ઝરુખો ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝરુખો

જય માતાજી મિત્રો

ઝરૂખો

શાંત ઝરૂખે વાટ નીરખતી રૂપની રાણી બેઠી હતી. અતિ ગંભીર મુખમુદ્રા અને કરકમળમાં મા ભવાની ચમકતી હતી. ચહેરા પર શૌર્યરસની છાલક વાગતી હતી.
સોળ શણગાર સજીને પરણ્યાની પ્રથમ રાતે ભરથારના હ્નદયમાં સમાઈને રાજ કરવાના સપનાં જોતી ચાંદકુંવરીનાં ભરથારે ઘૂંઘટ ખોલતાં જ નીચે ઢાળેલા નયનકમળની તીરછી ધારદાર કટારી સમી નજરે પતિને ઓળઘોળ કરી. એકબીજાની બાંહોમાં સમાઈને સુહાગરાત સોહામણી બનાવવાનાં સપનાં જોતા હતાં, ત્યાં અચાનક બુંગીયો ઢોલ મોટું વિઘ્ન બનતો હોય તેમ ગર્જી ઉઠ્યો.
શૂરવીર પતિદેવ રાજા વિજયસિંહની ભ્રુકુટી ખેંચાઈને મનમોહક આંખો લાલઘૂમ બની ગઈ અને ઠેકડો મારીને સુંદર ફૂલોથી સજાવેલ સેજ છોડીને કામદેવને પારખીને જાણે ભગવાન શંકર કોપાયમાન થયેલા તેમ બુંગીયાં ઢોલનો અવાજ સાંભળતાં આ મરુભૂમિનો સાવજ કહેવાતા ઝીંઝુવાડાના રાજવી વિજયસિંહ મકવાણાના રોમેરોમમાં શૌર્ય છલકાવા લાગ્યો અને પોતાની અતિ વ્હાલી રાણી ચાંદકુવરને હાથ જોડીને બોલ્યો,
"ક્ષમા કરશો! હુ તમારો અપરાધી છું, અને તમે જે સજા આપશો તે મને મંજૂર છે, પણ હાલ હુ ઘડીક પણ રોકાઈ શકું તેમ નથી. મારે મન માતૃભૂમિ સ્વર્ગથી પણ અધિક છે. આ સુંદર અવસર છે જન્મભૂમિને કામ આવવાનો. લ્યો, ત્યારે આખરી રામ રામ"
"ક્ષમા કરશો. પતિદેવ...!" પરણ્યાં પછીનો પહેલાં શબ્દ યુદ્ધભૂમિ જતાં પતિને રોકતી રાજપૂતાણીને જોઈને રાજાને મનમાં પોતાની પસંદગી પર શંકા થતાં ક્રોધિત બની પાછું વળીને જોયું.
એક જ પળમાં રાણીનું રોદ્ર રૂપ જોતાં જ વિજયસિંહની મનમાં ઉદભવેલી શંકાનુ સમાધાન થઈ ગયું અને તે પોતાને ભાગ્યશાળી પુરુષ માનવા લાગ્યાં.
ચાંદકુંવરીએ હાથમાં કટાર લઇને પોતાનો અંગુઠો ચીરી પતિને વિજયતિલક કરતાં બોલી: "રાજન ભૂલશો નહીં, કે હું પણ એક રાજપૂતાણી છું અને મારો ધર્મ હુ સારી રીતે જાણું છું.
"કંથા રણમે જાત હો મત બતાવજો કદી પીઠ,
મુજ સહેલી મેણાં મારશે, કાયર નરની નાર"
કહીને અનેક વળ વાળેલી અંટાળી મખવાન પાઘડી બાંધીને પતિને મલક્તા મુખડે હાથમાં શમશેર આપી પાછું જોયાં વગર જ રણમેદાને લડવા મોકલીને પછી આ વીરાંગના મહેલનાં ઝરૂખે વાટ જોતી ભૂખી તરસી યુદ્ધભૂમિનાં શુભ સમાચાર મળવાની રાહ જોતી ચંદ્રમાના ઉજાસમાં અપ્સરાની જેમ શોભતી ચાંદકુંવરી રસ્તા પર મીટ માંડીને બેઠી હતી.
