માથુ દબાવ્યું.

ગેહલોત ખામોશીથી બેસી રહ્યો. તેનું મન થતુ હતુ કે ખેંચીને બે થપ્પડ વિજયને લગાવી દે... પરંતુ કોણ જાણે કેમ પણ તે અટક્યો હતો. તેનું પોલીસ દિમાગ કહેતુ હતુ કે વિજય પર જોર-જબરદસ્તી કરવાથી કંઈ પરિણામ મળશે નહીં. શાંતીથી, સમજાવીને તેની પાસેથી માહિતી કઢાવવી પડશે... અને તેણે એવી કોશીષ ચાલુ કરી. ગેહલોતે ભાત-ભાતના પ્રશ્નો પુછ્યા... ઉલટાવી-સુલટાવીને મગજનું દહીં થઈ જાય એટલો વખત સતત પ્રશ્નો પુછ્યા... લગભગ અડધોએક કલાક બાદ તે થાક્યો હતો... વિજય સતત એક જ રટણ કરતો હતો કે તેને કંઈ જ યાદ નથી આવતું. બસ... એ સીવાય તે કંઈ બોલતો નહોતો. આખરે કંટાળીને ગેહલોત ઉભો થયો અને લોક-અપમાંથી બહાર નીકળ્યો. તે પણ ઘુંઘવાઈ ઉઠ્યો હતો.

‘‘પુરોહીત...’’ લોક-અપમાંથી બહાર નીકળતા જ તેણે હાંક મારી.

‘‘હાં... સાહેબ...’’

‘‘આને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કર...’’

‘‘જી સાહેબ...’’

વિક્રમ ગેહલોત ચાલીને તેની ખુરશી પર બેઠો અને પુરોહીત વિજયને હોસ્પિટલ ભેગો કરવાની પેરવીમાં લાગ્યો.

‘‘સાલો... આખરે આ મામલો છે શું...?’’ ગેહલોતે સિગારેટ સળગાવી અને વિચારે ચડ્યો...

(ક્રમશઃ)

વધુ આવતા અંકે...

Whatsapp : 9099278278

Facebook.com/Praveen Pithadiya