કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 11 Dr. Nilesh Thakor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 11

ભાગ ૧૧: આરવનો ભૂતકાળ

રૂમ નંબર 404 ની છત પર જૂનો પંખો કચૂડ-કચૂડ અવાજ કરતો ફરી રહ્યો હતો. બારીની બહાર બપોરનો આકરો તડકો હતો, પણ આરવના શરીર પર ઓઢાડેલી બે જાડી બ્લેન્કેટ હોવા છતાં એ થરથર કાંપી રહ્યો હતો.

પાર્ટીની એ ભયાનક રાત પછીના સતત માનસિક તણાવ, ઊંઘનો અભાવ અને સતત હાઈ-એલર્ટ રહેવાને કારણે આરવના મજબૂત શરીર પર અંતે થાક અને તાવ હાવી થઈ ગયા હતા.

"અલા ભાઈ જીગા, આ આરવનું શરીર તો ભઠ્ઠીની જેમ તપે છે!" કેતને આરવના કપાળ પર પોતાનો જાડો હાથ મૂકતા ચિંતાથી કહ્યું. પછી તરત જ એણે પોતાના પલંગ નીચેથી ઇન્ડક્શન સ્ટવ ખેંચી કાઢ્યો. "ઊભો રે, હું મારી મમ્મીની સિક્રેટ રેસિપીવાળો આદુ, ફૂદીનો અને કાળા મરીનો ઉકાળો બનાવું. એક ગ્લાસ પીશે એટલે સીધો ઊભો થઈને મિલખા સિંહની જેમ દોડવા લાગશે!"

બાજુમાં પેથોલોજીની જાડી ચોપડી લઈને બેઠેલા જિગ્નેશે ચશ્માં સરખા કરતા ગંભીરતાથી કહ્યું, "કેતિયા, તારા એ ઉકાળાથી પેશન્ટ સાજો થાય કે ના થાય, પણ એનું એસિડિટીથી મોત પાક્કું છે! આને હાઈ-ગ્રેડ ફીવર છે, કદાચ વાયરલ ઇન્ફેક્શન અથવા કોઈ એક્યુટ ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સ હોઈ શકે. મારે વ્યાસ સાહેબને જઈને પૂછવું પડશે..."

"કોઈ ક્યાંય નહિ જાય." બેડ પરથી આરવનો ધીમો પણ મક્કમ અવાજ આવ્યો. એણે બંધ આંખે જ કહ્યું, "સામાન્ય તાવ છે. થોડી વાર સૂઈ જઈશ એટલે ઉતરી જશે. તમે બંને ક્લાસમાં જાવ."

"અમે તને આવી હાલતમાં મૂકીને..." કેતન કંઈક બોલવા જતો હતો ત્યાં જ દરવાજે હળવો ટકોરો પડ્યો.

બંનેએ પાછળ વળીને જોયું. દરવાજા પર આધ્યા ઊભી હતી. એના હાથમાં એક ટિફિન અને મેડિકલ સ્ટોરની થેલી હતી. એના ચહેરા પર સ્પષ્ટ ચિંતા અને ગભરામણ દેખાતી હતી.

“આરવ?" આધ્યાએ અંદર પ્રવેશતા ધીમા અવાજે પૂછ્યું.

કેતન અને જિગ્નેશ એકબીજા સામે જોઈને હોઠ દબાવીને મલકાયા. હોસ્ટેલના મિત્રોને ભલે દુનિયાદારી ના આવડતી હોય, પણ આવા સમયે પાછલા દરવાજેથી ક્યારે નીકળી જવું એનું ટાઈમિંગ એમને બરાબર આવડતું હોય છે.

"અમે... અમે બસ જરા લાઈબ્રેરી જઈએ છીએ, આધ્યા. તું બેસ, આરવ ને ઠીક નથી પણ તું આવી ને તો હવે આરવ ને ઠીક થઈ જશે." કેતને જિગ્નેશનો હાથ પકડીને એને લગભગ ઢસડતા બહાર કાઢ્યો અને દરવાજો હળવેથી બંધ કરી દીધો. આધ્યા શરમાઇ ગઈ.

