ભાગ ૬: 'ફેલ્કન' ની એન્ટ્રી
રાતના અઢી વાગ્યા હતા. અમદાવાદના વાતાવરણમાં એક અજીબ બફારો હતો, પણ બોય્ઝ હોસ્ટેલના થર્ડ ફ્લોર પર રૂમ નંબર 404 માં એક અલગ જ દુનિયા શ્વાસ લઈ રહી હતી.
રૂમની એકમાત્ર ટ્યુબલાઈટ બંધ હતી અને માત્ર લેપટોપની સ્ક્રીનનો આછો ભૂરો પ્રકાશ રૂમમાં ફેલાયેલો હતો. પેથોલોજીનો મજનુ જિગ્નેશ (જીગો) ટેબલ પર ચોપડીનું ઓશિકું બનાવીને ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. અને ગોળમટોળ કેતન (કેતિયો) પોતાના પલંગ નીચે છુપાવેલા ઇલેક્ટ્રિક ઇન્ડક્શન સ્ટવ પર ચોરીછૂપીથી મેગી બનાવી રહ્યો હતો. હોસ્ટેલમાં રાત્રે સ્ટવ વાપરવાની સખત મનાઈ હતી.
"ઓય આરવ..." કેતને મેગીમાં મસાલો નાખતા ધીમા પણ ઉત્સાહી અવાજે પૂછ્યું, "ખાશે થોડી? ભાઈ, રાતની મેગી અને સવારની ઊંઘ... જન્નત છે હોં કસમથી!"
પલંગ પર દિવાલને અઢેલીને બેઠેલા આરવે બિલકુલ હળવાશથી સ્મિત આપ્યું અને નકારમાં માથું ધુણાવ્યું. "ના ભાઈ, તું એન્જોય કર."
આરવનો ચહેરો ભલે એકદમ શાંત અને બેફિકર વિદ્યાર્થી જેવો લાગતો હતો, પણ એની નજર બારીની બહાર ઘેરાયેલા અંધકાર પર સ્થિર હતી. એ અંધકારમાં એ કંઈક એવું જોઈ રહ્યો હતો, જે કેતન કે જીગાની કલ્પનાની પણ બહાર હતું.
અચાનક, આરવના ડાબા કાંડા પર બાંધેલી કાળા રંગની રગ્ડ (Rugged) સ્માર્ટવોચમાં બે વાર હળવું, પણ તીક્ષ્ણ વાઇબ્રેશન થયું.
સામાન્ય દેખાતી આ ડિજિટલ વોચ કોઈ મેડિકલ સ્ટુડન્ટની ઘડિયાળ નહોતી. આ દિલ્હીમાં બેઠેલા RAW ના ગુપ્ત કમાન્ડ સેન્ટર સાથે જોડાયેલું એક અત્યંત સિક્યોર અને એન્ક્રિપ્ટેડ ડિવાઇસ હતું.
આરવે ધીમેથી પલંગ પરથી પગ નીચે ઉતાર્યા. "હું વોશરૂમ જઈને આવું," એમ કહીને એ રૂમની બહાર નીકળ્યો અને હોસ્ટેલની અવાવરુ બાલ્કનીના એક અંધારા ખૂણામાં જઈને ઊભો રહ્યો.
આરવે ઘડિયાળની સાઈડનું એક નાનકડું બટન પ્રેસ કર્યું અને પોતાના કાનમાં પહેરેલા અદ્રશ્ય માઇક્રો-ઇયરપીસને સહેજ ટેપ કર્યો.
"જય હિન્દ, કેપ્ટન. સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજમાં સ્વાગત છે." ઇયરપીસમાં એક યાંત્રિક, ભારે અવાજ ગુંજ્યો. આ અવાજ હતો 'ફેલ્કન' નો—આરવનો RAW હેન્ડલર અને મિશનનો ચીફ ઇન્ટેલિજન્સ ઓફિસર.
"રિપોર્ટ, ફેલ્કન." આરવનો અવાજ અચાનક એક કઠોર અને નિર્દય આર્મી ઓફિસર જેવો થઈ ગયો.
