વારસદાર પ્રકરણ 75
ગડાશેઠના આત્મા સાથે વાર્તાલાપ કર્યા પછી મંથન થોડો ડિસ્ટર્બ એટલા માટે થયો કે મૃત્યુ પછી પણ જીવની માયા છૂટતી નથી અને ફરી ફરી એ જ કુટુંબમાં એ જનમ લેવા માગતો હોય છે. પોતાની ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરવાના બદલે ફરી ફરીને એ જનમ મરણના ચક્કરમાં ફસાતો રહે છે !
ગડાશેઠે આ જનમમાં કરોડો રૂપિયા કમાવવા માટે ઘણા બધા કાવાદાવા કર્યા હતા. ઘણા રંગરાગ માણ્યા હતા. ડ્રગ્સ જેવા ધંધામાં પણ હાથ કાળા કર્યા હતા એટલે એમનો આત્મા મૃત્યુ પછીના પ્રથમ લોકમાં જ ભટકી રહ્યો હતો. તેમ છતાં એમની આંખ ઉઘડતી ન હતી અને મન માયામાં જ હતું.
માયાનું વળગણ ઓછું હોય એવા જ આત્માઓ ત્રીજા કે ચોથા લોક સુધી પહોંચી શકતા હોય છે. ગડાશેઠ કરતાં સુજાતા દેસાઈનો આત્મા વધુ પવિત્ર હતો અને એટલે જ એ છેક ત્રીજા ચોથા લોક સુધી ગતિ કરી શકતો હતો.
આત્માને સ્ત્રી કે પુરુષનો ભેદ હોતો નથી એટલે આત્માને આપણે પુરુષ વાચક જ કહીએ છીએ ભલે પછી તે સ્ત્રીનો જ હોય !
મંથનની ઈચ્છા એક વાર સુજાતા દેસાઈના આત્મા સાથે પણ વાત કરવાની હતી જેથી સૂક્ષ્મ જગત વિશે વધુ જાણી શકાય ! એના માટે ગુરુજીને એકવાર વિનંતી કરવી પડશે.
મંથન ધ્યાનમાંથી સંપૂર્ણપણે બહાર આવી ગયો હતો એટલે એણે ન્હાઈ ધોઈને ગાયત્રીની માળા ચાલુ કરી.
ગડાશેઠની સૂચના પ્રમાણે તર્જનીને દત્તક લેવા માટે સુશીલા શેઠાણીને સમજાવવાનાં હતાં. જો કે હજુ ઘણો સમય હતો. કારણ કે તર્જની પણ એકવાર એમના બંગલે સેટ થઈ જાય અને એમનું દિલ જીતી લે એ પછી જ આવી વાત કરી શકાય. સુશીલા શેઠાણી પોતે જ રાજી ખુશીથી એને વારસદાર બનાવવા તૈયાર થાય એ સમયની રાહ જોવી જોઈએ !!
એટલે હાલ પૂરતો એ વિચાર એણે માંડી વાળ્યો અને તલકચંદને મળવાનું નક્કી કર્યું.
પરંતુ આજે રવિવાર હતો એટલે તલકચંદને મળવાનો વિચાર એણે માંડી વાળ્યો કારણ કે એમનો દીકરો ઘરે હોય તો એમની સાથે કોઈ ચર્ચા ના કરી શકાય. બે દિવસ પછી તલકચંદને ફોન કરીને સવારે ૧૧ વાગે એમના ઘરે એ પહોંચી ગયો.
"આવો આવો મહેતા સાહેબ. ગયા વખતની તમારી મુલાકાત પછી જીવને ઘણી શાંતિ મળી છે. મારાથી યુવાનીમાં ઘણાં પાપકર્મો થઈ ગયાં છે. તમે તો મારી આંખ ઉઘાડી દીધી છે. હવે તમે વહેલી તકે મારા પરિવારની મુલાકાત કરાવી દો. " તલકચંદ બોલ્યા.
"હું એટલા માટે જ આજે તમને મળવા માટે આવ્યો છું. મૃદુલામાસીએ તમને માફ કરી દીધા છે. એ પણ હવે તમને મળવા માટે અધીરાં થયાં છે. તમારી બંને દીકરીઓ પણ તમને મળવા માટે આતુર છે. એમાં પણ તમારી મોટી દીકરી કેતા તો તમારી લાડકી જ બની જશે. એ તો એટલી બધી ખુશ છે કે ના પૂછો વાત !! " મંથન બોલ્યો.
"નાની હતી ત્યારે પણ એ જ મને સૌથી વહાલી હતી. મારો પરિવાર સુખી હતો પણ મારી વાસનાએ મારી બુદ્ધિને ભ્રષ્ટ કરી દીધી. ફૂલ જેવી દીકરીઓનો મેં ત્યાગ કર્યો. એ ભૂતકાળને યાદ કરવા જેવો પણ નથી. બોલો... મારી મુલાકાત તમે ક્યારે કરાવો છો ?" તલકચંદ બોલ્યા.
"બસ તમે જ્યારે ઈચ્છો ત્યારે. એ લોકો બોરીવલી ગોરાઈ લિંક રોડ ઉપર મારી જ બનાવેલી સ્કીમ અદિતિ ટાવર્સ માં બી વિભાગમાં પાંચમા માળે રહે છે" મંથન બોલ્યો.
" અદિતિ ટાવર્સ !! પણ એ તો બે અઢી કરોડના ફ્લેટ છે. એ લોકો આટલો મોંઘો ફ્લેટ કઈ રીતે ખરીદી શક્યા ? " તલકચંદે આશ્ચર્યથી પૂછ્યું.
" મેં મૃદુલામાસીને એ ફ્લેટ ગિફ્ટ આપ્યો છે. પૈસા કરતાં સંબંધોને હું વધુ મહત્વ આપું છું. " મંથન હસીને બોલ્યો.
"અરે મહેતા સાહેબ આટલું ઉદાર દિલ તો મેં કોઈનું પણ જોયું નથી ! મારા અને તમારા વચ્ચે ગયા જનમના કોઈ તો ઋણાનુબંધ હશે જ કે મારા પરિવારને તમે સાચવ્યો !! " તલકચંદ આભારની લાગણીથી બોલ્યા.
"હા વડીલ. ઋણાનુબંધને તો હું પણ સ્વીકારું છું. ગયા જનમનાં એક બીજાનાં ઋણ ચૂકવવા માટે જે પણ બંધન આ જનમમાં થાય તે બધાં ઋણાનુબંધમાં આવી જાય." મંથન બોલ્યો.
"વાહ તમારું તો જ્ઞાન પણ વિશાળ છે. ચાલો તો પછી આવતા રવિવારે જ ગોઠવીએ. તમે જે ટાઇમ આપો તે ટાઈમે હું અદિતિ ટાવર્સના ગેટ ઉપર આવી જઈશ." તલકચંદ બોલ્યા.
"ઠીક છે. તો પછી રવિવાર ફાઈનલ. અને મેં કહ્યું એમ તમે જૂહુ તારા રોડ ઉપરના બંગલાનાં પેપર્સ બનાવીને કાયદેસર એ મૃદુલામાસીના નામે લખી આપો. તમારી પ્રોપર્ટી ઉપર તમારો જ અધિકાર હોય. તમારે તમારું વીલ બનાવવું હોય તો પણ સોલિસિટર મુનશી સાહેબને કહીને તમારી તમામ મિલકતનું વીલ બનાવી શકો છો જેથી પાછળથી મિલકતના કોઈ ઝઘડા ના થાય અને તમારા તરછોડાયેલા પરિવારને પણ ન્યાય મળે. તમારા ભૂતકાળની ભૂલોનું પ્રાયશ્ચિત કરવાનો આ જ માત્ર શ્રેષ્ઠ ઉપાય છે ! " મંથન બોલ્યો.
" મેં એ દિશામાં પગલાં લેવાનું ચાલુ કરી જ દીધું છે મહેતા સાહેબ. તમે હવે ચિંતા નહીં કરો. મૃદુલાને અન્યાય નહીં થવા દઉં અને મારા એ પરિવારને પણ ઘણી મોટી રકમ હું આપવાનો છું. મોટી બે નંબરની રકમ હું ચોપડે બતાવી નહીં શકું અને એ લોકો પણ સાચવી નહીં શકે એટલે ડાયમંડ, જ્વેલરી, શેર્સ અને પ્રોપર્ટીના રૂપે આપવાની મારી ઈચ્છા છે. મારે તમારી લોઅર પરેલની સ્કીમમાં પણ સારી એવી બે નંબરની રકમ એ લોકોના અલગ અલગ નામે રોકી દેવી છે." તલકચંદ બોલ્યા.
" બસ તો પછી મારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું નીકળું છું. આવતા રવિવારે સવારે ૧૧ વાગે તમે ત્યાં પધારજો. તમારે તમારા પરિવાર સાથે જ એ દિવસે ભોજન લેવાનું છે. " મંથન બોલ્યો.
મંથને ઘરે જતી વખતે રસ્તામાં જ રાજન દેસાઈને ફોન કરી દીધો.
"રાજન આવતા રવિવારે સવારે ૧૦ વાગ્યા સુધીમાં તું શીતલને લઈને અદિતિ ટાવર્સ પહોંચી જજે. કારણ કે સવારે ૧૧ વાગે તલકચંદ શેઠ આવી જવાના છે અને પરિવાર સાથે પહેલીવાર જમવાના પણ છે. એમના એકના એક જમાઈ તરીકે તારે પણ હાજર રહેવું જોઈએ. અને શીતલને જરા સમજાવી દેજે કે બને ત્યાં સુધી એ શાંત રહે અને એની વાતોમાં ક્યાંય લોભ કે લાલચ ના દેખાય. ધાર્યા કરતાં એને ઘણું બધું મળવાનું છે." મંથન બોલ્યો.
અને રવિવારનો દિવસ પણ આવી ગયો. મંથને આગલા દિવસે શનિવારે સવારે જ કેતાના ઘરે ફોન કરી દીધો હતો.
" કેતા આવતીકાલે તારા પપ્પા સવારે ૧૧ વાગે અદિતિ ટાવર્સના ગેટ ઉપર આવી જશે. હું પણ ગેટ ઉપર હાજર રહીશ અને એમને લઈને અહીં આવીશ. એ કાલે તમારા લોકોની સાથે જ ભોજન લેવાના છે. પિતાને છોડ્યા ત્યારે તો તમે બન્ને નાની ઢીંગલીઓ હશો પરંતુ ૨૩ વર્ષના લાંબા સમય પછી કાલે પહેલી વાર પિતા સાથે ભોજન કરવાનો અવસર તમને મળશે. જમવાની જે પણ તૈયારી કરવાની હોય એ તમે લોકો કરી લેજો. રાજનને પણ મેં કહી દીધું છે એટલે એ પણ શીતલને લઈને કાલે સવારે પહોંચી જશે. " મંથન બોલ્યો.
" જીજુ શીતલને લઈને થોડી વારમાં જ આવી જશે. એ નીકળી ગયા છે. રસોઈની તૈયારી પણ કરવી પડશે ને ! પપ્પાને મળવા માટે તો હું પણ ખૂબ જ ઉતાવળી થઈ છું. તમે વાત કર્યા પછી તો મારું મન પણ બેચેન થઈ ગયું છે. મમ્મી પણ હરખપદૂડી થઈ ગઈ છે. " કેતા બોલી.
અને બીજા દિવસે સવારે ૧૧ વાગે પોતાની બીએમડબલ્યુ ગાડી જાતે ચલાવીને તલકચંદ શેઠ અદિતિ ટાવર્સના ગેટ ઉપર આવી ગયા.
