ભાગ ૧૨: ગ્રીષ્મા નો સંદેશ
રૂમ નંબર 404 માં પંખાના કચૂડ-કચૂડ અવાજ સિવાય એક ભયાનક, થીજવી દે તેવી નીરવ શાંતિ છવાયેલી હતી. આરવની ગ્લોક પિસ્તોલનું ઠંડુ બેરલ સીધું બંધ દરવાજા તરફ તાકેલું હતું. દરવાજાની નીચેની તિરાડમાંથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે કોઈક બહાર બિલકુલ શાંતિથી ઊભું છે. 'શેડો'.
આરવની આંગળી ટ્રિગર પર કસાવા લાગી. એના શરીરમાં ટેટ્રોડોટોક્સિનનું ઝેર ધીમે ધીમે ફેલાઈ રહ્યું હતું, આંખોમાં ધૂંધળાશ છવાઈ રહી હતી, પણ એક કમાન્ડોની ડીફેન્સ મિકેનિઝમ હજુ પણ સક્રિય હતી.
ત્યાં જ, અચાનક પાછળથી બાથરૂમના દરવાજાનો લોક ખૂલવાનો અવાજ આવ્યો.
આ અવાજ સાંભળતા જ પેલો બહાર ઊભેલો કાળો પડછાયો અચાનક સળવળ્યો અને પગલાંનો કોઈ જ અવાજ કર્યા વગર, એક ભૂતની જેમ ત્યાંથી ગાયબ થઈ ગયો.
આરવે ઝડપથી પિસ્તોલ પાછી ઓશિકા નીચે સરકાવી દીધી અને આંખો બંધ કરી લીધી.
આધ્યા બહાર આવી. એણે પોતાના દુપટ્ટાથી હાથ લૂછ્યા અને આરવ પાસે આવી. આરવના શ્વાસ બહુ ઝડપથી ચાલી રહ્યા હતા. ઝેર હવે એની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર હુમલો કરી રહ્યું હતું.
"આરવ? શું થાય છે તને?" આધ્યાનો અવાજ ગભરામણથી ધ્રૂજી ઉઠ્યો.
આરવે મહામહેનતે આંખો ખોલી. "આધ્યા... મારી બેગની અંદર... નાનકડા ચોરખાનામાં એક લાલ રંગની ગોળી છે. જલ્દી..."
આધ્યાએ કોઈ પણ સવાલ કર્યા વગર બેગ ફંફોસી અને ગોળી કાઢી. એ હકીકતમાં RAW ની મેડિકલ કિટનું બ્રોડ-સ્પેક્ટ્રમ એન્ટી-ટોક્સિન હતું, જે નર્વ એજન્ટ્સ સામે કામ કરતું હતું. આધ્યાએ પોતાના હાથેથી આરવને પાણી પીવડાવીને એ ગોળી ગળાવી.
ગોળી ગળાની નીચે ઉતરતા જ આરવનું શરીર ઢીલું પડી ગયું. ઝેર અને એન્ટી-ડોટ વચ્ચેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. આરવની આંખો ધીમે ધીમે મીંચાઈ ગઈ અને એ એક ઊંડી, અર્ધબેભાન અવસ્થામાં ગરકાવ થઈ ગયો.
*******************************
ચારેબાજુ ઘેરાયેલું સફેદ ધુમ્મસ.
આરવ ખુલ્લા પગે એક સુમસામ હાઇવે પર ઊભો હતો. પણ આ વખતે ત્યાં કોઈ લોહી નહોતું, ગાડીઓની કોઈ ચીસો નહોતી કે કોઈ દર્દ નહોતું. બસ એક અદભુત, રૂંવાડાં ઊભા કરી દે તેવી શાંતિ હતી.
ધુમ્મસમાંથી એક આકૃતિ ધીમે ધીમે એની તરફ આવી રહી હતી.
