રંગલો કહે કે મારે વારતા લખવી
લેખક: યશવંત ઠક્કર
મિત્રો,
વાર્તા એક સાહિત્યપ્રકાર છે. એક જ પ્રકારની વાર્તાઓ ઘણી લખાય છે. અહી એક પ્રયોગ કર્યો છે. વાર્તા કેવી હોવી જોઈએ કે કેવી ન હોવી જોઈએ એ વિષેનો વાર્તાલાપ રંગલા અને રંગલીની ભવાઈ દ્વારા રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. વળી એ રજૂઆત માટે પાંચકડાં જેવા જૂના કાવ્યપ્રકારની પણ મદદ લીધી છે. આમ ભવાઈ, પાંચકડાં અને વાર્તાનો ત્રિવેણી સંગમ એટલે આ પ્રયોગ. આપ સહુને ગમશે એવો વિશ્વાસ છે.
-યશવંત ઠક્કર
રંગલો કહે કે મારે વારતા લખવી
[રંગલો મંચ પર ઊભો ઊભો રંગલીની રાહ જોતો જોતો ગાય છે...]
રંગલી:હે વારતા લખવા કાજે મનમાં ઉમંગનો નઈં પાર
પણ મારી વહાલી રંગલીને આવતાં લાગી વાર.
હે ભોજન વગર જોર જેમ અંગમાં આવે નઈં
એમ રંગલી વગર આ રંગલો રંગમાં આવે નઈં
.તા થૈયા થૈયા ને તા થૈ.
[રંગલી પ્રવેશ કરે અને ગાય...]
રંગલી:હે વારતા લખવા કાજે રંગલાને ચડે બહુ જોર
રખડવા નીકળી પડે જાણે હોય હરાયું ઢોર
હે રખડી રખડી ને થાકે પણ વારતા મળે નઈં
કેમેય કરીને આ રંગલાની જોઈ લો જાતરા ફળે નઈં
તા થૈયા થૈયા ને તા થૈ.
રંગલો:[ગળગળો થઈને] એ મારી સાત ખોટની રંગલી, તું જ આવું બોલે તો પછી આ જગતમાં મારું કોણ? મારાથી નથી ગઝલ લખાતી, નથી ગીત લખાતું, લેખ લખવા જાઉં તો ઘોબા પડે છે અને લઘુકથા લખવા જાઉં તો લોચા પડે છે. મને થયું કે વારતા લખું. સહેલું પડશે. નગરમાં આંખકાન ઉઘાડાં રાખીને હરું ને ચોરે ચૌટે ફરું. વારતાને ગોતું ને ક્યાંય નજરે પડે તો પકડી લઉં ને મારા શબ્દોમાં કેદ કરી દઉં. પછી તો પ્રતિભાવ ઉપર પ્રતિભાવ! વાહ વારતા વાહ! વાહ રંગલાભાઈ વાહ! તમે તો મહાન વારતાકાર છો! તમારા જેવો વારતાનો લખનારો આ સાહિત્ય જગતમાં બીજો કોઈ નથી.
રંગલી:એ રંગલા, ધોળે દહાડે સપનાં જોવાનું છોડ ને એક વાત સમજી લે કે વારતા લખવી સહેલી નથી. તારા જેવા નકલચી બંદરરનું તો એ કામ જ નથી.
રંગલો:હવે વાયડી થામાં વાયડી. વારતા લખવી એમાં શી ધાડ મારવાની છે? આ ઢગલાબંધ વાર્તા ઢગલાબંધ વારતા લખાય જ છેને? એમ લખી નાખવાની. જે કાંઈ વારતાને લાયક બનાવ નજરે પડે એ ઉપાડી લેવાનો. પાત્રોને સરસ મજાનાં નામ આપી દેવાનાં. પછી એમાં લાગણીનો ઘડો ઢોળી દેવાનો. એમાં હાસ્ય, વ્યંગ, કરુણા, વીરતા વગેરેના રસ ઉમેરી દેવાના. જે માલ તૈયાર થાય એણે સંવાદો વડે વલોવવાનો. આથો આવ્યા ભેગો પ્રેરણાના તાપે બાફી નાખો એટલે સરસ મજાની વારતા તૈયાર! બોલો લોકપ્રિય વારતાકાર રંગલાભાઈની જે...
રંગલી:જો એવું જ હોય તો તારી વારતા વાંચે કોણ? છાપાં જ ન વાંચે? હવે તો છાપાંવાળાં પણ ગમે તે ઘટનાને લાડ લડાવીને રજૂ કરે જ છેને? ટીવી તો એનાથી પણ ચડે! પણ રંગલા તું કહે છે એ રીતે વારતા નથી પીરસાતી! વાતો પીરસાય છે વાતો!
રંગલો:તો વારતા કઈ રીતે પીરસાય એ કહેને?
રંગલી:ભલભાલા વારતાકાર સારી વારતા કોને કહેવાય એ કહી શકતા નથી. તો વારતા બાબત કહેવાનું મારું ગજું કેટલું?
રંગલો: સાવ નાખી દેવા જેવી વાત ના કર. મને આજે વારતા બાબત તારા મોઢેથી વાણી સાંભળવાની તરસ લાગી છે. વારતા કેવી હોય અને કેવી ન હોય એ તું મને કહે. બોલ રંગલી બોલ.
રંગલી:બોલીશ નહીં પણ ગાઈશ. એ પણ પાંચકડાં રૂપે.
રંગલો: [કૂદકો મારીને] પાંચકંડાં? શું વાત કરે છે મારી રંગલી! વરસો થઈ ગયાં પાંચકડાં ગાયાંને! ઝટ કર. ઝટ કર. મારાથી નથી રહેવાતું! હરિ તારાં પાંચ પાંચકડાં ગાવી. પરભુજીના ટાંટિયે વળગી જાવી.
રંગલી:તો રંગલા, આજે થાવા દઈએ વારતા બાબત પાંચકડાંની સૌ પ્રથમ રજૂઆત. [રંગલી પાંચકડાં રજૂ કરે અને રંગલો સાથ આપે.નાચતાં જાય અને ગાતાં જાય]
:હે ક્યાં ગઈ વારતા ને ક્યાં ગયા ભાભા?
રૂડી રૂપાળી વારતાને હવે કોણ પહેરાવે ગાભા!
માડી તારાં પાંચ પાંચકડાં ગાવી
વારતાજીના ટાંટિયે વળગી જાવી.
હે વારતાનાં લખનારાં મળે છે અનેક
વારતાના ઘડનારાં સોએ મળે એક.
માડી તારાં પાંચ પાંચકડાં ગાવી
વારતાજીના ટાંટિયે વળગી જાવી.
હે હૈયામાં ન હોય હેત તો વારતા મળે નઈં
ભટકી ભટકીને થાકી જાવ પણ જાત્રા ફળે નઈં.
માડી તારાં પાંચ પાંચકડાં ગાવી.
વારતાજીના ટાંટિયે વળગી જાવી.
હે પ્રેમ કર્યો થાતો નથી ને થઈ જાય છે જેમ
વગર ગોત્યે વારતા મળી જાય છે એમ.
માડી તારાં પાંચ પાંચકડાં ગાવી
વારતાજીના ટાંટિયે વળગી જાવી.
હે શ્વાસ પછી શ્વાસ લેવાય છે જેમ
વારતામાં વાત પછી વાત કહેવાય છે એમ.
માડી તારાં પાંચ પાંચકડાં ગાવી
વારતાજીના ટાંટિયે વળગી જાવી.
હે ઘટનાઓ ગોઠવી દીધે વારતા જામે નઈં
તરસ્યા રહી જાય ભાવકો વારતા પામે નઈં.
માડી તારાં પાંચ પાંચકડાં ગાવી
વારતાજીના ટાંટિયે વળગી જાવી.
હે નાજુક નમણી વારતા એને હોવો ઘટે શણગાર
જો રાખ્યો હોય નો વિવેક તો એનોય લાગે ભાર.
માડી તારાં પાંચ પાંચકડાં ગાવી
વારતાજીના ટાંટિયે વળગી જાવી.
હે શણગારના ભારથી વારતા વાંકી વળી જાય
પોતાનાં જ જુલમ કરે તો કોને કહેવા જાય?
માડી તારાં પાંચ પાંચકડાં ગાવી
વારતાજીના ટાંટિયે વળગી જાવી.
હે લાંબી લાંબી વારતા ને અંતનું નઈં નામ
માંડ માંડ અરધે પોગ્યા સાંભર્યા શ્રી રામ.
માડી તારાં પાંચ પાંચકડાં ગાવી
વારતાજીના ટાંટિયે વળગી જાવી.
હે લાગણીના લપેડા ને રજૂઆતમાં નઈં ધડો
વારતાનાં ખોળિયાંમાં ક્યાંથી પેઠો સડો?
માડી તારાં પાંચ પાંચકડાં ગાવી
વારતાજીના ટાંટિયે વળગી જાવી.
હે રૂડાં ને રૂપાળાં હોય પાત્રોનાં નામ
ચાંપલું ચાંપલું બોલવું એ જ એનું કામ?
માડી તારાં પાંચ પાંચકડાં ગાવી
વારતાજીના ટાંટિયે વળગી જાવી.
હે સોનાની થાળીમાં જાણે હોય લોઢાની મેખ
વગર જોઈતી વાતનો એમ કરાય નઈં ઉલ્લેખ.
માડી તારાં પાંચ પાંચકડાં ગાવી
વારતાજીના ટાંટિયે વળગી જાવી.
હે ટૂંકી હોય કે લાંબી હોય પણ વારતા મજાની હોય
દોટ વારતાકારની પોતાનાં ગજાની હોય.
માડી તારાં પાંચ પાંચકડાં ગાવી
વારતાજીના ટાંટિયે વળગી જાવી.
હે વહેતી નદી જેવા વારતામાં વળાંક હોય
રંગના કુંડા નઈં પણ છાંટા જરાક હોય.
માડી તારાં પાંચ પાંચકડાં ગાવી.
વારતાજીના ટાંટિયે વળગી જાવી.
હે વાચકો પર છોડવી પડે સમજવા જેવી વાત
ચતુર હશે તે પારખી જશે શબ્દો કેરી ભાત.
માડી તારાં પાંચ પાંચકડાં ગાવી
વારતાજીના ટાંટિયે વળગી જાવી.
હે મૂકે પણ વાગે નઈં વારતાને અંતે ચોટ
વારતાકાર ત્યાં ખાય છે કેવડી મોટી ખોટ!
માડી તારાં પાંચ પાંચકડાં ગાવી
વારતાજીના ટાંટિયે વળગી જાવી.
હે વાચકોની નાડને જેને પારખવાના હોય કોડ
એણે પાડવો પડે છેવટે જાત સંગાથે તોડ.
માડી તારાં પાંચ પાંચકડાં ગાવી
વારતાજીના ટાંટિયે વળગી જાવી.
હે આલિયો લખે ને ઓલ્યો માલિયો વખાણે
મલક શું કહે છે એ ઉપરવાળો જાણે.
માડી તારાં પાંચ પાંચકડાં ગાવી
વારતાજીના ટાંટિયે વળગી જાવી.
હે ચા કરતા કીટલી ગરમ હમેશા હોય
લેખક કરતા વાચક નરમ ક્યાંથી હોય?
માડી તારાં પાંચ પાંચકડાં ગાવી.
વારતાજીના ટાંટિયે વળગી જાવી.
હે સમજાવી શકાય નઈં વારતા ઘડવાની રીત
શીખનારા શીખી જશે જેને હશે વારતાથી પ્રીત.
માડી તારાં પાંચ પાંચકડાં ગાવી
વારતાજીના ટાંટિયે વળગી જાવી.
હે વારતા તો છે મજાનો સાહિત્યનો એક પ્રકાર
વાચકજનો તમે આપજો એને અઢળક અઢળક પ્યાર.
માડી તારાં પાંચ પાંચકડાં ગાવી
વારતાજીના ટાંટિયે વળગી જાવી.
હે રંગલો રંગલી વિનવે રાખજો એટલું યાદ
વારતા વાંચ્યા પછી વળતો દેજો સાદ.
માડી તારાં પાંચ પાંચકડાં ગાવી
વારતાજીના ટાંટિયે વળગી જાવી.