ભાગ ૪: એક ટકરાવ, આધ્યા અને અદ્રશ્ય ખેલ
સવારનો કૂણો તડકો સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજના વિશાળ કેમ્પસ પર પથરાઈ ચૂક્યો હતો.
હોસ્ટેલના રૂમ નંબર 404 માં કેતન અને જિગ્નેશ હજુ ઘોર નિંદ્રામાં હતા, પણ આરવની સવાર તો ક્યારનીય પડી ચૂકી હતી. આર્મીની ટ્રેનિંગ મુજબ વહેલા ઊઠીને, વોર્મ-અપ એક્સરસાઇઝ કર્યા પછી એ હવે લેક્ચર માટે તૈયાર હતો. આજે એનો સેકંડ યર MBBS સ્ટુડન્ટ તરીકે પહેલો દિવસ હતો.
કોલેજની મુખ્ય ઇમારતની લોબીમાં વિદ્યાર્થીઓની ભારે ચહલપહલ હતી. સફેદ એપ્રોન પહેરેલા વિદ્યાર્થીઓ પોતપોતાના ક્લાસ તરફ ઉતાવળે જઈ રહ્યા હતા. આરવની નજર સામાન્ય વિદ્યાર્થીની જેમ આમ-તેમ નહોતી ભટકતી. એની તેજ નજરો કોલેજના સીસીટીવી (CCTV) કેમેરાના લોકેશન, સિક્યોરિટી ગાર્ડ્સની પોઝિશન અને ખાસ કરીને... ફાર્માકોલોજી વિભાગ તરફ જતા રસ્તાઓને સ્કેન કરી રહી હતી.
RAW ની બ્રિફિંગ અને મૃત એજન્ટ નૈના જોશીની ફાઇલ મુજબ, બધો જ કાળો કારોબાર ફાર્માકોલોજીની લેબમાંથી ઓપરેટ થતો હતો.
આરવ એક નોટિસ બોર્ડ પાસે ઊભો રહીને લોબીના છેવાડે આવેલા એ લેબના દરવાજાને ધ્યાનથી જોઈ રહ્યો હતો. એનું મન ગણતરીઓ કરી રહ્યું હતું કે રાતના સમયે એ લેબમાં કઈ રીતે પ્રવેશી શકાશે.
ત્યાં જ...
"ધડામ!"
અચાનક એક જોરદાર ટકરાવ થયો.
કોઈક ઉતાવળમાં સામેથી આવી રહ્યું હતું અને સીધું આરવ સાથે અથડાયું. આરવ તો જાણે કોઈ પથ્થરની દીવાલ હોય એમ પોતાની જગ્યાએથી સહેજ પણ ના હલ્યો, પણ સામેવાળી વ્યક્તિ બેલેન્સ ગુમાવીને નીચે પડવા જઈ રહી હતી. એના હાથમાં રહેલી પેથોલોજીની ભારેખમ ચોપડીઓ ફર્શ પર વેરાઈ ગઈ.
આરવના મજબૂત હાથ વીજળીની ઝડપે લંબાયા અને એણે પડવા જતી એ વ્યક્તિનો હાથ પકડી લીધો.
"આઈ એમ સોરી... હું જરા ઉતાવળમાં..."
એક અત્યંત મીઠો, પણ થોડો ગભરાયેલો અવાજ આરવના કાને પડ્યો.
આરવે નીચે જોયું.
એના હાથની મજબૂત પકડમાં એક ખૂબ જ સુંદર યુવતી હતી. મોટી, આકર્ષક આંખો, કપાળ પર વિખેરાયેલી એક લટ, અને શ્વાસ થોડા ફૂલેલા. એણે એકદમ સિમ્પલ કુર્તી અને ઉપર મેડિકલ સ્ટુડન્ટનો વ્હાઇટ એપ્રોન પહેરેલો હતો. એના ગળામાં લટકતું સ્ટેથોસ્કોપ હળવેથી ઝૂલી રહ્યું હતું.
એ હતી આધ્યા.
સેકંડ યર MBBS ની ટોપર, આખી કોલેજની સૌથી હોશિયાર અને ખૂબસૂરત છોકરી. જેના એક સ્મિત પર કોલેજના અનેક યુવાનોના હ્રદય ધબકવાનું ચૂકી જતા હતા.
આધ્યાએ પોતાની જાતને સંભાળી અને આરવના હાથમાંથી પોતાનો હાથ છોડાવ્યો. નીચે પડેલી બુક્સ લેવા એ નીચે નમી. આરવ પણ શિષ્ટાચાર ખાતર નીચે નમ્યો અને એક બુક ઉઠાવીને એના હાથમાં આપી.
બંનેની નજર એકબીજા સાથે ટકરાઈ.
આધ્યાની આંખોમાં એક ચમક હતી, એક અદભુત જીવંતતા હતી. પણ જ્યારે એણે આરવની આંખોમાં જોયું... તો એ ક્ષણભર માટે થીજી ગઈ. એ આંખો અત્યંત ઊંડી હતી. એમાં કોઈ આકર્ષણ, કોઈ ચાળા કે કોઈ સામાન્ય યુવાન જેવી મસ્તી નહોતી. એમાં માત્ર એક ભયાનક શૂન્યતા અને બર્ફીલી ઠંડક હતી. જાણે એ આંખોએ દુનિયાના બધા જ દર્દ જોઈ લીધા હોય.
"થેન્ક યુ..." આધ્યાએ ધીમેથી કહ્યું.
"ઈટ્સ ઓકે. ધ્યાન રાખીને ચાલવું." આરવે બિલકુલ સપાટ અવાજે, કોઈ પણ લાગણી દર્શાવ્યા વગર કહ્યું અને ત્યાંથી આગળ વધી ગયો.
આધ્યા થોડીવાર ત્યાં જ ઊભી રહીને એ અજાણ્યા, કસાયેલા બાંધાવાળા યુવાનને જતો જોઈ રહી. કોલેજનો કોઈ છોકરો એની સાથે આટલી રુક્ષતાથી કે ડીટેચમેન્ટથી વાત નહોતો કરતો. "કોણ હતો આ?" એના મનમાં એક અજીબ કુતૂહલ જાગ્યું.
થોડીવાર પછી આરવ ફાર્માકોલોજીના લેક્ચર હોલમાં પ્રવેશ્યો. છેલ્લી પાટલી પર જઈને ચૂપચાપ બેસી ગયો. ત્યાં જ કેતન અને જિગ્નેશ પણ દોડતા દોડતા આવ્યા અને હાંફતા હાંફતા એની બાજુમાં ગોઠવાઈ ગયા.
"બચી ગયા ભાઈ! વ્યાસ સાહેબ હજુ નથી આવ્યા." કેતને ઊંડો શ્વાસ લેતાં કહ્યું.
"વ્યાસ સાહેબ?" આરવે આંખ ઝીણી કરતાં પૂછ્યું.
"હા, ડૉ. શશાંક વ્યાસ. ફાર્માકોલોજીના હેડ અને કોલેજના ચીફ ફાર્માસિસ્ટ નો ચાર્જ પણ એમની જોડે જ હતો. બહુ કડક અને ડેન્જર માણસ છે. આખી કોલેજ એમનાથી ડરે છે." જિગ્નેશે ધીમા અવાજે માહિતી આપી.
ત્યાં જ લેક્ચર હોલમાં એકદમ પિન-ડ્રોપ સાયલન્સ છવાઈ ગયું.
દરવાજામાંથી એક આધેડ ઉંમરના, વ્યવસ્થિત સૂટ-બૂટ અને ઉપર ઇસ્ત્રીબંધ એપ્રોન પહેરેલા પ્રોફેસર દાખલ થયા. ડૉ. શશાંક વ્યાસ. ચહેરા પર એક કડક શિસ્ત, તેજ નજર અને હાથમાં એક પોઇન્ટર.
આરવની એજન્ટ નજરોએ તરત જ ડૉ. વ્યાસને સ્કેન કરવાનું શરૂ કર્યું. પહેલી નજરે આ માણસ એકદમ આદર્શ અને સન્માનનીય પ્રોફેસર લાગતો હતો. પણ... આરવને એની ચાલમાં, એની નજરોમાં એક અદ્રશ્ય ચાલાકી અને ક્રૂરતા દેખાઈ ગઈ.
RAW ની બ્રિફિંગ મુજબ, એજન્ટ નૈનાના મૃત્યુ પહેલાં છેલ્લો કૉલ ડૉ. વ્યાસની ઓફિસમાંથી જ આવ્યો હતો. ઓપરેશન 'વ્હાઇટ વેઇન' નો પહેલો શંકાસ્પદ ચહેરો હવે આરવની બિલકુલ સામે હતો.
"ગુડ મોર્નિંગ ક્લાસ..." ડૉ. વ્યાસનો અવાજ ભારે અને કર્કશ હતો. "આજે આપણે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર અસર કરતી ડ્રગ્સ વિશે વાત કરીશું. એવી દવાઓ... જે સીધી મગજ પર અસર કરે. જે માણસની વિચારવાની શક્તિ છીનવી લે, એને ગુલામ બનાવી દે."
ડૉ. વ્યાસ ભણાવી રહ્યા હતા, પણ આરવને એ શબ્દોમાં કંઈક બીજો જ ઈશારો સમજાઈ રહ્યો હતો. કોલેજના નિર્દોષ વિદ્યાર્થીઓને ડ્રગ્સના રવાડે ચડાવીને ગુલામ બનાવવાનું કાળું કામ આ જ માણસની દેખરેખ નીચે થઈ રહ્યું હતું.
અચાનક ડૉ. વ્યાસની નજર છેલ્લી બેન્ચ પર બેઠેલા આરવ પર પડી. નવો ચહેરો.
"યુ... લાસ્ટ બેન્ચ. વોટ ઇઝ યોર નેમ?" વ્યાસ સાહેબે પોઇન્ટર આરવ તરફ તાક્યું.
આરવ ધીમેથી ઊભો થયો. એની અને ડૉ. વ્યાસની નજરો ટકરાઈ.
રૂમમાં ફરી એકવાર સન્નાટો છવાઈ ગયો.
આગળની બેન્ચ પર બેઠેલી આધ્યાએ પણ પાછળ વળીને જોયું. આ એ જ છોકરો હતો જે સવારે એને કોરિડોરમાં ટકરાયો હતો.
"ડૉ. આરવ શર્મા, સર. ટ્રાન્સફર સ્ટુડન્ટ." આરવે અત્યંત શાંત સ્વરે કહ્યું.
ડૉ. વ્યાસે એને ઉપરથી નીચે સુધી જોયો. આરવની આંખોની સ્થિરતા જોઈને વ્યાસને પણ ક્ષણભર માટે એક અજીબ ખચકાટ અનુભવાયો. આ છોકરાની નજરમાં કોઈ ડર નહોતો.
"સીટ ડાઉન. મારી ક્લાસમાં શિસ્ત બહુ જરૂરી છે." વ્યાસે નજર ફેરવી લીધી.
આરવ નીચે બેઠો. એના હોઠ પર એક અદ્રશ્ય, કટાક્ષભર્યું સ્મિત હતું.
શિકારી અને શિકાર... બંને હવે એક જ રૂમમાં હતા. બસ ફરક એટલો હતો કે ડૉ. વ્યાસ પોતાને શિકારી સમજતા હતા, જ્યારે અસલી શિકારી એમની બિલકુલ પાછળ, છેલ્લી બેન્ચ પર બેસીને એમની જાળ કાપવાની તૈયારી કરી રહ્યો હતો.
બીજી બાજુ, આગળની બેન્ચ પર બેઠેલી આધ્યા વારંવાર પાછળ વળીને આરવને જોવાનો પ્રયાસ કરી રહી હતી. એ રહસ્યમય અને શાંત છોકરાએ આધ્યાના મનમાં એક એવું સ્થાન બનાવી લીધું હતું, જેની એને ખુદને પણ ખબર નહોતી.
પ્રેમ... અને મોતનો ખેલ... બંનેની શરૂઆત એક જ સાથે આ કોલેજ કેમ્પસમાં થઈ ચૂકી હતી.
(ક્રમશ:)
“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર