Featured Books
શ્રેણી
શેયર કરો

કામ ‘કેટલું‘ નહીં પણ ‘કેવું‘ થાય છે એ મહત્વનું છે …!!!!

                              ઉત્તરાખંડના લોકો દિવસમાં સરેરાશ 9.6 કલાક કામ કરે છે તો એના પછીના નંબરે આવે છે તેલંગાણા .. જી હા તેલંગાણાના લોકોનો કામ કરવાના કલાકનો એવરેજ રેશિયો છે 9.2 કલાક .. અને ભારતભરમાં સૌથી ઓછા કલાક કામ કરવાની એવરેજ છે 6 કલાક અને એ રાજ્ય છે અત્યારે ખૂબ જ ચર્ચામાં રહેતું મણિપુર ..!!! આટલું વાંચીને એમ થયું હશે કે ગુજરાત કયા ? તો સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે દિવસમાં સરેરાશ 9 કલાક કામ કરીને ગુજરાતી ત્રીજા નંબરે છે અને એની સાથે ત્રીજા નંબરે મહારાષ્ટ્ર પણ છે ..!!!! આ હું નથી કહેતો પણ હમણાં ઈન્ફોસિસના ચીફ નારાયણમૂર્તિએ ‘ દેશને આગળ લાવવો હશે તો સપ્તાહમાં 70 કલાક કામ કરવું જોઈએ ‘ જેવા કરેલા નિવેદન પછી ‘ ધ હિન્દુ ‘ માં છપાયેલા એક અહેવાલમાં એ જાણવાની કોશિશ થઈ કે ભારતમાં કયા રાજ્યના લોકો કેટલા કલાક કામ કરે છે ? જો કે ‘ ધ હિન્દુ ‘ એ આ રિપોર્ટ કયા આધારે અને કેવી રીતે બનાવ્યો હશે એ તો એ જાણે પણ નારાયણમૂર્તિની વાતને અડક્યા વગર એક વાત તો છે કે જ્યાં કમાવાની કે નોકરી-ધંધાની વાત આવે ત્યાં કામના કલાકોનો કોઈ ચોક્કસ ગાળો હોતો નથી એ 70 તો શું પણ 100 કલાક સુધી પણ પહોંચી જતો હોય છે અને આ તો નારાયણમૂર્તિ કહે કે ના કહે તો પણ મને ને તમને ખબર છે ..!!!!


                          નારાયણમૂર્તિનું કહેવું એમ હતું કે 30 વર્ષથી નાની ઉમરના લોકોએ સપ્તાહમાં 70 કલાક કામ કરવું જોઈએ કે જેથી દેશ બીજા પ્રગતિશીલ દેશોની હરોળમાં આવી શકે . નારાયણમૂર્તિની ભાવના સારી હશે અને એમનો કહેવાનો અર્થ એવો હશે કે યુવાનોએ સખત મહેનત કરવી જોઈએ પણ એમની વાતનો ઊંધો અને સવળો બન્ને અર્થ લેવાઈ ગયો છે , કેમકે બટ નેચરલ છે કે કામના કલાકો વધે તો સામે એના વળતર અંગે પણ સવાલો ઊઠવાના જ . જો કે ઈન્ફોસિસના જ ભૂતપૂર્વ સીઇઓ મોહનદાસ પાઇ એ અમુક આંકડા રજૂ કર્યા છે એ મુજબ ભારતના રાજ્યોના લોકો ઓલમોસ્ટ ઓલમોસ્ટ 60 થી 65 કલાકની આસપાસ વીકમાં કામ કરે જ છે . આગળ જે આંકડા લખ્યા એ મુજબ દેશમાં કામના કલાકોની સંખ્યા નારાયણમૂર્તિ ઈચ્છે છે એટલી નહીં તો પણ એનાથી બહુ ઓછી પણ નથી . નારાયણમૂર્તિની 70 કલાક કામ કરવાવાળી વાતની સામે એક દલીલ એ પણ છે કે કામની પૂર્ણતા કામના કલાકોથી નહીં પણ કામની ગુણવતા સાથે જોવાવી જોઈએ . કેટલા કલાક કામ કર્યું એના કરતાં એ મહત્વનું હોવું જોઈએ કે કેવું અને કેટલું સફળ કામ થયું છે ? કોરોનાના સમયનો દાખલો આપણાં સૌની સામે જ છે કે ઓફિસો બંધ હતી એવા સમયમાં પણ લોકોએ ‘ વર્ક ફ્રોમ હોમ ‘ નું જે કલ્ચર અપનાવ્યું એનાથી પ્રોડક્ટિવિટીમાં કોઈ ખાસ ફરક દેખાયો નહોતો ઊલટાનું ઘણી કંપનીઓએ તો આ ‘ વર્ક ફ્રોમ હોમ ‘ કોરોના પછી પણ ચાલુ જ રાખેલું અને મજાની વાત એ છે કે 70 કલાક કામ કરો અલ્યાવ ? આવું કહેનારા નારાયણમૂર્તિજીની જ કંપની ઈન્ફોસિસ પણ આ બદલાવમાં હમણાં સુધી સામેલ હતી અને ખૂબ જ સ્મુધલી  ઇન્ફોસિસમાં ‘ વર્ક ફ્રોમ હોમ ‘ ચાલુ રહેલું .. ઇન્ફેકટ કદાચ હજુ પણ અમુક લેવલે ચાલુ પણ હશે જ ..!!!! કોરોના વખતે જેની ટેવ પડી ગયેલી એ ઝૂમ મિટિંગ , પેપરલેસ ઓફિસ જેવી આદતો આપણે હવે કાયમી રીતે વર્ક કલ્ચરમાં સમાવી લીધી છે અને આ બદલાવ જ પરોડિકટીવીટી માં મદદરૂપ થઈ શકે છે .  

