કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 8 Dr. Nilesh Thakor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 8

ભાગ ૮: આધ્યાની જીદ

લાઈબ્રેરીના પાછલા ભાગનો સાંકડો અને અડધો અંધારો કોરિડોર.

પેલો કાળા શર્ટવાળો જાસૂસ હજુ તો આરવ અને આધ્યા જ્યાં બેઠા હતા એ ટેબલ તરફ જઈ રહ્યો હતો, ત્યાં જ અચાનક અંધારામાંથી એક મજબૂત હાથ બહાર આવ્યો. એ પહેલાં કે પેલો કંઈ સમજે, આરવે એની ગરદન પાછળથી પકડીને એને દીવાલ સાથે એવો જોરથી પછાડ્યો કે એના હાથમાંથી ચોપડી નીચે પડી ગઈ.

કોઈ જ અવાજ નહીં, કોઈ જ બૂમાબૂમ નહીં. માત્ર એક સૈનિકની ચોકસાઈભરી, જીવલેણ પકડ.

આરવનો જમણો હાથ પેલાની શ્વાસનળી પર દબાયેલો હતો. પેલાની આંખો ફાટી ગઈ અને શ્વાસ રૂંધાવા લાગ્યો.

"ભાઉરાવને મારો આ સંદેશો આપી દેજે..." આરવે એના કાન પાસે મોં લઈ જઈને અત્યંત ઠંડા, બરફ જેવા અવાજે કહ્યું, "જો ફરીથી એનો કોઈ કૂતરો મારી કે આધ્યાની આસપાસ દેખાયો ને... તો એના આખા નેટવર્કને જીવતું સળગાવી દઈશ. ગેટ લોસ્ટ."

આરવે પકડ ઢીલી કરી અને પેલો જાસૂસ ખાંસી ખાતો, જીવ બચાવીને ત્યાંથી ભાગી છૂટ્યો. આરવે પોતાના કપડાં સરખા કર્યા, ચહેરા પર ફરી એ જ સામાન્ય વિદ્યાર્થીનો માસ્ક પહેર્યો અને હોસ્ટેલ તરફ આગળ વધ્યો.

રાતનો સમય. રૂમ 404.

આરવ રૂમમાં પ્રવેશ્યો ત્યારે દ્રશ્ય એકદમ અલગ હતું. પેથોલોજીનો મજનુ જિગ્નેશ ઊંઘમાં બબડી રહ્યો હતો, "ઈન્ફ્લેમેશન... વાસ્ક્યુલર ચેન્જીસ..." અને બીજી તરફ કેતિયો પોતાના જીન્સના ફાટેલા ઘૂંટણને સોય-દોરાને બદલે ઓફિસ સ્ટેપલરથી સાંધી રહ્યો હતો!

"અલા ભાઈ કેતન, આ શું કરે છે?" આરવથી અનાયાસે જ હસી પડાયું.

"અલા ભાઈ, આ સોય-દોરો કોણ શોધે અત્યારે? સ્ટેપલર જિંદાબાદ! કાલે તો પાછું નવું જ પહેરવાનું છે." કેતને એકદમ સીરીયસ થઈને જવાબ આપ્યો.

આરવને મનોમન આ નિર્દોષતા પર હેત ઊભરાઈ આવ્યું. આર્મીની લોહીયાળ જિંદગી અને RAW ના કાતિલ મિશનો વચ્ચે, આ હોસ્ટેલનો ઓરડો એના માટે એક શ્વાસ લેવાની જગ્યા બની ગયો હતો. પણ એ જાણતો હતો કે આ શાંતિ લાંબો સમય ટકવાની નહોતી.

બીજા દિવસની સવાર.

કોલેજ કેમ્પસમાં આવેલા જૂના વડલા નીચેથી આરવ પસાર થઈ રહ્યો હતો. ત્યાં જ અચાનક એના પગ થંભી ગયા. સામે આધ્યા ઊભી હતી. એણે બે હાથ છાતી પર બાંધેલા હતા અને એની મોટી આંખોમાં ગુસ્સો, ફરિયાદ અને એક અજીબ પ્રકારનો અધિકાર સ્પષ્ટ દેખાતો હતો.

