સાત સમંદર કવિની અંદર Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાત સમંદર કવિની અંદર

[વ્યંગકથા]

સાત સમંદર કવિની અંદર

લેખક: યશવંત ઠક્કર

એક કવિના મુખેથી કહેવાયેલી આ કથા છે. જેમાં સાહિત્ય જગતમા ચાલતા સગાવાદ અને મરજીવાદ પર વ્યંગ છે. કેટલાંક સાહિત્યકારો માટે પેંતરાબાજી કેવી રીતે એમની સાહિત્યિક પ્રવૃત્તિનો એક હિસ્સો બની જાય છે એ હકીકત દર્શાવવાનો પ્રયાસ આ કથામાં કરવામાં આવ્યો છે.

સાત સમંદર કવિની અંદર

[૧]

હું દિવ્યકાંત દાવડા. માત્ર દિવ્યકાંત દાવડા. મારી મરજી તો એવી છે કે, દુનિયા મને કવિશ્રી દિવ્યકાંત દાવડા તરીકે ઓળખે. કહેવાય છે કે, કવિની ભીતર એક બે નહિ પણ સાત સાત સમંદર ઘૂઘવતા હોય છે! મારામાં પણ ઘૂઘવે છે! બરાબરના ઘૂઘવે છે! મારામાં જાતજાતની લાગણીઓનાં મોજાં સતત ઊછળે છે. અને ફેલાય છે! પરંતુ, વિદ્વાન સાહિત્યકાર અને ‘શબ્દભવન’ કાવ્યમાસિકના સંપાદકશ્રી સુમંતરાય લાખાણીના હૃદય સુધી મારી લાગણીના મોજાંની એકાદ છાલક પણ નથી પહોંચતી. એમણે અત્યાર સુધીમાં મારી એક નહિ, બે નહિ પરંતુ પૂરી સો કવિતાઓ સાભાર-પરત કરી છે. નથી હું થાકતો કવિતા મોકલતાં અને નથી એ થાકતા કવિતા સાભાર-પરત કરતાં. સુમંતરાય એ એવો અડીખમ પહાડ છે કે જેની સાથે અથડાઈને મારી કવિતા ફરી પાછી મારા જ આંગણે આવીને પડે છે. સાભાર-પરત થયેલી કવિતાનું કવર જોઉં છું ત્યારે મને એમ થાય છે કે, આ કવર નથી પણ મારી કવિતાનું કફન છે.

પહેલી પાંચેક કવિતાઓ સાભાર પરત થઈ ત્યાં સુધી મને એમ હતું કે, હશે! મારી કવિતામાં દોષ હશે. પરંતુ, પછી મને એવું લાગવા માંડ્યું કે, સુમંતરાયની દાનતમાં જ દોષ છે. ‘શબ્દભવન’ સામયિકમાં પ્રગટ થતી બીજી કવિતાઓ પણ મારી કવિતાઓ જેવી જ હોય છે. એ કવિતાઓ પર કાંઈ હીરા નથી ટાંગ્યા હોતા. હા, એ કવિતાઓમાં મોટાભાગની કવિતાઓ કાં તો નામચીન કવિઓની હોય છે ને કાં તો એમના ઓળખીતાઓની હોય છે.

એક વખત મને એવું થયું કે ચાલ, મારી જ કવિતાને હું કસોટીની એરણે ચડાવું. મેં મારી એક જુની કવિતા જે ‘શબ્દભવન’ પ્રગટ કરાવવા માટે મોકલી હતી અને સુમંતરાયે જેને સાભાર-પરત કરી હતી એ જ કવિતા ફરીથી પ્રગટ કરાવવા મોકલી. અને એ પ્રગટ થઈ ગઈ! કારણ કે, એ કવિતા મેં મારા નામથી નહોતી મોકલી! જાણીતા કવિ શ્રી વેગીલાના નામથી મોકલી હતી! બસ, આ ઘટનાથી સાબિત થઈ ગયું કે, સુમંતરાયના સંપાદનમાં મરજીવાદ ચાલે છે.

સુમંતરાયના સંપાદનમાં જ નહિ પરંતુ સમગ્ર સાહિત્ય ક્ષેત્રમાં પણ ઘણોખરો મરજીવાદ ફેલાઈ ગયો છે એની જાણ મને ત્યારે થઈ કે જ્યારે ‘શબ્દભવન’માં ધડાધડ બબલદાસની કવિતાઓ છપાવા લાગી. બબલદાસ આ શહેરના જાણીતા બિલ્ડર છે. એ રાતોરાત કવિ જ નહિ, અગ્રગણ્ય કવિ થઈ ગયા છે. જોતજોતામાં એમના ત્રણત્રણ કાવ્યસંગ્રહો બહાર પડી ગયા છે. હજુ હમણા સુધી જે માત્ર ભૂમિપૂજન જ કરતા હતા એ હવે સરસ્વતી-પૂજન પણ કરવા લાગ્યા છે. ઈંટ, રેતી અને કપચીનો માણસ રાતોરાત શબ્દ, છંદ અને અલંકારનો માણસ બની ગયો છે.

બબલદાસના જીવનદર્શનથી મને લાગે છે કે, કવિ થઈને પૈસાદાર થવું કદાચ અઘરું હશે પરંતુ પૈસાદાર થઈને કવિ થવું અઘરું નથી. હું કવિ થતાં પહેલાં પૈસાદાર થઉં તો કેવું? મારે હવે કાવ્યસર્જન બંધ કરીને મૂડીસર્જન કરવું જોઈએ.

[૨]

હું દિવ્યકાંત દાવડા. માત્ર દિવ્યકાંત દાવડા નહિ, પરંતુ પ્રકાશકશ્રી દિવ્યકાંત દાવડા.

જે દિવસે મેં કાવ્યસર્જન બંધ કરીને મૂડીસર્જન કરવાનું વિચાર્યું એ જ દિવસે હું એક છાપખાનામાં નોકરીએ લાગી ગયો. આમ શબ્દો સાથેનો મારો નાતો હું સાવ તોડી ન શક્યો. ફેર એટલો હતો કે, હવે શબ્દો બીજાના હતા અને મજૂરી મારી હતી.

એક દિવસ મારા શેઠે પ્રેસ વેચવા કાઢ્યું. એ ધરાઈ ગયા હતા ને હું ભૂખ્યો હતો. મેં ગમેતેમ કરીને પૈસાની વ્યવસ્થા કરી અને પ્રેસ ખરીદી લીધું.

એ દિવસોમાં ઉપરાઉપરી ચૂંટણીઓ આવી. મને જાહેરાતોનું કામ મળવા લાગ્યું. રોકડા રૂપિયા જોઈને મારામાં પોઢી ગયેલો કવિ જાગૃત થયો. પરિણામે જાહેરાતોમાં પણ મારું કવિકર્મ દેખાવા લાગ્યું! હું એ જાહેરાતોમાં મારી કવિતાઓ દ્વારા નેતાઓના ગુણગાન ગાવા લાગ્યો. જે કવિકર્મની કિંમત સુમંતરાયે નહોતી કરી એ કવિકર્મની કિંમત નેતાઓએ કરી. મારો ધંધો વધ્યો. મારું પ્રેસ પણ જાણીતું થઈ ગયું.

એક દિવસ એક યુવાન નવોદિત કવિ મારા પ્રેસ પર આવી ચડ્યો. ‘મારે મારો પ્રથમ કાવ્યસંગ્રહ ‘દસ્તાવેજ’ છપાવવો છે.’ એણે પોતાની કવિતાઓનો થોકડો મારા ટેબલ પર મૂકીને કહ્યું.

‘હું વેપારીઓના દસ્તાવેજ છાપું છું. કવિઓના દસ્તાવેજ છાપતો નથી.’ મેં કહ્યું.

