અનહદ પ્રેમ - 4 Meera Soneji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનહદ પ્રેમ - 4

અનહદ પ્રેમ💞
પાર્ટ - 4

વિજય પોતાના મોબાઈલની સ્ક્રીન પર જોવે છે તો દિશાનો કોલ હોય છે. વિજય મોહિતથી થોડો દૂર જઈને દિશાનો ફોન ઉપાડે છે અને કહે છે." હા દિશા બોલ, શું કામ છે?"..

" અરે વિજય આ મોહિત ક્યાં છે? નથી મારા કોલ ઉપાડતો કે નથી. મારા મેસેજ જોતો. હું ક્યારની એને કોનેટેક્ટ કરવાની કોશિશ કરું છે. પણ ખબર નહિ એ કંઈ દુનિયામાં ગાયબ છે." દિશા ખૂબ જ ચિંતિત સ્વરે બોલી..

" તારો મોહિત મજનું બનીને લેલા લેલા કરતો ફરે છે." વિજયે વ્યંગ કરતા કહ્યું...

" શું હું કઈ સમજી નહિ. વિજય તું શું કહેવા માંગે છે? " દિશા આશ્ચર્ય ભાવથી બોલી..

"અરે તને નથી ખબર આજે એની મિષ્ટીનો બર્થડે છે."

" ઓહ હા મોહિતે ગઈકાલે મને કહ્યું હતું. હું તો સાવ ભૂલી જ ગઈ. હું પણ કેવી ભૂલકડ છું.ને," દિશાએ પોતાને ઠપકો આપતા કહ્યું..

"દિશા તું પણ ગજબ છો હો મોહિત માટે દરિયા જેવો વિશાળ પ્રેમ પોતાના દિલમાં દબાવીને બેઠી છો અને એને અહેસાસ પણ થવા નથી દેતી. કેવી ગજબની વાત છેને ક્યાંક પ્રેમ માટે શબ્દો ખૂટી રહ્યા છે. તો ક્યાંક મૌન રહીને પ્રેમ કરાય છે." વિજયે કહ્યું..

"અરે ના ના વિજય તું ગલત સમજે છે. હું મોહિતને કેવી રીતે પ્રેમ કરી શકું? મને ખબર જ છે કે મોહિત તેની મિષ્ટીનો છે." દિશાએ વિજયની વાતને અટકાવતા કહ્યું..

"તું ભલે ના કહે દિશા પણ તારી મૌન આંખો ઘણું બધું કહેતી હોય છે. નાની નાની બાબતે તારું મોહિત ની ચિંતા કરવું. આ બધું પ્રેમ નથી તો શું છે."

"કેમ દોસ્તીમાં ચિંતા ના થાય?"દિશાએ નિખાલસતાથી પૂછ્યું

"હા થાયને પણ એક વાર તારા દિલને પૂછીજો કે શું સાચે આ ફક્ત દોસ્તી માટે જ છે." વિજયે દિશાને સમજાવતા કહ્યું..

"છોડને વિજય આ બધી વાતો. તને ખબર તો છે મોહિત મિષ્ટીને કેટલો પ્રેમ કરે છે. પછી આ બધાનો કોઈ મતલબ જ નથીને."દિશાએ થોડું અકળાતા સ્વરે કહ્યું..

એટલામાં સામે મોહિતે આવતો જોઈને વિજયે પોતાની વાત બદલતા કહ્યું," અચ્છા તો દિશા ચલ હવે ફોન મૂકું છું. હું અને મોહિત રિવરફ્રન્ટ જઈએ છીએ. ચલ તું ફ્રી હોય તો તું પણ આવી જા આપણે ત્રણેય દોસ્ત મળીને ચા પીસુ અને ખૂબ વાતો કરશું."

"અરે ના ના વિજય મારે આજે ઘરે ગેસ્ટ આવવાના છે. તમે લોકો એન્જોય કરો હો બાય."આટલું કહેતા દિશાએ ફોન મૂકી દીધો..

"અરે દિશા સાથે વાત કરતો હતો? કેમ ફોન મૂકી દીધો? મને આપવો તો ને હું પણ વાત કરી લેત એની સાથે. શું કેતી હતી દિશા?" મોહિતે ઉપરા ઉપરી પ્રશ્નો કરવા લાગ્યો...