                       વાસ્તવિકતા એ છે કે સરકારી ઓફિસોને છોડીને વાત કરીએ તો કામના ચોક્કસ કલાકોનો સીનારિયો ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે . ઓફિસ કામોમાં હવે ફ્લેક્સિબિલિટીનો ઉપયોગ થઈ રહ્યો છે . હા હજુ પણ કામના ચોક્કસ કલાકો અમલમાં છે જ પણ એને  ‘ કામ કઈ  રીતે થઈ રહ્યું છે  ‘ એના કરતાં ‘ કામ થયું કે નહીં ? ‘ એ દ્રષ્ટિએ જોવાનો સમય આવી ગયો છે . ઘણીબધી પોસ્ટો એવી છે કે જેમાં કામના કોઈ કલાકો નિશ્ચિત નથી હોતા એવા સંદર્ભમાં 70 કે 80 કલાક કામ કરવાના વિધાનનું કોઈ ઔચિત્ય રહેતું નથી અને હવે આમપણ ટેકનોલોજીના જમાનામાં ઘણાબધા કામો ઓફિસથી દૂર રહીને કરાઇ રહ્યા છે કે કરવા પડતાં હોય છે એવામાં ઓફિસમાં આવીને જ થતાં કામોની સંખ્યામાં જબરો ઘટાડો આવી ગયો છે . મોટાભાગની ખાનગી કંપનીઓ કામ થયું કે નહીં ? એના પર વધુ ભાર આપતી થઈ ગઈ છે .  એવામાં 70 કલાક કામ કરો એ નારાયણમૂર્તિનો મંત્ર એટલા માટે પણ વિવાદિત છે કેમકે ટાર્ગેટ બેઝ્ડ માર્કેટમાં 9 થી 5 કે 10 થી 6 ની શિફટનું હવે કોઈ મહત્વ રહ્યું નથી . ઇવન કારીગરો ધરાવતા એકમો પણ મહિનાના ટાર્ગેટ સાથે વર્કફોર્સ અને મેનફોર્સ રાખતા થઈ ગયા છે . હા કામના કલાકો આટલા જ હશે એ મિનિમમ ધારણાઓ મુજબ રાખવામાં આવે છે પણ કામને ટાર્ગેટ બેઝ્ડ બનાવીને કલાકોની ગણતરી કર્યા વગર ‘ કામ પૂરું થવું જોઈએ ‘ એવા એટીટ્યુડનો વ્યાપ વધતો જાય છે .