અચાનક સફેદ રૂની પુણી જેવો તેજવંત ઘોડો ગઢ તરફ પૂરપાટ દોડતો આવતો નિહાળી ચાંદના હદયના ધબકારા પણ એ ઘોડાની ગતિ સાથે જાણે કદમ મિલાવી ધડકવા લાગ્યાં હતાં. ચીબરી બોલતાં જ પારખનાર આ ચાંદ પળનોય વિચાર કર્યાં વગર મહેલમાં જઈને પોતાનો સાથે લાવેલ પટારો ખોલીને સાથે લાવેલ પોતાનાં મનગમતાં આયુધ અંગે ધારણ કરીને પુરુષનો સ્વાંગ સજીને એક વીર યોદ્ધાની જેમ ઝડપથી નીચે ઉતરીને પેલાં આવતાં ઘોડેસવાર સામે જઈને ઉભી રહી ગઈ. સૈનિકોની ભીડ જામી હતી, એ જાણવા કે ગૌધન વાળીને ગયેલા સિંધના સૂમરા સાથે લડવા ગયેલા આપણા રાજા અને સૈન્યના ખબર શું આવેલા છે."
ગભરાટમાં તે ઘોડેસવાર બોલ્યો: "અહીંથી ચાર ગાઉ જ દૂર ભયાનક યુદ્ધ ખેલાઈ રહ્યું છે, પણ સુમરાઓએ કપટથી આપણા સૈન્યને મોટું નુકશાન પહોચાડ્યું છે અને રાજા વિજયસિંહને ચારે બાજુથી ઘેરી સૂમરો સરદાર વિજયસિંહનું મસ્તક કાપી સિંધમાં લઇ જવાની અને આ ગઢમાં લૂંટ કરીને તમામ નારીઓને ગુલામ બનાવીને લઈ જવાની યોજના બનાવી રહયો છે.."
સહુના શ્વાસ અધ્ધર થઈ ગયાં. ઘણાનાં હ્નદય ધબકારા ચૂકી ગયાં. ભયમાં રુદનના ડૂસકાં સંભળાવા લાગ્યાં. સૈનિકો હિંમત હારી જઈને કહેવા લાગ્યાં,
"જો રાજાની મોટી બળવાન સેના હારી રહી હોય તો આપણે એક હજાર સૈનિકો હવે કેમ કરીને સૂમરા સામે લડી શકીશું ?"
આમ હતાશાનાં વાદળો ગઢ પર મંડરાઈ રહ્યાં હતાં ત્યાં જ ચાંદકુવરી યોદ્ધા તરીકે ઘોડે બેસીને આવીને બોલી,..
"સાવધાન ભારતભૂમિના વીર પુત્રો આ ધરતી વીરોની અને વીરાંગનાઓની છે. જયાં સુધી આ શરીરમાં રક્તનુ એક ટીપું રહેશે, ત્યાં સુધી સૂમરો આ ગઢ પર ડોળો પણ નહીં ફેરવી શકે. ભય ખંખેરીને હે વીર સૈનિકો ! ચાલો મારી સાથે રાજાને મદદ કરવા અને માતૃભૂમિની રક્ષા કરવા."
અદ્ભૂત તેજોમય વીર યોદ્ધાને અચાનક પ્રગટ થયેલ નિહાળીને સૈનિકોએ પૂછ્યું,: "હે વીર યોદ્ધા આપનો પરીચય?"
