શ્રી હનુમાન જન્મોત્સવ Rajesh Kariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રી હનુમાન જન્મોત્સવ

હનુમાન એ હિંદુ દેવતા અને પ્રભુ શ્રી રામના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. તેઓ બળ,બુદ્ધિ, વિદ્યા અને ભક્તિ ના દેવતા મનાય છે. રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે.તેઓ અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે. તેમનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની શ્રી હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવણી થાય છે. હનુમાનજી ની જન્મની કથા જાણીએ...

સૂર્યના વરથી સ્વર્ણ બનેલા સુમેરુમાં વાનર રાજા કેસરીનુ રાજ્ય હતુ. તેની અતિ સુંદર અંજની નામની પત્ની હતી. એક વાર અંજનીએ પોતાની ઇરછાનુસાર સુંદર સ્ત્રીનો દેહ ધારણ કર્યો. પૂર્ણ સ્ત્રીત્વ સાથે તે સુંદર પુષ્પોની માળા, અલંકારો અને સૌમ્ય વસ્ત્ર ધારણ કરીને વર્ષાઋતુમાં પર્વતના શિખર પર વિચરવા લાગી. આ સમયે પર્વતની ટોચ ઉપર વાયુ સડસડાટ વાતો હતો. અંજનાના શરીર ઉપરનું સૂક્ષ્મ વસ્ત્ર વાયુએ ખસેડી નાખ્યું.

સર્વાંગ સુંદર એવી યશસ્વિની અંજના ઉપર વાયુદેવ તત્કાળ કામવશ થઇ ગયા. તેમણે અદ્રશ્ય સ્વરૂપે પોતાની લાંબી ભુજાઓ પ્રસારી અંજનાને છાતી સાથે ચાંપી ગાઢ આલિંગન કર્યું. આથી વાયુદેવનું આત્મતેજ તરત જ અંજનાના ગર્ભની અંદર પ્રવિષ્ઠ થઇ ગયું.જયારે અંજનાને ભાન થયું કે પોતાને કોઇએ ગાઢ આલિંગન કર્યું છે પરંતુ દ્રષ્ટિએ કોઇ પુરુષ જોવામાં આવતો નથી. ગભરાયેલી અંજના એકદમ ક્રોધિત થઇ બોલી, ‘મારા પતિવ્રતને કલંક લગાડનાર તું કોણ છે?’

આ સાંભળી વાયુદેવ તરત જ પ્રત્યક્ષ થયા અને અંજનાને સાંત્વન આપતાં બોલ્યા : ‘હે, સુશ્નોણી! તું ભય ન પામ. હું તારા પતિવ્રતનો નાશ નહીં કરું. હે મહાયશસ્વિની તારા પર મારું મન અત્યંત આસકત થવાથી મેં તને માત્ર આલિંગન જ કર્યું છે. પરંતુ તેથી તને મારા અંશરૂપે એક મહાસમર્થ પુત્ર પ્રાપ્ત થશે. તેના સામર્થ્ય, બુદ્ધિ, તેજસ્વી, બળ, પરાક્રમને ત્રિલોકમાં કોઇ પણ આંબી નહીં શકે. તદ્દન મારા સમો જ થશે.’ સમય જતા અદ્ભુત શકિતશાળી પુત્રનો જન્મ થયો. તે પુત્ર એટલે મહાબલી હનુમાનજી.

મહાવીર હનુમાન કપિવર કેસરીના ક્ષેત્રજ પુત્ર અને વાયુદેવના ઔરસ પુત્ર છે. હનુમાન બચપણમાં ઉદય પામતા સૂર્યને કોઇ તેજસ્વી ફળ માનીને તેને પકડવાની ઇરછાથી આકાશમાં ઊડવા લાગ્યા અને તેજગતિથી ત્રણ હજાર યોજન ઊચે ગયા, ત્યારે સૂર્યએ પોતાના તેજ વડે પાછા પૃથ્વી પર નાખ્યા. છતાં પણ બાલહનુમાન વાતાત્મજન હોવાથી ફરીથી શીઘ્ર ગતિથી સૂર્ય તરફ ધસ્યા. દેવતાઓમાં હાહાકાર મચી ગયો. બાલહનુમાનને રોકવા માટે ઇન્દ્રએ તેમના પર વજ્રનો પ્રહાર કર્યો. આથી તેમનો ડાબો હનુ(હડપચી) છેદાઈ અને તે એક પર્વતના શિખર પર પડયા. આથી જ અંજનીપુત્ર ‘હનુમાન’ કહેવાયા.

એકવાર પોતાના પુત્ર ઉપર ઇન્દ્રના શસ્ત્ર વજ્ર પ્રહારથી વાયુદેવ ક્રોધિત થયા અને આખા બ્રહ્માંડમાંથી પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું. સૃષ્ટિમાં વાયુ વગર હાહાકાર થઇ ગયો ત્યારે દેવતાઓએ સ્તુતિ કરી વાયુદેવને પ્રસન્ન કર્યા. પ્રસન્ન થયેલા વાયુદેવે દેવતાઓને પોતાના પુત્રને વરદાન આપવા કહ્યું - તરત જ બ્રહ્માજીએ વરદાનરૂપે હનુમાનનું શરીર વજ્રનું કરી દીધું અને સર્વ દેવતાઓએ પણ વિવિધ શકિતઓ આપી હનુમાનજીને મહાશકિતશાળી બનાવી દીધા. આ રીતે વરદાનના પ્રભાવથી આગળ જઈને હનુમાનજીએ અમિત પરાક્રમના કામ કર્યા. તેઓ બધા ભક્તોમાં પ્રખ્યાત ભક્ત છે. તેઓ અનેક પ્રકારની રામાયણો, પદ્મ, સ્કન્દ અને વાયુ વગેરે પુરાણો અને ઉપાસના વિષયના અગણિત ગ્રંથોથી જ્ઞાત છે.

રામાયણમાં રામે સીતાની શોધનું કપરું કાર્ય હનુમાનને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું. રામને હનુમાન ઉપર પૂર્ણ વિશ્વાસ હતો, તેથી જ જ્યારે રાવણનાં ભાઈ વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા રામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો. કારણ કે રામ હનુમાનને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાને સીતાને અશોક વાટીકામાં આત્‍મહત્‍યાનાં માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિદ્વાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. રામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાન હંમેશા સાથે હતા. ઇન્દ્રજીતના બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્મણને ઔષધી લાવીને હનુમાને બચાવેલા. રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાને આપ‍વા રામ હનુમાનને મોકલે છે.

આજે અમે તમને મહાબલી બજરંગબલીના જીવન વિશે એવા રહસ્યો જાણીએ, જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. આજે અમે તમને આ લેખમાં બજરંગબલી હનુમાનજી સાથે જોડાયેલ એવી ચમત્કારિક શક્તિઓ અને જાણકારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને જાણ્યા બાદ તમને પણ વિશ્વાસ આવી જશે કે આ પૃથ્વી પર કળિયુગમાં જો કોઈ શ્રેષ્ઠ અને હાજર હજૂર દેવતા હોય, તો તે હનુમાનજી છે. તો ચાલો જાણીએ તે મહત્વની ચમત્કારિક શક્તિઓ વિશે.