રૂમમાં હવે માત્ર આરવના ભારે શ્વાસનો અવાજ અને પંખાનો અવાજ હતો.

આધ્યા ધીમેથી આરવના ખાટલા પાસે આવીને બેઠી. એણે આરવના કપાળ પર પોતાનો હથેળી મૂકી. આરવનું શરીર ખરેખર અગ્નિની જેમ તપી રહ્યું હતું. આધ્યાનો એ ઠંડો અને રેશમી સ્પર્શ આરવના કપાળ પર પડતાં જ આરવે ધીમેથી આંખો ખોલી.

"આધ્યા... તારે અહીં નહોતું આવવાનું. આ બોય્ઝ હોસ્ટેલ છે," આરવે બેઠાં થવાનો પ્રયાસ કરતા કહ્યું.

"ચૂપચાપ સૂઈ રહે મિસ્ટર એજન્ટ," આધ્યાએ હળવા અધિકારથી એના ખભા પર હાથ મૂકીને એને પાછો સુવડાવ્યો. "ક્લાસમાં ના દેખાયો એટલે મને ચિંતા થઈ. હું તારા માટે ઘરેથી મગનું પાણી અને દવા લાવી છું."

આધ્યાની આંખોમાં રહેલી એ અનહદ કાળજી જોઈને આરવના ગળામાં એક ડૂમો બાઝી ગયો. કોઈ એની આટલી પરવાહ કરી રહ્યું હતું, એ અહેસાસ જ એના કઠોર બની ગયેલા મનને પિગળાવી રહ્યો હતો. આધ્યાએ પોતાના દુપટ્ટાથી આરવના કપાળ પર આવેલો પરસેવો લૂછ્યો.

દવા લીધાની પંદર મિનિટ પછી, દવાની ઘેન અને અત્યંત થાકને કારણે આરવ ગાઢ ઊંઘમાં સરકી ગયો. પણ એ ઊંઘ શાંત નહોતી. તાવના પ્રકોપમાં આરવના મગજમાં દબાયેલો ભૂતકાળ જ્વાળામુખીની જેમ ફાટી રહ્યો હતો. એના કપાળ પર ફરી પરસેવો વળવા લાગ્યો.

આધ્યા એનો હાથ પકડીને બેઠી હતી, ત્યાં જ અચાનક આરવે ઊંઘમાં બબડવાનું શરૂ કર્યું.

"નૈના... એ ગ્લાસ ના પીતી... નૈના!" આરવનો અવાજ પીડાથી ભરેલો હતો. એનો હાથ આધ્યાના હાથને અત્યંત જોરથી દબાવી રહ્યો હતો.

આધ્યા ચોંકી ગઈ. 'નૈના? કોણ છે આ નૈના?'

પછી તરત જ આરવના ચહેરા પર એક ભયાનક દર્દ છવાઈ ગયું. "ગ્રીષ્મા... આંખો ખોલ ગ્રીષ્મા... મને છોડીને ના જા... પ્લીઝ... પ્લીઝ..." આરવની બંધ આંખોના ખૂણેથી આંસુનું એક ટીપું સરકીને ઓશિકા પર પડ્યું.

આધ્યા સ્તબ્ધ થઈ ગઈ. એનું હ્રદય વલોવાઈ ગયું. આ માણસ, જે આખી દુનિયા સામે એક અડગ પર્વતની જેમ ઊભો રહેતો હતો, એ અંદરથી કેટલો તૂટેલો હતો! એની આ અદ્રશ્ય દીવાલો પાછળ કોઈ ષડયંત્ર નહોતું, માત્ર ગુમાવેલા પ્રેમના અસહ્ય ઘા હતા. આધ્યાને સમજાયું કે ગઈકાલે પાર્ટીમાં આરવે જે રીતે વેઈટર પાસેથી ગ્લાસ છીનવી લીધો હતો, એની પાછળ કોઈ જૂની ભયાનક યાદ હતી.

