સંઘડ ગામ નો બહાદુર આહીર યુવાન - હરભમભૂતો ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

સંઘડ ગામ નો બહાદુર આહીર યુવાન - હરભમભૂતો

હરભમભૂતો

જગતમાં જ્યાં જુઓ ત્યાં શક્તિ પૂજાય છે - શક્તિનાં પૂજનઅર્ચન થાય છે. બુદ્ધિની એક શક્તિ આખી દુનિયા પર રાજ ચલાવી શકે છે. પણ એ બુદ્ધિની શક્તિમાં સામર્થ્ય ભરનાર તો શરીરની શક્તિ જ છે. અશક્ત અને નિર્માલ્ય શરીરમાં બુદ્ધિની શક્તિ પ્રવેશ પણ કરી શકતી નથી. એટલે શારીરિક શક્તિ એ જ એક મહાશક્તિ છે.

કચ્છની ધરતી પર શક્તિમાતાની સદા કૃપા રહી છે. આસમાની સુલતાની અનેક આફતોનો સામનો કરીને ખડતલ બનેલી કચ્છની ધરતી એ શક્તિની ધરતી છે.

અરબ્બી સમુદ્રનાં ઊછળતાં મોજાં પર તરતા લાંબા વાંકા ટૂંબડાના આકાર વાળા કચ્છને જુગજુગથી સાગરરાજ પોતાનાં મીઠાં મધુર ગાન સંભળાવી રહ્યો છે. કચ્છ ભડેલા કોઈ યુગયુગના યોગીરાજ સમો કચ્છડો એકાંતમાં જાણે યોગસાધના કરતો એકલો, અટૂલો અને અડોલ ઊભો છે. ઘોર શોરથી ઘુઘવતો સિંધુ એનાં ચરણ પખાળે છે. આવળ-બાવળ અને બોરડીની ઝાડીમાંથી સૂસવતો પવન એના કર્ણપટ પર આઝાદીનું  સંગીત રેડી રહે છે. આ ભૂમિમાં એક અજબ જેવો ગુણ છે – એનું ધાવણ ધાવીને એની માટીમાંથી મર્દો પેદા થાય છે. અહીં એવા જ એક મર્દની કથા આપવામાં આવે છે.

મહારાઓ શ્રી દેસળજી બીજાનો સમય હતો. આ વાત પર માત્ર સવાસો વર્ષનાં વહાણાં વાઈ ગયાં છે. કચ્છ-અંજાર તાલુકાના સંઘડ ગામમાં એ અરસામાં આહીરોનું પૂર હતું. આહીર જાતિ અસલથી એક લડાયક જાતિ તરીકે પ્રખ્યાત છે. કચ્છ પર આવી પડતી યુદ્ધની આફતો વખતે આહીર જાતિએ કચ્છને ખૂબ સહકાર આપ્યો છે – વતન માટે માથાં આપ્યાં છે.

સંઘડ ગામમાં હરભમ ભૂતો નામે એક બહાદુર આહીર યુવાન હતો. સંઘડ ગામનું એ નાક ગણાતો. એના જેવો બળવાન બેલી આખી અંજાર ચોવીસીમાં શોધ્યો પણ જડે એવું ન હતું. રમતગમતમાં અને મલ્લકુસ્તીમાં એને કોઈ આંટી જાય એમ ન હતું. દૂરથી ઢીંગલાનો ઘા કરીને શેરડીના સાંઠામાં એ ઢીંગલો પરોવી દેવો એને મન રમતવાત હતી. કચ્છી અર્થો મણ ખજૂર ઠળીઆ સીખે ખાઈ જવી એ તો એને માત્ર શિરામણ જેવું હતું. કચ્છી બમ્બના મલાખાડામાં કમર પર સધરો બાંધીને હરભમ ઊભો હોય તો ભાગ્યે જ એની સામે ટક્કર ઝીલવાને કોઈ તૈયાર થાય. આમ એના નામનો ચારે તરફ ડંકો વાગતો જાય .