"તારું જ પૂછતી હતી. સવારથી બિચારી તને ફોન કરે છે કેટલા મેસેજ કર્યા જવાબ કેમ નથી આપતો તું?" વિજયે થોડું ચિડાતા સ્વરે પૂછ્યું...

" અરે ભાઈ એ ઓફિસના ફોન પર કરતી હશે. મારો ઓફિસ વાળો ફોન મે ઘરે જ મૂકી દીધો છે. કારણકે આજના દિવસે મને કોઈ ઓફિસના કામ માટે ડિસ્ટર્બ કરે એ મને જરા પણ પસંદ નથી. આજે મારી મિષ્ટી નો બર્થડે છે આજે ઓનલી હું ને મિષ્ટી બસ".મોહિતે વિજયના પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું...

વિજય મોહિત ની વાત સાંભળીને ચિડાઈ ગયો. મોહિત ના માથા પર ટપલી મારતાં બોલ્યો" બંધ કર આ તારું મિષ્ટી મિષ્ટી સવારનો આ જ સાંભળું છું. પોપટની જેમ મિષ્ટીના નામનું રટણ કર્યા કરે છે. ખબર નહિ એવું તો શું છે તારી મિષ્ટીમાં? ચાલ હવે જલ્દી બેસ રિવરફ્રન્ટ જઈને ચા પીવી પડશે."

એટલું કહેતાં વિજયે બાઈક સ્ટાર્ટ કર્યું અને મોહિત તેની પાછળ બેસી ગયો. વિજયે ત્યાંથી વીસ મીનીટના અંતરે આવેલા રિવરફ્રન્ટ તરફ બાઈક પુર ઝડપે ધોડાવી દીધું. મોહિતનો ચહેરો એકદમ ખુશખુશાલ વર્તાતો હતો. ઘણા સમયથી મિષ્ટીની બર્થડે કેવી રીતે ઉજવવી, એ પણ તેના વગર તેના થી દુર રહીને એ મનોમંથનમાં હતો. આજે તેના દિલને જાણે ઠંડક મળી.

આગળ વિજય બાઈક દોડાવી રહ્યો હતો. અને પાછળ બેઠા બેઠા મોહિત ઠંડા પવનની લહેરો સાથે ફરી મિષ્ટીનાં વિચારોમાં ખોવાય ગયો. " આજે તો મિષ્ટીનો બર્થડે ખૂબ સરસ ગયો. મે એક એક ક્ષણને મારા મોબાઈલમાં વિડિયો દ્વારા કેદ કરી લીધી છે. બર્થડે નો એક મસ્ત વિડિયો બનાવીને મિષ્ટુને મોકલીશ. મિષ્ટી એટલી ખુશ થઈ જશે આ વિડિયો જોઈને. એની ખુશીનો તો કોઈ પાર જ નહિ રહે.

અચાનક બાઈકની બ્રેક લાગતા મોહિત વિચારોમાંથી બહાર આવી ગયો અને બોલ્યો." અરે શું કરે છે યાર કેટલી જોરથી બ્રેક મારી આમ અચાનક કેમ બાઈક રોકી દીધું."

" ઓ સાહેબ તમારું રિવરફ્રન્ટ આવી ગયું. કઈ દુનિયામાં ફરે છે તું? ઓહ હા પાછો તું તો મિષ્ટીની દુનિયામાં ખોવાઈ ગયો હોયશને?" વિજયે મોહિતની ટીખળ કરતા કહ્યું..

" હા અને હર વખતની જેમ તું મને મિષ્ટીની દુનિયામાંથી બહાર લઈ આવે છે. સાલા તું દોસ્ત છે કે દુશ્મન?" મોહિતે સામે મસ્તીના અંદાજમાં વિજયના માથા પર ટપલી મારતાં કહ્યું...

" પાકમાં પાકો ભાઈબંધ છું લા. મારા જેવો દોસ્ત તને દીવો લઈને ગોતવા જાઈશને તો પણ નહિ મળે સમજ્યો" વિજયે એકદમ ગર્વ થી પોતાનો કોલર ઉચો કરતા કહ્યું ..

"હા અલા સાવ સાચી વાત હો તારા જોવો દોસ્ત મળવો મુશ્કેલ છે. હું બઉ જ નસીબદાર છું" એટલું કહેતાં મોહિત વિજયને ભેટી પડ્યો...

" બસ હવે બઉ થયું. વધારે ઈમોશનલ થવાની જરૂર નથી. ચાલ હવે અંદર જઈએ." વિજય જાણે પોતાની જ લાગણી પર કાબૂ મેળવતો હોય તેમ તેનાથી દુર થતા બોલ્યો...

બંને દોસ્તારો રિવરફ્રન્ટના ગેટથી અંદર પ્રવેશે છે. અમદાવાદની વચ્ચોવચ આવેલી સાબરમતીના કિનારે આવેલા રિવરફ્રન્ટ પર આવી પહોંચ્યા. ઠળતો સુરજ અને વહેતા પાણીના કારણે ત્યાંનો નજારો એકદમ સુંદર અને રમણીય લાગતું હતું. નદી કિનારા નો ઠંડો પવન એક અલગ જ રોમાંચ ઉભુ કરતું હતું. રિવરફ્રન્ટમાં ક્યાંક પ્રેમી યુગલો હાથોમાં હાથ નાખીને પોતાની જ એક અલગ મસ્તીમાં દેખાતા હતા. તો ક્યાંક ઘણા વૃદ્ધો રિવરફ્રન્ટ ની પાળી ઉપર બેસીને જૂની યાદો વગોડતા હતા. કોઈ કોઈ તો ઑફિસેથી છૂટીને દુનિયાની બધી જ ઝંઝટ થી દુર એક સુકુન ભરી પળો માળવા માટે આવ્યા હતા. તો ક્યાંક કોલેજના દોસ્તારો ની મસ્તી દેખાઈ રહી હતી. તો ક્યાંક નાના બાળકો પોતાની જ મસ્તીમાં મશગુલ હતા..

બંને દોસ્તારો નદી કિનારે આવેલી પાળી પર બેઠા. મોહિત એક ઊંડો શ્વાસ લેતા બોલ્યો. "આજ નો દિવસ એકદમ મસ્ત ગયો નહિ." આટલું બોલતા જ મોહિતની નજર એ જ પાળી પર થોડે આગળ બેઠેલા એક વૃદ્ધ પર પડી. હાથમાં વાંસળી લઈને બેઠેલા એ લગભગ 60 વર્ષના વૃદ્ધના ચહેરા ઉપર એક અલગ જ તેજ હતું.

" અરે વિજય આ તો પેલા વાંસળી વાળા દાદા છે. ચલ જલ્દી આપણે એમની પાસે બેસીએ મજા આવશે." એમ કહેતા વિજયનો હાથ પકડીને દાદા તરફ લઈ ગયો..

"અરે દાદા કેમ છો? ઓળખ્યો મને હું મોહિત. આપણે હમણાં થોડા દિવસ પેહલા જ મળ્યા હતા. એ પણ અહીંયા જ હું થોડો ઉદાસ હતો. અને તમે મારો મૂડ સારો કરવા મટે વાંસળી વગાડી હતી." મોહિતે એ વૃદ્ધને કંઈક યાદ આપતા કહ્યું..
" અરે હા હા યાદ છે. બેટા તને કેમ ભૂલી શકું. મને યાદ છે. એક કલાકની એ મુલાકાતમાં તારી સાથે ગજબની આત્મીયતા બંધાઈ ગઈ હતી. હું ઘણી વાર અહીંયા આવું એટલે તને યાદ કરું. કેમ હમણાંથી દેખાતો નથી." તે વૃદ્ધ દાદા એ પણ ઉત્સાહ ભેર જવાબ આપ્યો...

" હા દાદા હમણાં થોડું ઓફિસમાં કામ ખૂબ જ હોય છે. વ્યસ્તતાને કારણે અહીંયા આવતું જ નથી થતું. આજે તો વરી "... અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ એ ફરી બોલ્યો" અરે દાદા તમે મારું એક કામ કરશો. આજે મારા જીવનની એક ખાસ વ્યક્તિનો જન્મદિવસ છે. તો તમે એના માટે તમારા અનોખા અંદાજથી વાંસળીના સુરે બર્થડે વિશ કરશો."

" હા હા બેટા કેમ નહિ. જરૂર વગાડીશ" દાદાએ મોહિત ની વાત પર સહમત થતાં બોલ્યા...

" ઓકે તો દાદા તમે વાંસળી વગાડતા બર્થડે વિશ કરો. હું તમારો વિડ્યો ઉતારું છું. અને હા પછી તમે એને આશીર્વાદ આપતા કઈક કહેજો. અને એ ખાસ વ્યક્તિનું નામ છે મિષ્ટી ઓકે." મોહિત પોતાના ખિસ્સા માંથી મોબાઈલ બહાર કાઢતા બોલ્યો..

વિજય ત્યાં બેઠો બેઠો ચૂપ ચાપ જોઈ રહ્યો હતો. એ દાદા એ ખૂબ જ મધુર તાલે વાંસળી વગાડતા બર્થડે વિશ કર્યું અને સાથે મિષ્ટીને આશીર્વાદ આપતા કહ્યું." મિષ્ટી બેટા તમારા જન્મદિવસની ખૂબ ખૂબ વધામણાં. તમે હંમેશા ખુશ રહો સુખી થાવ."

મોહિત આ બધું મોબાઈલના કેમેરા દ્વારા કેદ કરી લે છે. પછી થોડી વાર દાદા સાથે વાતો કરીને ફરી મોહિત અને વિજય ત્યાંથી થોડે દૂર પોતાની રોજની જગ્યા એ આવીને બેસી જાય છે.

"એક અદભુત સુકુન અને નીરવ શાંતિનો અહેસાસ થાય છે અહીંયા નહિ?" મોહિત નદીના વહેતા પાણી ને નિહાળતા બોલ્યો..

" હા જગ્યા છે તો બઉ જ મસ્ત. અચ્છા મને એમ કહે કે હું ઘણી વાર સાંજના સમયે તને ફોન કરું ત્યારે તું અહીંયા જ બેઠો હોય છે અહીંયા આવીને તું કરે છે શું?" વિજયે પૂછ્યું...

મોહિત એક હળવું સ્મિત કરતાં બોલ્યો." અહીંયા આવીને મને સુકુન મળે છે. અહીંયા હું મિષ્ટીની યાદો સાથે સમય વિતાવુ છું. નદીનો ઠંડો પવન મને મારી મિષ્ટી આસપાસ હોય એવો અહેસાસ કરાવે છે."

" મોહિત તું એમ કહે કે તે આ બધા વિડ્યો ઉતર્યા છે. સવાર થી લઈને અત્યાર સુધીમાં એનું તું કરીશ શું? વિજયે કુતૂહલવશ પૂછ્યું .

મોહિત વિજયેનો પ્રશ્ન સાંભળીને હસી પડ્યો. અને બોલ્યો" હું આ બધા વિડ્યો ને મિક્સ કરીને એક વિડ્યો બનાવીશ. અને પછી મિષ્ટીને મોકલીશ. એ પણ વિડ્યો જોઈને એકદમ ખુશ થઈ જશે. કે તેના મોહિતે તેનો બર્થડે કેવો શાનદાર ઉજવ્યો..

" મોહિત એક વાત પૂછ્યું યાર આજ સુધી મે તને પૂછ્યું નથી. પણ આજે જાણવાની તીવ્ર ઈચ્છા થાય છે. કે તું અને મિષ્ટી મળ્યા કેવી રીતે? એવું તો શું છે મિષ્ટીમા કે તું એના પ્રેમમાં પડ્યો. તું જાણે જ છે કે એ શક્ય નથી છતાં પણ આટલો અનહદ પ્રેમ શા માટે?"વિજયે કુતૂહલતાથી પૂછ્યું...


મોહિતે એક ઊંડો શ્વાસ લીધો. અને પોતાની ભૂતકાળની યાદોને વાગોળતા બોલ્યો."શું કરું મિષ્ટી છે જ એવી કે પ્રેમ થઈ જાય. લગભગ બે વરસ પેહલા એક દિવસ હું ઓફિસ થી ઘરે આવ્યો ત્યારે ખૂબ થાકેલો હતો. થાકના કારણે કશું પણ ખાવાની ઈચ્છા ન હતી એટલે ફેશ થઈને સીધો બેડરૂમમાં જઈને પલગ પર પડ્યો પડ્યો ઈન્સ્ટાગ્રામ ની રિલ જોતો હતો. ત્યાં જ મારી નજર એક ચહેરા પર પડી. નામ હતું આરવી શાહ...

કર્મશ...
વધુ આવતા અંકે...