ભાગ ૯: મિડનાઇટ ઇન્ટેલિજન્સ: ફેલ્કનનો પહેલો કેમ્પસ રિપોર્ટ
સાંજના સાત વાગ્યા હતા. હોસ્ટેલનો રૂમ નંબર 404.
રૂમનો દરવાજો અંદરથી લોક હતો અને બારીના જૂના પડદા ખેંચેલા હતા. ઓરડાના ઝાંખા અંધારામાં આરવે પોતાના ડાબા કાંડા પર બાંધેલી સ્માર્ટવોચનું સિક્રેટ બટન દબાવ્યું. ઘડિયાળના ડાયલમાંથી એક ભૂરા રંગનો પ્રકાશ નીકળ્યો અને હવામાં એક નાનકડો 3D હોલોગ્રામ ઉપસી આવ્યો—મેડિકલ કોલેજ કેમ્પસનો ડિજિટલ નકશો.
"ફેલ્કન, ગીવ મી ધ રિપોર્ટ." આરવે કાંડા પાસે મોં રાખીને અત્યંત ધીમા, પણ કડક અવાજે આદેશ આપ્યો.
"કેપ્ટન, આ મારો પહેલો ડીટેઈલ્ડ કેમ્પસ ઇન્ટેલિજન્સ રિપોર્ટ છે," ઇયરપીસમાં ફેલ્કનનો રોબોટિક અને ગંભીર અવાજ ગુંજ્યો. "ડૉ. વ્યાસનું નેટવર્ક આપણે વિચારીએ છીએ એના કરતા ઘણું ઊંડું છે. કેમ્પસની અંદર ડ્રગ્સનું ડિસ્ટ્રીબ્યુશન કોઈ બહારનો માણસ કે ગુંડો નથી કરતો. એ કોલેજનો જ એક સ્ટુડન્ટ છે. ડૉ. વ્યાસનો સૌથી વિશ્વાસુ મોહરો. એનો કોડનેમ 'શેડો' (Shadow) છે."
આરવે ભ્રમરો ખેંચી. "શેડો કોણ છે? કોઈ નામ કે ઓળખાણ?"
"એ જ તો પ્રોબ્લેમ છે કેપ્ટન. એનો ચહેરો કોઈએ જોયો નથી. પણ મારી સિસ્ટમે ડૉ. વ્યાસનો એક એન્ક્રિપ્ટેડ મેસેજ ડીકોડ કર્યો છે. આજે રાત્રે ફ્રેશર્સ પાર્ટીમાં એ 'શેડો' જ વ્યાસનો નવો માલ—પેલો ઘાતક સિન્થેટિક ડ્રગ—ટેસ્ટ કરવા માટે સપ્લાય કરવાનો છે. અને કેપ્ટન... આ ટેસ્ટિંગનો મેઈન ટાર્ગેટ આધ્યા છે."
આરવની આંખોમાં એક ખૂંખાર, રક્તવર્ણી ચમક આવી ગઈ. એણે તરત જ 3D હોલોગ્રામ બંધ કર્યો. પોતાનું બ્લેક ડેનિમ જેકેટ પહેર્યું અને કમર પાછળના ગુપ્ત ખાનામાં પોતાની 9 mm ની ગ્લોક પિસ્તોલ સેટ કરી. ગ્રીષ્મા અને નૈનાના ચહેરા એની આંખો સામેથી એક સેકન્ડ માટે પસાર થઈ ગયા.
"આજે એ શેડોનો પડછાયો જ હંમેશા માટે મિટાવી દઈશ, ફેલ્કન."
ત્યાં જ રૂમનો દરવાજો ખખડ્યો. આરવે ચહેરા પરના હાવભાવ બદલીને એકદમ નોર્મલ કરી દીધા અને દરવાજો ખોલ્યો.
સામે કેતન અને જિગ્નેશ ઊભા હતા. કેતને ચળકતું, આંખો અંજાઈ જાય એવું સિલ્વર કલરનું જેકેટ અને અંદર લાલ શર્ટ પહેર્યો હતો. જાણે ૮૦ ના દાયકાનો કોઈ ડિસ્કો ડાન્સર!
"કેવો લાગું છું ભાઈ?" કેતને કોલર ઊંચા કરતા પૂછ્યું. "આજે તો પાર્ટીમાં ફર્સ્ટ યરની બધી છોકરીઓ આ કેતિયા પર જ ફિદા થવાની છે!"
જિગ્નેશે પોતાના માથા પર તેલ નાખીને પાડેલી સીધી પાંથી સરખી કરતા કહ્યું, "અલા ભાઈ, તું માણસ લાગતો જ નથી, રસોડામાં વપરાતું ચાલતું-ફરતું એલ્યુમિનિયમ ફોઇલ લાગે છે! મેં તો મારું શાંતિથી આ ફોર્મલ શર્ટ પહેરી લીધું. બહુ નાચ-ગાન નથી કરવું આપણે, બે-ત્રણ સમોસા ખાઈને હું તો પાછો આવીને પેથોલોજી વાંચીશ."
આરવના કઠોર ચહેરા પરથી અનાયાસે જ એક હળવું સ્મિત છટકી ગયું. મૌતનો સામાન કમરમાં લઈને ફરતા આરવને આ બંનેની નિર્દોષતા થોડી હૂંફ આપી જતી હતી. "બંને મસ્ત લાગો છો. ચાલો, પાર્ટીમાં."
સિનેમેટિક ટ્રાન્ઝિશન...
કોલેજનું મોટું ગ્રાઉન્ડ. ફ્રેશર્સ પાર્ટીનો માહોલ અત્યંત રંગીન અને ઊર્જાવાન હતો. ડીજેના મોટા સ્પીકર્સ પર બીટ્સ વાગી રહ્યા હતા. રંગબેરંગી લેસર લાઈટ્સ હવામાં ડાન્સ કરી રહી હતી.
આરવની નજર ચારેબાજુ ફરી રહી હતી. એનું મગજ એક સુપર કોમ્પ્યુટરની જેમ દરેક વેઈટર, દરેક સ્ટુડન્ટ અને દરેક અંધારા ખૂણાનું સ્કેનિંગ કરી રહ્યું હતું.
અચાનક, એની નજર એક જગ્યાએ જઈને અટકી ગઈ. એના શ્વાસ જાણે એક પળ માટે થંભી ગયા.
આધ્યા.
એણે ઘેરા કાળા રંગનો સ્લીવલેસ વન-પીસ ગાઉન પહેર્યો હતો. એના ખુલ્લા વાળ અને ચહેરા પરનો આછો, નજાકતભર્યો મેકઅપ એની સુંદરતાને કંઈક અલગ જ સ્તરે લઈ જતા હતા. આરવની આસપાસની ઘોંઘાટભરી દુનિયા જાણે ધીમી પડી ગઈ.
આધ્યા ભીડ ચીરીને સીધી આરવ પાસે આવી. એની મોટી, કાજળભરી આંખોમાં સવારની એ જીદ અને પ્રેમ હજુ પણ અકબંધ હતા.
"મને ખબર છે તને આવી પાર્ટીઓમાં રસ નથી," આધ્યાએ આરવની બિલકુલ નજીક ઊભા રહીને ધીમા, રેશમી અવાજે કહ્યું, જેથી ડીજેના અવાજ વચ્ચે પણ આરવ સાંભળી શકે. "પણ હું અહીં માત્ર એ જોવા આવી છું કે તારી એ અદ્રશ્ય દીવાલો પાછળનો આરવ... ખરેખર કેવો દેખાય છે."
આરવના હ્રદયમાં એક અજીબ મીઠી ધ્રૂજારી પસાર થઈ ગઈ. એણે આધ્યાની આંખોની ઊંડાઈમાં જોયું. "દીવાલો પાછળ માત્ર ખતરો છે, આધ્યા. આજે રાત્રે... તું મારાથી એક ડગલું પણ દૂર નહીં જાય. પ્રોમિસ કર."
આરવના અવાજમાં રહેલી આ ગંભીરતા અને અત્યંત રક્ષણાત્મક ભાવ જોઈને આધ્યાના ગાલ સહેજ લાલ થઈ ગયા. એણે હળવેથી માથું ધુણાવીને હા પાડી. એને લાગ્યું કે આરવ એની પઝેસિવ કેર કરી રહ્યો છે, પણ એ જાણતી નહોતી કે આરવ ખરેખર એનો જીવ બચાવવા ઊભો હતો.
પાર્ટી બરાબર જામી હતી. અચાનક આરવના કાંડા પર વાઇબ્રેશન થયું અને ઇયરપીસમાં ફેલ્કનનો એલર્ટ અવાજ આવ્યો.
"કેપ્ટન, તમારી જમણી બાજુથી આવતો વેઈટર! એની ટ્રેમાં રહેલો લાલ રંગના મોકટેલનો ગ્લાસ... એમાં ડ્રગ મિક્સ છે!"
આરવે આંખના ખૂણેથી જોયું. એક વેઈટર સીધો આધ્યા તરફ આવી રહ્યો હતો. એણે બરાબર એ લાલ ગ્લાસ આધ્યાની સામે ધર્યો.
"મેમ, ફ્રેશ મોકટેલ?" વેઈટરે માથું નમાવીને કહ્યું.
આધ્યાએ સ્મિત સાથે હાથ લંબાવ્યો અને ગ્લાસ પકડવા જ જતી હતી...
ત્યાં જ આરવનો મજબૂત હાથ વચ્ચે આવ્યો. એણે અત્યંત સહજતાથી, જાણે કોઈને જરા પણ શંકા ના પડે એ રીતે એ ગ્લાસ પોતાના હાથમાં લઈ લીધો.
"થેન્ક્સ. મને બહુ તરસ લાગી હતી," આરવે આધ્યા સામે હળવું સ્મિત કરતા કહ્યું અને ગ્લાસ હોઠ સુધી લઈ ગયો. પણ પીવાના નાટક સાથે જ એણે અડધો ગ્લાસ જાણીજોઈને પોતાના શર્ટ પર ઢોળી દીધો!
"ઓહ શીટ! મારો શર્ટ ખરાબ થઈ ગયો," આરવે અકળામણનું નાટક કરતા વેઈટરને કડક અવાજે કહ્યું, "તું મારી સાથે વોશરૂમ સુધી ચાલ, મને આ સાફ કરવા માટે થોડું પાણી અને ટિશ્યુ આપ."
વેઈટર થોડો ગભરાયો, પણ એ ના પાડી શક્યો નહીં.
આરવ એ વેઈટરને લઈને પાર્ટી હોલની પાછળના એકદમ અંધારા અને એકાંત કોરિડોરમાં પહોંચ્યો. વોશરૂમનો દરવાજો ખૂલ્યો અને આરવે વેઈટરનો કોલર પકડીને એને સીધો અંદર ખેંચી લીધો. દરવાજો અંદરથી લોક કર્યો અને વેઈટરને ગરદનથી પકડીને આરસની દીવાલ સાથે જોરથી દબાવી દીધો.
"સાચું બોલ... આ ગ્લાસમાં કયું કેમિકલ હતું? અને તને આધ્યાને જ આ ગ્લાસ આપવાનું કોણે કહ્યું હતું?" આરવની આંખોમાંથી જાણે આગ વરસતી હતી.
વેઈટર ભયથી થરથર કાંપવા લાગ્યો. "સા... સાહેબ... મને કંઈ ખબર નથી! હું તો માત્ર કેટરિંગનો નોકર છું..."
આરવે પોતાની કમર પાછળથી ગ્લોક પિસ્તોલ કાઢી અને વેઈટરના કપાળ પર ટેકવી દીધી. પિસ્તોલનું ઠંડુ લોખંડ સ્પર્શતા જ વેઈટરનો શ્વાસ અટકી ગયો.
"મને ડૉક્ટર નહિ, યમરાજ સમજ. ત્રણ સેકન્ડમાં નામ બોલ નહિ તો તારું ભેજું દીવાલ પર રંગાઈ જશે! કોણે આપ્યો હતો આ ઓર્ડર?" આરવનો અવાજ કાતિલ અને બર્ફીલો હતો.
"બોલું છું સાહેબ... બોલું છું!" વેઈટર રડતા રડતા ફસડાઈ પડ્યો, "મને ડૉ. વ્યાસે નહિ... મને તો કોલેજના જ એક સ્ટુડન્ટે ઑર્ડર આપ્યો હતો! એણે જ આ પડીકી ગ્લાસમાં નાખી હતી અને પાંચ હજાર રૂપિયા આપ્યા હતા!"
"કયો સ્ટુડન્ટ?" આરવે પિસ્તોલનું બેરલ સહેજ દબાવ્યું.
"નામ નથી ખબર સાહેબ! પણ... પણ એણે મને પૈસા આપ્યા ત્યારે મેં એના હાથમાં રહેલી ચાવીનો ગુચ્છો જોયો હતો. એ હોસ્ટેલની ચાવી હતી, જેના પર... જેના પર 404 લખેલું હતું સાહેબ!"
આ સાંભળતા જ આરવના પગ નીચેથી જમીન સરકી ગઈ.
રૂમ નંબર 404!
આરવનો પોતાનો રૂમ.
એટલે કે... ડૉ. વ્યાસનો ખતરનાક જાસૂસ 'શેડો' બીજું કોઈ નહિ, પણ કેતન અથવા જિગ્નેશમાંથી જ કોઈ એક હતો? જે મિત્રોની નિર્દોષતા પર આરવ અંદરથી ખુશ થતો હતો, શું એમાંથી જ કોઈ એક ડૉ. વ્યાસનું ખૂની મહોરું હતો? એના પોતાના જ રૂમમાં મોત છુપાઈને બેઠું હતું?
આરવે ધીમેથી પિસ્તોલ નીચે કરી. એના મગજમાં વિચારોનું ભયાનક વાવાઝોડું શરૂ થઈ ગયું હતું.
કેમ્પસનો આ જાસૂસી ખેલ હવે એક અત્યંત અંગત, અણધાર્યા અને ખતરનાક વળાંક પર પહોંચી ચૂક્યો હતો.
(ક્રમશ:)
“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર