દરેક પુરુષમાં ‘મા’ જેવો વિશુદ્ધ પ્રેમ ન પણ હોઈ શકે પરંતુ દરેક શિક્ષકમા ‘મા’ જેવો નિસ્વાર્થ પ્રેમ પોતાના વિદ્યાર્થીઓ માટે ન હોય, ત્યાં સુધી એક પૂર્ણ શિક્ષક કદાચ ન બની શકે. શિક્ષક પોતાનાં વિદ્યાર્થીના મનોભાવોને વાંચી , અચાનક બદયાયેલ વર્તન પાછળના કારણોને સ્પર્શી શકે તો, એ એક દળદાર નવલકથા વાંચ્યા બરાબર જ છે, કેમકે એક શિક્ષકનુ ખરું વાંચન પોતાનાં વિદ્યાર્થીઓના મનોભાવો વાંચવા એ પણ હોય જ શકે.
મહેશ ( નામ બદલ્યું છે ) પ્રથમ વર્ષ આર્ટ્સમાં ભણતો એક નિયમિત, મહેનતુ અને આજ્ઞાંકિત વિદ્યાર્થી જણાતો હતો. થોડો સમય વિત્યે મહિને બે ચાર દિવસ ગેરહાજર રહેવા લાગ્યો પરંતુ અભ્યાસથી અલિપ્ત ન હતો. હંમેશની આદત મુજબ પાઠ્ય પુસ્તકમાં ભણાવવામાં આવતી અંગ્રેજી ટૂંકી વાર્તા શરુ કરતાં પહેલા કે પુરી થયા પછી તાસનાં વધેલા સમયમાં જે તે ટૂંકી વાર્તાનો બોધ અંગે થોડી ચર્ચા કરવાનો મારો ક્રમ હંમેશા રહેતો હોય છે. એ દિવસે પણ એક રસપ્રદ ટૂંકી વાર્તા પુરી કરી વર્ગના બાકી રહેતી દસ બાર મિનીટ્સ વિદ્યાર્થીઓને પ્રસ્તુત વાર્તા સંદર્ભે ચર્ચા કરી જેમાં માનવ સંબંધો અને સમાજજીવન અંગે ચર્ચા વિશેષ હતી. વર્ગ પુરો થયો મોટા ભાગનાં વિદ્યાર્થીઓનાં ચહેરા પર આનુષંગિક વાત કરી તેનો આનંદ હતો અને પછી તરત જ રિસેષ હતી એટલે એ આનંદ બેવડાયો તેવું લાગ્યું. રિસેષનો લોંગ બેલ વાગતા જ હું વર્ગની બહાર નીકળી ઉતાવળા પગલે સ્ટાફરુમ તરફ જવા વળ્યો તેવાં માંજ મહેશે મને આંતર્યો અને કહ્યું,
‘સાહેબ તમે જે સ્ટોરી પુરી કર્યા પછી વાત કરી તે બધી નકામી છે’
‘તમે કહ્યું તેવું કંઈ જ જીવનમાં હોતું નથી… રહેવા દો આ બધી ચોપડીની વાતો જ છે.’
મહેશે થોડા ધ્રુજતા પણ મક્કમ અવાજે અને ગુસ્સાથી પોતાની વ્યથા ઠાલવી પણ મારા પ્રતિભાવ સાંભળ્યા વગર જ ઉતાવળા પગલે લોબીની બહાર ડગ માંડ્યા. હું તેને પીઠ પાછળ જોતો રહ્યો એક બે બુમ પણ પાડી, “મહેશ….મહેશ…” પણ મને સાંભળવા છતાં તેના કદમ ન રોક્યા.
સામાન્ય રીતે અમને કોઈ અધ્યાપકોને કોઈપણ વિદ્યાર્થીઓ તરફથી ક્યારેય આવો પ્રતિભાવ નથી મળતો. મોટેભાગે ગ્રામ્ય પૃષ્ઠભૂમિથી આવતા આજ્ઞાંકિત વિદ્યાર્થીઓ હોય છે એટલે અમારી કોઈ વાત કદાચ કોઈ વખતે પ્રસ્તુત ન હોય તો પણ ક્યારેય આવો પ્રતિભાવ મળ્યો જ ન હતો.
રિસેષ દરમિયાન ચા પીતી વખતે સતત વિચાર આવ્યા કર્યો કે મેં કંઈ અવાસ્તવિક કે ખોટું તો નથી બોલ્યો ને…? કેમ મહેશ આમ..!
મારી ચા તો પુરી થઈ ગઈ પણ આજે રિસેષ જલ્દી પુરી ન થઈ. પંદર મિનિટની રિસેષ આજે કલાક જેવી લાંબી જણાઈ. ફરીથી લોંગબેલ વાગ્યો. રિસેષ પછીનો વર્ગ મારે ન હતો તેમ છતાં મારા પગ ફરી એ જ ક્લાસ તરફ વળ્યા. જલ્દીથી મારે મહેશને મળવું હતું.
હું એ વર્ગમાં અંદર પ્રવેશું કે તરત જ કેટલીક દિકરીઓ બોલી, ‘સાહેબ… આ લેક્ચર પણ તમે જ લેવાનાં છો?’
‘ તો ગ્રામર ન ભણાવતા… સ્ટોરી જ ચલાવજો હો !’
ના... મે કહ્યું મારુ લેક્ચર નથી પણ પેલો મહેશ કયાં છે ? એને મળવું છે.
‘સર, એ તો જતો રહ્યો… રિસેષ પછી ઘણી વખત જતો જ રહે છે.’ એક વિદ્યાર્થીએ તરત મને કહ્યું.
‘સારુ … કાલે મારે તમારા વર્ગમાં લેક્ચર નથી, પણ મહેશ આવે તો મને મળવાનું કહેજે.’ આવું કહી હું પણ સ્ટાફરૂમ તરફ વળ્યો.
પછીનાં બે દિવસ મહેશ મળવા ન આવ્યો કેમકે કોલેજ પર આવ્યો જ ન હતો. ત્રીજા દિવસે મહેશ કોલેજ પર આવ્યો.
પેલા વિદ્યાર્થીએ એને કહ્યું કે, ‘મહેશ…સાહેબ તને બે દિવસથી શોધે છે, જઈને મલી આવ.’
આવું જાણી મહેશ રિસેષમાં મળવા સ્ટાફરુમ બહાર ડોકાયો. મે જોયું તો તરત જ એણે મને બહાર આવવાં ઇશારો કર્યો. હું સમજી ગયો કે એ અંદર નહી આવે એટલે હું પણ ઉતાવળે એને બહાર મળવા તરત નીકળ્યો.
“ સાહેબ … સોરી.” મહેશ બોલ્યો.
“ કેમ સોરી… શેના માટે સોરી.”
“ તે દિવસે હુ તમને આવું બોલ્યો ને.. પણ સાહેબ હુ ખોટો નથી”
“ હા દીકરા… મને જરા પણ ખોટું નથી લાગ્યું... અને તારે સોરી કહેવું પડે તેવું તું કંઈ બોલ્યો પણ નથી. તને જે લાગ્યું તે કહેવા - જણાવવાનો તારો હક્ક પણ છે.” “…પણ મારે તને નિરાંતે મળવું છે, બોલ ક્યારે મળીશ ? “
“ સર… અત્યારે જ” મારે પણ તમને વાત કરવી છે.
“ હા… દીકરા બોલ જે કહેવું હોય તે વિના સંકોચે કહી દે”
મને લાગ્યું કે મહેશને આ ઉંમરે અન્ય છોકરા - છોકરીઓ જેવો કોઈ ગર્લ ફ્રેંડ, મિત્રો સાથે ઝગડો, કોઈ સાથે ક્રશ, બ્રેક-અપ જેવો સામાન્ય પ્રોબ્લેમ હશે એટલે એકાંતમાં વાત કરવી હશે. સામાન્ય રીતે આવી નાની મોટી કે કોલેજ ફી ભરવાની સમસ્યાઓ વિદ્યાર્થીઓ અમને લગભગ દરેક અધ્યાપકોને જણાવતા હોય છે અને કોઈપણ અધ્યાપકને જણાવે તો અમે બે ત્રણ મિત્રો સોલ્જરી કરી દર વર્ષે ઘણાં વિદ્યાર્થીઓની ફી ભરી જ આપીએ, એટલે સ્વાભાવિક રીતે મે પુછ્યુ કે કંઈ પણ તકલીફ હોય તો જણાવ, ચિંતા કરીશ નહી.