એક વખત રાજા યયાતિએ ભગવાન શ્રી રામના ગુરુ વિશ્વામિત્રનું અપમાન કર્યું, જેના કારણે ક્રોધિત થઈને વિશ્વામિત્રએ ભગવાન શ્રી રામને રાજા યયાતિને મૃત્યુ દંડ આપવાનો આદેશ કર્યો. ત્યારે રાજા યયાતિ હનુમાનજીના માતા અંજનીના શરણે જાય છે અને પ્રાણ બચાવવાની યાચના કરે છે. ત્યારે હનુમાનજીના માતા અંજની યયાતિને રક્ષા કરવાનું વચન આપે છે. પછી તે યયાતીને પૂછે છે કે યુદ્ધ કોની સાથે લડવાનું છે. ત્યારે માતા અંજની અને હનુમાનજીને ખબર પડે છે કે યુદ્ધ ભગવાન શ્રી રામ સાથે લડવાનું છે, ત્યારે તેમની માતાના આદેશના કારણે હનુમાનજીએ યયાતિની રક્ષા કરવા માટે ભગવાન શ્રી રામ સામે લડવા જવું પડે છે. પરંતુ હનુમાનજી ભગવાન શ્રી રામ સાથે અસ્ત્રશસ્ત્ર ઉઠાવતા નથી અને માત્ર રામ રામ જપે છે. જેથી ભગવાન રામ દ્વારા થયેલા બધા જ પ્રહાર હનુમાનજી પર નિષ્ફળ જાય છે અને આ જોઇને વિશ્વામિત્ર હનુમાનજીની શ્રદ્ધા ભક્તિ અને વચન જોઇને તેમનાથી ખુશ થાય છે. ભગવાન શ્રી રામને તેના ધર્મ સંકટમાંથી મુક્ત કરી યુદ્ધ રોકવાનો આદેશ આપે છે અને યયાતિને જીવન દાન આપે છે.

અત્યાર સુધી આપણે હનુમાનજીને ભગવાન શ્રી રામની સેવામાં ઉપસ્થિત અને તેમના ધ્યાનમાં લીન થયેલા હોય, તેવું જ સાંભળ્યું છે. પરંતુ તમને જણાવી દઈએ કે રામભક્ત હનુમાનજી માતા જગદંબાના પણ સેવક છે. હનુમાનજી માતાની આગળ આગળ ચાલતા હતા અને ભૈરવનાથજી તેમની પાછળ પાછળ ચાલતા એવું કહેવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ તમે એક વાત નોટીસ કરી હોય તો દેશમાં જેટલા પણ માતાના મંદિર છે ત્યાં લગભગ બધી જગ્યાએ તેમની આસપાસ હનુમાનજી અને ભૈરવનાથજી મંદિર હોય છે.

તુલસીદાસજીએ હનુમાનજીની પ્રાર્થના માટે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, હનુમાન બહુક વગેરે જેવા અનેક સ્ત્રોતની રચના કરી હતી. પરંતુ તમે કદાચ નહિ જાણતા હોય કે સૌથી પહેલા હનુમાનજીની સ્તુતિ વિભીષણે કરી હતી. સૌથી પહેલા વિભીષણે હનુમાનજીના શરણે આવીને તેમની સ્તુતિ કરી હતી. તમને એ પણ જણાવી દઈએ કે વિભીષણે હનુમાનજીની સ્તુતિમાં એક ખુબ જ અદ્દભુત અને અચૂક એવા અમુલ્ય સ્ત્રોતની પણ રચના કરી છે.

બ્રહ્માસ્ત્ર વિશે તો તમે ક્યાંકને ક્યાંક સાંભળ્યું જ હશે, કે એ સૌથી શક્તિશાળી અસ્ત્ર છે. જેનો ઉપયોગ પૃથ્વીને નષ્ટ કરવા માટે સક્ષમ છે. પરંતુ તમને જણાવી દઈએ કે અશોકવાટિકામાં હનુમાનજી પર થયેલ બ્રહ્માસ્ત્ર પ્રયોગ તેમના પર બેઅસર રહ્યો હતો. કારણ કે હનુમાનજી પાસે ઘણી અલગ અલગ પ્રકારની શક્તિઓ છે. ચમત્કારિક વાત તો એ છે કે કોઈ પણ વર્દાનની શક્તિ વગર પણ તેઓ મહાન શક્તિશાળી છે.

