કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 1 Dr. Nilesh Thakor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 1

ભાગ ૧: કેપ્ટન આરવ સિંહ અને RAW

“કેપ્ટન આરવ સિંહ...” અરીસા સામે ઊભા રહી ને પોતાની વર્દી પર લાગેલી નેમ-પ્લેટ પર આંગળી ફેરવતાં આરવ ધીમેથી ગણગણ્યો.

બાજુમાં જ ટેબલ પર એક ફોટો ફ્રેમ પડેલી હતી. ફોટામાં આર્મી યુનિફોર્મ માં સજ્જ એક અત્યંત પ્રભાવશાળી ચહેરો સ્મિત કરી રહ્યો હતો— મેજર રઘુવીર સિંહ જે હતા આરવ ના પિતા.

આરવે ધીમે થી એ ફોટા ને હાથ માં લીધો. પિતા ના સ્મિત પાછળ છુપાયેલી એક અદ્રશ્ય જવાબદારી (દેશ ની રક્ષા) આરવ પોતાની છાતીમાં અનુભવી રહ્યો હતો.

વર્ષો પહેલાંની એ કાળી રાત આરવ ના મન માં આજે પણ એટલી જ જીવંત હતી. પિતા છેલ્લી વાર મિશન પર જઈ રહ્યા હતાં. નાનકડા આરવે પપ્પા નો હાથ પકડી ને વ્હાલ થી પૂછ્યું હતું, “પપ્પા, તમે પાછા ક્યારે આવશો?”

પપ્પાએ આરવ ને છાતી સરસો ચાંપી ને કહ્યું હતું, “બેટા, એક સૈનિક માટે માતૃભૂમિ ની લાજ રાખવી એ એક ગૌરવ ની વાત છે, મને ખુશી આ વાત ની છે કે મને માતૃભૂમિ ની રક્ષા કરવાનો મોકો મળ્યો. દીકરા તું પણ યાદ રાખજે નેશન ફર્સ્ટ. ”

અને એ મિશન પરથી મેજર રઘુવીર સિંહ પાછા ના આવ્યા. એમનો પાર્થિવ દેહ તિરંગા માં લપેટાઈ ને આવ્યો હતો. આખી દુનિયા રડતી હતી, પણ એ દિવસે નાનકડા આરવ ની આંખો માં આંસુ નહોતાં... એક આગ હતી. એક એવો અડગ નિશ્ચય હતો જેણે એના જીવન ની દિશા નક્કી કરી લીધી હતી. પપ્પા ના અધૂરા સપના ને પૂરા કરવાનો નિશ્ચય.

પિતા ની ઈચ્છા હતી કે દીકરો ડૉક્ટર બને અને લોકો ની સેવા કરે. આરવે પિતા ની એ ઈચ્છા પૂરી કરી. ખૂબ જ મહેનત કરી ને મેડિકલ કોલેજ માંથી MBBS ની ડિગ્રી મેળવી. પણ... એના લોહી માં તો એક શહીદ સૈનિક નો અંશ વહેતો હતો. એ ફક્ત સ્ટેથોસ્કોપ થી લોકો નો ઈલાજ નહોતો કરવા માંગતો, પણ સરહદ પર દેશ ના દુશ્મનો નો ઈલાજ પણ કરવા માંગતો હતો. એની નસો માં વહેતું શહીદ નું રક્ત એને જંપીને બેસવા નહોતું દેતું.

એટલે જ ડૉક્ટર આરવ હવે કેપ્ટન આરવ સિંહ બની ચૂક્યો હતો.

*********************************

 

આજે સવાર સવાર માં અચાનક આરવ ના રૂમ ના ટેલિફોન ની રીંગ વાગી.

“જય હિન્દ, કેપ્ટન આરવ.” સામે થી એક ઘેરો અવાજ આવ્યો.

“જય હિન્દ, સર.” આરવે સાવધાન ની મુદ્રા માં ઊભા રહી ને કહ્યું.

“તમારે અત્યારે જ દિલ્હી હેડક્વાર્ટર રિપોર્ટ કરવાનું છે. એક અત્યંત ગુપ્ત અને મહત્વપૂર્ણ મિશન માટે તમારી પસંદગી કરવામાં આવી છે. તમારો મેડિકલ બેકગ્રાઉન્ડ આ મિશન માટે ખૂબ જ જરૂરી છે.”

આરવ ની આંખો માં એક નવી ચમક આવી ગઈ.

