એ વખતે મારી ઉંમર કદાચ સાતેક વરસની માંડ હશે. એ સમયની ઘટનાઓ ખાસ કંઈ માનસ પટલ પર અંકિત ન હોય પરંતુ અમારા ઘરમાં થયેલી ચોરીની ઘટના તાદ્રૃશ્ય થઈ જાય એવી અને આજન્મ ભુલાય નહી તેવી આ ઘટના બની ગઈ. “ ગીધાબાપાને ઘરે ખાતર પડ્યું “ આ વાત બિજા દિવસે તો સમગ્ર પંથકમાં ફેલાઈ ગઈ. બધે એક જ વાત, અરે..રે ગીરધરભાઈનાં ઘરે ચોરી થઈ ? આવા “ભગત” ને ઘેર! જેમણે આ જન્મમાં તો કોઈનુંએ ખોટું નથી કર્યું , એમનાં ઘરે ચોરી કરવાનું પાપ કોણે કર્યું હશે ? જેણે પણ કરી હશે એનો આ જન્મ તો ઠીક આવતો ભવે ય નહી સુધરે !
મારા પિતાજીને અમે બધા ભાઈ જ કહેતા. મોટું કુટુંબ અને બધા કાકાઓ એમને ભાઈ કહે એટલે અમે પણ બધા ભાઈ થી સંબોધતા. એમનો કુટુંબ પ્રેમ, ત્યાગ અને સમર્પણની વાતો ફરી કોઈ વખત કરીશ પણ એમની નિર્મોહી વૃત્તિ આજે પણ આજુબાજુના બધા ગામડાંઓમાં નિર્વિવાદ હકીકત છે.
ચોરી ની ઘટના બની ત્યારે મકાન જે માત્ર એક જુનો રુમ, આગળ ઓસરી ને ખોબા જેટલું રસોડું તેમાં જ ઉપર મેડી બનાવી એટલું જ ઉપરના માળે બાંધકામ કરવાનું ચાલુ હતું. મોટું કુટુંબ, છ દિકરાં ને બે દિકરીઓ એટલે થોડું વધારવું પડે જ. રૂપિયા તો હતાં જ નહી પણ આબરૂ મોટી એટલે કામ પાર પડી જશે એમ વિચારી બાંધકામ ચાલુ કરેલ. ઘરમાં એક જૂનો પટારો ને એમાંજ એક બે લોખંડની પેટીઓ અને એમાં એક પેટીમાં મારી બાને પિયરથી મળેલ બાર તેર તોલાં મળેલ સોનું એજ જે ગણો તે સંપતિ હતી. બાકી પુરી નિષ્ઠા અને ઈમાનદારી થી મગફળી, ઘંઉ ના વય્વસાયથી માત્ર બધાના પેટ ભરાય ને વહેવાર સચવાય ને બે ચાર પૈસા ધર્માદો થાય અને આટલું થઈ જતુ એટલે ભાઈ તો રાજી રાજી થઈ જતા.
આ મકાનનું બાંધકામ ચાલે એમાં બે મજૂરોને એક કારીગર ( ગામનાં જ વ્યક્તિ હતો ) કામ કરે અને પટારા સિવાય કોઈ જગ્યાએ ક્યારેય તાડુ મારતા જ નહી. અને આ બધુ જ પેલા કડિયા કારીગરો ને ખબર હતી.
ચોરીની રાતે પણ મકાનનું કામ તો થોડું બાકી એટલે દિવસે કારીગર કડિયા ની આવ જા રહેતી હતી. એ ચોમાસાનાં દિવસો હતા પણ ઘરમાં પુરતી સુવાની જગ્યા ન હોવાથી પુરુષો તો મોટે ભાગે બહાર ફળીયામાં જગ્યા હોય ત્યાં ખાટલે જ સુવે. અમે નાનાં છોકરાવ તો એક ખાટલે બે સુવે તો જ બધાનુ સુઈ રહેવાનું ગોઠવાય. ભાઈ અને અશ્વિન ( મારો ત્રિજા નંબરના ભાઈ ) બહાર બાજુ બાજુ ના ખાટલે સુતા હતા. પટારાની ચાવી મોટી બહેન મંજુબેનની ગળા ની ચેઈન મા ભરાવેલી રાખતી પણ સુતી વખતે ઓશીકા નીચે રાખીને સુવાની આદત એટલે પેલા ચોરી કરનાર ને સરળતાથી મળી ગઈ. આ ચોરી કરનાર તો પેલાં જાણભેદુ કડિયા કામ કરનાર જ હતા જેને ઘરની બધી ખબર હતી જ. એમણે એ રાતે ઘરમાં પ્રવેશી ( આમ તો દરવાજા ખુલ્લા જ રહેતા ને મકાનનું કામ અઘૂરુ જ હતું ) સિફત થી ચેઈન લઈ લીધી અને પટારાની ચાવી તેમાં હતી જ એટલે પટારો ખોલી પેલી સોનું હતું તે લોખંડની પેટી લઈ નદી ના પટ તરફ દોટ મુકી ભાગવા માંડ્યા. પણ જતાં જ થોડો અવાજ થયો એટલે ભાઈ જાગી ગયા ને અશ્વિન … અશ્વિન એવી બૂમ પાડી એમને એવું કે અશ્વિન જાગ્યો હશે પણ ખબર પડી કે કંઈ ચોર આવીને લઈ ને ભાગે છે એટલે એમણે પીછો કર્યો ને નદીના પટમાં જ ચોર ની પાછળ દોડ્યા. ચોર ચબરાક હતો ને ખબર હતી કે સોનું તો નાનકડી એક બિજી પેટીમાં જ છે એટલે સિફત પૂર્વક નાની પેટી કાઢી લઈ ને મોટી પેટી રસ્તામાં ફેંકી આગળ દોડ્યો. અંધારું તો હતું જ એટલે ભાઈને બહુ ખબર ન પડી ને પેલી મોટી પેટી મળી આવી એટલે લઈને પાછા ઘરે આવ્યા પણ પેલું સોનું જે અમારું સર્વસ્વ હતું તે જ જતુ રહ્યું હતું.
બિજા દિવસે પોલીસ ફરીયાદ થઈ. પોલીસ આવી ને તપાસ શરુ થઈ. મારા કાકા ને મોટાભાઈ ( સ્વ. અમુભાઈ ) હોશિયાર એટલે વ્યક્તિગત પણ શહેરની સોનીઓની દુકાને વોચ ગોઠવી કે ચોરીનો માલ વેંચવા આવે તો પકડાઈ જાય અને બન્યું પણ એવું જ મકાનનું કામ કરનાર વ્યક્તિ સોનીની દુકાને ચોરીનો માલ વેંચવા આવ્યો ને રંગે હાથે પકડ્યો…. પણ મુળ વાત હવે આવે છે. ભાઈને ખબર પડી કે ગામનો જ માણસ ને બાળ બચ્ચા વાળો ઘરનું ચણતર કરનાર જ ચોર નિકળ્યો અને હવે જિંદગીમાં ચોરી નહી કરુ એવું ચનીયો કરગર્યો એટલે ભાઈએઆગ્રહ કર્યો કે ફરિયાદ પાછી ખેંચી લો. “ મારે આ ચોરેલ જણસ પણ નથી જોતી ને એણે વેચેલ જણસનાં રૂપિયા પણ નથી જોઈતા, મારા નશીબમાં નહી હોય તે ગયું, ને ગયું તે મારુ નહી “. પરીવાર માં બધા નારાજ થયા પણ ભાઈનું માન બધાએ રાખી ને આ પ્રકરણ પુરુ કર્યું.
આ વાત વીતી ગઈ , વરસો થયા. ફરી કાળી મજૂરી કરી જીવન થોડું થાળે પડતું જતુ હતું. એવા માં એક દિવસે ભાઈ બપોરે જમવાં હજી બેઠા જ હતા ને બહાર થી બૂમ પડી, ‘ગીધા બાપા “ તમે મારા ઘરે “વાસ “ માં આવો ને …! મારા બાપા મરવા પડયા છે ને જીવ નથી નીકળતો.. તમને જ યાદ કરે છે ને કેય છે કે ગીધાબાપાને ઘરે ચોરી કરી એ મને કઠે છે.. “ મારો જીવ નીકળતો નથી”.
ભાઈ તો જમવાનું પડતું મુકી ને ચનીયા ( અટક નથી લખતો) ને ઘરે વાસમાં ગયા. એનાં ઘરમાં જઈ માથે હાથ ફેરવી ને કહે , “ ભાઈ તું ખુશી થી જા …. મેં ગયા જન્મમાં તારું લીધું હશે જે આ જન્મમાં ચૂકવાઈ ગયું ને મને કોઈ જ રંજ નથી.” આટલું કહેતાજ એનું પ્રાણ પંખેરુ ઉડી ગયું. એક બાળક તરીકે એ ઉંમરે માત્ર બનાવ જોયો જ હતો, બસ સમજ્યો છું આજે.