છેલ્લી પોસ્ટ, પહેલો પ્રેમપત્ર Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છેલ્લી પોસ્ટ, પહેલો પ્રેમપત્ર

છેલ્લી પોસ્ટ, પહેલો પ્રેમપત્ર

-વિપુલ રાઠોડ

છેલ્લા આઠેક વર્ષના લગ્ન જીવને ચંચળ અને ચુલબૂલી પરિણિતીને હવે એક પાક્કી પરિપક્વ મહિલા બનાવી દીધી છે. તેના જીવનની રોમાંચક પળો જાણે પરિવારની પળોજણમાં અદ્રશ્ય બની ગઈ છે અને હવે તેના પાસે હરખાવા માટે કદાચ પોતાના ભૂતકાળને વાગોળવા સીવાય કશું બચ્યું નથી. તેને પોતાના લગ્નજીવનથી કોઈ ફરિયાદ નથી પણ તેનાં અચેતન મનની ચંચળતા ક્યારેક સળવળે ત્યારે પોતાનો જૂનો સમય તેને અત્યારની તુલનામાં વધુ જીવનથી ભરપૂર લાગે. બન્ને દિકરીઓ સ્કૂલે અને પતિ દુકાને જતાં રહ્યા બાદ પોતાનાં કામથી પરવારીને પરિણીતી હવે પોતાના નિત્યક્રમ સમાન બની ગયેલી પારીવારિક ધારાવાહિક જોવા માટે ગોઠવાઈ ગઈ છે. રોજ બપોરે એક વાગ્યે રી-ટેલીકાસ્ટ થતી 'દોસ્તી કી દાસ્તાન - એક પ્રેમ કથા' તેની ફેવરીટ સિરિયલ, જેનો એક પણ એપિસોડ જોવાનું તે ચુકતી નથી. કારણ કે તેના મુખ્યપાત્રોમાં તે પોતાને અને પોતાના કોલેજકાળનાં બેસ્ટફ્રેન્ડ હર્ષને જોઈ શકતી હતી. પોતાના લગ્ન થયા ત્યારથી હર્ષ સાથે તે સંપર્ક વિહોણી બની છે પણ તેનાં મનમાં હજી પણ એ મિત્રતાની તાજગી બરકરાર છે. સિરિયલમાં દેખાડવામાં આવતાં પ્રસંગો તેને પોતાનો એ ગોલ્ડન પીરિયડ યાદ અપાવી જતાં. આ તાદાત્મય તેને પોતાની કંટાળાજનક બનેલી જીંદગીમાં થોડી રાહત આપતી. ક્યારેક તેના મનસમુદ્રમાં એવા તરંગો પણ કાંઠા સુધી આવી પહોંચતા કે હર્ષ સાથે તેનો નાતો માત્ર મિત્રતા

પુરતો સિમિત નહોતો, કદાચ ત્યાં એક પાવન અનુરાગ પણ હતો. જો કે પોતાના લગ્નજીવનનો ખ્યાલ અને પોતાના પરિવાર પ્રત્યેની પ્રમાણિકતા તેના આ તરંગોને ડહોળી નાખતા.

આજે પોતાને ગમતી એ સિરિયલમાં આવેલો એક પ્રસંગ તેને વધુ રોમાંચિત કરી ગયો. તેમાં બન્ને મુખ્ય પાત્રો વચ્ચેની દોસ્તી એક પત્રથી પ્રેમમાં પલટાઈ ગઈ. આ જોઈને પરિણીતીને ક્ષણાર્ધ માટે પોતાની સાથે આવું બન્યુ હોત તો આજે જીંદગી કંઈક અલગ રંગોમાં રંગાયેલી હોત એવો વિચાર આવી ગયો. જો કે આ વિચારનાં આકાશમાં તે વધુ ઉડે તે પહેલા જ તેના ફોનની સુમધુર રીંગટોન કર્કશ અવાજ બનીને રણકી ! એક તો તેને સિરિયલમાં ખલેલ પડશે અને બીજું તેનાં વિચાર વાદળો વિખેરાઈ જશે તેવી અનુભુતિ સાથે ચહેરા ઉપર અણગમા તેણે ફોન ઉપર નજર કરી. તેની નાનપણની બહેનપણી મૈત્રીનો ઘણા લાંબા સમયે ફોનકોલ આવ્યાનું જોઈને તેને બીજા બધા જ ખ્યાલોમાંથી મુક્તિ મળી, તેણે તરત જ કોલ રીસિવ કર્યો.

'ઓહ હાય... કયાં ખોવાઈ ગઈ છો. મારા જીજુ સમય નથી આપતા કે ?'

સામાન્ય રીતે બન્ને વચ્ચે વાત શરૂ થાય એટલે પરિણિતી આવી કોઈ સળી કરે પછી મૈત્રી એ વાતને ક્યાની ક્યા પહોંચાડી દેતી અને પછી બન્ને વચ્ચે ખુબ જ મજાક-મસ્તીભરી વાતો ચાલતી. પણ આજે મૈત્રીનો સૂર દબાયેલો હોય તેવી રીતે છેડાયો...

'યાર... એક માઠા વાવડ છે.'

' હેં !? શું થયું ?' પરિણિતી મૈત્રીના અવાજની ગંભીરતા પારખીને ગભરાતા અવાજે બોલી.

' તને યાદ છે 'ને હર્ષ... બીચારાએ આપઘાત કરી લીધો. અમારા શહેરનાં છાપામાં ખુબ મોટા સમાચાર આવ્યા છે તેના. મે તેનો ફોટો જોઈને ઓળખી લીધો... એ મારા જ શહેરમાં હતો પણ તેનો પતો લાગ્યો તે પણ આવી રીતે... એણે ઝેર ખાતા પહેલા પોતાની આખી સ્યુસાઈડ નોટ ફેસબૂક ઉપર પોસ્ટ કરેલી... જે ખુબ જ ચકચારી બની છે. એવું ઘણું બધું સમાચારમાં લખેલું છે.' મૈત્રીનો અવાજ આટલું બોલીને ભારેખમ બનતા અટકાઈ ગયો...

હેબત ખાઈ ગયેલી પરિણિતીનાં આંખમાંથી ઓચિતા બેકાબૂ અશ્રુધાર વહેવા લાગી અને તેને ખબર જ ન રહી કે તે રડતા રડતા શું બક-બક કરવાં લાગી...

' એય... ખોટું બોલે છે ને? મેં ફેસબૂકમાં હજારવાર તેને શોધ્યો છે. કોઈ દિવસ એ મળ્યો નથી. એ મને કહ્યા વગર મરે જ કેમ? મારે તેને મળવું છે. મારે કહેવું છે કે તે મારા માટે શું હતો... શું છે? '

મૈત્રીએ પોતાની સખીને શાંત પાડવાનાં પ્રયાસ કર્યા પણ તેની એક ચાલી નહીં. આખરે નાછૂટકે તેણે ફોન કટ કરી નાખવાનું જ મુનાસીબ માન્યું. ફોન કટ થતાં જ મૈત્રીએ દોડીને પોતાના રૂમમાંથી લેપટોપ કાઢ્યું. વાઈફાઈ ઓન કરીને તેણે લેપટોપ શરૂ કર્યુ. લેપટોપની બુટિંગ પ્રોસેસ પણ તેને અત્યારે અકળાવનારી લાંબી લાગી. માંડ કરીને લેપટોપ શરૂ થયા પછી એકપણ સેકન્ડ બગાડ્યા વગર તેણે ફેસબૂક ઉઘાડી. અનેકવાર તેના પ્રયાસો છતાં ન મળેલી હર્ષની પ્રોફાઈલ આજે તેને પહેલા ધડાકે જ મળી ગઈ. તેના અચરજનો કોઈ પાર ન રહ્યો.

