Varasdaar - 77 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 77

વારસદાર પ્રકરણ 77

મંથનને બીજા કોઈ સવાલો તો હતા જ નહીં. જે જિજ્ઞાસા હતી એ એણે સુજાતા દેસાઈના આત્માને પૂછી લીધી હતી.

"બસ મારે આટલું જ જાણવું હતું. તમે મારા માટે ખાસ સમય કાઢ્યો અને મને મળવા માટે આવ્યાં એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. " મંથન બોલ્યો

" સમય કાઢવાનો તો સવાલ જ નથી. અહીં તો અમારી પાસે સમય જ સમય છે. મેં તમને કહ્યું તેમ અમારી અહીં કેટલીક મર્યાદાઓ હોય છે. તમારી સાથે જેમ વાત કરી એમ પૃથ્વીલોકના વ્યક્તિઓ સાથે અમે વાત કરી શકતા નથી. તમારા ગુરુજીની શક્તિઓના કારણે જ મારા ગાઇડે મને પરમિશન આપી છે." સુજાતા બોલી.

"તમારે તર્જનીને કોઈ સંદેશો આપવો છે ? " મંથને પૂછ્યું.

"હું બધા સંબંધોથી પર થઈ ચૂકી છું અને એટલે જ ત્રીજા ચોથા લોક સુધી આવી શકી છું. માયાનાં બંધન માત્ર પૃથ્વી પૂરતાં મર્યાદિત હોય છે. તર્જની આ જન્મમાં મારી દીકરી છે તો મારા ગયા જન્મમાં એ મારી બહેન હતી ! મારે કયો સંબંધ યાદ રાખવો ? એટલે સંબંધોની આ માયાજાળ માયાવી છે. મારે કોઈને કંઈ જ કહેવું નથી. એને દલીચંદ શેઠની પત્નીએ અપનાવી લીધી છે એટલે મને થોડો સંતોષ છે કે મને ન્યાય મળ્યો છે. હવે હું રજા લઉં છું. મને મારા ગાઈડ અહીંથી જવાનો સંકેત આપી રહ્યા છે." કહીને સુજાતાનો આત્મા અદ્રશ્ય થઈ ગયો.

મંથન થોડીવાર સુધી સૂક્ષ્મ જગતની ચહેલ પહેલ જોઈ રહ્યો. અહીં એને કોઈ જોઈ શકતું ન હતું અને ના એ પોતે કોઈની સાથે વાત કરી શકતો હતો.

" હવે હું તને પૃથ્વીની ખૂબ જ નજીક રહેલા પ્રથમ લોકમાં લઈ જાઉં છું. ત્યાંની સ્થિતિ પણ તું જોઈ લે. કારણ કે વારંવાર સૂક્ષ્મ જગતમાં તને ખેંચી લાવવો શક્ય નથી. " ગુરુજી બોલ્યા.

ગુરુજીના સાનિધ્યમાં મંથનનો આત્મા તીવ્ર ગતિથી નીચે તરફ ગતિ કરી રહ્યો હતો. થોડી ક્ષણોમાં પ્રથમ લોકમાં મંથને પ્રવેશ કર્યો.

ઉપરના લોકમાં જે દિવ્ય પ્રકાશ હતો એવો દિવ્ય પ્રકાશ અહીં ન હતો. સંધ્યાકાળ જેવી સ્થિતિ હતી. અહીં ટોળા બંધ આત્માઓ ફરી રહ્યા હતા. બધાના ચહેરા ગમગીન અને દુઃખી દેખાતા હતા. પૃથ્વીની જેમ અહીં મારામારીનાં દ્રશ્યો પણ દેખાતાં હતાં. મંથનના આશ્ચર્ય વચ્ચે અહીં ગંદો વ્યભિચાર પણ જોવા મળ્યો. અહીં ગુંડાગીર્દી પણ જોવા મળી. વધારે મજબૂત આત્માઓ નબળા આત્માઓને હેરાન કરતા પણ જોવા મળ્યા.

સૂક્ષ્મ જગતમાં હોવા છતાં બધા ઉપર પૃથ્વી તત્વની અસર વધારે દેખાતી હતી. રાગ દ્વેષ, વેર ઝેર, ઈર્ષા ઝનૂન વાસના વગેરે વૃત્તિઓ આ લોકમાં સારા પ્રમાણમાં દેખાતી હતી.

અહીં મોટાભાગે બધા પ્રેતાત્માઓ હતા. અહીં યમદુતો તરફથી પાપ કર્મોની સજા પણ મળતી હતી. જો કે અહીં પણ અત્યંત દુષ્ટ અને પાપી જીવો માટે અલગ ક્ષેત્ર હતું જ્યારે થોડાં પાપ કર્મો માટે થોડું સારું ક્ષેત્ર હતું.

અહીં જે સૂક્ષ્મ શરીરો હતાં તે સ્પષ્ટ જોઈ શકાતાં હતાં. મતલબ પારદર્શક ન હતાં. સફેદ રંગના સૂક્ષ્મ શરીરમાં કાળા રંગના ધબ્બા હતા. પાપ કર્મનો ભાર ઘણો બધો હતો. અહીં રહેતા પ્રેતાત્માઓનો જન્મ પણ જલ્દી થઈ જતો હતો. અને એ નવો જન્મ પણ સજા રૂપે જ મળતો !!

" આ લોકમાં ન આવવું હોય તો ઈશ્વર શરણ સિવાય બીજો કોઈ માર્ગ નથી. હંમેશા ઊંચી ચેતનાના સંપર્કમાં રહેવું. રામ, કૃષ્ણ, શિવ, જગદંબાને પૂજનારા અને સતત નામ સ્મરણ કરનારા હંમેશા ઉર્ધ્વગતિને પામે છે. ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે મને પૂજનારો મને પામે છે. " સ્વામીજી બોલ્યા.

"હું હવે તારા શરીરમાં પ્રવેશ કરાવી રહ્યો છું. સૂક્ષ્મ જગતના આ અનુભવો તારી લાયકાતને કારણે જ તને થયા છે તારે કોઈની સાથે પણ એની ચર્ચા કરવી નહીં." ગુરુજી બોલ્યા અને થોડીક ક્ષણોમાં જ મંથન આંચકા સાથે જાગૃત થઈ ગયો.

આત્મા જ્યારે આ રીતે શરીરથી છૂટો પડે ત્યારે ડુંટી પાછળ આવેલા મણીપુર ચક્રમાં રહેલા સિલ્વર કોડ સાથે એ જોડાયેલો હોય છે અને એ જ્યારે પાછો ફરે ત્યારે પણ એ મણીપુર ચક્ર દ્વારા જ શરીરમાં પ્રવેશ કરે છે.

સમયની રફતાર આગળ વધતી રહી. બીજા ત્રણ મહિનાનો સમય પસાર થઈ ગયો. મંથનના દીકરા અભિષેકનો જન્મદિવસ પણ આવી ગયો.

દરેકના જીવનમાં મંથનનો રોલ ખૂબ જ મહત્વનો હતો. દરેકના સુખમાં મંથન ક્યાંક ને ક્યાંક કેન્દ્રસ્થાને હતો એટલે અભિષેકનો જન્મદિવસ બધાં માટે મહામૂલો હતો.

સવારે ૧૦ વાગે મંથનના ઘરે જ જન્મદિવસની ઉજવણી થઈ. જેમાં મંથનના ફેમિલી ઉપરાંત તર્જની, કેતા, શીતલ, રાજન દેસાઈ અને મૃદુલાબેન હતાં.

સાંજે ૫ વાગ્યે મલાડના જાણીતા લખાની બેન્કેટ હોલમાં મિત્રો અને સંબંધીઓ માટે અલગ ફંકશન રાખ્યું હતું. લગ્ન સમારંભ હોય એ રીતે મહેમાનોની વણઝાર ચાલુ રહી. મોંઘી મોંઘી ગિફ્ટો અભિષેકને મળતી રહી. તલકચંદે અભિષેકને સોનાની ચેઈન ગિફ્ટ આપી. ઝાલા સાહેબે હાથમાં પહેરવાની સોનાની પોંચી આપી. એ દિવસે નાનાં બાળકો માટે હોલમાં જાદુગરનો શો પણ રાખેલો.

છેલ્લા ત્રણ મહિનામાં ઘણાં કામ થઈ ગયાં હતાં. પરમાર સાહેબે વસઈની જગ્યા ઉપર કોલોની બનાવવા માટે ખૂબ જ સુંદર ડિઝાઇન તૈયાર કરી હતી જેમાં એક ખૂણામાં 'જનની ધામ' નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

દાદર ટીટીવાળા પ્લોટ ઉપર એક સુંદર ગેસ્ટ હાઉસનો પ્રોજેક્ટ પણ ઝડપથી આગળ વધી રહ્યો હતો.

રમેશભાઈ ઠક્કરે લોઅર પરેલની સાઈટ જોઈ લીધી હતી અને ત્યાં એક મોટું કોર્પોરેટ હાઉસ બનાવવાની શરૂઆત પણ થઈ ગઈ હતી. જાહેરાત માટેનો ડ્રાફ્ટ પણ મંથનને બતાવી દીધો હતો.

તર્જની પોતાની સ્ટેપ મધર સુશીલા શેઠાણીના ત્યાં સારી રીતે સેટ થઈ ગઈ હતી અને એણે નવી મમ્મીનું દિલ પણ જીતી લીધું હતું.

ત્રણ મહિના જેવો સમય પસાર થઈ ગયો છે. હવે વહેલી તકે સુશીલા શેઠાણીને વીલ માટે કન્વીન્સ કરવાં પડશે. કારણ કે ગડાશેઠે કહેલું છે એક વર્ષની અંદર ગમે ત્યારે પણ એમનો દેહ પડી શકે છે. મોડું થઈ જાય એ પહેલાં આ કામ પતાવી દેવું જોઈએ - મંથને વિચાર્યું.

એક દિવસ સાંજના પાંચેક વાગે મંથન ગડાશેઠના બંગલે પહોંચી ગયો.

" આવો આવો ભાઈ. તમે તો એકદમ સરપ્રાઈઝ આપ્યું. આવતા પહેલાં ફોન ના કરાય ? હું તમારા માટે સારી રસોઈ તો બનાવું !! " તર્જની ખુશ થઈને બોલી.

" આજે જમવા માટે નથી આવ્યો. ફરી કોઈ વાર એના માટે અલગથી આવીશ. થોડા કામથી આવ્યો છું. તું મજામાં તો છો ને ? " મંથને સોફા ઉપર બેસતાં કહ્યું.

" અરે ભાઈ હું તો પ્રિન્સેસની જેમ રહું છું. મને અહીં કોઈ જ તકલીફ નથી. મમ્મીના પણ મારા ઉપર ચારે હાથ છે." તર્જની બોલી.

"તે ચારે ય હાથ હોય જ ને ! મને જાતે પાણી પણ પીવા દેતી નથી. એટલી મારી સેવા કરે છે મંથનભાઈ કે શું વાત કરું !! " શેઠાણીએ ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ કરતાં કહ્યું.

" એ તમારી જ દીકરી છે માસી. સેવા તો કરે જ ને ! " મંથન હસીને બોલ્યો.

" હા રસોઈ પણ જાતે બનાવે છે. રસોઈ કરવાવાળી બાઈને પણ છૂટી કરી દીધી. " શેઠાણી બોલ્યાં.

તર્જનીએ બધો વહીવટ પોતાના હાથમાં લઈ લીધો હતો. બગીચો મેન્ટેન કરવા માટે એક માળી રાખ્યો હતો અને તે માત્ર દિવસના ભાગે જ આવતો હતો. ૨૪ કલાક માટે એક રાજસ્થાની બાઈ રાખી હતી જે ઘરનાં તમામ કામ અને બંગલાની સાફ-સફાઈ કરતી હતી.

" એટલા માટે જ શેઠે મને સપનામાં આવીને કહ્યું હતું કે તર્જનીને મારા ઘરે લઈ જા. આજે બીજી એક વાત કહેવા માટે ખાસ તમને મળવા આવ્યો છું." મંથન બોલ્યો.

" હા તો બોલો ને ભાઈ ! " શેઠાણી બોલ્યાં.

" તર્જની થોડી અંગત વાતો કરવી છે. તું થોડા સમય માટે કીચનમાં જા અને મારા માટે મસ્ત ચા બનાવ. હું બોલાવું ત્યારે ચા લઈને આવજે. " મંથન બોલ્યો.

" ભલે ભાઈ." કહીને તર્જની ચા બનાવવા માટે અંદર કીચનમાં ગઈ. મંથને પોતાની વાત શરૂ કરી.

" માસી તમે તો જાણો જ છો કે મારા અને શેઠના કેવા અંગત સંબંધો હતા ! શેઠને જ્યારે પણ કંઈક કહેવાની ઈચ્છા થાય ત્યારે મને સતત સપનામાં આવીને કહી જતા હોય છે. વોર્ડરોબના ખાનામાં સફેદ કવર છે એ વાત પણ એમણે મને સપનામાં કહેલી. તર્જનીનું એડ્રેસ પણ એમણે મને સપનામાં આપેલું અને એને તમારા ઘરે લઈ આવવાનું કહેલું. " મંથન બોલી રહ્યો હતો.

" હમણાં ત્રણ-ચાર દિવસથી એક જ સપનું આવે છે. શેઠની ઈચ્છા એવી છે કે તમે જલ્દી તમારું એક વીલ બનાવી દો. અબજોની મિલકત છે. શરીરનો કોઈ જ ભરોસો નથી હોતો. ભગવાન તમને સો વર્ષના કરે પરંતુ કાલ ઊઠીને કંઈ થઈ જાય તો મિલકત માટે ઝઘડા થાય અને તર્જની બિચારી રખડી પડે. શેઠની ઈચ્છા એમની દીકરીને પણ ન્યાય અપાવવાની છે એટલે મને એમણે તમારી પાસે આગ્રહ કરીને મોકલ્યો છે." મંથને કહ્યું.

" વીલ બનાવવું કે ન બનાવવું એ તમારી પોતાની ઈચ્છાની વાત છે. મેં તો શેઠની ઈચ્છા તમને જણાવી. એમણે તો ત્યાં સુધી કહ્યું કે શેઠાણીને કહેજો કે સોલિસિટર મુનશી સાહેબને બોલાવી લે. આ મુનશી સાહેબ વળી કોણ છે એ તો મને પણ ખબર નથી. " મંથન જાણી જોઈને બોલ્યો.

અને સોલિસિટર મુનશી સાહેબનું નામ સાંભળીને સુશીલા શેઠાણીને પાક્કો વિશ્વાસ બેસી ગયો. આમ તો એમને મંથન ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો જ. ભૂતકાળના બે સચોટ અનુભવો એમને થયા હતા એટલે મંથનની વાત એ ટાળી શકે તેમ હતાં નહીં અને હવે તો તર્જની એમની ખૂબ જ લાડકી પણ બની ગઈ હતી.

" ઠીક છે. શેઠે વારંવાર તમને સપનામાં આવીને આટલું બધું કહ્યું છે તો એમની વાત હું ટાળી શકતી નથી. બે ચાર દિવસમાં જ હું મુનશીને ફોન કરી દઈશ." સુશીલા શેઠાણી બોલ્યાં.

" અને બીજી એક વાત તો ભૂલી જ ગયો. શેઠે મને એમ પણ કહ્યું છે કે તમારા જેટલા પણ બેન્ક એકાઉન્ટ હોય એમાં નોમિની તરીકે તર્જનીનું નામ દાખલ કરી દેજો. " મંથને પોતાની વાત પૂરી કરી.

" હા એ પણ અગત્યનું કામ છે. હું ના હોઉં તો એને પૈસા ઉપાડવામાં ઘણી તકલીફ પડે. પરંતુ આ કામમાં તમારે મને મદદ કરવી પડશે. બેંકમાં ધક્કા ખાવાનું કામ મારું નથી અને મને આ બધી સમજ પડતી પણ નથી. આવા કામ માટે સોલિસિટરને પણ ના કહેવાય. તમે બેંકમાંથી જરૂરી ફોર્મ ભરીને લાવી દેજો એટલે હું સહી કરી આપીશ. હું તમને મારી તમામ બેંકની એકાઉન્ટ ડિટેલ્સ આપી દઉં છું. " શેઠાણી બોલ્યાં.

એ પછી મંથને તર્જનીને બૂમ પાડી. થોડીવારમાં તર્જની ચા ના બે કપ લઈને આવી.

" તર્જની મારા બેડરૂમમાં જે તિજોરી છે એના ડ્રોવરમાં બેંકની ચેકબુકોનું એક પ્લાસ્ટિક ફોલ્ડર છે એ જરા લઈ આવ ને બેટા ! તિજોરીની ચાવી ક્યાં છે એ તને ખબર જ છે. " ચા પીધા પછી શેઠાણી બોલ્યાં.

તર્જની ઊભી થઈને અંદર ગઈ અને પાંચેક મિનિટમાં ફોલ્ડર લઈને આવી. પાંચ અલગ અલગ બેંકોની ચેકબુકો હતી.

" આ ફાઇલ તમે હમણાં રાખો. તમે ઘરના જ છો. બધી ચેકબુકો કોરી જ છે. તમે એને સંભાળીને રાખજો. " શેઠાણી બોલ્યાં.

" ના માસી. હું દરેક ચેકબુકમાંથી એક ચેક ફાડી લઉં છું અને એને કેન્સલ પણ કરી દઉં છું એટલે મને પણ ટેન્શન નહીં. " મંથન બોલ્યો.

એણે દરેક ચેકબુકમાંથી એક એક ચેક ફાડીને એના ઉપર ક્રોસમાં લીટી દોરીને બોલપેનથી કેન્સલ લખ્યું. એ પછી ચેક વાળીને ખિસ્સામાં મૂક્યા.

" ચાલો માસી હું જાઉં. બેંકમાં તપાસ કરીને એકાદ અઠવાડિયામાં ફોર્મ લઈને તમારી સહી કરાવવા આવી જઈશ. " મંથન બોલ્યો અને બહાર નીકળી ગયો.

ધાર્યા કરતાં કામ સરળતાથી પતી ગયું હતું. તર્જની પણ ઘરમાં સરસ રીતે સેટ થઈ ગઈ હતી. ગડાશેઠની બંને ઈચ્છાઓ મંથને પૂરી કરી હતી !!

એ પછી બીજા બે મહિનાનો સમય પસાર થઈ ગયો. જૂહુ તારા રોડ ઉપરનો બંગલો એકદમ તૈયાર થઈ ગયો હતો અને તલકચંદ શેઠ જબરદસ્તી આગ્રહ કરીને મૃદુલાબેન તથા કેતાને બંગલામાં લઈ ગયા હતા. એમણે રસોઈ કરવા માટે એક બાઈ તેમજ ઘરકામ માટે બીજી બાઈ પણ રાખી હતી. એક સિક્યુરિટીની વ્યવસ્થા પણ કરી હતી. માળી દર રવિવારે આવીને ગાર્ડનની માવજત કરતો હતો.

તલકચંદ શેઠે કેતાને એક નાની કોમ્પેક્ટ કાર પણ લઈ આપી હતી. અત્યારે કેતા કારનું ડ્રાઇવિંગ શીખી રહી હતી. એની તો દુનિયા જ બદલાઈ ગઈ હતી. એણે કલ્પના પણ નહોતી કરી કે એની જિંદગીમાં આવા સોનેરી દિવસો પણ આવશે.

