Eternal Traditions…Nitya Pooja books and stories free download online pdf in Gujarati

સનાતન પરંપરાઓ…નિત્ય પૂજા

સનાતન પરંપરાઓ …”નિત્ય પૂજા”

—————————————-


સનાતન પરંપરામાં, કોઈપણ શુભ કાર્ય પાંચ દેવતાઓની પૂજા વિના અધૂરું માનવામાં આવે છે, ભગવાન સૂર્ય આકાશ તત્વ, ભગવાન ગણેશ જળ તત્વ, દેવી દુર્ગા અગ્નિ તત્વ, ભગવાન શિવ પૃથ્વી તત્વ અને ભગવાન વિષ્ણુ વાયુ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. એવું માનવામાં આવે છે કે આ પાંચ દેવી-દેવતાઓની પૂજા કરવાથી વ્યક્તિના તમામ કાર્યો સરળતાથી પૂર્ણ થાય છે.

આ પાંચ દેવતાઓમાં ગણપતિની પૂજા કરવાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે અને શુભ લાભ મળે છે. બીજી તરફ બ્રહ્માંડના રક્ષક ગણાતા ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. બીજી તરફ શક્તિની સાધના કરવાથી જીવન સંબંધિત તમામ પ્રકારના રોગ, દુ:ખ અને શત્રુઓનો નાશ થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે, જ્યારે દ્રશ્ય દેવતા સૂર્યની પૂજા કરવાથી સ્વાસ્થ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આપણાં એકપણ શુભ કાર્ય પૂજા વિધી વગર સંપન્ન નથી જ થતા તો પછી ઈશ્વરે આપેલો એક નવો દિવસ કેમ પૂજા વગરનો હોઈ શકે ?

કોની પૂજા -અર્ચના કરવી એ વ્યક્તિગત શ્રદ્ધા અને આસ્થા પર આધારિત છે, પણ પૂજા કરવી એ સનાતન પરંપરા છે, જે જાળવવી અને કરવી એ આપણાં જીવનનો એક અચૂક ભાગ હોવો જ ઘટે. એટલે નિત્ય પાતઃપૂજા દ્વારા ઇષ્ટદેવ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવી, ભાવથી આદર-સત્કાર કરવો, સમર્પિત થઈ જવું કે એમનામાં સમાઈ જવું કે પછી એમને આદરપૂર્વક આભારિત થવું એટલે જ પૂજા.

રાત્રે સૂઈ ગયા પછી રોજ સવારે આપણને ઉઠાડી એક નવું જીવન, નવો દિવસ, નવી પળ, નવો ઉત્સાહ, નવી શક્તિ ને નવી સ્ફૂર્તિ બક્ષે છે, જેના અગણિત ઉપકારો પ્રત્યે આપણે મૌન રીતે કૃતજ્ઞતા પ્રગટ કરીએ છીએ. એટલા માટે જ પ્રભાતના પરમ માંગલિક અવસરે પ્રભુને કૃતજ્ઞતા વ્યકત કરવી એ જ આપણી પૂજા બની જશે.

નિત્યપૂજા એટલે આપણા ઇષ્ટદેવ સાથેની અંગત મિટીંગ, એક મીઠી મધુરી ગોઠડી.નિત્યપૂજા એટલે આપણા પ્રભુ સાથે ઓતપ્રોત, સંલગ્ન, એકાકાર થવાનો સમયગાળો.

પ્રત્યક્ષ પૂજાનો અધિકાર દરેક વ્યક્તિને બક્ષ્યો છે. બાળ, કિશોર, યુવક, બાલિકા, યુવતી કે મહિલા એમ ગૃહસ્થોને તેમજ ત્યાગીઓને પણ પૂજા કરવાની આજ્ઞા કરી છે. બાળક ૮ વર્ષનું થાય ત્યારથી જ એને નિત્યપૂજા આપી દેવી જોઈએ અને તે પ્રત્યક્ષ પૂજા ૮૦ વર્ષની ઉંમર સુધી તો અવશ્યપણે કરવી જોઈએ. ૮૦ વર્ષથી વધારે ઉંમરવાળાને પૂજા ન જ કરવી એમ ન સમજવું, પણ જે શરીરે નીરોગી હોય અને દૈહિક ક્રિયા બરાબર થતી હોય તો પૂજા કરી શકાય. એમાં રાજીપો વિશેષ થાય. પરંતુ શારીરિક અક્ષમતાને કારણે નિત્યપૂજા ન થઈ શકે તો એમાં કોઈ દોષ નથી. માટે જીવનના છેલ્લા શ્વાસ સુધી નિત્યપૂજા અવશ્ય કરવી.

તરસ આપણને લાગે ને પાણી કોઈ બીજો પીવે તો ન ચાલે. આપણને કકડીને ભૂખ લાગી હોય ને બીજો ધરાઈને જમી લે તો આપણને ન ચાલે. ઊંઘ આવે આપણને એને બદલે કોઈ બીજો ઊંઘે તો ન ચાલે. આપણે જ આપણી ભૂખ ભાંગવા જમવું પડે. આપણે જ પાણી પીવું પડે તો જ તરસ છિપાય. આપણે સૂઈએ તો જ આપણી ઊંઘ પૂરી થાય. એમ કેટલીક ક્રિયાઓ એવી છે કે જે આગવી જ કરવી પડે. એમાં કોઈનો લાગ-ભાગ ચાલે નહીં. એવી રીતે નિત્યપૂજા એ આપણી આગવી રોજીંદી ક્રિયા છે અને તે વ્યક્તિગત છે, જે સવારે તેમજ સાંજે સમયની અનુકૂળતા મુજબ કરવી જ જોઈએ. છેવટે કંઈ વધારે શક્ય ન બને તો દીવો કરી નિત્યપાઠ પણ કરવા જોઈએ. આજના ઝડપી યુગમાં લોકો પોતાની નોકરી - ધંધા પર જતા આવતા કે બેસતા પણ બાકી રહેતા પાઠ કે નામ સ્મરણ કરી જ શકે છે. પૂજા ગમે ત્યાં જઈએ, દેશમાં હોઈએ કે પરદેશમાં હોઈએ, ગામમાં હોઈએ કે પરગામ જઈએ, લગ્નમાં કે પ્રસંગમાં, કડકડતી ઠંડી હોય કે ધોધમાર વરસતો વરસાદ હોય, ચાહે કોઈ પણ ઋતુ હોય પણ પ્રત્યક્ષ પૂજા અવશ્યપણે આપણી સાથે હોવી જોઈએ અને કરવી જોઈએ.

વ્યક્તિગત પૂજાનો આદર્શ સમય બ્રાહ્મમુહૂર્ત છે. બ્રહ્મ કહેતાં ભગવાન. ભગવાનમાં જોડાવાનો સમય એને કહેવાય બ્રહ્મ મુહૂર્ત. આપણી સનાતન પરંપરામાં પ્રાતઃ સમયે જ પૂજા કરવાની આજ્ઞા કરી છે. દિવસ દરમ્યાન ગમે ત્યારે, ગમે તે સમયે પૂજા કરી લેવી એવી આજ્ઞા નથી કરી. દિવસના પ્રારંભે જ શૌચવિધિ, સ્નાનાદિક વિધિથી પરવારી, સાંસારિક પ્રવૃત્તિ કરતાં પહેલાં જ નિત્યપૂજા કરી લેવી અને પછી જ તમામ વ્યવહારિક ક્રિયામાં જોડાવાય.પ્રાતઃ સમયે શાંત, રમણીય વાતાવરણમાં મનુષ્યનું મન શાંત હોય, પ્રવૃત્તિનો પ્રારંભ થયો ન હોય. પ્રવૃત્તિની પરાકાષ્ઠાએ હજુ પહોંચ્યા ન હોય એવું નિર્મળ, શાંત, તાજગીસભર મન ભગવાનને પ્રથમ અર્પણ કરવું. એવા સમયે સહેજે જ વૃત્તિઓ ભગવાનમાં પરોવાઈ જતી હોય છે.પૂજા દરમ્યાન કોઈ વિક્ષેપ કે ખલેલ ન પહોંચે એવું શાંત અને એકાંત સ્થળ પસંદ કરવું. જગ્યા શુધ્ધ અને પવિત્ર પસંદ કરવી. ઘરમાં પૂજા કરતા હોય તો જ્યાં પૂજા કરવાની હોય તે સ્થળને વિષે પોતું કરી જગ્યા ચોખ્ખી કરી નાખવી. અને જો મંદિરની નજીક રહેતા હોઈએ તો પૂજા મંદિરે કરવી. ત્યાંનું વાતાવરણ ભગવાનમય હોય છે, પવિત્ર અને સાત્ત્વિક હોય છે માટે તે પૂજા કરવાનું અતિ ઉત્તમ સ્થાન છે.

પહેલા આસન પાથરવું. તિલક-ચાંદલો કરવો. માનસીપૂજા કરવી. મૂર્તિઓ પધરાવવી. આહ્વાન મંત્ર બોલવો.માળા ફેરવવી. તપની માળા ફેરવવી. શક્ય હોય તો પ્રદક્ષિણા કરવી. દંડવત્ પ્રણામ કરવા. પ્રસાદ ધરાવવો. પ્રાર્થના કરવી. ધાર્મિક પુસ્તિકાઓનું વાંચન કરવું… આ બધો ક્રમ સચવાય તો યોગ્ય રહે.

એ પછી ઘરમાં મ્યુઝિક સીસ્ટમથી થોડો સમય મધૂર સ્વરે ગવાતી પ્રાર્થના, ભજન, પ્રભાતિયાં વિગરે વાગે તો ઘરનું વાતાવરણ પણ ભક્તિભાવ સભર બની જાય. એ સાથે સાથે સવારનો નાસ્તો અન્ય જરૂરી કામો પતાવી રોજીંદી પ્રવૃતિઓમાં જોડાઈ જવાથી પુરો દિવસ માત્ર તાજગીસભર જ નહીં પરંતુ એવા ભાવસભર રહેશે કે પુરો દિવસ મારો ઈષ્ટદેવ, મારો પ્રભુ મારી સાથે જ છે.

-લેખન અને સંકલનઃ રાજેશ કારિયા



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED