કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 44 Dr. Nilesh Thakor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 44

ભાગ ૪૪: ડૉ. વ્યાસનો પર્દાફાશ અને કોલેજમાં ડરનો અંત

સવારના છ વાગ્યા હતા. સૂર્યનાં પ્રથમ કિરણો હજુ કેમ્પસ પર પડવાની તૈયારીમાં હતા.

એચઓડી (HOD) ક્વાર્ટર્સમાં ડૉ. વ્યાસની હાલત અત્યારે કોઈ પાગલ માણસ જેવી થઈ ગઈ હતી. એમના માથા પર પરસેવો વળી ગયો હતો અને હાથ ધ્રૂજી રહ્યા હતા. રૂમમાં સામાન વેરવિખેર પડ્યો હતો. એમણે પોતાની બ્લેક લેધરની બ્રીફકેસમાં થોકબંધ રોકડ રકમ, અમુક પેન-ડ્રાઈવ્સ અને એક ફેક (નકલી) પાસપોર્ટ ઠાંસી-ઠાંસીને ભર્યા.

છેલ્લા એક કલાકથી ભાઉરાવનો ફોન સ્વીચ-ઓફ આવી રહ્યો હતો, જેનો સીધો અર્થ ડૉ. વ્યાસ સમજી ગયા હતા કે ભાઉરાવનો અડ્ડો પકડાઈ ચૂક્યો છે. હવે જો પોતે એક કલાક પણ શહેરમાં રોકાશે, તો કાયમ માટે જેલના સળિયા પાછળ ધકેલાઈ જશે.

"મારે ગમે તેમ કરીને એરપોર્ટ પહોંચવું પડશે... સ્વિટ્ઝર્લેન્ડમાં 'સ્નોમેન' મને બચાવી લેશે," ડૉ. વ્યાસ મનોમન બબડ્યા. એમણે બ્રીફકેસ બંધ કરી, લાંબો કોટ પહેર્યો અને ક્વાર્ટરનો દરવાજો ખોલીને બહાર નીકળ્યા.

પણ... દરવાજો ખુલતા જ એમના પગ જમીન સાથે જકડાઈ ગયા! શ્વાસ ગળામાં જ અટવાઈ ગયો!

ક્વાર્ટરની બહારની પોર્ચમાં, પિલરને અઢેલીને કેપ્ટન આરવસિંહ બિલકુલ શાંતિથી ઊભો હતો. એના ચહેરા પર કોઈ થાક નહોતો, પણ એક વિજેતાનું અત્યંત ધીમું અને કાતિલ સ્મિત હતું.

"ક્યાંય જવાની ઉતાવળ છે ડૉક્ટર સાહેબ?" આરવે બિલકુલ સામાન્ય અવાજે પૂછ્યું, જાણે કોઈ વાઇવા (Viva) ની પરીક્ષા લઈ રહ્યો હોય.

ડૉ. વ્યાસ ડરથી બે ડગલાં પાછળ ખસી ગયા. "આરવ... તું... તું અહીંયા શું કરે છે? મને જવા દે, હું તને મોં-માંગ્યા પૈસા આપીશ. તારે આખી જિંદગી નોકરી નહિ કરવી પડે!"

આરવે પિલર પરથી પીઠ હટાવી અને ધીમા પગલે ડૉ. વ્યાસ તરફ બે ડગલાં આગળ વધ્યો.

"શતરંજની રમતમાં જ્યારે રાજા 'ચેકમેટ' (Checkmate) થઈ જાય ને ડૉક્ટર, ત્યારે એણે બોર્ડ પરથી બહાર જ નીકળવું પડે છે, સોદાબાજી નથી કરવાની હોતી," આરવનો અવાજ હવે બર્ફીલો થઈ ગયો હતો. "તમારો પ્યાદો... પેલો ભાઉરાવ અત્યારે કસ્ટડીમાં લોહીના આંસુ રડી રહ્યો છે. અને તમારો 'સ્નોમેન'... બહુ જલ્દી એનો પણ નંબર લાગવાનો છે."

ડૉ. વ્યાસે ગભરાઈને આસપાસ જોયું. "હું ચીફ ઓફ ડિપાર્ટમેન્ટ છું! કોઈ મને રોકી નહિ શકે!"

આરવે બિલકુલ હિંસા ન કરી, એણે ડૉ. વ્યાસને આંગળી પણ ન અડાડી. એણે માત્ર પોતાની સ્માર્ટવોચ પર એક બટન દબાવ્યું.

અને બરાબર એ જ સેકન્ડે... કેમ્પસના મેઈન ગેટ પરથી પોલીસની સાયરનોના અવાજ ગુંજી ઉઠ્યા! વીઉઉઉ... વીઉઉઉ... વીઉઉઉ!

ચાર પોલીસ જિપ્સીઓએ એચઓડી ક્વાર્ટર્સને ચારે બાજુથી ઘેરી લીધું. અને એમાંથી બહાર આવ્યા શહેરના પોલીસ કમિશનર અને સાથે મેડિકલ કોલેજના ડીન (Dean) સાહેબ!

