JAKH DADA books and stories free download online pdf in Gujarati

જખદાદા - ૭૨ જખ ( જખદાદા )

જખદાદા

તરુવર વન ના ચખે, નદી ન પીવે નીર,
પરમારથ કે કારણે, સંતન ધરા શરીર.

જખદાદાનું નામ આજે સમગ્ર કચ્છમાં મશહૂર છે. કચ્છ સિવાય ભારતવર્ષના અન્ય કોઈ પણ પ્રદેશમાં આ જ દેવો વિષે કોઈ કંઈ જાણતું નથી. જખ દેવોનાં પૂજન માત્ર કચ્છમાં જ થાય છે. એક હજાર વર્ષ કરતાં પણ વધુ સમયથી જખદાદા કચ્છમાં પૂજાતા આવે છે. કચ્છમાં કોઈને ત્યાં સંતતિની ખોટ હોય તો તે જખદાદાની માનતા માને છે અને એ રીતે પુત્ર કે પુત્રીનો જન્મ થાય તો તેને જખ દેવની કૃપાનું ફલ માનવામાં આવે છે. આ દેવોની કૃપાથી જન્મેલા બાળક –બાળકીનું નામ જખુ કે જખી રાખવામાં આવે છે.

આ જખ દેવો જામ લાખા ફુલાણીના ભત્રીજા પુંઅરાના વખતમાં પ્રકટ્યા હતા. કચ્છમાં એમના આગમનનો પ્રમાણભૂત ઈતિહાસ તો કાળના ગાઢ અંધકારમાં અદશ્ય થઈ ગયો છે. આજે તો માત્ર દંતકથાઓ જ અવશેષમાં રહી છે. આમ છતાં જખદાદાના ઈતિહાસની અનેક અવનવી વાતો લોકહૃદયમાં તાણાવાણાની પેઠે વણાઈ રહી છે.

જામ પુંઅરાની રાજધાની પદ્ધરગઢની પશ્ચિમે એકાદ માઈલને અંતરે આવેલી વોંધડી નદીની ભેખડમાં આવેલા એક ભોયરામાં આજથી એક હજાર વર્ષ ઉપર સાત ઋષિદેવો તપશ્ચર્યા આદરી રહ્યા હતા. કચ્છની સંઘાર જાતિના લોકો આ ઋષિરાજોના ભક્ત હોવાથી તે તેમની સેવાશુશ્રુષા કરતા. આ ઋષિઓની ગુફા પાસે આવેલા નદીના એક દ્રોમાં એક માછી દરરોજ માછલાં પકડવા આવતો. આ માછીને ત્યાં સંતતિની ખોટ હોવાથી એક દિવસ તે આ તપસ્વીઓનો આશીર્વાદ પ્રાપ્ત કરવા તેમની પાસે આવ્યો. ઋષિઓને પગે પડી સંતાન-પ્રાપ્તિની ઈચ્છા તેણે વ્યક્ત કરી. પ્રત્યુત્તરમાં ઋષિઓએ કચ્છી ભાષામાં જણાવ્યું -

જે તું મચ્છી ન મારીએ મેલો રખે ન મન,
પે થીને તું પુતર જો, અંગણ ઘણેરો અન.

ભાવાર્થ - જો તું માછલાં મારીશ નહિ અને મન મેલું રાખીશ નહિ તો તું પુત્રનો પિતા થઈશ અને અન્ન-ધનની પણ પ્રાપ્તિ થશે.

માછીએ તે દિવસથી માછલાં ન મારવાની પ્રતિજ્ઞા લઈ લીધી. સંજોગવશાત્ તેને ત્યાં બાર મહિનાની અંદર દેવના ચક્ર જેવા પુત્રનો જન્મ થયો.

ઋષિએ આ ચમત્કારની વાત કર્ણોપકર્ણ આખા કચ્છમાં ફેલાઈ ગઈ.

પદ્ધરગઢના જામ પુંઅરાને ત્યાં પુત્રની ખોટ હતી. પુત્રપ્રાપ્તિ માટે તેણે પાણા એટલા પીર કર્યા. પણ આજ લગી તેને ત્યાં પારણું બંધાયું ન હતું. પુંઅરાની રાણી રાજ઼ સંઘારને જ્યારે ઋષિદેવોના ચમત્કારની જાણ થઈ ત્યારે તેને પણ આ દેવોનું શરણું લેવાની ઈચ્છા થઈ. રથ જોડાવીને રાણી ઋષિ દેવો પાસે પહોંચી ગઈ.

રાણી રથ કે જોડેઓ, આવઈ રખીએ વટ,
ઘર મેં ઝૂલે ઘોડીઓ, ત માણક ડીયાં મટ.

ભાવાર્થ – રથ જોડીને રાણી ઋષિદેવો પાસે આવી અને કહેવા લાગી કે મારા ઘરમાં ઘોડિયું ઝૂલે તો હું તમને હીરા-માણેકથી મઢી દઉં.

પુત્ર લેવા આવેલી રાણીને જોઈને ઋષિ દેવો બોલ્યા:-

અસીન એડા ઓલિયા, જે ડીયું બે કે બાર,
ઈ નીયા ઉતે થીએ, સાહેબ જે દરબાર.

ભાવાર્થ – અમે કંઈ એવા ઓલિયા નથી કે કોઈને દીકરા દઈ શકીએ. એ ન્યાય તો ઈશ્વરના દરબારમાં થાય છે.

ઋષિઓનો નિરાશાજનક જવાબ સાંભળી રાણી દિલગીર થઈ. આંખમાં આંસુ લાવી, ઋષિઓને પગે પડી તે સંતાનસુખની પ્રાપ્તિ માટે કરગરવા લાગી. ઋષિદેવોએ ફરી કહ્યું :-

બાઈ બચ્ચા તું ડાઈ થી, અસીં ન ઠોડા ઠગ,
હિકડો હેર ઝલે ડીઓ; જ વીયાંય જો વે વગ.

ભાવાર્થ - હે બાઈ, તું જરા ડાહી થા! અમે કંઈ મૂંડા ઠગ નથી. અમારી પાસે ઘેટાં-બકરાંની માફક જો છોકરાંનાં વગ – ટોળાં હોય તો હમણાં જ એક ઝાલીને તને આપી દઈએ.

રૂષિઓનો આ કટાક્ષ રાજૈરાણીને હાડોહાડ ઊતરી ગયો. નિરાશા અને ગુસ્સા સાથે તે ત્યાંથી પાછી ફરી અને ઋષિઓએ તેની જે રીતે ઠેકડી ઉડાવી તે વાત જામ પુંઅરા સમક્ષ વ્યક્ત કરી.

રાણીની વાત સાંભળી પુંઅરાની આંખો ક્રોધથી લાલચોળ થઈ ગઈ. તેણે તરત જ પોતાના સૈનિકોને મોકલીને ઋષિઓને બોલાવી લીધા, અને એક અંધારી કોટડીમાં પૂરી દીધા.

આ તરફ આ સાતે ઋષિ મહાત્માઓ પોતાના નિશ્ચયમાં મક્કમ હતા. પુંઅરા જામના જુલમથી ડરી જાય એવા ન હતા. એમની અડગતાથી જામ પુંઅરાનો ક્રોધ વધુ ભભૂકી ઊઠ્યો. તેણે લોઢાના ગોખરુ તૈયાર કરાવ્યા અને એ ગોખરુ જેલની કોટડીમાં પાથરી દીધા. કણસલાંમાંથી દાણા છૂટા પાડવા માટે જેમ બળદોને હલરી ફેરવવામાં આવે છે, તેમ આ કાંટાવાળા ગોખરુ પર ઋષિઓને ફેરવવાનો પુંઅરાએ હુકમ કરી દીધો.

જામના હુકમનો તરત જ અમલ થયો અને તે આ સાતે પવિત્ર પુરુષોને બળદોની માફક લોખંડના ગોખરુ પર ફેરવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. આ સાતે જણ પુંઅરાના ત્રાસથી ત્રાસિત બની ગયા. એમનું દુઃખ જોઈને ભંભીયા નામના એક હજામને દયા આવી. તેણે આ ઋષિ દેવોને પૂછ્યું કે, “તમારી ભાળ લેનાર કોઈ છે ખરો કે નહિ?”

જવાબમાં એકે કહ્યું, કે “અમારી ધા સાંભળનાર તો મોટા દાંતવાળા છે, પણ કોઈક અમારે બદલે આ ઘાણીમાં જોડાય તો અમારામાંથી એક જણ અમારા દેવોનું આહ્વાન કરી શકે.” હજામ દયાવાન હતો. ભીખ ધરસ નામના એક ઋષિના સ્થાને તે ઘાણીમાં જોડાયો અને ભીખ ધરસને ઘાણીમાંથી છૂટો કર્યો. આ ઋષિ બહાર જઈને લાખાડી નામની એક ટેકરી પર ચડી કાનમાં આંગળાં ઘાલીને પોતાના સહાયક દેવોને દુઃખદ સ્વરે ધા દેવા લાગ્યો :

કને પાએ કૂકરા, લાખાડી ચડ્યો,
બૌતેર જખ ભેરા થે, પિઢમે ઘાટ ઘડ્યો.

ભાવાર્થ - કાનમાં આંગળાં ઘાલીને રાડ કરતો ધરસ લાખાડી ટેકરી પર ચડ્યો. એની જાણ થતાં બોતેર જખ ભેળા થઈને આપસમાં વિચાર કરવા લાગ્યા.

આ બોતેર જખ દેવો પોતાના ઋષિ ભક્તોની ભાળ લેવા રૂમશામથી ચડી નીકળ્યા અને કચ્છના જખૌ બંદરે ઊતરીને કચ્છમાં દાખલ થયા. તેમનો સરદાર સાઉં નામનો જખ હતો.

આ જખદેવો પ્રથમ નનામા ડુંગર પર આવ્યા અને નનામો એમનો ભાર ઝીલી શક્યો નહિ અને નમવા લાગ્યો. ત્યાર પછી પ્રબવાડુંગર પર અને આખરે પુંઅરા જામના પદ્ધરગઢની પશ્ચિમે એકાદ માઈલના અંતરે આવેલી એક ટેકરી પર તેમણે છાવણી નાખી.

આ જખ દેવો સાથે સાંયરી નામે તેમની એક બહેન પણ આવેલી. તેમણે સાંયરીને પદ્ધરગઢની બાતમી મેળવવા શહેરમાં મોકલાવી. સાંયરી ચતુર અને જાસૂસી કળામાં કુશળ હોવાથી તે પુંઅરાની રાણી રાજૈ પાસે ગઈ અને જામના જનાનખાનામાંથી પદ્ધરગઢની તમામ બાતમી મેળવી લીધી.

પોતાનું કાર્ય પૂરું કરી સાંયરીએ જખ દેવોને જણાવ્યું, “પુઅરો જામ દરરોજ સવારે પોતાની મોટી મેડીની અગાસી પર સ્નાન કરવા બેસે છે. એ સમય તેનો નાશ કરવા માટે ઉચિત થશે.”

સાંયરીની વાત જખ દેવોને યોગ્ય જણાઈ. તેમણે પુંઅરાનો ઘાટ ઘડવાની તમામ યોજના ઘડી કાઢી. વળતે દિવસે પુંઅરા જામના સ્નાનના સમયે કક્કડ નામના જખે પોતાની ટેકરી પરથી તેના પર કોઈ અસ્ત્રનો ઘા કર્યો. આ પ્રહારથી પુંઅરાની મેડીની એક મોટી શિલા તૂટી પડી. પુંઅરો જામ તેની નીચે દબાઈને મરણને શરણ થયો છે.

જખદેવોના સંબંધમાં ભારતીય ઈતિહાસના પ્રખર અભ્યાસી અંગ્રેજ સાહિત્યકાર શ્રી રશબૂક વિલિયમ્સ પોતાના પુસ્તક “Black Hills' ના ગુજરાતી અનુવાદ કારા ડુંગર કચ્છજા' નામના પુસ્તકમાં નીચે પ્રમાણે ઉલ્લેખ કરે છે!

‘જામ પુંઅરાનું નામ જો સૌથી વધારે યાદ રહ્યું હોય તો તે રાજસ્થાનના ઈતિહાસમાં વર્ણવેલી એક અદ્ભુત દંતકથા સાથે જોડાયેલું છે તેથી જ. આ દંતકથા પ્રમાણે જખ નામના કોઈ ભેદી લોકો અહીં આવ્યા હતા અને કચ્છના રાજકાજમાં તેઓએ થોડો વખત માથું માર્યું. જેનું પરિણામ બહુ કરુણ આવ્યું. જામ પુંઅરાનું મૃત્યુ તથા પદ્ધરગઢનો નાશ. આ બનાવો વિષે જે દંતકથાઓ પ્રચલિત હતી તે ઈ.સ. ૧૮૨૬માં બનાવોના એકત્રિત કરી તેને લેખિત સ્વરૂપ આપ્યું. મિસિસ પોસ્ટન્સ અને તે પછીના ઈતિહાસકારોએ થોડા ફેરફાર સહિત વતનું જ પુનરાલેખન કર્યું અને છેવટે “ગેટિટિયર ઓફ ઈન્ડિયા” (બોમ્બે પ્રેસિડન્સી) નામના આધારભૂત પુસ્તકના ભાગ પાંચમામાં કચ્છ વિશે પહેલી જ વાર છપાયેલ પ્રામાણિક ઈતિહાસમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો. સંક્ષિપ્તમાં તે આ પ્રમાણે છે .

“પુંઅરાએ પદ્ધરગઢનું બાંધકામ પૂરું કર્યું તે પછી તુરત જ બાય ઝેનશિયમની આસપાસના પ્રદેશમાંથી સાત ઋષિઓ અથવા સંઘારો પોતાના ઈષ્ટદેવ જખની પૂજા કરવા કચ્છમાં આવ્યા અને વસવાટ કર્યો. કેઓના પવિત્ર જીવનની પ્રશંસા એ ખાસ કરીને નિઃસંતાન દંપતીઓને સંતાન પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ આપવાની તેમની અલૌકિક શક્તિ વિષે પુંઅરાની રાણીએ સાંભળ્યું. આ રાણીને કુંવર ન હતો. તે પછીના બનાવ વિષે જુદા જુદા વૃત્તાંતો જોવા મળે છે. એક મત પ્રમાણે ઋષિઓએ પુંઅરાની રાણીના મોભાને ઘટે તેવું ખાસ સન્માન ન કર્યું. પણ એક સામાન્ય સ્ત્રીની માફક જ તેના તરફ વર્તાવ કર્યો. તેથી રાણીનું માનભંગ થયું અને ઋષિઓ ઉપર જુલમ કરવા તેણે પુંઅરાને ઉશ્કેર્યો.

“બીજો વૃત્તાંત એમ કહે છે કે રાણી ઋષિઓની શિષ્યા બની ગઈ. ઋષિઓ તેને મળી શકે તેવો જમીન નીચેથી એક ગુપ્ત માર્ગ તેણીએ બંધાવ્યો અને ઘટિત યજ્ઞયાગ કરવાની તૈયારી કરી. પુંઅરાએ તો પોતાના અમાનુષી સ્વભાવ પ્રમાણે પોતાની રાણીના ચારિત્ર્ય ઉપર જ શક લીધો. બંને વૃત્તાંત પ્રમાણે પુંઅરાએ ઋષિઓને ગિરફતાર કર્યા અને કણસલામાંથી દાણા છૂટા પાડવા માટે બનાવેલા ખળા પર ઘાસ સાથે પુષ્કળ લોઢાના ગોખરુ જેવા કાંટા પાથરી તેના ઉપર ઋષિઓને ચાલવાની ફરજ પાડી. બંભરા નામે એક દયાળુ હજામે એક ઋષિને છોડાવી પોતે તેનું સ્થાન લીધું. મુક્ત થયેલો ઋષિ દોડીને લાખિયાર ભિટ્ટ નામની ટેકરી ઉપર ચઢી ગયો અને પોતાના ઈષ્ટદેવ (જખદેવ)ની મદદ માગી. આ રીતે ૭૨ ભાઈઓ અને એક બહેન ઝેનશિયમની કચ્છ આવી પહોંચ્યાં. કહેવાય છે કે તેમના બધાંના સંયુક્ત તપના બળથી જે જે ટેકરી ઉપર તેમણે થાણાં નાખ્યાં તે સપાટ બનતી ગઈ અને છેવટે પદ્ધરગઢ પાસે પડેલ પોતના સરસામાનમાંથી પથ્થરો કાઢી પોતાના રહેઠાણ માટે એક અલાયદી ટેકરી તેમને બાંધવી પડી. તેનું નામ તેમણે કકડભિટ્ટ રાખ્યું. કેદ પકડેલા ઋષિઓને મુક્ત કરવાનું પુંઅરાને જખએ કહેણ મોકલાવ્યું. પણ પુંઅરાએ તેનો સ્વીકાર ન કર્યો જેથી તેઓએ પુંઅરા તરફ તીરો ફેંક્યાં. પણ પુંઅરો એક મંત્રસિદ્ધ માદળિયું પહેરતો હોવાથી બાણોની તેના પર કંઈ અસર થઈ શકી નહિ. પછી જખની બહેન સાંયરીએ મચ્છરનું રૂપ લીધું અને પુંઅરાને ચટકો ભર્યો. પુંઅરો વેદના મટાડવા માટે માદળિયું ઉતારી સ્નાન કરવા ગયો. કક્કડનામના સૌથી નાના જખે પુંઅરાના મહેલના જે ખૂણામાં તેનું સ્નાનગૃહ હતું તેના ઉપર તાકીને બાણ છોડ્યું. પરિણામે એક મોટી શિલા પુંઅરા ઉપર પડી. આથી તેને એટલી બધી ઈજા થઈ કે ત્યારબાદ ૪૦ દિવસમાં જ તેનું મૃત્યુ થયું. પદ્ધરગઢનો નાશ થયો અને ઉજડ બની ગયું આ બનાવ હજુ પણ કચ્છમાં ગવાય છે.”

“જખોનું ઉદ્દભવસ્થાન અને સાચો ઈતિહાસ ગમે તે હોય પરંતુ એટલું નિર્વિવાદ છે કે શું અરાનું મૃત્યુ તેમને હાથે થયું. અને તેમ થતાં સિંધના સમા રાજપૂતોએ સમગ્ર કચ્છમાં પોતાની હકૂમત સ્થાપવાનો કરેલો પ્રયાસ તદ્દન નિષ્ફળ નીવડ્યો. પુંઅરાના મૃત્યુ વિશે જે ખુલાસો વધારે બુદ્ધિગમ્ય છે તે જો માનવામાં આવે તો પણ પુંઅરાના ગઢનો નાશ કેવી રીતે થયો તે સવાલ ઊભો થાય છે. આજે પણ એ ભૂમિ શાપિત ગણાય છે. તેનું કારણ જખો ત્યાં શહીદ થયા એમ કહી શકાય. પરંતુ જે અસ્તવ્યસ્ત અવદશામાં પદ્ધરગઢ શહેર ભાંગેલું પડ્યું છે, તે કેવળ જખોના આત્મબલિદાનથી થયું હોય એમ માની શકાય નહિ. તેનાથી વધારે જૂનું શહેર કેરા કે જેમાંથી સારા સારા પથ્થરો ઊપડી ગયા છે. જેને ભૂકંપોના આંચકાઓ લાગ્યા છે અને વરસો થયાં જેની કશી દેખભાળ લેવાતી નથી છતાં તે શહેર આજે હસ્તિ ધરાવતું રહ્યું છે.”

પદ્ધરગઢ આજે ખેદાનમેદાન બની ગયું છે. મોટી મોટી શિલાઓથી ચણેલી પુંઅરા જામની વડી મેડી આજે પણ ખંડેરરૂપે ખડી છે.

અહીંથી થોડે દૂર આવેલી કક્કડભટ્ટની ટેકરી પર ૭૨ જખ ૭૨ ઘોડા પર બિરાજમાન થયેલા જોવામાં આવે છે. દર વરસે ભાદરવા સુદ અગિયારસના દિવસે અહીં જખ દેવનો મોટો મેળો ભરાય છે. મેળાની ઊપજમાંથી ઋષિઓને બદલે ઘાણીમાં જોડાનાર હજામના વંશજોને પણ ભાગ આપવામાં આવે છે.


ટાઈપીંગ :- ભરતસિંહ ગોહિલ ગાંગડા ગાંગડગઢ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED