તડકાએ બંનેનાં શરીરનું ઘણું બધું પાણી શોષી લીધું હતું, અને આંખો. પીળા કલરના ચકામાં જોવા લાગી હતી. હાથમાં પકડેલો ડબ્બો દુનિયાભરના વજનનો અનુભવ કરાવતો હતો. અને હૃદયનો અફસોસ નિઃશ્વાસ બની મોઢાંમાંથી બહાર નીકળતો હતો. લાચારીની રેખાઓ માથા પર ઊંડી ને ઊંડી ઉતરતી હતી. ગળાના સંતોષ માટે બાજુમાં ઉભેલી સંસ્થાની વેનમાંથી પાણીની બોટલ લઈ પાણી ગટગટાવી લીધું. આભાસી સંતોષ મોઢાં પર પાથરી બને પાછા રસ્તા વચ્ચેના સર્કલ પાસે ઊભા રહી ગયા. તહેવાર હતો એટલે બગીચા અને બગીચાની બાજુમાં આવેલા મંદિરમાં લોકોની ભીડ જામી હતી. સ્વાદ માણતાં લોકો હાથની લારી પર માખીની જેમ ટોળે વળ્યા હતાં. સર્કલ પાસે ઉભેલા આ બને વડીલો આવતાં જતાં લોકોની સામે સવારથી સાંજ સુધી ડબ્બો ખખડાવતા રહ્યા, પણ કોઈને ક્યાં સમય હતો આમને માટે બધાં તો નિજાનંદમાં મસ્ત હતા.
થાકેલાં ચરણોને લઈ ઉતરી આવેલા અંધારા સાથે સંસ્થાની વેન બને વૃદ્ધોને તેમના કહેવાતા ઘર તરફ દોરી ગઈ. જેવો હતો એવો પણ જીવનના છેલ્લા અધ્યાયનો આશરો હતો.
"નિરતભાઈ આ રસ્તા ઉપર ઊભી ઊભીને થાકી જવાય છે. રોજ અલગ અલગ વિસ્તારમાં જઈને આમ ડબ્બાઓ ખખડાવી પૈસા રૂપિયા માંગવા ખૂબ અઘરું પડે છે."
"હા, નિરતભાઇ જીવનના આ પડાવમાં કોઈ સામે હાથ લાંબો કરવો એક શ્રાપ જેવો અનુભવ થાય છે."
"તમે બને સાચા છો, પણ કાકા હું શું કરી શકું. આ વૃદ્ધાશ્રમ ચલાવવા ફંડ ફાળો ઉભો કરવો પણ જરૂરી છે. લોકો જૂના કપડાં દાનમાં દેતાં અચકાતાં નથી, વાર તહેવારે ગુજરી ગયેલા લોકોની યાદમાં જમણવાર પણ કરાવે છે. બસ તેમને વાંધો એક નગદ નારાયણ આપવામાં છે, જેના વગર આપણે અનાજ કે દવાદારૂ લઈ શકતાં નથી. અજીબ સમાજ છે આપણો છાપાંમાં નામ છપાવવા દાન તો કરે છે પણ વડીલો કે અનાથ બાળકોની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. અને જે પોતાના વડીલોની ઘરમાં પોતાની સાથે રાખી ચાકરી તો કરે છે, પણ તેમની તકલીફમાં સતત તેમનું અપમાન કર્યા કરે છે. કડવા શબ્દો અને વર્તનથી પોતાના વડીલોને રીબાવ્યા કરે છે."
'સ્નેહનું ઘર ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા ચલાવવામાં આવતા 'સ્નેહનું ઘર' વૃદ્ધાશ્રમમાં કુલ ચોવીસ વડીલો પોતાના જીવનના પાછલાં વર્ષો સંઘર્ષ સાથે જીવી રહ્યાં હતાં. કેટલાંક વૃદ્ધો અને વૃધ્ધાઓ એકલાં હતાં તો કોઈ દંપતીની જોડીઓ પણ હતી. નવ મહિલાઓ હતી જે રસોઈ જેવા કામકાજો સંભાળી લેતાં હતા. ટ્રસ્ટને રસોઈયો રાખવો પોસાય તેમ ન હતો. બીજી સાફ સફાઈ પુરુષો સંભાળી લેતા. ટ્રસ્ટ બનાવનાર દામજીભાઈ શેઠના મૃત્યુ પછી વૃદ્ધાશ્રમની સંભાળ લેવા તેમના દીકરાઓ ક્યારેય ફરક્યા ન હતા. નક્કી કરેલો ફાળો ટ્રસ્ટની જમાં રકમમાંથી મહિને આવી જતો. પણ તે રકમ પૂરતી ન હતી. 'સ્નેહનું ઘર' જે જમીન પર હતું એ દામજીભાઈએ વિલ બનાવીને વૃદ્ધાશ્રમના નામે કરી હતી એટલે વૃદ્ધોને રહેવાની કોઈ ખાસ ચિંતા ન હતી.