‘કેમ એવું? તમારે તો છાપવાથી મતલબ છેને? કવિઓ પૈસા નથી આપતા?’

‘સવાલ પૈસાનો તો છે જ, જોડણીનો પણ છે! વેપારીઓ જોડણીદોષમાં માનતા નથી જયારે કવિઓ જોડણીદોષમાં ખૂબ માને છે. કવિઓના દસ્તાવેજમાં ‘દૂધ’નાં બદલે ‘દુધ’ છપાઈ જાય તો કવિની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગે! જે જોવા માટે હું શક્તિમાન નથી.’

‘અરે વાહ! તમે તો સાહિત્યના જ માણસ છો. મારા કાવ્યસંગ્રહના પ્રકાશક તમારી સિવાય કોઈ હોઈ જ ન શકે.’

‘મારે પ્રકાશક નથી થવું. મારે એ ખોટનો ધંધો નથી કરવો. કવિઓ કે લેખકોની ચોપડી વેચાતી નથી. એના કરતાં તો દશામાની કે હનુમાન ચાલીસાની ચોપડીઓ વધારે વેચાય છે. ચોપડીઓ છાપવી જ હોય તો એ જ ન છાપું?’

‘તમે મારા કાવ્યસંગ્રહનાં વેચાણની ચિંતા ન કરો. હું તમને કાવ્યસંગ્રહ છાપવાના પૂરા પૈસા અગાઉથી આપીશ. વેચવાની જવાબદારી મારી.’

‘અરે યુવાન, તું શા માટે ધનસંગ્રહનો પંથ છોડીને કાવ્યસંગ્રહના પંથે આગળ વધી રહ્યો છે? બે પૈસા બચાવીશ તો ભવિષ્યમાં કામ લાગશે. તારો કાવ્યસંગ્રહ નહિ વેચાય તો તારે એને વહેંચવાનો વારો આવશે. વિચાર કર. તારો જ વહેંચેલો કાવ્યસંગ્રહ તને કોઈ ફૂટપાથ પર પસ્તીના ભાવે વેચાતો જોવા મળશે ત્યારે તને ભીતરમાં કેવી લાગણી થશે?’

‘તમે એ ચિંતા છોડો. મારા કાવ્યસંગ્રહની તમામ નકલો વેચાઈ જશે. એનું એડવાન્સ બુકિંગ પણ થઈ ચૂક્યું છે. પૈસા પણ આવી ગયા છે.’

‘કાવ્યસંગ્રહનું એડવાન્સ બુકિંગ! બને જ નહિ.’

‘બન્યું એ કેવું? જુવો. ફેસબુક પર મારા ચાર હાજર મિત્રો છે. એમાંથી ઘણાખરા મારી કવિતાના ચાહકો છે. પાંચસો મિત્રોએ તો મને સવાસો રૂપિયા લેખે પૈસા પણ મોકલી આપ્યા છે.’

‘વાહ! સંગ્રહ છપાયા પહેલાં એની કિંમત પણ નક્કી થઈ ગઈ? પ્રસ્તાવના કોણે લખી આપી? વિમોચન કોના હાથે કરાવીશ? અતિથિવિશેષ કોણ હશે?’

‘સાહેબ મારા! આ FDI નો જમાનો છે. તમે કહો છો એવા વચેટિયાઓનું હવે આ ક્ષેત્રમાં કોઈ સ્થાન નથી.’

પોતાનો કાવ્યસંગ્રહ છાપવાના ખર્ચ પેટે પૂરી રકમ એણે મારી સામે ધરી દીધી. એણે શરત એટલી મૂકી કે, કામ જોરદાર થવું જોઈએ અને દિલથી થવું જોઈએ.

મારી રજા લઈને એણે જ્યારે પોતાની બાઈકને કિક મારી ત્યારે મને લાગ્યું કે, ખરેખર જમાનો બદલાઈ ગયો છે! ક્યાં એ ખભે થેલો લઈને પદયાત્રા કરનારા કવિઓ અને ક્યાં આ બુલેટવેગે ભાગનારા કવિઓ!

એની શરત મુજબ મેં એનો કાવ્યસંગ્રહ છાપવાનું કામ દિલથી કર્યું. પરિણામ એ આવ્યું કે એની તમામ નકલો વેચાઈ ગઈ એટલું જ નહિ પણ એના કાવ્યસંગ્રહને ‘સાહિત્ય સરવાણી’ સંસ્થા તરફથી શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ તરીકેનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો. પ્રકાશક તરીકે મારી ઓળખાણ થઈ ગઈ.

પછી તો મારે ત્યાં પોતાનાં ખર્ચે કાવ્યસંગ્રહ બહાર પાડનારા કવિઓની લાઈન લાગી ગઈ. હું પ્રકાશકશ્રી દિવ્યકાંત દાવડા બની ગયો!

[૩]

હું દિવ્યકાંત દાવડા. માત્ર દિવ્યકાંત દાવડા નહિ, પરંતુ પ્રકાશકશ્રી તેમજ કવિશ્રી દિવ્યકાંત દાવડા.

એક શુભ ચોઘડીયે એવું બન્યું કે, એક સાહિત્યિક કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ અતિથિ વિશેષશ્રીએ પોતાનું પદ શોભાવવાની અસમર્થતા જાહેર કરી દીધી. આયોજકોએ વિકલ્પમાં મારા પર કળશ ઢોળ્યો. એટલે મેં અતિથિ વિશેષશ્રી તરીકે એ કાર્યક્રમની શોભા વધારી.

એ કાર્યક્રમમાં કવિશ્રી વેગીલા, કવિશ્રી બબલદાસ ઉપરાંત વિદ્વાન કવિશ્રી તેમજ ‘શબ્દભવન’ના સંપાદકશ્રી સુમંતરાય પણ પધાર્યા હતા. આયોજકોએ મારી અને સુમંતરાય વચ્ચે પરિચય કરાવ્યો. એક સારા પ્રકાશક તરીકેના મારા નામથી સુમંતરાય પરિચિત તો હતા પરંતુ એમને દસ વર્ષો પહેલાંની, મારી સો સો કવિતાઓ એમના અપવિત્ર હસ્તે સાભાર-પરત થવાની દુઃખદ ઘટનાઓનું સ્મરણ નહોતું! એક સંપાદક તરીકે એમણે તો એવી કેટલીય કવિતાઓને ફટકારીને એનાં ઉદભવસ્થાનોએ પહોંચાડી હશે! એટલે એમને તો મારા નામનું કે મારી સાભાર-પરત કવિતાઓનું સ્મરણ ન રહ્યું હોય એ સ્વાભાવિક છે.

એ કાર્યક્રમમાં મને અતિથિ વિશેષ તરીકે બે શબ્દ બોલવાની તક મળી તો મેં તકનો મહત્તમ લાભ ઉઠાવ્યો. બે શબ્દો બોલવાની સાથેસાથે મેં મારી જુની બે કવિતાઓ પણ બોલી નાખી. શું કરું? મારી ભીતરમાં ઉછાળા મારતા સાત સાત સમંદરે મજા મૂકી દીધી. મેં એ કવિતાઓ રજૂ કરી કે જે કવિતાઓ એક કાળે ‘શબ્દભવન’ના સંપાદકશ્રી સુમંતરાયે સાભાર-પરત કરી હતી. એ કવિતાઓને શ્રોતાઓ,અન્ય કવિઓ, આયોજકોએ તો તાલીઓના ગડગડાટથી વધાવી લીધી એટલું જ નહિ, પરંતુ મારા આનંદ અને આશ્ચર્યની વચ્ચે શ્રી સુમંતરાયે પણ ઉછળી ઉછળીને વધાવી લીધી!

