આ ‘ફેટ‘ જીવલેણ છે ...!!!!! Ajay Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આ ‘ફેટ‘ જીવલેણ છે ...!!!!!

                      શરીરે સુખી માણસને જોઈને કે ફાંદ નિકળેલાને જોઈને આપણે કહી કે ‘ વાહ સુખી માણસ છે ‘ . શરીરે સુખી મતલબ બરાબર શરીર જમાવેલ અને ફાંદ નીકળી ગયેલ મતલબ લબડી પડેલા પેટવાળા નહીં પણ ફાંદ જમાવેલ ..!!! ફાંદ ઉપર હાથ ફેરવીને બોલાઈ જવાય ને કે ‘ વાહ સુખિયો તો તુ જ છો ‘ પણ આપણે મન આ ‘ સુખી ‘ હોવાની નિશાની છે એમ ભલે ગણાતું હોય પણ હકીકત એ છે કે આ ‘ ફાંદ ‘ ની મોહમાયાની આડમાં શરીરમાં ખતરનાક રોગો રાહડા લેતા થઈ ગયા હોય છે અને એની ખબર તો મને ને તમને ( આઈ મીન લબડી ગયેલ ફાંદ હોય તો ) બહુ મોડી મોડી થાય છે . જી હા આ બહારથી ગોળમટોળ અને સુખી હોવાની આલબેલ પોકારતી આ ફેટ બોલે તો ચરબીનો હાહાકાર હવે ધીમે ધીમે દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે . આ ‘ સાઇલન્ટ કીલર ‘ સિન્ડ્રોમ પહેલા માત્ર પશ્ચિમી દેશોની મહામારી ગણાતી હતી પણ વેઇટ એન્ડ બી કેરફૂલ કેમ કે હવે આ ‘ ચકોર ચરબી ‘ ભારતમાં પણ એટલો જ કહેર વર્તાવા તરફ આગેકૂચ કરી ચૂકી છે . વાત ચરબી કે જાડા હોવા વિષેની છે પણ ફાંદ તો અહી માત્ર એક ઉદાહરણ છે ચરબીના ચક્રાવાનો બરાબર આલેખ કરવા માટે ..!!

                       વિશ્વસ્તરે મોટાપા બોલે તો જાડિયાપણું બોલે તો ઓબેસિટીની સમસ્યા વિકરાળ મોઢું ફાડીને માનવજાતને ભરખવા તૈયાર બેઠી છે . જી હા , આ મોટાપા યાની કી ચરબીને લીધે દુનિયાભરમાં સ્ટ્રોક , હાર્ટએટેક , ડાયાબિટીસ જેવી સાઈડ ઇફેક્ટ જેવી બિમારીઓથી ત્રસ્ત લોકોની સંખ્યા વધી રહી છે . અને એટલે જ દર ૨૬ નવેમ્બરે વિશ્વમાં ‘ એન્ટી-ઓબેસિટી ડે ‘ મનાવવામાં આવે છે . કેમ ? કારણ કે નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસનની એક શોધ રિપોર્ટ મુજબ દુનિયામાં લગભગ ૧૦૦ કરોડથી વધુ લોકો વધુ વજનની સમસ્યાથી પીડાઈ છે . મતલબ કે દુનિયાની વસ્તી લગભગ ૭૦૦ કરોડ ગણો તો ૧૫% જેટલા લોકોને આ પ્રોબ્લેમ છે . આમાંથી લગભગ ૭૦ કરોડ જેવા જાડિયાપણાંના શિકાર છે . ભારતમાં પણ આ આંકડો લગભગ ૧૩ કરોડ જેવો છે . દુનિયા આ બાબતે બે મોરચે લડી રહી છે . દુનિયામાં એક એવો મોટો વર્ગ પણ છે જે કુપોષણથી ત્રસ્ત છે તો એક આવો પણ વર્ગ છે જે જાડિયાપણાંથી ત્રસ્ત છે ..!!! વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કહેવા મુજબ વિશ્વનો દર છઠ્ઠો નાગરિક મોટાપા અથવા તો ચરબીના ઘેરાવાના ચક્રવ્યુહમાં ફસાયેલો છે અને દર વર્ષે લગભગ ૨૬ લાખ માણસો વધેલી ચરબીને લીધે પોતાનો પ્રાણ ગુમાવી રહ્યા છે . આજનો જમાનો ફીટ રહેવાનો છે , તંદુરસ્ત રહેવાનો છે કેમકે લાઈફ જ એટલી ફાસ્ટ દોડી રહી છે કે માણસે પોતાને એ ભાગદોડ માટે સદાયે ચુસ્ત અને ફીટ રહેવું જ પડે પણ હકીકત એ છે કે આજે વિશ્વમાં મોટાપાએ ધીમી ગતીએ પણ મક્કમ રીતે એક ભયંકર મહામારીનું રૂપ લઇ લીધું છે .

