સમય Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમય

સમય

-વિપુલ રાઠોડ

'કેમ યાર તું ક્યારેય ઘડિયાળ નથી બાંધતોળ ?'

'ઘડિયાળ માણસને સમય બતાવે છે અને અત્યારે મારો જે સમય ચાલી રહ્યો છે તે મારે જોવો નથી.'

'એટલે !?'

'એટલે કે...જો ઘડિયાળ અત્યારે મને મારો ખરાબ સમય દેખાડવાની હોય તો મારે શા માટે એવી ઘડિયાળ બાંધવી. જ્યારે પણ હું ઘડિયાળ બાંધીશ, તેની પાસે મને મારો સારો સમય દેખાડવા સીવાય છુટકો નહીં હોય. વળી, એ ઘડિયાળ જ મારા સારા સમયની ચાડી ખાતી હશે અને તેનો પુરાવો પણ હશે.'

'સીધી વાત કરને વિશુ... તારી આ ફિલસૂફીમાં મને કંઈ ટપ્પા નથી પડતા'

'તો સીધી વાત એમ છે કે બાંધીશ ત્યારે દુનિયાની મોંઘામાં મોંઘી રીસ્ટ વોચ બાંધીશ, નહીંતર આખી જીંદગી નહીં બાંધું '

ધીમા પગલે ચાલ્યા જતાં વિશ્ર્વાસભાઈને ટ્રાફિકનાં ઘોંઘાટ વચ્ચે પણ પોતાના લંગોટિયા યાર સાથે થયેલો આ વાર્તાલાપ કાનમાં ગુંજતો હતો. તેમનાં પગલાં આપોઆપ ચાલ્યે જતાં હતાં અને પોતે એક જાગતું સપનું જોતા હોય તેવી મનોસ્થિતિ હતી.

ઉપરનો સંવાદ હજી તેના કાનમાં પડઘાતો હતો ત્યાં જ સ્વપ્નદ્રશ્ય બદલાઈ ગયું અને પોતે નોકરી કરતાં હતાં ત્યારે બનેલા એક અંગત મિત્ર સાથેની વાતચીત તેમની મનચક્ષુમાં તરવરવા લાગી.

'યાર મને તારું ગણિત દિમાગમાં નથી ઉતરતું. આજનાં સમયમાં આવી સુરક્ષિત નોકરી મળવી મુશ્કેલ છે. તું તારી કારકીર્દિ હાથે કરીને જોખમાવવા ઉપર ઉતરી આવ્યો છે વિશ્ર્વાસ '

'નોકરી મારા માટે એક પગથીયું હતી. મારે આખી જીંદગી આમ ખંડખંડ જીવવું નથી. સમય મને જ્યા લઈ જાય ત્યાં પહોંચવું મારો ધ્યેય નથી. મારે સમયને મારી મરજી મુજબ દોરવવો છે. અને જો જે મારા સપનાં સાકાર થશે... આ વિશ્ર્વાસને એટલો આત્મવિશ્ર્વાસ છે ! '

'હશે... તારી સાથે કોણ લમણાઝીંકમાં જીત્યું છે તો હું જીતીશ...'

'કેટલા વાગ્યા?'

'12.40'

'સારું ચાલ... ત્યારે હું હવે નીકળું. વિજય મુહુર્તમાં આ નોકરી છોડીને નવી દિશા અને નવી આશા સાથે નવી શરૂઆત કરવા...'

વિશ્ર્વાસભાઈનું વધુ એક સપનું પુરું થયું. તેઓ હજી પણ પોતાની મંજીલ સુધી પહોંચ્યા નથી. જે શહેરમાં તેમણે બાળપણમાં ચોકલેટની ચોરી કરી, જે શહેરમાં તેમણે ભણતા-ભણતા કારખાનામાં હાથ કાળા અને શરીર પરસેવે ભીનું કર્યુ, જે શહેરમાં નોકરી કરીને મહિનાની આખર તારીખો ગણી, જે શહેરમાં તેમણે નાનકડું ધંધારૂપ સાહસ કર્યુ, સાહસને સામ્રાજ્યમાં બદલાવ્યું અને રજવાડી ઠાઠ ભોગવ્યો એ શહેરની જાણીતી ખુશ્બો સાથે ભૂતકાળ વાગોળતા વાગોળતાં તેઓ આગળ ચાલ્યા જતાં હતાં...

'વિશ્ર્વાસભાઈ તમે તમારા જામેલા ધંધામાંથી બધી મૂડી ખેંચીને આમ નવા સાહસ કરો છો એ જરા વધું પડતું છે. ભવિષ્યનો થોડો વિચાર કરીએ તો સારું રહેશે. દર વખતે સાહસી માણસને સફળ જ બનાવવો એવું કુદરતે ક્યાય લખી નથી આપ્યું. એક તો આ ધંધો નવો છે અને એમાં જો તમારું ડુબશે તો સઘળું ડુબશે યાદ રાખજો...'

'તમે ખોટા છો એવું હું નથી કહેતો પણ હું આવો જ છું. જે જોખમ ખેડવાનાં વિચાર માત્રથી લોકોનાં હાજા ગગડી જાય તેવા સાહસ ખરેખર તો એટલા જોખમી હોતા જ નથી. મારા મતે સરળ કામ ક્યારેય સરળ નથી હોતું અને કઠિન ક્યારેય એટલું કઠિન હોતું નથી. મારો ક્રમ નિરંતર આગળ વધવાનો છે અને હું એ જ કરવાં જઈ રહ્યો છું.'

પોતાની તમામ મૂડી રોકીને વિશ્ર્વાસ ભાઈનાં એ સાહસે જાણે તેમની દુનિયા જ બદલી નાખેલી. ખુબ જ ટૂંકા સમયમાં તેમના આ નવા ધંધાએ તેમને ઉદ્યોગપતિમાં પરિવર્તિત કરી દીધેલા. એમને હવે પોતાના એકમાત્ર સપનાને પુરા કરવાનો સમય આવી ગયો હોય તેવું લાગ્યું. પોતાના એક માણસને તેમણે ખાસ મુંબઈ મોકલ્યો હતો અને મોંઘામાં મોંઘી ઘડિયાળ મગાવી હતી. બ્રેકેટ કંપનીએ બહાર પાડેલી લિમિટેડ એડિશનની એ ઘડિયાળ બાંધ્યા પછી તેમને લાગતું હતું કે આખરે સમયને તેમણે પોતાના કાંડે બાંધીને દેખાડ્યો. પોતાના ભૂતકાળને વાગોળતા તેઓ આગળ જઈ રહ્યા છે અને હવે તેમને યાદ આવે છે એ દિવસ જ્યારે પહેલીવાર તેમણે એક અખબારને ઈન્ટરવ્યુ આપ્યું. તેમના જીવનનાં પ્રારંભકાળથી માંડીને એક સફળ ઉદ્યોગપતિ તરીકે પ્રસ્થાપિત થવા સુધીનાં અનેક સવાલોનાં જવાબો તેમણે ઉત્સાહથી આપેલા પણ એક સવાલનો જવાબ આપતી વખતે તેમની અંદર ગર્વનો ઉભરો આવી ગયેલો...

'તમને શું શોખ છે?'

'મને કોઈ ખાસ શોખ નથી, હા મારું એક સપનું હતું. દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ બાંધવાનું. જે મે અત્યારે પહેરેલી છે...'

'વાહ... આ ઘડિયાળ દેખાય એવા ફોટો સાથે જ તમારો લેખ આપણે પ્રગટ કરશું.તમારા આ સપના વિશે થોડું વિગતે કહો લોકોને આવી હળવી વાતોમાં વધું રુચિ હોય છે.'

'આ સપનાં પાછળ આમ તો કોઈ વધું મોટી વાત નથી. હા, હું જીવનનાં એક કાળ સુધી ક્યારેય કોઈ જ ઘડિયાળ બાંધતો નહી. મેં મનોમન એટલું નક્કી કરેલું કે પહેરીશ તો વૈભવી કાંડા ઘડિયાળ.'

'વાહ, આ વાત તો તમારા લેખમાં હાઈલાઈટ કરવી પડશે...'

એક ઝબકારા સાથે આ યાદ અલોપ થઈ ગઈ અને ચારેકોર અંધારું છવાઈ ગયું. પોતાના વિચારમાં લાપતા બનેલા વિશ્ર્વાસ ભાઈને એક સ્કૂટરે ઠોકર મારી દીધી અને તેઓ રસ્તામાં પડી ગયા. વાહન ચાલક ' આવાને આવા માણસો જોઈને ચાલતાં નથી...' બબડતો - બબડતો ત્યાંથી નીકળી ગયો. વિશ્ર્વાસ ભાઈને કળ વળતાં જાતે જ ઉભા થઈને પોતાના કપડાં ખંખેરતા ઉભા થયા. ઉભા થતાં - થતાં તેમને પોતાની ઘડિયાળ નીચે પડેલી દેખાઈ. તે ટક્કરથી પટકાયા ત્યારે તે નીચે પડી ગઈ હતી. તેનો કાચ તૂટી ગયો હતો. વિશ્ર્વાસ ભાઈએ ઘડિયાળ ઉપાડતાં તેમાં સમય જોયો. ઘડિયાળમાં 12.40 સમય ઉપર અટકી ગઈ હતી. ઘણા વરસ પછી તેઓ પોતાની એસી ઓફિસમાંથી બહાર વાતાનુકુલિત મોટરકાર વગર આવી રીતે ચાલીને નીકળેલા એટલે બપોરે વિજય મુહુર્તનો તાપ આજે ફરીથી તેમને કારખાનામાં પોતે મજૂરીકામ કરતાં ત્યારે વળતાં પરસેવા જેવો અનુભવ કરાવતો હતો. જો કે ઘણા સમયથી આવા તાપનો અનુભવ છુટી ગયો હોવાથી તેમને આકરું પડતું હતું. પણ હવે તેમનું ગંતવ્ય સ્થાન વધું દૂર નથી એવું મનોમન બોલતાં-બોલતા તેઓ પોતાની ધીમી ચાલથી આગળ વધતા જાય છે.

આખરે તેઓ પહોંચી ગયા પોતાના નક્કી કરેલા સ્થાને. કાચનો દરવાજો ખોલીને તેઓ અંદર આહલાદક એસીની ઠંડકમાં પહોચ્યા કે એક હાશકારો તેમના મુખમાંથી સરી ગયો.

'અરે શેઠ... તમે?' દુકાનમાં વિશ્ર્વાસ ભાઈનાં પહોંચતા સાથે જ દુકાનદારે એક મધુર આવકારો આપતાં આશ્ચર્ય વ્યક્ત કર્યુ અને આગળ બોલ્યો ' આપ ચાલીને આવ્યા છો કે શું? અરે એક ફોન જોડી લીધો હોત તો તમારે જોઈએ તે વસ્તુ સાથે મારા માણસને મોકલી આપેત તમારી પાસે. તમે કેમ આવી તસ્દી લીધી. હું પોતે આવી જાત આપ કહેત તો...'

'અમુક કામ જાતે જ કરવાં પડતાં હોય છે...'

'અરે તમે તો મને શરમાવો છો. બોલો બોલો... શું હાજર કરું આપની સેવામાં? મારા પાસેનાં એન્ટીક કદાચ આપને જચે તેટલા મોંઘા નહીં હોય... તો પણ ફરમાવો. પ્રયત્ન કરીશ તમારી માગણી પુરી કરવાનો.' દુકાનદાર આંગણે આવેલા મોટા માણસને રાજી કરવાના તમામ પ્રયાસો કરતો હતો.

'આજે મારે કંઈ ખરીદવાનું નથી. મારે મારી આ ઘડિયાળ વેચવાની છે.' આટલું બોલીને વિશ્વાસભાઈ પોતાની ઘડિયાળ કાઉન્ટર ઉપર મુકે છે.

'અરે... શેઠ તમે પણ મજાક ઉડાવી લો. નાના માણસની. તમારે શી જરૂર આ વેચવાની ?' દુકાનદારનો આ સવાલ સાંભળી નિ:સાસો નાખતાં વિશ્વાસભાઈ જવાબ આપે છે...

'સમય... સમયની જરૂરિયાત છે.'

વિશ્ર્વાસભાઈ ઘડિયાળ ટેબલ ઉપર મુકીને સામે રાખવામાં આવેલા સોફા ઉપર થોડા આરામથી બેસે છે. ત્યાં જ દુકાનદારનો એક માણસ આવીને તે વેપારીને કાનમાં હળવેકથી કહી ગયો

'તમને નથી ખબર? થોડા દિવસો પહેલા જ આમની કંપનીનાં ઉઠમણા થઈ ગયા...' દુકાનદાર આંખો બંધ કરીને સોફા ઉપર બેઠેલા વિશ્વાસભાઈ સામે જોઈ રહ્યો...

............................................................................