'શોલે'નો સિક્કો (એક આત્મકથા) Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

'શોલે'નો સિક્કો (એક આત્મકથા)

'શોલે'નો સિક્કો

(એક આત્મકથા)

-વિપુલ રાઠોડ

'જય... તુને મેરી જાન બચાને કે લીયે મુજે ઈતના બડા ધોખા દીયા.... મૈં ભી તેરે ખૂન કી કસમ ખા કે કહેતા હું... એક-એક કો ચૂન-ચૂન કે મારુંગા...

ગબ્બરસિંઘ... આ રહાં હું મૈ...'

મોટી ત્રાડ પાડીને ધર્મેન્દ્રએ મને હવામાં ફંગોળ્યો. એ વખતે શોલે નામની એક ફિલ્મ બનતી હતી. જેમાં તે વીરુનો રોલ કરતો હતો. તેણે મારો ઘા કરતાં પહેલા પોતાનો સંવાદ બોલ્યો ત્યારે જે રીતે મને મુઠ્ઠીમાં ભીંસેલો , ઘડિક તો મને એમ જ હતું કે હમણાં હું બેવડો વળી જઈશ. તેની મુઠ્ઠીમાં ગુંગળાયા પછી જ મને ખબર પડી હતી કે શા માટે લોકો તેને હી-મેન કહેતા હતાં. તેણે મને જ્યારે ફંગોળ્યો ત્યારે થોડીવાર તો મને તેની હથેળીમાંથી છૂટકારાનો હાશકારો થયો પણ પછી જે તાકાતથી મારો ઘા થયો હતો અને એ તાકાતનાં કારણે હું પથ્થર સાથે જે તિવ્રતાથી અથડાયો, કાયદેસર મારા મોતિયા મરી ગયા. ધોળા દિવસે તારા દેખાઈ ગયા. મને યાદ છે મારા ઉપર એક મોટો ટોચો પડી ગયો. હજી પણ એ છે. એક મોટી શીલા સાથે ભટકાયા બાદ હું ચાર-પાંચ ટપ્પા ખાઈને ક્યાક બે પાણકાં વચ્ચે ખૂંપી ગયો. ત્યાં દબાઈ ગયો હતો પણ મને ધર્મેન્દ્ર માટે બહાર પડેલી તાળીઓ સંભળાતી હતી. ફિલ્મનાં શુટિંગમાં જોડાયેલા લોકોએ ધર્મેન્દ્રને એ શોટ આપવા બદલ ખુબ અભિનંદન પાઠવેલા. જો કે કોઈએ મારી દરકાર સુધ્ધા ન લીધી. મને થોડીવારમાં ગૂંગળામણ થવા લાગેલી પણ કોઈને હું સાંભર્યો નહી. થોડા દિવસો સુધી મારી આસપાસ શુટિંગની કોલાહલ ચાલી પણ પછી સૂનકાર છવાઈ ગયો. અનેકવાર મનમાં આશાઓ જન્મી કે હમણાં મને કોઈ બહાર કાઢશે... હમણાં... દરવખતે મારી આશાઓ ઠગારી નીવડી. ક્યારેક ક્યારેક કોઈ લોકો મારી આસપાસ આવી ચડતાં પણ હું ત્યાં દટાઈ ગયેલો તેની કોઈને જાણ નહોતી. મારા નસીબમાં જાણે અંધકાર જ લખાયેલો હતો. છેલ્લા ચાર દાયકા સુધી હું એ જગ્યાએ કાળકોઠડીમાં કેદ હોય તેવી રીતે હલ્યાચલ્યા વગર મુંજાતો રહ્યો. ત્યાં પડ્યો - પડ્યો ક્યારેક તો પંચતત્વમાં વિલિન થઈશ તેવી એકમાત્ર ઈચ્છા બચી હતી.

આખરે આજનો દિવસ આવ્યો. એક પાગલ ડોસાએ પથ્થરો ભાંગતા-ભાંગતા મને જોઈ લીધો. વર્ષો સુધી કાળી મહેનતનાં કારણે કઠોર અને ખરબચડી બનેલી તેની હથેળીએ મને ઉપાડ્યો. તે નિષ્ઠુર હાથ પણ મને સુંવાળો લાગ્યો. ચાર-ચાર દાયકે મને ખુલ્લી હવામાં શ્રવાસ લેવાનો મોકો મળ્યો અને મન આઝાદીથી પ્રમુદિત બન્યું. મુક્તિ અપાવનાર એ ડોસા માટે મને ખપી જવાની કૃતજ્ઞતા જાગી. હું મનોમન તેને આશીર્વાદ આપતો હતો અને તેણે પણ મને પામીને પોતાની ખુશી તેના ચહેરા ઉપર કદાચ ભાગ્યે જ આવતું હશે તેવા સ્મિત સાથે વ્યક્ત કરી. તેણે હળવેકથી મને તેના ગજવામાં મુક્યો.