                              ભારતની જ વાત નીકળી છે તો ૫ માર્ચ ૨૦૨૨માં થયેલ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે – ૫ ના આંકડા જોવા જેવા છે . સર્વે કહે છે કે ભારતના મોટાભાગના રાજ્યોના લોકો મોટાપાથી પરેશાન છે .સર્વેની ચોંકાવનારી વાત એ છે કે રાષ્ટ્રીય સ્તરે વજન વધવાની સમસ્યા મહિલાઓમાં ૨૧% થી વધી ને ૨૪ થઈ ગઈ છે તો પુરુષો પણ કાઇ પાછળ નથી . એમાં પણ વધારો ૧૯ થી ૨૩% નો થઈ ગયેલ છે . આંકડાઓમાં વધુ ઊંડા ઊતરીએ તો ૩૦ થી ૩૯ વર્ષની મહિલાઓ ૫૦% અને ૪૦ થી ૪૯ વર્ષની લગભગ ૫૭% મહિલાઓ આ મૂઆ ‘ વધતાં વજન ‘ થી પરેશાન છે . વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન નો રિપોર્ટ તો ત્યાં સુધી કહે છે કે આવનારા ૧૨ વર્ષોમાં લગભગ અર્ધી દુનિયા આ ઓબેસિટીથી પીડાતી હશે . રિપોર્ટ તો ત્યાં સુધી કહે છે કે ઓછી આવકવાળા દેશોના લોકો આનો વધુ શિકાર બનશે અને વધુ ચોંકાવનારું એ છે કે આમાં વધુ સંખ્યા બાળકોની હશે . બ્લૂમબર્ગ નો નવેમ્બરમાં જ આવેલો એક રિપોર્ટ કહે છે કે ભારતમાં દર ચારમાંથી એક વ્યક્તિ ઓવરવેટ કે જાડિયાપણાથી પરેશાન છે . સર્વે ની જ અને બાળકોની જ વાત નીકળી છે તો આ પણ જાણી લો કે સર્વે મુજબ ૨૦૨૫ સુધીમાં સૌથી વધુ સ્થૂળ બાળકો ચીનમાં હશે . ભલે ને ચીનાઓ સૌથી વધુ ફીટ ગણાય છે . જો કે આપણે હરખાવા જેવુ એટલા માટે નથી કે બાળકોની સ્થૂળતાની બાબતમાં ચીન પછી આપણે બિરાજવાના કેમકે લગભગ ૨ કરોડ જેટલા બાળકો ૨૦૨૫ સુધીમાં સ્થૂળતાથી પીડાતા હોવાના . મોટાપા-એટલાસ ૨૦૨૩ એ તો મોટાપા સામે લડવા માટે તૈયારી કરતાં દેશોના લિસ્ટમાં ૧૮૩ માં થી ભારતને ૯૯ માં સ્થાને રાખેલ છે , મતલબ કે હજુ આપણે આ ફેટ ના ફેટલ એક્સિડન્ટ બાબતે બહુ જાગૃત નથી જ .

                            ખતરાની ઘંટડી કાન ફાડી નાખે એવા અવાજે વાગે એવી વાત એ છે કે ચરબીનો ઘેરાવો જે ખુદ બીજી બીમારીઓ માટેનું નિમિત હોવાની સાથે સાથે પોતે ખુદ જ એક બીમારી છે જે લોકો ઓવરવેઇટ અને ઓબીસ છે તેમને કિડની ડિસીઝ થવાનું રિસ્ક સાધારણ લોકો કરતાં ૨-૭ ટકા વધુ છે. બ્રિટીશ મેડીકલ જર્નલમાં પ્રકાશિત એક સર્વે – સંશોધન મુજબ સ્થૂળતા એ ૧૧ જુદા જુદા પ્રકારના કેન્સર થવાનું એક નિમિત પણ છે . સર્વે કહે છે કે ધુમ્રપાન ની જેમ જ સ્થૂળતા પણ કેન્સર થવાનું એક સોલીડ કારણ છે . જો કે મોટાપાના ઘણા કારણો છે એમાનું એક કારણ જીનેટિકલી પણ છે . ઘણાને સ્થૂળતા વારસામાં મળેલી હોય છે તો સ્ત્રીઓમાં સ્થૂળતાના કારણોમાં પ્રસૂતિ પછીના શારીરિક ફેરફારો અને હોર્મોન ચેન્જીસ છે . આ સિવાય હાર્મોનલ ઇમબેલેન્સ , ટેન્શન , દવાઓની સાઈડ ઇફેક્ટ અને ઓછી ઊંઘ પણ આના કારણો છે જ પણ મને અને તમને સાવ નરી આંખે નથી દેખાતું એવું એક કારણ છે અનહેલ્થી ખોરાકનું વધતું ચલણ ..!!! જી હા , જંક ફૂડનું સામ્રાજ્ય જેટલું વિસ્તરશે એટલું જ જાડિયાપણાનો ફેલાવો વધવાનો ..!!! ખાવા-પીવાની ટેવો અને કસરતનો અભાવ અથવા તો શારીરિક શ્રમના અભાવને ને દોષ દઈ શકાય ..!! આપણે પંજાબી ને ફાસ્ટફૂડ ને પિત્ઝા ને બર્ગર દબાવ્યા તો કરવા છે પણ કસરતને નામે કશું કરવું નથી . . એ સિવાય શહેરીકરણ , શ્રમનો અભાવ , બેઠાડું જીવન, પોષણ વગરનું ફૂડ જેવા અનેકો કારણોની સાથે સાથે મોબાઈલનું વળગણ પણ હવે એક લેટેસ્ટ કારણ છે . ખીલે બાંધેલા ઢોરની જેમ હું ને તમે મોબાઈલ નામના ખૂટે આખો દિવસ બંધાયેલા રહીએ છીએ એમ જમીને ૧૦૦૦ ડગલાં ચાલવા જેવા સિમ્પલ હેલ્થી ફિટ રહી શકાય એવો સમય પણ કયા..???