એને ખબર નહોતી કે આ ફોન એની જિંદગી નો રસ્તો ફરી એકવાર બદલવાનો હતો. એક એવો રસ્તો... જે ષડયંત્રો, રહસ્યો અને એક નવા સંબંધ તરફ જઈ રહ્યો હતો.
******************************************

દિલ્હી સ્થિત RAW (Research and Analysis Wing) ના હેડક્વાર્ટરના અતિ-ગુપ્ત ચોથા માળે આવેલી બ્રિફિંગ રૂમમાં આજે એક અસામાન્ય શાંતિ છવાયેલી હતી, જાણે કોઈ મોટું ભયાનક વાવાઝોડાનું આગમન થવાનું ના હોય !

રૂમ શાંત હતો પરંતુ રૂમમાં બેઠેલા દરેક માણસની અંદર એક તોફાન ગાજતું હતું.

રૂમમાં ઠંડક ફેલાવતું એરકન્ડિશન ધીમા અવાજે સતત ગુંજી રહ્યું હતું. દિવાલ પર ભારતનો એક વિશાળ ડિજિટલ નકશો ઝબૂકી રહ્યો હતો. લાલ રંગના અનેક નાના બિંદુઓ નકશા પર દેશના અલગ અલગ શહેરો પર લબક-ઝબક થઈ રહ્યા હતા... એમાંનું એક ઘાટું લાલ બિંદુ 'અમદાવાદ' પર સ્થિર હતું. વિશાળ લંબગોળ આકારના ટેબલની આસપાસ બેઠેલા પાંચેય સિનિયર અધિકારીઓના ચહેરા પર ગંભીરતા અને ચિંતા સ્પષ્ટ વર્તાઈ રહી હતી. ટેબલ પર પડેલી ફાઇલો, અડધા પીવાયેલા કૉફીના કપ અને ધીમા અવાજે ટાઇપ થતાં લેપટોપના કીબોર્ડનો અવાજ વાતાવરણની ગંભીરતામાં વધારો કરી રહ્યા હતા.

ટેબલના મુખ્ય છેડે બેઠેલા કર્નલ રાઠોડે પોતાના ચશ્માં ઉતારીને ધીમેથી રૂમાલથી સાફ કર્યા. એમની આંખોમાં અસંખ્ય ગુપ્ત મિશનોનો થાક, દેશની સુરક્ષાનો કાયમી ભાર અને... પોતાના જ સાથીઓ ગુમાવ્યાનું ઊંડું દુઃખ છુપાયેલું હતું. એમણે એક ઊંડો શ્વાસ લીધો અને રૂમમાં બેઠેલા સૌની સામે નજર ફેરવી.

“વી હેવ લોસ્ટ હર...” (આપણે તેને ગુમાવી દીધી છે...)

આટલું બોલતાં જ આખા રૂમમાં જાણે સમય થોડીવાર માટે થંભી ગયો.

રૂમમાં બેઠેલી એનાલિસિસ વિભાગની સિનિયર અધિકારી અંજલી મહેરાએ તરત જ પ્રોજેક્ટરની સ્વિચ ઓન કરી. રૂમની લાઈટ્સ ડીમ થઈ અને સામેના વિશાળ સ્ક્રીન પર એક પછી એક તસ્વીરો ઉપસવા લાગી.

તસ્વીરોમાં એક મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલનો સૂમસામ કોરિડોર... અડધો ખુલ્લો દરવાજો... ફર્શ પર પડેલી એક તૂટેલી ખુરશી... અને પછી... એક યુવતીનો નિર્જીવ હાથ... જેની આંગળીઓ જાણે છેલ્લી ક્ષણે કોઈ મદદ માટે તરફડી રહી હોય એવું સ્પષ્ટ લાગતું હતું.

સ્ક્રીન પર હવે એ યુવતીનો હસતો ચહેરો દેખાયો.

ડૉ. નૈના જોશી.

માત્ર ૨૭ વર્ષની ઉંમર. RAW ની અત્યંત તેજસ્વી અને બાહોશ અન્ડરકવર એજન્ટ. સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજ, અમદાવાદમાં ફાર્માકોલોજી વિભાગમાં રિસર્ચ સ્કોલર તરીકે છેલ્લા આઠ મહિનાથી એક ગુપ્ત મિશન પર કાર્યરત હતી.

અને હવે... એ માત્ર એક ભૂતકાળ બની ચૂકી હતી.

અંજલીએ ધીમા પણ મક્કમ સ્વરે કહ્યું, “સ્થાનિક પોલીસે આ કેસને પ્રથમ દ્રષ્ટિએ આત્મહત્યા ગણાવ્યો છે. પંખા સાથે લટકતી લાશ અને રૂમમાંથી મળેલી ઊંઘની ગોળીઓ એ જ ઈશારો કરે છે... પણ... આપણી ફોરેન્સિક ટીમે છૂપાવેલો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કંઈક બીજું જ સત્ય રજૂ કરી રહ્યો છે.”

સ્ક્રીન પર હવે પોસ્ટમોર્ટમના ક્લોઝ-અપ ફોટોગ્રાફ્સ આવ્યા. યુવતીના જમણા હાથના કાંડા પાસે બળજબરીથી લગાવેલા ઈન્જેક્શનના નિશાન... પીઠ પર બેરહેમીથી થયેલી મારઝૂડના ઉઝરડા... અને સૌથી ભયાનક... ગળા પાસે ડાબી બાજુએ એક અજીબ પ્રકારનું કાળું, બળેલું નિશાન.

રૂમમાં બેઠેલા એક અધિકારીના મોંમાંથી ધીમો ગણગણાટ સરી પડ્યો, “સ્કોર્પિયો...”

કર્નલ રાઠોડે ભારે મને હકારમાં માથું હલાવ્યું.

સ્ક્રીન પર હવે એ કાળા નિશાનને ઝૂમ કરવામાં આવ્યું. એ એક નાનકડી ધાતુની પિનથી ડામ આપીને બનાવેલું નિશાન હતું. વીંછીના આકારનું નિશાન. એ જ ક્રૂર નિશાન... જે ઇન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટ 'સ્કોર્પિયો' ની ઓળખ હતું.

“ઓપરેશન વ્હાઇટ વેઇન...” અંજલીએ આગળ સમજાવતા કહ્યું, “અમને પાકી શંકા છે કે દેશની કેટલીક પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજોની લેબોરેટરીઓનો ઉપયોગ આ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ નવા પ્રકારના, અત્યંત ઘાતક સિન્થેટિક ડ્રગ્સ બનાવવા માટે કરી રહ્યું છે. સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજ, અમદાવાદ... એ આ આખા નેટવર્કનું હાલનું મુખ્ય કેન્દ્ર છે.”

“મેડિકલ કોલેજ જ કેમ?” એક નવા ઓફિસરે આશ્ચર્યથી પૂછ્યું.

“કારણ કે ત્યાં કોઈને શંકા નથી જતી,” કર્નલ રાઠોડે ચિંતાતુર સ્વરે પ્રત્યુત્તર આપ્યો. “વિદેશથી આવતા પ્રતિબંધિત કેમિકલ્સ અને રો-મટીરિયલ્સને રિસર્ચ અને પ્રેક્ટિકલ ઇન્વેન્ટરી તરીકે સત્તાવાર રીતે દાખલ કરવામાં આવે છે. ચીફ ફાર્માસિસ્ટ અને કેટલાક લેબ ટેકનિશિયનો આમાં મળેલા છે. લેબમાં ડ્રગ્સ તૈયાર થાય છે અને પછી... એ જ કોલેજના નિર્દોષ મેડિકલ વિદ્યાર્થીઓમાં એ ઝેર ફેલાવવામાં આવે છે. નૈના આ ષડયંત્રના મૂળ સુધી પહોંચી ગઈ હતી... અને એ જ એની મોતનું કારણ બન્યું.”

અચાનક બ્રિફિંગ રૂમનો ભારેખમ દરવાજો ધીમેથી ખુલ્યો.

રૂમમાં બેઠેલા તમામ અધિકારીઓની નજર એ તરફ ફરી. ખુલ્લા દરવાજા વચ્ચે એક આછો પડછાયો દેખાયો અને પછી... લશ્કરી શિસ્તબદ્ધ ચાલ સાથે એક યુવાન અંદર દાખલ થયો. આછો વાદળી શર્ટ, કસાયેલું શરીર, અને ચહેરા પર એક એવી શાંતિ... જે કોઈ ઊંડા સમુદ્રમાં જ જોવા મળે.

એ હતો કેપ્ટન આરવ સિંહ.

ઇન્ડિયન આર્મીના મેડિકલ કોર્પ્સ (AMC) નો સૌથી નીડર અને બે સફળ મિશન પાર પાડી ચૂકેલો ડેકોરેટેડ ઓફિસર.

કર્નલ રાઠોડના ચહેરા પર સહેજ ગંભીર સ્મિત આવ્યું. એમણે હાથના ઈશારાથી આરવને ખુરશી પર બેસવા કહ્યું. આરવ શાંતિથી ખુરશી પર બેઠો. એની આંખોમાં કોઈ જ ભાવ નહોતો. ના ડર, ના ઉત્સાહ, ના આશ્ચર્ય. માત્ર એક શૂન્યતા હતી.

એ શૂન્યતા પાછળ એક દર્દનાક ભૂતકાળ છુપાયેલો હતો. આરવના પિતા, મેજર રઘુવીર સિંહ... જેઓ દેશ માટે એક મિશનમાં શહીદ થયા હતા. પિતાની અધૂરી ઈચ્છા પૂરી કરવા આરવે મેડિકલ કોલેજમાં એડમિશન લીધું.

MBBS ના એ સોનેરી દિવસોમાં એના જીવનમાં ગ્રીષ્મા આવી. ગ્રીષ્મા... જેનું હાસ્ય સાંભળીને આરવ પોતાના પિતાને ગુમાવ્યાનું દુઃખ ભૂલી જતો. એનો ખળખળ વહેતો, નિખાલસ પ્રેમ આરવ માટે જીવવાનું બહાનું બની ગયો હતો. પણ... વિધાતાને કદાચ આરવ માટે કંઈક બીજું જ મંજૂર હતું. MBBS ના કોર્સ દરમિયાન જ એક ગોઝારા માર્ગ અકસ્માતે ગ્રીષ્માને કાયમ માટે આરવથી છીનવી લીધી. લોહીથી લથપથ ગ્રીષ્માએ આરવના હાથમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. એ દિવસે આરવ બૂમો પાડી પાડીને રડ્યો હતો.

પણ એ દિવસ પછી... આરવ ક્યારેય રડ્યો નહોતો. ગ્રીષ્માની વિદાયે આરવની અંદર રહેલો 'ડર' હંમેશા માટે ખતમ કરી નાખ્યો હતો. જેને ગુમાવવાનો ડર જ ના હોય, એને મોતથી શું ડર લાગે? બસ, એ જ નિડરતા સાથે એ આર્મીમાં જોડાયો અને એક પછી એક ખતરનાક મિશન પાર પાડીને 'કેપ્ટન આરવ સિંહ' બન્યો.

કર્નલ રાઠોડનો અવાજ આરવને વર્તમાનમાં પાછો લાવ્યો.

“કેપ્ટન આરવ... અમારે એક એવા માણસની જરૂર છે જે મેડિકલ કોલેજની રગેરગથી વાકેફ હોય. જે મેડિકલ કોલેજ ની સંરચના અને કાર્યશૈલીને ઓળખી શકે, દવાઓના કેમિકલ કમ્પોઝિશનને સમજી શકે અને... મોત સામે આંખ મિલાવીને ઊભો રહી શકે. આપણું આગામી મિશન, સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજ, અમદાવાદમાં છે.”

અંજલીએ એક ફાઇલ આરવ તરફ સરકાવી.

“તમારે ત્યાં એક વિદ્યાર્થી બનીને જવાનું છે. દ્વિતીય વર્ષ એમબીબીએસ {સેકંડ યર MBBS} સ્ટુડન્ટ. આ ષડયંત્રની પાછળ રહેલા અને આપણાં દેશના ભવિષ્યને ધીમું ઝેર આપી રહેલાં  દરેક ચહેરાને જેલના સળિયા પાછળ ધકેલવાના છે અને યાદ રહે આરવ... આ ષડયંત્રકારો કોઈ સામાન્ય ગુનેગારો નથી. અહીં એક નાની ભૂલની કિંમત સીધી મોત છે.”

આરવે ધીમેથી ફાઇલ ખોલી. અંદર એનું નવું આઇડેન્ટિટી કાર્ડ હતું.

Dr. Aarav Sharma.

Second Year MBBS Student.

Swami Vivekanand Medical College, Ahmedabad.

આરવે ટેબલ પર પડેલી પેલા વીંછીના નિશાનવાળી ધાતુની પિન હાથમાં લીધી. થોડી ક્ષણો સુધી એ નિર્જીવ પિન તરફ એ જોતો રહ્યો. એની આંખોમાં રહેલી પેલી શૂન્યતા ધીમે ધીમે એક ભયાનક આગમાં પરિવર્તિત થઈ રહી હતી. વર્ષો પહેલાં એણે પોતાની ગ્રીષ્માને એક અકસ્માતમાં ગુમાવી હતી... પણ આ દેશના નિર્દોષ યુવાનોને એ કોઈ ડ્રગ ષડયંત્રનો શિકાર નહીં બનવા દે. ત્યાંજ પોતાના પિતા ના છેલ્લાં શબ્દો “ નેશન ફર્સ્ટ” આંખો સામે તરવરી ઊઠ્યાં,

“સર...” આરવ ધીમા પણ અત્યંત મક્કમ સ્વરે બોલ્યો, “સ્કોર્પિયો સિન્ડિકેટ કદાચ દવાઓ બનાવવામાં નિષ્ણાત હશે... પણ હવે એમના રોગોનો ઈલાજ કરવાનો સમય આવી ગયો છે.”

બ્રિફિંગ રૂમની બહાર દિલ્હીના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહ્યા હતા... એક મોટા તોફાનની શરૂઆત થઈ ચૂકી હતી.

(ક્રમશ:)

“નીલ”

ડૉ. નિલેષ ઠાકોર