સતાધારનો રામ રત્ન પાડો ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સતાધારનો રામ રત્ન પાડો

કોઈક માણસના ભાગ્યમાં પણ હોતું નથી એટલું માન સન્માન ને આદર કાઠિયાવાડી સંસ્કૃતિમાં કેટલાક પ્રસંગોમાં પશુઓને પણ ઈતિહાસને પાને ઘણીવાર જોવા મળ્યું છે,એ વાંચતા સાંભળતા તો ઘડીક થંભી જવાનું મન થાય કે વાહ પશુ છે પણ માનવથી પણ એક ડગલું આગળ જીવી ગયા.પશુ જાતિના કેટલાક સંસ્કારો માનવને અનેક બોધપાઠ આપે છે પણ બધાને એ સમજવું જ છે ક્યાં? આજે અહીં સતાધારના આપા ગીગાની જગ્યાના પાડાની વાત માંડવી છે કે જેના માટે એમ કહેવાય છે કે

પાડે દેખાડ્યું પ્રગટ સતાધારનું સાચ,
અનેક જુગ ઉલટી જતા ઉની નાવે આંચ.

આજના યુગનો માણસ તો ઘડીક માથું ખંજવાળવા માંડે કે એવું તો વળી શું હતું કે એક સામાન્ય પાડાએ વળી કઈ શક્તિ બતાવીને ગુજરાતમાં જેણે નામ પોતાનું નામ રોશન કરી પાડાપીર તરીકે પૂજાયો.

સતાધારની જગ્યાને આપા રામ કરીને એક આહિર ભગતે જગ્યાને કેટલીક ભેંસો આપેલી તેમાં ભોજ નામની એક ભેંસ હતી જે .ભોજ ભેંસ જે દેવતાય ભેંસ હતી કે જેનું દૂધ મંદિરે ચરણામૃતમાં ધરાવવામાં પણ આવતુ હતું.આ ભોજ ભેંસના તમામ પાડી પાડા ઓને જીવની જેમ જ જાળવવામાં આવતા હતા અને કદી કોઈને દેવાના જ નહિ અને જો દેવાના તો મફતમાં જ દેવાતા હતા ને જેને ઈશ્વરીય શ્રધ્ધા હોય એ મેળવવાનો પ્રયત્ન કરતા મોટે ભાગે તો કોઈને પાડો કે પાડી દેવામાં જ આવતા નહિ.

એવામાં એક દિવસ બપોરે કુંડલા પાસેના નેસડી ગામેથી કેટલાક લોકો આવ્યા અને પૂ.શામજીબાપુ પાસે માંગણી મૂકી કે અમારા ગામમાં એક સારા પાડાની જરૂર છે,જો સારો પાડો હોયતો એની ઓલાદ સારી થાય ને તો અમને આ પાડો આપો.

પૂ.શામજીબાપુ કહે ભાઈઓ તમારી વાત સાચી પણ અમારી પાસે હાલમાં કોઈ પાડો દેવાય તેમ નથી અને જે છે એતો અમારા ખાડુમાં જોઈએ જ. પેલા કહે આ રહ્યો ભોજનો મસ્ત પાડો ને તમે કેમ આમ મોળો ઉતર આપો છો, બાપુ કહે અરે ભાઈઓ એ તો અમારી દેવતાઈ ભેંસ ભોજનો પાડો છે અને એની ઓલાદને અમે જગ્યા બહાર પણ કચાંય કાઢતા નથી,જેને તમે ભલે પાડો કહો પણ અમે એને પાડો ગણતા નથી હો એ તો અમારા પૂર્વજોની મર્યાદાને સાચનો પુરાવો છે.

પણ સામેવાળા એની લૂલી જીભે હજાર જાતના સામ સામાં સવાલ કરે છે તો ભોળા અને દરિયાવ દિલના પૂ.શામજીબાપુ તો મુંજાયા કે આ લોકોએ ભારે કરી હો.પેલા તો વધુને વધુ બોલે છે કે બાપુ આ પાડો ન આપવો હોય તો કાંઈ વાંધો નહિ પણ આમ બહાના ન બતાવો. આખરે પૂ.શામજીબાપુ કહે લ્યો તો પાડો આપું પણ અમારી એક શરત રહેશે અને એ શરત નહિ પાળો તો આ દેવળવાળો તમારા લેખા જોખા કરશે. નેસડીના આગેવાનો તો સહમત થઇ ગયા કે બાપુ આપના વેણને બ્રહ્માના વેણ ગણીને જ અમે પાળશું બોલો બાપુ બીજી શું શરત છે.

પૂ.શામજીબાપુ એ ખૂબ જ ધીમા સ્વરે અને નરમાશથી સાચા ભોળા એક સંતને છાજે એ રીતે કહ્યું કે જુઓ બાપલા,આ પાડાને પેટના દીકરા કરતાય વધુ સાંચવવો પડશે અને એમ કરતા તમને ન પોષાય તે દી પાછો જગ્યામાં જ પુગાડી જાજો હો,પણ કદી એને કોઈ બજારમાં ક્યાંક વેચતા નહિ.

આ બધી વાત પૂરી થઈને નેસડીથી આવેલ માણસ પાડાને લઈને હાલી નીકળ્યોને નેસડીમાં હમીર કોળી નામનો ગોવાળ પાડાને જીવની જેમ જાળવવા માંડ્યો પણ એમાં થોડાક વર્ષોમાં હમીર કોળીને ઈશ્વરના ઘરનું તેડું આવતા એ તો ધામ ભેગો થઇ ગયો તે પછી એની ઘરવાળીને આ કડાકૂટ ન ગમી કે રામ જાણે કશું જોયા જાણ્યા વિના જ કુંડલાના મતવા બચુભાઈને રૂપિયા ૧૫૦૦માં વેચી દીધો કે આ પાડાને મારા હમીરા વિના કોણ એ રીતે સાંચવી જાણે એના કરતા પાડાને જોવો પણ નહિ અને હમીરની યાદ પણ ન આવે ?

પેલા બચુભાઈ મતવાને એમ થયું કે આવો મદમસ્ત પાડો છે તો એના તો મુંબઈમાં જ સારા પૈસા પાકશે એમ માની પાડાને ભાર ખટારામાં ચડાવી મુંબઈ ભેગો કર્યો અને પુરા રૂપિયા ૫૦૦૦માં એક કસાઈને વેચી દીધો.થોડા જ સમયમાં તો પાડાને કતલ કરવા કતલખાનામાં લઈ જવાયો અને બધા પશુઓને ગમાણમાં લીલું નાખ્યુંને એ તો બિચારા અબોલ જીવ માંડ્યા ખાવા પણ એને બિચારાને ક્યાં ખબર હતી કે હમણાં જ આપણા ઉપર કાળની કરવત ત્રાટકીને આપણા કટકે કટકા કરી નાંખશે.

આખું કતલખાનું સ્વયંમ સંચાલિત હતું,કસાઈએ જેવો હુકમ કર્યો કે માણસે કરવતના મશીનનું બટન ખટાક કરતુ દબાવ્યું કે ત્યાં તો જાણે કે ધરતી ધ્રુજવા માંડીને પાડાની આંખો લાલચોળ થઇ ગઈને જ્યાં કરવત પાડાની ડોકને અડવા આવી ત્યાં તો કડાકો બોલ્યોને કરવતના ટુકડા થઇ ગયા.

કસાઈ વિચારમાં પડી ગયો કે આવું કદી બંને જ નહિ મેં આ કતલખાનામાં તો હજારો પશુઓને આ કરવતથી જ મોળ્યા છે,પણ વિચાર કરે છે કે કદાચ હવે આ કરવત જર્જરિત થઇ નબળી પડી ગઈ હશે તો જ તૂટી હોય ? તરત જ નવી નકોર ચકચકતી કરવત ચડાવીને જોયું કે આ કરવત બરાબર ઉપર નીચે ચડે ઉતરે ને પાછી વળે છે કે નહિ?તો કરવત તો બરાબર નીચે ઉતરીને પાછી ઉપર ચડી,કસાઈને થયું હાં હવે બરાબર છે ને જેવું બટન દબાવ્યું ત્યાં તો ખટાગ દઈને અવાજ આવ્યો ને કરવત પાછી તૂટી ગઈ અને એના કટકાઓ એવી રીતે ઉડ્યા કે કસાઈના જ પગ કપાય ગયા,થોડી જ વારમાં કસાઈના પરિવારજનો આવી ગયા અને એને દવાખાને દાખલ કરી દીધો પણ સહુ વિચારમાં પડી ગયા કે આવું કદી બને જ નહિ.

કસાઈ તો બેશુદ્ધ અવસ્થામાં જ ખાટલામાં પડ્યો છે અને દવાખાનામાં જ એ ખાટલા પાસે નીચે કસાઈની વહુ અને દીકરો સુતા છે એવામાં અડધી રાત્રે કસાઈના દીકરાને સ્વપ્ન આવ્યું ને એને કોઈ દેવાતાય પુરુષના દર્શન થયા અને એણે કહ્યું કે આ પાડો મારી જગ્યાનો છે કોઈ એનો વાળ પણ વાંકો કરી ન કરી શકે હો,તો સમજી જાજે બાકી જડમૂળ માંથી ઉખેડી નાંખીશને જલ્દી પાડો જ્યાંથી લાવ્યો હોય ત્યાં જ મૂકી આવ.

કસાઈનો દીકરો જબકીને જાગી ગયો અને એને પણ શ્રધ્ધા બેસી ગઈ કે કૈક ખોટું તો થયું જ છે બાકી આવું બને નહિ.આ બધું સાંભળતા ને જોતા કસાઈણ ને પણ શ્રધ્ધા બેસી ગઈ કે જરૂર આમાં કૈક છે તે તેણે બે હાથ જોડી પ્રાર્થના કરી કે આ પાડાને એની જગ્યાએ અમારા ખર્ચે પહોચતો કરશું અને અને વધારાનો એક પાડો માફી તરીકે ત્યાં બાંધી આવશું પણ મારા ખાવિંદને બચાવી લ્યો.

પછી કસાઈએ પાડો પાછો મુંબઈથી કુંડલા બચુભાઈ મતવાને મોકલી આપ્યો ને તેણે કુંડલાથી ચલાલા,ધારી અને વિસાવદર થઈને સતાધાર મોકલ્યો,પણ આ સમાચાર અખબારોમાં ફેલાય જતા ગામેગામ લોકોએ પાડાને ફૂલહાર કર્યાને પાડાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું અને એ સતાધારમાં પાડાપીર તરીકે પછી ઓળખાવા લાગ્યો અને જયારે પાડાએ જીવ છોડ્યો ત્યારે તેને સતાધારમાં જ સમાધિ આપવામાં આવી.જૂનાગઢના કવિ કાને આ પાડા ઉપર એક પુસ્તક અને બે પાંચ સરસ ગીતો આ પ્રસંગને વર્ણવતા લખ્યા છે.


- આભાર મિત્રો.

ભરતસિંહ ગોહિલ ગાંગડા (ગાંગડગઢ)