"ગઈકાલે લાઈબ્રેરીમાંથી એ રીતે અચાનક ભાગવાનું કારણ જાણી શકું, મિસ્ટર આરવ શર્મા?" આધ્યાનો અવાજ ધીમો હતો પણ એમાં રહેલી તીવ્રતા આરવને વીંધી રહી હતી.

આરવે નજર ચોરાવતા કહ્યું, "મેં કહ્યું તો હતું, મને અચાનક થોડું કામ યાદ આવી ગયું હતું. મારે જવું જરૂરી હતું."

" જુઠ્ઠું" આધ્યાએ એક ડગલું આગળ વધાર્યું. "તારી આંખો કંઈક બીજું જ કહે છે. ગઈકાલે તેં જે રીતે મારી સામે જોયું હતું, જાણે... જાણે કોઈ બહુ મોટો ખતરો આવવાનો હોય! આરવ, તું કોઈ મુસીબતમાં છે? તું કેમ તારી આસપાસ આ અદ્રશ્ય દીવાલો ચણીને રાખે છે કે હું એને ભેદી પણ ના શકું ?"

આરવના હ્રદયમાં એક સોય ભોંકાઈ. અદ્રશ્ય દીવાલો... હા, એ દીવાલો એણે પોતે જ બનાવી હતી. ગ્રીષ્મા અને નૈનાના દર્દનાક મોત પછી એણે સમ ખાધા હતા કે એ કોઈને પણ પોતાના દિલની નજીક નહીં આવવા દે. જે પણ એની નજીક આવતું, એ મોતનો શિકાર બની જતું.

"આધ્યા..." આરવનો સ્વર ભારે થઈ ગયો. "મારી દુનિયા બહુ અલગ છે. અને બહુ અંધારી પણ છે. એમાં તારા જેવી સીધી અને નિર્દોષ છોકરી માટે કોઈ જગ્યા નથી. મારાથી દૂર રહેવામાં જ તારી ભલાઈ છે."

"મારી ભલાઈ શેમાં છે, એ હું નક્કી કરીશ!" આધ્યાએ બિલકુલ જીદ પકડીને એની આંખોમાં આંખો નાખીને કહ્યું. "અને જો તારી દુનિયા અંધારી હોય ને, તો મને અંધારાથી ડર નથી લાગતો. પણ હું તને આમ એકલો નહીં પડવા દઉં."

એક ક્ષણ માટે બંને વચ્ચે સંપૂર્ણ ખામોશી છવાઈ ગઈ. માત્ર પવનથી ખળખળ થતા પાંદડાનો અવાજ. આરવ આધ્યાના ચહેરા પર રહેલી નિખાલસતા અને એ ઊંડા પ્રેમને જોઈ શકતો હતો. એનું થીજી ગયેલું હ્રદય ધીમે ધીમે પીગળી રહ્યું હતું, પણ એની ફરજ એને રોકી રહી હતી. એણે કશું જ કહ્યા વગર, ભારે હૈયે ત્યાંથી ચાલવા માંડ્યું.

******************************************

સ્વામી વિવેકાનંદ હોસ્પિટલનો ફાર્માકોલોજી ડિપાર્ટમેન્ટ. ડૉ. શશાંક વ્યાસ પોતાની એસી કેબિનમાં એક લાલ રંગની ફાઈલ જોઈ રહ્યા હતા. એમની સામે ટેબલ પર એક નાનકડી કાચની શીશી (Vial) પડી હતી, જેમાં આછા ભૂરા રંગનું કોઈ કેમિકલ હતું.

"સર, નવું 'કન્સાઇનમેન્ટ ડી' તૈયાર છે." સામે ઊભેલા માણસે ધીમેથી કહ્યું.

ડૉ. વ્યાસના હોઠ પર એક શૈતાની સ્મિત આવ્યું. "બહુ સરસ. પણ કોઈ પણ નવો માલ બજારમાં ઉતારતા પહેલાં, એનું ટેસ્ટિંગ જરૂરી છે. આ 'ફેન્ટાનાઇલ' નું નવું ડેરિવેટિવ બહુ ઘાતક છે. એ સીધું નર્વસ સિસ્ટમ ( ચેતાતંતુઓ) પર એટેક કરે છે."

"તો ટેસ્ટિંગ ક્યાં કરીશું સર?"

"આજે રાત્રે કેમ્પસમાં સેકન્ડ યર વાળા ફ્રેશર્સની વેલકમ પાર્ટી રાખી રહ્યા છે ને?" વ્યાસે પોતાની ચશ્માની ફ્રેમ સરખી કરતા કહ્યું. "બધા જ સ્ટુડન્ટ્સ ત્યાં હશે. મ્યુઝિક, ડાન્સ, કોલ્ડ-ડ્રિંક્સ... કોઈને ખબર પણ નહીં પડે કે એમના ડ્રિંકમાં શું ભેળવવામાં આવ્યું છે. અને હા, એ લિસ્ટમાં પેલા આરવ શર્મા અને એની આસપાસ ફરતી પેલી ટોપર... આધ્યા, એ બંને ખાસ હોવા જોઈએ. જોઈએ આ નવો આરવ શર્મા કેટલો સ્માર્ટ છે."

ડૉ. વ્યાસ એક ડગલું આગળ રમી ચૂક્યા હતા. એમનો ઈરાદો માત્ર કેમ્પસના નિર્દોષ વિદ્યાર્થીઓને ડ્રગ્સની જાળમાં ફસાવવાનો જ નહોતો, પણ નૈના જોશીની જેમ હવે આરવને પણ રસ્તામાંથી હટાવવાનો હતો.

બપોરનો સમય.

આરવ હોસ્ટેલના મેદાનમાં ઊભો હતો. અચાનક, એના કાંડા પર બાંધેલી સ્માર્ટવોચમાં સળંગ ત્રણ વાર વાઇબ્રેશન થયું.

કોડ રેડ.

આરવે તરત જ આજુબાજુ નજર ફેરવી અને ઇયરપીસ ઓન કર્યું.

"રિપોર્ટ, ફેલ્કન."

"કેપ્ટન, બેડ ન્યૂઝ." ફેલ્કનનો અવાજ ટેન્શનમાં હતો. "અમારી ઇન્ટેલિજન્સ ટીમે ડૉ. વ્યાસના એક સિક્યોર મેસેજને ડીકોડ કર્યો છે. આજે રાત્રે ફ્રેશર્સ પાર્ટીમાં એક બહુ મોટો ખેલ થવાનો છે. એક નવું, અત્યંત ઘાતક સિન્થેટિક ડ્રગ ટેસ્ટ કરવામાં આવનાર છે."

આરવની ભ્રમરો ખેંચાઈ. "ટાર્ગેટ કોણ છે?"

"આખું કેમ્પસ. પણ... ખાસ ટાર્ગેટ લિસ્ટમાં એક નામ ઉપર છે, કેપ્ટન." ફેલ્કન એક સેકન્ડ માટે અટક્યો. "આધ્યા. એમનો ટાર્ગેટ આધ્યા છે."

આ નામ સાંભળતા જ આરવના પગ તળેથી જમીન સરકી ગઈ. ગ્રીષ્મા અને નૈનાના લોહીથી ખરડાયેલા ચહેરા એની આંખો સામે ફરી વળ્યા. એની આંખો પહોળી થઈ ગઈ અને પછી તરત જ એક ભયાનક, કાતિલ ગુસ્સામાં ફેરવાઈ ગઈ.

ડૉ. વ્યાસે આરવની સૌથી નબળી અને સૌથી મજબૂત નસ પર હાથ મૂકવાની ભૂલ કરી દીધી હતી.

"પાર્ટીમાં કોઈ ડ્રગ નહીં પહોંચે ફેલ્કન..." આરવનો અવાજ હવે એક વિદ્યાર્થીનો નહોતો, એક ખૂંખાર શિકારીનો હતો. "આજે રાત્રે... હું મોતનો વેશ પહેરીને જઈશ."

(ક્રમશ:)

“નીલ”

ડૉ. નિલેષ ઠાકોર