                            નારાયણમૂર્તિ કહે કે ના કહે પણ સરકારી હોય કે ખાનગી બધી જગ્યાએ કામ પૂરું કરવાની સામે કલાકોની સંખ્યા ગણાતી નથી . હા કદાચ નારાયણમૂર્તિનું એવું કહેવું હશે કે સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર અને કામચોરીને લીધે બગડતા કલાકોને લીધે દેશ ઓછી પ્રગતિ કરી રહ્યો છે તો એ વાત સાથે અમુક અંશે સહમત થઈ શકાય પણ દેશની મોટાભાગની પ્રગતિમાં સરકારીની સાથે સાથે ખાનગી ક્ષેત્રનો પણ વિશાળ ફાળો છે એવામાં જરૂરી એ બને છે કે કામના સ્થળે એક સહિયારું વર્ક કલ્ચર બને . કામના સ્થળે લોકોને એક બહેતર વાતાવરણ મળે , સુવિધાઓ મળે અને ખાસ તો સારું અને કામના કલાકો મુજબનું વળતર મળે . જો આવું થઈ શકે તો 70 કલાકનું કામ 60 કલાકમાં પણ થઈ જવાનું . નારાયણમૂર્તિના વિધાનની સામે દલીલો થઈ રહી છે એમાં એક દલીલ મહત્વપૂર્ણ છે કે જો કામના કલાકો વધે છે તો એ મુજબનું વળતર મળે છે ખરું ? 70 કલાક કામ કરવાની વાત કરનાર નારાયણમૂર્તિની જ ઈન્ફોસિસનો દાખલો લઈ લો તો એમની જ કંપનીમાં ટ્રેઈની અને ફ્રેશર્સના નામે સેલેરી ઓછી જ અપાય છે . બીજું કે સપ્તાહમાં 70 કલાક ઈટ મિન્સ કે દરરોજનું લગભગ 12 કલાક કામ ..!!! જે આમ ટેક્નિકલી જોવા જાવ તો ઘણી મુશ્કેલી ઊભી કરી શકે છે . મુશ્કેલી સામાજિક સ્તરે અને વર્કપ્લેસ સ્તરે ઊભી થઈ શકે . 24 કલાકમાંથી 12 કલાક કામ અને 2 કલાક કામના સ્થળે આવવા જવાનું બાદ કરો અને કમ સે કમ 8 કલાક ઊંઘ તો ફેમિલી માટે 2 કલાક વધ્યા જે સામાજિક રીતે પણ મુશ્કેલ છે . નો ડાઉટ ઘણા બધા શ્રમિકો એવા પણ છે કે જે આ રીતે કામ કરે પણ છે પરંતુ વાત સાર્વજનિક થઈ રહી હોય ત્યારે દેશમાં કામના કલાકો વધારવાની સામે શ્રમ કાયદાઓ અને વેતન સંબંધિત સુધારાઓ કરવા પણ જરૂરી છે .  એક દલીલ એ પણ છે કે યુકે , આયર્લેન્ડ , સ્પેન જેવા અનેક દેશોએ અઠવાડિયામાં ચાર દિવસ કામ અપનાવ્યું છે અને એના સારા પરિણામો પણ મળી રહ્યા છે . અમેરિકામાં અઠવાડિયામાં 40 કલાક , નેધરલેન્ડમાં 29 , બ્રિટનમાં 48, ફ્રાન્સમાં ૩૬ કલાક કામ થાય છે અને આ દેશોની પ્રગતિ નજર સામે જ છે . સ્પર્ધા જો ચીન સાથે હોય તો ચીનની વસ્તીના પ્રમાણમાં અને એમના નિકાસના પ્રમાણે ચીને કામના કલાકો વધુ જ રાખવા પડે . વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના કહેવા મુજબ જો કોઈ માણસ વીકમાં 55 કલાકથી વધૂ કામ કરે છે તો બ્રેઇન સ્ટ્રોકનું જોખમ 35% અને હાર્ટ એટેકનું જોખમ 17% વધી શકે છે . ડૉક્ટરોના મતે વીકમાં 45-50 કલાક આદર્શ છે , 70 કલાક કામ કદાચ કોઈ ગોલ કે આદર્શ હોય શકે પણ એને લાગુ હરગીઝ કરી ન શકાય . કામના કલાકો વધારવા કરતાં કાર્યઉત્પાદકતા , કામના સ્થળે મળતી વિવિધ સુવિધાઓ અને કામના કલાકો  પ્રમાણે કે કામની મહત્તા મુજબ મળવા જોઈતા વળતરથી લઈને કામની યોગ્ય અને સમયસરની વહેચણી થઈ શકે તો પાંચ દિવસનું અઠવાડિયુ પણ કાફી છે >>!!!! (akurjt@gmail.com )