સફેદ સલવાર-કમીઝ, ખુલ્લા વાળ, અને હોઠ પર એ જ જૂનું, ખળખળ વહેતું નિર્દોષ હાસ્ય.
ગ્રીષ્મા.
"ગ્રીષ્મા..." આરવના ગળામાંથી એક ડૂમો ફાટી નીકળ્યો. વર્ષોથી જે આંસુ એણે પોતાની અદ્રશ્ય દીવાલો પાછળ છુપાવી રાખ્યા હતા, એ આજે વહી નીકળ્યા. એ ગ્રીષ્માની સામે ઘૂંટણભેર બેસી ગયો. "મને માફ કરી દે ગ્રીષ્મા... હું તને ના બચાવી શક્યો.”
ગ્રીષ્માએ ધીમેથી આરવના ચહેરા પર પોતાના બંને હાથ મૂક્યા. એ સ્પર્શમાં કોઈ વસવસો નહોતો, માત્ર હૂંફ હતી.
"આરવ ! મને ખબર છે તું રોજ મારી યાદ માં ઝૂરે છે!" ગ્રીષ્માનો અવાજ કોઈ પવિત્ર મંત્ર જેવો શાંત હતો. "દેશ માટે શહીદ થવું સહેલું છે, પણ કોઈની યાદના ભાર નીચે રોજ ઝૂરવું બહુ અઘરું છે. મેં તને એ ગોઝારી રાત્રે જ કહ્યું હતું કે હું હંમેશા તારો પડછાયો બનીને રહીશ. પણ પડછાયો ક્યારેય કોઈની જિંદગીને રોકવા માટે નથી હોતો. આરવ તારી જિંદગી આમ સાવ થંભી જાય એમ કેવી રીતે ચાલે?"
આરવે રડમસ આંખે ગ્રીષ્મા સામે જોયું.
ગ્રીષ્માએ હળવું સ્મિત કર્યું. "આ નિરાશામાંથી બહાર આવ આરવ ! જો... તારી જિંદગીની નવી સવાર તારી રાહ જોઈ રહી છે." ગ્રીષ્માએ હાથ લંબાવીને ધુમ્મસની પેલે પાર ઈશારો કર્યો. ત્યાં આછો સૂર્યપ્રકાશ હતો અને આધ્યાનો ચહેરો દેખાઈ રહ્યો હતો.
"આધ્યા તને એ જ રીતે પ્રેમ કરે છે, જે રીતે હું કરતી હતી. એ તારા ઘા રુઝાવી શકે છે. તારા હૃદયના ધબકારા ભલે આ માતૃભૂમિ માટે હોય, પણ તારો જીવ હવે આધ્યામાં છે. મારા માટે જીવજે, આરવ... આધ્યાને સ્વીકારી લે. મને હવે કાયમ માટે મુક્ત કર!, હું પણ તને ખુશ જોવા ઈચ્છું છું, તને દુખી જોઈને હું પણ દુખી જ થાઉં છું. આરવ!”
ગ્રીષ્મા ધીમે ધીમે હવામાં ઓગળવા લાગી. એનું હાસ્ય વાતાવરણમાં ગુંજી રહ્યું હતું.
આરવના મન પરથી વર્ષો જૂનો, અસહ્ય પહાડ જેવો બોજ અચાનક હટી ગયો. એક અદભુત શાંતિ એના રોમ-રોમમાં વ્યાપી ગઈ.
ગોળી ની ઘેન ની અસર નીચે આરવ બે કલાક પોઢી રહ્યો. આરવ બારીમાંથી આવતું સૂર્યનું સાંજ નું કિરણ આરવના ચહેરા પર પડ્યું.
આરવે ધીમેથી આંખો ખોલી. એના શરીરનો તાવ સંપૂર્ણપણે ઉતરી ગયો હતો. એન્ટી-ડોટે પોતાનું કામ કરી દીધું હતું.
એણે જમણી તરફ જોયું. આધ્યા પલંગના કિનારે માથું ટેકવીને બેઠાં બેઠાં સૂઈ ગઈ હતી. એણે આરવનો હાથ પોતાના બંને હાથમાં એટલી મજબૂતાઈથી પકડી રાખ્યો હતો, જાણે કોઈ એને છીનવી જશે એવો ડર હોય! આરવ માટે આધ્યા સતત સાથે રહીને કાળજી લઈ રહી હતી.
આરવની અદ્રશ્ય દીવાલો હવે કાયમ માટે તૂટી ચૂકી હતી. ગ્રીષ્માની પરવાનગી અને આધ્યાના આ સમર્પણે આરવના થીજી ગયેલા હ્રદયમાં પ્રેમનું નવું કમળ ખીલવી દીધું હતું. આરવે અત્યંત હળવાશથી પોતાનો બીજો હાથ ઊંચો કર્યો અને આધ્યાના ચહેરા પર વિખેરાયેલી વાળની લટને ધીમેથી કાન પાછળ સરકાવી. એ રેશમી સ્પર્શથી આધ્યાની આંખો ખૂલી ગઈ.
આરવને સ્વસ્થ જોઈને આધ્યાના ચહેરા પર એક અદભુત ચમક આવી ગઈ.
"તું... તું હવે ઠીક છે ને?" આધ્યાએ રાહતનો શ્વાસ લેતા પૂછ્યું.
આરવે કોઈ જ જવાબ આપ્યા વગર, આધ્યાના હાથને પોતાના હાથમાં થોડો વધુ કસીને દબાવ્યો અને એક ઊંડું, અર્થસભર સ્મિત આપ્યું. એ સ્મિતમાં આધ્યા માટે એક મૌન સ્વીકૃતિ હતી. આધ્યાનું હ્રદય ખુશીથી નાચી ઉઠ્યું. એ સમજી ગઈ કે આ માણસ હવે એનો થઈ ચૂક્યો છે.
વાતાવરણમાં એક મીઠો રોમાન્સ અને હળવાશ ફેલાઈ ગઈ હતી. આધ્યા હોસ્ટેલમાંથી પોતાના ઘરે જવા માટે ઊભી થઈ. આરવે એને આભાર અને સ્નેહસભર સ્મિત સાથે દરવાજા સુધી વળાવી.
આધ્યાના ગયા પછી આરવ દરવાજો બંધ કરવા જતો હતો, ત્યાં જ એની નજર જમીન પર પડી.
દરવાજાની નીચેની તિરાડ પાસે એક નાનકડો, સફેદ કાગળનો ટુકડો પડેલો હતો. કાલે રાત્રે પેલા પડછાયાએ આ કાગળ અંદર સરકાવ્યો હતો.
આરવે ઝૂકીને એ કાગળ ઉઠાવ્યો. એ ખોલતા જ આરવના ચહેરા પરની શાંતિ ગાયબ થઈ ગઈ અને એક ભયાનક આઘાત છવાઈ ગયો.
કાગળ પર લાલ શાહીથી માત્ર બે જ લાઈનો લખેલી હતી:
"ટેટ્રોડોટોક્સિન માત્ર ટેસ્ટિંગ હતું, કેપ્ટન આરવ સિંહ. અસલી ખેલ તો હવે શરૂ થશે. - તારો નવો પડછાયો, 'શેડો'."
આરવના પગ જમીન સાથે જકડાઈ ગયા.
ડૉ. વ્યાસનો આ જાસૂસ 'શેડો' માત્ર એક ડ્રગ ડીલર નહોતો. એ આરવની અસલી 'RAW કેપ્ટન' તરીકેની ઓળખ પણ જાણી ચૂક્યો હતો! દુશ્મન આરવ કરતા એક ડગલું આગળ નીકળી ગયો હતો.
(ક્રમશ:)
“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર