વારસદાર - 78 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વારસદાર - 78

વારસદાર પ્રકરણ 78

નૈનેશ ઝવેરીએ પોતાના પિતા ઉપર લાયસન્સ વાળી પિસ્તોલથી ગોળી છોડી અને તલકચંદ નીચે પછડાઈ ગયા.

પિસ્તોલ ચલાવવાની નૈનેશને કોઈ પ્રેક્ટિસ તો હતી જ નહીં એટલે આડેધડ છોડેલી ગોળી તલકચંદના ડાબા હાથના ઉપરના ભાગે ઘસરકો કરી ગઈ. સદનસીબે હાડકાને કોઈ ઇજા ના થઈ. છતાં તલકચંદથી ચીસ પડાઈ ગઈ અને ગોળીના ધક્કાથી નીચે પછડાયા.

ગોળી વાગ્યા પછી બે ઘટનાઓ એક સાથે બની. પિસ્તોલનો ધડાકો સાંભળીને રસોઈ કરતા મહારાજ અને નોકર બંને ડ્રોઈંગ રૂમમાં દોડી આવ્યા. સજાગ નોકરે તરત એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો. થોડીક જ વારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. તલકચંદ વેદનાથી કણસી રહ્યા હતા પરંતુ ભાનમાં હતા. એમણે નોકરને મંથન મહેતાને ફોન કરવાનું કહ્યું. નૈનેશની વહુ તો આ ઘટનાથી હેબતાઈ જ ગઈ હતી ! એ સસરાની સાથે જ એમ્બ્યુલન્સમાં ગોઠવાઈ ગઈ.

તો બીજી ઘટનામાં પિતા ઉપર ગુસ્સામાં આવીને ફાયરિંગ કર્યા બાદ મેં પિતાનું ખૂન કર્યું છે એવા ભયથી ગભરાયેલો નૈનેશ કારની ચાવી લઈને બંગલાની બહાર ભાગ્યો અને પોતાની ગાડી સ્ટાર્ટ કરીને વાલકેશ્વરથી દૂર નીકળી ગયો. પોતાનાથી પિતાનું ખૂન થઈ ગયું છે એ વિચાર માત્રથી એ કંપી ઉઠ્યો.

રાતના ૮ વાગી ચૂક્યા હતા. હવે ક્યાં જવું એ એને સૂઝ પડતી ન હતી. પોલીસ પાછળ પડી છે એવા ભણકારા એને વાગવા લાગ્યા. ચર્ની રોડ સ્ટેશન સામે એક પાર્કિંગ પ્લોટમાં ગાડી પાર્ક કરીને એ સ્ટેશને ગયો. બોરીવલી તરફ જતી જે ટ્રેન આવી એમાં વગર ટિકિટે ચડી ગયો.

ક્યાં જવું છે એ ખબર ન હતી. પોતે ઉતાવળમાં મોબાઈલ પણ ઘરે જ ભૂલી ગયો હતો. પોતાનો એક મિત્ર બોરીવલી રહેતો હતો પરંતુ એનું ઘર એણે જોયું ન હતું. એનો મોબાઈલ નંબર પોતાના મોબાઈલમાં સેવ હતો. હવે મોબાઈલ વગર એનો કેવી રીતે સંપર્ક કરવો ?

હજુ તો એ ૨૨ ૨૩ વર્ષનો ગભરુ યુવાન હતો. ખૂબ જ ગભરાઈ ગયો હતો !

સદનસીબે એની પાસે વોલેટ હતું અને સારી એવી રકમ તેમ જ એટીએમ કાર્ડ પણ વોલેટમાં હતું. પૈસા હોય તો માણસમાં હિંમત આવી જતી હોય છે. એણે બે ત્રણ ઊંડા શ્વાસ લીધા અને હવે શું કરવું એનું મનોમંથન કરવા લાગ્યો.

બે ત્રણ સ્ટેશન પસાર થયા પછી એને અચાનક એક વિચાર આવ્યો અને એ અધવચ્ચે ખાર રોડ સ્ટેશને ઉતરી ગયો. ત્યાંથી રીક્ષા એણે જૂહુ તારા રોડ તરફ લેવડાવી.

આ બાજુ એમ્બ્યુલન્સ મલબાર હિલ તરફ આગળ વધી અને સેન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં દાખલ થઈ. તલકચંદને તાત્કાલિક ઇમરજન્સી વૉર્ડમાં દાખલ કરાયા. ગોળીબારનો કેસ હતો એટલે હોસ્પિટલ વાળાએ તાત્કાલિક પોલીસ પણ બોલાવી લીધી.

ગોળી શરીરમાં ફસાઈ ન હતી એટલે ડોક્ટરે ઘાને સાફ કરી ટાંકા લઈ ડ્રેસિંગ કરી દીધું અને બે ઇન્જેક્શન પણ આપી દીધાં. સલાઈન ચડાવીને ત્રીજું એન્ટીબાયોટિક ઇન્જેક્શન સલાઇનમાં આપ્યું.

" આ ઘટના વિશે મને સવિસ્તાર વાત કરી શકશો ? " શેઠને સ્પેશિયલ રૂમમાં ખસેડ્યા પછી પોલીસ ઇન્સ્પેક્ટરે પૂછ્યું.

" મારી પાસે લાઇસન્સવાળી પિસ્તોલ છે. એ સાફ કરવા માટે આજે બહાર કાઢી હતી અને હું મારા દીકરાને એ કેવી રીતે વાપરવી એ શીખવાડી રહ્યો હતો. શીખવાના પ્રયાસમાં એનાથી રિવોલ્વરનો ઘોડો દબાઈ ગયો. એ હજુ બાળક છે. એ એટલો બધો ડરી ગયો કે તરત જ ઘરની બહાર ભાગ્યો. મને હોસ્પિટલમાં દાખલ કરવા પણ રોકાયો નહીં." તલકચંદ બોલ્યા.

" શેઠ સાહેબ માફ કરજો પરંતુ તમારું આ સ્ટેટમેન્ટ મગજમાં બેસતું નથી. તમારા દીકરાએ તમારા ઉપર જાણી જોઈને ગોળી ચલાવી છે અને એ ભાગી ચૂક્યો છે. તમારા મહારાજ અને તમારા નોકરનાં સ્ટેટમેન્ટ પણ મેં લીધાં છે. તમારા દીકરાની વહુ ગભરાયેલી હાલતમાં છે અને સરખા જવાબ નથી આપતી. " ઇન્સ્પેક્ટર બોલ્યો.

" હું સાવ સાચું કહી રહ્યો છું સાહેબ. બંનેમાંથી એક પણ નોકર ઘટના સમયે હાજર ન હતો. ગોળીબારનો અવાજ થયા પછી એ લોકો આવ્યા. દીકરાની વહુ ગભરાયેલી છે એટલે સરખા જવાબ નથી આપતી. " તલકચંદ બોલ્યા.

" શેઠ તમે તમારા દીકરાનો બચાવ કરી રહ્યા છો પરંતુ આ ખૂનનો પ્રયાસ છે. મેં એ પણ તપાસ કરી છે કે તમારા અને તમારા દીકરા વચ્ચેના સંબંધો સારા ન હતા. મિલકત માટે થઈને ઝઘડા થતા હતા. " ઇન્સ્પેક્ટર બોલ્યો.

" અરે સાહેબ ઝઘડા કોના ઘરમાં થતા નથી ? અને એ તો મારો કરોડોનો વારસદાર છે. મને મારી નાખીને એને શું મળવાનું ? જિંદગીમાં પહેલીવાર આજે એણે હાથમાં પિસ્તોલ લીધી. એને ખબર જ ન હતી કે પિસ્તોલ લોડેડ છે." કહીને તલકચંદે ઇન્સ્પેક્ટર સામે આંખ મિચકારી.

"બાપ બેટાનો ઘરનો મામલો છે ઇન્સ્પેક્ટર ! બહુ ઊંડા ઉતરવા જેવું નથી. ૨૫ લાખ તમને મળી જશે. ક્યાં પહોંચાડવાના છે એ કહી દેજો. " શેઠ ધીમેથી બોલ્યા.

ઇન્સ્પેક્ટર હસ્યો. " તમને રજા મળી જાય પછી તમારો સંપર્ક કરીશ. "

એ પછી સ્ટેટમેન્ટ ઉપર તલકચંદની સહી લઈને ઇન્સ્પેક્ટર સ્પેશિયલ રૂમમાંથી બહાર નીકળી ગયો.

બરાબર એ જ વખતે મંથન મહેતાનો પ્રવેશ થયો.

"હવે તબિયત કેમ છે વડીલ ?" મંથને બાજુના સ્ટૂલ ઉપર બેસીને શેઠના ખબર પૂછ્યા.

" તમારા બધાની લાગણીથી બચી ગયો છું મહેતા સાહેબ. હવે સારું છે. " શેઠ બોલ્યા.

" તમને હેમખેમ જોઈને આજે મને આનંદ થયો છે વડીલ !! ચાલો મારી પ્રાર્થના ફળી. તમારી ઘાત ટળી ગઈ. ડાયમંડ વેચવા માટે મુનશી સાહેબ સાથે પહેલી વાર તમારા ઘરે આવ્યો અને તમને જોયા ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો કે પૃથ્વી ઉપર તમે છ સાત મહિનાથી વધારે નથી. તમારી આજુબાજુ મને કાળી છાયા દેખાતી હતી. તમારી મૃત પત્ની બદલો લેવા માટે તક શોધી રહી હતી. " મંથને પોતાની વાત શરૂ કરી.

"એટલા માટે જ મેં તમારી પાસે જાણી જોઈને સારું કર્મ કરાવ્યું. તમારા ભૂતકાળનાં પાપ કર્મોનું પ્રાયશ્ચિત કરાવ્યું. તમારી ત્યજી લીધેલી પત્નીને ન્યાય મળે અને તમારી જ વારસદાર બે કન્યાઓને એમનો હક મળે એ માટે મેં પૂરતા પ્રયત્નો કર્યા. જેથી તમને પૂણ્યનું થોડું ભાથું મળે અને તમે આ ઘાતમાંથી બચી શકો ! આજ તમારી જિંદગીનો છેલ્લો દિવસ હતો પરંતુ તમે કરેલા પૂણ્ય બળથી તમે આજે બચી ગયા !!" મંથન બોલી રહ્યો હતો.

" અને મેં તમારા આયુષ્ય માટે મારા ગુરુજીને દિલથી પ્રાર્થના કરી હતી કે કેતા શીતલને આટલાં વર્ષો પછી બાપ મળ્યો છે તો બાપનું છત્ર હવે છીનવાઈ જવું ના જોઈએ. " મંથને પોતાની વાત પૂરી કરી.

" તમે શું વાત કરો છો મહેતા સાહેબ ? તમે મને બચાવવા માટે મારી પાસે આ બધું કર્મ કરાવ્યું ? " તલકચંદ અચરજ થી બોલ્યા.

" જી શેઠ. ગુરુજીની કૃપાથી અને દાદાજીની કૃપાથી હું ઘણું બધું જોઈ શકું છું. તમને લાગે છે કે તમારો એ માસુમ દીકરો તમારી ઉપર કદી ગોળી ચલાવે ? ગમે એટલો ગુસ્સાવાળો હોય પણ આવું કૃત્ય તો ના જ કરે ! એના ઉપર તમારી મૃત પત્ની કંચને કબજો લઈ લીધો હતો. મને તમારા સમાચાર મળ્યા કે તરત જ હું તમારા બંગલે ગયો. ગુરુજીને પ્રાર્થના કરીને તમારી પત્ની કંચનના આત્માની ઉર્ધ્વગતિ મેં કરાવી. એ પછી જ હું અહીં આવ્યો" મંથન બોલ્યો.

તલકચંદ શેઠ નતમસ્તક થઈ ગયા. મંથન જે કહી રહ્યો હતો એ એમની સમજની બહાર હતું. આખી જિંદગી બસ રૂપિયા જ ગણ્યા હતા એટલે મંથનના આ જ્ઞાનમાં એમને ટપ્પી પડતી ન હતી !! છતાં એમની આંખમાં આંસુ આવી ગયા. આ માણસમાં કંઈક તો છે જ અને આ માણસ મારા વિશે ઘણું બધું જાણે છે !!

"કેતા અને શીતલ લોકોને આ ઘટનાની ખબર છે ?" મંથને પૂછ્યું.

" ના. મારા સિવાય કોણ વાત કરે એ લોકોને ? " શેઠ બોલ્યા.

"ઠીક છે. હવે તમે હેમખેમ છો એટલે હું જ એમને વાત કરી દઉં છું. " મંથન બોલ્યો.

જો કે મંથન ફોન કરે તે પહેલાં જ કેતાનો ફોન સામેથી આવ્યો.

" સર તમે કંઈ સમાચાર સાંભળ્યા ? પપ્પાને નૈનેશભાઈએ ગોળી મારી છે. પપ્પાને એલિઝાબેથ હોસ્પિટલ લઈ ગયા છે. હમણાં જ ન્યૂઝમાં આવ્યું. અમે લોકો હોસ્પિટલ જવા નીકળીએ છીએ. " કેતા રડમસ અવાજે બોલી.

