કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 45 Dr. Nilesh Thakor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 45

ભાગ ૪૫: RAW ના ગુપ્ત સેલને ગુનેગારોની સોંપણી 

અમદાવાદ શહેરની બહાર, એસ.જી. હાઈવેથી દૂર એક અવાવરું લાગતી ઇમારતના ભોંયરામાં એક અત્યંત હાઈ-ટેક, ગુપ્ત 'બ્લેક-ઓપ્સ' (Black-Ops) ઇન્ટ્રોગેશન સેલ આવેલો હતો.

અહીંના નિયમો કાયદાના ચોપડાથી નહિ, પણ રાષ્ટ્રીય સુરક્ષાના પ્રોટોકોલથી ચાલતા હતા.

ખુરશીઓ પર બે માણસોના હાથ-પગ લોખંડની સાંકળોથી બાંધેલા હતા અને એમના માથા પર કાળું કપડું પહેરવેલું હતું. અચાનક એ કાળું કપડું હટયું ને ડૉ. વ્યાસ અને ભાઉરાવની આંખો અંજાઈ ગઈ. સામે દીવાલ પર એક મોટો લોગો હતો— R&AW (Research and Analysis Wing).

લોગો જોતાં જ ડૉ. વ્યાસના હોશ ઉડી ગયા. એમના ગળાનું થૂંક સુકાઈ ગયું. જેમને તેઓ સામાન્ય પોલીસ કે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સમજતા હતા, એ ખરેખર ભારતની સર્વોચ્ચ ગુપ્તચર સંસ્થા હતી!

ત્યાં જ ભારેખમ દરવાજો ખૂલ્યો.

અને અંદર પ્રવેશ્યા... કેપ્ટન આરવસિંહ!

આજે આરવના શરીર પર કોઈ વિદ્યાર્થીનો શર્ટ નહોતો, પણ આર્મી મેડિકલ કોર્પ્સ અને RAW ના કમ્બાઈન્ડ મિશનનો અત્યંત પ્રભાવશાળી, ડેકોરેટેડ યુનિફોર્મ હતો. એની છાતી પર મેડલ્સ ચમકી રહ્યા હતા અને ખભા પર 'કેપ્ટન' ના સ્ટાર્સ હતા.

ડૉ. વ્યાસની આંખો ફાટી ગઈ. આરવ શર્મા, જે એમની કોલેજનો વિદ્યાર્થી હતો, એ ખરેખર ઇન્ડિયન આર્મીનો કેપ્ટન અને RAW નો અન્ડરકવર એજન્ટ હતો! આ સત્ય ડૉ. વ્યાસના અહંકાર પર કોઈ હથોડાની જેમ વાગ્યું.

આરવ બિલકુલ શાંતિથી ચાલીને એમની સામે ઊભો રહ્યો.

"ડૉ. વ્યાસ..." આરવનો અવાજ કોઈ ઠંડા પવન જેવો હતો. "તમે એવું સમજતા હતા કે તમે મેડિકલ કોલેજની લેબનો ઉપયોગ કરીને આસાનીથી ડ્રગ્સ બનાવી લેશો અને કોઈને ખબર નહિ પડે. પણ હવે તમે એવા રડારમાં છો, જ્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી."

આરવે પાછળ ઊભેલા એક સિનિયર ઓફિસર તરફ જોયું.

"સર, આ બંને 'એસેટ્સ' (Assets) હું હેડક્વાર્ટરને સોંપું છું. હવે સ્વિટ્ઝર્લેન્ડના પેલા 'સ્નોમેન' સુધી પહોંચવાની કડીઓ આ બંનેના મગજમાંથી કાઢવાની જવાબદારી ઇન્ટ્રોગેશન ટીમની છે."

ઓફિસરે આરવને સેલ્યુટ કર્યું. આરવ ત્યાંથી બહાર નીકળી ગયો.

બહાર લોબીમાં મોટી સ્ક્રીન પર ફેલ્કન સર લાઈવ હતા.

"બ્રિલિયન્ટ જોબ, કેપ્ટન. 'ઓપરેશન વ્હાઇટ વેઇન' નો અમદાવાદ ફેઝ સફળતાપૂર્વક પૂરો થયો છે. હવે તમે દિલ્હી હેડક્વાર્ટર પાછા આવી શકો છો." ફેલ્કને ઓર્ડર આપ્યો.

"નો, સર." આરવે અત્યંત નમ્રતાથી પણ મક્કમતાથી ના પાડી.

ફેલ્કન થોડા આશ્ચર્યમાં પડી ગયા. "કેમ કેપ્ટન?"

"સર, એક મેડિકલ ડૉક્ટર તરીકે હું જાણું છું કે કોઈ દર્દીના શરીરમાંથી માત્ર 'ટ્યુમર' કાઢી નાખવાથી ઇન્ફેક્શન ખતમ નથી થતું. એના માટે પૂરો 'એન્ટીબાયોટીક્સનો કોર્સ' (Course of Antibiotics) કરવો પડે છે," આરવે પોતાની સિગ્નેચર બૌદ્ધિક શૈલીમાં સમજાવ્યું. "ડૉ. વ્યાસ અને ભાઉરાવ પકડાઈ ગયા છે, પણ કોલેજમાં હજુ પણ ડ્રગ્સના નાના-મોટા કનેક્શન્સ કે આફ્ટર-ઇફેક્ટ્સ (After-effects) હોઈ શકે છે. મારે એ સુનિશ્ચિત કરવું છે કે કેમ્પસ ૧૦૦% ડ્રગ-ફ્રી થઈ ગયું છે."

"તો તમારો પ્લાન શું છે?" ફેલ્કને પૂછ્યું.

"હું મારી 'આરવ શર્મા' ની અન્ડરકવર સ્ટુડન્ટ તરીકેની ઓળખ ચાલુ રાખીશ, સર. મેડિકલના અભ્યાસક્રમ મુજબ હજુ થર્ડ યર (પાર્ટ ૧ અને પાર્ટ ૨) ના બે વર્ષ અને એક વર્ષની ઇન્ટર્નશિપ... એમ કુલ ત્રણ વર્ષ બાકી છે. હું આ ૩ વર્ષ કેમ્પસમાં જ રહીશ. એક ડૉક્ટર તરીકે મારી ડિગ્રી પણ પૂરી કરીશ, કેમ્પસને સાફ પણ રાખીશ, અને સૌથી અગત્યનું..." આરવના અવાજમાં એક અદભુત નરમાશ આવી ગઈ, "હું આધ્યાને સુરક્ષિત રાખીશ. કારણ કે જ્યારથી આપણે 'સ્વિસ કનેક્શન' શોધ્યું છે, સ્નોમેન ક્યારે હુમલો કરશે એ નક્કી નથી."

ફેલ્કનના ચહેરા પર એક ગર્વભર્યું સ્મિત આવી ગયું. "પરમિશન ગ્રાન્ટેડ, કેપ્ટન. ધીરજ અને રક્ષણ, આ બંને એક સાચા યોદ્ધાના ઘરેણાં છે. ડીન સાહેબને આ વિશે જાણ કરી દેવામાં આવશે. ટેક કેર."

બીજા દિવસે સવારે.

સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજનું કેમ્પસ જાણે કે કોઈ મોટી બીમારીમાંથી ઊભું થયું હોય, એવું તાજગીભર્યું લાગી રહ્યું હતું. વિદ્યાર્થીઓના ચહેરા પરનો એ અદ્રશ્ય ડર જતો રહ્યો હતો. ડીન સાહેબે પોતે આખા વિભાગની સફાઈ કરાવી નાખી હતી.

આરવ અને આધ્યા હોસ્ટેલની બહાર બગીચામાં બેઠા હતા.

આરવે ફરીથી પોતાનો સેકન્ડ યરનો સામાન્ય શર્ટ પહેરી લીધો હતો. આધ્યાના હાથમાં થર્ડ યર (પાર્ટ ૧) ના નવા પુસ્તકો હતા— 'ઓપ્થેલ્મોલોજી' (Ophthalmology), 'ઇએનટી' (ENT) અને કમ્યૂનિટી મેડિસિન (Community Medicine).

"આરવ... મને હજુ વિશ્વાસ નથી થતો કે આ બધું પૂરું થઈ ગયું," આધ્યાએ ઊંડો શ્વાસ લેતા કહ્યું.

આરવ જવાબ માં બસ હળવું સ્મિત વેર્યું.

"આ તો માત્ર શરૂઆત છે, ડૉક્ટર આધ્યા. હજુ તો આપણે થર્ડ યરના બે પાર્ટ પૂરા કરવાના છે, પછી વૉર્ડમાં પેશન્ટ્સ જોવાના છે, ઇન્ટર્નશિપની નાઈટ ડ્યુટીઓ કરવાની છે..."

આધ્યાએ હસીને આરવના ખભા પર માથું ઢાળી દીધું. "તારી સાથે તો હું આખી જિંદગી ડ્યુટી કરવા તૈયાર છું. બસ, આ શાંતિ સચવાઈ રહે."

આરવની આંખોમાં આધ્યા માટે અનહદ પ્રેમ હતો, પણ મગજના એક ખૂણે એ હજુ પણ સાવધ હતો. આ ૩ વર્ષનો સમય એમના સંબંધને એક અતૂટ વિશ્વાસથી બાંધવાનો હતો, જે સ્વિટ્ઝર્લેન્ડના બરફીલા તોફાનમાં એમની ઢાલ બનવાનો હતો!

(ક્રમશ:)

“નીલ”

ડૉ. નિલેષ ઠાકોર