એક વખત સંઘડ ગામની સીમમાં હરભમે વાવેલી જુવારની કડબના ઓઘા ઉખેડીને તે ઘરના વાડામાં ખડકવા હતા. કડબના ઓઘા ખેતરમાંથી લાવવાના હોવાથી મોટા ગાડાની જરૂર હતી. એ વખતે હરભમના ગાડાની ધરી ભાંગી પડેલી હોવાથી હરભમે તેના કાકા પાસે ગાડાની માગણી કરી. એ અરસામાં એના કાકાને પોતાને પણ રોજરોજ ગાડાની જરૂર પડતી હોવાથી ગાડું ચાર દિવસ પછી મળી શકશે એમ એના કાકાએ જવાબ આપ્યો.

કાકાનો આ જવાબ હરભમને ગમ્યો નહિ. ચાર દિવસ સુધી કડબને સીમમાં રેઢી મૂકી શકાય તેમ ન હતું. હરભમ મૂંઝાયો આખરે એને એક નવો ઈલાજ સૂઝી આવ્યો.

એ જ રાતે હરભમ છાનોમાનો એના કાકાના વાડામાં દાખલ થયો. કાકાનું ગાડું તો એના વાડામાં પડેલું જ હતું. હરભમે પચ્ચીસ- ત્રીસ મણ વજનનું મોટું ગાડું પોતાના માથા પર લઈ લીધું. આમ ગાડું ઉપાડી, ઘેર આવી, ગાડાને પોતાના બળદો જોડીને તે સીમમાંથી બધી કડબ ઉપાડી લાવીને તેને પોતાના વાડામાં ખડકી દીધી. એક જ રાતમાં કડબની મોટી કાલર રચી દીધી.

વહેલી સવારે કાકાનું એ જ ગાડું ફરી માથા પર ઉપાડીને ગુપચુપ કાકાના વાડામાં પાછું જેમનું તેમ રાખી દીધું. ગાડાના ચીલાનું નિશાન પણ દેખાય તેમ ન હતું.

સવારમાં હરભમના કાકાએ એના વાડામાં જ્યારે કડબની મોટી ગંજી ખડકેલી જોઈ ત્યારે અચંબાનો પાર રહ્યો નહિ. કાકાએ એને પૂછી જોયું: ‘હરભમ! પછી ગાડુ કોનું લઈ આવ્યો?”
હરભમે હસીને કહ્યું જવાબ આપ્યો : “કાકા, ગાડું તમારું ને બળદ મારા, એમાં સમજી જાઓ!” આ હતી હરભમની તાકાત!

મહારાઓ શ્રી દેશળજીના દરબારમાં એક વાર રાજસ્થાનના ચાર બળવાન કુસ્તીબાજ મલ્લ આવી ચડ્યા. ચારે જણ મલ્લકુસ્તીના અઠંગ ખેલાડી હતા. મારવાડ, ગુજરાત અને સૌરાષ્ટ્રના મલ્લરાજોને હરાવીને એ કચ્છમાં આવ્યા હતા. જે રાજના મલ્લોને જીતીને એ વિજય પ્રાપ્ત કરતા ત્યાંના રાજા પાસેથી એક સોનાનું કડું જીતની નિશાની તરીકે લેવાનો એમનો રિવાજ હતો. આ રીતે એમણે આજ લગી નવ્વાણું સોનાનાં કડાં એકઠાં કર્યાં હતાં. હવે માત્ર એક છેલ્લું મેળવી લેવા કચ્છમાં પ્રવેશ કર્યો હતો.

કચ્છના રાજવી દેશળજી બાવા રમતગમતના અને મલ્લકુસ્તીના શોખીન હતા. આગંતુક યુવાનોની શરત સાંભળીને એમને નવાઈ લાગી. આ મલ્લોને હંફાવે એવા કોઈ કચ્છી મલ્લની બાવાએ તપાસ ચલાવવા માંડી.

પેલા મલ્લોની હાથી જેવી કાયા અને સાવજ જેવી આંખો જોઈને એમની સાથે બાથ ભીડવા કોઈ તૈયાર થતું ન હતું. કચ્છના મલ્લો એ અરસામાં મલ્લકુસ્તીનો કાર્યક્રમ છોડીને બાવાના હજૂરી બનવા લાગ્યા હતા. એટલે એમની તાકાત હવે ઓસરતી જતી હતી. કચ્છના મલ્લોએ પોતાની આ નિર્બળતાને પણ પિછાણી લીધી હતી. એમણે વિચાર્યું કે આ રાક્ષસ જેવા તાલીમબાજો સાથે કુસ્તી લેતાં ક્યાંક હારી જવાય તો આખા કચ્છનું નાક વઢાઈ જાય. એમ સમજીને કચ્છના કોઈ પણ મલે આ હરીફાઈમાં ઊતરવાની તૈયારી બતાવી નહિ.

કચ્છી મલ્લોને હિંમત હારી જતા જોઈને દેશળજી બાવા મૂંઝાઈ પડ્યા. એ વખતે એમની કચેરીમાં અંજારના યતિ મોતીચંદજી હાજર હતા. મોતીચંદ ગોરજી રાજના માનીતા હતા. બાવાના વિશ્વાસપાત્ર વૈદ્ય હતા. આયુર્વેદના નિષ્ણાત હતા. ભુજના મલ્લોને પાછી પાની કરતા જોઈન આ ગોરજી મહારાજને એક નવી વાત યાદ આવી.

‘બાવા, હુકમ હોય તો એક અરજ કરું!” ગોરજીએ પોતાની  દરખાસ્ત રજૂ કરતાં કહ્યું.
અરે યતિદેવ! તમને વળી હુકમની આવશ્યકતા હોય ખરી?
ખુશીથી કહો!” બાવાએ સંમતિ દર્શાવતાં કહ્યું.
આ મલ્લોનું માથું ભાંગી નાખે એવો એક મર્દમારા લક્ષમાં છે.”
‘પૂજ! એવું હોય તો પછી બીજું જોઈએ પણ શું? મને તો એણ થાય કે આ મલ્લો કદાચ કચ્છની આબરૂ પાડી જાય!'
બાવા! કચ્છડો હજુ એવો કાયર બન્યો નથી. આવા મલ્લોને ભોંયભેળા કરી નાખે એવા અનેક નરવીરો હજુ કચ્છમાં હાજર છે. એમાંના એકનું નામ હું આપને આપું.” અને એ કોણ છે, પૂજ!”
આહીર છે, બાવા!”
ક્યાંનો છે?”
આ છે સંઘડ ગામનો. આખા અંજાર પરગણામાં એનું નામ પ્રખ્યાત છે. હું આજે જ અંજાર જાઉં છું. આપ હુકમ કરો તો એને તેડી લાવું.”

‘પૂજ મહારાજ, તમને તકલીફ લેવાની કશી જરૂર નથી. હું હમણાં જ એને બોલાવી લાવવા વેલનો બંદોબસ્ત કરું છું.” તરત જ બાવાનો હુકમ છૂટ્યો. વેલવાડીમાંથી હાથી જેવા બળદોની વેલ તૈયાર થઈ અને વેલવાને વેલને સંઘડને માર્ગે મારી મૂકી.

 હરભમ ભૂતો ખેતીનું કામ કરનાર એક ખેડૂત હતો. જેવો શક્તિશાળી હતો તેવો જ સાહસિક પણ હતો. મરદાની રમતગમતનું નામ પડે તો એ ગમે ત્યાંથી ઊડી આવે એવો શોખીન હતો. મહાકાય મલ્લોની તાકાતની વાત સાંભળી હિંમત હારી જાય એવો ન હતો. બાવાની વેલ એને બોલાવવા આવતાં એના આનંદનો પાર રહ્યો નહિ. એ તરત જ તૈયાર થઈ ગયો અને વેલમાં ચડી બેઠો. વેલ સડસડાટ કરતી ભુજના માર્ગે ઊપડી નીકળી અને થોડા જ સમયમાં ભુજનગરીના દરવાજામાં આવી ઊભી.

કચેરીમાં આવી હરભમે બાવાને સલામ કરી.
‘હરભમ તને મલ્લકુસ્તીના દાવ આવડે છે?” બાવાએ પ્રશ્ન કર્યો.

અન્નદાતા મારો ધંધો ખેતીનો છે પણ મલ્લકુસ્તીના દાવ ખેલવામાં પણ મને રસ છે.'

અહીં આવેલા ધીંગા મલ્યો સાથે બાથ ભીડવાની હિંમત છે ખરી?'

ખમ્મા બાવાને! બાવા, તમારો હુકમ હોય તો ભુજિયા કિલ્લા સાથે પણ લડી બતાવું!”

હરભમનો જવાબ સાંભળીને દેશળજી બાવા તો ખુશખુશાલ બની ગયા. ઠીક ત્યારે આવતી કાલે તૈયાર થઈ રહેજે!”

‘ખમ્મા! આપ હુકમ કરો એટલી જ વાર છે!” અને બાવાને નમન કરી હરભમ ચાલતો થયો.

ભુજનો દરબારગઢ આજે ભુજનગરીના નગરજનોથી ઊભરાઈ રહ્યો છે. કારણ એ હતું કે આજની મલ્લકુસ્તી એક જબ્બર સાઠમારી જેવી બનવાની હતી. આજુબાજુનાં ગામડાંના કુસ્તીરસીયા લોકો પણ આજનો કાર્યક્રમ જોવા દૂરદૂરથી આવી પહોંચ્યા હતા. આજના કુસ્તીજંગનો અખાડો રાજમહેલની રાણીઓ પણ જોઈ શકે એટલા માટે કાર્યક્રમ દરબારગઢમાં જ રાખવામાં આવ્યો હતો. દેશળજી બાવા દરબારગઢની ચાલીના ઊંચા ઓટલા ઉપર રેશમી ગાદી-તકિયા પર બિરાજમાન હતા.ઉપર ચક નાખીને રાણીઓ અને બાંદીઓ પણ બેસી ગઈ હતી.

ચારે તરફ દોરી બાંધી વચ્ચે અખાડાનું મેદાન રાખવામાં આવ્યું હતું. પાણી છાંટી મલ્લકુસ્તીના મેદાનને સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું.

પ્રચંડકાય મલ્લરાજ લાલ લંગોટી લગાવીને અખાડા વચ્ચે ખડા થઈ ગયા હતા. વારેવારે પોતાની ધીંગી જાડી જાંગ પર હાથનો પંજો પછાડતા હતા. હાથના પંજાના થાપાનો જોરદાર અવાજ દરબારગઢની દીવાલ સાથે અથડાઈને પોતાનો પડઘો પાડી રહ્યો હતો. એમનો આ અવાજ જ એમની સામે હરીફાઈમાં ઊતરનારની હિંમત ભેગી ભાંગી નાખે એવો હતો. પરંતુ સંઘડ ગામનો આહીર હરભમ મલ્લોના આવા આડંબરથી ડરી જાય એવો ડરપોક ન હતો. એ પણ તૈયાર થઈને આજની સાઠમારીના મેદાનમાં હાજર થઈ ગયો.

ગામડાના એક આહીર યુવાનને આવા પટ્ટા પહેલવાન મલ્લ જોડે લડવા તૈયાર થયેલો જોઈને પ્રેક્ષકો વિધવિધ પ્રકારના વાર્તાલાપ પર ચડી ગયા હતા. કોઈ કહેતા કે આ બિચારા ગરીબ ગામડિયાના દિવસો આજે ભરાઈ ગયેલા લાગે છે. કોઈ કહેતા કે એને ઊભો કરીને બાવાએ ચડજા બેટા શૂલી પર!” નો પ્રયોગ અજમાવ્યો લાગે છે. કોઈ કહેતા કે મોતીચંદ ગોરજીએ એનો ઘડોલાડવો કરવા ટાઢે પાણીએ ખસ કાઢવાની આ યુક્તિ અજમાવી લાગે છે. આમ સૌ કોઈ પોતપોતાને મનફાવતી વાતોમાં મશગૂલ હતા.

હવે આજના કુસ્તીજંગમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે એક મોટા મલ્લની સાથે હરભમે એક જ વાર કુસ્તી લડવી. બંને પક્ષને આ  નિર્ણય મંજૂર હતો. કુસ્તીમાં ઊતરનાર બંને યોદ્ધા પોતપોતાની ખુલ્લી સાથળ પર હાથના થાપા લગાવી તૈયાર થઈ ગયા. બંને રમતવીરોએ પ્રથમ હાથમાં હાથ મિલાવીને ખેલદિલી વ્યક્ત કરી. પછી કુસ્તીની શરૂઆત કરતાં બંને એક બીજાને જળોની જેમ ચોંટી પડ્યા.

હરભમને મહાત કરવા પેલો પ્રચંડ શરીરધારી મલ્લરાજ એક પછી એક પોતાના દાવ અજમાવવા લાગ્યો. આ તરફ હરભમ માત્ર બચાવની યુક્તિઓ જ લડાવી રહ્યો હતો. જેમજેમ વખત જતો ગયો તેમતેમ પેલા મલ્લને ખાતરી થઈ ગઈ કે હરભમને મહાત કરવો એ છાણમાં તલવાર ચલાવવા જેવું કે લાપસીમાં લીટા કરવા જેવું સરલ કામ નથી. હરભમને હરાવવાના એના તમામ પેતરા એક પછી એક નિષ્ફળ જવા લાગ્યા.

હટે, ખસે કે માર્ગ ન મૂકે,
બાયા સાવજડા બળવંત !

એવા નરવીરો આ માનવ-સાઠમારીમાં એકબીજાને હંફાવવા પોતપોતાના દાવ ખેલી રહ્યાં હતા. ઘડીકમાં થતું કે હરભમ ગયો...ગયો, અને તરત જ કચ્છી જનતાના ચહેરા પર એક નિરાશાની છાયા છવાઈ જતી હતી. પરંતુ બીજી જ ક્ષણે હરભમ પેલા મલ્લના દાવને ગુલાંટ ખવડાવી દેતો અને તાળીઓના ગડગડાટથી આખો સમારંભ ગાજી ઊઠતો. પ્રેક્ષકોએ હવે આ ગામડિયા જેવા લાગતા હરભમનું પાણી માપી લીધું હતું. સૌના મનમાં હવે કચ્છી પાણીના વિજયની આશા બંધાઈ ગઈ હતી.

બરાબર ત્રણ કલાક લગી આ નરશાર્દૂલોનો રણસંગ્રામ ચાલતો રહ્યો. હરભમ પણ હવે પેલા મલ્લના જુદાજુદા પ્રકારના દાવોથી પરિચિત થઈ ગયો હતો. આમ છતાં અત્યાર લગી બચાવની યુક્તિઓથી તે આગળ વધ્યો ન હતો. પેલો મલ્લ પણ સમજી ગયો હતો કે હરભમ બચાવના દાવોનો ખરેખરો ખેલાડી છે, પણ એથી આગળ વધવાની એની શક્તિ નથી એમ સમજી એ નિશ્ચિત પણ બની ગયો હતો.

અને હરભમે પણ એને એ જ ભ્રમમાં રહેવા દીધો. હવે તે મલ્લની જરાક સરતચૂકની રાહ જોઈ રહ્યો હતો. એકબીજાને પછાડી પાડવાના દાવ હજુ ચાલુ હતા. હરભમ હવે આક્રમણ કરવાની તક ઝડપી લેવા તડપી રહ્યો હતો. હરભમે આક્રમણનો પોતાનો દાવ અજમાવ્યો. અને એક જ ઝપાટે એને ચત્તોપાટ પાડી દીધો.

હર્ષના પોકારોથી દરબારગઢનું મેદાન ગાજી ઊઠ્યું. આગંતુક મલ્લોએ થોડી વાર તો ‘દગો દગો!” એવા પોકાર કર્યા; પણ હવે એમનું કંઈ ચાલી શકે તેમ ન હતું. 

કચ્છ, કાઠિયાવાડ અને રાજસ્થાનનાં રાજયોમાં વિજયમાળને વરવાની તમન્નાવાળા મલ્લરાજોના મનમાં આ પરાજય ડંખવા લાગ્યો. પરાજયની કલિમાને કોઈ પણ પ્રકારે ધોઈ નાખવા માટે કોઈ નવી યોજના તેઓ વિચારી રહ્યા હતા.

એ વખતે મલ્લોના સરદાર બાપુમલે દેશળજી બાવાને વિનંતી કરતાં કહ્યું: “ખુદાવિંદ, આ કુસ્તીના ખેલમાં અમારી હાર અમે સ્વીકારતા નથી. કારણ કે કુસ્તીના નિયમોનો એમાં ભંગ કરવામાં આવ્યો છે. એટલે અમારી અરજ છે કે અમારા આ નાના મલ્લ સાથે હરભમ મુષ્ટિયુદ્ધ ખેલે અને એ ખેલમાં જે ખેલાડીનો વિજય થાય તે જીત્યો ગણાય એવો આપ હુકમ કરો!

બાવાએ હરભમને બોલાવ્યો. તેની પીઠ થાબડી અને કહ્યું ‘હરભમ, તું આ નાના મલ્લ સાથે મુષ્ટિયુદ્ધ ખેલવા તૈયાર છો?”

બાવા, તમારો હુકમ થાય તો હું જમ જોડે પણ લડી લેવા તૈયાર
છું.’ હરભમે હિંમતથી અનુમતિ આપતાં કહ્યું.

બસ, નિર્ણય થઈ ગયો. હવે મુષ્ટિયુદ્ધમાં જેનો વિજય થાય તેને જ
વિજયમાળ વરે એવું નક્કી થઈ ગયું.

નાનો મલ્લ મુષ્ટિયુદ્ધમાં પારંગત હતો. એની કુશળતા અને ચાલાકીનો આ સમયે ઉપયોગ કરી લેવાના ઈરાદાથી જ બાપુમલે આ યોજના રજૂ કરી હતી.

બંને વીરો જંગના મેદાનમાં ઊતરી પડ્યા. હરભમ આવા મુષ્ટિયુદ્ધથી વાકેફ ન હતો. આમ છતાં પોતાની તાકાતમાં એને પૂરી શ્રદ્ધા હતી.

મુષ્ટિ યુદ્ધના ખેલાડીઓ બંને પોતપોતાના દાવ ખેલવા લાગ્યા. હરભમ પોતાના બચાવ માટે પૂરો સાવધાન હતો. મુષ્ટિયુદ્ધનો આ ખેલ ઘણી વાર ચાલ્યો. બંને યુવાન હતા, પહેલવાન હતા, ચિત્તા જેવા ચાલાક હતા. એકબીજાને હંફાવવાની તક જોઈ રહ્યા હતા.

એટલામાં લાગ જોઈને હરભમે નાના મલ્લના મસ્તક પર પોતાની વજ જેવી મૂઠીનો જોરદાર પ્રહાર કર્યો કે એક જ મુઠીના ઘાથી એનું માથું જાણે એના ધડમાં પેસી જતું હોય એવો દેખાવ થઈ રહ્યો. મુખિયુદ્ધનો ખેલાડી મલ્લ તરત જ જમીન પર ઢળી પડ્યો. એના પ્રાણ પરવારી ગયા.

આખા સમારંભમાં એકાએક અવ્યવસ્થા ફેલાઈ ગઈ. ચારે તરફ ઘોંઘાટ અને કોલાહલ મચી રહ્યો. સૌ કોઈ હવે સરકી જવા લાગ્યા. મેદની વિખેરાવા લાગી.

હરભમ પણ મૂંઝાઈ પડ્યો. બાવાને માં બતાવ્યા વગર જ તે ત્યાંથી પસાર થઈ ગયો. છાનોમાનો પોતાને ગામ સંઘડ પહોંચી ગયો.

ચારમાંથી હવે ત્રણ મલ્લ બાકી રહ્યા હતા. એમના મનમાં વેરનો અગ્નિ ભભૂકી ઊઠ્યો હતો. મુષ્ટિયુદ્ધના નિષ્ણાત મલ્લને મારી નાખનાર હરભમ ઉપર પૂરેપૂરો બદલો વાળવા ત્રણે મલ્લ તલપાપડ થઈ રહ્યા હતા.

હરભમનું કાસળ કાઢી નાખવા આ ત્રણે જણ ભુજથી ઉપડીને સંઘડ ગામે આવી પહોંચ્યા અને હરભમની શોધખોળ કરવા લાગ્યા. હરભમ તો આજે સવારથી જ સંઘડ ગામની સીમમાં પોતાનું ખેતર ખેડવાના કામમાં મંડી પડ્યો હતો. હરભમની ઘરવાળી હીરુ એને ભાત પહોંચાડવા જતી હતી ત્યારે એને કાને વાત આવી કે જાડા પાડા જેવા બે ધીંગા ધડબા માણસો ગામમાં હરભમની શોધ ચલાવી રહ્યા છે.

 આ વાત સાંભળી હીરુને બીક લાગી. તે ઝડપી ગતિએ હરભમ જ્યાં ખેતર હતો ત્યાં પહોંચી ગઈ અને હરભમને આ વાતથી વાકેફ કર્યો.

હરભમ સમજી ગયો કે ધીંગાધડબા માણસો બીજા કોઈ નહિ પણ પરાજિત થયેલા મલ્લો જ એનું વેર વાળવાને આવ્યા લાગે છે.

અરે, એ તો આવે છે!” હીરુએ બંને મલ્લોને દૂરથી આવતા જોઈને ગભરાટમાં કહ્યું.

આવે છે તો આવવા દે! તું ગભરાય છે શાની? ભલે એ પણ સૂંઠનો સ્વાદ ચાખતા જાય!” હરભમે ઠંડા પેટે કહ્યું. અને તરત હરભમે એક નવો જ વિચાર કરી લીધો. તેણે બંને બળદિયાને હળમાંથી છોડી નાખ્યા. બંનેને ખેતરના શેઢા પર ચરવા છૂટા મૂકી દીધા. બળદોની ખાંધે મૂકવાનું ધૂસરું પણ હળમાંથી છોડીને છૂટું પાડી દીધું. પછી હળનો લાંબો દાંડો હાથમાં લઈને લોઢાની કોશવાળા વજનદાર હળ વડે ખેતરમાં ઢેફાં ભાંગવા મંડી પડ્યો.

જમીન ખેડવાના અતિ ભારે વજનના બાવળીઆ લાકડાના મોટા હળ વડે હરભમને ઢેફાં ભાંગતો ભાળીને એનો જાન લેવા આવેલા મલ્લો ત્યાંના ત્યાં જ થીજી ગયા. સમજી ગયા કે પાંચસાત મણના વજનના હળ વડે ખેતરમાં ઢેફાં ભાંગનારો હરભમ પળવારમાં એના એ જ હળ વડે એમનાં બંનેનાં માથાંનાં સૂંબડાં તોડી નાખશે.

હળ વડે ઢેફાં ભાંગતા હરભમનું દશ્ય જોઈને વેર લેવા આવેલા મલ્લરાજો ખસિયાણા પડી ગયા - સમજી ગયા - સમસમી રહ્યા. એમના પગ છૂટી ગયા અને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછે પગે પાછા ફર્યા.

હરભમની ઘરવાળી હીરૂ તો પતિનું આ પરાક્રમ જોઈ મોઢા ઉપર હાથ મૂકીને મનમાં ને મનમાં હસતી રહી.

અને એ અહીં આવ્યા હોત તો?” હીએ હરભમને પૂછ્યું.

અહીં આવ્યા હોત તો બીજું શું થાત? મારે બેત્રણ ઢેફાં વધુ ભાંગવાં પડ્યાં હોત!” હરભમે હસીને જવાબ દીધો.

ટાઈપીંગ :- ભરતસિંહ ગોહિલ ગાંગડા ગાંગડગઢ 

રેટ કરો અને રિવ્યુ આપો

Chintan P. Manek

Chintan P. Manek 6 માસ પહેલા

rutvik zazadiya

rutvik zazadiya 6 માસ પહેલા

Chintan Gajera

Chintan Gajera 6 માસ પહેલા