"રિલેક્ષ કેતા... હું હોસ્પિટલમાં જ છું. એમને કોઈ મોટી ઈજા થઈ નથી. પપ્પા એકદમ હેમખેમ છે અને મારી સાથે વાતો કરે છે. તમારે લોકોએ અહીં સુધી દોડી આવવાની અત્યારે જરૂર નથી. હું અહીં રોકાયેલો છું. " મંથન બોલ્યો.

" ના સર. હું અને મમ્મી પણ આવીયે છીએ. એ મારા પપ્પા છે. એ હોસ્પિટલમાં હોય અને અમને ઘરે ઊંઘ આવે ?" કેતા બોલી.

" અરે કેતા... તમે લોકો સમજો. અત્યારે રાતના દસ વાગી ગયા છે. અને ક્યાં જૂહુ સ્કીમ અને ક્યાં મલબાર હિલ !! અહીં પહોંચતા પહોંચતા જ દોઢ બે કલાક થઈ જશે. અને હું તો અહીં રોકાયેલો જ છું. તમે લોકો વહેલી સવારે આવી જજો. " મંથને કેતાને માંડ માંડ સમજાવી.

કેતા તો સત્ય હકીકતથી વાકેફ થઈ ગઈ કે પપ્પા સલામત છે પરંતુ નૈનેશ હજુ પોતાને પિતાનો ખૂની જ સમજતો હતો. એ ભયંકર તાણ વચ્ચે જૂહુ તારા રોડ ઉપરના પોતાના બંગલે જઈ રહ્યો હતો. રાત રોકાવા માટે એની પાસે બીજો કોઈ આશ્રય પણ ન હતો.

જૂહુ તારા રોડ ઉપરનો બંગલો પપ્પાએ એમની પ્રથમ પત્ની અને દીકરીઓને આપી દીધો છે એ હકીકતથી એ વાકેફ જ હતો. એણે એની આ મૃદુલા મમ્મીને કે કેતા શીતલને ક્યારે પણ જોયાં ન હતાં અને કદી જોવા માગતો પણ ન હતો ! પરંતુ ખબર નહીં કયું પરિબળ એને આજે અહીં ધકેલી રહ્યું હતું !!

બંગલામાં જઈને પોતાની ઓળખાણ કઈ રીતે આપવી ? એ લોકોને શું કહેવું ? પોતાનાથી આવેશમાં આવી જઈને પપ્પાનું ખૂન થઈ ગયું છે એવું કહેવાથી એ લોકો એને આશ્રય આપશે કે પછી પોલીસને ફોન કરશે ? હજારો સવાલો એના મનમાં ઘૂમરાતા હતા !

નૈનેશને જોતાં જ બંગલાનો ચોકીદાર એને ઓળખી ગયો. કારણ કે આ ચોકીદાર પહેલાં વાલકેશ્વરના બંગલા ઉપર પણ હતો.

"અરે નાનાશેઠ તમે અહીં ?" ચોકીદાર સલામ કરીને બોલ્યો.

" હા ઘરમાં કોણ કોણ છે ? " નૈનેશે પૂછ્યું.

" ઘરમાં મોટાં મેડમ છે અને એમની દીકરી કેતા મેડમ. " ચોકીદાર બોલ્યો.

" ઠીક છે. " કહીને હિંમત કરીને નૈનેશે બંગલાની ડોરબેલ વગાડી.

નોકરાણીએ દરવાજો ખોલ્યો. એણે અજાણ્યા આગંતુકને જોઈને પૂછ્યું.

" તુમ્હાલા કોણાચા કામ આહે ? "

" કેતા દીદી " નૈનેશ એટલું જ બોલ્યો.

" કેતા મેડમ... કોણીતરી ભાઉ આલે આહે. તુમ્હાલા બોલવતે. " નોકરાણી મોટેથી બોલી.

નોકરાણીનો અવાજ સાંભળીને કેતા દરવાજા પાસે આવી.

" તમે કેતાદીદી ને ? મારે તમારું જ કામ હતું. હું નૈનેશ ઝવેરી. " નૈનેશ બોલ્યો

કેતા પહેલાં તો એકદમ સડક જ થઈ ગઈ ! એક તો પોતાના ભાઈને એ પહેલી જ વાર જોઈ રહી હતી. બીજી મૂંઝવણ એને એ હતી કે પપ્પાને ગોળી એમના આ દીકરાએ જ મારી હતી !!

ભાઈ પોતાના ઘરે પહેલી જ વાર આવ્યો હતો !! શું કરવું કંઈ સમજ પડતી ન હતી !!!

"આવ... અંદર તો આવ." કેતા બોલી એટલે નૈનેશ ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર જઈને બેઠો. એટલામાં મૃદુલાબેન પણ અંદરના બેડરૂમમાંથી બહાર આવ્યાં.

નૈનેશે ઉભા થઈને મમ્મીના ચરણસ્પર્શ કર્યા. ખબર નહીં કેમ એની આંખોમાં આંસુ આવી ગયા. એ બે હાથ જોડીને મમ્મીની સામે ઉભો રહ્યો !

"મમ્મી મારાથી અજાણતાં પપ્પા ઉપર ગોળી છૂટી ગઈ છે. મારો પપ્પાનું ખૂન કરવાનો કોઈ જ ઇરાદો ન હતો. મને બચાવી લો મમ્મી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું ઘરેથી ભાગી નીકળ્યો છું. હવે તો પોલીસ પણ મને શોધતી હશે !!" ગભરાયેલો નૈનેશ બોલ્યો.

કેતા આ સંવાદ સાંભળી રહી હતી અને એણે પોતાના ભાઈની આંખોમાં આંસુ પણ જોયાં.

કેતા ખૂબ જ લાગણીશીલ હતી. આ તો એનો સગો ભાઈ હતો ! બાપ તો એક જ હતો ને ! એનું દિલ પણ ભરાઈ આવ્યું.

" નૈનેશ તું રડ નહિ ભાઈ ! શાંતિથી બેસ. અહીં તું સલામત છે. તારી મોટી બહેન બેઠી છે અહીં ! આટલા દિવસ ક્યાં ખોવાઈ ગયો હતો ? " કેતા બોલી.

" મને માફ કરી દો દીદી. હું તમને લોકોને ઓળખી ના શક્યો. મારા મનમાં એક પ્રકારની નફરત પેદા થઈ હતી. મારાથી બહુ જ ખરાબ કામ થઈ ગયું છે. મારાથી આપણા પપ્પાનું ખૂન થઈ ગયું છે. " નૈનેશ રડમસ અવાજે બોલ્યો અને લમણે હાથ દઈને ફરી સોફા ઉપર બેઠો.

કેતાને હવે ખ્યાલ આવી ગયો કે પપ્પા બચી ગયા છે અને હેમખેમ છે એ વાતથી નૈનેશ સાવ અજાણ છે ! નૈનેશ હજુ પણ પોતાને ગુનેગાર માનીને ફફડી રહ્યો છે !

" નૈનેશ મારે કોઈ સગો ભાઈ નથી. તું સગો હોવા છતાં પારકો બની ગયો છે. આપણે એક જ પિતાનાં સંતાન છીએ ભાઈ ! તારા મનમાંથી આ બધી કડવાશ કાઢી નાખ. " કેતા બોલી.

"તમને મળ્યા પછી બધી કડવાશ ચાલી ગઈ છે દીદી ! મને પ્લીઝ પ્લીઝ બચાવી લો " નૈનેશ બોલ્યો.

"તું જરા પણ ચિંતા ના કરીશ ભાઈ. આપણા પપ્પા હેમખેમ છે અને હોસ્પિટલમાં છે. એ બચી ગયા છે. ગોળી એમના હાથમાં ઘસરકો કરીને નીકળી ગઈ છે. તારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. " કેતા બોલી.

" અને પપ્પાને કદાચ કંઈ થયું હોત તો પણ હું મારા ભાઈની રક્ષા કરતી ! ગમે તેવાં તોફાનોમાં કેતાદીદી તારી ઢાલ બનીને ઉભી રહે એવી છે નૈનેશ !!" કેતા જુસ્સાથી બોલી.

પપ્પા હોસ્પિટલમાં હેમખેમ છે એ સાંભળીને માથા ઉપરથી સો મણનો બોજ ઉતરી ગયો. એક ભયંકર માનસિક યંત્રણામાંથી એ એક જ ક્ષણમાં બહાર આવી ગયો. કેતાની આટલી બધી લાગણી જોઈને અંદરથી એ હચમચી ગયો. આવા સુંદર પરિવારને પોતે કેટલી નફરત કરતો હતો !!

" મમ્મી.. કેતાદીદી... મને માફ કરી દો. હું તમને લોકોને ઓળખી શક્યો નહીં. પપ્પાના વીલથી મારા મનમાં પપ્પા માટે નફરતની આગ પેદા થઈ ગઈ હતી. પરંતુ તમને લોકોને મળ્યા પછી મારી આંખ ઉઘડી ગઈ છે. મારે હવે કંઈ જોઈતું નથી. પપ્પા બધી જ મિલકત તમને આપી દે તો પણ મને કોઈ ફરક નહીં પડે ! મારે હવે તમારી સાથે રહેવું છે. સમજણો થયો ત્યારથી મા ગુમાવી બેઠો છું. " નૈનેશ બોલ્યો. બોલતાં બોલતાં ફરી એની આંખો ઉભરાઈ આવી.

"અરે ગાંડા ભાઈ ! હું પણ ઈચ્છું છું કે મારો ભાઈ હંમેશાં અમારી સાથે જ રહે. પપ્પાને પણ કેટલો બધો આનંદ થશે ? હવે તું શાંતિથી ઉંઘી જા. સવારે વહેલા આપણે બધાંએ પપ્પાની ખબર કાઢવા હોસ્પિટલ જવાનું છે. " કેતા બોલી.

ઘણા સમય પછી એ રાત્રે નૈનેશ એકદમ શાંતિથી સૂઈ શક્યો ! ગમે તેમ તોય આ મા નું ઘર હતું ને ! સવારે કેતા દીદીએ જગાડયો ત્યારે એની આંખ ખુલી.

એક નવું બ્રશ ઘરમાં પડ્યું હતું એનાથી એણે બ્રશ કર્યું. નાહ્યા પછી એનાં એ જ અન્ડરવેર અને બનીયન પહેરી લીધાં કારણ કે આ ઘરમાં એનાં કોઈ કપડાં ન હતાં.

કેતાદીદીની ગાડી ચલાવીને નૈનેશ ફેમિલી સાથે એલિઝાબેથ હોસ્પિટલ પહોંચી ગયો. સ્પેશિયલ રૂમમાં જ્યારે કેતા અને મૃદુલા સાથે નૈનેશને પણ જોયો ત્યારે તલકચંદ અવાક થઈ ગયા.

એમને એમની આંખો ઉપર વિશ્વાસ જ નહોતો આવતો ! જે દ્રશ્ય જોવા માટે એમની આંખો તરસતી હતી એ દ્રશ્ય જિંદગીમાં પહેલીવાર જોવા મળ્યું !

નૈનેશ દોડીને પપ્પા પાસે પહોંચી ગયો અને પપ્પાના પગ પકડી લીધા.

"પપ્પા અને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ ! મારે તમારી કોઈ મિલકત જોઈતી નથી. " બોલતાં બોલતાં નૈનેશની આંખો ભીની થઈ ગઈ.

"નૈનેશ એમાં તારો કોઈ જ વાંક નથી. આ બધો નિયતિનો જ ખેલ છે ! બસ તારા આ પરિવારને અપનાવી લે ભાઈ." બરાબર એ જ વખતે રૂમમાં પ્રવેશી રહેલો મંથન બોલ્યો.

" બેટા આ મંથન મહેતા છે. આપણા પરિવારને ભેગા કરવામાં એમનો બહુ મોટો ફાળો છે ! " તલકચંદ બોલ્યા.

" મંથનભાઈ સોરી ! મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. " નૈનેશ મંથનની સામે જોઈને બોલ્યો.

" ગોળી એમને વાગવાની જ હતી નૈનેશ. તું તો માત્ર નિમિત્ત બન્યો. તારે ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી. તને તારો પરિવાર મળી ગયો છે એનો આનંદ માણ. અને હા, કાલે રાત્રે ટ્રેનમાં અચાનક ખાર રોડ કેમ ઉતરી ગયો ? તું તો બોરીવલી જવાનો હતો ને ! " મંથને હસીને પૂછ્યું.

નૈનેશ તો આભો બનીને મંથન સામે જોઈ જ રહ્યો !!!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

રેટ કરો અને રિવ્યુ આપો

Sharda

Sharda 5 દિવસ પહેલા

BHARAT PATEL

BHARAT PATEL 1 માસ પહેલા

Reeta Choudhary

Reeta Choudhary 1 માસ પહેલા

Neepa

Neepa 1 માસ પહેલા

Nitesh Shah

Nitesh Shah 4 માસ પહેલા