માંડવાળ ખાતું Pallavi Jeetendra Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માંડવાળ ખાતું

Name: Pallavi Jeetendra Mistry

Email: hasyapallav@hotmail.com

માંડવાળ ખાતું. પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

નીલીમાએ પોતાની ખાસમ ખાસ ફ્રેંડ મીનળ પાસે એક હજાર રુપિયા ઊધાર લીધેલા. એ વાતને ઘણા દિવસો, ઘણા મહિનાઓ, લગભગ એક વર્ષ પૂરું થવા આવ્યું. એ દરમ્યાન તેઓ અનેક વાર મળ્યાં પણ, એક દિવસમા, એક અઠવાડિયામા, પંદર દિવસમા અને એક મહિનામા આ રૂપિયા પાછા આપવાના કરેલા વાયદાઓ પાળી ના શકાતા, નીલિમાએ મીનળની માફી માંગતા કહ્યું,

‘આઇ એમ વેરી સોરી, મીનૂ, વારંવાર ના વાયદા છતાં તારા એક હજાર રુપિયા હું આજે પણ પાછા વાળી શકું એમ નથી.’

‘અરે! એમા આમ સોરી કહેવાની કોઇ જરૂર નથી, આ પહેલાં તેં જ્યારે જ્યારે મારી પાસે પૈસા લીધાં છે, ત્યારે બરાબર સમયસર અને પૂરા પૈસા પાછા વાળ્યા છે. હું પણ સમજું છું કે, આ સમયે તને કોઈ પ્રોબ્લેમ હશે તો જ તું રૂપિયા પાછા વાળી નહીં શકી હોય અને મને તેની પૂરી ખાતરી છે. નીલૂ.’

‘તું સમજુ છે, એટલે જ તો આપણી દોસ્તી આટલી લાંબી ટકી છે. એટલું જ નહીં, એ વર્ષો પહેલાંનુ માધુર્ય પણ હજી ટકી રહ્યું છે, ખરુંને? એ બધી જ વાત બરાબર પણ તને પણ એ રુપિયાની જરૂર તો હશે જ ને?’

‘હા, જરૂર તો છે, પણ મારી પાસે હમણા બીજા રુપિયા છે, મારે મન આપણી આ દોસ્તીથી વધારે બીજું કંઈ નથી. માટે તું એની ખોટી ચિંતા ના કર, તારી સગવડ થાય ત્યારે આપજે.’

‘પણ ધાર કે એવી કોઈ સગવડ જ ના થઇ તો? હું તને ક્યારેય રૂપિયા પાછા જ ન વાળી શકી તો?

‘તો પણ કંઇ વાંધો નહી. તું મારી ખાસ ફ્રેંડ છે. અને મેં કહ્યું તે મુજબ હું આપણી દોસ્તીની કદર કરું છું.’

‘પણ તો ય……મેં તારા હજાર રૂપિયા પાછા જ ન વાળ્યા તો?’

‘તો...? ચાલ, અત્યારે જ હું એ રુપિયા ‘માંડવાળ ખાતે’ લઉં છું. માનીશ કે મેં તને એ રૂપિયા ગીફ્ટ કર્યા, બસ?’

‘ધેટ્સ ગ્રેટ, મીનૂ. આવું જો તું તારી જીંદગીમા બીજા ખાતા માટે પણ કરતી હોય તો?’

‘હું સમજી નહી, નીલૂ.’

‘જો સાંભળ મીનૂ. આસ્ટ્રેલિયા ગયેલો તારો દિકરો સુનીલ ભણી ગણીને જોબ લઇને, ઓસ્ટ્રેલિયન છોકરીને પરણીને ત્યાં જ સેટલ થઇ ગયો, ખરું?

“હા”

એ તને પૈસા મોકલવાનુ તો ઠીક, ઇંડીયા અવવાની ય ઠીક, પણ તારી સાથે વાતચીત નો વ્યવહાર રાખતાં ય કતરાય છે, ખરું?

“ખરું”

તેં એને અનેકવાર ફોન કર્યા, અનેકવાર ઇમેલ કર્યા, પત્રો પણ લખ્યા, પણ સરવાળે…?

“સરવાળે નો રીપ્લાય”

’નો રીપ્લાય’. આ બાબતે તું પરેશાન છે, ટેંશનમા છે, સતત દુ:ખી રહે છે. મને આપેલા રુપિયા તું ગીફ્ટ સમજી ભૂલી જવા તૈયાર છે. તેમ તારી પૂત્રવધૂએ છીનવી લીધેલા તારા દિકરા ને પણ ગીફ્ટ આપ્યો સમજી ભૂલી જા. મને આપેલા રુપિયા સિવાયના રુપિયાથી તારું કામ ચાલી જાય છે, તેમ જ તારા દિકરા સિવાયના તારા અન્ય સગાઓ, દા.ત. તારા પ્રેમાળ પતિ, તારા કાળજી કરનારા દિકરી જમાઇથી તારું કામ ચલાવી લે.’

‘અને હા, મારી પાસે તારા જેવું સાચું કહેનારી આત્મીય ફ્રેંડ પણ તો છે.’

‘બસ, તો પછી જે ‘નથી’ એના પર ધ્યાન કેંદ્રિત કરવાને બદલે જે ‘છે’ એના પર તારું ધ્યાન કેંદ્રિત કર તો તારું જીવન સુખી અને ઊત્સાહમય બનશે.’

‘સમજદાર કો ઇશારા કાફી હૈ.’ એમ મીનળ માટે નિલીમાની આટલી સલાહ બસ હતી.

તે જ દિવસથી અને તે જ ઘડીથી મીનળે પોતાના દિકરા સુનીલનુ નામ ‘માંડવાળ ખાતું’ મા મૂકી દઇને પોતાના આળા થયેલા મનને સમજાવી લીધું. પોતાનું ધ્યાન અન્ય સગાવહાલાઓ અને અન્ય સદ્પ્રવ્રુતિઓ મા જોડીને જીવન સહજ, સરળ અને સુખમય બનાવી લીધું.

Name: Pallavi Jeetendra Mistry

Email: hasyapallav@hotmail.com