"કેપ્ટન, ડૉ. નૈના જોશીનો ઓરિજિનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મેં તમારી સિસ્ટમમાં અપલોડ કરી દીધો છે," ફેલ્કને અત્યંત ગંભીરતાથી કહ્યું. "સ્થાનિક પોલીસે ભલે એને સ્યૂસાઇડ ગણાવીને ફાઈલ બંધ કરી દીધી હોય, પણ એ હત્યા હતી. નૈનાના શરીરમાં 'ફેન્ટાનાઇલ' ના નવા સિન્થેટિક વર્ઝનનો હેવી ડોઝ ઇન્જેક્ટ કરવામાં આવ્યો હતો. સ્યૂસાઇડ તો માત્ર એક ઢોંગ હતો. નૈના એ ડ્રગ નેટવર્કની બહુ નજીક પહોંચી ગઈ હતી, અને આ બધું ડૉ. શશાંક વ્યાસના ઇશારે જ થયું છે."
ડૉ. શશાંક વ્યાસ.
આ નામ સાંભળતા જ આરવની આંખોમાં એક ભયાનક શાંતિ છવાઈ ગઈ. નૈના માત્ર એક એજન્ટ નહોતી, એક બહાદુર ઓફિસર હતી જેણે દેશ માટે પોતાનો જીવ આપ્યો હતો. નૈનાનો લોહીથી લથપથ ચહેરો આરવની આંખો સામે તરવરી ઉઠ્યો, અને એની સાથે જ વર્ષો પહેલાં હાઇવે પર દમ તોડતી ગ્રીષ્માની અંતિમ ચીસ એના કાનમાં ગુંજી રહી હતી. બે અલગ અલગ અકસ્માતો, બે અલગ અલગ જિંદગીઓ... પણ આરવનું દર્દ એક જ હતું. એના નસીબમાં માત્ર પોતાના પ્રિયજનોને ગુમાવવાનું જ લખ્યું હતું. આરવે પોતાની મુઠ્ઠી એટલી જોરથી વાળી કે એની નસો ઉપસી આવી. એણે ઊંડો શ્વાસ લઈને પોતાની અંદર ઊકળતા જ્વાળામુખીને દબાવી દીધો.
"ડૉ. વ્યાસનો ખેલ બહુ જલ્દી ખતમ થશે ફેલ્કન. લેબમાં મારી નજર છે." આરવે ધીમા પણ મક્કમ અવાજે કહ્યું અને કનેક્શન કાપી નાખ્યું.
તેણે ખિસ્સામાંથી પોતાનો સામાન્ય મોબાઈલ કાઢ્યો. વોટ્સએપ પર એક અનસેવ્ડ નંબર પરથી મેસેજ હતો. આરવે ડીપી જોયું. આધ્યા.
મેસેજમાં લખ્યું હતું: "Hey Einstein! આજે વ્યાસ સરના ક્લાસમાં તો તે કમાલ જ કરી દીધો ને ! અને હા, તારો જવાબ ખરેખર બ્રિલિયન્ટ હતો. ગુડ નાઈટ. - આધ્યા."
આ નાનકડા, નિર્દોષ મેસેજને વાંચીને આરવના કઠોર ચહેરા પર, અજાણતા જ, એક આછી નરમાશ અને સ્મિત આવી ગયું. ગ્રીષ્મા પછી કોઈ છોકરીની આવી નિખાલસતા એના સુધી પહોંચી શકી નહોતી. આધ્યાની એ મોટી, આકર્ષક આંખો અને એની વાત કરવાની એ બેબાક અદા... આરવના થીજી ગયેલા હ્રદયમાં ક્યાંક કોઈ હૂંફ પ્રસરાવી રહી હતી.
આરવે ટૂંકો પણ અર્થસભર રિપ્લાય ટાઈપ કર્યો: "Thank you, Topper. ગુડ નાઈટ."
બીજી તરફ, ગર્લ્સ હોસ્ટેલના રૂમમાં બેઠેલી આધ્યા એ મેસેજ વાંચીને ઓશિકામાં મોં છુપાવીને ધીમેથી મલકાઈ રહી હતી. એ છોકરાની ખામોશી અને એની આંખોમાં છુપાયેલું કોઈ ઊંડું દર્દ આધ્યાને એની તરફ ચુંબકની જેમ ખેંચી રહ્યું હતું. આધ્યા સમજી ચૂકી હતી કે આરવ શર્મા નામનું આ પુસ્તક બહારથી દેખાય છે એટલું સરળ નથી.
સીન ચેન્જ...
અમદાવાદના એક અવાવરુ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલું એક ખંડેર ગોડાઉન.
ગોડાઉનની અંદર લાલ રંગની ઝાંખી લાઈટમાં ડૉ. શશાંક વ્યાસ ઊભા હતા. એમની આંખોમાં એક અહંકાર અને શૈતાની ચમક હતી. એમની સામે કેમ્પસનો સૌથી મોટો દાદો અને ડ્રગ ડીલર, ભીમા ભાઉરાવ ઊભો હતો.
"નૈના જોશીએ આપણી સિક્રેટ લેબ સુધી પહોંચવાની ભૂલ કરી હતી, એટલે મારે એનો કાંટો કાઢવો પડ્યો," વ્યાસે સિગારેટનો ધુમાડો હવામાં છોડતા અત્યંત ઠંડા કલેજે કહ્યું. "પણ આજે મારા ક્લાસમાં પેલો નવો ટ્રાન્સફર થયેલો છોકરો... આરવ શર્મા... એણે મને જવાબ આપ્યો. ભાઉરાવ, મને એ છોકરાની આંખોમાં કોઈ ડર નહોતો દેખાયો. અને જેની આંખમાં ડર ના હોય ને, એ આપણી સિસ્ટમ માટે ખતરો બની શકે છે. મને એની કુંડળી કાઢીને આપ. એની નબળાઈ શું છે એ શોધી કાઢ."
ભાઉરાવના ચહેરા પર એક ક્રૂર સ્મિત આવ્યું. "ચિંતા ના કરો સાહેબ. બે દિવસમાં એવો ઈલાજ કરીશ કે કોલેજ છોડીને ભાગી જશે."
બાલ્કનીમાં ઊભેલો આરવ પાછો પોતાના રૂમ તરફ વળતો જ હતો, ત્યાં જ એની સ્માર્ટવોચ ફરી વાઇબ્રેટ થઈ.
આરવે ઘડિયાળ સામે જોયું. સ્ક્રીન પર ફેલ્કનનો ટેક્સ્ટ મેસેજ ફ્લેશ થઈ રહ્યો હતો.
"કેપ્ટન, બી એલર્ટ. એક નવી ઇન્ફોર્મેશન છે. ડૉ. વ્યાસ આ કોલેજમાં એકલા નથી રમી રહ્યા. સિન્ડિકેટનો એક મોટો દલાલ, ડૉ. વ્યાસનો જાસૂસ... ખુદ મેડિકલ સ્ટુડન્ટ્સની વચ્ચે જ એક વિદ્યાર્થી બનીને છુપાયેલો છે. એક એવો ચહેરો જેને તમે કદાચ રોજ જુઓ છો..."
મેસેજ વાંચતા જ આરવના પગ થંભી ગયા. એણે બારણાની તિરાડમાંથી પોતાના રૂમમાં નજર કરી. ખાટલા પર સૂતેલો નિર્દોષ જિગ્નેશ અને મેગી ખાતો કેતન... આરવની નજર હોસ્ટેલના લાંબા, અંધારા કોરિડોર તરફ ફરી.
શું આ હોસ્ટેલમાં, આ વિદ્યાર્થીઓની વચ્ચે જ કોઈ ગદ્દાર છુપાયેલો હતો? આરવની આંખો એક શિકારીની જેમ સાંકડી થઈ ગઈ.
કેમ્પસમાં હવે એક અદ્રશ્ય શિકારીએ પોતાની જાળ બિછાવવાની શરૂઆત કરી દીધી હતી. ખેલ શરૂ થઈ ચૂક્યો હતો.
(ક્રમશ:)
“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર