loanni saapsidi books and stories free download online pdf in Gujarati

લોનની સાપસીડી


મોબાઈલ અને અન્ય ઈેક્ટ્રોનિક્સ સાધનો રિપેર કરવામાં પ્રકાશને સારી ફાવટ હતી. તેની પાસે રિપેર કરવા આવેલાં કોઈ પણ સાધન નવા જેવું જ થઈ જતું, ગ્રાહકને ક્યારેય કોઈ ફરિયાદ કરવાની જરૂર પડતી નહિ. ધીરે ધીરે તેના કામની ડિમાન્ડ વધવા લાગી તેમ તેમ નવી જગ્યાની જરૂરત પણ જણાવા લાગી.

કામ વધતાં થોડી મૂડી પણ ભેગી થઇ હતી, એટલે જ નવી દુકાન કરી પોતાનો ધંધો વિકસાવવાનો વિચાર આવ્યો. પણ જેટલી મૂડી ભેગી થઈ હતી તેનાથી તો કામ ચાલે તેમ નહતું. પ્રકાશ પોતાના દુકાન માટેના વિચારને પોતાના પરિવાર સામે મૂકયો.

પ્રકાશના માતાપિતાએ આખી જિંદગી મજૂરી કામ જ કર્યું હતું. એટલે પ્રકાશની દુકાન ખોલવાની ઈચ્છાથી ઘણા જ ખુશ થયાં, પણ દુકાન કરવા માટે ઘણી મૂડી જોઈએ. પ્રકાશે બેંકમાંથી લોન લેવાનો પ્રસ્તાવ મૂક્યો. તેના પિતા એ કહ્યું પણ ખરું કે આપણા જેવા ને લોન કોણ આપે પણ પ્રયત્ન ચોક્કસ કરવો. પ્રકાશ બેંકની લોન મેળવવાના પ્રયત્નમાં લાગી ગયો.

પોતાના નાનકડા શહેરની સરકારી અને પ્રાઇવેટ બેંકોમાં ધકા ખાવાની શરૂઆત કરી દીધી. તેની પાસે બધા જ જરૂરી ડોકયુમેન્ટ હતા, પણ બધી જ બેન્ક અલગ અલગ કારણો આપી સ્પષ્ટ ના સંભળાવી દેતા. ઘણી રઝળપાટ પછી તેને સમજાણું હતું કે સરકાર નાની આવક ધરાવતા લોકો માટે લોનની ઘણી યોજનાઓ ચલાવે છે. પણ બેંક દ્વારા આ યોજનાઓનો અમલ પૂરેપૂરો નથી થતો. આ બધાથી પ્રકાશ ઘણો નિરાશ થયો હતો, પણ એને પોતાનું સપનું પૂરું કરવું હતું સાવ આમજ હારીને તે બેસી રહે તેવો ન હતો.

ફરી આજે હિંમત કરીને સરકારી બેંકમાં આવ્યો. આ બેંકમાં એનું ખાતું પણ હતું અને લોન મેળવવાની ઈચ્છાથી ચારપાંચ વાર અરજી પણ કરી હતી, દરેક વખતે નકારનું બોર્ડ એની સામે લટકાવી દેવામાં આવતું. પ્રકાશ પોતાના બધાં જ ડોક્યુમેન્ટ સાથે ટોકન લઈને પોતાના વારાની રાહ જોઈને બેઠો હતો. તેના જેવા ઘણા બધા લોન લેવાની લાઈન લગાવી બેઠાં હતાં.

પ્રકાશનો વારો આવ્યો, તેને જોઈને લોન ઓફિસર મોઢું બગાડી નાખ્યું,

"પ્રકાશભાઈ તમને એક વારમાં સમજ નથી પડતી કે તમને કોઈપણ પકારની લોન મળી શકે એમ નથી. ભલે તમારું આ બેંકમાં ખાતું છે પણ તમારી આવક અને મૂડી બેય બરોબર નથી." લોન ઓફિસરે ગુસ્સાથી કહ્યું.

" સાહેબ તમે જે માગ્યા હતા એ બધા જ જરૂરી દસ્તાવેજો હું લઇ આવ્યો છું એકવાર જોઈ લ્યો તો તમારો આભારી થઈશ." પ્રકાશે વિનમ્રતાથી કહ્યું.

લોન ઓફિસરે પરાણે પ્રકાશની ફાઈલ હાથમાં લીધી. કોઈ મોટું સંશોધન કરતાં હોય એમ ફાઈલના પાનાં ચાર પાંચ વાર ઉથલાવી નાખ્યાં. પછી પ્રકાશની સામે થોડી વાર જોઈ ને કહું " પ્રકાશભાઈ આ છેલી વાર કહું છું, મહેરબાની કરી ને આજ પછી બેંકમાં આવોતો પણ મને તમારું મોઢું ન બતાવતા. તમારા આ ડોક્યુમેન્ટ પૂરતા છે, પણ બેંકના નિયમોને કારણે મારા હાથ બંધાયેલા છે. હવે મહેરબાની કરો"

પ્રકાશ લોન ઓફિસરની વાતથી નિરાશ થઇ ને કેબિન બહાર દરવાજાને અડી ને બેસી ગયો. હતાશાથી તે આજુબાજુ ભીડ જોતો બેસી રહ્યો. અને આ જ ભીડમાં એણે એક જાણીતો ચહેરો પણ જોયો ભોગીલભાઈનો.

ભોગીલભાઈ શહેરનો જાણીતો ચહેરો. તેમને નામે એક મોટી સુગર મીલ અને એક તેલની ફેકટરી હતી, તે સિવાય તેમનો એક મોટો મોલ પણ આ શહેરમાં ધમધમતો હતો. ભોગીલભાઈ પ્રકાશની બાજુમાંથી પસાર થઇ લોન ઓફિસરની કેબિનમાં દાખલ થઇ ગયા.અંદર જતાં જતાં દરવાજો અધખુલો છોડી દીધો. કેબિન અંદરના અવાજો પ્રકાશને સંભળાતા હતા અને એને ચકિત કરી જતા હતા. પ્રકાશે પોતાના હાથમાં રહેલા ફોનને ચોરીછૂપીથી વિડિયો ઉતારવાનું કામ સોંપી દીધું.

લોન ઓફિસરે ખૂબ જ ભાવ પૂર્વક ભોગીલભાઈનું સ્વાગત કર્યું, "આવો સાહેબ ઘણે વખતે દર્શન દીધાં."

"હા, હમણાં બેંકનું કામકાજ હોતું નથી એટલે આબાજુ આવવાનું થતું નથી. આજે કેવાયસી કરાવવાનું હતું એટલે આવ્યો હતો એટલે થયું તમને પણ મળતો જાઉં. બોલો સાહેબ શું ચાલે છે, બધું બરાબર.?" ભોગીલભાઈ ખુરશીમાં બેસતાં બોલ્યા.

"હા, સાહેબ બધું જ બરાબર, બસ માર્ચ કલોઝીંગ ચાલે છે એટલે લોનના ટાર્ગેટ પૂરા કરવામાં પડયા છીએ.કહો સાહેબ તો તમારે નામે પણ બે ચાર કરોડની લોન કરી દઈએ." લોન ઓફિસરે ખુશ થતાં કહ્યું.

ભોગીલભાઈએ હસતાં હસતાં કહ્યું " અરે ના રે સાહેબ મારે અત્યારે લોનની જરૂરિયાત જ નથી.અને આમેય મારે નામે જૂની ત્રણ લોન ચાલે જ છે ને"

"તમારી પાસેથી ક્યાં લોનની રકમ ભાગી જવાની છે. આ તો તમે થોડી લોન લઈ લ્યો તો અમારું ટાર્ગેટ પૂરું થઈ જાય, આમેય સરકારી યોજનાઓની લોન સસ્તા અને સરળ વ્યાજે મળી જાય છે. તેમાં બાહેધરી કે કાગળિયા પણ બહુ કરવા પડતા નથી." લોન ઓફિસરે માહિતી આપતાં જણાવ્યું.

ભલે સાહેબ તો પછી મારા ભાઈ અને પત્નીને નામે ચારેક કરોડ અને મારા દુકાનના બે માણસોના નામે થઈ પાંચ પાંચ લાખની લોનનું ગોઠવો, ત્યાં હું જરૂરી દસ્તાવેજોની વ્યવસ્થા કરીને પાછો આવું છું. બોલો સાહેબ તમારું અને બેંકનું ટાર્ગેટ થોડું સચવાઈ ગયું ને." ભોગીલભાઈએ ઊભા થતાં કહ્યું.

લોન ઓફિસર ખુશ થતો તેમની સામે હસી પડ્યો અને વિદાય આપતો બોલ્યો" ચાલો સાહેબ એકાદ કલાકમાં મળીએ ત્યાં સુધી હું બધા કાગળિયા તૈયાર કરાવી લઉં છું."

ભોગીલભાઈ લોન ઓફિસરની કેબીનમાથી બહાર નીકળી ગયા અને પ્રકાશના મનમાં અનેક પ્રશ્નોનું વાવાઝોડું મૂકતા ગયા, પ્રકાશ પોતાના ફોનની સામે જોતો વિચારોમાં બેઠો રહ્યો. જેને જરૂર નથી એવા લોકોને લોન આરામથી મળી જાય છે પણ જેને જરૂર છે એવા લોકો પોતાના તળિયાં ઘસી નાખે છે તોય લોન મળતી નથી. પ્રકાશ નિઃશ્વાસ નાખતો બેસી રહ્યો.

પોતાના ફોનમાં રેકોર્ડ કરેલી વિડિયો કલીપનું શું કરવું તેના વિશે વિચારવા લાગ્યો. થોડી વારની માનસિક ગડમથલ પછી તેણે નિર્ણય કરી લીધો. અને બેંકના મેનેજરને પોતાના લોનના કાગળિયા બતાવી ફરીથી લોનની અરજી કરી, પણ મેનેજરે પણ તેને રોકડો ના નો જવાબ પકડાવ્યો. પણ આ વખતે પ્રકાશ લાચાર ન હતો. તેણે પોતાની પાસે રહેલી વિડિયો ક્લિપ બતાવી વાઇરલ કરવાની ધમકી રોફથી આપી દીધી. બેંક મેનેજરે કબૂલ્યું કે પ્રકાશના બધા કાગળિયા યોગ્ય છે અને તે લોન મેળવવા પત્ર પણ છે.

લોન ઓફિસરને બોલાવીને બેદરકારી માટે ઠપકો આપીને પ્રકાશને લોન આપવાની તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી. સાથે તેમણે પ્રકાશની માફી માંગી અને વિડિયો વાઇરલ ન કરવા વિનંતિ કરી,વિડિયો ડિલીટ કરવાની સૂચના આપી દીધી.

આજે પ્રકાશ ઘણો ખુશ હતો લોન ઓફિસરે એક જ દિવસમાં તેની લોન પાસ કરી દીધી હતી. હવે તેનું દુકાનનું સપનું સાકાર જરૂર થશે જ, તે ખુશ થતો પોતાના ઘરે જવા રવાના થયો. ક્યાંક ક્યાંક તેને પોતે ખોટું કર્યું હોય એવું લાગતું હતું તો ક્યાંક જેવસાથે તેવા નો અનુભવ સાચો થતો હતો.

સમાપ્ત

story by _- shesha Rana (Mankad)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED