ગેટવે ઓફ જન્નત Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગેટવે ઓફ જન્નત

ગેટવે ઓફ જન્નત

-વિપુલ રાઠોડ

કચ્છનાં એક દુર્ગમ નેસડામાં ચાર દિવસ ગાળ્યા પછી ભૂજથી બસ પકડીને અમદાવાદ અને ત્યાંથી ટ્રેનમાં મુંબઈનાં બાન્દ્રા સ્ટેશને ઉતરીને વકાસ જાણે પોતાને બધા જ રસ્તા જાણીતા હોય તેમ ચાલતો થઈ ગયો. મુંબઈની તેજ રફતારમાં તેની ઝડપી ચાલ લયબધ્ધ રીતે ભળી ગઈ. થોડે દૂર પહોંચીને તેણે ઓટો પકડી અને રીક્ષાચાલકે મીટર ચાલુ કરીને ઓટો મારી મુકી. વકાસને જ્યાં પહોંચવું હતું એ સ્થાન વધુ દૂર નહોતું પણ મેટ્રોસિટીનાં વ્યસ્ત કલાકોનાં ટ્રાફિકમાં સ્હેજેય રસ્તો 30 મિનિટ જેટલો સમય લઈ ગયો. રીક્ષાચાલકે ભારે ગીચ બજારમાં થોડી જગ્યા જોઈને ઓટો અટકાવી. વકાસે સાઈડમાંથી ડોકું કાઢીને બહાર નજર કરે. સામે જ નુરાની હોટલનું ખખડધજ અને નાનકડું પાટિયું પડું-પડું થવાનાં વાકે લટકતું જોયું. તેણે રીક્ષામાંથી ઉતરીને મીટર પ્રમાણે ભાડું ચુકવ્યું અને નુરાની હોટલનાં સાંકડા પગથિયા ચડી ગયો. રીસેપ્શન નામે એક નાનાકડા અને તૂટેલા-ફૂટેલા ટેબલ ઉપર બેઠેલા વૃદ્ધને જઈને તેણે પોતાનું નામ જણાવ્યું. વર્ષોથી આ અંધારિયા મકાનમાં કેદ ભોગવીને કંટાળ્યા હોય તેવા એ વૃદ્ધ કોઈ ખાસ ઉત્સાહ દેખાડ્યા વિના વકાસને કહ્યું કે ડાબી ચાલમાં ચોથો રૂમ તેનો છે. વકાસને પણ વધુ કંઈ પૂછપરછ કયા વિના પોતાના રૂમ તરફ રવાનગી પકડી. નાનકડી એવી ઓરડીમાં એક પલંગ અને અરીસા સીવાય બીજું કશું ધ્યાને પડે તેમ નહોતું. દિવાલોમાં પોપડા ખરી ગયેલા હતાં પણ પલંગ ઉપરની પથારી નિયમિત રીતે ધોવાતી હોય તેવી ચોખ્ખી હતી. રૂમ ખુબ જ નાનો હતો અને સ્વીચ ચાલું કરતા જ પંખો પણ જાણે તેની તાકાતથી વધુ હવા ફેંકતો હોય તેવું લાગતું હતું. વકાસે પોતાનાં કપડાનો થેલો પલંગ ઉપર મુકીને નકુચા વગરના બાથરૂમમાં જઈને હાથ-મોઢું ધોયા. લાંબી મુસાફરીનાં થાકમાં થોડી તાજગી અનુભવાઈ. પોતાના થેલામાંથી રૂમાલ કાઢીને તે હાથ-મોં સાફ કરતાં કરતાં જ બહાર આવ્યો અને હોટલમાં કામ કરતો હોય તેવા જણાતાં એક છોકરાને વકાસે ચાની વ્યવસ્થા કરવાં કહ્યું. ફરી તે પોતાના રૂમમાં પ્રવેશ્યો અને પોતાનો થેલો નીચે સાઈડમાં મુકતા આરામથી પલંગ ઉપર લંબાવ્યું. તેણે આરામથી હજી તો આંખ બંધ કરી જ હતી કે હોટલનો છોકરો ચાનો પ્યાલો લઈને આવી ગયો. વકાસે આળસમાં ધીમી ગતિએ પોતાના શરીરને ઉંચકીને ઉંભુ કર્યુ અને ચા પીધી ત્યાં સુધી એ છોકરો ત્યાં જ ઉભો રહ્યો. વકાસે ચાનો ખાલી પ્યાલો અને દસ રૂપિયાની નોટ એ છોકરાને આપી પછી તે દરવાજો બંધ કરીને રવાના થયો. વકાસ હવે ફરીથી પથારી ઉપર આડો પડ્યો. થોડી જ વારમાં તેને ઘેરી ઉંઘ આવી ગઈ. ઘડિયાળનો નાનો કાંટો સવારના અગ્યારમાંથી કયારે બપોરનાં ચાર સુધી પહોંચ્યો તેનો વકાસને ખ્યાલ જ ન રહ્યો. અચાનક તેની ઉંઘમાં ખલેલ પહોંચાડતા ટકોરા તેના બારણે પડ્યા. વકાસે પરાણે આંખ ઉઘાડીને ઉંઘરેટિયા અવાજમાં કોણ છે? એવી પૃચ્છા કરી. બહારથી અવાજ સંભળાયો, 'રફીક'.

આળસ મરડતા ઉભા થઈને દરવાજો ખોલ્યો. બહાર આવેલા યુવાને સફેદ કુર્તા-પાયજામા અને માથે ટોપી પહેરેલી હતી. રફીક અને વકાસની કોઈ પીછાણ ન હતી પણ બન્નેએ ભેટીને એકબીજાને આવકાર્યા. રફીકે વકાસને કહ્યું 'ચાલો આપણું વાહન આવી ગયું છે વકાસભાઈ.' વકાસે કોઈપણ વિલંબ વિના પોતાનો થેલો ઉંચક્યો અને તેની સાથે રવાના થયો. રફીકે બહાર નીકળતાં રીસેપ્શન ઉપર બેઠેલા વૃદ્ધ સાથે જૂની ઓળખાણ હોય તેવી રીતે માથું ઝુલાવતાં કહ્યું, 'ચાલો મેહમૂદચાચા પછી મળીશું.'

રફીકની પાછળ-પાછળ વકાસ હોટલની બહાર નીકળ્યો અને થોડે આગળ પહોચ્યા ત્યાં સાઈડમાં એક જૂની કાર પડી હતી. કાર પાસે પહોંચીને રફીકે દરવાજો ખોલતાં વકાસને બેસવા કહ્યું. બન્ને કારમાં ગોઠવાયા અને ધીમેધીમે મુંબઈના રસ્તાઓ ઉપર એ કાર ટ્રાફિક ચીરતી-ચીરતી આગળ વધવા લાગી. બન્ને વચ્ચે રસ્તામાં ભાગ્યે જ કોઈ વાત થઈ. આશરે બે કલાક સુધી મુખ્ય માર્ગો ઉપર દોડેલી એ કાર પછી એક અંદરના વિસ્તારમાં પ્રવેશી. રસ્તાઓ હવે સાંકળા બન્યા હતા અને ટ્રાફિક વધું લાગવા લાગ્યો. થોડીવાર સુધી આ રસ્તાઓ ઉપર ચાલ્યા પછી કાર સાવ સાંકળી શેરી-ગલીઓમાં ચાલવા લાગી. આ વિસ્તારની સુગંદ અને દુકાનો મકાનોનાં રંગરોગાન અને રસ્તે સામા મળતાં લોકોનાં વસ્ત્રો ઉપરથી મુસ્લીમ બહુમતવાળો એરિયા હોવાનો ખ્યાલ આવી જતો હતો. આ શેરીઓ જેમ-જેમ પસાર થતી ગઈ તેમ-તેમ વિસ્તાર વધુને વધુ ગીચ બનતો જતો હતો. એક જગ્યાએ પહોંચીને રફીકે કાર રોકી. ત્યાંથી બન્ને પગપાળા ચાલતાં થયા. ધ્યાન ચુકી જવાય તો સામે કોઈ સાથે અથડાઈ જવાય એટલી ગીચ અને વાંકાચૂકી શેરીઓમાં ઘણું લાંબું અંતર કાપ્યા પછી એક જર્જરિત મકાનમાં રફીક ગયો. પાછળ-પાછળ વકાસ પણ ગયો. ભેંકાર ભાસતા એ મકાનમાં એક મોટો કહી શકાય તેવો ઓરડો ખોલી આપતાં રફીકે વકાસને કહ્યું 'આ તમારો ઉતારો છે. તમારી જમવા પાણીની બધી જ વ્યવસ્થા અહીં થઈ જશે. કોઈ વસ્તુ તમને ઘટે તો ટીફીન લઈને આવશે એ છોકરાને જાણ કરી દેજો.' મકાનમાં સંડાસ-બાથરૂમની વ્યવસ્થા બતાવ્યા પછી રફીક ત્યાંથી રવાના થઈ ગયો.

નિયમિત રીતે સવારે ચા નાશ્તો અને બપોર-રાતનું ભોજન મેળવીને વકાસ એ ખંઢેર જેવા મકાનમાં ત્રણ દિવસ પડ્યો રહ્યો અને ચોથા દિવસે સવારે તેને ભોજન આપવા આવતાં છોકરા સીવાયનો નવો ચહેરો જોવા મળ્યો. ઉંચો પણ પાતળી કાંઠી ધરાવતો એક બિરાદર વકાસ પાસે આવ્યો અને એક મોટો થેલો વકાસને હાથમાં આપતાં બોલ્યો, ' તમારા માટેનો બધો જ સામાન આ થેલામાં છે. ચેક કરી લો.' વકાસે થેલાની ચેઈન ખોલી અંદર આછી નજર કરી હકારમાં માથું ધુણાવ્યું. આવેલો શખસ 'અચ્છા તો ખુદા હાફીઝ' બોલી થોડી જ વારમાં ત્યાંથી રવાના થઈ ગયો.

ફરીથી એકલા પડેલા વકાસે હવે પોતાનું કામ શરૂ કરવાનો સમય નજીક આવી ગયો હોવાનું ભાંખીને તેને પહોંચાડવામાં આવેલો થેલો ખોલ્યો અને અંદરથી બધો જ સાધન સરંજામ બહાર કાઢ્યો. તેમાંથી મળેલા નક્શા, એક સ્માર્ટ ફોન અને એક સાધારણ મોબાઈલ અને બીજા ઉપકરણો બહાર કાઢ્યા. થેલાનાં બાજુનાં ખાનામાંથી તેને એક બીજો નક્શો મળ્યો. જે જોઈ-જોઈને તેણે થેલામાંથી મળેલા સામાનને જોડવાની શરૂઆત કરી. તે આ કામમાં હજી લાગ્યો જ હતો ત્યાં મોબાઈલમાં એક કોલ આવ્યો. ડીસ્પ્લેમાં કોઈ જ નંબર દેખાતો ન હતો. તેણે કોલ રીસીવ કર્યો. સામા છેડેથી તેને પહોંચાડવામાં આવેલા સામાનની જાણકારી આપવામાં આવી અને વિશેષ સુચના એ આપવામાં આવી કે આવતીકાલ સુધીમાં તેણે 'પાર્સલ' તૈયાર રાખવાનું છે અને પછી કોઈપણ ઘડીએ તેને 'જન્નતનાં માર્ગે' જવાની સુચના મળશે. સ્માર્ટફોનમાં તેને મળનારી દિશા-દોરવણી પ્રમાણે તેણે 'જન્નત' જવાનું છે.

બીજા દિવસ સુધીમાં વકાસે પાર્સલ બનાવી લીધું અને હવે તે માત્ર ફોન ઉપર મળનારી સુચનાની રાહ જોતો હતો. તેની આ વાટ વધુ લાંબો સમય ન ચાલી. તેને મળેલા સાદા ફોનમાં ફરી કોલ આવી ગયો. તેને સ્માર્ટફોન ઓન કરી દેવાની સુચના મળી ગઈ, સાથોસાથ જે ફોનમાં તેને કોલ આવ્યો તેનો નિકાલ કરવા પણ કહી દેવાયું. વકાસે કોલ કટ કર્યા પછી એ ફોનને સળગાવી નાખ્યો અને સ્માર્ટફોન ચાલું કર્યો. જેમાં એક વિશેષ્ મેસેન્જરમાં તેના નામે સંદેશા અને જીપીએસનાં નક્શા દેખાવા લાગ્યા. તેણે ફટાફટ પોતાનો બધો જ સામાન બાંધી લીધો. પોતે બનાવેલા પાર્સલવાળા થેલામાં જ તેણે બધું નાખી થેલો ખભ્ભે લટકાવીને તે ખંઢેરીયા મકાનમાંથી રવાનગી પકડી.

મેસેન્જરમાં મળતી સુચનાઓ પ્રમાણે તે ટ્રેન પકડતો - બદલતો ગયો. આખરે એક સ્ટેશનેથી તેને ટેક્સી કરવાની સુચના મળી. એ ટેક્સીમાં તે ગેટવે ઓફ ઇન્ડિયા પહોંચ્યો. એ ભવ્ય ઈમારત જોઈને તેને લાગ્યું કે 'આ જ સ્થળ તેના માટે ગેટવે ઓફ જન્નત બનશે.' હવે તેને માત્ર વધુ ભીડ વચ્ચે જઈને 'જન્નતનશીન' થવાની વાર હતી. થોડીવાર તેણે એક સાધારણ પ્રવાસીની માફક સ્થળ ઉપર ચક્કરો માર્યા અને પછી એક મોકો દેખાયો. આશરે બસ્સો જેટલા લોકો તેની આસપાસ હતા. તેણે પોતાનાં થેલામાં રહેલા પાર્સલનાં ટાઈમર ડીવાઈસ ઉપરનું એક બટન દબાવવાનું હતું. તેણે થેલો બગલમાં લઈ ચેઈન ખોલી અને પોતાનો હાથ બટન સુધી લંબાવયો. જો કે આ છેલ્લી ઘડીએ તેને એકવાર પોતાની અમ્મી સાથે વાત કરવાની તીવ્ર ઈચ્છા જાગી. તેણે પોતાને મળેલા સ્માર્ટફોનમાંથી કોલ થઈ શકે છે કે નહીં તે તપાસવા માટે ફોન ખિસ્સામાંથી બહાર કાઢ્યો અને કરાચીમાં પોતાની નાની બહેનનાં મોબાઈલ નંબરને જોડ્યો. જો કે તેની ધારણાથી વિપરિત એ ફોનમાંથી કોલ ગયો. બે-ચાર રિંગ વાગી હશે ત્યાં જ ફોન રીસીવ થયો અને પોતાની બહેનને તેણે કહ્યું, 'રુખસાર... વકાસ બોલું છું. અમ્મીને આપ.' આટલું તે બોલી રહ્યો ત્યા જ સામે છેડે રુખસાર પોક મુકીને આક્રંદ કરવાં લાગી. વારંવાર પુછવા છતાં તે કશું બોલી જ શકતી ન હતી. તેનાં કરુણ રુદનથી વકાસનાં શરીરમાં પણ કંપારીઓ છૂટી ગઈ હતી. આખરે રુખસારથી એટલું બોલી શકાયું કે ' ભાઈજાન, આજે એક આતંકવાદી હુમલામાં અમ્મી અલ્લાહને પ્યારા થઈ ગયા...' ફરી રુખાસરની પોક વકાસનાં કાનમાં ગુંજી. તેના હાથમાંથી ફોન પડી જમીન ઉપર અથડાઈને ભાંગી ગયો. વકાસે થેલામાંથી પોતાનો હાથ બહાર કાઢ્યો. થેલાની ચેઈન બંધ કરી અને કોઈ અજાણ્યા માર્ગ ઉપર ગમગીન અવસ્થામાં ચાલતી પકડી.

............................................................................