કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 5 Dr. Nilesh Thakor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 5

ભાગ ૫: આકર્ષણનું બીજ

લેક્ચર હોલમાં છવાયેલી પિન-ડ્રોપ શાંતિ વચ્ચે ડૉ. શશાંક વ્યાસનો અહંકાર સહેજ ઘવાયો હતો.

છેલ્લી બેન્ચ પર બેઠેલા આ નવા વિદ્યાર્થી—આરવ શર્મા—ની આંખોમાં રહેલી બેફિકરાઈ અને એક અજીબ પ્રકારનો આત્મવિશ્વાસ ડૉ. વ્યાસને અંદરો અંદર બેચેન કરી રહ્યો હતો. કોલેજનો કોઈ પણ વિદ્યાર્થી એમની આંખમાં આંખ નાખવાની હિંમત નહોતો કરતો. એમણે નક્કી કર્યું કે આ ફ્રેશરને આખા ક્લાસ સામે અપમાનિત કરીને એની સાચી જગ્યા બતાવી દેવી જોઈએ.

વ્યાસે બ્લેકબોર્ડ પરથી નજર ફેરવી અને પોતાનું લાકડું પોઇન્ટર સીધું આરવ તરફ તાક્યું.

"મિસ્ટર આરવ શર્મા... તમે હમણાં જ ટ્રાન્સફર લઈને આપણી કોલેજમાં આવ્યા છો. મને જાણવામાં રસ છે કે તમારું મેડિકલ નોલેજ કેટલું ઊંડું છે. તો ચાલો, તમારી બુદ્ધિની એક નાનકડી કસોટી કરી લઈએ." ડૉ. વ્યાસના અવાજમાં એક તીક્ષ્ણ કટાક્ષ હતો. "સ્ટેન્ડ અપ."

આરવ બિલકુલ શાંતિથી, ચહેરા પર કોઈ પણ ભાવ લાવ્યા વગર પોતાની જગ્યા પર ઊભો થયો.

આગળની બેન્ચ પર બેઠેલી આધ્યા ના મનમાં એક અજીબ ધ્રૂજારી પસાર થઈ ગઈ. આધ્યા  આખા યુનિવર્સિટીની ટોપર હતી, અને એ જાણતી હતી કે ડૉ. વ્યાસ જ્યારે કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે છે, ત્યારે એ પ્રશ્ન સામાન્ય નથી હોતો.

"ધારો કે કોઈ દર્દીને અતિ-આધુનિક સિન્થેટિક ડ્રગ—જેમ કે 'ફેન્ટાનાઇલ' ના કોઈ નવા ઘાતક ડેરીવેટીવ—નું ઓવરડોઝ આપવામાં આવ્યું છે. દર્દી સાયકોસિસમાં (ભ્રમની સ્થિતિમાં) છે અને એના હ્રદયના ધબકારા અનિયમિત છે." ડૉ. વ્યાસે ધીમેથી એક અત્યંત જટિલ અને પોસ્ટ-ગ્રેજ્યુએશન (MD) લેવલનો પ્રશ્ન પૂછ્યો. "તો એ જણાવો કે એ દર્દીના મગજમાં ડોપામાઇન ડી-ટુ (D2) રિસેપ્ટર્સ અને સિરોટોનિન ફાઈવ-એચટી-ટુ-એ (5-HT2A) રિસેપ્ટર્સ વચ્ચે કેવો રાસાયણિક બદલાવ આવશે? અને એની બાયો-કેમિકલ એન્ટી-ડોટ સાયકલ શું હશે?"

પ્રશ્ન સાંભળતા જ આખો ક્લાસ સ્તબ્ધ થઈ ગયો.

બાજુમાં બેઠેલા કેતન અને જિગ્નેશના હોશ ઉડી ગયા. આધ્યા એ તરત જ પોતાના મગજના ઘોડા દોડાવ્યા, પણ એનું જ્ઞાન પણ આ પ્રશ્ન સામે ટૂંકું પડી ગયું. આ પ્રશ્ન સેકંડ યરના સિલેબસની સંપૂર્ણ બહારનો હતો. વ્યાસ સાહેબ જાણીજોઈને આરવને ફસાવી રહ્યા હતા. આધ્યા ને આરવ માટે અચાનક સહાનુભૂતિ થઈ આવી. એણે ધીમેથી પાછળ જોયું... એને લાગ્યું કે પેલો સવારે અથડાયેલો છોકરો હવે શરમથી માથું ઝુકાવી દેશે.

