સનાતન પરંપરાઓ….”પ્રાતઃ યોગ”
योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन।
योऽपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि।।
બ્રહ્મ મૂહુર્તમાં જાગી જઈએ અને પછી યોગ તરફ વળી શકાય તો એ સોનામાં સુગંધ ભળવા જેવી વાત થઈ જાય. ભારતીયો માટે તો યોગ સરળ અને સહજ પ્રાપ્ય છે. હજારો રૂપિયા ખર્ચીના જીમમા જવા કરતાં ઘર આંગણે યોગ થઈ શકે છે અને એના ફાયદાઓ અનંત, અમાપ અને અદ્વિતિય છે. આવો જાણીએ યોગ વિષે માત્ર થોડી પ્રાથમિક માહિતી.
સંસ્કૃત શબ્દ યોગ ના અનેક અર્થ છે અને તે સંસ્કૃત મૂળ "યુજ"માંથી ઉતરી આવ્યો છે. યુજ એટલે "નિયંત્રણ મેળવવું", "વર્ચસ્વ મેળવવું" કે "સંગઠિત કરવું."બીજા શબ્દોમાં કહીએ તો યોગ એટલે "જોડવું", "સંગઠિત કરવું", "એકત્ર કરવું", "જોડાણ કરવું" અને "ઉપયોગી પદ્ધતિ."યોગનું વૈકલ્પિક મૂળ "યુજિર સમાધૌ" છે, જેનો અર્થ "એકાગ્રતા મેળવવી" કે "ધ્યાન ધરવું" એવો થાય છે.આ અર્થ દ્વૈતાત્મક રાજયોગ સાથે યોગ્ય રીતે બંધ બેસે છે, કારણ કે પ્રકૃતિ અને પુરુષ વચ્ચેનો ભેદ પાડતી એકાગ્રતાને લીધે પ્રાપ્ત થાય છે. જે કોઈ વ્યક્તિ યોગનો અભ્યાસ કરતી હોય કે યોગ ફિલસૂફીનું પાલન કરતી હોય તે યોગી કે યોગિની તરીકે ઓળખાય છે.
પાતંજલિએ ઈશ્વર સુધી, સત્ય સુધી, સ્વયં સુધી, મોક્ષ સુધી કહો કે પૂર્ણ સ્વાસ્થ્ય સુધી પહોંચવાની આઠ સીડીઓ નિર્મિત કરી છે. તમે ફક્ત એક સીડી ચઢશો તો બીજી માટે જોર નહી લગાડવો પડે, ફક્ત પહેલા પર જ જોર આપવો પડશે. પહેલ કરો. જાણી લો કે યોગ તેની પરમ શક્તિની તરફ ધીરે ધીરે વધવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે તમે જો ચાલી નીકળ્યા છો તો પહોંચી જ જશો.
યોગ એક વૃહત્તર વિષય છે. તમે સાંભળ્યુ તો હશે - જ્ઞાનયોગ, ભક્તિયોગ, ધર્મયોગ, અને કર્મયોગ. આ બધામાં યોગશબ્દ જોડાયેલો છે. પછી હઠયોગ વિશે પણ સાંભળ્યુ હશે, પણ આ બધાને છોડીને જે રાજયોગ છે, તે જ પાતંજલિનો યોગ છે.
જેમ બહારની વિજ્ઞાનની દુનિયામાં આઈંસ્ટાઈનનુ નામ સર્વોપરિ છે, તેવી જ રીતે મનની અંદરની દુનિયાના આઈંસ્ટાઈન છે પાતંજલિ. જેવી રીતે પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે, તેવી જ રીતે બધા દર્શનો, વિધિઓ, નીતિઓ, નિયમો, ધર્મો અને વ્યવસ્થાઓમાં યોગ શ્રેષ્ઠ છે.
આ યોગનુ સૌથી વધુ પ્રચલન અને મહત્વ છે. આ યોગને આપણે આષ્ટાંગ યોગના નામે ઓળખીએ છીએ. આષ્ટાંગ યોગ એટલે કે યોગના આઠ અંગ. પાતંજલિએ યોગની બધી વિદ્યાઓને આઠ યોગમાં વહેંચી દીધી છે. હવે આની બહાર કશુ જ નથી.
પતંજલિનું લખાણ "અષ્ટાંગ યોગ" એક પદ્ધતિનો આધાર બની ગયું. આ આઠ અંગ બીજા પુસ્તકના 29મા સૂત્રમાંથી લેવામાં આવ્યાં છે અને અત્યારે શીખવવામાં આવતા વિવિધ દરેક રાજયોગની મુખ્ય લાક્ષણિકતા છે. આ આઠ અંગ નીચે પ્રમાણે છેઃ
-પ્રથમ છે યમ(પાંચ "નિગ્રહ")- અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ.
-નિયમ (પાંચ "વ્રત"- શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપ્રણિધાન.
-આસન- તેનો અર્થ "બેસવું" એવો થાય છે અને પતંજલિના સૂત્રોમાં તેનો અર્થ ધ્યાન માટે બેઠક ધારણ કરવી.
-પ્રાણાયામ ("પ્રાણ પર કાબૂ")- પ્રાણ , શ્વાસનો આયામ એટલે તેને અટકાવવો કે નિયંત્રણમાં લેવો. તેનો એક અર્થ જીવનના બળને નિયંત્રણમાં લેવો એવો પણ થાય છે.
-પ્રત્યાહાર ("પાછું ખેંચવું")- વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચવી.
-ધારણા ("એકાગ્રતા")- એક જ બાબત પર ધ્યાન કેન્દ્રીત કરવું.
-ધ્યાન ("ચિંતન")- એકધારું ચિંતન
-સમાધિ ("મુક્તિ")- ધ્યાનને ચૈતન્યમાં
શરૂઆતના પાંચ અંગોમાંથી યોગ વિદ્યામાં પ્રવેશ કરવાની તૈયારી થાય છે, અર્થાત સમુદ્રમાં છલાઁગ મારીને ભવસાગર પાર કરવાની પૂર્વ તૈયારીનો અભ્યાસ આ પાંચ અંગોમાં સમેટાવાયો છે. આને કર્યા વગર ભવસાગર પાર નથી કરી શકાતુ, અને જે આને કરીને છલાઁગ નહી મારે તે અહીં જ રહી જશે. મોટા ભાગના લોકો આ પાંચમાં નિપુણ થઈને યોગના ચમત્કાર બતાવવામાં જ પોતાના જીવનનો વિનાશ કરી બેસે છે.
આ આઠ અંગો છે - 1)યમ 2) નિયમ 3) આસન 4) પ્રાણાયમ 5)પ્રત્યાહાર 6) ધારણા 7)ધ્યાન 8)સમાધિ. ઉપરોક્ત આઠ અંગોના પોતાના ઉપ અંગ પણ છે. તાજેતરમાં યોગના ત્રણ જ અંગ ચલનમાં છે - આસન, પ્રાણાયામ, અને ધ્યાન.
તમને ઈશ્વરને જાણવા છે, સત્યને જાણવુ છે, સિધ્ધિઓ મેળવવી છે કે ફક્ત સ્વસ્થ રહેવુ છે, તો પાતાંજલિ કહે છે કે તમારે શરૂઆત શરીર તરફથી જ કરવી પડશે. શરીરને બદલશો તો મન બદલશે. મન બદલશો તો બુધ્ધિ બદલશે. બુધ્ધિ બદલશે તો આત્મા જાતે જ સ્વસ્થ થઈ જશે. આત્મા તો સ્વસ્થ છે જ. એક સ્વસ્થ આત્મચિત જ સમાધિ મેળવી શકે છે.
જેમના મગજમાં દ્વંદ છે, તેઓ હંમેશા ચિંતા, ભય અને શંકામાં જ જીવે છે. તેમનુ જીવન એક સંઘર્ષ જ જોવા મળે છે, આનંદ નહી.
યોગથી બધા પ્રકારની ચિત્તવૃત્તિયોનો નિરોધ થાય છે - યોગશ્ચિત્તિનિરોધ. ચિત્તનો અર્થ છે બુધ્ધિ, અહંકાર અને મન નામની વૃત્તિના ક્રિયાકલાપોથી બનનારો અંતકરણ. તમે ઈચ્છો તો આને અચેતન મન પણ કહી શકો છો, પણ આ અંત:કરન આનાથી પણ સૂક્ષ્મ માનવામાં આવ્યુ છે.
દુનિયાના બધા ધર્મો આ ચિત્ત પર જ કબ્જો મેળવવા માંગે છે, તેથી એમને જુદા જુદા નિયમો, ક્રિયા કાંડ, ગ્રહ-નક્ષત્ર અને ઈશ્વરના પ્રત્યે ભયને ઉત્પન્ન કરીને લોકોને પોતપોતાના ધર્મો સાથે બાંધી રાખ્યા છે. પાતંજલિનુ કહેવુ છે કે આ ચિત્તને જ પૂરી કરો.
યોગ વિશ્વાસ કરવાનુ નથી શીખવાડતુ કે નથી શંકા કરવાનુ. વિશ્વાસ અને શંકાના વચ્ચેની અવસ્થા સંશયનો તો યોગ વિરોધી છે. યોગ કહે છે કે તમારામાં જાણવાની ક્ષમતા છે તેનો ઉપયોગ કરો.
તમારી આંખો છે તેનાથી બીજુ પણ કશુ જોઈ શકાય છે, જે સામાન્ય રીતે દેખાતુ નથી. તમારા કાન છે તેનાથી એ પણ સાંભળી શકાય છે જેને અનાહત કહે છે. અનાહત મતલબ એવી ધ્વનિ જે કોઈ સંઘાતથી નથી જન્મી, જેને જ્ઞાની લોકો ઓમ કહે છે, એ જ આમીન છે, એ જ ઓમીન અને એ જ ઓમકાર છે.
તો સૌ પહેલા તમે તમારી ઈન્દ્રિઓને બળવાન બનાવો. શરીરને ચંચળ બનાવો. અને આ મનને પોતાના ગુલામ બનાવો. અને આ બધુ કરવુ સરળ છે - બે દુ ચાર ની જેમ.
યોગ કહે છે કે શરીર અને મનનુ દમન નથી કરવાનુ, પણ આનુ રૂપાંતર કરવાનુ છે. આના રૂપાંતરથી જ જીવનમાં બદલાવ આવશે. જો તમને લાગે છે કે હું મારી આદતો નથી છોડી શકતો, જેનાથી હું કંટાળી ગયો છુ તો ચિંતા ન કરો. આ આદતોમાં એક 'યોગ'ને પણ જોડી દો અને એકદમ પાછળ પડી જાવ. તમે ન ઈચ્છતા હોય તો પણ પરિણામ તમારી સમક્ષ આવશે.
મહર્ષિ અરવિંદ અને પૂર્ણ યોગઃ
મહર્ષિ અરવિંદના આધ્યાત્મ અને યોગ જીવનની શરૂઆત વડોદરાથી જ થઇ હતી.
ચાણોદના બ્રહ્માનંદજીએ શ્રી અરવિંદમાં પ્રાણાયામના બીજ વાવ્યા હતા તે હવે વૃક્ષ બને છે. અરવિંદ આધ્યાત્મ તરફ વળે છે. આ સમયે જ ગ્વાલિયરના યોગી વિષ્ણુ પ્રભાકર લેલે વડોદરા આવે છે. અરવિંદના નિવાસ સ્થાને રોકાણ કરે છે અને વિષ્ણુ પ્રભાકર લેલેના માર્ગદર્શન હેઠળ તેઓ યોગ કરે છે. અરવિંદ સળંગ ત્રણ દિવસ સમાધિમાં જતા રહે છે. અરવિંદની યોગની યાત્રા અહીંથી શરૂ થાય છે.તેઓ વડોદરાથી કોલક્તા અને પછી પોંડિચેરી પહોંચે છે. અંતિમ શ્વાસ સુધી અહી તેઓ યોગ સાધનામાં રત રહે છે. મહર્ષિ અરવિંદ યોગને લોકભોગ્ય બનાવવા માટે 'ઇન્ટિગ્રલ યોગા' પધ્ધતિનો વિકાસ કરે છે, જે વિશ્વભરમાં જાણીતી છે. પૂર્ણ યોગના પુરસ્કૃતકર્તા પણ શ્રી અરવિંદ છે.
આવો દરરોજ યોગ કરીએ. સ્વ્ચ્છ, સ્વસ્થ અને સફળ બનીએ.
લેખન-સંકલનઃ રાજેશ કારિયા