આધ્યાએ ઝૂકીને પોતાના બંને હાથેથી આરવનો ચહેરો પકડ્યો અને એના વાળમાં હળવેથી આંગળીઓ ફેરવતા ગળગળા અવાજે કહ્યું, "શાંત થઈ જા આરવ... હું અહીં જ છું. બધું બરાબર છે..."

આધ્યાના સ્પર્શ અને અવાજની જાદુઈ અસર થઈ. આરવ ધીમે ધીમે શાંત પડ્યો.

થોડીવાર પછી આધ્યા આરવને સૂતો મૂકીને ખાલી ટિફિન ધોવા માટે બાથરૂમ તરફ ગઈ.

બાથરૂમના નળનો અવાજ ચાલુ થયો.

બરાબર એ જ વખતે...

ઝઝ્ઝ... ઝઝ્ઝ...

આરવના કાંડા પર રહેલી સ્માર્ટવોચમાં અત્યંત તીક્ષ્ણ વાઇબ્રેશન થયું. આરવની આંખો અડધી ખૂલી. તાવ હજુ હતો, પણ RAW એજન્ટનું દિમાગ તરત સજાગ થઈ ગયું.

ઇયરપીસમાં ફેલ્કનનો અવાજ ગુંજ્યો, પણ આ વખતે એ અવાજમાં ગભરામણ હતી.

"કેપ્ટન! ઈમરજન્સી! મારી મેડિકલ સિસ્ટમે હમણાં જ તમારી વોચમાંથી તમારા બ્લડ-પ્રેશર અને હાર્ટ-રેટના સેન્સર ડેટા એનાલાઈઝ કર્યા. કેપ્ટન... તમને કોઈ વાયરલ ફીવર નથી!"

આરવની આંખો પૂરી ખૂલી ગઈ. "તો શું છે આ?"

"તમારા શરીરમાં 'ટેટ્રોડોટોક્સિન' (Tetrodotoxin) નું માઇક્રો-ડોઝ ધીમે ધીમે ફેલાઈ રહ્યું છે! આ એક નર્વ એજન્ટ છે જે ધીમો તાવ લાવે છે અને બાર કલાકમાં હાર્ટ એટેક પેદા કરે છે. ડૉ. વ્યાસનું સિન્થેટિક પોઇઝન!"

આરવના પગ તળેથી જમીન ખસી ગઈ. ઝેર? પણ કઈ રીતે?

ફેલ્કને આગળ કહ્યું, "કેપ્ટન, મારી સિસ્ટમ બતાવે છે કે ગઈકાલે રાત્રે ૩ વાગ્યે, જ્યારે તમે સૂતા હતા... ત્યારે રૂમ નંબર 404 નો દરવાજો ખૂલ્યો હતો. ડૉ. વ્યાસના જાસૂસ 'શેડો' એ તમારા રૂમના પાણીના જગમાં આ ઝેર ભેળવ્યું છે! અને કેપ્ટન..."

ફેલ્કનનો અવાજ અચાનક કપાયો.

આરવે તરત જ નજર ફેરવીને ટેબલ પર પડેલા એ જ પાણીના જગ તરફ જોયું, જેમાંથી એણે સવારે પાણી પીધું હતું.

અને પછી એની નજર સીધી રૂમના બંધ દરવાજા તરફ ગઈ.

દરવાજાની નીચે રહેલી તિરાડમાંથી બહાર કોરિડોરની લાઈટ આવતી હતી... અને એ લાઈટને ઢાંકતો એક કાળો પડછાયો (Shadow) બરાબર દરવાજાની બહાર સ્થિર ઊભો હતો!

કોઈ દરવાજાની બિલકુલ બહાર ઊભું રહીને અંદરની વાતો સાંભળી રહ્યું હતું.

અને આધ્યા હજુ બાથરૂમમાં હતી.

આરવે તાવથી ધ્રૂજતા હાથે ઓશિકા નીચે પડેલી ગ્લોક પિસ્તોલ પર પકડ જમાવી. મોત બિલકુલ દરવાજાની પેલે પાર ઊભું હતું.

(ક્રમશ:)

“નીલ”

ડૉ. નિલેષ ઠાકોર