ઘણા દિવસો બાદ મને મારું ઘર, ખિસ્સું મળ્યું. એ મેલુંધૂપ હતું. તેમાં પસીનાની વાસ આવતી હતી પણ મને તો ય ત્યાં આહલાદક શાંતિ લાગતી હતી. એ ડોસો મને ગામમાં લઈને આવ્યો. એક પાનનાં ગલ્લે પહોંચીને તેણે બીડીની ઝૂડી લીધી અને બદલામાં મને એ દુકાનદારનાં હાથમાં સોંપ્યો. મને પણ એ ડોસાનું ઋણ ઉતારવાનો મોકો મળેલો હોય તેવી ગૌરવની લાગણી થતી હતી. જો કે એ દુકાનદારે પોતાના હાથમાં મને લીધો, બન્ને બાજુ જોયો અને પછી તોછડાઈથી એ ડોસાને કહ્યું, ચાચા આવા ખોટા સિક્કા બીજાને પધરાવજો. હું સમસમી ગયો. મને ખોટો કહ્યો. મારા માલિક ડોસાએ મને પરત પોતાના હાથમાં પાછો લીધો અને ઓચિંતા મારાથી અકળ નારાજગી અને નિરાશા અનુભવીને મને રોડ ઉપર ફેંકી દીધો. મને એ ડોસાને કશું જ ન આપી શકવાનો રંજ રહેશે આખી જીંદગી...

ધોમધખતા તાપમાં હું રસ્તામાં તપતો હતો. મારી આસપાસથી ઘણાં લોકો પસાર થઈ જતાં હતાં પણ કોઈનું મારા ઉપર ધ્યાન પડતું ન હતું. ત્યાં જ કેટલાંક જુવાનિયાઓ મારી સાવ નજીક ઉભા રહ્યા. આ લોકો કદાચ વિદ્યાર્થી હતાં. કંઈક અભ્યાસ કરવાં આવ્યા હતાં. તેમની સાથે એક માણસ હતો. જે તેમને આ ગામનો મહિમા સંભળાવી રહ્યો હતો. જ્યાં હું પડ્યો હતો એ શોલે ફિલ્મનાં શુટિંગ માટે બનેલો સેટ આજે વાસ્તવિક ગામમાં ફેરવાઈ ગયો હતો. એ વ્યક્તિની વાત સાંભળી મને ય અચરજ થયું કે આટલાં વર્ષો બાદ પણ આ લોકોને એ ફિલ્મ યાદ છે જેમાં મે પણ કામ કરેલું ! નક્કી મેં કોઈ મહાન ફિલ્મમાં કામ કર્યુ હોવાનો અહેસાસ મને ત્યારે જ પહેલીવાર થયો. એ બધા લોકો વચ્ચે અંદરોઅંદર શોલેની ચર્ચા ચાલતી હતી. અચાનક તેમાંથી એક છોકરાની નજર મારા ઉપર પડી ગઈ. તેનું નામ જય હતું એ મને બાદમાં ખ્યાલ આવેલો. પણ જયે જ્યારે મને ઉપાડ્યો ત્યારે મને લાગ્યું કે મારો સાચવનાર આ નામની વ્યક્તિ જ હોઈ શકે. ફિલ્મમાં પણ અમિતાભે જયની ભૂમિકા ભજવતાં જ મને સારી એવી રીતે સાચવેલો. જય મને હાથમાં લઈને હરખાઈ ગયેલો. મને હજી સુધી ખબર નહોતી કે હું વાસ્તવમાં શું ચીજ હતો. પરંતુ, જય પોતાના હાથમાં ખજાનો આવી ગયો હોય તેમ બધાનું ધ્યાન ચુકાવીને મને પોતાના ખિસ્સામાં રાખી દે છે. થોડા દિવસો સુધી તેના ઘરમાં મને ખુબ માનપાન મળ્યા. એક ખોટા સિક્કા તરીકે મને મળેલું આ માન મારા માટે તો ખોટો સિક્કો ચાલી જવા જેવું હતું. જયે અનેક લોકો સાથે મારી મુલાકાત કરાવી. તેમાંથી તેનો જ એક મિત્ર હરિ મને હરી ગયો. મને ચોરી કરીને તેણે મને એક વેપારીનાં હાથમાં સોંપી દીધો. મારો સોદો થયો ત્યારે મને ભાન થયું કે હું ખોટો નહીં પણ એક મહાન સિક્કો છું. મારી ચોરી કર્યા પહેલા જ હરિએ એન્ટીક ચીજોનાં વેપારમાં સુરમા ગણાતાં એ વેપારીને મારા વિશે વાત કરી દીધેલી. તેમના વચ્ચે નક્કી થયેલા સમયે મારા બદલામાં હરિએ તે સુરમા પાસેથી ચાર લાખની કમાણી કરી લીધી. મારા ચાર લાખ ઉપજ્યા ત્યારે મને અફસોસ થયો કે મને પથ્થરોમાંથી ખોદી કાઢનારા ચાચાને હું બીડી પણ ન અપાવી શક્યો અને રસ્તેથી ઉઠાવનારા જય ઉપર હું ચોરાઈ ગયા પછી શું વિત્યું હશે !

