મંદી વગરનો બિઝનેસ
"જો સાંભળી લે, કહી દઉં છું હવે તારી જવાબદારીઓ તારે પોતે લેવી જ પડશે. ભણાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ તું ભણ્યો નહિ. હવે તું બિઝનેસમાં પણ ધ્યાન નથી આપતો." ગુસ્સામાં ધીરજભાઈ બરાડા પાડતા બોલ્યા.
ધીરજભાઈ શહેરના જાણીતા ઉધોગપતિ અને બિલ્ડર હતા. દરેક માતાપિતાની જેમ ધીરજભાઈ પણ પોતાના એકના એક દીકરા માટે પહાડથી પણ ઉંચી અપેક્ષાઓ રાખી હતી. પણ તેમનો દિકરો તેમના વિચારોથી અલગ જ દિશામાં વિચરતો હતો.
"પપ્પા, મને તમારા બિઝનેસમાં રસ નથી. જે બિઝનેસમાં વારંવાર મંદી આવતી હોય એવો બિઝનેસ શું કામનો." સુપુત્ર કેશવે કહ્યું.
"એવો કયો બિઝનેસ છે કે જેમાં મંદી ન હોય, ક્યાંક તારે નેતા બનવાના અભરખા તો નથી ને." ધીરજભાઈ એ કહ્યું
"ના પપ્પા મંદી તો નેતાગીરીમાં પણ આવે છે, જે પક્ષના હાથમાં સતા હોય તેને ફાયદો અને વિપક્ષના ઘરે મંદી છલકાતી હોય છે. મારે તો બસ મંદી વગર નો બિઝનેસ કરવો છે. જો તમે મને બિઝનેસ કરવા રકમ આપો તો હું તમને મંદી વગરનો બિઝનેસ કરી આપીશ " કેશવે ગુસ્સા ભરેલી જીદ સાથે કહ્યું.
"ભલે જો તારી આજ જીદ હોય તો હું તને બિઝનેસ કરવા માટે રૂપિયા ચોક્કસ આપીશ, પણ લોન પેટે. જો તું બિઝનેસ કરી બતાવીશ તો તારી લોન માફ પણ જો બિઝનેસમાં ફેલ થયો તો તારે બધા રૂપિયા વ્યાજ સાથે ચૂકવવા પડશે અને આપણા બિઝનેસમાં તારે જોડાવું પડશે." ધીરજભાઈ બિઝનેસમેન બનીને દિકરા સાથે ભાવતાલ કરતાં કહ્યું. આ શરત માટે તેમની એક ધારણા એવી હતી કે દિકરો આડાઅવળા વિચારો છોડી ચૂપચાપ તેમના બિઝનેસમાં જોડાઈ જશે, પણ દીકરાના ટૂંકા જવાબે તેમની આશા પર પાણી ફેરવી દીધું.
"ઓક ડન પપ્પા" ખુશ થતાં કેશવે કહ્યું
અને પોતાના માટે મંદી વગરના બીઝનેશની શોધમાં નીકળી પડ્યો. ખૂબ શોધ્યો પણ મંદી વગરનો બિઝનેસ નજરે ન ચડ્યો. ધીરે ધીરે તે નિરાશ થતો જતો હતો. હાર માનવાની અણી ઉપર હતો ત્યારે જ છાપામાંથી એક જાહેરાતના રૂપમાં બિઝનેસ ટપકી પડ્યો. એને એ બિઝનેસ કેશવે કેચ કરી લીધો.
છાપાંમાં છપાયેલી એક જાહેર ખબર તમામ સગવડો અને સ્ટાફ ધરાવતી એક સ્કુલ વેચવાની છે. કેશવ મનોમન બોલ્યો, "મળી ગયો મંદી વગરનો બિઝનેસ"
કેશવે સ્કુલ ચલાવવા માટેની તમામ જરૂરી વિગતો ભેગી કરી. અને પોતાની માતાના નામે ટ્રસ્ટ બનાવી એક સુંદર મજાની સ્કુલનું ઉદઘાટન કર્યું. જેમાં ટ્રસ્ટી તરીકે પોતાના પપ્પા પોતે અને એક વકિલ મુખ્ય ટ્રસ્ટી હતા બીજા બે ટ્રસ્ટી તો સ્કૂલના પીયુન હતા જેની પીયુન ને ખબર પણ નહોતી.
સ્કુલ માટે જરૂરી એવા તમામ મહત્વના મુદ્દાઓનું ધ્યાન પણ તેણે રાખ્યું હતું. સ્કુલનો મહત્વનો પાયો એટલે ટીચર્સ, સારા ટીચર્સ મેળવવા તેણે દરેક સ્કૂલોમાં પોતાની જાસૂસી નજર દોડાવી, જ્યાં સારા ટીચર્સ મળ્યા ત્યાં સારી ઓફર આપી પોતાની સ્કૂલમાં ખેચી લીધાં. કેશવે સ્કુલ માટે જે પણ પરમિશન જોઈએ તે મેળવવા સામદામ દંડ બધાનો ઉપયોગ કર્યો હતો. બધું મળીને તેણે એક ખૂબ જ સરસ સ્કુલ બનાવી.
સ્કૂલના પ્રચાર પ્રસાર માટે અવનવી યોજનાઓ અને સ્કોલરશીપ સિસ્ટમનું પણ આયોજન કરેલું. સ્કૂલના બિઝનેસ જામી પડ્યો એટલે સ્કૂલની બાજુમાં જ એક મોટું કોચિંગ સેન્ટર શરૂ કરી દીધું, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફર પણ આપવામાં આવતી. અને કોચિંગ સેન્ટરનો બિઝનેસ પણ જામી ગયો કેશવને ખબર હતી કે આ બિઝનેસ મંદી વગરનો પણ સંઘર્ષથી ભરપુર છે. એણે પોતાના પપ્પાએ આપેલી ચેલેંજ પૂરી કરી હતી.
શહેરના ખૂણે ખૂણે કેશવની પ્રાઇવેટ સ્કૂલના પોસ્ટર લગાડવામાં આવ્યા હતાં. અગ્રેજી અને ગુજરાતી બને માધ્યમોમાં બાળકોને ગુણવતા સભર શિક્ષણ આપવામાં શાળા અગરેસર. બાળકના શારીરિક અને માનસિક વિકાસની એક માત્ર માધ્યમ.
પોતાની સ્કૂલની ચર્ચાઓની ખબર સાંભળી કેશવ ઘણો જ ખુશ થતો.
પાંચ વરસ પછી એક આરામ ભરેલી સાંજે કેશવ પોતાના પપ્પા સાથે સ્કૂલના નાના બગીચામાં બેસીને વાતો કરતો હતો.
"જોયું પપ્પા મે મંદી વગરનો ધંધો કરી બતાવ્યો કે નહિ આજે મારા આ કામને પાંચ વરસ થઇ ગયા અને મે એમાં પ્રગતિ કરી છે" કેશવે ખુશી છલકાતાં બોલ્યો.
"બેટા દરેક ધંધામાં થોડો ખરાબ સમય ચોકસ આવે જ છે. તારે એના માટે પણ તૈયાર રહેવું જોઈએ. તારા આ ધંધામાં પણ મંદી આવી શકે છે." ધીરજભાઈ પોતાના મનમાં પુત્ર માટેનો ગર્વ છુપાવતા બોલ્યા.
ના પપ્પા જ્યાં સુધી માતાપિતાની પોતાના બાળકો માટે હિમાલયથી પણ ઉંચી અપેક્ષાઓ છે ત્યાં સુધી એજયુકેશન બિઝનેસમાં મંદી નહિ આવે. બોલો હું સાચો છું કે નહિ.?" કેશવ ખુશ થતાં બોલ્યો.
અને, "હા" કહેતાં ધીરજભાઈ જોરથી હસી પડ્યા તેમનો દીકરો સાચો હતો આ બિઝનેસ તો માતાપિતાની અપેક્ષાઓનો હતો જેનો કોઈ અંત નથી. પાછા બાપ દીકરો સ્કુલ માટેના નવા આયોજનમાં લાગી ગયા.
સમાપ્ત
story by _- shesha Rana (Mankad)