નિરતભાઈ વૃદ્ધાશ્રમના મેનેજર સાથે સાથે કેરટેકર અને. એડમીનિસ્ટ્રેટર પણ હતા. કુલ મળીને ત્રણ જણનો સ્ટાફ હતો. સાફસફાઈ વાળાં બેન જે બીમારોની સેવા કરતા. અને એક માળી. જે બીજા બધાં સોંપાયેલા કામ પણ કરતો અને સંસ્થાની એકમાત્ર ગાડીનો ડ્રાઈવર પણ બની જતો.
'સ્નેહનું ઘર' અલગ અલગ વ્યક્તિઓનો અને અલગ અલગ ધર્મનો માળો. પણ બધાં વચ્ચે બંધન માત્ર પીડાનું હતું, અતૂટ અને મજબૂત.
****
બીજા દિવસે પણ ફંડ મેળવવા ગયેલ ખાલી હાથે આવ્યા. હવે દરેક રહેવાસીઓને ચિંતા થવા લાગી. નાની મોટી બીમારીઓને કારણે આશ્રમનો ખર્ચો વધતો જતો હતો.
"નિરતભાઈ આજે તો અમે સાવ ખાલી હાથે પાછા આવ્યા. હા એક સો રૂપિયાની જૂની અને માંદી નોટ મળી હતી પણ આ ચટપટા સ્વાદ માટે લાલચુ રમણભાઈએ બિસ્કીટ વડાં ખાવામાં વાપરી નાખ્યાં. ઉંમર અને દાંત બને હાથ તાળી દેતા જાય છે પણ સ્વાદનો ચટકો છૂટતો જ નથી."
"ગગનભાઈ મે એકલાએ ખાધા છે? તમે તો ત્યાં ઊભીને ફૂલ ઉગાડતા હતા નઈ? અને આ આપણી વેનનો સારથી પરમાર પણ ચટાકો લેવામાં સામેલ હતો કે નહિ. પચાસ રૂપિયાની એક પ્લેટ હતી અને બે પ્લેટ ખરીદી, ભેગા મળીને ખાધી."
રમણભાઈ ખાધું એનો વાંધો નથી પણ જેવું તેવું ખાવાથી તમારું પેટ બગડી જાય ને."
"અરે જેવું તેવું નહિ, ઘરઘરાઉ વેચતા હતા." એકદમ સારું અને ચોક્ખું હતું."
"પરમાર એક કામ કરો આશ્રમના બધા સભ્યોને હોલમાં બોલાવી આવ"
"કેમ નિરતભાઈ, આજે કોઈ પિકચર જોવાનો પ્લાન છે?"
"પરમારભાઈ.... જાવ ને બધાંને બોલાવી લાવો."
"હા ભાઈ, કહી પરમારભાઈ બધાંને બોલાવવા ચાલ્યા ગયા.
નિરત બધાથી નાનો હોવા છતાં બધાં તેની કાર્ય કુશળતાથી પ્રેરાઈ ભાઈ કહીને જ સંબોધન કરતા હતા.એક જ હાકલે બધાં હોલમાં આવી પહોચ્યાં. વાતો કરવા માટે તો બધાં તૈયાર જ મળતાં.
"નિરત ભાઈ કેમ આજે આટલો બધો ચિંતામાં છે, જો ભાઈ બહુ ચિંતા ન કરવાની, નહિ તો જલ્દી ડોસો થઈ જઈશ."
"હા, હો વસુધામાસી. બધાંય આવી ગયાં ને, મારે આપણા ખર્ચા પર કાપ મૂકવાની વાત કરવી છે." નિરતે કચવાતા મનથી વાત કરી જ દીધી.
"હવે ભગવાન બહુ જલદી શ્વાસ પર કાપ મૂકવાનો છે પછી ખર્ચાની શું ચિંતા કરવી."
"ઓહો રાધા માસી તમે પાછી એજ વાત કરી."
"સાંભળો નિરતભાઈની વાત બિચારા આપણા માટે ખૂબ મહેનત કરે છે." હસીનાબાનું વટાણાની થાળી લઈ બેનોના સર્કલમાં જઇ બેસતાં બોલ્યાં.
"ટ્રસ્ટ દ્વારા જે રકમ આપણને મળે છે એ આ મોંઘવારીના સમય ગાળામાં ખૂબ ઓછી પડે છે. પાછો બીજો કોઈ ફાળો પણ મળતો નથી. એટલે જેટલો ખર્ચા પર કાપ મૂકી શકાય એટલું સારું..બાકી હું દામજી શેઠના દીકરાઓને મળીને વાત કરવાનો જ છું. પણ તેમની પાસે કોઈ અપેક્ષા નથી જ. જેમ બને એમ આપણે વધારે ફાળો ઊગરવાનો પ્રયત્ન કરવો જોઇએ."
