કેટલી ‘પૌષ્ટિક‘ છે ભારતીય થાળી ??? !!!! Ajay Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેટલી ‘પૌષ્ટિક‘ છે ભારતીય થાળી ??? !!!!

                       “ ૯૧% લોકોને વધુ પડતી ખાંડ , મીઠું અને ફેટને લીધે સ્વાસ્થ્ય પર શું અસરો થાય છે એની ખબર છે “..” ૮૧% લોકોને ખાવાપીવાની ચીજોના પેકેટો પર એ ખાદ્યપદાર્થ બનાવવામાં વપરાયેલી સામગ્રીની માહિતી લખી છે એના વિષે જ્ઞાન છે .અને એમાંથી ૪૦% લોકોનું એમ કહેવું છે કે પેકેટ પર લખેલા ઈંગ્રીડન્ટ્સ વિષે એમને પૂરી માહિતી છે ’..’ ટીયર -૧ માં આવતા શહેરો યાની કી મેગાસીટીઝ કરતાં ટીયર-૨ માં આવતા શહેરો યાની કી નાના શહેરોમાં વસતા લોકોમાં ઉપર લખી એ વાતની જાગૃતતા વધુ છે ‘ ..!!! થોડું વિસંગત લાગે છે ને ? ભારતીયો અને આવી બધી અનહેલ્થી ચીજોની જાણકારી ???? બાત કુછ હજમ નહીં હુઈ ..!!!!  જો કે આ હું નહીં પણ ભારતના અગ્રગણ્ય ઉદ્યોગ સંગઠન ‘ એસોચેમ ‘ દ્વારા ભારતના ૧૫ રાજ્યોના મોટા શહેરોમાં પાંચ હજારથી વધુ લોકો પર કરાયેલા ભારતીય ખાનપાનના એક સર્વેના આંકડાઓ છે . નો ડાઉટ ૧૪૦ કરોડના દેશમાં પાંચ હજાર લોકોનો અભિપ્રાય કોઈ ફાઇનલ રિઝલ્ટ ના જ કહી શકાય પણ આ નાનકડો સર્વે એક વાત પર ઈશારો તો કરે જ છે કે ખાનપાન વિષે લોકો સજાગ તો થઈ રહ્યા છે . લોકો સજાગ તો થઈ રહ્યા છે પણ શું આપણી ભારતીય થાળી એ સજાગતાના માપદંડ પર ખરી ઉતરે છે ખરી ? આપણું ખાનપાન ઉપર લખ્યા એ મુજબના જવાબો મુજબનું છે ખરું ? આપણે સજાગ છીએ કે માત્ર જાગતા હોવાનો ઢોંગ જ કરીએ છીએ ?
 

                                 ગંદા હાથને પાણીમાં ઝબોળીને પીરસાતી ‘ સો કોલ્ડ ટેસ્ટી ‘ પાણીપુરી હોય કે જાણીતા ફૂડ જોઇન્ટસના ખાવામાંથી નીકળતા વંદા કે ઇયળો હોય કે પછી મોટી મોટી ફેમસ રેસ્ટોરન્ટ્સના ગંદકીથી ખદબદતા રસોડા હોય .. આવા અનેકો વિડિયોઝ સોશિયલ મીડિયા પર આયે દિન વાયરલ થતાં હોય છે એવામાં આવો સર્વે વિચારતા તો કરી મૂકે . ખેર વાત આજે ભારતીય થાળી કેટલી પૌષ્ટિક છે એની કરવી છે . આપણને બધાને એમ લાગે છે કે દિવસમાં ત્રણેક વાર ભોજન લેવાથી બધા જ પોષક તત્વો મળી જાય છે તો એ આપણી ભૂલ છે . કેમ કે સૌથી મોટી વાત તો એ છે કે ભારતીય થાળીમાંથી પોષક તત્વો ધીમે ધીમે ગુમ થઈ રહ્યા છે . અને આમ પણ આગળ લખ્યું એમ પરંપરાગત ભારતીય થાળીમાંથી માત્ર ૭૦% પોષક તત્વો જ મળે છે . ૨૦૧૬ નો એક સર્વે એમ કહે છે કે મોટાભાગનું ભારત શાકાહારી છે અને એમની થાળીમાં દાળ , શાકભાજી , ફ્રૂટ્સ રહેતા હોય છે પણ આ મોટાભાગની થાળીઓમાં હવે હાઇ ફેટ અને હાઇ સુગર થી ભરપૂર વાનગીઓથી ભરેલી રહે છે . વાત હેલ્થી ખાનપાનની થઈ રહી હોય ત્યારે સેન્ટર ફોર સાઇન્સ એન્ડ એન્વાયરમેન્ટના એક સર્વેની પણ નોંધ લેવી જ પડે . સીએસઈ નો રિપોર્ટ કહે છે કે ભારતના ૭૦% લોકો હેલ્થી ડાયટ લઈ શકે એવી નાણાકીય સ્થિતિમાં છે જ નહીં એટલું જ નહીં પણ દેશના ૧૪% લોકોને પોષક તત્વો તો ઠીક પણ ખાવાનું જ નસીબ નથી થઈ રહ્યું . આ જ રિપોર્ટ મુજબ ન્યુટ્રિશનની કમી ને લીધે ૩૫% બાળકોના ગ્રોથ પર અસર થઈ રહી છે . ફળ , લીલા શાકભાજી અને કઠોળની ભારતીય ભોજનમાં ધીરેધીરે વધતી જતી ગેરહાજરીને લીધે વિટામિન બી ૧૨ અને વિટામિન ડી ની સાથે સાથે જિંક , આયર્ન , કેલ્શિયમ જેવાની તકલીફો સ્વાસ્થ્ય પર પડે છે અને એટલે જ મલ્ટીવિટામિનનું માર્કેટ જોરમાં છે . તમને એમ થશે કે વેજીટેરિયન માટે વિટામીનની કમી નોર્મલ વાત છે તો જણાવી દઉં કે આ સર્વેમાં એવા રાજ્યો પણ હતા કે જ્યાં મહતમ માંસાહારી લોકો છે અને નવાઈની વાત એ છે કે એમનામાં પણ ન્યુટ્રી ડાયેટની કમી દેખાઈ આવી અને એનું પણ કારણ થાળીમાં ન્યુટ્રી પદાર્થોની ગેરહાજરી જ ગણી શકાય .

                             સર્વે મુજબ ૨૦૧૨ પછીનો ઇંડિયન ડાયેટનો સીનારિયો એવો છે કે લગભગ પાંચમા ભાગની વસ્તી ફળ કે દૂધ ભોજનમાં લેતા નથી એટલું જ નહીં પણ અર્ધાથી વધુ શહેરી કે ગ્રામીણ લોકો ઈંડા કે મટન કે મચ્છી નથી ખાતા . એક સમયે પોષક તત્વોથી ભરેલી રહેતી ભારતીય થાળીમાં આજે રેડી-ટુ-કૂક વાનગીઓ અને હાઇ કાર્બોહાઈડ્રેટ કે સુગરવાળી ચીજો આવી ગઈ છે . પહોંચી ના શકતા લોકોની વાત તો જવા દો પણ કેપેબલ લોકોની થાળીમાંથી પણ પોષક તત્વો ગાયબ થતાં જાય છે . એક સામાન્ય ભારતીય પરિવાર પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો વધુ વાપરતો થઈ ગયો છે . પોષક તત્વો અને હેલ્થી ખોરાક પ્રત્યે જાગરૂકતા ઓછી થતી જતી હોય તો એનું એક કારણ આ પ્રોસેસ્ડ ફૂડ અને પ્રોસેસ્ડ ડેરી પ્રોડક્ટ્સનો આપણા ખોરાકમાં અંધાધૂંધ વપરાશ જ છે . યાદ કરો કોરોનાનો એ કપરો સમય .. લોકડાઉન જેવા પીડાદાયક સમયમાં હું ને તમે વધુ હેલ્થી ખોરાક તરફ વળેલા . ઘરનું બનાવેલું અને પકાવેલું જ જમતા તેમજ બજારુ પેક્ડ પદાર્થોનો ઓલમોસ્ટ નહિવત ઉપયોગ કદાચ એ વખતે મજબૂરી હતી પણ હેલ્થ માટે બેસ્ટ હતું . અસલમાં કોરોનાએ આપણને બીજી ચીજોની સાથે સાથે હેલ્થ અને હેલ્થી ખોરાકનું મહત્વ સમજાવેલું જે ખરેખર તો મારે ને તમારે આગળની જિંદગીમાં પણ કેરી ઓન કરવાનું હતું પણ એ જ્ઞાન કોરોનાના જતાં જ આપણે સગવડતાપૂર્વક ભૂલી ગયા . મોટાભાગે જંકફૂડનું વધતું ચલણ , બજારુ ચીજોની – ખાસ કરીને પેક્ડ ફૂડઝની થાળીમાં હાજરી અને હેલ્થ પ્રત્યે ઓછી સભાનતાને લીધે આગળ લખ્યા એ મુજબના શારીરિક પ્રૉબ્લેમો ધરાવતા લોકોની સંખ્યા વધતી જાય છે .

                                   આગળ લખ્યું કે 70% લોકો પ્રોટીનની કમીવાળો ખોરાક લે છે તો 90% ઉપરના લોકોને તો પ્રોટીન એટલે શું અને એ કેમ આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે એની ખબર જ નથી . ઇંડિયન મેડિકલ એસોશીએશનના રિપોર્ટ મુજબ સરેરાશ ભારતીય રોજીંદી જરૂરિયાત કરતાં 48 ગ્રામ પ્રોટીન ઓછું લે છે . હકીકત એ છે કે લગભગ 53% લોકોને હેલ્થી કે ન્યુટ્રી ડાયેટ લેવો જોઈએ એ ખબર છે પણ એ મુજબ ખોરાક લેવો એમને મન પડકારજનક કે અઘરું કાર્ય છે જ્યારે બાકીના પચાસેક ટકા લોકો એવું માને છે કે એ જે ખાય છે એ જ બેલેન્સડ ખોરાક છે અને એમાંથી જ બધુ મળી રહે છે . હકીકતે આપણા મોટાભાગના ખોરાકમાં ઘઉ અને ચોખાના ઉપયોગને લીધે શરીરમાં કાર્બોહાઈડ્રેટનો ભરાવો ચાલુ જ રહે છે . દાળ અને સબજીઓ પ્રોટીનનો ભરપૂર સ્તોત્ર છે પણ આપણે એમાં પણ બટાકા જેવાને ઉમેરીને સ્ટાર્ચવાળો ખોરાક બનાવવામાં પાવરધા છીએ . હજુ બાકી હોય એમ તેલનો છૂટા હાથે ઉપયોગ આપણા શરીરને હળહળતા ફેટના કૂવામાં ધકેલી દે છે . માખણ , ઘી કે તેલ વગરની વાનગીઓવાળી ભારતીય થાળીની કલ્પના તો કરી જુઓ .. દૂર દૂર સુધી આવી કોઈ થાળી નહીં જ દેખાય ..!!!! ઘરડાઓ એમ કહે કે ભારતીય થાળીમાંથી તમને બધુ જ મળી રહે છે .. પ્રોટીન , વિટામિન વગેરે પણ ખાટલે મોટી ખોટ એ છે કે એ થાળી હવે ભૂતકાળ બની ગઈ છે કે ધીરે ધીરે ભૂતકાળ બનતી જાય છે અને આજની થાળીમાં પ્રોસેસ્ડ પદાર્થો , બજારુ મસાલાઓ અને તળેલી આઇટમોનો જીભને ટેંગી અને ટેસ્ટી લાગે એવો જમાવડો રહે છે . ગુજરાતી થાળીનો જ દાખલો લઈ લો ને . મસમોટા નામવાળા થાળમાં ગુજરાતીની હારે હારે પંજાબી , ચાઇનીઝ કે મેક્સીકન વાનગીઓ પણ હોય જ છે . તકલીફ એ છે કે હું ને તમે હેલ્થી ખોરાકનું મહત્વ સમજીએ તો છીએ પણ આવા ઈજીલી અવેલેબલ ખાદ્યપદાર્થોની સામે હેલ્થી ખોરાક લેવા માટે લેવી પડતી એકસ્ટ્રા તસદીઓ અને પ્રયત્નો કરવા તૈયાર નથી અને થયું છે એવું કે આને લીધે રોજરોજ પીરસાતી પરંપરાગત થાળીમાં પોષક તત્વોનું પ્રમાણ ઘટતું જાય છે . માઇન્ડ વેલ પોષક તત્વોનું પ્રમાણ સાવ ઓછું નથી થયું પણ ઓછું થતું જાય છે એવામાં નો ડાઉટ એક જમાનામાં  બધા જ પોષક તત્વોથી સમૃધ્ધ ગણાતી ભારતીય થાળી ધીમે ધીમે એનો ચાર્મ અને એની સ્વાસ્થ્ય સંબંધી ઉપયોગિતા ગુમાવતી જાય છે. તો કરવું શું ? બસ એટલું જ માત્ર કરવાનું છે કે  તેલનો વપરાશ ઓછો , ફળો અને શાકભાજીને વધુ વ્હાલ કરવાનું અને કાર્બોહાઈડ્રેટ ખાદ્યપદાર્થોને માપે માપે આવકારો , અને હા સૌથી ખાસ જંક ફૂડને કાયમી નહીં પણ કામચલાઉ એન્ટ્રી . બાકી વેબસાઈટો અને યુટ્યુબ પર વિસરાતી વાનગીઓની ભરમાર છે જ , ક્લીક  કરો અને થઈ જાવ બેક ટુ હેલ્થી -ન્યુટ્રી ફૂડ તરફ .. આમાં ગુમાવવાનું કઇ નથી પણ સામે અબજો રૂપિયાનું સરસ સ્વાસ્થ્ય મળવાનું એ નક્કી છે ..!!!!(akurjt@gmail.com )