                        જો કે જાડા અને તંદુરસ્ત એ બન્ને અલગ છે . જેમાં વધારાની ચરબી વધુ એ જાડા એવું સાદું ગણિત સમજ્યા પછી એમ થાય કે અત્યાર સુધી જાડા.. જાડા તો કર્યું પણ આ જાડા ની વ્યાખ્યા શું ? . એ જાણવા માટે બોડી માસ ઇન્ડેક્ષની મદદ લઇ શકાય . તમારી લંબાઈને ( મીટરમાં ) એ જ આંકડાથી ગુણીને પછી એને તમારા વજનથી ભાગી જુઓ . એ તમારો બોડી માસ ઇન્ડેક્ષ આવશે . જો એ ૧૮.૫૦ થી ઓછો છે તો આપ અન્ડરવેઇટ છો અને જો એ ૩૦થી વધુ છે તો આપ જાડા-મોટા છો ..!!! એ જ રીતે કમરનો ઘેરાવો પુરુષો માટે ૯૪ અને સ્ત્રીઓ માટે ૮૮ સેન્ટીમીટરથી વધુ નીકળે તો બધું પડતું મુકીને માંડો દોડવા કે કસરત કરવા કે સલાડ ખાવા કે પછી જંક ફૂડને ના-ના કરવા .. બીકોઝ મુબારક હો આપ મોટાપા કી સીમારેખા કો પાર કર ગયે હો ...!!!! આ સિવાય થોડાક નુસખા છે જ જેમકે દરરોજ કસરત કરો – વોકિંગ કરો , દિવસમાં ૬-૭ વાર કટકે કટકે જમો અને જ્યુસ , ફળ અને લીલા શાકભાજી વધુ જાપટો , નિયમિત ચેકઅપ કરાવો , , ડીનર હળવું પણ બ્રેકફાસ્ટ હેવી કરો , બને એટલા સોફ્ટ ડ્રીંક કે જેમાં કાર્બોહાઈડ્રેટ વધુ હોય છે એને ટાળો ....વગેરે વગેરે ....!!! જો કે એક સર્વેમાં લોકો વજન ઘટાડવા શું કરે છે ? એવા સવાલના જવાબમાં 60% લોકોએ ખોરાક પર નિયંત્રણને બેસ્ટ ઉપાય ગણાવ્યો તો 25% જેવા ઉપવાસ પર અને 6% જેવા લોકો વજન ઘટાડવાની ગોળીઓ પર વિશ્વાસ રાખતા મળ્યા .જો કે ‘ મૈ પહેલે બહોત મોટા થા ‘ ટાઈપની કે પછી ‘ વજન ઘટાડો ફટાફટ ‘ ટાઈપની જાહેરાતોના ચક્કરમાં તો પડશો જ નહીં કેમકે તબીબો કહે છે કે વજન જેટલી ઝડપે અને જે રીતે વધ્યું હોય ઓલમોસ્ટ એ જ રીતે ઘટવાનું . હા હવે તો વધારાની ચરબી દૂર કરતાં ઓપરેશનો પણ છે અને આયુર્વેદમાં અને ઇવન એલોપેથીમાં આની દવાઓ અને ઉપાયો છે જ પણ એના માટે બહુ બધી ધીરજ હોવી જરૂરી છે .કેમકે આફ્ટર ઓલ જેનાથી વજન વધ્યું છે એ સ્વાદીયો જીવ કંટ્રોલમાં કરવું સહેલું કામ તો નથી જ ને !!!! (akurjt@gmail.com