"નિરતભાઈ આ રસ્તે ઊભીને ફાળો ઉગરાવવો ખૂબ ભારે લાગે છે હો, આખી જીંદગી સ્વમાનભેર નોકરી કરી ક્યારેય કોઈ સામે હાથ લાંબો નથી કર્યો અને જ્યારે જીવનનું છેલ્લું પાનું લખવા બેઠાં ત્યારે આમ રસ્તે બધાં વચ્ચે....." જયંતભાઈના ગળે ડૂમો ભરાઈ ગયો. પરમારે પાણી પાયું.
પણ જયંતભાઇના ગળે ભરાયેલો ડૂમો બધાનાં મન પરમાં પણ ભરાઈ આવ્યો. કેટલાયની આંખો પર ખરી પડવા તૈયાર હોય તેમ આંસુના ટીપાં તરવરી ઉઠયાં.
"ઓ ભાઈઓ આજેય ફાળો ઉગરાવવા ગ્યાતા ને એનું શું થયું.?" હસીનાબાનું એ પોતાના કામને બાજુ એ રાખી ચર્ચામાં ઝંપલાવી દીધું.
"અરે એમાં તો સો રૂપિયા મળ્યાતા, એ પણ આ તમારા રૂમના પાડોશીઓએ પેટમાં પધરાવી દીધા." જયંત ભાઈએ પોતાની ઉદાસી ખંખેરી ને હસતાં હસતાં કહ્યું.
"શું લારી ઉપર?" હસીનાબાનું તો ખુશ જ થઈ ગયાં મોમાં પાણી આવી જ ગયું."ક્યારેક અમને પણ લેતા જાવ અમે પણ કઈક નવું જોઈએ."
"અરે બાનું અમે હાથ લારી પર નઈ પણ કોઈના ઘરઘરાઉ નાસ્તાની ટેબલ પર અમે નાસ્તો કર્યો. સારી નોકરીઓ વાળા ઘરના પણ રવિવાર અને તહેવારોની રજામાં આવી રીતે નાસ્તાઓ વેચે છે."
"વાહ કહેવું પડે લોકો મોંઘવારીને જીવતાં શીખી ગયાં છે. અને આવક માટે સાઇડના ઈમાનદાર ઉપાય તૈયાર જ રાખે છે." હસીનાબાનુંએ ખોળામાં પડેલી થાળી બાજુ પર રાખતાં કહ્યું.
"અરે..અરે મને એક વિચાર આવે છે આપણને આમ હાથ લાંબો કરીને ફાળો ભેગો કરવાની જરૂર જ નહિ પડે. આપણે પણ આવી રીતે નાસ્તો બનાવીને બગીચાઓ પાસે વેચીએ તો. જોતી રકમ આપણને મળી જાય"
"વાહ શોભનાબહેન મસ્ત આઈડિયા છે હો" રમણભાઈએ વાતને બોલની જેમ કેચ કરી લીધી.
"જોયું આ ચટકાના શોખીનને આવી જ વાતો દાઢે વળગે છે. ગફુરભાઈએ હસતાં હસતાં કહ્યું. આપણે અડધાં તૂટેલા ફૂટેલા લોકો આવા કામ કરશું તો વહેલા સ્વધામ સિધાવી જાશું."
"તમે સાચા છો ગફુરભાઈ, પણ રોટલો તો મહેનતનો હશે લાચારીનો નહિ." રુક્સાનાએ કહ્યું માથું હલાવી અને હોંકારો કરી જયંતભાઈએ પણ તેમાં પોતાના મનોભાવ જોડી દીધા. અને ધીમે ધીમે બધાને આ વાત ગમી ગઈ ગળે પણ ઉતરી ગઈ. નિવૃત્તિ લેબલ જ્યારથી લાગ્યું ત્યારથી જીવવા ખાતર જીવતા લોકોમાં પ્રવૃત્તિ આળોટવા લાગી. સપનાઓ જોડાવા લાગ્યાં. નિરતભાઈની આનાકાની છતાં પણ બધાં પોતાની વાત પર મકમ બનતાં ગયાં.
અંતેતો નિરતભાઇએ તેમની વાતનો સ્વીકાર કરી લીધો પણ વેચાણની જગ્યા પર પોતે અને સંસ્થાને મદદરૂપ થતા ડોક્ટર હાજર જ રહેશે. બધાંને એમાં કોઈ વાંધો ન હતો
કામકાજ માટેના ગ્રુપ તૈયાર થઈ ગયાં શું બનાવી વેચવું એનું પણ લીસ્ટ તૈયાર થઈ ગયું. બજારનો એક નાનકડો સર્વે કરી નિરતભાઈએ બધી વસ્તુઓ પરના ખર્ચનો હિસાબ કાઢી ભાવ પણ નક્કી કરી નાખ્યા . આશ્રમના પ્રિન્ટર પર રફ પાનાઓ પર નાના પોસ્ટર પણ બનાવી લીધાં. મોટા પોસ્ટર માટે ત્રણ ચાર્ટનો ઉપયોગ કર્યો. 'સ્નેહનું ઘર હવે પોતાનો બિઝનેસ કરવા તૈયાર હતું.
પહેલો રવિવાર અને બધાનાં ચહેરે ઉત્સાહનું તેજ. સાંજ પડતાં પહેલાં જ કામ માટે નક્કી કરેલ જગ્યાએ ટીમ પહોંચી ગઈ. પહેલાં બે કલાક કોઈ તેમના પાસે ફરક્યું નહિ, છતાં પણ કોઈ નિરાશા તેમની નજદીક આવી નહિ. આશ્રમના બંધિયાર વાતાવરણમાંથી તેઓ બહાર નીકળ્યાં હતાં. એક નાની છોકરી અને તેના માતા પિતા પહેલાં ગ્રાહક બન્યાં. બાળકીને જોઈ તેમનામાં મમતા માથું ઊંચું કરી બેઠી. સરસ મજાની ચીઝ કટલેસ સાથે બાળવાર્તા અને ગીતોનો ખજાનો પણ ખોલી દીધો. બસ પછી તો જોવું જ શું હતું. બાળકો અને તેમના માતાપિતા ખેચાઇ આવવા લાગ્યાં. પૈસાનો બધો જ હિસાબ નિરત સંભાળતો હતો. કામ કરતી ટીમ પણ થોડી વારે બદલાતી રહેતી હતી. પહેલો દિવસ તેમની ધારણા કરતાં પણ સારો ગયો.
નાનકડા બિઝનેસમાં લાગેલા ખર્ચ સામે આવક જળવાઈ રહી હતી. પણ એનાથી પણ વધારે કમાણી તેમના આનંદની હતી. હા, થાક હતો શરીરમાં પીડા હતી પણ તેમણે મેળવેલી ખુશી સામે બધું જ મહત્વ વગરનું હતું
બીજા રવિવારે તો ખાટલામાં પડી રહેનાર નબળા વૃદ્ધો પર પણ ઉત્સાહની અસર થઈ ગઈ. બેસીને કરવા લાયક બધાં કામ તેમણે સંભાળી લીધાં. બીજા રવિવારનો વેપાર પણ ખૂબ સારો રહ્યો. પછી તો આ દરેક રવિવારનો અને તહેવારોની રાજાઓનો ક્રમ બની ગયો.એક વર્ષના સમય ગાળામાં તો આવક પણ વધવા લાગી, તેમની વાનગીઓ સાથે બાળકો માટેની વાર્તાઓ અને રમતો પણ લોક પ્રિય બની. ધીરે ધીરે આશ્રમની એક અલગ ઓળખ ઊભી થઈ. જે આશ્રમને કોઈ પૂછતું ન હતું તેમને આજે દરેક જણ સામેથી બોલાવતું હતું. ફાળો, દાનનો પ્રવાહ નામના ધરાવતી વ્યક્તિ પાસેથી આશ્રમના હિસાબમાં જોડાવા લાગ્યો. બધાથી મોટી વાત તો એ હતી કે કામ શરૂ કર્યા પછી ખૂબ ઓછાં સભ્યો બીમાર પડ્યાં.
આજે એક ઉદઘાટન હતું. વૃદ્ધાશ્રમના બધાં જ સભ્યો નવાં શાનદાર કપડાઓમાં સુગંધી પરફ્યુમ સાથે મહેકતા હતાં. 'સ્નેહનું ઘર' ના મોટાં બેનર નીચે એક દુકાન મંદિરની બાજુના બગીચા પાસે ભાડે રાખવામાં આવી હતી. આશ્રમના દરેકની મહેનત ફળી હતી. ખુદ રાજ્યના મુખ્ય મંત્રી ના હાથે ઉદઘાટન કરી દરેક સભ્યનું સન્માન કરવામાં આવ્યું. કેટલીયે સંસ્થાઓ દ્વારા મંચ પર એવોર્ડ પણ આપવામાં આવ્યો. આશ્રમ વાસીઓના આંસુ કોઈનો પણ સંકોચ રાખ્યા વગર વહી રહ્યાં હતા. કાર્યક્રમ પૂરો થઈ ગયો. આવેલ મહેમાનો પણ જતા રહ્યાં. ખાલી પડેલી ખુરશીઓમાં બેસીને અવાક બની ક્યાંય સુધી એકબીજાના સહકારને બિરદાવતા રહ્યાં.