મહેશ ખૂબ વ્યગ્ર બનીને બોલવા લાગ્યો, “ આ દુનિયા જ નકામી છે”…
“ કોઈનો વિશ્વાસ કરવા જેવો જ નથી…સાહેબ”
“ મારી તકલીફ તમને ખબર નથી, મારે મારી મા નાં સ્વપ્નો પુરા કરવા છે. હુ મારી મા ને દુખી ને તકલીફમાં જોઈ નથી શકતો..”
“ મારા પોતાનાં સગા કાકાએ જ અમને દુખી કરી નાંખ્યા, અમારુ કોઈ નથી…”
“ ભણું કે કામ કરુ ? કેમ શું કરુ કંઈ જ નથી સમજાતુ ? ને તમે સમાજ, પ્રેમ , લાગણી, રુણાનુબંધ , રાષ્ટ્ર પ્રેમ … આવી બધી વાતો કરતા તા… અને તે દિવસે તમે ક્લાસમાં બોલતા હતા ને હું આવેગ અને આવેશમાં આવી જઈ તમને કેવું બોલ્યો સર…”
“ સોરી સર… મારે તમને એવું ના કહેવું જોઈએ”
મહેશ હવે આટલું બોલી થોડો શાંત થયો અને વિહ્વળ ભાવે મને તાંકી રહ્યો હતો.
“ મહેશ… મારી પાસે અત્યારે પૂરતો સમય છે, મારે અત્યારે લેક્ચર પણ નથી… તને મારા પર ભરોસો હોય તો મને નિરાંતે વાત કર… શું તકલીફ છે દિકરા? “
“ મારાથી બનતી બધી મદદ કરીશ, મદદ નહી થાય તેવું હશે તો પણ તારો સ્વજન જાણી મને કહે તો તું થોડો હળવો પણ થઈશ જ ને..! “
મહેશની આંખો ભીની હતી. તેને વિશ્વાસ બેઠો અને થોડો સ્વસ્થ બની પોતાની વ્યથા ઠાલવવા મક્કમ બન્યો.
“…. સાહેબ મારી આટલી નાની ઉંમરમાં મારે આ તકલીફ અને દુખ…” “ મારે તો જીવવું જ નથી એવું થાય છે..” પછી,
અઢાર વર્ષ નો મહેશ પોતાની વાત માંડે છે…
“ સાહેબ તમને વાત તો કરુ પણ… ”
પણ શું દીકરા ! “જે હોય તે કહી દે સુખ જેમ વહેંચવાથી બેવડાય તેમ દુખ પણ વહેંચવાથી અડધું થાય.” મે મહેશને થોડુ આશ્વાસન આપી આગળ વાત કરવા પ્રેર્યો.
“ સાહેબ હુ ને મમ્મી એકલાંજ રહીએ છીએ, મકાન પણ ભાડાનુ છે. આઠ મહિનાથી મકાનનું ભાડુ બાકી છે, મકાન માલિક સારા છે. અત્યાર સુધીતો કંઈ નથી કહ્યું પણ હવે તો ભાડુ આપવું જ પડશે. ઘર તો મમ્મી રસોઈ કામ કરી ચલાવી લે. મારી ફી નું શું ? કામ કરવું છે, નોકરી કોણ આપે ? મમ્મીને મદદ ન કરી શકુ તો મને દુખ થાય છે, ભણવામા મન લાગતું નથી…”
મે પુછ્યુ કે પહેલેથી જ આમ કે અચાનક કંઈ બન્યું ?
“ સાહેબ પપ્પા હતા ત્યાં સુધી કંઈ જ ખબર ન પડી, ઘર ને થોડી ભાગે પડતી જમીન પણ હતી પણ પપ્પાનાં ગયા પછી કાકા એ થોડા સમયમાં અસલ રંગ બતાવ્યો…! જમીન પણ તમારી નથી, ઘર પણ તમારું નથી…! કાકી ના દબાણે કાકા અમારું કંઈ સારું ઈચ્છતા જ ન હતા. સમસ્યાઓ વધી, અપમાનજનક સ્થિતિમાંથી પરાણે ઘર, જમીન ને ગામ છોડવું પડ્યું. હવે મને બધું સમજાય તેટલો મોટો થયો, તો શું કરુ ? કેમ કરુ ? પ્રશ્નો સતાવતા જ જાય છે.
“ સાહેબ એટલે જ તે દિવસે તમારી લેક્ચરમાં વાત સાંભળી ગુસ્સે થઈ જવાયું હતું”
મને થોડી વાર કંઈ જ ન સૂઝ્યું. એકીટશે મહેશને સાંભળતો, સમજતો રહેવાનો પ્રયત્ન કરતો રહ્યો. અગાઉ ઘણાં વિદ્યાર્થીઓ કોઈ રીતે આવી ઈમોશનલ વાત કરી, અમને સ્ટાફ મિત્રોને છેતર્યા હોય તેવાં અમુક કિસ્સાઓ પણ નજર સમક્ષ તરવરી આવ્યા. પણ મહેશની દરેક વાતમાં સચ્ચાઈ અને વ્યથા સ્પષ્ટ દેખાઈ આવતી જ હતી, એટલે શંકા વ્યક્ત કરવાની કોઈ જગ્યા ન હતી. પણ મને થયું કે માત્ર મહેશનો જ આ પ્રશ્ન નથી તેના માતાને પણ મળવું જોઈએ. કદાચ વિશેષ જરુરીયાત તેને પણ હોઈ શકે. મે મહેશને કહયુ કે દીકરા શકય હોય તો મમ્મીને જોડે લઈ કોલેજ પર એક બે દિવસમાં આવજે. તારા અમુક પ્રશ્નો તો તરત જ સોલ્વ થઈ જ જશે. ત્યાં સુધી હુ આચાર્યશ્રી ને પણ વાત કરુ છુ.
મહેશ સહમત થયો. પણ કહેતો ગયો કે, “સાહેબ પટેલનો દીકરો છું, મહેનત કરી કંઈ કરી છૂટીશ પણ સન્માનને તકલીફ થાય તેવુ કંઈ નથી કરવું. મને થોંડો ટેકો મળશે ને આગળ આવીશ તો બમણું કરી સમાજને પરત કરીશ.”
મહેશની જતાં જતાં આ ખુમારી ભરી વાત સ્પર્શી ગઈ. બીજા દિવસે મહેશ અને તેની મમ્મી કોલેજ પર આવ્યા. આચાર્યશ્રીની ઓફીસ બહાર પાંચ સાત મિનીટ વાત કરી બન્ને ને અંદર લઈ ગયો. અગાઉ મે આચાર્યશ્રીને વિગતે વાત કરી હતી, એટલે બિલકુલ સહજતાથી એમણે સાંભળી, તમામ મદદની ખાત્રી આપી. મહેશનાં મમ્મી પણ હવે થોડાં સહજ બન્યા હતા એટલે થોડી પરીવાર અને મહેશના ઘરે વર્તન અંગે વિગતે વાત પણ કરી. અમે એમને ખાત્રી આપી કે મહેશને કોલેજ પુરી થાય ત્યાં સુધી કોઈ જ ફી ભરવાની નથી. બધુ જ અહિથી થઈ પડશે. સંચાલક મંડળ પણ અમારી આવી માંગણી કે લાગણીને સન્માનપૂર્વક સ્વીકારી જ લે છે, એટલે મેનેજમેંટના વાંધાનો કોઈ પ્રશ્ન જ ન હતો.