ડૉ. વ્યાસના હાથમાંથી બ્રીફકેસ છૂટી ગઈ. ધડામ!

આરવે ડીન સાહેબની આંખોમાં આંખો પરોવીને એક અદ્રશ્ય ઈશારો કર્યો. રાતના બે વાગ્યે આરવે ડૉ. વ્યાસની ડાયરીના ફોટા, ઓડિયો રેકોર્ડિંગ અને ડ્રગ સપ્લાયના તમામ પુરાવા ફેલ્કન મારફતે અનામી (Anonymous) રીતે કમિશનરને મોકલી આપ્યા હતા.

"ડૉ. વ્યાસ!" ડીન સાહેબનો અવાજ ગુસ્સાથી કાંપી રહ્યો હતો. "તમે આ મેડિકલ કોલેજ જેવા પવિત્ર મંદિરને ડ્રગ્સનો અડ્ડો બનાવી દીધો ? શરમ આવવી જોઈએ તમને તમારા વ્યવસાય પર!"

પોલીસ ઇન્સ્પેક્ટરે આગળ વધીને ડૉ. વ્યાસના બંને હાથ પાછળ મરડીને હાથકડી પહેરાવી દીધી.

જે માણસના ડરથી આખી કોલેજ થથરતી હતી, જેની એક નજરથી વિદ્યાર્થીઓના શ્વાસ અધ્ધર થઈ જતા હતા... એ જ ડૉ. વ્યાસ આજે એક સામાન્ય ગુનેગારની જેમ માથું નીચું રાખીને ઊભા હતા. એમના અહંકારનો કિલ્લો આરવે એક પણ મુક્કો માર્યા વગર, માત્ર પોતાના બૌદ્ધિક ચાતુર્યથી જમીનદોસ્ત કરી નાખ્યો હતો.

પોલીસ જ્યારે ડૉ. વ્યાસને જીપમાં બેસાડી રહી હતી, ત્યારે વ્યાસે પાછળ વળીને આરવ સામે જોયું. એની આંખોમાં એક સવાલ હતો: આખરે તું છે કોણ?

આરવે માત્ર પોતાની આંખોથી જ જવાબ આપ્યો: તારો કાળ.

આ સાયરનનો અવાજ સાંભળીને હોસ્ટેલમાંથી ઘણા વિદ્યાર્થીઓ બહાર આવી ગયા હતા. જિગ્નેશ, કેતન અને બીજા વિદ્યાર્થીઓ દંગ રહીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. કોલેજના સૌથી ક્રૂર પ્રોફેસરની આજે જાહેરમાં ધરપકડ થઈ રહી હતી. કેમ્પસમાં વર્ષોથી છવાયેલો એ અદ્રશ્ય ડર જાણે હવામાં ઓગળી રહ્યો હતો.

ભીડમાંથી આધ્યા દોડતી દોડતી આવી. એણે આરવને જોયો.

પોલીસની જીપ કેમ્પસની બહાર નીકળી ગઈ હતી. કેમ્પસમાં આજે સૂર્યના સોનેરી કિરણો સાથે જ એક નવી સોનેરી સવારનો પણ ઉદય થઈ રહ્યો હતો. 

આધ્યા ધીમા પગલે આરવની પાસે આવી. એની આંખોમાં આરવ માટેનો એક એવો અહોભાવ હતો, જે કોઈ પણ શબ્દોથી પર હતો.

"આરવ..." આધ્યાનો અવાજ લાગણીથી ભીનો હતો, "આ બધું... તેં કર્યું છે?"

આરવે એકદમ નિર્દોષ, હળવું સ્મિત કર્યું. "મેં તો કંઈ જ નથી કર્યું આધ્યા. પાપનો ઘડો ભરાઈ ગયો હતો, તો ફૂટી ગયો. બસ... હવે આપણી કોલેજ સંપૂર્ણપણે સુરક્ષિત છે. હવે અહીંયા કોઈ નિર્દોષ વિદ્યાર્થી ડ્રગ્સનો શિકાર નહિ બને."

આધ્યા સમજી ગઈ કે આરવ પોતાની મહાનતા છુપાવી રહ્યો હતો. એણે આરવનો હાથ પકડી લીધો અને બહુ જ પ્રેમથી એના ખભા પર માથું મૂકી દીધું.

આરવે ઊંડો શ્વાસ લીધો. દેશના યુવાનોને બરબાદ કરતું એક લોકલ નેટવર્ક ખતમ થઈ ચૂક્યું હતું. 'ઓપરેશન વ્હાઇટ વેઇન' નો પહેલો તબક્કો સફળતાપૂર્વક પાર પડી ગયો હતો અને શહીદ નૈના જોશીના આત્માને આજે શાંતિ મળી હશે.

પણ આરવ જાણતો હતો કે અસલી રાક્ષસ 'સ્નોમેન' હજુ જીવતો હતો. જોકે, અત્યાર પૂરતી આ જીતની ખુશી ઉજવવાનો સમય હતો.

(ક્રમશ:)

“નીલ”

ડૉ. નિલેષ ઠાકોર