ર.પા. એટલે ર.પા Ajay Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ર.પા. એટલે ર.પા

હું મરી ગયો. અંતરિયાળ.

તે શબનું કોણ ? તે તો રઝળવા લાગ્યું.

કૂતરૂં હાથ ચાવી ગયું, તો સમળી આંતરડાનો લચકો ખેંચી ગઇ

કાગડા મજેથી આંખો ઠોલે , કાન સોંસરી કીડીઓ આવે-જાય

સાલું, સાવ રામરાજ ચાલે.. પવન દુર્ગંધથી ત્રાસીને છૂ

તે વાળ પણ ન ફરકે , -ને આ બાજુ સાંજ પડું પડું થાય.

ઘેર જવાનું તો હતું નહીં. , આખો રસ્તો પગ પાસે બટકેલો પડ્યો હતો.

હું સારો માણસ હતો. ,નખમાં ય રોગ નહીં ને મરી ગયો.

કવિતા લખતો. , ચશ્માં પહેરતો.

ઝાડપાન આઘાત લાગવાના દેખાવમાં ઊભાં છે.

પાછળ ઘર કલ્પાંત કરતું હશે. , અને એમ સહુ રાબેતાભેર.

ખરો પ્રેમ માખીનો , જે હજી મને છોડતી નથી.

હું બિનવારસી, ને જીવ સાલો, જલ્સા કરતો હશે.

પણ કાકો ફરી અવતરશે. ને માણસગીરી કરશે, હી હી હી..

-આમ વિચારવેડા કરતો હતો , તેવામાં

બરોબર છાતી પર જ ,

ના, ના ઘડીક તો લાગ્યું કે અડપલું કિરણ હશે.

પણ નહોતું. છાતી પર પતંગિયું બેઠું’તું

પતંગિયું.. આલ્લે.. સડસડાટ રૂંવાડાં ઊભાં..

લોહી ધડધડાટ વહેવા માંડ્યું, ઓચિંતી ચીસ નીકળી ગ ઇ કે

હું મરી ગયો નથી.. ,સોનલ, ત્યારે હું ફરી જીવતો થયો હોઇશ?

કાશ , ર.પા. જીવતા થઇ શકતા હોત તો ? પણ ના ...આજકાલ કરતા કરતા ર.પા. ને ચાલ્યા ગયાને એક દશકો થવા આવ્યો . એક દશકો ......ર.પા. વગરનો એક દશકો ...રમેશ પારેખ વગરનો એક દશકો .....!!!! એના ગયા પછી સાહિત્ય ને કવિતામાં કૈક ફેરફારો થયા , કેટલાયે ચમકતા નામો પ્રકાશમાં આવ્યા પણ બોલીવુડ માટે જેમ બચ્ચન એટલે બચ્ચન એમ ગુજરાતી કવિતા / ગઝલ / સાહિત્ય માટે ર.પા. એટલે ર.પા. એ શબ્દ જાણે કે પથ્થરમાં કંડારેલ વિધાન બની ગયું છે . ક્યાં છે કોઈ હજુ પણ ર.પા. ના ચશ્મામાં આંખો નાખી શકે એવું ? આમ તો ગયા નવેમ્બરમાં જ ર.પા. ની જન્મતિથી પર આ જ જગ્યાએ રમેશ શેઠ ને હટ્ટીને યાદ કરેલા ....પણ એમાં લખ્યું હતું એમ સોનલ ને ચાહવાની ઋતુ સાઠ હોય તો પછી ર.પા. ને યાદ કરવાની તો એક હજાર ને સાઠ ઋતુઓ પણ ઓછી પડે . આજનો દિવસ એવી જ એક ઋતુ ગણીએ ...!!!

