દાદા કંથડ નાથ ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દાદા કંથડ નાથ

દાદા કંથડનાથ

કચ્છનો પુરાતન કિલ્લો કંથકોટ, જેના નામને આજે પણ જીવંત રાખી રહેલ છે, એ દાદા કંથડનાથ એક મહાન યોગીરાજ હતા. એમનું અસલ વતન જાણી શકવા તો આજે કોઈ સાધન ઉપલબ્ધ નથી. પરંતુ એટલું ખરું કે દાદા કોઈ દૂરદરના પ્રદેશથી તપશ્ચર્યા માટેના શાન્ત સ્થળની શોધમાં કચ્છ આવ્યા હતા. જપતપ માટેના સુયોગ્ય સ્થાન માટે એમની પસંદગી વાગડના આ ડુંગર પર ઊતરી હતી.

આ ઘટના પર આજે લગભગ ૧૨૦૦વર્ષનાં વહાણાં વાઈ ગયાં છે છતાં કંથડનાથ નામ આજે કચ્છમાં એમના શ્વેત સુશોભિત મંદિર જેવું જ તાજું અને ઊજળું રહેલ છે. અહીં આવીને દાદાએ આ ઉજ્જડ જેવા ડુંગર પર પોતાની તપશ્ચર્યા ચાલુ કરી દીધી.

દાદાનું મન સંસારમાંથી એકાએક ઊઠી જતાં તે છાનામાના પોતાને ઘેરથી ચાલી નીકળ્યા હતા. આ રીતે એમના ચાલ્યા જવાથી એમનાં માતુશ્રીનું મન ખિન્ન થઈ ગયું. એમનાં અંતર પર એક મોટો આઘાત લાગી ગયો. આ એકના એક પુત્ર પર આધાર રાખીને બેઠેલાં એમનાં માતાજી પણ પોતાના યોગી પુત્રની શોધમાં નીકળી પડ્યાં.

એમનાં માતુશ્રીનું નામ માંગુબા હતું. તપાસ કરતાં કરતાં માંગુબા પોતાના મનમોજી પુત્રને પગલે પગલે આ ડુંગર પર આવી પહોંચ્યાં. અહીં એક નિકટ જગામાં દાદાને તપશ્ચર્યામાં તલ્લીન જોઈને માંગુબાની આંખો અશ્રુજળથી છલકાઈ ઊઠી.

પોતાના વૈરાગી પુત્રને સમજાવીને પાછા લઈ જવા આવેલાં એમનાં માતુશ્રીએ એમને સમજાવવામાં કંઈ બાકી રાખ્યું નહિ. પરંતુ જેને રામનામનાં રામબાણ વાગ્યાં હતાં એવા આ યોગીરાજ હવે સંસારની જાળમાં સપડાય એમ ન હતું. એટલે આ સમજાવટનું પરિણામ ઊલટું જ આવ્યું. પોતાના યોગી પુત્રને સમજાવવા આવેલાં માંગુબાને આ યોગીરાજે એ જ ડુંગર પર રહીને શેષ જીવન ગાળવા સમજાવી દીધાં.

અહીં આ યોગીરાજ જે ટેકરી પર પોતાની તપશ્ચર્યા આદરી રહ્યા હતા તેની બાજુની ટેકરી પર એમનાં માતુશ્રીએ પણ પોતાની પર્ણકુટિ તૈયાર કરી દીધી. અને એ પણ પ્રભુભક્તિમાં પોતાનો સમય વ્યતીત કરવાં લાગ્યાં. આજે પણ આ ટેકરી એમનાં માતુશ્રીના નામ પરથી “માંગુ ભિટ્ટ' ના નામે ઓળખાય છે. બરાબર એ જ અરસામાં સિંધ નગરસમૈયા જામ ઉન્નડનું ખૂન કરીને નાસેલા તેના ભાઈઓ મોડ અને મનાઈ કચ્છમાં આવી પહોંચ્યા હતા. મનાઈ કચ્છના ઉત્તર વિભાગમાં સ્થિર થઈ ગયો અને મોડ કોઈ નવી ભૂમિની શોધમાં ફરતો ફરતો આ સ્થાન પર આવી ચડ્યો.

આડુંગરનું બારીક દષ્ટિએ નિરીક્ષણ કરતાં મોડને જણાયું કે અહીં જો એક ડુંગરી કિલ્લો બાંધવામાં આવે તો તે અજિત એવું સ્થાન બની જાય. આમ વિચારીને તેણે અહીં એક કિલ્લો બાંધવાની તૈયારી કરવા માંડી. પરંતુ જે ઠેકાણેથી આ કિલ્લાના પાયાની શરૂઆત થઈ શકે ત્યાં તો આ યોગી મહાત્મા ધૂણી નાખને બેઠેલા હતા. એને અહીંથી ઉઠાડ્યા વગર કિલ્લાનો પાયો પડી શકે તેમ ન હતું. એટલે મોડકુમારે આ યોગી અહીંથી ઊઠી જવાની આજ્ઞા કરી.

યોગી કંથડનાથ અહીં બાર વર્ષથી ધૂણી નાખીને બેઠો હતો. એની ધૂણીને સાત વરસ પૂરાં થી ગયાં હતાં. હજુ પાંચ વર્ષ બાકી હતાં, એટલે યોગીએ ત્યાંથી ઊઠવાની પોતાની અનિચ્છા દર્શાવી. યોગીને પોતાની આજ્ઞાનો અનાદર કરતો જોઈને મોડને ગુસ્સો ચડ્યો. તેણે યોગીને કહ્યું : જો તું સાનમાં સમજી જઈને અહીંથી નહિ ઊઠે તો અમારે તને બળાત્કાર ઊઠાડવો પડશે, અને તારી સઘળી સિદ્ધાઈ થોડી જ વારમાં સમેટાઈ જશે. તારી ધૂણીના કારણે કિલ્લાનું કામ કંઈ થોડું જ અટકી રહેવાનું છે!”

મોડની સપ્તાઈ જોઈને યોગીને વધુ ક્રોધ ચઢ્યો. તેની આંખો ગુસ્સાથી લાલચોળ બની ગઈ. ક્રોધમાં ને ક્રોધમાં તે કંઈ પણ બોલ્યા વગર પોતાનું આસન બગલમાં મારીને ચાલતો થયો અને નજદીકની એક ગુફામાં ભરાઈ ગયો.

યોગીને ચાલ્યો ગયેલો જોઈને મોડને સંતોષ થયો. તેણે તરત જ કિલ્લો ચણાવવાનું કામ શરૂ કરી દીધું. સેંકડો કારીગરો અને મજૂરો આ કિલ્લો બાંધવાના કાર્યમાં રોકાઈ ગયાં.

એક તરફ કિલ્લો ચણવાનું કામ ધમધોકાર ચાલી રહ્યું હતું ત્યારે બીજી તરફ યોગી કંથડનાથ પોતાની ગુફામાં બેઠોબેઠો પોતાની કંથા અર્થાત્ ગોદડી સીવવાના કાર્યમાં મંડી પડ્યો હતો. સાંજ પડતાં જયારે કિલ્લાનું કામ બંધ થયું ત્યારે યોગીએ પણ ગોદડી સીવવાનું પોતાનું કામ પડતું મૂક્યું. રાત્રિના સમયે તેણે ગોદડીને ઉખેડી નાખી. અને કિલ્લો એ જ વખતે કડડભૂસ કરતો જમીન પર ઢળી પડ્યો. સવાર પડતાં જ્યારે મોડે આ કિલ્લાને જમીનદોસ્ત થયેલો દીઠો ત્યારે તેને ઘણી નવાઈ લાગી. પરંતુ તેનું કારણ કંઈ પણ તે કળી શક્યો નહિ. તરત જ કિલ્લો ફરીથી ઊભો કરવાનું કાર્ય ચાલુ કરવાની આજ્ઞા કરી. કામ ચાલુ થયું. જેટલો ભાગ પડી ગયો હતો તે ફરીથી તૈયાર કરી લેવામાં આવ્યો. તે દિવસે પણ યોગીની એ જ પ્રવૃત્તિ ચાલુ રહી. રાત્રિ પડતાં કિલ્લાના પાછા એ જ હાલ થયા. મોડ હવે વિચારમાં પડી ગયો. તેણે કિલ્લાનું કામ ચાલુ કરાવીને ચોકીદારો બેસાડી દીધા. પરંતુ આ ચોકીદારો તૂટી પડતા કિલ્લાને અટકાવવાને અસમર્થ હતા. તેથી તે રાતે પણ કિલ્લાની તો એ જ દશા થઈ. આવું તો કેટલાયે દિવસ ચાલ્યું. કિલ્લો ચણવા મોડે ઘણાં ફાંફાં માર્યા, પરંતુ કોઈ પણ ઉપાયે તે કિલ્લાને પડતો અટકાવી શક્યો નહિ. હવે તે સમજી ગયો કે આ કાર્ય પેલા યોગીરાજનું જ છે. પરંતુ હઠે ચડેલો યોગી હવે કોઈ રીતે માને તેમ ન હોવાથી આખરે તેણે કિલ્લો ચણવાનું કામ મુલતવી રાખી દીધું.

મોડનો કુંવર સાડ થયો. તેનાં લગ્ન વાગડના ધરણ વાઘેલાની બહેન સાથે કરવામાં આવ્યાં. સાડના લગ્ન પછી થોડા જ વખતમાં મોડનું અવસાન થયું. કંથકોટનો કિલ્લો ચણાવવાની તેના મનની હામ મનમાં જ રહી ગઈ.

મોડના અવસાન પછી સઘળી સત્તા જામ સાડના હાથમાં આવી. સાડ જામ ચતુર અને કુનેહબાજ હતો. પિતાનું અધૂરું કામ પૂર્ણ કરવાની તેને ખાસ ઉત્કંઠા હતી. એટલે તેણે પહેલું એ કાર્ય પોતાના હાથમાં લીધું. હૃદયેચ્છા વ્યક્ત કરી. જામ સાડને અત્યંત નમ્રતાપૂર્વક આજીજી કરતો નિહાળીને ભસ્મનાથને તેના પર દયા આવી. આ ભસ્મનાથે કિલ્લો ચણવાની એક નવી જ યુક્તિ સાડને બતાવી.

ભસ્મનાથની સૂચના અનુસાર જામ સાડે સાત ઊંચી કિસમના પોપટોને પાળીને તેમને પઢાવવા માંડ્યા. થોડા વખતમાં આ સાતે પોપટ તેમને આપવામાં આવેલા શિક્ષણમાં તૈયાર થઈ ગયાં. આ સાતે પોપટને સાથે લઈને જામ સાડયોગી કંથડનાથની ગુફા પર આવી ઊભો. તરત જ જામની ઈશારતથી એક પોપટ બોલી ઊઠ્યો :
‘દાદા કંથડ! આદેશ!”
બહારથી આદેશનો અવાજ આવતો સાંભળી યોગી બોલ્યોઃ
કઓન?'
જામ સાડ.” પઢાવેલ પોપટે ઉત્તર આપ્યો.
‘સાડ ! ભસ્મ હો જા!” ગુફામાંથી યોગીનો ક્રોધાયમાન અવાજ આવ્યો.
તે જ ક્ષણે પોપટ બળીને ખાક થઈ ગયો. જામ સાડે હવે બીજા પોપટને બોલવા આજ્ઞા કરી. તે પણ પેલા પોપટની પેઠે જ બોલ્યો :
દાદા કંથડ! આદેશ!'
કઓન?’ ફરીથી યોગીએ પૂછ્યું.
જામ સાડ.' પોપટે પ્રત્યુત્તરમાં જણાવ્યું.
“સાડીઆ! ભસ્મ હો જા!” યોગીનો આગઝરતો અવાજ આવ્યો.
બીજો પોપટ પણ રાખનો ઢગલો બનીને નીચે પડ્યો.
આમ એક પછી એક સાત પોપટ બળીને ખાક થઈ ગયા.
આઠમી વખત જામ સાડ પોતે આગળ આવ્યો. હવે ધાસ્તી પેઠી કે યોગીના મોંમાંથી શબ્દ છૂટતાં જ રખે તેની પણ એ જ હાલત થાય.

આથી તનું હૃદય મૃત્યુની બીકથી ધડકી રહ્યું હતું. છતાં દઢ હૈયું કરીને ગુફાના દ્વાર પાસે તેણે પોકાર કર્યો :

‘દાદા કંથડ, આદેશ!”
કઓન?’ યોગીએ હવે ક્રોધથી ખરખરા બનેલા અવાજે પ્રશ્ન કર્યો.
સાડના હૃદયના ધબકારા વધવા લાગ્યા. ખુદ કાળ તેની સામે ડાચું ફાડીને ઊભો હોય એવો એને આભાસ થયો. મહા મુશ્કેલીએ તેણે જવાબ આપ્યો :
‘જામ સાડ.'
આ વખતે ભસ્મનાથ આગળ આવ્યો. બે હાથ જોડી યોગીની દયા માટે તે તેને વીનવવા લાગ્યો.

યોગીને હવે ભાન આવ્યું. સાત સાત વચનો નિષ્ફળ જવાનો તેનો ક્રોધ હવે જરા શાન્ત થયો. ભસ્મનાથને આજીજી કરતો નિહાળી યોગી નરમ પડ્યો. તેણે જામ સાડને બોલાવવાની આજ્ઞા આપી.

સાડ જામ ગુફામાં આવતાં જ યોગીના પગોમાં આળોટી પડ્યો. અને ક્ષમાયાચના કરવા લાગ્યો. સાડની નમ્રતા જોઈ યોગીને દયા આવી અને આખરે કિલ્લો ચણવાની યોગીએ આજ્ઞા આપી.

સાડનું હૈયું હર્ષથી ઊભરાઈ ગયું. તેનો સઘળો શ્રમ હવે સફળ થતો દેખાયો. યોગીને નમન કરી તેણે વિદાય લીધી અને કિલ્લો ચણાવાનું કામ તેણે શરૂ કરી દીધું. કિલ્લાનું નામ યોગી કંથડનાથના નામ પરથી કંથકોટ રાખવામાં આવ્યું. અને કિલ્લાની ખડકી (બારી) નું નામ “સાડ ખડકી રાખવામાં આવ્યું. જે આજ પણ મોજૂદ છે.

જામ સાડે અહીં એક મોટો કૂવો બંધાવ્યો. એ કૂવાનું નામ પિતાના સ્મરણાર્થે “મોડ કૂવો' રાખવામાં આવ્યું. આજે આ કૂવો જીર્ણ અવસ્થામાં જૂના દિવસોને યાદ કરતો હોય એવો જીર્ણશીર્ણ જોવામાં આવે છે.


ટાઈપીંગ :- ભરતસિંહ ગોહિલ