"શૂરવીરો પોતાનો પરીચય રણમેદાને જ આપે છે. છતાંય તમારા મનની શાંતિ ખાતર કહું છું." કહેતાં ઘોડો રેવલ ચાલે નજીક લાવીને એ બોલી: "મારુ નામ ચાંદ બહાદુર છે અને કચ્છના સોઢી રાણીનાં રખોપાં કરવા આવેલ છું. ચાલો હવે વખત બહુ ઓછો છે અને વેશ ઝાઝા છે. "
સેનાનાયક બને તેવા મહાન યોદ્ધાને જોતાં જ સૈનિકોનું શૌર્ય ફરી પ્રગટ્યું અને જય મા ભવાનીના નાદ સાથે રણભૂમિ તરફ એકહજાર સૈનિકો સાથે ચાંદકુંવરીએ સેનાનાયક બનીને આગળ ઘોડો મારી મુક્યો. દોડતા ઘોડાઓથી ઊડતી ધૂળથી ગઢ આખો ઢંકાઈ ગયો હતો.
થોડીવારમાં જ રણભૂમિમાં થતા હાકોટા પડકારા સંભળાવા લાગ્યાં અને લડતાં સૈન્યની લગોલગ જતાં રણભૂમિનું દ્રશ્ય જોયું તો, ભલભલાને પરસેવો વળે તેવુ ભયંકર હતું.
સવારે ઉગતા લાલ રંગના ભાણને રક્તથી પૂજતા હોય તેમ લોહીની છાલકો ઊડી રહી હતી. મરણની આખરી ચીસોથી આકાશ ગૂંજી રહ્યુ હતું અને આખી રાત્રિની ભૂખી સમડીઓ સવારમાં જ ભરપેટ ભોજનની આશાએ આકાશે મંડરાઈ રહી હતી. ક્યાંક માથાં વગરના ધડ લડતાં હતાં અને ક્યાંક ધડ વગરના માથાં પડ્યાં પડ્યાં હાકોટા કરતાં હતાં. તીરોનો આકાશેથી વરસાદ વરસતો હતો. અને રક્તરંજિત શમશેરો હોંશે હોંશે લોહી ચાખી રહી હતી. બારોટ અને ગઢવી શોર્ય છલકતી વાણીથી ઉત્સાહ વધારતા હતાં,.

"ધર્મ ધીગાણે જૂવો વીર રાજપૂત લડે
ભલે પડે શિશ તોય સાચો શૂરવીર લડે
લાજ ધરાની રાખવાં જૂવો કેવા વીર લડે
ધન જનની એવા ભારતીનાં સપૂત લડે."

મારો કાપોના અવાજોથી સુંદર સવાર આજ ભેંકાર લગતી હતી અને વિશાળ સુમરાઓની સેના વચ્ચે ઘેરાયેલ મહાબલી રાજા વીરસિંહ રક્તથી ભીંજાઈને આજ હોળી ખેલતો હોય તેમ દુશ્મનોના માથાં ધડથી અલગ કરતો લાશોનાં ઢગલાં પર ચડીને સિંહ ગર્જના કરતો લડી રહયો હતો.
ચાંદે પોતાની સાથેના સૈન્યને આદેશ કર્યો : "સૈનિકો ચાલો મહારાજ વિજયસિંહ સુધી ગમેતેમ કરીને દુશ્મન સેનાનો ઘેરો તોડી પહોંચવાનું છે. જય મા ભવાની."
નવા યુદ્ધમાં આવેલાં ચાંદના સૈનિકોનાં તીરોથી ઘેરો કરીને વિજયસિંહને મારવાની યોજના કરતાં દુશ્મનોની છાતીઓ વિંધાવા લાગી. અચાનક જોરદાર હુમલો થતાં સુમરાનાં સૈન્યની હિંમત તૂટવા લાગી હતી અને હવૅ સૂમરો સરદાર પાંચસો ઘોડેસ્વાર સાથે વિજયસિંહને મારવાં યુદ્ધમાં કુદી પડ્યો હતો. આ તરફ ચાંદ ઢાલ બરડામાં ભરાવીને એક હાથે તલવાર અને બીજા હાથમાં ભાલો ભરાવીને સૂમરા સૈન્યને ચીરીને રાજા પાસે પહોંચી નમન કરીને બાજુમાં જ યુદ્ધ લડવા માંડી હતી. પરાજયના ભયથી પરિવારની ચિંતાથી વ્યાકુળ બની લડતાં વિજયસિંહને જોઈને ચાંદ યોદ્ધા તરીકે બોલી,
"કેમ આજ વીર યોદ્ધાના મુખે ચિંતાના વાદળો દેખાય છે.?
રાજા બોલ્યાં,.. "અરે મને મારા મોતનો ભય નહીં પણ નવી પરણીને આવેલ મારી ચાંદકુવરીની ચિંતા સતાવે છે."
સાંભળતાં જ એ યોદ્ધાએ જોરદાર જવાબ આપ્યો,
"મહારાજ તમારી વીરાંગના રાણીને તમારા પર આવો જ શક પડેલો એટલે મને મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે,. "મહારાજ ચિંતામાં હોય તો તરત પાછૉ આવી મારુ માથું લઇ જઈને એ મારા સૌંદર્યમાં અટવાયેલા રાજાને આપજે."
અને રાજા ચમક્યાં પોતાની ભૂલ સમજાઈ કે પોતે માતૃભૂમિનુ હિત ભૂલી રાણીનાં મુખડામાં અટવાયા હતાં.
"તો ભલે રાજા હું હાલ જ રાણીનું માથું લઈને આવું છું, પછી તો મન મેલીને યુદ્ધ લડજો." કહીને ઘોડો પાછો વાળતાં આ યોદ્ધાની આડે આવીને વિજયસિંહ પોતાની ભૂલ કબૂલ કરીને બોલ્યાં:
"હવે થોડીવાર થોભી જાવ, મસ્તક લાવવાની જરૂર નહીં પડે. વીર જુવાન અને હવે તમે આ વિજયસિંહનું આખરી યુદ્ધ નજરે નિહાળી જો મારામાં સાચો શોર્યરંગ દેખાય તો ચાંદ કુંવરીને કહેજો, તેનો ભરથાર એક મર્દની જેમ ચિંતા છોડીને લડતો હતો."
આમ કહીને વિજયસિંહે ત્રાડ પાડીને શમશેર અને ભાલા વડે અદ્ભૂત પરાક્રમ દેખાડવા માંડ્યું. એક સાથે ત્રણને ભાલે પરોવી ઊંચા કરીને બીજા હાથે શમશેરથી ચાર દુશ્મનોનાં મસ્તક વધેરતો લોહીથી ભીંજાયેલ આ રાજા આજ સાક્ષાત કાળસમો લાગતો હતો. રાજાનું આવું અદ્ભૂત પરાક્રમ જોઈને ચાંદ બોલી:
"ધન્ય છે મારા ધણીને ! આજ મારુ જીવન ધન્ય થયું! આવા બાહુબલી રાજાની હું રાણી બની, તેનો મને સદાય ગર્વ રહેશે"
ચાંદના શબ્દો કાને પડતાં મહારાજ ચમક્યા અને પાછળ જોયું તો શમશેરથી સંહાર કરતી સિંહણ જેવી તેની રાણી ચાંદે મુખ આડેથી પરદો જરીક હટાવતાં વિજયસિંહના આશ્ચર્યનો પાર ન રહયો. રાણી પાસે આવીને બોલી:
"જુઓ, હવે પાછાં મારા રૂપમાં ન અટવાઈ જાતા, પતિદેવ! અને આજે રૂડો અવસર મળ્યો છે , માતૃભૂમિની રક્ષાનો, તો દેહની ચિંતા છોડીને સાથે લડીએ ચાલો."
વિજયસિંહે સિંહગર્જના કરીને સીધો જ સુમરાનાં સૈન્ય સરદારને લલકાર્યો અને ભીષણ સંહાર કરતો તેની તરફ આગળ વધ્યો. આ તરફ રાજપૂત સૈનિકો હવે રાજાનું અદ્ભૂત યુદ્ધ જોઈ વિજયની આશા સાથે ઉત્સાહથી લડવા લાગ્યા હતાં અને ચાંદકુવરી પણ પોતાનાં પતીની જમણી બાજુ રહી દુશ્મનોને ખદેળીને રસ્તો સાફ કરી મદદ કરતી હતી. અને હવૅ સૂમરો સરદાર દૂર દેખાવા લાગ્યો એટલે યુદ્ધકળા દર્શાવતા પહેલાં ચાંદ ઘોડો લઈને આગળ વધી એટલે સૂમરો ચાંદ સામે લડવા આવતો હતો ત્યારે પોતાનાં ઘોડા પર બે પગે ઉભા થઈને વિજયસિંહે છલાંગ મારી એક પગ આગળ ઉભેલ ચાંદના ખભે પગ મૂકીને બીજી છલાંગે અભૂતપૂર્વ શૌર્ય દર્શાવતા પોતાના ભમરીયા ભાલા વડે હવામા પ્રહાર કરતાં સૂમરા સરદારની છાતીમાં ભાલો ઘુસાડીને ઘોડા સહિત ભોંયમાં જડી દીધો અને શમશેર ઉંચી કરીને વિજયનો લલકાર કર્યો. ચાંદકુંવરીએ છલાંગ મારીને પોતાનાં હાથેથી લોહી કાઢીને મહારાજને ફરી વિજયતિલક કરીને વધાવ્યાં અને હવે રાજપૂતો તૂટી પડ્યા જોશમાં આવી અને દુશ્મનો ભયથી ભાગવા લાગ્યાં.
હવે બધાં સેનાપતિ અને સૈનિકો લોહીથી ભીંજાયેલ આ વીર વિજયી રાજાનો જય જયકાર કરીને આનંદથી વિજયને વધાવવા લાગ્યા.
આ તરફ વિજયી રાજાને તો બસ એક જ ખ્યાલ હતો. તેની વીરાંગના રાણી ચાંદ કુંવરીનો જે અચાનક રણભૂમિમાંથી ક્યાંક અદ્રશ્ય બની ગઈ હતી. રાજા વિજયી બની સત્વરે પોતાના ગઢમાં પાછા ફર્યા અને ભવ્ય સ્વાગત નગરમાં થયું.
અને જેવાં જ રાજા મહેલ પાસે પધાર્યા કે આકાશેથી પુષ્પવર્ષા થતાં ઉપર જોયું, તો ઝરૂખે પોતાની વીરાંગના રાણી સોળ શણગાર સજી ફરી મધુર હાસ્ય અને નયન બાણોથી રાજાનાં હૃદયને વીંધી રહી હતી. રાજાએ રાણી સાંભળે તેમ હુકમ કર્યો,
"આજથી આ રાણીના સન્માનમાં આ ઝરુખાને ચાંદ ઝરૂખો તરીકે ઓળખવામાં આવશે અને કાયમ આ ઝરુખાને શણગારીને રાત્રિના સુંદર દિવડા પ્રગટાવવામાં આવે "
ઝરૂખે ઉભેલ રાણી પોતાનાં પતિદેવનાં મુખે પોતાનાં વખાણ સાંભળીને શરમથી આંખો ઝૂકાવીને હદયથી રાજાનો અભાર માની તીરછી આંખોથી જલ્દી મહેલમાં પધારવા ઈશારો કર્યો.
આજે હજારો વરસો બાદ પણ તૂટેલા ગઢનાં દરવાજા પરનાં ચાંદ ઝરૂખે આ વીરાંગના રાણીની યાદમાં દીવડા પ્રગટતાં જોવા મળે છે.


આ માહિતી અનિરુદ્ધ સિંહ ઝાલા ઝાલાવાડ જોડે થી પ્રાપ્ત કરેલી છે

ધન્યવાદ

આભાર |
જય માતાજી