મંથન સાથે વાત થયા મુજબ સુશીલા શેઠાણીએ સોલિસિટર મુનશી પાસે પોતાનું વીલ બનાવી દીધું હતું. એમનો બંગલો અને બે બેંકમાં રહેલી તમામ રકમ તર્જનીના નામે કરી દીધી હતી. જ્યારે બાકીની ત્રણ બેંકોની રકમ પોતાની અમેરિકા રહેતી દીકરીના નામે કરી હતી. જો કે બંને દીકરીઓના ભાગે લગભગ સરખી રકમ જ આવતી હતી.

સોલિસિટર મુનશીએ બીજું વીલ તલકચંદ શેઠ માટે પણ બનાવ્યું હતું. એમણે એમની મોટાભાગની સંપત્તિ પોતાની પ્રથમ પત્ની મૃદુલા અને એના સંતાનોમાં વહેંચી હતી જ્યારે એમનો વાલકેશ્વરનો બંગલો અને ૩૫% રકમ પોતાના દીકરાને આપી હતી. સાથે સાથે પંચરત્નની ચાલુ પેઢી પણ દીકરાને આપી હતી.

વીલ સિવાય પણ એમણે બે નંબરની કેટલીક રકમ મંથનની લોઅર પરેલની સ્કીમમાં રોકવા માટે આપી દીધી હતી. કેટલીક મોટી કંપનીઓના શેર્સ પણ મૃદુલાબેનના નામે ટ્રાન્સફર કરી દીધા હતા.

પરંતુ ગમે તે રીતે વીલની આ વાત તલકચંદ શેઠના દીકરા નૈનેશ ઝવેરીના કાન સુધી પહોંચી ગઈ હતી. પોતાના પિતા એમની આગલી પત્ની સાથે પણ થોડાક દિવસો ગાળતા હતા એ બાબતે પિતા પુત્ર વચ્ચે એક વાર ઝઘડો પણ થયેલો. પરંતુ તલકચંદે સ્પષ્ટ કહી દીધું હતું કે - એ મારી કાયદેસરની પત્ની છે તું મને રોકી શકે નહીં.

પરંતુ વીલની વાત જાણ્યા પછી નૈનેશનું મગજ ફરી ગયું. કરોડોની મિલકતના ભાગલા પડે એ એને પોસાય તેમ ન હતું. એની પત્ની પણ એને સતત ઉશ્કેરતી રહેતી હતી.

આ બાબતે ફરી પિતા પુત્ર વચ્ચે એક રાત્રે મોટો ઝઘડો થયો.

" મારી પોતાની ઉભી કરેલી મિલકત કોને વહેંચવી અને કોને નહીં એ મારે નક્કી કરવાનું છે. તારી સાત પેઢી ખાઈ શકે એટલા પૈસા તને પણ આપેલા જ છે. હું મારી દીકરીઓને આપી રહ્યો છું. તને જે મળ્યું છે તે શાંતિથી ભોગવ અને મારી સાથે માથાકૂટ ના કર. હું ધારું તો હજુ પણ વીલ બદલી શકું છું." છેવટે તલકચંદે છેલ્લું શસ્ત્ર ઉગામ્યું.

પરંતુ એ શસ્ત્રથી નૈનેશ ઘા ખાઈ ગયો. એને ઝનૂન ચડ્યું. એણે તો સામે અસલી શસ્ત્રનો જ ઉપયોગ કર્યો !!

એ દોડીને ઘરમાંથી લાયસન્સ વાળી પિસ્તોલ લઈ આવ્યો અને પોતાના સગા પિતા ઉપર ફાયરિંગ કર્યું.

એક ધડાકો થયો અને તલકચંદ નીચે પછડાયા. કણસી રહેલા તલકચંદ ફાટી આંખે પોતાના સગા દીકરા સામે જોઈ રહ્યા. એ નૈનેશ હતો કે પોતાની મૃત પત્ની કંચન ?
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED