જીવે એ જ મરે... Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવે એ જ મરે...

જીવે એ જ મરે...

-વિપુલ રાઠોડ

.................

'અનં...ત......'

કાન ચીરી નાખતા અને તરડાયેલા અવાજમાં આયુષીની બિહામણી ચીસથી અનંત ઘેરી ઉંઘમાંથી સફાળો જાગ્યો અને કશુંક અઘટિત બન્યાનાં ધ્રાસકા સાથે તે હાંફળો ફાંફળો અવાજની દિશામાં દોડી ગયો. બાપુજીનાં ઓરડામાં પહોંચતાની સાથે જ આયુષી તેને વળગી પડી અને તેના રૂદનને કળી ગયેલો અનંત ભારે પગે બાપુજી સુતા હતાં તે પલંગ પાસે પહોંચ્યો. બાપુજી હજી નિદ્રાધીન લાગતાં હતાં પણ આજે તેમના નસકોરાનો અવાજ બંધ હતો ! આયુષી તેની પાસે આવીને ઉતાવળા ચિંતાતૂર અવાજમાં બોલી કે 'ક્યારની બાપુજીને જગાડું છું પણ..., જલ્દી ડૉક્ટરને બોલાવોને...' ! અભાન અવસ્થામાંથી ફરી અનંત થોડો ભાનમાં આવ્યો અને પલંગ ઉપર પડેલા બાપુજીનાં ફોનમાંથી જ તાબડતોબ નંબર જોડ્યો અને ડૉક્ટરને તાત્કાલિક ઘરે પહોંચવા વિનવણી કરી. સામે છેડેથી સધિયારો મળતાં અનંતે ફોન કોલ પૂરો કર્યો અને ડૉક્ટરની બેબાકળી વાટમાં બેઠો.

રોકવાનાં પ્રયાસો છતાં આંખમાંથી સરી જતાં આંસૂનાં કારણે તેને બાપુજીનો ચહેરો ઝાંખો દેખાતો હતો. કાનમાં આયષીનાં રડવાનો અવાજ પડઘાતો હતો. અચાનક અનંતની નજર બાપુજીનાં હાથમાં રહેલા એક કાગળ ઉપર પડી. અનંતનો હાથ યંત્રવત તેના કાગળ તરફ ગયો અને તેણે વાળેલા એ કાગળને ઉઘાડ્યો. આંખમાંથી ઝળઝળીયા લૂછતાં તેણે કાગળમાં બાપુજીએ લખેલા શબ્દો વાંચવાની શરૂઆત કરી...

બેટા અનંત,

આજ સુધી તને એક વાત કહેવાની રહી જતી હતી. મારે એવી કોઈ જ વાત તને કહેવી નહોતી કે જેનાથી મારી હયાતીમાં તને એવી અનુભૂતિ કરાવે કે મારો જીવ ક્યાંક મુંઝાય છે. આમ તો મારી કોઈ જ વાત તારી જાણ બહાર નથી આમ છતાં આજે થોડું માંડીને કહીશ.

મારા મારા બાપુજી, તારા દાદાનું અવસાન ક્યારે થઈ ગયું તેનો મને ખ્યાલ નહોતો. હા, જ્યારથી થોડું ઘણું સમજણો થયો ત્યારથી ખબર છે કે મારે મારા બાપુજી નથી. સદંતર નિરાધાર બનેલી મારી માંએ મારા ઉછેર માટે કાળીમજૂરી કરી દિવસો કાઢ્યા. મને ક્યારેય ભૂખ્યો સુવાડ્યો નથી પણ એક બાળક તરીકે પિતૃવાત્સલ્યનો ભોગવટો મારા નસીબમાં નહોતો. મારા બાળસખાઓને એમના બાપા રમાડતા, રખડાવતાં પણ મને કાયમ એનો ખોટકો રહ્યો. ઘણીવાર અમુક ચીજવસ્તુઓ માટે અણસમજમાં પણ મનમારવું પડતું. આગળ જતાં ભણવા સાથે માંને મદદરૂપ થવા નાના મોટા કામ પણ મે કર્યા. નિશાળમાં મારા મિત્રોની મોજમજા મને ઈષ્ર્યા કરાવતી પણ હું સમજતો હતો કે મારે શું કરવાનું છે અને શું નહીં. યુવાનીમાં જલસા કોને કહેવાય તે હું સમજું અને માણું તે પહેલા જ તેની વિદાયની ઘડીઓ ગણાવા લાગી હતી. સતત કામ, કામ અને કામ... મારી માંને ભોગવેલી મુંજવણોમાંથી છુટકારો અપાવવા મેં કોઈ જ કસર છોડી નહોતી. જેનો મને અનહદ અને અનંત સંતોષ છે. માંએ માંડ કરીને બચાવેલી તેમની પરસેવાની કમાણી અને ઉછીના-પાછીના કરેલા પૈસે તારા બા સાથે હું પરણ્યો. પણ... હું ઘર મારા ખભ્ભે લઉં તે પહેલા જ માંની અર્થી મારા ખભ્ભે આવી ગઈ. ધીમેધીમે જીંદગીનાં એ કઠણાઈભર્યા દિવસો તો વિત્યા ત્યાં તારી જવાબદારી આવી. ઘરનું ઘર બનાવવામાં અને તને ભણાવવામાં મારે અને તારા બાને ઘણાં શોખ અને ઈચ્છાઓ જતાં કરવાં પડ્યા. આ બધા વચ્ચે તારી બા બીમારીમાં પટકાઈ અને સારી સારવારનાં અભાવે તે પણ અચાનક મારો સાથે છોડી ગઈ. આ કહેવાનો મતલબ એવો નથી કે મારે જતાવવું છે કે તારા માટે મેં શું - શું કર્યુ છે. મારો કહેવાનો મતલબ તને આ પત્ર પુરો થયે જ સમજાશે. એટલે આ પત્ર હજી છેક સુધી તું વાંચીશ એવી મારી અંતિમ ઈચ્છા છે.

આપણાં પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં અને ટૂંકી કમાણીમાં એક પછી એક લેવી પડેલી લોનનાં હપ્તા ભરવામાં વરસો નીકળતા ગયા. ઘરનું ઘર થયું તારું ભણતર પુરું થયું, પછી તું જલ્દી કામે વળગીશ એવી આશા મનમાં ક્યાંક હતી. જો કે એમાં થોડીવાર લાગી પણ અત્યારે તું પગભર થઈ ગયો છે એ ખુબ જ આનંદ પમાડે છે. પણ તને પગભર કરવાં માટે મારે વધુ એકવાર લોન માટે ખભ્ભા ઉચકવા પડ્યા. તને ખબર હશે કે તે નોકરી નહી કરવાં અને પોતાનો ધંધો કરવાં માટે નક્કી કર્યુ પછી સારી એવી માથાકૂટ પછી આપણે લોન લેવાનો નિર્ણય કરી શક્યા. જો કે આ છેલ્લી લોન એવી હતી જેના બધા હપ્તા મારે નથી ભરવા પડ્યા અને હા, તારા લગ્નની બધી જ જવાબદારી તે ઉપાડી લીધી ત્યારે મારા ખભ્ભા ગર્વથી ઉંચા થઈ ગયા હતાં. હવે તું તારી જીંદગી કોઈની મોહતાજી વગર જીવી શકવાનો છે એની મને ખાતરી થઈ ગઈ છે. મનમાં ઘણીવાર એવું કહેવાનું મન થઈ આવતું કે બેટા, મારા થોડાક સપના અધુરા છે એ હવે પુરા કરાવ. પણ હું એ બોલી શક્યો નહી. મારા સપનાં પૂરા કરવામાં તારે ક્યાક તારા સપના મારવા પડે તો એનો રંજ મને મર્યા પછી પણ રહી જાય. એટલે મારા સપનાં શું હતાં એ હું તને હજી કહેવા માગતો નથી. એ નથી કહેવા માગતો એનું કારણ હવે તને કહીશ. બેટા આખી જીંદગી અસ્તિત્વ ટકાવી રાખવાની કશ્મકશમાં હું મારી ઈચ્છાઓ પૂરી નથી કરી શક્યો. એવું તારી સાથે હવે થવું જોઈએ નહીં. મારે જતાં જતાં તને માત્ર એટલું જ કહેવું છે કે તને તક મળે ત્યારે જીંદગી જીવવાની એકપણ તક ગુમાવતો નહીં. જરૂરિયાતોને એટલી મોટી ન થવા દેતો કે તેને પુરી કરવામાં તારી જીંદગી પુરી થઈ જાય. તારી જે કંઈપણ ઈચ્છાઓ હોય, જો એ તારી પહોંચમાં હોય તો એ પુરી કરજે અને જીંદગી જીવજે, માણજે ! ઉંમરનાં કોઈપણ તબક્કે મને થાય છે તેવા અફસોસનો ભોગ બનતો નહીં. અત્યાર સુધીમાં કદાચ તે પણ તારી ઈચ્છાઓનું ગળું ઘોટ્યું હશે. પણ હવે બસ. તારે તારી જીંદગી જીવવાની છે અને તારા સપનાને, તારા આનંદને તારા બાપુજીનાં સપનાં, તારા બાપુજીની ખુશી સમજીને પુરા કરવાના છે.

મારી જીંદગીનો અંત આણવા માટેનું કારણ એટલું જ છે કે હવે મારી પાસે જીવવા માટેનું કોઈ કારણ જ નહોતું. મારા સપનાઓ પુરા કરવાની ઉંમર હવે હતી નહી અને તેના સીવાય મને કોઈ અફસોસ પણ નથી. બાળપણથી માંડીને બુઢ્ઢાપા સુધી મે મારી એકપણ જવાબદારી ચુકી નથી. ભલે તે પુરી કરવામાં ઓછું-વધતું થયું હશે પણ મારાથી થયું એ બધું જ મે સંપૂર્ણ સમર્પણ સાથે કર્યુ છે. હુ હવે એટલું જ ઈચ્છું અને ઈશ્રવર પાસે યાચુ કે તું તારી તમામ ઈચ્છાઓ પુરી કર.

હવે આ પત્ર લખવાનું કારણ પણ તને કહી દઉં. મારી ઈચ્છા છે કે મારા ગયા પછી તારી આંખમાંથી આંસૂ ન સરવા જોઈએ. તને કોઈ જ દૂ:ખ થવું કે રહેવું ન જોઈએ. કોઈનાં મર્યાનું દૂ:ખ તો જ થાય જો એ જીવ્યું હોય. હું ક્યારેય જીવ્યો જ નથી તો મરું કેવી રીતે? અને જો હું મર્યો ન હોય તો કોઈને એનું દૂ:ખ શા માટે? મારી જીંદગીમાં મેં હણેલી મારી બધી ઈચ્છાઓનો સરવાળો છે, તારી જીંદગી, તારો આનંદ અને તારી ખુશી. તું એ પુરુ કરીશ એટલી જ અંતિમ ઈચ્છા...

લિ. તારો બાપુજી

પ્રાણલાલ.

પત્ર વાંચતા-વાંચતા વહેતા રહેલાં આંખનાં ખારા પાણીથી ખરડાયેલા ગાલ અને આંખ લૂછતાં-લૂંછતાં અનંતે બાપુજીનો કાગળ હતો એમ જ ઘડી વાળ્યો અને પોતાના ખિસ્સામાં મુક્યો. ત્યાં જ તેણે બોલાવેલા ડૉક્ટર આવ્યા...

.............................