હર્ષની પ્રોફાઈલ ઉપર તેની છેલ્લી પોસ્ટ હતી તેની સ્યુસાઈડ નોટ. જે ફેસબૂક ઉપર ખુબ જ વાઈરલ થઈ હતી. એક ॥દિવસમાં જ હજારો લોકો સુધી પહોંચી ગયેલી એ પોસ્ટ હવે તેની ખાસ દોસ્ત સુધી પહોંચી હતી. નહીં અટકેલા આંસૂથી ખરડાયેલા ચહેરા સાથે પરિણિતી એ વાંચવાની શરૂઆત કરે છે. એ પોસ્ટનું શિર્ષક હતું 'મારી છેલ્લી પોસ્ટ અને પહેલો પ્રેમપત્ર'

'જે વ્યક્તિ માટે હું આ લખી રહ્યો છું તેના સૌથી પહેલા સવાલનો જવાબ હું સૌપ્રથમ આપીશ. આ પોસ્ટ લખ્યા પછી પહેલીવાર મે તેની પ્રોફાઈલને કરેલું બ્લોક ખોલ્યું છે.

મને કોલેજના પહેલા દિવસથી એક પરી જેવી અને જીગરજાન મિત્ર મળેલી. કોણજાણે તેની સાથેની દોસ્તી મારા મનમાં ક્યારે પ્રેમનાં બીજ રોપી ગઈ તેનો મને ખ્યાલ ન રહ્યો. જો કે મને કાયમ એ વાતનો પણ ખ્યાલ રહ્યો કે એ ક્યારેય મારી નહીં થાય. કારણ કે તેણે હંમેશા મારા અંદર એક મિત્ર જ જોયો. પ્રેમની અભિવ્યક્તિ એ પરી સાથેની મારી મિત્રતાનો ભોગ લે તે મને ક્યારેય મંજૂર નહોતું. એટલે જ મે મારી મિત્રતા નીભાવી. ક્યારેય કહ્યું નથી કે હું તને મનથી ચાહું છું. પણ હવે બાજી ખુલ્લી મુકવામાં વાંધો નથી. મારી પાસે જીવવાનું કોઈ કારણ બચ્યું નથી. તેના લગ્ન પછી મે તેને ભૂલવા લાખ પ્રયાસ કર્યા. પરંતુ તેના માટેનો પ્રેમ મારા ઉપર હાવી થઈ ગયો. તેના વગર જીવન ઝેર બની ગયું. હું મારુ લગ્નજીવન એ ખ્યાલે આરંભી ન શક્યો કે મારા ભરોસે આવનારી છોકરીની જીંદગી હું બગાડીશ. પરીનાં વિયોગમાં ભણતર બગાડ્યુ અને અત્યારે મારા પરિવાર ઉપર બોજથી વધુ કંઈ નથી. જો કે આના માટે પરીનો કોઈ દોષ નથી. તેને મારી ભાવનાનો હજી સુધી ખ્યાલ નથી અને તેના મનમાં કોઈ વધુ લાગણી હતી કે નહીં તે હવે મને ક્યારેય ખબર પડવાની નથી. હા મારે તેને એકવાર કહેવું હતું કે, પરી આઈ લવ યુ.

આજે કહી દીધું. હવે હું નહીં હોઉ. મારા મરવાનો મને કોઈ અફસોસ નથી. બીજા પણ કોઈએ કરવાં જેવું નથી. જો કે હું મારા પરિવાર સહિત જેટલા પણ લોકો માટે બોજ બન્યો, તેમની માફી પણ માગીશ. બધા ખુશ રહેજો. પરી તું પણ ખુશ રહીશ તેવી આશા...

- તમારો હર્ષ.'

ચોધાર આંસૂએ રડતી પરિણિતીને ક્યારેય નથી ભુલાયું કે હર્ષ તેને હંમેશા વહાલથી પરી કહેતો. તેને જેનો અફસોસ થતો હતો એ પ્રેમપત્ર આજે તેને મળ્યો...પણ આવી રીતે એક સ્યુસાઈડ નોટનાં રૂપમાં... તેના મનમાં છુપાયેલી, ધરબાયેલી લાગણી અને પ્રેમ આજે જ્વાળામુખી બનીને ધધકી ઉઠ્યા. પોતે ક્યારેય હર્ષને તેની લાગણી વ્યક્ત કરી શકવાનો મોકો ન આપી શકી હોવાનો અફસોસ તેને કોરી ખાવા લાગ્યો. બેબાકળી પરી મનોમન આઈ લવ યુ ટૂ હર્ષ... આઈ લવ યુ ટૂ... આઈ લવ યુ... બોલતા બોલતા રડતી રહી...

............................................