એન્ટીક ચીજોનાં સુરમાએ મારા નામે ધીંગી કમાણી કરવાં પોતાના લાગતાં વળગતા પત્રકારો થકી આટલા વર્ષો બાદ હું મળ્યો હોવાનાં અહેવાલો છાપા અને ટીવીમાં ચલાવડાવ્યા અને ચારેકોર મારી લાવલાવ થઈ ગઈ. મને ખબર નહોતી પડતી કે મારે ખુશ થવું કે ગ્લાનિ અનુભવવી. જો કે આટલે સુધીમાં મને ખ્યાલ આવી ગયો હતો કે સિનેમાઘરોમાં મને ફેંકવાનો અવાજ રણકતો ત્યારે ય લોકો પોતાનો કોઈ સિક્કો પડ્યો હોવાની ભ્રમણામાં તેને ઉઠાવવા માટે ખુરશીમાં નીચે શોધવા લાગતાં. આજે ફરીથી એ દિવસ આવ્યો હતો, જ્યારે મારો રણકાર ફિલ્મ રસિકોમાં મને જોવાની, મેળવવાની, મારી માલિકી ભોગવવાની તાલાવેલી જગાવતો હતો. આખરે એક દિવસ આવ્યો, મારી હરાજી ગોઠવાઈ. નામી અને ધનાઢ્ય લોકો તેમાં આવેલા. એક પછી એક મારી બોલી લગાવવા લાગ્યા અને આખરે આઠ કરોડ એકાવન લાખમાં એક માણસે મને ખરીદ્યો. એક ખોટો સિક્કો કરોડો ઉસેડી લે તેનાથી મોટું બહુમાન મારું શું હોઈ શકે !!

આ એ માણસ હતો જે રમેશ સિપ્પીને પોતાનો ભગવાન માનતો હતો. તેણે પોતાની કારકિર્દી શોલેની ટિકીટોનાં કાળાબજાર કરીને શરૂ કરેલી અને આજે અબજોપતિ હતો. તે સિપ્પીને એવી કોઈ ભેટ આપવા માગતો હતો જેનાથી તે પોતાના ઉપર શોલેએ વરસાવેલી કૃપાનો બદલો વાળી શકે. તેણે પોતાના સંબંધો થકી રમેશ સિપ્પી સાથે મુલાકાત ગોઠવી અને પોતાની આખી કારકિર્દી કઈ રીતે શોલેના પ્રતાપે આજે મોટા આર્થિક સામ્રાજ્ય સુધી પહોંચી તેનો અહોભાવ વ્યક્ત કરતાં મને મારા મૂળમાલિકના હાથમાં સોપ્યો. આટલા લાંબાસમયે મને મારો માલિક મળ્યો પણ મને તેના ઉપર ઘૃણા પેદા થતી હતી. તેણે પોતાનો સ્વાર્થ પૂરો થયા બાદ મને પાછો એ પથ્થરામાંથી બહાર કઢાવવાની દરકાર લીધી નહોતી. જો કે બીજીબાજુ સિપ્પી મને પામીને અભિભૂત હતાં. હવે તેઓ મને આખી જીંદગી જીવની જેમ સાચવશે તેવું તેમના સ્પર્શથી મને લાગ્યુ હતું. આ ભાવનાની સાથોસાથ મને એવો વસવસો પણ હતો કે કાશ હું એક સાચો સિક્કો હોત ! તો આજે મને ખોટા સિક્કા તરીકે પાછા આવવાનાં અભિશાપમાં સપડાઈને ફરીથી મને તરછોડનાર પાસે જ પાછું ન આવવું પડેત. મારી અંદર આક્રોશ હતો પણ ઠાલવવા માટે જીભ નહોતી. મને ભેટમાં આપી દેનાર એ મૂળ કાળાબજારીયાએ રમેશ સિપ્પીને પુછ્યું કે હવે શોલેનો બીજો પાર્ટ ક્યારે બનાવશો. સિપ્પી જાણતા હતાં કે મારી બન્ને બાજું છાપ-હેડ છે. તેઓ મને હવામાં ઉછાળીને બોલ્યા કે જો હેડ આવશે તો ટૂંકસમયમાં તેનું કામ શરૂ કરીશ. મારી પાસે હેડ પડવા સીવાય કોઈ છૂટકો ન હતો. હવામાં ગોળગોળ ચકરાતા-ચકરાતા મને ભીતિ હતી કે ફરીથી મારા નસીબમાં ચાર-પાંચ દાયકાની કેદની તૈયારી થઈ રહી છે... હું ખમ્મકારા સાથે ઘુમતો હતો પણ મારી અંદર ફરીથી સૂનકાર છવાતો હતો અને અચાનક હું નીચે જમીન સાથે અથડાયો... બે ચાર ટપ્પા ખાધા અને પછી ઉભો પડ્યો ! મને ફરીથી જીવ મળ્યાનો હાશકારો થયો... હેડ ન આવ્યો અને સિપ્પીએ શોલેનો બીજો ભાગ બનાવવાનું હાલ માંડી વાળ્યું... :)

.............................................................................