આપણા ઇતિહાસમાં એવું લખાયેલું છે અને આપણે બાળકોને પણ એવું જ સમજાવીએ છીએ કે રામયણના રચિયતા વાલ્મીકી ઋષિ છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે વાલ્મીકી ઋષિ પહેલા રામાયણ હનુમાનજી દ્વારા લખાયેલી છે. હનુમાનજીએ હિમાલય જઈને પથ્થરો પર પોતાના નખ દ્વારા રામાયણ લખી હતી. ત્યાર બાદ વાલ્મીકીજીને જ્યારે ખબર પડી ત્યારે તેઓ હિમાલય ગયા અને પથ્થરો પર લખેલી રામાયણ મળી.

હનુમાનજીને આપણે બાધા બાળબ્રહ્મચારી પણ કહીએ છીએ. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હોય છે કે હનુમાનજીનો એક પૂત્ર પણ છે. જેનું નામ મકરધ્વજ છે. જે હનુમાનજીની જેમ જ એક વાનર રૂપ અને ખુબ શક્તિશાળી છે અને તેની માતા એક માછલી છે. કથા અનુસાર એવું કહેવાય છે કે હનુમાનજી જ્યારે પોતાની પૂંછ દ્વારા લંકા સળગાવીને ત્યાર બાદ પોતાની પૂંછ પર લાગેલી આગને બુજાવવા સમુદ્રમાં જાય છે. ત્યારે તાપના કારણે હનુમાનજીને પરસેવો વળે છે અને તેમના પરસેવો સમુદ્રમાં રહેલ એક માછલીના પેટમાં જાય છે. જેના કારણે માછલી ગર્ભ ધારણ કરે છે. ત્યાર બાદ પાતાળમાં માછલીનું પેટ કાપવામાં આવે ત્યારે તેમાંથી વાનર સ્વરૂપ એક બાળક નીકળે છે. જેનું નામ મકરધ્વજ રાખવામાં આવે છે. જે હનુમાનના પૂત્ર છે તેવું ગણાય છે.

આ ઉપરાંત બજરંગબલીનું નામ હનુમાન તેમના હોંઠની આસપાસ ઉપસેલા ભાગના કારણે પડ્યું. કારણ કે સંસ્કૃતમાં હનુમાનનો અર્થ થાય છે બગડેલી ઠોન્ડી એટલે કે હોંઠની આસપાસનો ભાગ. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે હનુમાનજીને પવન પૂત્ર ગણવામાં આવે છે અને મહાભારતમાં કુંતી પૂત્ર ભીમનો જન્મ પણ પવન દેવના માધ્યમથી થયો હતો. તેથી હનુમાનજી અને ભીમ બંને ભાઈઓ છે તેવું કહેવાય છે.

આજે પૃથ્વી પર સૌથી પ્રમુખ દેવતા પણ હનુમાનજી જ છે. કારણ કે હનુમાનજી દરેક દેવતાઓમાંથી શ્રેષ્ઠ દેવતા માનવામાં આવે છે. તેનું એક કારણ એ છે કે હનુમાનજી પાસે પોતાની જ શક્તિઓ છે. હનુમાનજી પોતે જ પોતાની શક્તિના સંચાલિત છે અને તેમની બીજી શ્રેષ્ઠ વાત એ છે કે પોતે મહાશક્તિશાળી હોવા છતાં પણ ઈશ્વર પ્રત્યે સમર્પિત છે.

સૌથી મહત્વનું કારણ એ છે કે હનુમાનજી પોતાના ભક્તોની મદદે ઝડપથી પહોંચી જતા હોય છે અને આજે પણ તે પૃથ્વી પર જાગૃત દેવતા છે. જેના કારણે જો આજના સમયમાં કોઈ પ્રમુખ અને જાગૃત દેવ હોય તો તે છે હનુમાનજી. આપ સૌને હનુમાન જન્મોત્સવ ની ખૂબ ખૂબ વધાઈ. જય બજરંગ બલી.

સંકલન: પ્રા. રાજેશ કારિયા (આણંદ)