પણ... આરવના ચહેરા પર ગભરામણનું એક નાનકડું કિરણ પણ નહોતું.

એની નસોમાં મેજર રઘુવીર સિંહનું અડગ લોહી વહેતું હતું, અને એના મગજમાં RAW ની અત્યંત સઘન મેડિકલ અને કેમિકલ ટ્રેનિંગ સંગ્રહાયેલી હતી. સિન્થેટિક ડ્રગ્સની કેમેસ્ટ્રી તો એના આ મિશનનો મુખ્ય આધાર હતો.

આરવે બિલકુલ સપાટ, પણ એકદમ સ્પષ્ટ અને આત્મવિશ્વાસથી ભરેલા અવાજે જવાબ આપવાની શરૂઆત કરી.

"સર... આવા સિન્થેટિક ડેરીવેટીવ્સ સીધા બ્લડ-બ્રેઇન બેરિયરને (Blood-Brain Barrier) તોડીને મગજમાં પ્રવેશે છે. એ ડોપામાઇન D2 રિસેપ્ટર્સને બ્લોક કરવાને બદલે એને હાઇપર-એક્ટિવેટ કરે છે, જેનાથી તીવ્ર સાયકોસિસ થાય છે. તે જ સમયે, સિરોટોનિન 5-HT2A રિસેપ્ટર્સ સાથે જોડાઈને એ દર્દીની વાસ્તવિકતા સમજવાની ક્ષમતા ખતમ કરી દે છે." આરવ એક અનુભવી ડૉક્ટરની જેમ બોલી રહ્યો હતો, "આ સ્થિતિમાં સામાન્ય એન્ટી-ડોટ કામ નહીં કરે. આપણે 'નાલોક્સોન' (Naloxone) ના હાઈ ડોઝ સાથે 'હેલોપેરીડોલ' (Haloperidol) નું ચોક્કસ કોમ્બિનેશન આપવું પડે, જેથી રિસેપ્ટર્સનું બોન્ડિંગ તૂટી શકે અને દર્દીનું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ક્રેશ થતાં બચી જાય."

આખો જવાબ પૂરો થયો... અને ક્લાસમાં એવી શાંતિ છવાઈ ગઈ કે સોય પડે તો પણ અવાજ સંભળાય.

ડૉ. વ્યાસના હાથમાંથી પોઇન્ટર સહેજ સરકી ગયું. એમની આંખોમાં આશ્ચર્ય અને એક અદ્રશ્ય ડરની ઝલક આવી ગઈ. આ છોકરો સામાન્ય નહોતો. આટલું ડીપ પ્રેક્ટિકલ નોલેજ કોઈ સામાન્ય મેડિકલ સ્ટુડન્ટ પાસે હોવું અશક્ય હતું. વ્યાસના મનમાં શંકાનો એક નાનકડો કીડો સળવળ્યો.

પણ એમણે ચહેરા પર કોઈ ભાવ આવવા દીધો નહીં. "હમ્મ... ટેક્સ્ટબુક સારી રીતે ગોખી લીધી છે. સીટ ડાઉન." વ્યાસે રુક્ષતાથી કહ્યું અને ફરી બોર્ડ તરફ ફરી ગયા.

ભલે ડૉ. વ્યાસે આરવના વખાણ ના કર્યા... પણ આખા ક્લાસને ખબર પડી ગઈ હતી કે આરવે વ્યાસ સાહેબના સૌથી કઠિન બાઉન્સર પર સિક્સર મારી હતી.

અને આધ્યા ... એની મોટી, આકર્ષક આંખો પૂરી રીતે પહોળી થઈ ગઈ હતી.

એણે ફરી એકવાર પાછળ વળીને આરવ તરફ જોયું. આરવ બિલકુલ શાંતિથી, જાણે કશું જ બન્યું ના હોય એમ પોતાની નોટબુકમાં કંઈક લખી રહ્યો હતો.

આધ્યા ના હ્રદયના ધબકારા અચાનક તેજ થઈ ગયા. એક છોકરી તરીકે, એને હંમેશા બુદ્ધિશાળી અને આત્મવિશ્વાસુ વ્યક્તિત્વ પસંદ હતું. અત્યાર સુધી કોલેજના જેટલા પણ છોકરાઓ એની પાછળ પાગલ હતા, એ બધા એને બહુ છીછરા લાગતા. પણ આ આરવ... આના ચહેરા પરની એ રહસ્યમય શાંતિ અને એની આ અદભુત બુદ્ધિમત્તાએ આધ્યા ના દિલમાં આકર્ષણનું પહેલું, અત્યંત મજબૂત બીજ રોપી દીધું હતું. સવારે જ્યારે એ આરવને અથડાઈ હતી, ત્યારે એ માત્ર કુતૂહલ હતું. પણ અત્યારે... એ એક સ્પષ્ટ આકર્ષણ હતું.

લેક્ચર પૂરું થયું. ડૉ. વ્યાસ ક્લાસની બહાર નીકળી ગયા.

તરત જ કેતન આરવના ગળે પડી ગયો. "અલા ભાઈ! તું માણસ છે કે ફરતું મેડિકલ ડિક્શનરી? વ્યાસ સાહેબની તો તેં બોલતી જ બંધ કરી દીધી!"

આરવે માત્ર એક હળવું સ્મિત આપ્યું અને પોતાની બેગ પેક કરવા લાગ્યો.

એ બહાર કોરિડોરમાં નીકળ્યો, ત્યાં જ કોઈએ પાછળથી એને અવાજ આપ્યો.

"એક્સક્યુઝ મી... આરવ."

આરવે રોકાઈને પાછળ જોયું. આધ્યા  એની બિલકુલ સામે ઊભી હતી. એના ગાલ પર એક આછું, મીઠું સ્મિત હતું અને એની આંખોમાં આરવને જાણવાની એક અદમ્ય જિજ્ઞાસા.

"સવારે મારો પરિચય આપવાનો રહી ગયો હતો. આઈ એમ આધ્યા ." એણે પોતાનો પાતળો, સુંદર હાથ આરવ તરફ મિલાવવા માટે લંબાવ્યો. "અને બાય ધ વે... ક્લાસમાં તારો જવાબ ખરેખર બ્રિલિયન્ટ હતો. મેં પણ એ ટોપિક હજુ સુધી નહોતો વાંચ્યો."

આરવે એના લંબાયેલા હાથ તરફ જોયું. એની અંદરનો સૈનિક એને કોઈ પણ લાગણીથી દૂર રહેવાની ચેતવણી આપી રહ્યો હતો. પણ ગ્રીષ્માના ગયા પછી, વર્ષો બાદ કોઈ યુવતીનો આવો નિખાલસ અવાજ એના કાનમાં પડ્યો હતો.

આરવે પોતાનો હાથ આગળ વધાર્યો અને આધ્યા ના હાથ સાથે ધીમેથી મિલાવ્યો.

"થેન્ક યુ, આધ્યા ." આરવનો અવાજ શાંત, છતાં એક અજીબ કશિશવાળો હતો. "હું બસ થોડું એડવાન્સ વાંચવાની આદત રાખું છું."

બે સેકન્ડ માટે બંનેના હાથ જોડાયેલા રહ્યા. આધ્યા ને આરવના હાથના સ્પર્શમાં એક અજીબ કઠોરતા અને ગરમાવો મહેસૂસ થયો... જાણે એ હાથ કોઈ ડૉક્ટરના નહીં, પણ કોઈ યોદ્ધાના હોય.

આરવે ધીમેથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો. "મારે લાઈબ્રેરી જવાનું છે. મળીએ."

એટલું કહીને આરવ ત્યાંથી આગળ વધી ગયો. એણે એકવાર પણ પાછળ વળીને ના જોયું.

આધ્યા  કોરિડોરમાં ત્યાં જ ઊભી રહી ગઈ. એને આદત હતી કે છોકરાઓ એની સાથે વાત કરવા માટે તરસતા હોય. પણ આ આરવ... એની આ બેપરવાહી અને રહસ્યમય અદાએ આધ્યા ને એની તરફ વધુ ખેંચી લીધી. એની આંખો આરવના દૂર જતા પડછાયાને જોઈ રહી હતી, અને એના હોઠ પર એક ધીમું, અર્થસભર સ્મિત રમી રહ્યું હતું.

મેડિકલ કોલેજના આ ષડયંત્રો અને ડ્રગ્સની કાળી દુનિયા વચ્ચે... એક ખુબસુરત પ્રેમની શરૂઆત ધીમા પગલે પ્રવેશી ચૂકી હતી.

(ક્રમશ:)

“નીલ”

ડૉ. નિલેષ ઠાકોર