ર.પા. એ શું લખ્યું છે એના કરતા શું નથી લખ્યું એમ કહેવું વધુ ઉચિત ગણાશે . કેટકેટલું લખ્યું ને કેવું નીતનવીન લખ્યું પણ ર.પા. ના અદમ્ય ચાહક તરીકે અને આ વાંચનારાઓ જેવા અસંખ્ય ભાવીકો વતી હમેશા ર.પ. ની રચનાઓમાં સવાલો ની સટાસટી વધુ આકર્ષી ગઈ છે . એ સતત સવાલો પૂછતાં રહ્યા , જવાબો મળતા રહ્યા કે નહિ એ એમણે મન કદાચ ગૌણ હતું . શરૂઆતમાં જ જે કવિતા લખી એને ફરી વાંચો ...એમને ખુદના મરવા પર કે પછી ફરી જીવતા થવા પર પણ સવાલ ...!!! પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?....ઝાડ કે પાંદડા બન્નેની વ્યથામાં પણ એમને સવાલ સુઝ્યો .... ર.પા. ને તો બધે સવાલ સુઝે ....ને પાછું એ સવાલોમાં જ જો શોધી શકો તો જવાબ પણ મળી જાય ...પાંદડું પીળું થાય અને ઝાડને કૈક થાય બિલકુલ એનાથી વિપરીત ર.પા. એ જ ઝાડને પાનને જરા જુદી રીતે સવાલ-જવાબમાં પણ લઇ જઈ શકે .....ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ? તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?...છે ને કમાલ્લ ....!!!! બોબડી સંવેદના ઉકલી નહીં છેવટ સુધી , એટલૅ ઢોળાઇ ગઇ આ શાહીમાં, શું બોલીએ ?.... લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ , એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ ?...છે ને સવાલોની ર.પા. સ્ટાઈલ કમ્માલ ને ધમ્માલ ...!!!!

ઘટનાને હોત ભૂલી શકાવાનાં બારણાં, તો કોણ ખોલવાનું હતું બંધ દ્વારને ?..ગઈકાલે સનસનાટીભર્યું શું બની ગયું ? ભીની હજુ છે, ખોદી જુઓને, મજારને…. યસ આ છે સવાલિયા ર.પા. પ્રશ્નો ..પ્રશ્નો ને પ્રશ્નો ...પૂછવા પૂછવા ને પુછવા ..હા , પણ એ ખુદ ને પૂછે કે તમને પૂછે , શબ્દોની રમતમાં ને રમતમાં જ જવાબ તો હાજર હોય જ ...!!! સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ, ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે ?...કરો તપાસ લો ..!!! ...... ર.પા. ને તો કાગડો મરી જાય તોય સવાલ સુજી આવે ને એ પણ કેવો ધારદાર ..... આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું? તું એ સિદ્ધ કરી બતાવ, કાગડો મરી ગયો.... કરી શકો તો કરો સાબિત ??? સાબિત કરવા બેશો એ પહેલા જ ર.પા. ફરી એક પ્રશ્ન ઉછાળશે .....ખરાબ સ્વપ્નથી નંબર વધે છે ચશ્માંના , તો કેવા સ્વપ્નને કહેશો તમે ખરાબ ? -લખો.....આંખોમાં આવી રીતે સ્વપ્નો નાં મોકલાવ કહેનાર પાછો એ જ સ્વપ્નોને સવાલની કટઘરીમાં ઉભા કરી દેતા અચકાઈ નહિ .... કેવા સ્વપ્નોને ખરાબ કહેવું ? સાલું આવો વિચાર તો ર.પા. ને જ આવે ને પાછાચશ્માના નમ્બર પણ એનાથી જ વધે ...?

ખાલી સાદા-સિદ્ધાં જ નહી પણ અઘરા સવાલો પણ ર.પા. ની કલમમાંથી ટપકે - પુછાય - જાણે આંગળી ચીંધી ને કોઈ પોકારે એમ ..... “ જે તરફ આપણી આસ્થા જાય છે, આ ચરણ એથી કાં ઉલટાં જાય છે ?. “..છે જવાબ કોઈ પાસે ? ગહન વાત ને એક સાદા સવાલથી પૂછી લીધો શેઠે ..!!! એક ચમકારો સવાલ રૂપી ચમકાવી દે...જો સમજાય તો ઠીક નહીતર હરી વાલ્લા .” શેરડીનો લઈ ખટારો શહેર બાજુ જાય છે ?
ત્યાં તો ધમધોકાર કેવળ સેકરિન વેચાય છે..” ....!!! આખ્ખેઆખ્ખા શહેર ની માનસિકતા એક જ સવાલમાં સડસડાટ આવી ગઈ . ને આનો જવાબ ...? “ પ્રણામ, આપ જે કહેતા હતા એ જળ શું છે? તળાવ શું છે, છલકવું શું છે, કમળ શું છે?.... સવાલોનાં ધાણીફૂટ ગોળીબાર ...બચ શકો તો બચ લો ...!!! પણ એવું નથી કે ર.પા. ના સવાલો ખાલી તમને જ કનડે....એ તો ખુદને પણ કનડી જાણે ...રમેશ, કાંડે તું ઘડિયાળ બાંધી ફરતો, પણ તને ખબર પડી નહીં કદી કે પળ શું છે? ...પોતાના સવાલો પોતાને જ પૂછવા એ રમેશની અનોખી ખાસિયત ....વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવા, રમેશ હોડ શું છે? હાર શું છે? ઝૂઝવું શું ચીજ છે? ....અગેઇન સવાલો જ છે ...અઢળક અને થોકબંધ ...!!!

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, રમેશ કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?.... રમેશને જાત સાથે વાત કરવાની વધુ આદત ...બધું રમેશથી અને રમેશ માહી ...બધો વલોપાત , બેચેની , ઉત્કંઠા , ખુશી , ગમ .....બધું એટલે બધું જ ...!!!!! શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ? એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?... એને સોનલની સાથે સાથે શહેરની પણ એટલી જ ચિંતા ...જળને કરું જો સ્પર્શ તો જળમાંથી વાય લૂ, સોનલ, આ તારા શ્હેરને એવું થયું છે શું ? ...સોનલ ક્યા જવાબ આપવાની હતી ...?? એટલે પછી પોતે જ શહેરની ક્રેડીટીબીલીટી નક્કી કરી નાખી કે ..’ આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં..” ભલે ને રમેશ ઘણી વાર છેડે પ્રશ્નાર્થ ચિન્હ મુકતા ભૂલી જાય કે પછી મુકવાનું છોડી દે તો પણ સવાલ પૂછવાની ટેવ થોડી છૂટે ....આ જુઓ ..સ્પર્શ દઈ પાણી વહી જાતું હશે , ત્યારે કંઈક આ પત્થરોને કંઈક તો થાતું હશે…!!! આમાં છેલ્લે પ્રશ્નાર્થ ચિન્હ હોય કે નાં હોય કશો ફરક પડે છે ખરો ....?????

જો કે ઘણી વખત ર.પાને સવાલોનો જવાબ પણ મળી જાય ...’ ઉઝરડા અને લોહીલુહાણ આખ્ખાય જીવતરનાં કારણ છે શું ?મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે કહ્યું કે : ‘સ્મરણ એક બે’.. ‘.ભલે ને ત્રાહિત વ્યક્તિ આપે પણ જવાબ તો મળ્યો ને ...!!! પણ પછી ર.પા. એ જોશીને આ પૂછ્યું હશે કે નહિ ...” તમારા સ્પર્શની લીલાશમાં ખોવાયાં-ખોવાયાં , હરણ થઈને ફર્યાં કરતા સ્મરણ થાકી જશે ત્યારે ?... ‘ નહી જ પૂછ્યું હોય ...એની બદલે કદાચ આવો વિચાર મનને પૂછી લીધો હશે કે ..’ શબ્દના ડાઘુઓએ ઉપાડ્યો છે ભારને, દફનાવશે ક્યાં જઈને મરેલા વિચારને ? ‘ ..અહા ...અહા ....!!!

ર.પા. ના સવાલો જેવું જ એક બીજું અનોખું પાસું એમની રચનાઓમાં ઝળકતું અને એ હતું લેખની શરૂઆતમાં લખ્યું એવું મોતનું કે પછી ચાલ્યા જવાનું ...કશુક ગયું કે જશે ની વાત ...!! છાપરું શ્વાસ રૂંધી ધીમાં ધીમાં પગલાંઓ ગણતું રહ્યું, ભીંત ભયભીત થઈને કણસતી રહી કોઈ ચાલ્યું ગયું.......!!! આ કોઈ એટલે ? રમેશ કે પછી ...???? .બન્યો બનાવ અને નીરખ્યા કર્યું તેં પણ ,હું તારા હાથમાંથી છટકેલું કાચનું વાસણ.....!!!! ર.પાની ભલે ને મહેચ્છા હતી કે બંધ પરબીડીયામાંથી જ મરણ મળે પણ તોયે એમને ખબર કે કેટલી વાર ને કેટલી વાત ...??? ચરણ મારાં તારા ભણી હોય છે, હું ચાલું ત્યાં ભીંતો ચણી હોય છે. મુઠ્ઠીમાં જ રાખીને ફરીએ છતાં, ક્ષણો કેટલી આપણી હોય છે ? ને એ ક્ષણો પણ કોણ ને ક્યારે અટકાવી દે એનું પણ ક્યાં નક્કી ? ‘ ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે .. કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં...!!!! ‘

મરણગતિએ મળી લઈએ એકબીજાને- એક ઘરમાં બે ખંડની જુદાઈ ખટકે છે....દીવાલ જેવી સલામત જગાઓ શોધીને, જુઓ, બધાં જ છબીમાં નિરાંતે લટકે છે..... !!! આ નિરાંત એમને ગમી ગયેલી કે શું ? ..’ આ ભીડમાંથી નીકળવું સહેલું ક્યાં છે, રમેશ અમે મરણનો મૃદુ હાથ ઝાલી નીકળીએ. ‘ ...મરણનો હાથ અને એ પણ પાછો મૃદુ ? કોમળ ? પણ આ તો ર.પા. એ તો લાગણીના માણસ ...એમને કઠોર થતા જ ભલા ક્યાં આવડ્યું ક્યારેય ...?/ દોસ્ત હરીન્દ્ર દવેના અવસાન પર એમણે લખેલી આ બે લાઈનો એમના મોત કે છૂટવાના વિચારોનું આબેહુબ પ્રતિબિંબ પાડે છે ..’ આ થાશે, તે થાશે, શું થાશે ?થવાનું હશે એ તો થાશે ને પછી એનો ભૂખરો લિસોટો રહી જાશે.....!!! યસ , અંતે તો લીસોટો જ રહી જવાનો ને ? ભૂખરો લીસોટો ....એક ધુમ્રસેર ....એક રાખોડી લીસોટો ......બસ અંતે તો એ જ રહેશે ..!!!

ચોકની વચ્ચે પડ્યું’તું ડૂસકું બિનવારસી , આળ મારા પર સહુએ મારું હોવાનું મૂક્યું.... ડૂસકું ને એ પણ બિનવારસી ? બને કશું છૂટવાની વેળાએ જ આ ડૂસકું છૂટ્યું હોય ...!! તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં, કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં....શા માટે બાધી રાખવા સગપણના પાંજરે?લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં..... ખાલી ડૂસકું કે પોતાના મોત થી આગળ ર.પા. એમના સ્વભાવથી વિપરિત આપઘાત ની કોશિશ પણ કરી જાણે છે , પણ મૂળ અને આખરી હેતુ તો આઝાદી નો - છૂટવાનો જ રહ્યો ને ? .... હોઈશ જો હું ફૂલ તો કરમાઈ જવાનો , દીવો જો હું હોઈશ તો બુજાઈ જવાનો .....સ્મૃતિ રૂપે રહીશ તો સિક્કાની જેમ હું , અહિયાથી ત્યાં પહોચતા ખર્ચાઈ જવાનો ....” ના ર.પા. ના ...તમે ક્યાય ગયા પણ નથી કે ખર્ચાઈ પણ નથી ગયા ...તમે તો હજુ પણ એ જ ર.પા. શેઠ છો અમારા માટે તો ....!!!

પાન ફરકે અને સઘળાં પ્રસંગ યાદ આવે, સળીની ઠેસથી જંગલ સળંગ યાદ આવે.

મુકામ આમ તો થોડાક શ્વાસ છેટો હોય, ને વચ્ચે પાથરેલી સુરંગ યાદ આવે.

આમ ૧૯૪૦મા જન્મ્યો છું ‘રમેશ’, છતાં યુગો થી લડુ છું આ જંગ યાદ આવે...!!!

ભલે ને ર.પા. એ સોનલ માટે એમ કહ્યું હોય કે ‘ સોનલને ચાહવાની ઋતુઓ સાઠ ‘ પણ ર.પા. ના ચાહકો માટે તો ર.પા. ને યાદ કરવાની કોઈ ઋતુ જ નથી , બસ આજુબાજુના કોઈનો મોબાઈલ રણકે ને સંભળાય સાવરિયો રે મારો સાવરિયો કે તરત જ ર.પા. ફરી વળે દિલોદિમાગ પર. અને જેવા ર.પા. યાદ આવે કે તરત જ મનોમન ગવાવા માંડે એના ગીતો અને ગઝલો અને એ પણ તમે માંગ્યો હોય ખોબો તો મળી જાય દરિયા જેટલા !!! .

આમ તો ૧૯૪૦માં જન્મેલા આ મૂર્ધન્ય કવિને તો કવિ જ નહોતું થવું . એમને તો કવિતા પ્રત્યે જ એલર્જી હતી , કવિ થવાની તો તલભાર પણ ઈચ્છા નહોતી .કારણ ? તો ર.પા. કહે છે કે કવિતા ભણવી પડતી એ જ ત્રાસ લાગતો કદાચ એટલે જ એલર્જી થઇ ગઈ હશે . પણ ર.પા. માં રહેલો સંવેદનાથી છલોછલ માણસ એમણે ક્યા એમ શાંતિથી બેસી રહેવા ડે એમ હતો ? એમણે લખેલું એમ ‘ છોક્કરાના લમણાંમાં ખાકટીઓ પાકી , ને લોહી હાળાં ધકામૂકી ધકામૂકી થાય…’ અદ્દલ એવી જ રીતે એમની અંદર પણ કવિનો આત્મા કશુક લખવા સતત ધક્કામુક્કી કરતો રહ્યો .ને એ પણ એક એવા ખોળીયામાં કે જેની સાત પેઢીમાં પણ કોઈ સાહિત્યકાર નહોતો થયો . આ ધક્કામુક્કી કરતા લોહીના પ્રતાપે ર.પા. એ લગભગ ૧૦-12 વર્ષની ઉમરે એક હરિગીત લખી કાઢેલું પણ કાઈ જામ્યું નહિ .એટલે ર.પા. ના જ શબ્દોમાં કહીએ તો હરિગીતની પેલી પાંચ પંક્તિઓ પછી પ્રભુજી પ્રસન્ન થયા નહીં એટલે પ્રભુજીને અને પદ્યને મૂક્યાં પડતાં અને વ્યાયામમંદિરમાં જવાનું શરૂ કર્યું !

ર,.પા. ના જીવનમાં કવિતા તો બહુ પછી આવી એ પહેલા તો ચિત્રકામ આવી ગયેલું અને એ પણ એકદમ સીરીયસલી . શરૂઆતમાં દોરેલા ચિત્રોને મળેલા આઘાતજનક પ્રતિભાવો છતાં ર.પા. ઇન્ટરમીડીયેટમાં પ્રથમ આવ્યા અને જે.જે સ્કુલ ઓફ આર્ટસમાં ભણવા જવાના સપના જોતા ર.પા. ને ઘરની આર્થિક પરીશ્થીતી એ દગો આપ્યો . એક આશાસ્પદ ચિત્રકારે કમને ૧૯૫૮માં જીલ્લા પંચાયતમાં નોકરી સ્વીકારી લેવી પડી . પણ અંદર કશુક સર્જવાનો સળવળાટ યથાવત રહી ગયેલો પછી ભલેને શરૂઆતી સર્જનયાત્રામાં એ ચિત્રકામને બદલે વાર્તાઓ લખવા સ્વરૂપે બહાર આવ્યો હોય . યસ , ર.પા. ની સોએક વાર્તાઓ એ ચાર - પાંચ વર્ષના ગાળામાં લખાઈ અને છપાઈ પણ અને આ વાર્તાઓની વચ્ચે વચ્ચે ર.પા. કશુક ગીત કે ગઝલ જેવું પણ લખતા રહ્યા . પણ એમની જ એક રચનાની પંક્તિઓ મુજબ “ દાબડીમાં એક માણસ બંધ હોય , ઢાંકણું ખોલો તો લાવા નીકળે.” એમ પછી તો ર.પા. ની કવિતાની દાબડીનું ઢાંકણું જેવું ખુલ્યું કે આવનારા દસકા સુધી લાવા જ નીકળ્યા કર્યો , પ્રેમનો - સવાલોનો - સમજણનો - દુનીયાદારીનો - આઘાતનો ...અને નાં જાણે શેનો શેનો !!

રમેશ પારેખ કૈક ભાળી ગયેલો કવિ હતો . પ્રેમના માર્ગે ચાલનારો આ કવિ સતત કઈક શોધવામાં પ્રવૃત રહેતો ( મોરારીબાપુ ) . ને વાત પણ સાચી જ છે ને કવિતામાં આટલું વિષય વૈવિધ્ય કાઈ અમસ્તું થોડું આવે ? ગીત, ગઝલ. અછાંદસ , બાળગીત આ ઊર્મિશીલ માણસે કાઈ બાકી નથી રાખ્યું લખવામાં અને લખાણ પણ એવું કે સામાન્ય માનવીને પણ ફટ સમજાય જાય અને એનાથી વિશેષ તો સીધું હૈયા હોહરવું ઉતરી જાય . ‘ આ હથેળી બહુ વહેમવાળી જગા છે, અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે.હવે પાંપણોમાં અદાલત ભરાશે, મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે. ‘ ર.પા. ને ગમે ત્યાંથી પ્રેરણા મળી જાય એને હથેળીમાં પણ ભૂત દેખાય ને એ જ હાથ ને ચીરતા ગંગા પણ નીકળે . ર.પા. ને સતત પ્રશ્નો થયા કરતા ને એ પણ મોરારીબાપુએ કહ્યું એમ હલ શોધવાના પ્રશ્નો . આ જુઓ ‘ સ્પર્શ દઈ પાણી વહી જાતું હશે ત્યારે કંઈક ..આ પત્થરોને કંઈક તો થાતું હશે’

આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા, હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.... .. આ સુવાળા નાં થયા એ તો ર.પા નું માનવું હતું પણ ગુજરાતી સાહિત્યને ર.પા. એ જે સુંવાળપ આપી છે એની મખમલીમાં હજુયે સાહિત્ય રસિકો આળોટી રહ્યા છે . ર.પા. માટે કવિતા કરવી કે લખવી એટલી જ સાહજિક જેટલી એને અતીગમતી બીડી પેટાવવી કે પછી બીડીની જેમ જ એ ચાહકો અને વાચકોના આંતરમન ને પેટાવતાં હતા ? મૂંઝારા ને આબાદ જીલતા હતા ? “ પરપોટો પાણીમાં મુંઝાય હો ખલાસી, પાણીમાં મુંઝાય હો રે, પાણીથી મુંઝાય, પાણીથી કેમ કરી અળગા થવાય? પરપોટો પાણીમાં મુંઝાય.” છે ને દરેકના મનની અઘરી સ્થિતિનું સરળ વર્ણન ? ર.પા. આવું લખી શકતા કારણ ? કારણ એમણે જ આ શેરમાં પોતે જ લખી આપ્યું છે “ ગઝલ હું લખું છું અને આજુ-બાજુ , બધા મારા ચહેરાઓ, ઉંઘી રહ્યા છે “ પોતાના ચહેરાને ઉઘાડીને આ માણસ ક્યાં ચહેરાઓને નજર સમક્ષ રાખીને લખતો હશે ?

બીજાની ખબર નહી પણ એક ચહેરો તો જગજાહેર અને રમેશ-જાહેર છે અને એ હતો સોનલનો ચહેરો . કોણ છે આ સોનલ જેના નામે રમેશની ઘણી બધી કૃતિઓ બોલે છે , ઝળહળે છે અને જીવંત છે ? 'સોનલ તારું નામ લખ્યું ને હાથ સફાળો બની ગયો ખિસકોલી ’...” તમે ઘેર આવ્યા ને, સોનલ ફળિયે બેઠેલા પથ્થરના પંખીને નીલું પિચ્છ અચાનક ફૂટે પિચ્છ તળે કુમળો કુમળો પડછાયો કંપે ‘ કે પછી ‘ ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ , સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ…તમને ફૂલ દીધાનું યાદ…” આવા તો કઈ ને કેટલાય સોનલકાવ્યો ર.પા. ની કલમમાંથી વહેતા રહ્યા. સોનલકાવ્યો એ એમનો પર્યાય બની ગયાં. પણ સોનલ કોણ ? એ પ્રશ્ન તો પ્રશ્ન જ રહ્યો . સોનલ વિષે કવિ શ્રી સુરેશ દલાલે આટલો પ્રકાશ પાડેલો કે રમેશ પારેખની કવિતામાં આવતી સોનલ એ પૂર્વજન્મની સ્મૃતિ છે, આ જન્મની અટકળ છે અને આવતા જન્મનું આશ્વાસન છે’ એમ તો વિનોદ ભટ્ટે જયારે રમેશને પૂછ્યું કે આ સોનલ એટલે કોણ તો ર.પા. નો જવાબ હતો કે સોનલ એટલે ગમતી પરિસ્થિતિ !!!! જે હોય તે પણ સોનલને અનુલક્ષીને અને સોનલના નામે ર.પા. એ સર્જેલા સોનલકાવ્યો કવિતા ચાહકોના દિલની મોંઘેરી સોગાદ બનીને રહી ગયા છે . એમ તો ર.પા. ના આલા ખાચરને કેન્દ્રમાં રાખીને રચેલા કાવ્યો અને મીરાકાવ્યો પણ એટલા જ માણવાલાયક અને નવીનતાથી ભરપુર છે . મીરાકાવ્યોમાં તો એમણે એટલી સહજતાથી ધાર્મિકતા અને ગહનતાને વણી લીધી છે કે વાંચકને સાવ જ સરળતાથી પહેલીથી છેલ્લી લીટી સુધી બધું જ સમજાય જાય . એક ઝલક આ મીરાકાવ્યની “ ગઢને હોંકારો તો કાંગરાય દેશે, પણ ગઢમાં હોંકારો કોણ દેશે ? રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે? આઘેઆઘેથી એને આવ્યાં છે કહેણ, જઈ વ્હાલમશું નેણ મીરાં જોડશે, હવે તારો મેવાડ મીરાં છોડશે. “

ઘણીવાર બધી વાત સર્જક જાહેરમાં નથી કહેતો પણ એના સર્જન થકી એની મનોસ્થિતિ કે ખુશી કે વેદના ની જાણ વાચકોને કરતો રહેતો હોય છે . ર.પા. ની ઘણી બધી ગઝલો કે ગીતોમાં સતત કૈક શોધવાની મથામણ કે પછી કૈક અધુરપનો ભાવ છલકાયા કરતો જાણે કે કેમ કોઈ ચીજ , સ્થિતિ કે વર્તન પરથી એનું અચાનક જ મન ઉઠી ગયું હોય . ...ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ? તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ? ... ...સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે, ઘેર આવેલ પ્રસંગો ય અમારા ન થયા. તાગવા જાવ તો – ખોદાઇ ગયા છે દરિયા, અર્થ શોધો તો – અમસ્થા ય ઉઝરડા ન થયા..........ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ! ન કર બધી વસંત કાંઈ નમણી નથી હોતી, રમેશ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.......થોડી દુર્ધટના ભરી થોડી ક્ષણો ખાલી ગઇ , હું ગયો, ખૂશ્બૂઓ જ્યાં હાથ મારો ઝાલી ગઇ , ઊંઘ આવી નહીં, તો શું થયું? ના કૈં જ થયું , આંખની સપનાંઓ જોવાની ટેવ ચાલી ગઇ.........સદીનું પ્રતિબિંબ ક્ષણમાં હશે, કયો થાક મારા ચરણમાં હશે ? ઠરી જાય છે કલ્પનાની નદી, કયો ભેદ વાતાવરણમાં હશે ?ન જીવનમાં કારણ મળ્યાં સ્વપ્નનાં, તો એનાં રહસ્યો મરણમાં હશે ?.

નબળી સ્થિતિને લીધે દિવસે નોકરી અને વધુ કમાવા રાત્રે હોમગાર્ડની નોકરી કરતા કરતા કવિતાના શહેનશાહ થયેલા આ અલગારી મુસાફિર નું આત્મસન્માન પણ એવું જ હતું . કોઈ એક કાર્યક્રમ માં એમની ઓળખાણમાં એમ કહેવાયું કે રમેશ પારેખ એવા કવિ છે જેઓ જયારે બોલાવીએ ત્યારે કવિતા વાંચવા આવી જાય છે અને ર.પા. એમ કહીને કાર્યક્રમ છોડી ગયા કે હું કોઈ એવો સસ્તો કવિ નથી . એક મુલાકાતમાં ર.પા. ને પુછાયેલું કે ગુજરાતી સાહિત્યમાં તમારું જે સ્થાન છે એનાથી તમને સંતોષ છે ? તો આ છ અક્ષરના નામેરી એ જવાબ આપેલો કે કવિતા લખાય છે એનો આનદ જ મુખ્ય છે અને બાકી બધું ગૌણ છે અને એટલે જ તો બસ ની ટીકીટ પાછળ આ માણસ સાવરિયો રે મારો સાવરિયો જેવું ગુજરાતી ભાષાનું શ્રેષ્ઠતમ ગીત કે પછી .....ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ કમ્મખે દોથો ભરીને કાંઇ ટાંક્યા ને આભલાં ઓછાં પડ્યા રે લોલ ....લખી શકેલો કે જેના વગર ગુજરાતી સુગમ સંગીત અધૂરું છે .

ર.પા. એ એમની સર્જનયાત્રા દરમ્યાન અનેક પ્રકારના શબ્દો અને વિવિધ ભાવો ને વ્યક્ત કરતા તળપદી શબ્દોનો કવિતામાં ભરપુર ઉપયોગ કર્યો . એમના કાવ્યસંગ્રહ ‘ ખડિંગ ‘ ને મળેલા ‘ નર્મદ ચંદ્રક ; સ્વીકારતી વખતે પોતાના વક્તવ્યમાં એમણે આના કારણમાં કહેલું કે મારી બા ધાણીફૂટ કાઠીયાવાડી બોલતા અને અમરેલીના શહેરીકરણ પછી પણ એમ જ બોલતા અને આ ભાષામાં થી મારી જીભના માપનો જોડો સિવાયો છે જે મારી કવિતાઓમાં પણ ડોકાતો રહે છે . ઓઢણીને પૂછ્યું કે; ક્યાં હાલ્યા ? ઓઢણીએ કીધું કે : ઊડવા… ખીંટી બોલી કે તને અધવચ્ચે ઝાલશું તો ઓઢણી ક્યે: હવે ઝાલ્યો, ઝાલ્યો ... અજુગતા લાગતા રદીફ ને લઈને પણ અચ્મ્બિત કરી નાખતી કૃતિ સર્જી શકે એનું નામ ર.પા. વાંચો આ થોડા નમૂનાઓ : પૂછો કે પેન માં ય ફરે ઝાંઝવાં, તો હા , પૂછો કે હોય ત્યાં ય હરણ બ્હાવરાં, તો હા .....પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ? એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ? .....કઈ તરફ રહેવું અમારે, કઈ તરફ વહેવું, રમેશ ? ભાન ડહોળાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે....કંઈક કષ્ટ છે એ વાત ગોળગોળ ન કર , જે કહેવું હોય તે કહી નાખ, ચોળચોળ ન કર , છે સ્તબ્ધ સાંજ, તું બારી સમીપ ઊભો છે , સજળ છે આંખ ને હસવાનો આમ ડોળ ન કર......પીવડાવવો છે જામ ? લે, મારાથી કર શરૂ, તું આવ સ્હેજ આમ, લે, મારાથી કર શરૂ. તું લૈશ તો બ્રહ્માંડે આવી જશે બાથમાં , આસાન છે આ કામ, લે, મારાથી કર શરૂ..... આવા તો અનેક અચરજ પમાડતા રદીફ લઈને એમણે સુંદર રચનાઓ સર્જી બતાવી કે જેને લખવા બેસીએ તો પાનાઓ ઓછા પડે એમના જન્મદિવસની નીમ્મીત્તે આ તો એક આછેકરું આચમન કર્યું ર.પા. સાગરમાંથી . . અંતમાં આ નખશીખ કાઠીયાવાડી , રજવાડી મિજાજ ધરાવતા સર્વાધિક લોકપ્રિય કવિની રચનાની આ ચોટદાર બે પંક્તિઓ : “ ઉઝરડા અને લોહીલુહાણ આખ્ખાય જીવતરનાં કારણ છે શું ? , મેં ફૂટપાથ પર એક જ્યોતિષને પૂછ્યું તો એને કહ્યું કે : સ્મરણ એક બે ...!!! “

તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ , તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ....મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં, તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ ( ર.પા. ની યાદ માં આદીલ મન્સૂરી )