અતિથિ વિશેષ તરીકેનું મારું વકતવ્ય પૂરું કરીને જેવો હું મારી બેઠક પર બિરાજમાન થયો કે સુમંતરાયે હાથ લાંબો કરીને મને લાંબો કરીને મને કહ્યું કે, ‘ દિવ્યકાન્તજી, લાવો એ બંને કવિતાઓ મને આપી દો. એ કવિતાઓ ‘શબ્દભવન’માં પ્રગટ કરવાને લાયક છે!’

સુમંતરાયના એ શબ્દો સાંભળીને મારી ભીતર એક સાથે કેટકેટલા મોર ટહુકવા લાગ્યા એનો આંકડો આપવો મુશ્કેલ છે. સમય સમયની વાત છે!

એ દિવસે હું પ્રકાશકશ્રીની સાથેસાથે એક કવિશ્રી તરીકે પણ ઓળખાયો.

*********

હું દિવ્યકાંત દાવડા. માત્ર દિવ્યકાંત દાવડા નહિ. પરંતુ પ્રકાશકશ્રી, કવિશ્રી તેમજ ‘લાગણી નામે સમંદર’ કાવ્યસંગ્રહના સર્જક્શ્રી દિવ્યકાંત દાવડા.

બસ, મારા પ્રથમ કાવ્યસંગ્રહ ‘લાગણી નામે સમંદર’ નું વિમોચન થવામાં હવે ગણતરીના કલાકો બાકી છે. આજની સાંજ સર્જક્શ્રી દિવ્યકાંત દાવડાના નામે હશે.

સુમંતરાયે ‘શબ્દભવન’માં મારી બે કવિતાઓ પ્રગટ કર્યા પછી મારી પાસે જેટલી કવિતાઓ તૈયાર હોય એટલી મંગાવી. મેં એક કાળે એમણે જ સાભાર-પરત કરેલી તમામ કવિતાઓ મોકલી આપી. જે એમણે ‘શબ્દભવન’માં થોડી થોડી કરીને પ્રગટ કરી દીધી. આ કવિતાઓની વિવિધ વિદ્વાનોએ, વિવેચકોએ, કવિઓએ પણ નોંધ લીધી. મુશાયરાઓમાં કે કવિ સંમેલનોમા મારી હાજરી અનિવાર્ય ગણાવા લાગી. મારું પ્રકાશકની સાથે સાથે એક કવિ પણ હોવું એ સાહિત્ય ક્ષેત્રની એક સુખદ અને ઐતિહાસિક ઘટના ગણાવા લાગી.

એક દિવસે સાવ અચાનક સુમંતરાય પોતે જ મારા કાર્યાલય પર આવી પહોંચ્યા. મને તો એવું લાગ્યું કે જાણે હિમાલય જેવો હિમાલય એક બરફના કારખાને પધાર્યો છે! મેં એમનું યથાશક્તિ સ્વાગત કર્યું.

થોડી અલકમલકની વાતો થયા પછી એમને મને કહ્યું કે, ‘દિવ્યકાન્તજી, હવે વેળા આવી પહોંચી છે. તમે વિલંબ કરો એ ગુજરાતી સાહિત્ય માટે ઠીક નથી.’

‘ તમે શું કહેવા માંગો છો?’ આતુરતાપૂર્વક પૂછ્યું.

‘હું એમ કહેવા માંગુ છું કે, હવે તમારો પ્રથમ કાવ્યસંગ્રહ અવતરવાની વેળા આવી પહોંચી છે. નવા ઝભ્ભા પાયજામા તૈયાર કરાવી લો.’

‘પણ પહેલાં તો કાવ્યસંગ્રહની તૈયારી કરાવી પડેને?”

‘ભલા માણસ, તમારું પોતાનું પ્રેસ છે. તમે પોતે એક પ્રકાશક છો. બીક પછી કોની તમારે?’

‘પણ બીજું બધું..?’

‘બીજું બધું જ તૈયાર છે.’ એમણે પોતાની થેલીમાંથી કેટલાક કાગળો મારા ટેબલ પર મુકીને કહ્યું, ‘આ તમારા કાવ્યસંગ્રહની પ્રસ્તાવના કવિ શ્રી વેગીલાએ લખી આપી છે. આ તમારો પરિચય કવિશ્રી બબલદાસે લખી આપ્યો છે. આ વિવિધ વિદ્વાનોએ તમારી સર્જકતા વિષે આપેલા કિંમતી પ્રતિભાવો. અને આ પૂજ્ય સંતશ્રી ગગનમહારાજનાં આશીર્વચનોનો કાગળ. બોલો, હવે શું જોઈએ તમારે?’

‘તમે મારા માટે આટલું બધું કરો છો? તમારી મારા પ્રત્યેની આ લાગણીનું ઋણ હું કયા ભવે ચૂકવીશ?’

‘આ ભવે જ.’

‘આ ભવે?’

‘હાજી. વાત એમ છે કે હું મારો નવમો કાવ્યસંગ્રહ બહાર પાડી રહ્યો છું. જેના પ્રકાશક હશે શ્રી દિવ્યકાન્ત દાવડા.’

સુમંતરાયની મારા પ્રત્યેની લાગણીનું રહસ્ય મારી સમજમાં આવી ગયું. મારે એમનો નવમો કાવ્યસંગ્રહ છાપીને આ ભાવમાં જ એમનું ઋણ ચૂકવી દેવાનું પણ નક્કી થઈ ગયું.

મેં એમની લાગણીનું ઋણ બને એટલી ઝડપથી ચૂકવી દીધું. એમના નવમાં કાવ્યસંગ્રહનું પ્રકાશન મેં મારા ખર્ચે કર્યું. વાજતેગાજતે એ કાવ્યસંગ્રહનું વિમોચન પણ થઈ ગયું.

હવે મારો આવ્યો છે. આજે સાંજે મારા પ્રથમ કાવ્યસંગ્રહ ‘લાગણી નામે સમંદર’નું વિમોચન છે.

મારે આજે સાંજે મારા પ્રથમ કાવ્યસંગ્રહમાં સમાવેશ થયેલી સો કવિતાઓ વિષે બોલવાનું છે. અત્યારે મારી ભીતર સાત સાત સમંદર તોફાને ચડ્યા છે. મારે ખરેખર શું બોલવું જોઈએ?

ઘડીકમાં મને એમ થાય છે કે મારે સત્ય કહી દેવું જોઈએ. કહી દેવું જોઈએ કે: ‘આ સો એ સો કવિતા એક કાળે સુમંતરાયને ‘શબ્દભવન’માં પ્રગટ કરવા યોગ્ય લાગી નહોતી. એમને એ તમામ મને સાભાર-પરત કરેલી. પરંતુ, પ્રકાશક તરીકે મારું નામ થયા પછી એમને મારી એ તમામ કવિતાઓમાં કૌવત દેખાવા લાગ્યું!’

તો ઘડીકમાં મને એમ થાય છે કે: ‘દરેક ક્ષેત્રમા એક પ્રકારની ‘સિસ્ટમ’ કામ કરતી હોય છે. સાહિત્યના ક્ષેત્રમા પણ એવી એક ‘સિસ્ટમ’ કામ કરે છે જેનો હું એક હિસ્સો બની ચૂક્યો છું. એ ‘સિસ્ટમ’નો હિસ્સો બનવાનો ખરો લાભ તો હવે મળવાનો છે. મીઠાં ફળ ખાવાની વેળા તો હવે આવી છે. હવે જો હું એ ‘સિસ્ટમ’ને તોડવા જઈશ તો કદાચ એવુંય બને કે, ‘સિસ્ટમ’તો અડીખમ રહે ને હું જ તૂટી જાઉં!

હે વાચક તું જ કહે કે મારે શું કરવું જોઈએ? મારી ભીતર સાત સાત સમંદર તોફાને ચડ્યા છે.

[સમાપ્ત]