ડાર્ક બ્લુ રંગનો જોધપુરી સૂટ, ટાઈ, ગળામાં સોનાની જાડી ચેઇન, મોંઘા બુટ અને ફ્રાન્સની મોંઘી પરફ્યુમ તલકચંદ શેઠની આગવી પ્રતિભા અને ઓળખ ઊભી કરતાં હતાં. આજે એ સાચા અર્થમાં શ્રીમંત શેઠિયા લાગી રહ્યા હતા !!
મંથન ૧૦:૩૦ વાગ્યાનો જ આવી ગયો હતો. શેઠની ગાડી આવી એટલે એણે તાજાં ફૂલોના બુકેથી સ્વાગત કર્યું અને એમને સાથે લઈને બી ટાવરમાં પાંચમાં માળે પહોંચી ગયો.
પરંતુ અહીં તો અલગ જ દ્રશ્ય હતું. દરવાજો ખુલ્લો હતો અને દરવાજે તોરણ લટકાવેલાં હતાં. અંદરનો ડ્રોઈંગ રૂમ આખો લાઈટીંગથી ઝગારા મારતો હતો. દરવાજાથી શરૂ કરીને છેક સોફા સુધી ગુલાબના ફૂલોની પાંખડીઓથી પગદંડી બનાવી હતી. રૂમ સ્પ્રેની અદભુત સુગંધ છેક બહાર સુધી આવી રહી હતી. કેતાના મોબાઇલમાંથી શરણાઈના ધીમા ધીમા સુર રેલાઈ રહ્યા હતા. અદભુત વાતાવરણ પેદા કર્યું હતું બંને બહેનોએ !!
દરવાજામાં જ બંને બહેનો આરતીની થાળી લઈને ઉભી હતી. સૌથી પહેલાં કેતાએ પપ્પાના કપાળમાં ચાંદલો કર્યો. એ પછી શીતલે એ ચાંદલા ઉપર ચોખા ચોંટાડ્યા. એ પછી બંને બહેનોએ સાથે પપ્પાની આરતી ઉતારી. આરતી ઉતાર્યા પછી થાળીમાંના ચોખાથી પપ્પાને વધાવ્યા અને ઘરમાં આવવાનું આમંત્રણ આપ્યું. આ અદભૂત દ્રશ્ય દીકરીઓની પાછળ ઉભેલાં મૃદુલાબેન ભીની આંખે જોઈ રહ્યાં હતાં.
તલકચંદ તો પોતાના પરિવારનો આટલો બધો પ્રેમ જોઈને છક થઈ ગયા !! એમની આંખો છલકાઇ ગઈ. એમણે ખિસ્સામાંથી રૂમાલ કાઢી આંખો લૂછવી પડી. વર્ષોની દબાયેલી લાગણીઓ એક સાથે ઉભરાઈ આવી હતી. બે હાથ જોડીને એમણે ઘરમાં પ્રવેશ કર્યો અને ગુલાબની પાંખડીઓ ઉપર થઈને જ એ સોફા સુધી પહોંચ્યા અને બેઠક લીધી. મંથન પણ પાછળ પાછળ ગયો.
પપ્પા બેઠા પછી બંને દીકરીઓએ વારાફરતી પિતાના ચરણસ્પર્શ કર્યા અને રજ માથે ચડાવી. બંને દીકરીઓની આંખો પણ ભીની હતી કેટલા વર્ષે પોતાના ખોવાયેલા પપ્પા મળ્યા હતા !!
" હું તમારો ગુનેગાર છું. તમે મને માફ કરી દેજો..... " તલકચંદ બે હાથ જોડીને એટલું જ બોલી શક્યા. ગળે ડૂમો ભરાઈ આવ્યો.
તલકચંદને આજે અહેસાસ થઈ ગયો કે દીકરીઓ એ દીકરીઓ જ છે. દીકરીઓની તોલે દીકરો કદી ના આવે. દીકરો ૨૩ વર્ષનો થયો પણ આજ સુધી કદી પોતાને પગે લાગ્યો નથી. રોજની વાત તો જવા દો... બેસતા વર્ષે કે જન્મદિવસે પણ પગે લાગ્યો નથી !! જ્યારે દીકરીઓ મારી આરતી ઉતારે છે !!!
વાતાવરણ આખુંય ઈમોશનલ થઈ ગયું હતું. તલકચંદે બે મિનિટ માટે એમની પત્ની મૃદુલા સામે જોયું અને આંખો નીચી ઢાળી દીધી...! જિંદગીની એ ભૂલ માટે જાણે કે આંખ મિલાવવાની તાકાત જ નહોતી !!
" શેઠજી આ તમારા જમાઈ છે રાજન દેસાઈ... તમારી નાની દીકરી શીતલના પતિ ! " મંથને હાથ બતાવીને રાજનનો પરિચય કરાવ્યો. રાજન ઉભો થયો અને તલકચંદને નીચે નમીને પગે લાગ્યો. સસરાના આશીર્વાદ લીધા.
એ પછી મંથને મોટી દીકરી કેતાનો અને ત્યાર પછી નાની દીકરી શીતલનો પરિચય કરાવ્યો. યુવાન દીકરીઓને જોઈને તલકચંદ ખૂબ જ પ્રસન્ન થયા હતા.
" કેતા બેટા તું શું કરે છે ? " તલકચંદે પૂછ્યું.
" પપ્પા મેં એમબીએ ફાઇનાન્સ કર્યું છે. હાલમાં હું કંઈ જ નથી કરતી. બસ મમ્મીની સેવા કરું છું. " કેતા બોલી.
" મેં ઇન્ટિરિયર ડિઝાઇન નો કોર્સ કરેલો છે અને પ્રેક્ટિસ કરું છું. મંથન સરની સ્કીમોમાં હું કામ કરું છું અને એમની મહેરબાનીથી ખૂબ સારી પ્રેક્ટિસ ચાલે છે. " શીતલ બોલી.
" અને રાજન તમે શું કરો છો ? " શેઠે પોતાના જમાઈને પૂછ્યું.
"હું પોતે તો સિવિલ એન્જિનિયર છું. અમદાવાદ કોલેજમાં મંથન અને અમે બંને સાથે જ ભણેલા. હાલમાં મારા પપ્પાનો ડાયમંડનો બિઝનેસ હું સંભાળું છું . બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષમાં ઓફિસ છે. જો કે બિઝનેસ તો પપ્પા અને નાનો ભાઈ પ્રકાશ સંભાળે છે. મને પોતાને ડાયમંડમાં રસ ઓછો છે. " રાજને વિગતવાર પરિચય આપ્યો.
"તમે પણ મારા વારસદાર જ છો. હવે તમારે જે પણ કરવાની ઈચ્છા હોય એ કરજો. મૃદુલાને હું જે પણ આપું એનું મેનેજમેન્ટ તમારે જ સંભાળવાનું છે." તલકચંદ બોલ્યા.
" જૂહુ તારા રોડ ઉપર મારો પોતાનો વિશાળ બંગલો છે. વર્ષોથી એ બંધ જેવો જ છે. ત્યાં થોડું રીનોવેશન કરવાની જરૂર છે. મહેતા સાહેબ તમારા કોઈ કોન્ટ્રાક્ટરને કહીને આ કામ તમે સંભાળી લો અને રંગરોગાન પણ કરાવી દો. એ રહેવા લાયક થઈ જાય એટલે મૃદુલાને અને કેતાને ત્યાં શિફ્ટ કરી દઈએ. હું તમને એનું એડ્રેસ આપી દઉં છું. " તલકચંદ બોલ્યા.
" પપ્પા અમને તો આ જગ્યા બહુ જ ફાવી ગઈ છે. શીતલે ઇન્ટિરિયર પણ બહુ જ સરસ કરેલું છે. અમે લોકો વસ્તીમાં રહેલાં છીએ એટલે અમને આ જ એરીયા ફાવે. અમારા માટે થઈને તમારે ત્યાં કોઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. તમે પણ અમારી સાથે અહીં જ રહેવા આવી જાઓ. " કેતા બોલી.
" અરે પણ દીદી રીનોવેશન કરવા દે ને ! બંગલો તૈયાર હશે તો હું અને રાજન પણ ત્યાં શિફ્ટ થઈ શકીશું. ભવિષ્યમાં અલગ થવાનું થાય તો ત્યાં જઈ શકાય ને ! " શીતલથી હવે રહેવાયું નહીં. એની નજર જૂહુ જેવા પોશ વિસ્તારના બંગલા ઉપર હતી !
"ભલે બેટા હું રીનોવેશન કરવાનું મહેતા સાહેબને કહી દઉં છું. આમ પણ બંધ પડેલો છે. ચાલુ હાલતમાં હશે તો તમે લોકો ગમે ત્યારે ત્યાં જઈ શકશો. " તલકચંદ બોલ્યા.
" દીદી તમે અને મમ્મી જ એ નવા બંગલામાં શિફ્ટ થઈ જાઓ ને ! પપ્પા ના સ્ટેટસ પ્રમાણે એમને ફ્લેટમાં બોલાવવા એના કરતાં પપ્પા સાથે તમે લોકો ત્યાં જ રહો. એવું હશે તો આ ફ્લેટમાં હું અને રાજન આવી જઈશું." શીતલે પોતાને બંગલામાં રસ છે એવું ના દેખાય એટલા માટે બીજો વિકલ્પ આપ્યો.
" પપ્પા તમારી તબિયત કેમ રહે છે ? ઉંમર દેખાય છે એટલા માટે પૂછું છું. " બંગલાની વાત કાપીને કેતાએ પૂછ્યું.
" તબિયત તો સારી છે બેટા. બીપી ની દવા ચાલે છે. બે વર્ષ પહેલાં એટેક જેવું આવી ગયેલું પણ પછી ટ્રીટમેન્ટ થી સારું થઈ ગયું. જૈન સંસ્કાર છે એટલે આહાર વિહાર માં બહુ ધ્યાન રાખું છું." પપ્પા બોલ્યા.
"ચાલો હવે તમે બધાં બીજી બધી વાતો પછી કરજો. પહેલાં જમી લો. " મૃદુલાબેન બોલ્યાં.
"હા પપ્પા. ચાલો તમને વોશબેસિન બતાવું. " કહીને કેતા પપ્પાનો હાથ ઝાલીને વોશબેસિન સુધી લઈ ગઈ અને હાથ ધોયા પછી નેપકીન પણ આપ્યો. તલકચંદ શેઠ કેતાની આટલી બધી કાળજી જોઈને અંદરથી ગળગળા થઈ ગયા.
રાજન પણ મનોમન શીતલ અને કેતાની સરખામણી કરવા લાગ્યો. સાસુ સસરાની તો ઠીક પણ શીતલે આજ સુધી આ રીતે મારી પણ કાળજી લીધી નથી !
કેતા પપ્પાને ડાઇનિંગ ટેબલ ઉપર લઈ ગઈ અને ખુરશીને થોડીક પાછળ કરીને એમને બેસાડ્યા. કેતા શીતલ સિવાય બાકીનાં ચાર જણાં જમવા માટે બેસી ગયાં.
જમવા માટે એક પછી એક જે આઈટમો કેતા અને શીતલ પીરસતી ગઈ એ જોઈને જમવા બેઠેલાં ચારેય જણાં આશ્ચર્યચકિત થઈ ગયાં !!
"અરે બેટા... મારા માટે આટલું બધું તે હોય !! " તલકચંદ ભીની આંખે બોલ્યા.
દીકરા વહુએ આજ સુધી ક્યારેય પણ પપ્પાના જમવાની પરવા કરી ન હતી ! હંમેશા એમનો મહારાજ જ પીરસતો હતો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)