ઘરનું ભાડુ તો સામાન્ય હતું મહીને માત્ર ૮૦૦ રુપિયા એટલે તરત જ એ આઠ મહીનાની ભાડાની રકમ ૬૪૦૦/- એ બહેનનાં હાથમાં મુકી દીધી. મહેશ અને તેની મમ્મીનો ખચકાટ ચહેરા પર સ્પષ્ટ વર્તાતો હતો. મે કહ્યું કે “બહેન એક ભાઈ તમને આ નાનકડી રકમ આપે છે, એક ભાઈ તરીકે સ્વીકારી લો અને મહેશ જ્યારે કામે લાગે ત્યારે પાછી આપજો અથવા એ કમાતો થશે ત્યારે જરુરીયાતમંદ વિદ્યાર્થીઓને ફી ભરી સમાજને પરત કરશે, એટલે સંકોચ ન કરો અને લઈ લો.”
થોડી ભીંની આંખે પરાણે એ રકમ બહેને સ્વીકારી . પણ મે કહ્યું કે મહેશ એક ખાત્રી આપવી પડશે.મહેશ તરત જ બોલ્યો, “ બોલો ને સાહેબ…”
મહેશ તારે મમ્મીને ખાત્રી આપવાની કે તું હમણાં માત્ર અભ્યાસમાં જ ધ્યાન આપ, સારું પરીણામ લાવે અને મમ્મીને સતત સાથે રહી તેને પણ હૂ્ફ આપજે ને કોઈ જ ખોટા વિચાર કર્યા વગર અભ્યાસમાં ધ્યાન આપજે અને અમારાં સંપર્ક મા રહેજે.
મહેશે બે વર્ષ સતત એવું જ કર્યું. સરસ અભ્યાસરત રહ્યો. હવે છેલ્લું વર્ષ હતું. મે એક દિવસ મહેશને બોલાવી કહ્યું કે,
“ મહેશ હવે કોલેજ પુરી થશે, આગળ શું ? “ ભણવુ છે કે કંઈ બીજો વિચાર છે ?”
“ તારે ભણવું હોય તો પોસ્ટ ગ્રેજયુએશન માટે પણ બનતી મદદ કરીશું જ”
પણ એક પરિપક્વ સ્પષ્ટ વક્તાની જેમ તરતજ મહેશ બોલ્યો,
“ સાહેબ આર્ટ્સમાં પી.જી. કરીને પણ શું કરીશ ? ટીચીંગ ફિલ્ડમાં હજારો છોકરાઓ ક્વોલીફાઈડ છે, નોકરી જલ્દી મળતી નથી. ખાનગી શાળાઓમાં ચાર પાંચ હજારથી વધુ કોઈ પગાર મળશે જ નહી. હું ભણવામાં સામાન્ય છુ , મારે જલ્દી કોઈ અન્ય નોકરી કે વિકલ્પ શોધવો છે. તમે કંઈ વિચાર્યું છે ?” મે કહ્યું કે “ હા મહેશ... મેડીકલ રીપ્રેઝનેટેટીવ તરીકે થોડો સારો પગાર મળશે અને સારું પર્ફોર્મન્સ આપીશ તો ભવિષ્ય ઊજળું છે, અને મારી પાસે એક સરસ વિકલ્પ છે.”
મહેશ તરત જ સહમત થયો અને કહ્યું કે “બોલો સાહેબ શું વિકલ્પ છે ?”
અમારી જ સંસ્થામાં એક વિઝીટીંગ સ્પોકન ઈંગ્લીશ માટે ફેકલ્ટી આવે છે, અશોકભાઈ પટેલ… બહુ જ સરળ, વિનમ્ર અને સજજન માણસ. મે એમને વાત કરી તો એ તરત જ તૈયાર થઈ ગયા અને મને કહ્યું કે સાહેબ મહેશની જવાબદારી હવે મારી. મારા આણંદનાં એમ.આર. ના કલાસ માટે મોકલો, ફી પણ નથી જોઈતી અને મહેશને સરસ તૈયાર કરી પ્લેસમેંટ પણ અપાવીશ , તમે બન્ને નિશ્ચિંત થઈ જાઓ.
વેકેશનમાં માત્ર ત્રણ મહિનામાં જ અશોકભાઈનાં માર્ગદર્શન હેઠળ મહેશ એક સરસ મેડીકલ રિપ્રેઝન્ટેટીવ તરીકે તૈયાર થઈ ગયો હતો અને એનું પ્લેસમેંટ પણ એક સારી ફાર્માસ્યુટીકલ કંપનીમાં થઈ ગયું. આ હકીકત બન્યે ત્રણ ચાર વર્ષ થયા હશે. અમે બધા અમારાં રુટિનમાં વ્યસ્ત બની ગયા હતા. આ વાત અમને બધાને લગભગ વિસરાઈ ગઈ હતી. એક દિવસ મારો ફોન રણક્યો,
“ સાહેબ હું મહેશ ( મૂળ નામ બદલ્યું છે ) ઓળખ્યો મને ? “
થોડી પૂર્વભૂમિકા પછી બધુ જ તાદ્રશય થઈ ગયું, “ હા મહેશ, કેમ છે ભાઈ ? બધુ જ બરાબર ? “
“ હા સાહેબ બધુ જ બરાબર, સરસ છે, મારો પગાર હવે ૩૫૦૦૦ થઈ ગયો છે. મમ્મી પણ ખુશ છે, કોઈ તકલીફ નથી”
બસ હવે મારે મારી ફરજ બજાવવાની છે.”
“ સાહેબ હવે કોઈ મારા જેવા જરુરીયાતમંદ વિદ્યાર્થીઓ આવે, તમે બધા તો ત્યાં મદદ કરો જ છો, પણ દર વર્ષે મને બે વિદ્યાર્થીઓની ફી ભરવાની તક આપજો”
મે કહ્યું કે “મહેશ તારે હજી ઘર સંસાર માંડવાનો છે, મકાન લેવાનું હશે ને ? તું હમણાં થોડો સમય સાચવી લે, બચત કર પછી વિચારજે”
“ … ના સાહેબ મારા મન પર થોડો બોજ રહે છે, મારે સમાજને પરત કરવુ જ જોઈએ ને! જરુરીયાતો ક્યારેય પુરી થવાની નથી, એક પતશે તો બીજી ઉભી થશે, મારે હવે મોડું નથી કરવું.”
મે કહ્યું ,“ મહેશ… હાલ તો કોઈ એવું ધ્યાનમાં નથી, નવું સત્ર શરુ થયે કોઈ હશે તો ચોક્કસ તને જણાવીશ.”
થોડી અન્ય વાત કરી ફોન પુરો કર્યો.
નવા સત્રમાં મિત્ર પરમાર સાહેબ અને પઠાણ સાહેબે સ્ટાફમાં એક દિવ્યાંગ વિદ્યાર્થીની ફી ની જરુરિયાત માટે વાત કરી. મને તરત જ મહેશ યાદ આવ્યો. મને થયું કે મહેશને જ આ તક આપવી જોઈએ. મે મહેશને ફોન કર્યો અને વાત કરી. તરતજ આનંદિત થઈ ફી મોકલવા તૈયાર થઈ ગયો.
“ સાહેબ તમે એમની ફી ભરી દો, મને રકમ કહી દો, હમણાં જ ગુગલ પે કરી દઉ છુ.”
એ દિવ્યાંગ વિદ્યાર્થીની ફી ભરાઈ ગઈ. ગુગલ પે થી રકમ તરત જ મળી ગઈ અને આશ્વાસન પણ…” સાહેબ મને દર વર્ષે આવી તક આપતા રહેજો, હવે પૂરતું કમાઉ છું , મને બહુ જ ગમશે.”
મહેશ જેવાં વિદ્યાર્થીઓ જો આ રીતે સમાજમાંથી લીધેલું પરત કરવાની ખેવના રાખે તો ઘણા જરૂરિયાતમંદોના પ્રશ્નો ઓછા થઈ જ જાય.
- પ્રા. રાજેશ કારિયા ( ભાદરણ )