એકલતાનો સહારો Vijita Panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સીમાંકન - 6

    ડૉરબેલનાં રણકારે ત્રિજ્યા વિચારોમાંથી બહાર આવી, ઉભી થઇ દરવાજ...

  • અગ્નિસંસ્કાર - 89

    અંશે પિસ્તોલ આર્યન પર નહિ પરંતુ થોડેક દૂર દીવાલ પર ચલાવી હતી...

  • લાશ નું રહસ્ય - 6

    લાશ નું રહસ્ય પ્રકરણ_૬આખા રૂમમાં અનિલની જિસ ગુંજી અને પડઘા પ...

  • શ્રાપિત પ્રેમ - 9

    તે જેલ ખૂબ મોટી હતી એટલે રાધા ને તેની બાકીની ચાર સખીઓ સાથે મ...

  • વિષ રમત - 25

    વાચક મિત્રો , CHALLANGE ..!!!CHALLANGE ..!!!CHALLANGE ..!!!મ...

શ્રેણી
શેયર કરો

એકલતાનો સહારો

રાધાબેન આજે બહુજ ખુશ હતાં. થોડાં મહિના પહેલાં જ એક કબૂતરે એમનાં ઘરનાં ઝરૂખામાં બારી આગળ જ સુંદર મજાનો માળો બનાવ્યો હતો. પહેલાં તો રાધાબેન એ માળાથી અને એનાંથી થતી ગંદકીથી બહુ જ ગુસ્સે થઈ જતાં પણ એ કબૂતર ત્યાં આવવાનું ભૂલે જ નહિ. ઘણીવાર માળો પાડ્યો પણ એ જ જગ્યાએ કબૂતર આવીને ફરીથી માળો બાંધી જાય. છેવટે એનાંથી કંટાળીને રાધાબેને એ બારીને જ કાયમ માટે બંધ કરી દીધી. લગભગ એક મહિનામાં જ કબૂતરે ત્યાં આવીને બે ઈંડા મૂક્યાં. રોજ કબૂતર એ ઈંડાને પોતાના જીવની જેમ સાચવવા લાગ્યું અને હવે તો એ જગ્યાએથી ઉડીને કબૂતરે બહાર જવાનું પણ બંધ કરી દીધું. એકવાર રાધાબેનને થયું કે હમણાંથી કબૂતરનો જરાય અવાજ આવતો નથી એટલે એક દિવસ એમણે બારી ખોલીને જોયું તો અંદર કબૂતરે બે સરસ મજાનાં ઈંડા મૂક્યાં હતા ને કબૂતર એની પર બેસીને એનું ધ્યાન રાખતું હતું. આ જોઈ એકદમ રાધાબેનને એમનો ભૂતકાળ યાદ આવી ગયો.
આજથી પાંચ વર્ષ પહેલાં એક રોડ એક્સિડન્ટમાં રાધાબેન એમના પતિ અને એમના સાત વર્ષના દીકરાને ગુમાવી બેઠા હતાં અને એ આઘાતમાંથી હજી પૂરી રીતે બહાર આવી શકતા નહોતા એટલે તેઓ અહીં એકલા જ રહેતા હતાં. ઈંડા જોઈને એમને અચાનક એવું થયું કે શું હું એટલી બધી નિર્દય છું કે એક માથી એના બાળકને છીનવી લઉં..? બસ પછી તો રાધાબેન ખુશીથી એ ઈંડામાંથી બચ્ચાંની બહાર આવવાની રાહ જોવા લાગ્યાં. આજે એ વાતને બે થી ત્રણ મહિના થઈ ગયા ને કબૂતરે એનાં માળામાં બે મસ્ત મજાનાં બચ્ચાંને જન્મ આપી દીધો હતો એટલે રાધાબેન ખૂબજ ખુશ હતાં. કબૂતર જ્યારે પણ બહાર જાય ત્યારે તેઓ એ બચ્ચાંને બહુજ દિલથી સાચવતા હતા કે ક્યાંક એ નીચે ના પડી જાય. બસ પછી તો રાધાબેન એ બારીને રોજ ખુલ્લી જ રાખવાં લાગ્યાં. પોતાના સમયે પોતાનું કામ કરે અને બાકીના સમયમાં એ આ બચ્ચાં સાથે દિલની વાતો કરી પોતાનું મન હલકું કરે. ધીમે ધીમે બચ્ચાં તો મોટાં થવા લાગ્યાં. રાધાબેન પણ હવે એમના આઘાતમાંથી ધીમે ધીમે બહાર આવવા લાગ્યા હતા. હવે એમનો સમય પણ સારી રીતે પસાર થવા લાગ્યો હતો. એક દિવસ રાધાબેનને થયું કે આ રીતે એમનું જીવન કઈ રીતે પસાર થશે, તેમની પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હતી એટલે એમણે ઘરે રહીને નાનાં બાળકોનું ટ્યુશન ચાલુ કરી દીધું એટલે સાથે સાથે એમની બારીમાં રહેલાં બચ્ચાંઓની પણ સેવા કરી શકાય. રાધાબેનના ટયુશનના છોકરાઓ અને આ બચ્ચાં એમની એકલતાનો સહારો બનવા લાગ્યા હતા.આમ ને આમ સમય જવા લાગ્યો.
એક દિવસ સવારે રાધાબેન ઉઠ્યા, ચા પાણી કરીને નાહીધોઈ પૂજા કરવા બેઠા. ભગવાનને એમના દરેક બાળકો અને કબૂતરના બે બચ્ચાં માટે દિલથી પ્રાર્થના કરતાં હતાં ને અચાનક થોડીવાર પછી કંઈક ઉડવાનો મોટો અવાજ આવ્યો. એકદમ આંખો ખોલીને ફટાફટ ઊભા થઈ રાધાબેને પેલી બારી ખોલીને જોયું તો અંદર રહેલું કબૂતર અને એના બે બચ્ચાં પોતાનું ઠેકાણું છોડી ઉડી ગયા હતાં અને એ જગ્યા સાવ કોરીકટ થઈ ગઈ હતી.તે દૃશ્ય જોઈ રાધાબેનને દિલમાં અનહદ દુઃખ થયું ને આજે ફરી એમને થોડીવાર માટે એવું લાગ્યું કે પોતે ફરી ક્યાંક એકલતા તરફ તો નહીં જવા લાગે ને..! ભૂતકાળમાં પોતાનું બાળક ખોયાનું દુઃખ આજે એમને યાદ આવી ગયું. હિંમત ભેગી કરીને રાધાબેન એ સહારાની યાદમાં જીંદગી વીતાવવા લાગ્યાં પણ રાધાબેનની કાયમ ખુલ્લી રહેતી બારી આજે હવે સદાય માટે બંધ થઈ ગઈ હતી...